“દાયણ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 28

(સુયાણી)

આજથી ચાળીસ પચાસ વરસ પહેલાં ગામડા ગામોમાં ઘરે દાયણ જ સુવાવડ કરાવે.. દાયણ/સુયાણી એટલે ગામમાં સુવાવડ અંગેની જાણકાર બાઈ

જે સામાન્ય વળતરથી સુવાવડ કરાવતી.. તે સમયે દવાખાનાની, નાણાંની, સમજણની, વાહન વ્યવહારની ય ખેંચ…

સૂવાવડ એ ગંભીર પ્રકારની છતાંય કુદરતી પ્રોસેસ છે. આ અંગેની જાણકારી ય બહુ ઓછા માણસોને હોય કારણ કે તે જનન અંગીય છે.

અગાઉના સમયમાં મોટાભાગનાં ગામોમાં એક દાયણ તો હોય જ. તેમની બોલબાલા ય ખરી.

અમારા ગામમાં નવીમા જાતે ઠાકોર પણ સુવાવડના માસ્ટર ગણાય… હજી સુધી મને એ ખબર નથી પડી કે તેમને નવીમા કેમ કહેવાતા?

મારો પોતાનો જન્મ પણ નવીમાએ જ કરાવેલ હતો. વાતેને વાતે એ એમ કહેતાં કે આખા ય ગામના જેટલાં દીકરા દીકરીઓ પરણવાના બાકી છે તે બધાંય ને મેં જ જન્મ કરાવ્યા છે..

અમારા પટેલોમાં અને મોટેભાગે બધી જ જ્ઞાતિમાં દીકરીની પહેલી સુવાવડ તેના મા બાપને ત્યાંજ કરાવાય…

નવીમા બાઈના શરીર પરથીને ચાલ પરથી આજના ડોકટરની જેમ તારીખ પણ આપી શકતાં.. ક્યારેક તે સાચી પણ પડે…

ગામની દીકરી હોય કે વહુ નવીમા તે સહુને હૈયાધારણને હિમતે ય આપતાંને જરૂરી સલાહ સુચન પણ આપે… છેલ્લા દિવસોમાં સુવાવડી બાઈને ભરપુર ઘીનો ખોરાક દેવાની પણ ભલામણ કરે..

કોઈકને દિવસોમાં દિવેલ પણ લેવાની સલાહ પણ આપે..

છેલ્લા દિવસો સુધી સતત પ્રવૃતિમય રહેવાની પણ સલાહ આપે..

જરૂર પડે તો પોતે પણ આજના ડોકટરની જેમ પોતાની રીતથી તપાસ પણ કરે..

ભારે મથ્થા કે આડા ઉલ્ટા બાળકને પ્રસુત કરાવવાની તેમની પોતાની ટેકનીકથી તે આજુબાજુના ગામોમાં પ્રખ્યાત પણ ખરાં..

આ ઉપરાંત તેની પાસે બેસી આજના સાયકો કહેવાય તેવા પ્રકારથી વાતચીત કરી.. તેને હિમત આપે… સુસાવડ સમયની બીક દૂર કરે..

પોતે ખુબ જ અનુભવી છું.. કોઈ વાતે બીક રાખવાની જરૂર નથી.. આમ તે બાઈમા હિમત પુરતાં… બે ચાર વિચિત્ર સૂસાવડ કેવી રીતે પાડ પાડી તેના ય દાખલા મુકે… પ્રસુતાને વિશ્વાસ આપી ડર પણ ઘટાડે…

સુવાવડી બાઈની મા કે સાસુ આખી ય જવાબદારી નવીમાને સોપે…

ગામને છેવાડે તેમનું ઘર… જ્યારે પણ કંઈ તકલીફ કે લેબર થાય કે તરત જ નવીમાને બોલાવાય…

શી ખબર નવીમાના હાથમાં શો જાદુ છે? કે આ માટે તેમની વિશેષ જાણકારી?

ગમે તેવા અટપટા કેસ પણ ઉકેલી નાખે.. નવીમાને તેડુ જાય કે તરત જ ચુપચાપ આવી જાય.. રસ્તે મળનારને કંઈ કહે નહીં..

કેમ કે જેટલાં ઝાઝાને સૂવાવડીની પીડની જાણ થાય તેટલી બાઈ વધારે પીડાયને ઝટ છુટકારો ય ન થાય.. તેવી એક માન્યતા પણ હતી.

