“બારોટ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 29

આજેને કાયમ માનવી પોતાના કૂળ, મૂળની વિગતો મેળવવાની ઈચ્છા સદૈવ રાખે.. અને આ માનવ સ્વભાવથી વહીવંચા/બારોટ જ્ઞાતિએ આ કામ શરૂ કર્યુ હશે.

માણસની આ જિજ્ઞાસા માત્ર બારોટજી જ સંતોષી શકે…

મોટા ભાગની જ્ઞાતિઓનો ઈતિહાસ જીવંત રાખવા માટે અપડેટેડ અને પ્રાચીન પરંપરા એ જ વહીવંચાની વહી.. આ માહિતી કંઠોકંઠ જળવાયેલી જુની અને નવી પ્રમાણભૂત ઉમેરાતી જાય, જુની ભરાઈ જાય તેટલે નવી લખાતી જાય..

યજમાનની અને વહીવંચાની પેઢીઓ બદલાય પણ વહી એ જ રહે.

અમારા કુળના બારોટ શ્રી પ્રતાપભાઈ બારોટ, સરસ મજાના ધોળા ધોળા લૂગડાં, મછમોટી મૂછો, ગળે રૂદ્રાક્ષની એકાદ બે માળાઓ, હાથમાં સરસ મજાની નાની લાકડી ખભે વહીનો થેલો, પહાડી દેહને અવાજે ય પહાડી…

ગામડા ગામની પ્રાચીન ભાષાએ વહીવંચા ય કહેતા. અમારા ગામમાં વરસે એકવાર આવે.. સાથે ચોપડાનુ પોટલું હોય…. ગામમાં દસ બાર યજમાનો, એક યજમાનને ત્યાં એકવાસો, બે જમણને એક શીખ.. આ એમનો ધારો… બારોટજી એવા માનવાચક નામે સંબોધાય, ફળિયામાં પ્રવેશતાં વેત જ પહાડી અવાજે આશીર્વચન એક કવિતે ભણે…

ઘેર દૂઝણાને ઘી ઘણાં, ઘણી ઘેશને છાશ,
વરણ અઢારે વરતવા, આવે કણબી પાસ,

ભારે પહાડી અવાજે બોલી ખોખારે.. આખા ફળિયાને તેમના આવ્યાની ખબર પડી જાય….

જેને ઘરે પોટલું ઉતરે તેને ત્યાં પહેલુ જમણ.. બારોટજી સારૂ ઢોલિયો ઢળાય.. નવી આણે આવેલી વહુના આણાના નવા નકોર ગાદલાંને ઉપર રેશમી રજાઈ પથરાય..

ચા પાણી થાય, ગામનાને ફળીયાના લોકો રામ રામ કરવા આવે.. નવા જુની વાતોનો ડાયરો જામે..

રૂડા રૂપાળા બાજોઠ પથરાય….. કાસાની થાળી વાટકીઓને લોટા હોય.. તેમાં જમણ પીરસાય….. ગામડાઓમાં અગાઉ પહેલા જમણે લાપસી પીરસવાનો ધારો હતો…..

એય ને બરાબર પટલાણી ઘીની વાઢી(ઘી પીરસવાનુ વાસણ તેના પછી વિગતે કહીશ) લઈ ને આવેને લાપસી પર ઘીની ધાર શરૂને ત્યાં જ બારોટજી તેમના પહાડીને ઉચા અવાજે લલકારે…

બા…પો..બા..પો…હડૂડૂડૂ
ઘી..ઘી…ઘી…
જ્યાં હોય ત્યાં લીલા દી…
દૂધુવાળો દડેડાટ
ઘીયુ વાળો હડેડાટ..
એમાં ય મીઠડી આઇયુને મીઠડા આપા..
એ જાય તણાતા…જાવા દો…
કોઈ આડા ફરતા નૈ…
કોઇ બારોટ આવે પડેપડે…
કોઈ મનમાં કરા કરા થાય…
કોઇ માડીયુ ગોદડા સંતાડે…
કોઇ જતો…કોઈ આવતો..કોઈ કાશી..કોઈ કેદાર…
અન્નનો ખાધ્યાર્થી હોય એ આવજો…ઓ
પોપટભાઈને ત્યાં કરો ભયો ગાજે….
બા… પ્પો..બા..પ્પો..હડૂડૂડૂ ઘી..ઘી..ઘી..

