“લગ્નનું જમણ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 26

અગાઉ ના સમયમાં લગ્નોમાં પંગતે બેસાડી જાનૈયાને જમાડવામાં આવતા હતા… આજની જેમ કેટરીગ સર્વિસ કે મંડપ ડેકોરેશન ની પ્રથા નહોતી.. પણ સહકારને ભાવ ભારે હતો..

તે સમયે આજની જેમ તેના ભાવતાલ નહોતા.. ક્યાંક ક્યાંક જ્ઞાતિના વાસણો હતાં…ક્યાંક બહારગામથી લાવવામાં આવતા.. તેમાં ય ફક્ત મોટા તાવડા, તપેલાને સાસર, દાળ કાઢવાના કમંડળ, પાણી ભરવા ત્રાબાના મોટા નળાને થોડાક થાળીવાટકા જ હોય.. આટલેથી તો રસોઈ જ થાય..

પીરસવા માટે ખુટતી ચીજો જેવી કે દાળવાટકી, પિત્તળની ડોલ, તાસક નેકમંડળ ને ચમચા ને છરીયુ ને પુરી દબાવવાના મશીન ને છીણી ને એવુ બધુ વહેવાર વાળાને ત્યાં ગોતવા નિકળી જતા હોય… કેટરીંગ તો નહોતુને મંડપવાળા ય શહેરમાં જ હતા. એટલે માડવા કારવવા તાપડા-તાલપત્રી ને મોદ માગી લવાતા. અને ઠામ-વાસણ કુસણ પણ પાડોશમાંથી અડખે પડખેથી બેક દિ- ઘડી સાપડી લઇ લેતા હોય.

આવી ચીજો લેનાર ઘરધણી હક્ક અને દેનાર પોતાનુ સહર્ષ કર્તવ્ય સમજતાં હોય. આ ઠામણા પર ટૂંકા અક્ષરે કંસારાએ નામ અને ગામનાં નામ લખ્યા હોય.. કેટલીક વાર વહુવારૂને તેના પિયરીયાના દીધેલ ઠામ પર તેમનાં નામ ટપકાવેલા હોય.. રાતનાં લગ્નો હોય..ઝાઝા મંડપ બાધવાના થતા ન હોય.. લગ્ન વીત્યે પરત આપવાનીને અરસ પરસ અવળેસવળે અપાઈ ગયાં હોય… તેની અદલાબદલી પંદરેક દિવસ સુધી ચાલતી હોય….

વર કે કન્યાના બાપા તો લગનને છો મહીનાની વાર હોય ત્યાં જ વિનમ્ર અને ડાહ્યા ડમરા બની ગયા હોય… સારાની સારાઇનો લાભ અને સેવા નહીતર બરાબર મળે તેમ ન હોય… વાંકુ તો કોઇ હારે મુદ્દળ નહી પાડવાનું હોય…. ચપટી બુધાલાલ તમાકુથી માંડીને રકાબી ચા સુધીનો બધોય વહેવાર હારી રીતે હાચવવાનો હોય… જો કે તો ય પરિવારમાં કોકે તો ટાણે જ લબડાવાનું નક્કી કર્યુ હોય…. તે ઇ તો “ઉહુઉઉઉક…. મારે નથી આવવુ તેમ કહેતા હોય… ગીરાની લગ્નમા માં મોહનો ટાણે જ બોરે જતો રયો’તો ઇ મને હજી હાંભરે છે..”એમ કરીને રીસાતા હોય… એને વળી માંડ માંડ વડીલો મનાવે કેટલાક માને ને કેટલાક ન માનતા ય હોય… બીજે દિ બેઠક હોય…

ઘરધણી એની તૈયારી કરતા ય હોય.. કોઈક વાક હોય કે ન હોય ખમ્મૈયા કરવા તૈયાર પણ હોય.. બીજી કોર ગામનો કોઇ વાળંદભાઇ હાથમાં નોતરાનો ખરડો લઇ નીકળ્યા હોય.. તે કોકની ખડકી ખખડાવતા હોય.. કોકનો ઝાંપો-ઝાંપલી હડસેલતા હોય… કોકના કમાડની સાંકળ પછાડતા હોય.. કોકનો ડેલો ધબધબાવતા હોય.. તે હાદ પાડે- ઉંચા અવાજે- અદાલતનો પેલો નામ પોકારિયો હોય….. એમ વિશિષ્ટ લહેકામાં બોલતા હોય..

