“ઘડીયાળ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 30

આજથી પચાસ સાઈઠ વરસ પહેલાં ધડિયાળો ગામડામાં પહોંચી નહોતી.. શહેરોમાં ને નાના નગરોમાં સામુહિક ધડીયાળ એટલે કે ઉચા મિનારા પર ચારે દિશાએ દેખાય તેવું ઘડીયાળ.. જેને ટાવર કહેવાતું.. તેમાં ય સહુ કોઈને સમય જોતાં આવડતું નહીં તેથી ટકોરા પડતા..જેમ કે એક વાગે એકને બે વાગે બે ટકોરા પડે એટલે ટકોરા ગણીને કેટલા વાગ્યા તે નક્કી કરાતું હતું… આજે કોક ઠેકાણે ઘડીયાળ વગરનાં કે બંધ ઘડિયાળવાળા ટાવરો ઉભાં છે.

ગામડાના લોકો દિવસે સુર્યના તડકાથી સમયનો અંદાજ કાઢીને કામ ચલાવતા હતા. રાત્રે તારાને જોઈ સમય નક્કી કરતાં. તે સમયે કેટલા વાગે તેમ પુછવાને બદલે પોર ચઢે, પહેલા પોરેનુ ચલણ હતું. સવારે વહેલા ઉઠવું હોય તો હરણી ઉગે/આથમે ઉઠાડજો કે ઉઠીશુ તેમ કહેવાતું..

ગામડાઓમાં રાત્રે તારાને તેનાં ઝુમખા સ્પષ્ટ દેખાય છે. ગ્રામજનો વહેલી સવારે ઉઠવા તારાને ઓળખીને સમય નકકી કરતા હતા. કેટલેક ઠેકાણે સ્થાનિક નિશાનીઓનો પણ ઉપયોગ અમલમાં હતો…જેમ કે રામજી મંદિરની ઝાલર વાગ્યે, મહાદેવજીના મંદિરની ઝાલર વાગ્યે વિગેરે..

આવાં સમયના ગજ કે માપ હતાં.. કોઈ કામ હોય તો તડકો માથે ચડે તે પહેલાં એટલે કે બપોરના બાર વાગ્યા પહેલાં, કે ઉતરતે તડકે એટલે બપોરના બે ત્રણ વાગ્યે, આથમતા પોરે એટલે લગભગ પાચ વાગે, સવારના ભરભાખરે એટલે દિવસ ઉગે તે પહેલાં, તડકો નીકળે એટલે સાત આઠ વાગે, તડકો ચઢે એટલે નવ વાગ્યા પછી આવી નિશાની અને કોડવર્ડથી ગામડામાં ટાઈમટેબલ નક્કી થતાં…

આ ઉપરાંત ગામમાં ટપાલી આવતો હોય તે ગામમાં ટપાલી આવે એટલે એ પણ સમય દર્શાવતું પત્રક રહેતું હતું.. મારા ગામમાં આ બધા જ ગામો કરતાં અલગ રીતે જ સમયસારણી ચાલતી હતી. આ એક રસપ્રદ હકીકત છે. થોડાક વરસો પછી ક્યાંક ક્યાંક ધડીયાળો દેખાતી થઈ હતી..

સમય જતાં આખા ગામમાં એક જ ધડીયાળ આવી હતી.. તે સમયે ગામલોકો તેમની સમય નકકી કરવાની જુની પધ્ધતિથી એટલા ટેવાયેલા હતા કે એમ કહેતાં સહેજ પણ અચકાતા નહીં કે તારૂ ધડીયાળ ખોટું છે. હજી સુરજ માથે આવ્યો નથીને બાર વાગી ગ્યા?? તે સમયે સુરજની ઉત્તરાયણની ઉત્તર તરફનું પ્રયાણ કે વરસના ટુકામા ટુકાને લાબામાં લાબા દિવસ કે રાતનું જ્ઞાન હતું જ નહીં.

મારૂં ગામ બે રેલ્વે સ્ટેશનની વચ્ચે આવેલ છે.

એક તો મારા ગામ ઘેલડાનુ સ્ટેશન.. ત્યાં ટ્રેનો મહેસાણા થી વિરમગામ તરફ આવન જાવન કરે… બીજું નજીકનું સ્ટેશન જૈન તીર્થધામ ભોયણી… આ બે સ્ટેશન વચ્ચેનુ ગામ હોવાથી તે સમયે અમારા ગામે એકેય બસ આવતી નહોતી.. આખા ગામમાં કોઈ બસમાં બેઠેલું જ નહોતું..