“ઘેર દૂઝણાને ઘી ઘણાં, ઘણી ઘેશને છાશ,
વરણ અઢારે વરતવા, આવે કણબીને પાસ”

આ દૂહાના અડધે કહેણે…કોક નવી નવીને ગભરૂ પટલાણી પીરસણી હોય તો આખી ય વાઢી ઘી રેડાઈ જાયને લાપસી ઘીથી લતપત થઈ જાય… રાત પડે ફળિયામાં ડાયરો થાય.. બાજોઠ પર નવી નકોર રજાઈ ચોવટ વાળી મુકાય.. તેની પર બારોટજી વહી પધરાવે… તેની સામે બારોટજીનું આસન હોય…ધીરે ધીરે યજમાનનુ કુટુંબ અને પડોશીઓ ભેગા થાય તે પછી બારોટજી રેશમી વસ્ત્રથી બાધેલ વહીનુ પુજન કરાવે.. યજમાનના ઘરની સ્ત્રીઓ પુજન કરે.. કંકુચોખાથી વહી વધાવાય.. પછી બારોટજીને વંદન કરી આશીર્વાદ લે. મુખ્ય યજમાન બારોટજીને શીખ ધરે.. પછી બારોટજી આશીર્વચનો સંભળાવે.. ફાનસને અજવાળે વાર્તાની શરૂઆત પૃથ્વીની ઉત્પતિના ‘ભોગળ પુરાણ’થી કરે.

ત્યાર પછી અમારી થોડીક પેઢીઓવાચી સંભળાવે, ટૂકમાં અમારા પુર્વજોને નામસહ સંભાળે, તેમણે કરેલ બહાદુરીનાકામો, કરેલી સખાવતો, કોઈ ખાસ વડવાએ બારોટજીના વડવાને ખાસ ભેટસોગાદ, શુરવીરતા, પૂરખોની દાતારી, ભક્તિ, નીતીમત્તા, ખાનદાની ખમીરની પણ વાતો થાય..

કંઠ,કથા,કહેણી, કાવ્ય, સંગીતને અભિનય એ છ યે અંગે નવા રસનો સાક્ષાત્કાર માત્ર બારોટજી જ કરાવી શકે.. આમ તેઓ એમની આગવી અદામાં એક સરસ મજાની વાર્તા કહે.. વચ્ચે વચ્ચે દુહાની રમઝટ પણ બોલાવે.. આખો ડાયરો રસ તરબોળ થયાનો અનુભવ પણ કરે…

યજમાન સિવાયની ભેટસોગાદ ન સ્વીકારવી તે તેમનો ભારે ગુણ હતો..

આમ સરસ મજાની રાત વીતે.. સરસ મજાના ઢોલિયે નવા નકોર ગાદલાંને રજાઈ ગોઠવાઈ ગઈ હોય, પાણી કળશ્યો ઢાકીને મૂકાઈ ગયો હોયને બારોટ સહુને શુભરાત કરી આરામથી સુઈ રહે…

સવાર પડે બારોટજી માટે ખાસ તાજું માખણને ગરમ રોટલાના શિરામણ થતા..

સવારે યજમાનના કુટુંબમાં કોઈ નામ વહીએ ચઢાવવાના હોય તેમને બારોટજી ચાલ્લા કરે, ચોપડામાં નામ ચઢાવે, બાળક સાથે તેના મા બાપનુ નામ, મોસાળનુ ગામ, નાના નાનીના નામ, શાખ નોધાય.. સાથે સાથે હાજર યજમાનના આગેવાનની હાજરીની નોધ પણ થાય. યજમાનના કુટુંબમાં કોઇ લગ્ન થયાં હોય તો તેની ય નોધ વહીએ ચઢાવડાવે… પરણી આવેલી નવવધૂ શીખમા સાડલો, ચણીયોને બ્લાઉઝનુ કાપડ આપે.. તેને ‘સવાધો’ કહેવાય.

મરણ કે કોઈખાસ બીના બની હોય તેની હરખે હરખે નામસહ નોધ્યુ પડાવે… બારોટજીને શીખે રાજી કરાય..

