“ગામડાના લગ્નો” ગ્રામ્ય જીવનના સ્તંભ- 25

દીકરીનુ લગ્ન હોય, મોટાભાગનાં લગ્નોમાં હસ્તમેળાપના મૂર્હત રાત્રીનાં જ રહેતાં. કુટુમ્બનાને ગામના છોકરાઓ એક મોટા જણને સાથે રાખી ગામમાં ઘરદીઠ ફરી દરેક ઘરેથી એક ખાટલોને એક ગાદલું ઉઘરાવે.. તેના પર લાલ રમચીથી ટૂકુ નામ લખી યાદીમાં ટપકાવે…આ બધી જ સામગ્રી ગામમાં જ્યાં જાનનો ઉતારો હોય ત્યાં પહોચાડી દેવામાં આવે..

જાન આવવાના થોડાક સમય પહેલાં હારબંધ ખાટલા ગાદલાં પાથરી દેવાય,વરરાજા માટે તે સમયની ખાસ સગવડે નવું નકોર ગાદલુ બિછાવાય.

ઉતારે ગામના પ્રજાપતિ પીવાના પાણીના નવાનકોર માટલામાં પીવાનુ પાણી ભરી દે.. જાન વિદાય ન થાય ત્યાં સુધી પાણી ખુટે નહીં તે જવાબદારી પ્રજાપતિઓની રહે.

ઘરનાને ગામના વડીલો જાનના ઉતારાની સગવડે એક નજર પણ કરી લેતા હોય, હવે આવે જાન..

જાન આગમન

ગામને પાદરે ફટાકડા ફુટ્યાના અવાજે જાન આવ્યાની કન્યાના બાપના જાણ થાય.. કન્યાનો બાપ કુટુમ્બીઓ સાથે ગામને ગોદરે વેવાઈઓને આવકારવા જાય.. ત્યાં એક મોદ પથરાય..ગામના વાળંદો એક બે ઘડામાં સાકર વરિયાળીના પાણી જાનૈયાને પીરસે ..

સામૈયું:-

જાનનુ પ્રયાણ ઉતારા ભણી થાય ત્યાં ચા નાસ્તો પતે… કન્યા પક્ષ તરફથી વરરાજાનુ સામૈયુ કરવા આવી રહ્યાની નિશાનીરૂપે ઢોલ ઢબુકે, આ બાજુ વરને અણવર સચેત થઇ જાય, જાનડીઓ તો જાણે યુધ્ધનો મોરચો સંભાળી લે,સામૈયું આવી જાય, ફટાણાનો ભારે મારો થાય,

કન્યા પક્ષ..
ક્યાંથી ક્યાંથી આવ્યો,ક્યાંથી ક્યાંથી આવ્યો,
આ વિલાયતી વાદરો ક્યાથી આવ્યો..

વચ્ચે ગામના વડીલો માંડવા પક્ષની સ્ત્રીઓને ગાતાં રોકવાની વ્યર્થ કોસીશ કરે..

ત્યાં તો બેવડા જોરથી ચાલુ કરે..

લાડા કેમ કાળો મેશ..
તારી માએ શુ ખાય જણ્યો’તો
એની માએ જાંબુ ખાઈને જણ્યો એમ કાળો મેશ..

સામે પક્ષે જાનુડીઓ. ઓછી હોય તેની પિપુડી વાગે પણ સંભળાય નહીં..

ત્યાં કન્યા પક્ષની બાઈઓ જાણે. ડાહી થઇ ગઈ હોય તેમ જતાં જતાં બિચારી જાનડીઓ પર દોષનો ટોપલો ઓઢાડી ગાય કે…

અમે તો મોટા ઘરના છોરૂ રે હરિવન ચાલ્યા
આ તો તમે બોલીને બોલાવ્યાં રે..

