“કૃષિ સહાયક-મેઘા મહેતર” ગ્રામ્ય જીવનના સ્તંભ- 12

અગાઉના સમયે આખેઆખુ ગ્રામ્યતંત્ર ગરાગવટી પર ચાલતુ. વાળંદ, સુથાર, કુંભાર તમામ વસવાયા કોમ ગરાગવટી પ્રથા પર જ હતી.

મેઘા મે’તર અમારા ખેતીના દરેક કામકાજે મદદ કરે પછી ભલેને વાવણી હોય, નિંદામણ હોય કે લણણી હોય કે ખળાનું કામ હોય તે બધાં જ કામમાં સપરિવાર હાજર જ હોય…

ખળાં લીપવાના હોય, વાળીઝુડીને સાફ કરવાનાં હોય તે બધાં જ કામ મે’તરના પરિવારની સ્ત્રીઓ કરે…

આ બધાં જ કામ માટે વરસે દહાદે અનાજ તેમજ રોકડની ય સહાય કરાતી તેની કોઈ હાજરી કે દાડી ગણાય નહીં.

મેઘા મે’તર ઉંમરે મારા બાપાથી ય મોટા, વંશ પરંપરાગત અમે તેના ગરાગને તે અમારા ગરાગ, મોટી ઉમરને લઈ અમે ય મેઘાબાપા ય કહેતા..

મારા નાનપણે અમે તેમને અડકતા નહીં પણ તેથી મને ઘણી જ નવાઈ લાગતી. ઘરનાં મોટાને પુછતાં કંઈ સમાધાન થાય તેવા જવાબ ન મળતાં મારી જિજ્ઞાસા પણ દિનપ્રતિદિન પ્રબળ બનતી ગઈ.

એક વાર અમારા ખેતરે જુવાર હતી. કાબર, ચકલાં ચણી ન જાય તે માટે મેઘા મે’તરને ઉચ્ચક દાણા આપવાનુ નક્કી કરી તે જાર પર ચકલાં ઉડાડવાનુ સોંપેલ…

ખેતર વચ્ચે સરસ મજાનો માંચડો.. તેમના દીકરાએ બનાવી આપેલ તેમાં બેસી સવાર સાંજ મેઘાબાપા ચકલાં ઉડાડે…

એક દિવસ રજા હોવાથી હુ જારવાળા ખેતરે ગયો ત્યાં મેઘાબાપાને જોઈ પેલી અભડછેટ વાળી જિજ્ઞાસાએ જોર પકડ્યુ. મેઘાબાપા માંચડે બેઠા હતા.

ત્યાં પહોચ્યો ત્યારે બપોરનો સમય હોવાથી ચકલાં આવતાં નહોતાં.

મેં મેઘાબાપાને બોલાવ્યા અમે બેઉ શેઢે લીમડા નીચે બેઠા.

મારી પ્રશ્નોતરી ચાલુ થઈ.

મેઘાબાપા,અમારે તમને અડાય કેમ નહી?

જવાબમાં મેઘાબાપાએ શરૂ કર્યુ. ભાઈ આ જમાનામાં તો સારૂ છે કે અમે ગામમાં તો રહીએ છીએ. અગાઉના કાળમાં અમો ગામ બહાર વસતા હતા.

આગળના સમયમાં એટલે કે હું નાનો હતો ત્યારે ગામના રસ્તે ચાલતી વેળા અમારી જ્ઞાતિએ મોં આડે જૈન મુનિઓની જેમ લુગડું બાંધી રાખવું પડતુ. અમારાં પગલાં પડે તે ભુસવા ઝાડની પાદડાંને નાની ડાળીઓ વાળી ડાળ પાછળ લટકે તેમ બાંધવી પડતી.

અમારે એવાં અલગ આકારનાં કપડાં પહેરવા પડતા જેથી અમારી અલગ ઓળખ થાય કે છાંટ લેવા જેવા છીએ તેની ખબર પડે.