” એ…એ…એ…એ પોપટભાઈ સોમાભાઈ પટેલ ને ત્યાં રાતે ડાયરામાં, કાલ સવારે માંડવે, કાલરાતે એક જણને અને પરમદિ’ બપોરે હાગમટે જમવાનું નોતરૂ છેએ…એ…એ.. એ..”

આહાહા…હા, આટલુ હાંભળીને નાને નાનપણે અમને તો મનમાં મધ રેડાતુ…

એ જતા રહે પણ આ બાજુ જેને જમવા જવાનું છે એના માનસપટ ઉપર એક આખુ ચિત્ર ખડુ થઇ જતુ હોય….

કોકનો વંડો કે શેરી માળી હોય…. પવન ના લાગે એવા ખુણામાં બે ઉંડી મોટી ચૂલ ખોદાઈ હોય…. તેને ઘરની લક્ષ્મી ગણાતી બાઈ વધાવતી હોય….. મેલાંને ડાગવાળા કપડાં પહેરેલાને ભાગ્યે જ પાતળા હોય તેવા રસોઇયા હાજર હોય…… તે એક શ્રીફળ વધેરી ચુલના શ્રી ગણેશ કરતા હોય… આજની જેમ રસોઈયાઓ ટીમ લઈ ન આવે..એકલા જ હોય.. તેમની હેલ્પરી અમારે જ કરવાની હોય… આવતી કાલના વરાની સાજ પડે તૈયારી થતી હોય… કીચન સમકક્ષ એ વિભાગમાં કાચુ કરિયાણુ, બટેટા, શાકભાજી પડ્યા હોય… મગ બાફણા જગતા હોય…… મોટા તપેલાઓમાં રસોઇ રંધાતી હોય…. આગલે દિ’ રાતે બનાવેલીમીઠાઈઓ કપાતી હોય….. લાડવા ય આગલે દી વળાતા હોય…. મીંદડી આંબી નો જાય એવી જગ્યાએ અને કીડી મંકોડાના કટકથી સુરક્ષીત રાખવાના કારસા કરીને મોહનથાળ ચોકીમાં ઢાળેલો પડ્યો હોય……

કોક બાળકની રમકડાની મોટરના પૈડા હોય એવી સાઇઝમાં કોક મરચાને કાતરથી કાપતો હોય…. તો કોક કોબીને ઇસ્ટીલના ઉંધા ગલાસથી કાપતો હોય, સંભારા માટે સમારતા હોય… કેટલાક કોથમીર કાપતા હોય.. કેટલાક દાળમાં નાખવા સુરણ કાપતા હોય.. તો બેચાર જણા એક મોટા તપેલામાં પાણી ભરી બટાકા કાપીને તેમાં નાખતા હોય તેમા વાતોમાં ને વાતોમાં બેચાર આખા ય પાણીમાં પડી જતા હોય..

કોક વળી નિરમાનુ પાણીથી ધોયા હોય તે થાળી-વાટકા-ગલાસને ગાભો મારતા હોય,

કોક કોક ડાંડ કીસમના હોય ઇ આગણે પડેલા ગાડાની ઉંધે જઇ ફડાકા મારતા હોય, રસોડે મોડી રાતના નાસ્તાના ગોટા ઉતરતા હોય… એમાં ય છાપેલા કાટલા જતા રેવાની રાહેય જોવાતી હોય… એ કાટલા જાય તો છાપેલા શેના? એ ગોટા ઝાપટી છાપેલા કાટલા જેવા જણ ઘર ભેગા થઈ જતા હોય.. કેટલાક રમતીયાળ તો રસોડે હાજરી ઓઢે રમી ય લેતા હોય..

