“ભુવા અને ભૂત-પ્રેત” ગ્રામ્ય જીવનના સ્તંભ- 13

વજી અમારા ગામના સવજીની વહુ.. બોલાવે ચલાવે ચાલ ચલગતે બહુ જ સારી. હસી મજાક પણ ગમે અમને આ નામ સવજીને વજી બહુ ખાસ લાગતું. કેમ કે તે બેઉ નામથી જ એકબીજામાં સમાયેલાં હતા. બેઉ વચ્ચે મેળ પણ સારો..

એક વાર કોણ જાણે વજીને શું થઈ ગયું. લઘર વઘર કપડાં, વેર વિખેર ઝંટિયાં, લાલચોળ આંખો એક ટીસે જોઈ રહે.. એનુ વર્તન મહાવિચિત્ર ભાશે.. કોઈની ય સામે એમ એકીટસે જોઈ રહે કે સામેવાળો કંપી જાય.. એમાં ય સવજીને તો જુએને મોટા મોટા ડોળા કાઢી તેની વાંહે દોટ મુકે.. લોકો કહે તેને વળગાડ છે. સવજીનો ભાઈ કેસવજી અમારા ગામના ભુવા મફા નાયકને બોલાવવા ગયો. સાંજે આવશે તેમ જવાબ લઈ આવ્યો…

મેં તો કયારેય આવુ વળગાડ જેવુ જાણ્યું નહોતુ. બધા વાતો કરતા હતા કે આજે રાતે મફા નાયક વજીનુ વળગાડ કાઢશે..

કાગડોળે રાહ જોતા રાત પડી અમે સૌ મિત્રો સાથે કેસવજીના ઘર પાસે ગોઠવાઈ ગયા. ભૂત ભૂતાવળની બીક તો લાગતી હતી પણ તેને કેવી રીતે કાઢે છે? તે જોવાની ઉત્કંઠતાએ અમને ત્યાં ચિટકાવી રાખેલ..

મફા નાયક આવી ગયા.. તેમની સાથે બે ડાકલીયા પણ હતા. વજીને બોલાવી તેમની સન્મુખ બેસાડવાની કોશીસ કરી પણ તે ઉભી થઈને ભાગવા માંડે… મફા નાયકે પાણીમંગાવી કંઈક મંત્ર જેવુ બોલી તે વજી પર છાંટ્યુ..

જાણે જાદુ થયો હોય તેમ તે ડાહી થઈ તેમની સામે બેસી ગઈ.

મફા નાયક મોટે મોટે બોલવા લાગ્યા કે…

વીંછી કુંછી વેરિયા વાઘે ય વેડે નઈ
સરપે ય સુંઘે નઈ મારી માતા ભરોસે મેલડી

વજી પર અગરબત્તી ફેરવી..

બોલ કોણ છુ?કેમ આવી છો?

મફા નાયક ગરમ લાય જેવા ક્રોધિત લાગે..

બોલ જવાનુ છે કે નઈ?

કંઈ જવાબ ન મલતાં ફરી પાણી છાંટ્યુ.. તેના વાળની આંટી મારી મંત્રોચ્ચાર કરવા માંડ્યા. જેમ સમય જાય તેમ નાયક પણ બીક લાગે તેવા લાગવા માંડ્યાં.

નળિયુ મંગાવી તેના પર અંગારા મુકી મરચાંનો અને કૂતરાની વિષ્ઠાનો ધૂમાડો તેના મોં પાસે ધર્યો…

વજી બોલી ઉઠી.. બાપલા જાઉં છું.

નાયક કહે. તારે નહીં તારા બાપને જાવુ પડશે. કોણ છુ તું? કેમ આવી છો? શુ લેવા આવી છે?

હુ વાદણ છું. એનો જીવ લેવા આવી છવ..

મફા નાયકે વાળ પકડી ઉભા થઈ વાંસામાં બે ત્રણ ગદડા જોરથી દીધા. વજી બેવડી વળી ગઈ તેનો અવાજ ફાટી ગ્યો.. ચવાણુંને પેંડા લેવા આવી છુ.

