“કુંભાર” ગ્રામ્ય જીવનના સ્તંભ- 31

ખેતીવાડીની શરૂઆત માનવે કરી. અનાજ સંગ્રહવા માટે માટીના ઘડા જેવા વાસણો બનાવતા શીખ્યા. તેમજ અન્ય નાના-મોટા ગૃહ ઉપયોગી પાત્રો બનાવવાની શરૂઆત થઈ. સમયાન્તરે માટીના રમકડા બનાવવા લાગ્યા. માટીનો કુંભ બનાવ્યો. જેથી તે કુંભકાર કહેવાયો.

જેનો લોકબોલીમાં ઉચ્ચાર કુંભાર થયો હોય તેમ જણાય છે. જેથી કહી શકાય કે જ્યારે વર્ણો કે જાતિ બની નહોતી ત્યારથી કુંભાર અને તેની કલા પ્રચલિત હતી.

માટીકામ એ બહુ જ પુરાણી કળા છે. તેના પુરાવા મોહજોદરોના અવશેષો છે. અમારા કુંભાર, પ્રજાપતિ શ્રીમાન માધા. લાલા. ગામને છેડે એમની વર્કશોપ યાને નિંભાડો. એમના ઘરવાળા સમુભાભી.. અમારા માધા ભાઈ ઝીણી કણુંચીના કાઠીએ ય દુબળા.. સામે અમારા સમુભાભી કદે ઉંચા ને પહોળાં ય ખરાં…..

આમ તો વિરોધાભાસ વચ્ચે બેઉને સુમેળ સારો. આમ તો માધાભાઈ શાંત સ્વભાવે પણ કોકવાર તેમના નિંભાડે ય હાંડલા !!ય ખખડતાં, કામની બટબડાતી હોય, વરસાદ આવી જાય તેવુ્ હોય, નિંભાડો ખડકાતો હોય ત્યારે સમુભાભી સાથે જામી ય પડતી અમારા કદાવર સમુભાભી સામે ઝાઝુ વળતું નહી. પણ કુંભાર ગધેડા પર દાઝ કાઢે તે કહેવત તો ખરી પણ આમને ગધેડું તો હતું નહી પણ તે દાઝ કાચા માટલાં પર કાઢતાને ખડકતાં ખડકતાં દશબારનો ભુક્કો ય બોલાવતા.. છતાં ય એક વિજયી યોધ્ધાની જેમ સમુભાભી મુછમાં હસીને વિજયોત્સવ ઉજવતાં..

મુછમા હસવાની વાત આવી એટલે એ પણ કહી દઉં કે … અમારાં ‘સ(છ)મુ’ને ‘મુસ(છ)’ પણ આછી આછી હતી. નાનપણમાં અમે અવળે સવળે આમ બોલતા…”સમુ ની મુસ”

આમ તો ગામમાં કુંભારના બીજાં ઘરે ય ખરાં. એક આ માધાભાઈ જ માટીકામ કરતા સાચા અર્થના કુંભાર હતા.

પ્રભાતના પહોરે સમુભાભી ગામ તળાવથી માટી લાવી તેને ચાળીને પલાળતા. અમારા માધાભાઇ એમાંથી પીંડ તૈયાર કરી ભાત ભાતનાં ને જાત જાતના ઘાટ ચાકડે ચઢાવી ઉતારતા.

તેમને ધાટ ઉતારતા જોવા તે લહાવો હતો. પણ તે કળામાં આજે બહુ ફેરફારો થયા નથી. પહેલાંના જમાનામાં કુંભાર એકાવન જાતના ઘાટ ઉતારતા હતા. હવે ઈલેકટ્રીક ચાકડા પણ આવ્યા છે. પરંતુ ઘરાગીને અભાવે માધાભાઇ આટલા જ ઘાટ ઉતારતા હતા. પ્રથમ તે ગાગર બેડિયું ઉતારતા હતા તે ગઢેચી માતાને ચઢાવવાની પ્રથા છે.

આ બધા જ ઘાટ ઘડતા હતા.

