કુબા ભગતના આંગણેથી કોઈ ભુખ્યું જતુ નથી

રાજસ્થાનની રણભૂમિ, શૌર્ય અને શહાદતના જ્યાં સાથિયા પુરાયા છે. રણબંકા રજપુતોની તલવારના જ્યાં તેજ તીખારા ખર્યા છે. રણચંડી બનીને રજપૂતાણીઓએ જ્યાં દુશ્મનોના માથા રેડવ્યા છે.

આવી ધરતી ઉપર કુબા નામનો પ્રાજાપતિ ચાકડો ફેરવે છે. માટીના પીંડમાંથી અવનવા ઘાટ ઘડે છે. ધણી ધણીઆણી હક્કની કમાણી કરીને રોટલો રળી ખાઇને અલખને આરાધે છે. ઇશ્વરમાં એકાકાર થઇ જાય છે. કુબો કુંભાર આખા ગામમાં ભગત તરીકે ઓળખાય છે. સાધુ- સંતને ઉતારો આપી સેવાચાકરી કરે છે. બે ટંક રોટલો આપી અતિથિ આવકારનો રૂડો ધરમ પાળે છે.

એક દિવસની વાત છે. ગામના પાદરમાં સાધુની જમાત આવી છે. ભેળા હાથી – ઘોડાનો મોટો રસાલો છે. સાધુઓ અને જોગીઓની જમાવટ છે. જમાવતના મહંત ગામમાં ટેલ નાખે છે. એક ટંક ભોજન માટે કોઇ ભક્તની શોધ કરે છે, પણ કોઇ હા ભણતું નથી.

જમાતના મહંત શેઠ, શાહુકાર અને દરબારની દોઢીએથી પાછા વળ્યા છે.

કોઇએ સાધુની ઠેકડી કરી.

‘એ સાધુ મા’રાજ, ગામમાં કુબા ભગત વગર તમારી કોઇ ભૂખ ભાંગશે નહિં.’

‘કોણ કુબા ભગત ?’

‘ગામમાં કુબા ભગતનું નામ મોટું છે. એને આંગણેથી કોઇ ભૂખ્ય જાતું નથી.’

સાધુ તો ઉપડયા કુબા કુંભારને ફળીએ. જઇને જુએ છે તો કુબો ચાકડો ફેરવી રહ્યો છે. ઘરેથી માતાજી માટીના પીંડા દઇ રહ્યાં છે.

સંતોને આંગણે આવેલા જોઇને કુંભાર ભગતનું હેયું હરખી ઊઠયું.

મહંતે જાણ્યું કે આ તો ઠેકડી થઇ છે પણ ભગતનો ભાવ ભારે છે એમ જાણી ભગતનું આંગણ ઉજાળ્યું.

કુબાજીએ બે હાથ જોડી કહ્યું :

‘બાપુ , શું સેવા કરું ?’

‘સેવા તો કંઇ નહિ, તારું નામ સાંભળીને આવ્યો હતો ભગત.’

‘તો પછી ભોજન લઇને જ પછી નિરાંતે જ્જો.’

‘ભગત, હું એકલો નથી. આખી જમાત છે.’

કુબાજીએ કીરતારને યાદ કરીને કહ્યું, ‘ભલેને હોય, પંગત પાડશું.’

કુબાજી ઊપડયા ગામમાં સીધુ – સામાન લેવા. બસો સાધુ-સંતોની જમાત, કુબાજી શેઠીઆની હાટડીએ હાટડીએ ફરવા માંડયા પણ કોઇ દાદ દેતું નથી, બાનાં બતાવે છે.

આભને કંઇ દેખત થાંભલા થોડા છે. ધરમી કરમીના ટેકે આભ ઝળુંબી રહ્યું છે.

એક શેઠે કુબાજીની વાત સાંભળી કુબાજીને કહ્યું :

‘ભગત , બસો માણસનું સીધું તમને દીધું પણ એક શરત!’

કુબાજી હરખીને બોલ્યા.

‘શેઠ, તમે કહો એ શરત મને કબૂલ છે. જો સાધુ- સંતો જમતા હોય તો તમે કહેશો તે કબૂલ છે.’

‘ભગત, શરત આકરી છે.’

‘તો  ય કબૂલ છે.’

શેઠે વાણોતરને હુકમ કર્યો :

‘ભગતને ઘેર બસો માણસનું સીધુ પુગાડો !’

‘બોલો શેઠ , શું શુરત છે ?’

‘ મારે એક કૂવો ગળાવવો છે તે તમારે ગાળી આપવો પડશે.’

‘ભલે શેઠ.’

કુબાજીએ સાધુ – સંતોને ભોજન આપ્યું. બીજા દિવસે ભગત અને માતાજી શેઠને ઘેર હાજર થયાં. શેઠે કૂવો ગાળવાની જગ્યા બતાવી.

ભગત કુવો ખોદવા લાગ્યા ને માતાજી માટી સારવા લાગ્યાં.

કૂવો ખોદતો જાય છે અને ભગત ઊંડો ને ઊંડો ઉતરતા જાય છે. ભગતે માટી ભેગી કરી, એ માટીને બહાર નાંખવા માતાજી કૂવામાં ઊતર્યો ત્યાં તો ઉપરથી ભેખડ પડીને ભગત ને માતાજી દટાય ગયાં. ગામમાં હાહાકાર થઇ ગયો બન્નેે જણાં કુવામાં ગારદ થઇ ગયાં. ગામ લોકોએ માટી કાઢવા માંડી પણ કંઇ આરો આવ્યો નહિ. આખરે સૌએ નક્કી કર્યું કે હવે કોઇ જીવતું નહિ હોય. આમેય ભગતે સમાધી લીધી ગણાય.

વાત ઉપર વર્ષો વીતી ગયાં. ધરતીના પડે પડ મળી ગયા કુવાનો ખાડો નિશાની રૂપ રહી ગયો. ભગતવાળો કૂવો જાણીતો થયો.

ગામને પાદરથી સંઘ નીકળ્યો, હરિ – કીર્તન અને ભજન ગાતા ભાવિકોએ આ કૂવાવાળી જગ્યાએ પડાવ નાખ્યો. અધરાત થઇ ત્યાં તો સંઘ ઝબકીને જાગી ગયો.

કરતાલને ઝાંઝ પખાજના અવાજ સંભળાણા ભજનના સૂર જાણે ધરતીના પેટાળમાંથી પાણીની સરવાણી ફૂટે એમ ફૂટીને બહાર આવતા હતા, યાત્રાળુઓએ જઇને રાજાને વાત કરી, રાજાએ કૂવો ખોદાવવો શરૂ કર્યો. માટી બહાર નીકળવા માંડી. કૂવાને તળીએ જઇને સૌએ જોયું તો ભગત અને માતાજી હરિકીર્તનમાં તલ્લીન છે. વિષ્ણુ ભગવાન એક સુંદર કમળના ફૂલ પર બિરાજમાન છે. ભગવાનની મૂર્તિ અચાનક અદ્રશ્ય થઇ ગઇ. રાજાએ ભક્ત દંપતીને બહાર કઢાવ્યાં.

રાજાએ પાલખી મંગાવી સામૈયું કરી પધરામણી કરી. કુબાજીની ચરણરજ માથે ચઢાવી. કુવાની કીર્તિ આ બનાવ પછી દૂરદૂર ફેલાઇ ગઇ.

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

error: Content is protected !!