સાજ હોય, અંધારૂ થઇ ગયુ હોય અને પછી પીળા બલ્બ, બસ્સો બસ્સો વોટના ચાલુ થતા હોય… જમવા માટેનો સાદ પડાઇ ગયો હોય… એટલે નોતરના માણસો જે થોડે દુર વેઈટીગમા બેઠા હોય એ ફટાફટ આવવા લાગતા હોય…

દાળ શાકના ડાઘવાળા પાતિયા (આસન પટ્ટા) પાથર્યા હોય પણ આજ એની કોઈને પરવા ના હોય…. કેમ કે તે આસનપટ્ટા બ્રાહ્મણના અબોટિયા જેવાં પવિત્ર હોય.. રાત ગઈને વાત ગઈ તેમ પંચના આસનપટ્ટાનુ પણ હોય.. સહિયારી સાસુની ઉકરડે માકણ તેમ જરૂર પડે ત્યારે મેલા ભાસતા હોય… પણ ત્યારે ધોવાની નવરાશ ન હોય.. વરો પત્યા કેડે તો મારે શુ થતુ હોયને…

આમ તો ભોજન માટેનુ મેનુ ફીક્સ જ રહેતુ… *”રાણી બાદશાહ એક્કો અને લૈલા મજનુનું શાક”* અર્થાત મોહનથાળ અને રીંગણા બટેટાનું શાક. વધુમા સંભારો, ફરફર અને આખરમાં દાળભાત…હોય

બસ આટલુ જ, વરસો સુધી ચાલેલા આ મેનુનો શોધક કોણ હશે ? અને એને એમે ય નહી થયુ હોય.. કે આ ડોહુ શાક… ખાવુ હેની હારે ? તો ય જો કે લોકો તો ખાતા જ હોય.. અરે… ખાતા નહીં ધરાતા હોય… ઈ ગમે એમ કરી, ભાત ભેળવીને ય પણ શાક તો હોશેહોશે લેતા અને વળી ખાતા ય હોય.. ખાય કેમ નહી અલ્યા ??? એકનું નોતરૂ હોય તો પાછા પાંચ આવ્યા હોય….

ગણેહનું નોતરૂ હોય તો શ્રીફળ તથા રોકડા દહ રૂપિયા અને હાગમટે હોય…. પુરા પચ્ચીસ રૂપિયાનો પહ ભરાવ્યો હોય હો… એ તો વસુલ કર્યે જ છુટકો હોય….

આમ તો પહ લખાવતા પહેલા પટારો ફંફોસતા હોય… એમા ક્યાક હાચવીને મુકેલી, પોતાને ત્યાં ગયેલા પ્રસંગના દસ્તાવેજી પુરાવા સરખી હાથગરણાની નોટ ગોતી લેવાતી હોય… જમીનનો દસ્તાવેજ હોય એવી એની જાળવણી થયેલી હોય….. કારણ કે કોણે કેટલો પહ ભરાવેલો એની નોંધ એમા પડેલી હોય…. એના આધારે જ અગિયાર લખાવવા કે એકવીહ.. એ નકકી થતા હોય….. કોક સમજુ તેમાં વધારો કરવાનો ચીલો પાડતા ય હોય…. જાન આવતી હોય તે દિ’ મેનુમાં થોડો સુધારો જોવા મળતો હોય.. મોહનથાળની જગ્યાએ લિંબુડીયા રંગનો ટોપરાપાક હોય…. ભજીયા કે કડી, કટોસણથી તૈયાર ખમણ કે જલેબી મંગાવ્યા હોય…… આગલે દિ’માડવાએ રેશનના ચોખા દાળભાત માટે વાપર્યા હોય…. તે આજ બાસમતિનું આંધણ મુક્યુ હોય… જાન જમાડવા પહેલાં કુટુંબની બાઈઓ રસોડે પુરીઓ વણતી હોય.. કેટલાક અલ્પ જ્ઞાની રસોયાના મદદનીશ બન્યા હોય…