નાયક કહે નૈ મલે..

વજી કહે તો ક્યા જવુ છે.

નાયકનો પારો આસમાને ચઢ્યો.. તારી જાતની વાદણ? શુ સમજે છે? તારી જાતને? મારી સામે બોલે છે? ખબર છે તને? મેલડીમાને દાદો હનુમાન મારી પાંહે છે.

એમ નથી જાવુ ને? બોલ નહીં તો તને હનુમાન દાદાને ભળાવુ છું.

વજી બોલી ચવાણુ એક દઈ દો મારે જવુ છે..

નાયક બોલ ફરી આ બાઈને પંડ આવીશ?

વજી: ના નહીં આવુ..

નાયક બોલ આ વસ્તુ હિલ દઈ દઉં તારે હાલ કાળી રાતે જાવુ પડશે છે કબુલ?

વજી બોલી હા.. કબુલ.. જાવું છે..

પછી નાયકે ચવાણૂ મંગાવી તે વજી ઉપરથી ઉતાર્યુ.. તરત જ વજી માથે સાડલો ઓઢી સામાન્ય વરતાવ કરતી હોય તેમ લાગ્યુ. તે ચવાણુ ગામબહાર ચાર રસ્તે મુકવા ગયા. સવજીએ રાજી થઈ નાયકને પચાસ રુપિયા આપ્યા..

હવે વજીનો વળગાડ તો ગયો પણ આ બધુ શું હોય તે જાણવાનો વળગાડ મને વળગ્યો.

એકવાર સમય કાઢી અમારા મફા નાયક પાસે ગયો.. તેમને આપેલ તેમની આ બાબતની જાણકારી પ્રશંસનીય હતી…

તેમના જણાવ્યા મુજબ…

સામાન્ય રીતે ભુત એટલે સંસારમાં કોઈ ઈચ્છા અધુરી રહી ગઈ હોય તે ઈચ્છા મનમાં રહી જવાથી અવગતિ પામેલો જીવ. આ જીવ સ્મશાનમાં,ઝાડ પર રહે છે.

ધર્મશાસ્ત્રમાં બે પ્રકારની શક્તિઓ બતાવવામાં આવે છે.

#દૈવી_શક્તિ

દૈવી શક્તિમાં લોકો દેવી-દેવતાઓને માને છે અને તેની ઉપાસના કરે છે.

#અસુરી_શક્તિ.

અસુરી શક્તિઓને ભુત-પ્રેતના નામથી ઓળખીએ છીએ. એવુ મનાય છે કે અસુરી શક્તિઓના પ્રભાવમાં જે કોઇ આવે તેને ઘણી પ્રકારની મુશ્કેલીઓ વેઠવી
પડે છે.

ભૂત શું છે?

ભૂતનો અર્થ છે વીતેલો સમય. બીજા અર્થમાં જોઈએ તો મૃત્યુ બાદ અને નવા જન્મથી પહેલાંના સમયમાં, પૂર્ણ ન થઈ હોય એવી ઈચ્છાઓના કારણે મનના સ્તર પર ફંસાયેલા અવગતી પામેલ જીવાત્માને જ ભૂત કહેવામાં આવે છે.

આત્માનાં ત્રણ સ્વરૂપ માનવામાં આવે છે.

૧.જીવાત્મા:-

જે ભૌતિક શરીરમાં વાસ કરે છે તે જીવાત્મા કહેવાય છે.

૨.પ્રેતાત્મા:-

જ્યારે વાસનામય શરીરમાં જીવાત્માનો નિવાસ થાય ત્યારે તે પ્રેતાત્મા કહેવાય છે.

૩.સુક્ષ્માત્મા:-

આત્મા જ્યારે અત્યંત સુક્ષ્મ પરમાણુથી બનેલા સુક્ષ્મતમ શરીરમાં પ્રવેશે કરે છે તે અવસ્થાને સુક્ષ્માત્મા કહેવાય છે.