છેલ્લે બારોટજીના આશીર્વચન થાય…

“કલપ વ્રખ એવાઅ,તાઅ ધનવર,
જઠજમઠ કનડી જોએ, સોઅ તમતમ વેડસર,

ઓઢ કર અઢાર,સોઅ સંસાર સરજા,
વડા હથ્થ,વડા વહેવાર,વડા આચાર વળગા,

તેને કણબી કળ સકળ, કહાં અકળ બળ એતરા,
ઓડવણ હાથ સારી કળા, તેના કહીએ વરવણ કેતરા….

અર્થ:

તમે કલ્પવૃક્ષ સમાન ઝાડ જેવા છો. જેમ જેમ યાચના કરનારા માગી માગીનેહેરાન કરે છે તે તમે કણબી સહી લો છો. યાચવાવાળાની ઈચ્છા પુરી કરો છો..એવા કણબી તમે લાબા હાથધારણ કરનારા, મોટા બાહુધારી, મોટા વહેવારી, નીતિને ધર્મને આચરનારા છો..એટલે તમારા કેટલાં વર્ણન કરીએ?

આશીર્વચન:

“અખે અન્નનો દાતાર, આરો અમે.કલ્યાણ,
સંડતા સાહ,પંડતા દશમન,દાતા સો અન્ન દિયે હેદળમ્”

આમ દરેક યજમાનને ત્યાં રોકાઈને આગલે ગામ જાય..

અગાઉના સમયમાં ઘોડા, ભેસો, ગાયો, ધાન ભરેલુ બળદ સહિતનુ ગાડું, રાજ રજવાડાઓ ગામના ગામ ભેટમાં અપાતા હતા.. યજમાન અને બારોટજી અન્યોન્ય વિપતની ઘડીએ સાથ સહકાર આપતા હતા. તેવા અનેક દષ્ટાતો ઇતિહાસમાં છે..

ભાવનગર રાજના તાબાના જીરા ગામના એક પટેલનું અવસાન થવાથી વિધવા પટલાણી જમીનની વિઘોટી ભરી શકી નહીં. રાજના અધિકારીએ કાયા વેચી વિઘોટી ભર… એવાં કડવાં વેણ કીધાં.. પટલાણીએ આ વાત તેમના બારોટજીને કરી… બારોટજીએ પટલાણીને એક રાસડો શીખવાડી રાજમાં ગાવાનું શીખવાડી ગવડાવીને વિઘોટી માફ પણ કરાવેલી…

ચારણ જ્ઞાતિની જેમ બારોટ.પણ સત્યકાજ ત્રાગા પણ કરી શકે છે. એવા અનેક દાખલા પણ છે.

કંડોરણાના સાતુદડ ગામને લુટાતુ બચાવવા ગોવિંદજી બારોટે લુટારૂઓ સામે ત્રાગુ કરી પ્રાણ આપેલ…

આ ઉપરાંત બારોટોએ મૃત્યુ પંથે પણ સાથ આપ્યાના પણ અનેક દાખલા છે..

બારોટજી અને યજમાન વચ્ચે દિલનો સબંધ વધારેને વ્યવસાયનો ઓછો એવો સબંધ રહેતો…

અમારે ત્યાં લગ્નપ્રસંગ કે કોઈ સારા માઠા પ્રસંગે બારોટજીની હાજરી અવશ્ય રહે. આવા પ્રસંગે અમારી હાજરી તેમને ત્યાં પણ હોય..

આમ ભલેને પેઢીઓ બદલાઈ તો ય પેઢી દર પેઢીના સબંધો એ જ રહ્યા…

બારોટો મહાભારત અને રામાયણ ના સમય પહેલા થી હોવાના પુરાવા છે. વાસ્તવમાં બારોટ શબ્દ એ વહીવંચા માટે વપરાય છે. કહેવાય છે કે તેમની જીભે સરસ્વતી માતાનો વાસ છે. તેથી જ બારોટજી બોલવામાં કાબેલ મનાય છે.

બારોટ નો બોલ શબ્દવેધી હોય છે. બારોટ શકિત ઉપાસક છે. સત્ય, શબ્દ, સુર, સ્નેહ, સાધના, શીલ, સદાચાર, રાષ્ટ્ર અને વિશ્વ ની સંસ્કૃતિ ને જાળવનાર, સત્યવક્તા અને સુ યશ નો ગાયક આ બાર વિધાધારક હોય એ બારોટ.

બીજા કેટલાક એવો પણ અર્થ કાઢે છે કે બારોટ એટલે બાર+હઠ=બારહઠ અપભ્રંશીત.. બારોટ

આવો જોઈએ આ કઈ કઈ હઠો છે?