ચાર છોકરા પીરસનારને વાની ભરી આપવા મૂકરર કર્યા હોય… બે અનુભવીને મિઠાઇની ચાકી(પતરા)મા મિઠાઈ કાપવા મુક્યા હોય.. કોક દોઢ ડાહ્યા આ બટકા નાના છે મોટા કરો એમ કહેતા હોય.. કેટલાક ઘરધણીના હિતેચ્છુ આ બટકા મોટાં છે નાના કરો એમ પણ કહેતા હોય.. એક અનુભવીનુ જમણમા ખૂટ વધનુ મોનીટરીગ રહેતું હોય… એનો હુકમ આખા રસોડામાં ગવર્નર જેટલો મનાતો હોય… આ મોનીટર સમયવર્તે સાવધાની રાખતા હોય… દાળ ખુટે તો મરચું નંખાવી પુરી પાડતા હોય.. મીઠાઈ ખુટે તેમ લાગે ગામનાં નોતરીયાને જમવા બેસતા રોકતા હોય… આમ જાન વટભેર જમાડવાની કુનેહ રાખતા હોય… વરો શરૂ થાય તે પહેલાં પીરસણીયાની ટીમને તેનો કેપ્ટન નકકી કરાતો હોય… ઘરધણીના કૂળદેવ,કૂળદેવી,ગામના મોટાં મંદિરોના થાળ ધરાવાઇ જતા હોય… પછી જાનને પંગતે નોતરાતી હોય..

વરવીવામાં એટલી સ્પર્ધા ન થતી જેટલી જાન આવી હોય તે દિ પીરસવામાં થતી હોય…. જુવાનિયાવ જાનડીયુને ભાવભેર જમાડવા ઓછા ઓછા- ભીના ભીના- અડધા અડધા થઇ જતા હોય… જેમ ગણો તેમ પણ પંગત પડી હોય.. જાનડીઓ જુદી બેઠી હોય.. તે ભાગે કોઈ ખેચ ન પડતી હોય… લાડવાવાળો આગળ…. પછી ઢેફલાવાળો હોય.. પછી ભજીયાવાળો હોય… પછી શાકવાળો હોય.. પછી જલેબીને ખમણ હોય.. તે પછી સંભારો હોય…. તે પછી ચટણી હોય….
પછી દાળ હોય…. એના આરક્ષિત ક્રમમાં હારે થઈ પિરસાતી હોય.. લેવુ હોય ઇ એમને એમ બેહે એટલે એની થાળીમાં વસ્તુ મુકાતી હોય… આડો હાથ દેય એને ઠેકી જવાનો ધારો હોય… મોહનથાળના બે કટકા…. ભજીયાના બે ગોટા…. ખમણ ચપટીક…. એક ચમચો શાક…. વાડકીમા દાળ… ભાત જોવે તેનેે….. બાકીનાને પછી પિરસાતા હોય….

આટલી માત્રામાં જ પીરસાતુ હોય.. બગાડ ના થાય એવો નિયમ પણ અમલમાં રહેતો હોય.. જાડેરી જાન હોય….. પાંચ છ લાઇન અવળા હવળા મોઢે જમવા બેઠી હોય…. પીરસનાર છેલ્લી લાઇનના છેલ્લા જણ સુધી પહોંચતો હોય….. ત્યાં સુધીમાં પહેલી લાઇનની બધી થાળીઓ સફાચટ થઇ જતી હોય…..

જાડેરી જાન હોય તો પાંચ છ લાઇન અવળા હવળા મોઢે જમવા બેઠી હોય…. કયારેક તો બબ્બે પંગત થતી હોય… એક પંગત ઉઠે આસનપટ્ટા ખંખેરાતા હોય..
ઘરની વહૂવારૂની ફોજ એઠા થાળીવાટકા ફટોફટ ઉઠાવતી હોય.. પાછળને પાછળ સાવરણી ફોજ એઠવાડ વાળ્યો ન વાળ્યો કરતી હોય… મને હવે સમજાય છે કે આ કામ કરવુ પડતું હોવાથી જ તમે સમયે મેકઅપ કે બ્યુટીપાર્લરને મહેદી નો ધારો નહીં હોય… મોડુ થવાની બીકે બધુંય ચાલતુ હોય.. ફટોફટ આસનપટ્ટા પથરાઈ જતા હોય.. શીખાઉ છોકરાની ફોજ થાળી વાટકીઓ હારબંધ ગોઠવી દેતી હોય.. પાછી બીજી પંગત પડી જતી હોય..