નવીમા ઝટપટ સુવાવડીના ઓરડે જાય.. બધાને બહારકાઢે.. ઓરડો બંધ કરે.. દિવસનો સમય હોય અજવાળું હોય તો ઠીક નહીં તો ફાનસનુ અજવાળું કરે..

થોડીવારમાં તે બહાર આવી રિપોર્ટ કરે..કે કેટલીવાર લાગશે??? હુ મારી રીતે સમયે આવી જઈશ..

આમ અનુભવી નવીમા સમયસર આવી ગયાં જ હોય.. કેટલીક વાર તો જણનારી જોર ન કરે તો પોતે પોતાની પધ્ધતિથી પેટ પર હાથ મુકી તેલ ઘસી ધીમે ધીમે બાળકને સરકાવવામાં મદદ પણ કરે..

ઘણી બધી સુવાવડોના અનુભવી નવીમા પણ ક્યારેક અટવાઈ જતાં…

મેં સાભળેલ કે એક પ્રસુતાને ધણા સમય સુધી લેબર ચાલુ રહ્યું પણ કેમેય કરી છૂટકારો થાય નહીં. બાઈ લેબર આપી આપી થાકી ગઇ હતી..

છેવટે તેમણે છાપરાં ની વળી સાથે એક દોરડું બાધ્યુ તેના સહારે ટેકો લઈ પ્રસુતા પર વજન ન આવે તેમ એક પર ખાટલાની ઈસ પરબીજો પગ પ્રસુતાના પેટ પર ધીમે ધીમે દબાણ આપી સફળ પ્રસુતિ કરાવેલ..

અમુક કિસ્સામાં નવીમાને લાગે તો પ્રસુતાને જમીન પર સુવાડી દેતાં..

બીજા એક કિસ્સામાં એક બાઈનુ બાળક ઉધુ હતું.. તે પણ તેમણે તેલવાળા હાથથી પ્રસુતાના પેટ પર ધીમે હાથે માલીસ કરી સીધું કરી સુવાવડ કરાવેલી.

ક્યારેક તો સવારોસવાર કે આખો દિવસ તે પ્રસુતાની પ્રસુતિ કરાવવામાં નીકળી જતો.. પ્રસુતિ પત્યેથી નવીમા બાળકને કોરૂ કરી આપે, નાડ કાપે, પ્રસુતાના કપડાં ને નાડને પાથરણા લઈ જાય.. તે નાડને ઉકરડે દાટી દે અને કપડાં ને પાથરણુ ગામ બહાર ફેકી આવે..

તે સમયે પ્રસુતાને દશ દિવસે જ નવડાવામા આવતી.. તેનાં કપડાં રોજેરોજ બદલાવી લેવાતાં.

તે સમયે બધા જ ઘરે બાથરૂમ નહોતા.. પ્રસુતાને નહાવા માટે આડશો ઉભી કરી નહાયાનુ પાણી જવા એક ખાડો કરાતો.. થોડા સમય પછી તેને પુરી દેવાતો..

નવજાત બાળકને પણ દરરોજ નવડાવાની મના હતી… બે ચાર દિવસે એકાદવાર સ્નાન કરાવાતુ.

આવાંં પગલાં લઈ તે આ કામ કરી આપતાં. ક્યારેક તે નિષ્ફળ પણ જતાં.. પણ તે સમયે બીજો કોઈ પર્યાય પણ નહોતો..

સુવાવડ પત્યે પ્રસુતાના ઘરવાળા પાસેશીખમા પાશેર ઘી, ગોળ, દશ શેર ઘઉ કે કોઈ પણ ધાન, થોડુંક તેલ એક શ્રીફળને સારૂં ખાતું પીતું ઘર હોય તો ક્યારેક રોકડા પાચ દશ રુપિયા ય મળે.