ભુત-પ્રેતોની ગતિ તથા શક્તિ અપાર હોય છે. તેમના પ્રકાર પણ અલગ-અલગ હોય છે. જેમાં ભૂત, પ્રેત, રાક્ષસ, પિશાચ, યમ, શાકિની, ડાકિની, ચુડેલ, ગંધર્વનો સમાવેશ થાય છે.

ભૂતોનાં પ્રકાર –

૧૮ પ્રકારનાં પ્રેત હોય છે. ભૂત, પ્રેત, રાક્ષસ, પિશાચ, યમ, શાકિની, ડાકિની, ચુડેલ, ગંધર્વનો સમાવેશ થાય છે. ભૂત સૌથી પ્રારંભિક નામ છે..

ચુડેલ:-

ગર્ભવતિ સ્ત્રી અથવા પ્રસુતાનું મોત થાય અને તેની આત્મા ભટકે તો તેને ચુડેલ કહે છે.

દેવી:-

કોઈ કુંવારી કન્યાનું અકાળ મોત થાય તો તેની ભટકતી આત્માને દેવી તરીકે ઓળખવામાં આવે છે.

ડાયન/ડાકણ:-

કુકર્મ આચરતી સ્ત્રીનું મોત થાય અને તેની આત્મા ભટકે ત્યારે તેને ડાકણ કહેવાય છે. આદિવાસી ઈલાકાઓમાં જો કોઈ બાઈ વળગી હોય તો તેને ડાકણ કહે છે. કોઈ આદિવાસીનો દીકરો દીકરી માંદા પડે ને તે ભુવાને જ બતાવે તેવો ધારો હતો.

તેનાં માબાપ ભુવાને બતાવે..ભુવો કારણ કાઢી કહે કે ફલાણાવાળી(આદિવાસીમાં પત્નીને તેના પતિના નામ સાથે જોડી દેવાય છે) તારા છોરા કે છોરીને વળગી છે.ભુવાની વાત પણ મનાતી હતી.પછી છોકરા/છોકરીના કુટુંબીઓ મળી વળગેલી સ્ત્રીના ઘરવાળા(પતિ) પાસે જઈ ભુવાની વાત કરે તે સ્ત્રીનો પતિ પોતાના ભુવાને બોલાવી વેણ વધાવાના દાણા જોવડાવી,જો વાત સાચી માલુમ પડે તો તે વળગનારી સ્ત્રીના માબાપને બોલાવે અને તેમની હા હોય તો તે સ્ત્રી તે ભુવાઓ સોંપી દે…

ત્યાર પછી ભુવાઓ ભેગા થઈ તે સ્ત્રીને ઝાડ પર ઉંધી બાંધે,હેઠે મરચાંનો ધુપ કરે, મારઝુડ પણ કરેને હિંચકા ખવરાવે..ને તે સ્ત્રીએ બતાવવુ પડે કે તે શીદ વળગી છે?
છોરો/છોરી જીવશે કે નૈ?ને તે પણ બતાવવુ પડતુ કે તે બીજાને નૈ વળગે..પછી જ નીચે ઉતારાતીને તેના કપાળે દાંતરડાનો ડામ દઈ જવા દેવાતી..શરત એ પણ રહેતી કે છોરો/છોરી મરશે તો તેણેે ય મરવુ પડશે.આવી વિચીત્ર વાત સાંભળી નવાઇ લાગી.

આ તમામ પ્રકારનાં ભૂતોની ઉત્પત્તિ પાપકર્મ, વ્યભિચાર, અકાળ મૃત્યુ અથવા શ્રાધ્ધ નહીં કરવાને લીધે થતી હોય છે.

પ્રેત શું છે?

વ્યક્તિ પોતાના પંચ તત્વથી બનેલા શરીરને છોડ્યા બાદ અંતિમ સંસ્કારથી લઈને પિંડ દાન વગેરે ક્રિયાઓ પૂર્ણ થાય ત્યાર સુધી જે અવસ્થામાં રહે છે તે પ્રેત યોની કહેવાય છે.

કેમ ભૂત-પ્રેતને જોઈ શકાતા નથી?