પીરસનાર છેલ્લી લાઇનના છેલ્લા જણ સુધી પહોંચે ત્યાં સુધીમાં પહેલી લાઇનની બધી થાળીઓ સફાચટ થઇ ગઇ હોય… એટલે પીરસવાવાળા ભરશિયાળે પરસેવે રેબઝેબ થઇ ગયા હોય.. તો ય ડોલુ, ચમચા, કમંડળ બદલીને પાછા નિકળતા હોય… આમ ત્રણવાર પીરસાય, ત્રીજીવાર તો હડેડાટ-હોપટ નિકળી જવાનો આદેશ હોય…. તો ય પીરસણીયા બાઈઓની પંગતે એકાદ વધારાનો રાઉન્ડ લેતા હોય.. આમ પરસેવાને લુછવાનો મોકો મળતો ય ન હોય.. હા .જમાડતા જમાડતા કેડો ના કટકા ય થતા હોય.. જાન પુરી જમી ના રહે ત્યા સુધી જગ્યા છોડવાની ન હોય… ઉત્સાહ નામની ય કોઇ ચીજ હોય છે હો ભાઇ!!! પછી દાળભાત… સારૂ ઘર હોય એને ત્યાંય કોઈ મહેમાન હોય ત્યારે જ દાળભાત બનતા હોય.. કેટલાક તો લીંબુ ખીસ્સામાં નાખીને લાવ્યા હોય તે દાળમાં નીચોવીને ખાવાનો વિશેષ પ્રકારનો આનંદ કોઇ લેતા હોય.. કેટલાક તો મીઠાઈ પર તુટી પડ્યા કેડે ભાત પર પણ તુટી પડતા હોય…

ગરમ ગરમને નરમ નરમ વાનીઓ સૌની સાથે ખાઈ લેવી પડતી હોય.. ઉતાવળે ઉતાવળે ખાતા ખાતા ચાવ્યુ ન ચાવ્યુ,ઠાર્યુ ન ઠાર્યુને ઝાપટાતુ હોય.. ઉનાળાની ભારે ગરમી હોય… પંગતે માપના પંખા હોય… એમાં ય પંખા આડે માડવીયાના વડીલ આડા ઉભા હોય… કેટલાક જાનૈયા નવાં નકોર ધોયા વગરના કાજીભર્યા કપડાં પહેરી આવ્યા હોય… મોટાભાગના હાથરૂમાલ વગરના હોય… જેને હોય તેના ગજવામાં હોય…. ગરમ ગરમને નરમ નરમ વાનીઓ સૌની સાથે ખાઈ લેવી પડતી હોય.. ઉતાવળે ઉતાવળે ખાતા ખાતા ચાવ્યુ ન ચાવ્યુ,ઠાર્યુ ન ઠાર્યુને ઝાપટાતુ હોય.. જમતાં જમતાં પરસેવાના રેલા રેલાતા હોય હજી એ ખબર પડતી નહોતી કે મેમાનોને વાનીઓ તેમના એકલા પરસેવાના મિશ્રણથી સ્વાદિષ્ટ લાગતી હશે… કે પીરસનારનો ય ભળે તંઇ સ્વાદિષ્ટ લાગતી હશે?.. ગળપણનો એ જમાનો હોય… ગળ્યુ એ ગળ્યુ બીજુ બધુ બળ્યુ કહેવાતું હોય.. ને વેવાઇ બટકા દેવા નીકળતા હોય.. બટકા કરતાં તો તેને ફાચરા કહેવા સારા હોય…