આજે એ વાત કહેવી પડશે કે તે સમયે નવીમા આખા ગામની મા જેવાં હતાં. આખા ગામના છોકરા છોકરીઓની મા જેવાં…

જો કોઈ છોકરો તેમની સામે થોડુંક વધારે બોલી જાય તો. તરત જ તેમનો રોકડો જવાબ હોય..  છાનોમાનો ચુપ મર.. તારા નાયડાનો કટકો હજી મારા નખમાં ભરાઈ રહ્યો છે. પુછજે તારી માને…

આમ તે સમયે અમારા એક ખાસ સહાયક જન્મદાતા આ નવીમા હતાં…

કેટલાક કિસ્સામાં તો સ્વયં કોઈની ય મદદ વિના કુદરતી જ સુવાવડ થઈ જતી..

અમુકવાર તો ખેતરે ગયેલી બેજીવી બાઈ ત્યાંથી જ બાળક લઈ ઘરે આવ્યાના દાખલા છે.

નવીમાનુું બીજું એક પાસું એ હતું કે તે થોડું ઘણું વૈદુ પણ જાણતાં હતાં.. જે દંપતિ નિ:સંતાન હોય તેને તે દેશી ઓસડિયા પણ બનાવી દેતાં.. અને કેટલીય વાર તે સફળ પણ રહ્યાં છે.

આ ઉપરાંત ક્યાંક કોઈ દીકરી કે વિધવા બાઈનો પગ કુડાળે પડી ગયો હોય તો તેને પણ કલંકેથી ઉગારી લેવાની સેવા આપતાં. આમ કેટલીય જિદગીઓ ઝેર થતી બચાવી છે.

કોઈને ગાયનેક પ્રોબ્લેમ હોય તો તેને પણ દેશી ઓસડિયા જાતે બનાવી સારવાર પણ કરતાં હતાં.

અમારા નવીમા સૂયાણી/દાયણ તરીકે બહુ જાણીતાં અને હોશિયાર હતાં.

એ સમયે હજુ આ 108ની સગવડ નહોતી ઉભી થઇ ત્યારે નવીમા શીખી લાવેલા કે નાળ બ્લેડથી કાપવી.

બ્લેડ બીજી વખત વાપરવી નહિ એવું કેટલુંક પ્રાથમિક શીખી આવેલા એવું ગામના લોકો પાસેથી સાંભળેલું છે..

એ ડોકટર પાસેથી ધનુરનું ઈન્જેકશન લેવાની ભલામણ પણ કરતાં… આવાં અનેક સેવાભાવીઓની સેવાને સહયોગથી જ ટૂકી સગવડોને ખેચના સમયે ગ્રામ્યજીવન ચાલતુ રહેતું….

એક પેઢી પહેલાંની આ વાત છે તે સમયે મોટાભાગે દરેક યુગલને ચાર પાંચ સંતાનો હોતાં. અત્યારે ત્રણ સંતાનો હોય તો ય આશ્વર્યની વાત ગણાય છે.આવું જ સુવાવડનુ જ છે. સામાન્ય સુવાવડ એ ભગવાનની કૃપા ગણાય છે. જ્યારે ચાર પાંચ સંતાનો થતા હતાં ત્યારે દાયણો સામાન્ય સુવાવડ કરાવતી હતી. એક વાત સાચી છે કે અત્યારે મૃત્યુદર ઘટ્યો છે. પણ સિઝેરીયનનો રાક્ષસ પણ ઘુસી ગયો છે. કેટલાક કેસમાં તો દુખાવો ઉપડેને દવાખાને લઇ જવાય ત્યારે મિકેનીકલ સપોર્ટથી તેને બિનજરૂરી રોકી લેવાય છે.

આ સુવાવડની આધુનિક પધ્ધતિના શરૂઆતે માત્ર એવા જ કિસ્સામાં સિઝેરીયન પધ્ધતિનો ઉપયોગ કરાતો હતો કે જે બાઈ સુવાવડ સમયે બિમાર હોય, અકસ્માતગ્રસ્ત હોય, બાળકને પુશ કરવા શક્તિમાન ન હોય…

આ જ સુવાવડ સરકારી દવાખાને નોર્મલ સુવાવડ મફત થાય છે. ખાનગી હોસ્પીટલોમા નોર્મલ ડીલીવરી જે બે પાચ હજારમાં થઈ શકે તેના બદલે કેટલાક કિસ્સામાં બિનજરૂરી સિઝેરીયનનો ઉપયોગ કરી પચાસ હજારથી લાખ રૂપિયા ચાર્જ વસુલાય પણ છે.. આમાં મધ્યમ વર્ગનો મરો થાય છે..

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!