  • ૧.હઠ પદ ચઢણ,
  • ૨.અમલ બનાવ
  • ૩.સભામાં બેસણો
  • ૪.રાજરી કાવ્ય
  • ૫.પરાગત [શ્રેષ્ઠ] પ્રેરણા,
  • ૬.નર કીરત લહંત [લંણું-લેનાર]
  • ૭.પ્રાત: દાન દેયણો
  • ૮.રાજદાન લહંત
  • ૯.શક્તિ સ્મરણ કરે
  • ૧૦.ત્રાગું દીખ સાર
  • ૧૧.હરી પ્રેરણા
  • ૧૨.વકતૃત્વ…

બારોટોની વહીનુ લખાણ ટૂકુ ને સાકેતિક ભાષામાં હોય છે બીજા કોઈ માટે તે ઉકેલવુ અઘરૂ હોય છે. કેટલીક વાર તો બીજી જ્ઞાતિના બારોટ પણ ઉકેલી શકે તેવું હોય છે. પ્રાચીન વહીઓ બોળા અક્ષરને સાકેતિક ભાષા જેને ‘પારસી’ કહેવાય છે.

તે સમજવા તેના કેટલાક શબ્દોને તેના અર્થ જોઇએ..

તન-રોટલો, ગોરવા-ઘઉ, બાવરો-બાજરી, દાતિયા-ચોખા, જીગાલી-જુવાર, નીર-પાણી, નીરીયો-લોટો,સેડકુ-દૂધ, દંડ-છાશ, કાદવી-ભેસ, દવેડુ-ગધેડું, ગરકણો-ઉટ, રાવુ-ઘેશ, ગોની-ખાડ…

આમ આજે ઈતિહાસના પ્રમાણભૂત સાધનોની શોધે બારોટજીના ચોપડાની નોધ ખૂબ જ કામની સાબિત થઈ છે.

દુ:ખદ વાત એ છે કે આ મહાન પરંપરા ધીમે ધીમે લૂપ્ત થતી જાય છે. જે બારોટો હજી પણ પોતાના યજમાનોમા ફરે છે. તેઓ પણ પોતાની વહીની વિગતો પ્રકાશિત થાય તેમ ઈચ્છતા નથી..કેમ કે સમગ્ર જ્ઞાતિ કે વંશનો ઈતિહાસ અને આંબો પ્રસિધ્ધ થઈ જશે તો યજમાનને તેમની જરૂરત રહેશે નહીં તેવો ભયનો ભાવ ઉભો થયો છે.

દિન પ્રતિદિન યજમાનો અને બારોટોને એક બીજા પ્રત્યે આદરભાવ ધટતો જાય છે. બારોટોને યોગ્ય નિર્વાહ થાય તેટલી દક્ષિણા પણ મળતી નથી. આમ માત્ર વહી પર નિર્વાહ થઈ શકે તેમ પણ નથી.

બીજા વ્યવસાયોની જેમ ઘણા બારોટોએ વહીવંચાની કામગીરી છોડી દીધી છે. બીજું કે નવી પેઢીને વહીની ભાષા કે લીપીનુ જ્ઞાન નથી.

એક નવા જમાનાની સાથે ચાલનારી નવી પેઢીના યુવાનોને આ કામગીરી એક યાચક કામગીરી જેવી લાગે છે.

આ બાજુ યજમાન તરફે પણ નવી વિચાર ધારામાં પોતાના વંશ પ્રતિ માન અને સન્માનનો અભાવ વરતાય છે.

બીજી તરફ બારોટોમા પણ આ વ્યવસાયની અગત્યતા ઘટી જવાથી તેમના વડવાઓએ સાચવેલી અમુલ્ય વહીઓનુ માન પણ ધટતુ ગયું છે.

એ કારણસર કેટલીય વહીઓ નાશ પામી છે. સડી ગઈ કે પલળી ગઈ..કોક ઉધાઈ ખાઈ ગઈને કોક ઉદર કોતરી ગયા..

અને ક્યાંક થોડુઘણુ રહી ગયું છે. ત્યાં વહીઓને ગુપ્ત રાખવાની દાનત પણ જોવા મળે છે. યજમાન કોઈ માહિતી લેવા જાય તો પુરો સહકાર મળતો નથી.. ક્યાક તો હડધૂત થયાનુ પણ બન્યું છે.

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!