મારૂ ગામ રેલ્વે દ્વારા જ બહારગામની અવરજવર તો કરતું… સાથે સાથે આખા દિવસની દિનચર્યા પણ ધડીયાળના કાટા પ્રમાણે નહીં પણ રેલ્વે પ્રમાણે જ કરતું…

ગામડામા ખેતીને પશુપાલન મુખ્ય વ્યવસાય.. સૌ વહેલા ઉઠી જાય.. કેટલા વાગે ઉઠવાનું તેમ કોઈ કહે નહીં.. કઇ ટ્રેન આવે ઉઠવાનુ છે? તે કહેવાતું…

મહેસાણા થી પોરબંદર જતો કીર્તી મેલ અમારા ઘેલડાના સ્ટેશને આવે(પાછળથી આ ટ્રેનનુ સ્ટોપેજ રદ થયેલ)તેની વ્હીસલ અમારા ગામને ઉઠવાનું એલાર્મ….

એકબીજાને ઉઠીને એ પ્રથમ પુછાતુ કે કીર્તીમેલ ગયો?? જો જવાબ હા તો મોડું થયું કહેવાય.. આજના ધડીયાળના ૪.૩૦ કલાકે આ મેલ આવે….

આ કીર્તીમેલ પકડવા પાછી અમદાવાદ થી બહુચરાજી જતી સવારના ૪.૦૦ કલાકે આવતી ગાડી ભોયણી સ્ટેશને વ્હીસલ વગાડે કે તરત જ નીકળી જવું પડતું..

આ ટ્રેન ભોયણી સ્ટેશનથી પકડવી હોય તો હરણી આથમે કે તરત જ નીકળવું પડે.. પછી પ.૦૦ કલાકે જનતા મેલ આવે તે સમય પુરૂષોએ સમય સાતી લઈ ખેતરે જવાનો, બહેનોએ છાણ વાછીદા કરી ઢોર દોહવાનો, મંદિરોમાં આરતીની તૈયારીનો સમય ગણાતો..

આ ઉપરાંત ભોયણી સ્ટેશનથી સવારે ૫.૪૫ની અમદાવાદ જવા વિજાપુર લોકલ (કલોલથી બદલવી પડતી)જતી ગાડી પકડવી હોય તો તેનો પણ સમય થઈ ગયો..

જનતા ઘેલડા સ્ટેશને વ્હીસલ ફુકે તે ટ્રેન માટે નીકળી જવું પડે જ…નહી તો તે ટ્રેન ઉપડી જાય તેવું સચોટ અનુમાન હતું.

આમ આખુ ગામ આવી રીતે સમયના ચકરાવે ચડીને સવાર પડે.. સુરજદેવ દર્શન દે… લોકો સવારના કામકાજ, સ્નાન, દેવદર્શન પતાવી, ચા પાણી પી લે…

હવે પાછી રેલની વ્હીસલ વાગે..ફોલોઅપ ચાલુ થઇ જાય..આ વ્હીસલવાળી ટ્રેનનું નામ અડધીયુ…નામ વિચીત્ર લાગે છેને?? અડધીયુ એટલે થોડાક પેસેન્જરો માટેના કોચને થોડાક પાણીનાં ટેન્કરના હોય..

એટલે તે અડધી પેસેન્જર અને અડધી ગુડઝ એટલે તેનું નામ અડધીયુ… રેલના સ્ટાફને સ્ટેશને સ્ટેશને પીવાનું ને વાપરવાનું પાણી આપતી જાયને પેસેન્જરને ય લેતી ઉતારતી જાય…

મહેસાણા થી વિરમગામ સુધી જ જાય.. આ ટ્રેન પકડવા મહાદેવના મંદિરની આરતી પતે નીકળી જવાનો અમારો ધારો…

સવારે ૭.૩૦ અડધીયુ ઘેલડાના સ્ટેશને આવે ત્યારે ખેતીકામના મજુરોને આ ટ્રેન આવે તે પહેલાં ખેતરમાં કામ પર ચઢી જવા તાકીદ કરાતીને ધારો ય પડી ગયેલ.

ગામમાં સૌથી અગત્યની વ્હીસલ આ ટ્રેનની ગણાતી. વહેલી સવારે ખેતરે ગયેલ ખેડુતોને શીરામણ(સવારનો ચા નાસ્તો) પહોચાડવાનો, ઢોર માટે ચાર લેવા જવાનો, મજુરો લઈ ખેતરે જવાનો, ગામના ઢોર ખીલેથી છોડી ખાડુમા છોડવાનો સમય પણ આ જ રહેતો..