તંત્ર શાસ્ત્ર મુજબ જીવિત મનુષ્યનું શરીર પાંચ તત્વોથી બનેલું છે, પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિ. માનવ શરીરમાં સૌથી વધુ માત્રા પૃથ્વી તત્વની હોય છે. આ તત્વ નક્કર હોય છે એટલે જ મનુષ્યનું શરીર સહેલાઈથી જોઈ શકાય છે.

ભૂત-પ્રેતનાં શરીરમાં વાયુ તત્વ વધુ હોય છે. વાયુ તત્વને જોવું મનુષ્ય માટે શક્ય નથી આનો માત્ર આભાસ કરી શકાય છે.

અમુક ખાસ પરિસ્થિતિઓમાં જ તેમને જોઈ શકાય છે.

ભૂત ક્યાં રહે છે?

દરેક નકારાત્મક શક્તિઓની જેમ ભૂત પણ અંધારા અને સુમસાન જગ્યાઓ પર વાસ કરે છે. ખાલી પડેલા મકાન, ખંડેર, ઝાડ, કૂવા, વાવ વગેરેમાં ભૂત નિવાસ કરી શકે છે.કોકવાર ચકલેને ચૌટે ય રહે છે તેથી ત્યાં ઉતાર મુકાય છે.

ભૂત શું ખાય?

ભૂતનુ ગળું સોયના નાકા જેવડું સાંકડું હોય છે. તેને રોજ મબલખ એટલે દશબાર બેડાં પાણી જોઈએ છે. પાણીનાં સ્થળો પર વરુણદેવની ચોકી બેસાડેલી હોવાથી ત્યાંથી ભૂત પાણી પી શકતાં નથી તેથી તે મળમુત્ર પર જીવે છે.

ભૂત-પ્રેત બાધાથી પીડિત વ્યક્તિના લક્ષણ શું છે?

પ્રેત બાધાથી પીડિત વ્યક્તિની આંખો સ્થિર, અડધી બંધ અને લાલ રહે છે.

શરીરનું તાપમાન સામાન્યથી વધુ રહે છે.

હાથ-પગના નખ કાળા પડી જાય છે.

આવા વ્યક્તિની ભૂખ, ઉંઘ બહુ ઓછી થઈ જાય છે અથવા બહુ વધી જાય
છે.

સ્વભાવમાં ગુસ્સો, જિદ્દ અને ઉગ્રતા આવી જાય છે. શરીરમાંથી દુર્ગંધયુક્ત પરસેવો નીકળે છે.

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદ રેખા છે જે અવાર નવાર ભેદાયા કરતી હોય છે પરિણામે શ્રદ્ધા અંધશ્રદ્ધાનું કચુંબર થઈ જતું હોય છે.

શ્રદ્ધા : એટલે કોઈપણ બાબતની હયાતીને શોધવા માટે આપણી પાસે હાથ, પગ,જીભ, નાક, આંખ અને કાન જેવી ઇન્દ્રિયો છે છતાંય આ તમામ સેન્સ દ્વારા જેતે બાબત ના અસ્તિત્વને સાબીત કરવામાં આપણે નિષ્ફળ જઈએ છતાંય માનીએ કે તેનું અસ્તિત્વ છે તેને આપણે શ્રદ્ધા કહીએ છીએ.

આ શ્રદ્ધા આજકાલ ઓવર થવા લાગી છે એટલે અંધશ્રદ્ધામાં ખપી રહી છે.

ગામડામાં આજે પણ ભૂત કે અન્ય કોઈ કારણસર અમુક પ્રકારનું ખાવાનું ગામની ભાગોળે ચકલામાં મુકવામાં આવે છે.એમ પણ કહે છે કે……
અઢાર ઘંટીનો લોટ નથી ચાખ્યો પણ ઘણાં બધા ચકલાનો ચઢાવો ચાખ્યો છે.

ભૂતની હાજરીના સંકેત:-

અચાનક તમારા શરીરમાં દુઃખાવો થાય અથવા આસપાસ કોઈ ન હોય તો પણ તમને એવું લાગે કે તમને કોઈ સ્પર્શ કરે છે.