૧.ગાગરબેડિયું ર.નળિયાં ૩.છાશની દોણી ૪.મોભિયાં ૫.સાંતકીયા ૬.ધોઘા ૭.ગરબો ૮. કદો(પાટિયો)૯.તાવો ૧૦.કથરોટ ૧૧.તાવડી ૧૨.કડહલી ૧૩.દહીં વલોવવા મોટી ગોળી. ૧૪.કુલડી(ભંભો) ૧૫.ઘીની વાઢી ૧૬.કુંડ-કુંડી ૧૭.દળણાંની કુંડી ૧૮.જાકરો ૧૯.ધૂપિયું ૨૦.પાણીની બતક ૨૧.માણિયો ૨૨.માણ ૨૩.ગોળો ૨૪.માટલું ૨૫.મોરિયો ૨૬.ધડુલીયો ૨૭.માટલું ૨૮.ગડ્ડુડી ૨૯.ગુજરડો. ૩૦.આવડીયું ૩૧.લોટી ૩૨.ઢાંકણી ૩૩.ચકલો ૩૪.પડધલો ૩૫.રામૈયું (રામપાતર) ૩૬.કોડિયું ૩૭.કુલડી (નાની) ૩૮.ચલમ ૩૯.હોકલી ૪૦.ઉભી ચલમ

દિવાળી પહેલાં સમુભાભી ટોપલાં ગરાગને ઘેર કુલડીને કોડાયાં મુકતાં.. તેના બદલે રોકડ પણ મળતી.

દિવાળીના દિવસે માધાભાઇ ચાકડા પર મેરાયાં ઉતારે તે ગામનાં છોકરાં લઈ જાયને તેમા લાકડાનો દંડો પરોવી તેમાં તેલવાળી કપડાની વાટ પરોવી દિપાવીને ગાય, ભેંસ, બળદને બતાવી તેની પર ફેરવી ગામ બહાર ફેંકી આવે..

આમ ગામજનોને દિવાળીનાં મેરાયાં (ગાગમાગડી), બાળકોનાં રમકડા પણ પુરા પાડતા.

આ ઉપરાંત ગામમાં કોઈને ત્યાં લગ્ન હોય ત્યારે બાઈઓ ગાજતે વાજતે ગણેશ માટલીને ગોત્રીજાની માટલી લેવા ગાજતે વાજતે આવે…

ચોરીમાં મુકવાનાં ચિતરેલાં વાસણો કુંભારણ મુકી આવતી…

અગાઉના સમયમાં જ્યારે પાણી કુવેથી સીંચી લાવવું પડતુ હતું ત્યારે લગ્ન પ્રસંગે લગનના વરાનુ, લગ્નવાળાને જોઈતુ પાણી કુંભારો ભરતા હતા.

શિયાળામાં પકવેલ માટલામાં પાણી સારુ ઠરે તેવી માન્યતા હતી હોળીના પહેલાં ગામની સ્ત્રીઓ નિંભાડે આવી પોતાની વરસભરની જરૂરિયાતનાં વાસણો લઈ જતી.

ગામમા કોઈના ય ઘરે દીકરાનો જન્મ થાય ત્યારે કુંભારણ ટોપલો ભરી રમકડા આપી જતી…

આ બધી જ સેવાઓ સામે રોકડ કરતાં અનાજ આપવાની પ્રથા અમલમાં હતી.

સૌરાષ્ટ્રના થાનગઢ, બોટાદ, ધોળકાના કુંભારોએ બદલાતા સમય અને ગ્રાહકોની બદલાતી પસંદગીને ધ્યાને લઈ સમય સાથે કદમ મિલાવ્યાં છે. તેઓ વિવિધભાતની ચીજો જેવી કે ભાત ભાતની કોઠીઓ, કુંડા, ફુલદાનીઓ, વોલપીસ, વિવિધ આકારનાં કુંજા, તુલસી ક્યારા, ખખડે તેવા ઘુઘરા તૈયાર કરે છે.

કચ્છના કુંભારોએ પણ તેમની પ્રાચીન કળા જાળવી રાખી છે તેઓ વાસણ બનાવવાની પકાવવાની, રંગવાનીને ચિતરવાની કામગીરી કરે છે.

દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં કુંભારો પાસે વિશેષ વારસો જળવાઈ રહ્યો છે. આજે પણ ત્યાં દેવ દેવતાઓને માટીના ઘોડલા ચઢાવવાનો રિવાજ છે. ત્યાંના ગ્રામ દેવતા કે સીમ શેઢાના દેવતાઓને સ્થાનકે ઢગલાભંધ માટીના ઘોડલાના ઢગલા જોવા મળે છે.