આમ સામૈયાની વિધી પુરી થાય…

જમણવાર:-

ગામડામાં પહેલાં વીજળી ગમે ત્યારે ડૂલ થઈ જતી..જલ્દી જલ્દી જમણવાર આટોપવાની પ્રથમ ગણતરી રહેતી…માંડવે તૈયારી પતે ઢોલી વાજતે ગાજતે જાનને જમવા લઈ આવે..

સરસ મજાની પંગતો પડે..જાણે કોઈ મોટુ ઓપરેશન પાર પાડવાનુ હોય તેમ બધા જ પીરસણીયા સૈનિકો તૈયાર હોય…

થાળી, વાટકીઓ મુકાઈ જાય……. પીરસવાના શ્રી ગણેશ મીઠાઈથી થાય…… મીઠાઈમા મોટેભાગે મોહનથાળ હોય… મીઠાઈ પિરસનાર આખી ટીમમાં સિનીયર મોસ્ટ હોય…… મોને મોભો જોઈ મીઠાઈના ટુકડા મુકાય…. ત્યાર પછી એક એક વાની પિરસાતી જાય.. ઘરના વડીલો કઇ લાઇનમાં શુ જરૂર છે તેનુ ધ્યાન રાખી સુચનો કરે………. છેલ્લે કન્યાપક્ષ તરફથી કન્યા ના વડીલો હાથમાં મીઠાઈની તાસકો લઈ વેવાઈને અને જાનના વડીલોને આગ્રહ કરી કરી સામસામે બટકા આપે……. હેતે હેતે એક બીજાને મીઠડા પિરસે… એ જમાનામાં હેતથી પિરસતી વેળાએ એકબીજાનાં એઠા જુઠાને જમ્સની બીક નહોતી…..એ ચોખવટ કરી દઉ…

વરરાજાને જમણની તો વાત જ કેમ ભુલાય??

વરના સાળાને સાળીઓએ ભેગા મળી ટિખળી પેતરા રચ્યા જ હોય.. તેને પિરસવાના ભજીયાંમાં રૂ મૂકી તળાવ્યા તે પીરસે…… પીવાના પાણીના ગ્લાસમાં મીઠુ ઓગાળીને પાણી આપે.. હોશિયારીની પરીક્ષાઓ થતી.. અણવર ગફલત ખાઈ જાય તો વરરાજાને ભોઠુ પણ પડવુ પડે.. ક્યાક અણવર બધા જ પેતરાથી બચાવી પણ લે.. આમ જુજ વાનીના મેનુવાળોને ઝાઝા હરખને આનંદની છોળોવાળો વરો પુરો થાય.

છાબની વિધી:-

કન્યાને પરણેતર સમયના શણગાર માટે વરપક્ષ તરફથી કન્યાના શણગારને દરદાગીના, સાડીઓ આપવામાં આવે તે વિધીને છાબ કહે.. કન્યાપક્ષ તરફથી ઢોલી મારફત નિમંત્રણ અપાય.. ઢોલી જાનના ઉતારેથી વાગતે ઢોલે વરપક્ષને માડવે તેડી લાવે..

ત્યાં ડાયરો થાય.. કન્યાપક્ષ તરફથી ચાપાણી કરાવાય.. કન્યા માટેની છાબ અપાય.. હસ્તમેળાપના મૂર્હુતની જાણ કરાય… પછી વાજતે ગાજતે વેવાઈઓને ઉતારે લઈ જવાય.. ઉતારે જઈ અણવરને હસ્તમિલાપના મૂર્હતની જાણ કરાય તે પ્રમાણે તૈયાર રહેવા સુચના અપાય.