ઉજળી કે’વાતી વરણ પર અમારો પડછાયો ય પડવા નહીં દેવાનો…

મને ગ્લાનિ થઈને લાગ્યુ કે આ તો સરાસર અન્યાય કહેવાય… માણસ માણસ પ્રતિ આવો વ્યવહાર ઠીક નહીં.

તરત જ મારાથી પુછાઈ ગયુ કે આ બધુ અત્યારે તો નથી.. ક્યાંક જ રહી ગયું હશે. જવાબમા મેઘાબાપા પણ રંગમાં આવી ગયા…

તેમણે કહ્યુ: પાટણ નરેશ માળવાની જીત મેળવી પણ તેના આનંદ કરતાં સહસ્ત્રલીંગ તળાવ પાણી વગરનું હોવાનો ભારે રંજ હતો.

જોશી જાણકારોને પુછપરછ કરી કે આ તળાવમાં પાણી કેવી રીતે આવે?

સહુ જાણકારોએ ગોષ્ઠી કરી રાજને જણાવ્યું કે…..

“કોઈ બત્રીસ લક્ષણો પુરૂષ પોતાની સ્વેચ્છાએ જળદેવને પોતાનો ભોગ આપે તો જ આ તળાવમાં મબલખ પાણી હિલોળા લે”

પરંપરા મુજબ રાજમાં ઢોલની દાંડી પીટાવી સળંગ બે દિવસ સુધી આવા બત્રીશ લક્ષણા પુરુષની શોધ કરવામાં આવી.

આ ઢોલની દાંડી પીટી જાહેરાત કરનાર હરિજન મયો હતો. કોઈ વીર પુરુષ પાણી માટે ભોગ આપવા આગળ આવ્યો નહીં.

આમ મયાને વિચાર આવ્યો કે સમગ્ર હરિજન જાતના હિત માટે અને સર્વ કોમનું પાણીનું દર્દ દુર કરવા માટે મયો પોતાની જાતનું બલિદાન દેવા તૈયાર થયો…

તેણે રાજન સમક્ષ રજુઆત કરી કે…. હુ બલિદાન દેવા તૈયાર છું. પણ મારી નાત જે.. ગામ બહાર વસે છે તેને ગામે વસાવો. ગળે થુંકવા માટે જે કુલડી બંધાય છે તે છોડાવો.

*માથેથી સુતરનો ફાળકો છોડાવો…

* અમારી પાછળ પગલાં લુસવા જે ઝૈડુ બંધાવો છો તે છોડાવો..

આમ કરીને મયાનું બલિદાન દેવાયું. કહેવાય છે કે તરત જ તળાવમાં પાણી હિલોળે ચઢેલ…

રાજને પણ મયાની ઈચ્છા પુરી કરી તેની નાત માટે તેના માગ્યા મુજબ છુટછાટો આપી…

આમ આ ધૃણાસ્પદ પરંપરાનો અંત આવ્યો. પાટણ રાજ્યમા હરિજનોનેઆ બધી જ છુટ આપી.

આથી અમારામાં કેટલાક પોતાને માયાવંશી ઓળખાવે છે…

આમ આ બલિદાનથી બનેલ ઈતિહાસ મયા હરિજન અને જસમા ઓડણ દેરી સાચવીને બેઠી છે.

આઝાદી પછી મહાત્માજી, આંબેડકરજીએ આ અભડછેટની પ્રથાને નિર્મુળ કરી છે.

મેં એ પણ પુછી લીધુ કે તમારામાં કેટલી અટકો આવે?

અમારામાં વણકર સુતરાઉ કપડાંનુ વણાટ કરે એટલે વણકર અટક કહે છે.

આ પછી ડાંગશીયા અટક આવે.. ડાંગશીયા એટલે ડાંગવાળા.. મુળે આ ભરવાડ હતા પણ તેમનામાંથી એકે હરિજનની દીકરી સાથે લગ્ન કરી લીધાં.. ભરવાડ સમાજે
તેમનો ત્યાગ કરી દેતાં તે અમારામાં ભળી ગયેલા તે ઉનનુ વણાટ કરે છે જે મોટેભાગે ભરવાડ કોમની સ્ત્રીઓ પહેરે છે.