પરાણે-તાણ કરી કરીને વેવાઈના મોઢામાં મોહનથાળના કે ટોપરાપાકના ફાચરા ઠુસતા હોય… સામા પક્ષે ય ક્યારેક હરખના ગળકા આવે અને પછી સામસામે પરબારા મોંમા ફાચરા દેવાતા હોય…. ખાતો હોય એના હાથ તો એઠા હોય જ.. જે તાણ કરવા નિકળ્યા હોય….. એના આંગળાના ટેરવા પણ કેટલાય હોઠોના જર્મ્સ ચોટેલા હોય જે હરખભેર શેર થતા હોય… આ જર્મ્સ (germs)કરતાં જીન્સ(genes) મજબુત લાગતા હોય… જાણે હેતભાવને હુમલે બધા જર્મ્સ સમી પચી જતુ હોય.. અને તો ય હરખે હરખે બટકાવતા હોય.. આ ફાચરાની એ પરંપરા હજુ ચાલુ જ છે. થોડે દુર પાણીનુ પીપડુ સીધુ જ કોકની કુવાની મોટર ચાલુ કરીને ભરી આવેલા હોય….
એમા ગ્લાસ જ બોળી હાથ ધોવાય અને એ જ ગલાસથી મોઢે માંડી પાણી પીવાતું હોય..

પ્રવેશદ્વારે ચાંદલો લખવાવાળા પાસે જો મુખવાસ હોય તો મુઠો ભરી ત્યાં ઉભે ઉભે ખવાઈ જતો હોય… ચાદલો લખાવીને વળી પાછો મોટો મુઠો
ભરાતો હોય… જાનનાને માડવાના છોકરાંને ધમકાવી ધમકાવી ચપકીક મુખવાસ દઈ ભગાડાતા હોય… કોક વળી તેના કાકા બાપાની વગ વાપરી બે ચાર મુઠા ભરી જતા હોય.. કોઈ તો રૂમાલમાં ય બાંધે જાણેે આમ ખાધા જેવી બીજી મજા ન હોય.. સુતા જેવુ સખ નહી એમ કહી, ભારે પેટે, બધા ખાટલે પડતા હોય… કુટુંબની જવાન વહુવારૂ નવા નકોર સાડલા સંકોરીને પંગતના થાળી વાટકા ધોતી હોય.. જમણમા કોઈ બાકી નથી તેની ખરાઈ થતી હોય… છેલ્લે એક કાબેલને ભાણા ભરવા નિમણુક કરી હોય…

રસોડે રસોઈની વધધટ જોવાઈને ભાણા ભરાતા હોય.. કુભાર,વાળંદ,ઢોલી,પૂજારી,ભંગીના ભાણા ભરાતાં હોય… ઝાઝુ વધ્યૂ હોયે ફુલ ભાણા ભરાતે તે રાજી થતા હોય.. ઓછા ભરાયે થોડા જ નારાજ થતા હોય.. આખો ય વરો વગર ખૂટ વધે પતે ઘરધણીને નિરાત થતી હોય… ગામના વાળંદ ભાઈઓ મોટાં વાસણો ધોતા હોય.. છોકરાને તો કામનુ કામને વર્કશોપની વર્કશોપ હોય.. આ વરાના વર્કરો આગળ જતા મોટા મેનેજરો થતા હોય… સમાજ જીવનના શિસ્તને સમયસુચકતાના ય પાઠ ભણતા હોય…

અરે મિત્રો મને વરો લખવાની મજા આવતી હોય… તમને વાનીઓ વાચી મોએ પાણી આવતુ હોય… અને તમને સહુને વાચવાની મજા આવતી હોય… તમે બહુ સરસ,અનુપમ, Excellent, વાહ વાહ જેવી કોમેન્ટ કરતા હોય.. સારૂ લાગે તો શેર પણ કરતા હોય… આ બધું જોઈ હરખે હરખે બીજું લખવાનુમન થતુ હોય…

છબી સાકેતિક છે.

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!