પોખણા:-

પરણેતરના સમયે ઢોલી જાનને વાગતે ઢોલે માડવે પધારવા આમંત્રણ આપવા આવે… વાજતે ગાજતે સાજન માજન સહિત વરરાજા માડવે પરણવા જતા હોય…… રસ્તાની બેઉ બાજુની શેરીના નાકે…….. રસ્તા પરની મેડીએથી વહૂવારૂને દીકરીઓ વરને જોવા ડોકિયા કરતી હોય…… શેરીના નાકે આસોપાલવના તોરણ બાધ્યા હોય….. તોરણ નીચે વરના સાસુમા પોખણુ કરે. આ પ્રસંગે ગોરભા એકથાળીમા જુવારના ચાર સાઠાના ટૂકડા, ત્રાક, રવૈયો, મુશળ(સાબેલુ) ધૂસળ,(ધુસળી), ઈડીપીડી લઈ અને કન્યાની મા હાથમાં રામણદીવો લઈ શેરીના નાકે આવે.

કન્યાની મા ગોરભા પાસેથી એક એક વસ્તુ લઈને પોખે, આ ચીજોનુ એક મહત્વ પણ છે. તે અંગે ફરી ક્યારેક વાત કરીશુ..

આ દરમ્યાન વરની સાસુ નાક ખેચવાની કોસીશ પણ કરે…… ત્યાં પણ જમાઈની ચતુરાઈ ચકાસાતી હોય છે…… ક્યાક સાસુ જીતે તો ક્યાંક જમાઈ નાક પર રૂમાલ રાખી સાસુને સફળ ન પણ થવા દે… આ પણ મજાનો પ્રસંગ છે…….. પોખવાની બધી વિધી પતે પછી છેલ્લી વિધી સંપુટ ફોડવાની હોય,(સંપુટ એટલે માટીના એક કોડિયામાં દહીં, ધરો,ઘઉ, ચોખા કોઈ ડાગર નાખી તેના પર બીજુ કોડિયું ઉધુ પાડી તેની પર નાડાછડી વીટવામા આવે તે..) વરરાજા જમણો પગ આગળ વધારી આ સંપુટ ફોડીને લગ્નના માગવા પહોંચે.

માયરાની વિધી:

મોટાભાગનાં લગ્નો રાતનાં જ થતાં, લગ્નવિધી માટેની ચોરીમાં વરના સાસુ, સસરા અને ગોરભા પોતપોતાની જગ્યા લઈ લે. અમુક વિધી પછીના તબક્કે કન્યા પધરાવો સાવધાનની ગોરભાની હાકલ પડે કન્યાના મામા કન્યાનો હાથ પકડી (અમુક જ્ઞાતિમાં તેડીને)લગ્નમંડપે લઈ આવેે…………. ક્યાક તો દીકરીઓની સખીઓ નાચતી નાચતી કે ખાસ બગી કે વરઘોડા વડે ચોરીમાં પ્રવેશ કરાવે………. અગાઉ કન્યાને માથે મોડિયોને છેક ડોક સુધી ઘુઘટો તાણેલો હોય………. કન્યાનું મો જોવાનુ સદભાગ્ય ફોટોગ્રાફરને ય ન મળે……… આ વિધીને મોયરાની વિધી કહેવાય છે.

ત્યાર પછી વિધીવત અગ્નિની અને બંને પક્ષના વડીલોની સાક્ષીએ મુરતીયો કન્યાનો હાથ ગ્રહણ કરતો….. છેડા છેડી બંધાય,બેઉ વચ્ચે અંતરપટ(કપડું) રાખી મંગળાષ્ટક બોલાય….. એ પછી મંગળાષ્ટકના, વડીલોને શુભેચ્છકોના આશીર્વાદ સાથે વરઘોડિયા જીવનભર એકબીજા સાથે અનુકૂળ થઇ રહેવાના લઈ હાજર બધાના આશીર્વાદ લેવા નીકળે કન્યાના માબાપથી શરૂ કરી.. બંને પક્ષના વડીલોના આશીર્વાદ મેળવવા નીકળે વડીલો આશીર્વાદ સાથે નાની મોટી રોકડ રકમ શુકનરૂપે નવદંપતિને અર્પણ કરે.. પરણેતર વેળા અણવરની હોશીયારીની ય પરીક્ષા કન્યાની સખીઓ એટલે વરની સાળીઓ તેના બુટ સંતાડીને કરતી હોય.. અણવર વરના બુટને એક થેલીમાં મુકી કોઇ જાનૈયાને સોપતો હોય તે ધ્યાને રાખી યુક્તિ પ્રયુક્તિ કરી તેની પાસેથી તે થેલી મેળવી લે ત્યારે હસાહસી મચી જાય છે. સખીઓ પૈસા પણ.પડાવે..