આ ઉપરાંત અમારામાં સેજુ, ખાજુ, રૂખડા,રાણવા,પરમાર, સોલંકી, અઘેરા, મકવાણા, ચાવડા, ગોહેલ, રાબડીયા, જેપાળ, જીતિયા, સિંધ, ચુવાણ, ખંડવી, વણિયા આપભ્રંશિત વાણિયા, ભાજાકડા, બોખા, વરમોરા, બકિયા, સોમેશ્વર, બઠિયા, ડોડીયા, ઝાલા, ઓળગાણા, મલકાણા, હલાલખોર, લાલબેગી, કોરાર, ઝાડમલ્લી, શેનવા, સેડમા, રાવત, સેનમા,બારોટ, તીરગટ અટકો આવે

કેટલાક પોતાના કામધંધાને ગામ પરથી પણ અટકો રાખે છે.

કેટલીક વાતો પણ એમણે કહી કે…

મહેસાણા જિલ્લાનાં વિસનગર તાલુકાના કાંસા ગામના વણકરવાસમાં આવેલું પૂજનીય શ્રી બાવાજી નું મંદિર દલિત સમાજ માટે મહત્વનું મંદિર છે.

ઝાંઝરકામાં આવેલ સંત શ્રી સવૈયાનાથનું મંદિર પણ ગુજરાતના દલિતો માટે મહત્વનું મંદિર છે.

*ધ્યાનેશ્વરને 13મી સદીમાં તેમને હિન્દુ ધર્મમાંથી બહિષ્કાર કરી દલિતનો દરજ્જો આપવામાં આવ્યો હતો પરંતુ તેમણે ભગવત ગીતાપરનો વૃત્તાંત ‘ધ્યાનેશ્વરી’ રચવાનું ચાલુ રાખ્યું હતું.

*એકનાથ અન્ય એક બહિષ્કૃત બ્રાહ્મણ હતા. તેઓ ભક્તિ યુગ દરમિયાન અસ્પૃશ્યોના હકો માટે લડ્યા હતા.

*દલિત સાધુઓના ઐતિહાસિક ઉદાહરણોમાં 14મી સદીમાં થઈ ગયેલા ચોખામેલાનો પણ સમાવેશ થાય છે. તેઓ ભારતના નોંધનિય પ્રથમ દલિત કવિ હતા.

*સંત રવિદાસ જોઓ કુટબાંઢલા શાખાના ચમાર પરિવારમાં જન્મ્યા હતા.

*15મી સદીના સાધુ શ્રી રામાનંદે પણ તેમના ધર્મસંઘમાં અસ્પૃશ્યો સહિત તમામ જાતિઓનો સ્વિકાર કર્યો હતો. આમાંથી મોટા ભાગના સાધુઓ જાતિવાદને નકારતા મધ્ય યુગના હિન્દુત્વના ભક્તિ આંદોલનમાં થઈ ગયા. નીચલી જાતિના હિન્દુ સંત નદાંનરે પણ જાતિવાદનો અસ્વિકાર કર્યો હતો અને દલિતોને અપનાવ્યા હતા.

*1936 અને 1947 દરમિયાન કેરળના રજવાડી રાજ્યો દ્વારા તમામ હિન્દુઓને મંદીરોમાં પ્રવેશવા અંગે કરવામાં આવેલી જાહેરાત છતાં પણ કેરળમાં અછુતપણાની વ્યવસ્થાનો અંત લાવવામાં ઘણો લાંબો સમય લાગ્યો હતો.

*1928માં વર્ધામાં ઉચ્ચ જાતિના મંદીર લક્ષ્મિનારાયણ મંદીર ખાતે પ્રથમ વખત દલિતોને ખુલ્લા દિલથી આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ 1936માં ભારતીય રાજ્ય કેરળમાંત્રાવણકોરના છેલ્લા રાજાએ મંદીર પ્રવેશની જાહેરાત કરી

*દલિતો માટે અલગ મતદારમંડળ હોવું જોઈએ કે ન હોવું જોઈએ તે મુદ્દે 1930માં મહાત્મા ગાંધી અને બી.આર.આંબેડકર વચ્ચે ભારે સંઘર્ષ ચાલ્યો હતો. સંયુક્ત મતદારમંડળ માટે ગાંધીજીને આંબેડકરનું સમર્થન ન મળ્યું તેમ છતાં ગાંધીજીએ દલિતોને મદદ કરવા માટે “હરિજન યાત્રા” શરૂ કરી હતી.