કોઈ આત્મા તમારી સાથે વાત કરવા માંગે છે અથવા તમારી આસ-પાસ છે. જાણો એવા કેટલાંક સંકેતો વિશે જે તમને આસ-પાસ કોઈ આત્મા હોય તેનો અહેસાસ કરાવે છે.

કોઈ પણ કારણ વગર રૂમની લાઈટ બંધ થઈ જાય અથવા ચાલુ-બંધ થતી હોય તો તે પણ એક પ્રકારનો સંકેત છે.

કોઈ અચાનક મૃત્યુ થયેલ વ્યક્તિના નંબરથી ફોનકોલ આવે અથવા આવા અજાણ્યા કોલ આવે જે એક વાર રિંગ વાગીને બંધ થઈ જાય

તમારી પાસેથી કોઈ પસાર થઈ રહ્યું છે અથવા કોઈ પડછાયો દેખાય છે પરંતુ જેવું તમે તેતરફ જુઓ છો ત્યારે કોઈ હોતું નથી, તો તે જરૂરી નથી કે એ તમારે વહેમ હોય પરંતુ આત્મા પણ હોઈ શકે છે. જે તમારું ધ્યાન પોતાના તરફ ખેંચવા માગે છે.

ઘણી વખત ઘડિયાળ એક ખાસ સમય પર આવીને અટકી જાય છે અથવા વાંરવાર તે જ સમય બતાવે છે. જો તમારી સાથે આવું થયું હોય તો સમજી જવું કે તમારી આસપાસ કોઈ પ્રેત છે.

ભૂત થઈ ગયેલા આત્માની સદગતિ થાય?

કેટલાક અવગતીયા તેમના કુટુંબીઓને પરચો આપે છે,સ્વપ્ને ચઢે છે,નડતર કરે છે ત્યારે કુટુંબવાળાં કાળી ઠીબમાં ખાવાની, ભાણામાં ધુળ નાખી ખાવાની,ઉઘાડે માથે ફરવાની, અમુક ચીજ જેવી કે ટોપરૂ,ઘી કે દૂધ ન ખાવાની બાધા રાખતા હોય છે.પગમાં જોડા નહીં પહેરવાની ઉઘાડા પગે જાત્રા કરવાની પણ બાધા રાખે છે.

છેલ્લે સોમનાથ કે નર્મદા કિનારે ચાંણોદ જઈ મૃતાત્માની સદગતિ માટે વિધી કરાવે છે.આમ તેની ભુત યોનીથી મુક્તિ થાય છે.

ભૂતની વાતોમાં સચ્ચાઈ કેટલી?

કોઈક વાર આના નામે ધતીંગ પણ ચાલે છે. ક્યાંક એવા ય ઢોંગી હોય કે નોકરીધંધો કરતાં જોર આવે તેવા ય હોય છે પણ અમને એનો અણસારો આવી જતો હોય છે અમે તેને મરચાંનો ધુમાડો સારો એવો કરીએ એટલે તેની બકરી બેં થઈ જાયને કબુલે કે અમારા ડોળ છે…

કેટલીક બદચલન બાઈઓ પણ આવાં નિટક કરતી હોય છે.તેમનાં પણ જુઠાંણાં અમને ખબર પડી જાય…

મારો છેલ્લો સવાલ હતો…

તમને વળગાડ કાઢવાના પૈસા ય સારા મળતા હશેને?

જવાબમા જણાવ્યુ કે..પૈસા તો ઠીક પણ અમારે આ અસુરી શક્તિઓ વસ કરવા ધણું જ જાળવવું પડે છે. ક્યાંક ચુક થાય તો અમારે પણ ભારે ભોગવવાનુ થાય છે.

અમારે ય મોટા એલમીઓ પાસે જવું ય પડે છે…

ભૂત પર કેટલીક કહેવતો:

ભુતનું ઠેકાણું આંબલી
ભૂત મરેને પલિત જાગે..

આવા ભલે અભણ પણ આપણાથી ય વિશેષ જાણકારી ધરાવતા સ્તંભોથી જ ગ્રામ્યજીવન ટકી રહેલ છે.

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!