કરિયાવરને શીખ

કન્યાને વળાવવાના મૂર્હતાનુસાર વિદાયના સમય પહેલાં પોતાની દીકરીને પુરત અને અન્ય જે કંઇ આપવાનુ હોય તે લગ્નમંડપે વ્યવસ્થિત ગોઠવાઈ જતું.. એક પિત્તળની ગોળીમા મીઠાઈ ભરી તેના પર લીલો રેજો બાંધે તેને મા માટલી કહેવાય…આ ઉપરાંત બીજી વસ્તુઓ મુકાય..ત્યારબાદ બેઠકમાં બન્ને પક્ષના વડીલો,સ્ત્રીઐ,ગામના હિતેચ્છુઓ, વરરાજા પોતપોતાને સ્થાને ગોઠવાઈ જાય.. એક બાજુ કન્યા પક્ષને સામે બાજુ વરપક્ષ ગોઠવાઈ જતા વરપક્ષ અને વરરાજાને યથાશક્તિ ભેટસોગાદને રોકડ અપાય જેને શીખ કહેવાતી.

કન્યા વિદાય:-

આ બધું જ હરખે હરખે આટોપાતુ પણ હવે આવે છે એક કરૂણ પ્રસંગ જે કન્યા,તેના પરિવાર,તેની સખીઓ, ફળિયાના સ્નેહીજનોને ચિર સંભારણું બની જાય છે..આ પ્રસંગ કન્યાને પોતાને આજથી પોતાનાં હતા તે પિયરિયા બની ગયાનો ભારે વસવસો, તેની મનોદશા.. એક તરફ પોતાનાને પારકાં કરવાનાં ને પારકાને પોતાના કરવાનાં.. એક જબરજસ્ત મન:સ્થિતી હશે.. પોતાના ઘરમાંથી કન્યાની વિદાયની શરૂઆત..પ્રથમ તેની જનેતાથી.. જણી, પોષી,પાળીને વણી ય ખરી..

પછી ઘરની,કુટુંબની મોટી સ્ત્રીઓ,કાકી,માસી,મોટીબા,ભાભી,બહેનો..આ એવું દ્રશ્ય….. જેમાં એક બાજુ સ્નેહને કર્તવ્યની લડાઇ.. છેવટે જીતે કર્તવ્ય…

માંડ માંડ સ્ત્રીઓને બાથે પડી લાલચોળ આંખોને અવિરત ટપકતાં આસું જાણે યુવાનીની સમજ પડતાં થી જ સંગ્રહી રાખ્યા હશે…. હવે ઘરના દરવાજે બહેન બા પહોચે ત્યાં ઉભો હોય તેનો બાપ……. દીકરી બાપનુ આ મિલન.. ભલભલાને હચમચાવી નાખે……. એની માએ તો કદાચ કહ્યુ હશે બેટા સુખી થાજે…. અહીં બેઉમાથી કોઈ કાઈ બોલતુ નથી કે બોલી શકતું નથી તે નહી સમજાય,બેઉને એકબીજાની ચિતા છે……. આશ્વાસનના કે આશીષના બે બોલ હૃદયના દરવાજે જાણે થંભી ગયા……. હવેઆવે ભાઈ……. માબાપને સાચવજે….. વિપતે મારી વારે આવજે….. આ બોલ્યા વગરની ચુપકીદી ભારે વસમી હોય… પછી કાકા,માસા,મામા,બાપાને ફળિયાના જેણે ક્યાકને ક્યાક અવિરત સ્નેહને હૂંફ આપી છે તેમની સાથે વિતાવેલી પળોને એક પણ શબ્દ બોલ્યા વગરની તેમનાથી પણ વિદાય…….. આજે લાગે કે સ્ત્રી શક્તિનો અવતાર છે..