*ઓગસ્ટ 2006માં દલિત કર્મશિલ નામદેવ ધશલ પણ કુહાડી બાળવાના પ્રયત્નરૂપે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે મંત્રણા યોજી હતી. હિન્દુ મંદીરો વધુને વધુ દલિત સંતોને ગ્રહણ કરી રહ્યાં છે. જે કાર્ય અગાઉ બ્રાહ્મણો માટે અનામત હતું. દા.ત. સુર્યવંશી દાસ બિહારમાં ઉલ્લેખનિય મંદીરના પૂજારી છે. છુટક પ્રસંગોના પુરવા દર્શાવે છે કે હિન્દુ દલિત વિરૂદ્ધના ભેદભાવમાં ધીમો પણ સ્થિર ઘટાડો થઈ રહ્યો છે.

* સુબ્રમણ્યમ ભારતી જેવા બ્રાહ્મણોએ દલિતોમાં બ્રાહ્મણપણું લાવ્યા હતા અને શિવાજીના મરાઠા સામ્રાજ્યમાં દલિત હિન્દુ યોદ્ધા હતા. (મહાર રેજિમેન્ટ) અનેસિંધિયા દલિત રાજ્ય. આધુનિક સમયમાં રામચંદ્ર વિરપ્પા અને ડૉ. સુરજ ભાણ જેવા ભારતીય જનતા પક્ષના નેતાઓ છે.

*ઢસાના રાજવી શ્રી ગોપાળદાસે પણ તેમના સમયમાં ગામના દલિતોના કુવામાં પાણી સુકાઈ જતાં સવર્ણોએ તેમને પોતાના કુવેથી પાણી ન ભરવા દેતા રાજવીએ પોતાના દરબાર ગઢના કુવેથી પાણી ભરવાની છુટ આપી હતી.

દરબારની આ વાત ગામ લોકોને ગમી નહીં એટલે તેમણે અંત્યજોને કરિયાણાની દુકાનેથી સીધુ-સામાન વેચાણથી આપવાનું બંધ કર્યું.

આથી રાજાએ અંત્યજો માટે એક વિશેષ દુકાન ખોલી અને સસ્તા દરથી વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું.

આ ઉપાય કામ કરી ગયો. ગામ લોકો રાજા પાસે આવ્યા અને કહ્યું કે ‘તેઓ બીજો કુવાના નિર્માણ માટે થનાર ખર્ચના પચાસ ટકા રકમનો ફાળો આપવા તૈયાર છે.

બાકીની રકમ રાજા આપે’. રાજા એટલે દરબાર ગોપાળદાસ. અંત્યજો માટે અલગ કુવો બન્યો. એ વખતે અંત્યજો માટે અલગ કુવો કરવો એ પણ એક ઐતિહાસિક પગલું હતું.’

કેળવણીને વેગ આપવા ગોપાળદાસ દેસાઈએ ટૂંક સમયમાં જ ઢસામાં ચાર શાળાઓ શરૂ કરી. તેમાં એક શાળા દીકરીઓ માટે અને એક શાળા અંત્યજો માટે પણ હતી.

આજથી એક સદી પહેલા સૌરાષ્ટ્રમાં તેઓ એકમાત્ર એવા રાજવી થયા જેમણે ‘હરિજનો’ને પોતાની પાસે બેસાડ્યા. ગળે લગાવ્યાં. હવે તો આમાંનુ ક્યાંય રહયું નથી અને
અભડછેડ અપૃશ્યતા નામશેષ થઈ ગઈ છે. જે આનંદની વાત છે.

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!