હવે બીજી ટ્રેનની વ્હીસલ નવ વાગ્યે વાગે.. તે ભોયણીના સ્ટેશને.. અમદાવાદથી બહુચરાજી જતી ટ્રેન… સીમમાં જે સ્ત્રીઓ ચાર લેવા ગઈ હોય તેમણે ગાસડી બાધી પાછા વળવાનું, ખેત મજુરો માટે ચા પાણી લઈ ખેતરે જવાનો ય આ જ સમય… કલાકેક પછી એક ટ્રેન દસ વાગ્યે મહેસાણા થી અમદાવાદ.. ભોયણીના સ્ટેશને વ્હીસલ વગાડે તે સમય….

ખેતરેથી ચાર લઈ પરત આવવાનો, બહારગામ ભણવા જતા વિદ્યાર્થીઓ ને સ્કુલ જવાનો રહેતો હતો…

બપોરે ૧૧.૪૫ કલાકે અમદાવાદ થી બહુચરાજી ટ્રેન..ભોયણી સ્ટેશને આવે.. તેની વ્હીસલ વાગ્યે…ખેતરમાં ભાત (ટીફીન) લઇ જવાનું, ઢોર જે ઘેર હોય તેને તળાવે પાણી પાવા લઈ જવાનું રહેતું…

બીજું એક એ ફરજ્યાત રહેતું તે ઘેલડા સ્ટેશને ૧૨.૩૦ કલાકે આવતી વિરમગામ જતી ટ્રેન પકડવા ઘરેથી આ ટ્રેનની વ્હીસલે નીકળી જવાનું…

હવે એક વ્હીસલ વાગે ૧૨.૩૦ કલાકે.. ઘેલડાના સ્ટેશને..વિરમગામ જતી ટ્રેન.. ખેત મજુરોને જમવાનોને રિશેષનો સમય પણ રેલ્વે જ નક્કી કરે.. આ ટ્રેન લેટ પડે તો મજુરો રેલ્વેને ગાળો આપેને ખેતર માલીક રાજી થાય…

આશરે એકાદ કલાકની રિશેષ ખેતમજુરોને અપાય..આ રિશેષનો કોઈ ગેજ નહીં.. જેવા મજુરને જેવા માલિક…તેના પર નિર્ભર રહે..

હવે આવે વિરમગામથી મહેસાણા લોકલ.. સમય ૨.૪૫ કલાકનો..આ વ્હીસલે ગામમાં થી ખેતરે મજુરો માટે ચા પહોચાડવાનો સમય..

આમ આખું ગામ રેલની ગાડીની જેમ જ દોડ્યા કરે…સવારે પ.૦૦ કલાકે ગયેલ જનતા સાજના ૫.૩૦,૫.૪૫ વાગ્યે ઘેલડા સ્ટેશને વ્હીસલ મારે ત્યારે ખેતરના મજુરોને,ગામની સ્કુલના નિશાળીયાને છૂટવાનો સમય રહેતો..આ ઉપરાંત ખાડુ પાછું પણ જનતા મેલથી જ ઘેર પાછું ફરે.. આમ જનતા મેલ આખા ગામનાં ખેડૂ, મજુર, છોકરાં ને ઢોરને ય ઘરભેગા કરે. .ફટોફટ દૂઝણા ઢોર દોહવાઇ જાય.

ગામડા ગામનુ સાજનુ સામાન્ય ખાણુ ખીચડી, રોટલાને દૂધ હોય.. તેની તૈયારી શરૂ થઇ જાય.. દિવસ આથમતા પહેલાં સાજના વાળુ કરી લેવાય..

સાંજે સંધ્યા આરતી પછી ભોયણી વાળી ટ્રેનના ઉતારુ (૭.૪૫) આવે તે પહેલાં વાળુ પાણી પતાવી દેવાનાંને ઉતારુ આવે કે મહેસાણા અમદાવાદ ભોયણીથી વ્હીસલ વગાડે… તે સમયે ખાટલા ભેગા થઈ જવાનુ … છોકરાઓએ પણ ફરજ્યાત ખાટલા ભેગા થઈ જવું પડતું…..સવારે પાછો કીર્તીમેલ અમારા ગામને જગાડી પુન:સક્રિય કરી દે..

આ હતું મારા બાળપણ સમયના મારા ગામનું સમયપત્રક આખા દિવસનીને બીજી ઘણી વાતો ફરી ક્યારેક….

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!