પૈડુ સીચવુ:

ઘર આંગણાનો કન્યા વિદાયનો આ છેલ્લો પ્રસંગ…કન્યા પોતાના વાહનમાં બેસે..સાથે તેનો પતિ હોય, નાનો ભાઈ કે ભત્રીજો કન્યાના ખોળે બેસે, વાહનની આગલા પૈડા નીચે નાળિયેર મુકી સીચાય પછી કન્યાનો નાનો ભાઈ કે ભત્રીજો તેના બનેવી કે ફૂઆ પાસે કંઈક માગે.. થોડી રકઝક થાય.. વિદાયની કરૂણતાને હળવી કરવાનો નિષ્ફળ પ્રયાસ થાય….. વાહનમાંથી ઉતરી કન્યા ભારે હેયે પોતાની જ પારકી થયેલી શેરીને સ્નેહીઓ તરફ નજર કરી લે છે……

વરઘોડિયા ગામના મોટાં મોટાં મંદિરે દર્શન કરવા જાય, ગૌરોને ગૌરીવ્રતમા જે મંદિરે પુજા કરી સુવર(સારા વર)ની માગણી કરી હતી…. તે જ મંદિરે પણ જાયને છેલ્લીવાર તેના દર્શન કરતાં કદાચ માગ્યો તો એવો જ વર હશે અને ન હોય તો તેવો કરજે તેમ માગતી હશે ને??

વરઘોડિયા બધાં જ મંદિરોનાં દર્શન પતાવી ગામને તોડે આવી જાય પછી ઉત્તર ગુજરાતનાં ગામડાઓના રિવાજ અનુસાર ગામની અઢારે વર્ણ પોતાના ગામની દીકરી પોતાની ગણી ઘરદીઠ એક રૂપિયો કન્યાને મળીને તેના હાથમાં મુકે જેને ટકો કહેવાય..

આખા ય પ્રસંગનો વસમો પ્રસંગ…

કન્યા પોતાના વાહનમાં બેસતાં પહેલાં ચોખાના દાણા હાથમાં લઈ ચારે દિશાના દર્શન કરી પોતાને સ્નેહને આનંદ આપ્યાનો જાણે સામુહિક આભાર વ્યક્ત કરતી હોય તેમ ચારે દિશાને ચોખાના દાણા અર્પે…..

એકવાર પોતાના સ્નેહી, ગામજનો, સખીઓ ભાઈ બહેનો પર નજર કરી ભારે હૈયે વાહનમાં બેસે..તે પછી તેની માતા ખાસ તેના માટે પાણી ભરી લાવી હોય તેમાંથી સ્વહસ્તે પાણી પીવડાવે….. કન્યા સ્વપાદરથી પરપાદર ભણી વિદાય લે ..તેઓ એકબીજાને દેખાય ત્યાં સુધી એકીટસે જોતા હોય…..

કન્યા વિદાય પછી વેવાઈ વેવાણને વિદાય.. કન્યાની મા તેની દીકરી તમને સોપી છે…. સંભાળજો…. ભૂલચુક માફ કરી દેજો.. મોટુ મન રાખજો…… એવી ભલામણ કરતાં કરતાં રડી જાય.. વેવાણ પણ હરખે હરખે કંઈ ચિંતા કરશો નહીં….. તમારી દીકરી મારે ય દીકરી જેવી જ છે… હવે આવે બે વેવાઈઓની વિદાયવાત…

સિંહની જેમ સદા ગર્જતો બાપ જાણે શિયાળ બની ગયો હોય તેમ અતિનમ્ર ભાષામાં પોતાની દીકરીને ને સાચવવાની ભલામણ કરતાં ભારે લાચાર દીસે……..

~છબી સાકેતિક છે..

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!