ગુજરાતના કુંભારોમાં ગુર્જર, વરિયા, સોરઠીયા, લાડ, ખંભાતી, અજમેરી, મિસ્ત્રી, ઓઝા અને સૌરાષ્ટ્રમાં વાટલિયા, વરિયા, કડિયા, હાંડલિયા, સોરઠીયા, ગુર્જર, મજોકઠિયા, પાટડીયા, સતાપુરા, ચાવડા, પરમાર, ચૌહાણ, વિરમગામીયા ગુર્જર અટકો છે.

કુંભાર જ્ઞાતિમાં સંખ્યાબંધ નામી સંતો પણ થઈ ગયા છે.જેમ કે… ભક્ત પ્રહલાદના ગૂરૂ એવા શ્રી બાઈ અને શ્રી હરિદાસ, ઢાંગા ભગત, મેપા ભગત, ગોપાલદાસ, ગોરા ભગત, કુબાજી અને રંકાવંકા વિગેરે.

બીજા વસવાયાની સરખામણીએ કુંભારનુ માન સારુ હોય છે. તેઓ પોતાને દક્ષ પ્રજાપતિના વંશજ માને છે.

સ્વયં બ્રહ્માજીએ યજ્ઞ કર​વાની ઇચ્છા કરી ત્યારે તેમના આ માનસપુત્ર પ્રજાપતિએ યગ્નમાં જરૂરી માટીના પાત્રો બનાવ્યાં અને આ રીતે પ્રજાપતિ એ માટીના વાસણૉ બનાવવાની શરૂઆત કરેલી. આ પ્રજાપતિ ઋષિની એક પુત્રીથી પ્રભાસ નામનો પુત્ર ઉત્પન્ન થયો જે પ્રજાપતિ ઋષિનો ઉત્તરાધિકરી થયો અને પ્રભાસ પ્રજાપતિ કહેવાયો. અને આ પ્રભાસ પ્રજાપતિનો પુત્ર તે વિશ્વકર્મા પ્રજાપતિ થયા.

વિશ્વકર્મા પ્રજાપતિના અનેક પુત્રોમાંથી પાંચ પુત્રો ખૂબ જ પ્રસિદ્ધ થયા. જેમના પુત્રોનું ધંધાને આધારે વર્ગીકરણ થયું – ઓળખ થઈ.

તે પૈકી શિલ્પીના સંતાન શિલ્પકાર​(કુંભાર્) કહેવાયા.

જેમ પ્રજાપતિ બ્રહ્માજી પંચ તત્વમાંથી માણસ, પશુ પક્ષીને પેદા કરે છે તેમ તેઓ પણ પંચત્ત્વ માટી, પાણી, પ્રકાશ, હવાને અગ્નિમાંથી માટીનાં વાસણો તૈયાર કરે છે.

જુના જમાના જયારે ઝડપી મુસાફરીના સાધનો નહોતાં ત્યારે વટેમાર્ગુઓ માટે તેઓનુ ઘર ઉતારાનું ઠેકાણુ ગણાતું.

કહેવાય છે કે પાંડવો દ્રૌપદીના સ્વયંવરમાં ત્યારે તેમના ત્યાં ઉતારો કરેલ અને હજીયે આતિથ્યની સારી પરંપરા તેઓમા જળવાઈ રહી છે.

અગાઉના સમયમાં કુંભારોએ સિધ્ધરાજની બીકે ભાગતા ફરતા કુમારપાળને આશરો પણ આપેલ, રાજા શાલિવાહન પણ કુંભારનો પાલકપુત્ર પણ હતો. સતિ રાણકદેવી પણ કુંભારના ઘરે મોટાં થયાનુ પણ કહેવાય છે.

સમાજમાં પ્રવરતી કેટલીક કહેવતોમાં કુંભાર:

“કુંભાર કરતાં ગધેડો ડાહ્યો”

“બૈરૂ ક્યા કુંભારનું હાડલું છે તે બદલાય?”

“કુંભાર બાયડીની દાઝ ગધેડી પર કાઢે”

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!