ગુજરાતના ઇતિહાસમાં મહારાજ સિદ્ધરાજ જયસિંહ એક એવાં રાજા છે કે જેમનું સ્થાન ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ નંબરે જ રહેલું છે. એવું નથી ગુજરાતે ઘણી ચડતી પડતી જોઈ છે અનેક રાજવંશો આવ્યાં અને ગયાં અને જે વર્તમાન રાજવંશશ છે સોલંકી યુગ એનો પણ અસ્ત થઈને નવો વંશ આવવાનો છે ! પણ માત્ર આ યુગને જ સુવર્ણકાળ કહેવાય છે એ વાત અતિ મહત્વની છે ગુજરતના ઇતિહાસમાં. સોલંકી યુગ પહેલાં પણ ગુજરાત ઘણું જ સમૃદ્ધ હતું એનાં નિર્માણમાં ઘણાં વંશોએ એમાં સિંહફાળો આપ્યો છે. એ તો આપણી કમનસીબી છે કે એ વિષે આપણે પૂરેપૂરું જાણતાં નથી અને એમાંય વળી આપણને ભણાવાય છે માત્ર ગણ્યાં ગાંઠયા ૪ જ રાજાઓ ! ગુજરાતનો ઈતિહાસ તો છેક પૌરાણિક કાળથી ચાલ્યો આવે છે.પણ આપણે જેને ઈતિહાસ કહીએ છીએ એની શરૂઆત તો હજારો વર્ષ પૂર્વે પ્રાગઐતિહાસિક કાળથી જ થઇ ગઈ હતી.
લોથલ અને ધોળાવીરાના અવશેષો ગુજરાતના ભવ્યાતિભવ્ય ઇતિહાસની સાક્ષી પૂરતાં આજે પણ ઉભાં છે ભલે ભગ્નાવશેષો હોય પણ ઈતિહાસ તો છે ને !! પછી ઘણા વંશોએ ઘણા વરસો રાજ કર્યું અને પછી ચાવડા વંશે રાજ કર્યું અને પછી આવ્યો આ આ સોલંકીનો સુવર્ણ કાળ. સોલંકી યુગની એક ખાસિયત એ છે કે એમણે ગુજરાતને એક કર્યું અને ગુજરાતના સિમાડા વધાર્યા એનો શ્રેય જાય છે મહારાજ સિદ્ધરાજ જયસિંહને !
મહારાજ સિદ્ધરાજ જયસિંહના વિજય અભિયાનો ઘણાં છે જે તે સમયમાં રચાયેલા સાહિત્યમાંથી આપણને એની માહિતી અવશ્ય પ્રાપ્ત થાય છે
મહત્વના વિજ્યઅભિયાનો તો આપણે ૨ ભાગમાં જોયાં-જાણ્યાં હવે આ ૩જા ભાગમાં એમનાં બાકી રહેલાં વિજય અભિયાનો પણ જોઈ-તપાસી-જાણી લેવાં જ જોઈએ દરેકે.
મહારાજ સિદ્ધરાજ જયસિંહ અને સિંધુરાજ ——-
દાહોદમાંથી વિક્રમ સંવત ૧૧૯૬ (ઇસવીસન ૧૧૪૦)ના લેખમાં સિદ્ધરાજ જયસિંહે કોક સિંધુરાજને હરાવ્યનો ઉલ્લેખ છે. પણ આ સિંધુરાજ કયા પ્રદેશનો રાજવી હતો એ સ્પષ્ટ જાણવા મળતું નથી . નામ પરથી એમ લાગે કે આ સિંધુ નદીનો પ્રદેશ હશે કે સિંધુરાજ એ એમનું નામ હશે પણ આવો ઉલ્લેખ ક્યાંય થયેલો જોવાં મળતો નથી. વિક્રમ સંવત ૧૨૧૮ (ઇસવીસન ૧૧૬૨)ના કુમારપાળના સમયના કિરાડુના લેખમાં સિદ્ધરાજ જયસિંહની કૃપાથી એમણે સિંધરાજપુર પાછું મેળવ્યું એમ જણાય છે. એથી સંભવ છે કે સિંધુરાજ એ સિંધુરાજપૂરનો રાજવી હશે. આ સિંધુરાજપુર કિરાડુના પરમાર વંશના સોમેશ્વરે જીત્યું હશે એમ લેખ પરથી સ્પષ્ટ થાય છે.
સિદ્ધરાજ જયસિંહ અને ભિન્નમાલનાં પરમારો ——
સિદ્ધરાજ જયસિંહે માળવાના પરમાર વંશને હરાવી એની સત્તા છિન્નભિન્ન કરી નાંખી હતી પણ કિરાડુના લેખ પરથી જણાય છે કે આબુના પરમારો અને કિરાડુના પરમારો ચૌલુક્ય રાજ્યના અંત સુધી પાટણના સામંત તરીકે રહ્યાં છે. આ વંશના ઉદયરાજના પુત્ર સોમેશ્વરને સિદ્ધરાજ જયસિંહે વિક્રમ સંવત ૧૧૯૮(ઇસવીસન ૧૧૪૨)માં એની ગાદી પાછી અપાવી.
સિદ્ધરાજ જયસિંહ અને ચંદેલાઓ ——-
માલવને જીતયા ત્યાથી સિદ્ધરાજ જયસિંહના રાજ્યની હદ છેક ચંદેલાઓના રાજ્ય સુધી વિસ્તરી હતી. આથી સિંધુરાજને બુંદેલખંડનાં ચંદેલા રાજવી મદનવર્મા સાથે યુદ્ધમાં ઉતરવું પડયું હતું. આ મદનવર્મા સાથેના યુદ્ધનું વર્ણન પ્રબંધચિંતામણીમાં સવિસ્તર આપેલું જ છે. સિદ્ધરાજે મદનવર્માને યુદ્ધનું કહેણ મોકલ્યું ત્યારે મદનવર્માએ કહેલું કે -સિદ્ધરાજને કહો કે જો એણે મહોક્લ નગર જોઈતું હોય તો યુદ્ધ અનિવાર્ય છે. જો સિદ્ધરાજ જયસિંહ ફક્ત દાનની લાલચે યુદ્ધ કરવાં આવ્યા હોય તો એમને દાન આપીને પાછાં મોકલો. આ પરથી એટલું સંભવિત છે કે મદનવર્મા સાથેના યુદ્ધમાં સિદ્ધરાજ જયસિંહને ફરજીયાત સંધિ કરવી પડી હશે અથવા દ્રવ્ય લઈને પાછાં ફરવું પડયું હશે ! કીર્તિકૌમુદીમાં જણાવાયું છે કે – ધારાનાગરીનો જયસિંહે નાશ કર્યો ત્યારે મહોલાકના રાજાએ ભેટના બહાના હેઠળ દંડ આપ્યો. જયારે કલાંજરમાંથી મળેલા મદનવર્માનાં લેખમાં લખ્યું છે કે – “જેમ કંસને કૃષ્ણે જીત્યો તેમ મદનવર્માએ ગુજરાતના રાજાને જીત્યો!”
આ રાજા મદનવર્મા વિષે વિગતે જાણવા જેવું છે. મદનવર્મા સાથે યુદ્ધ થયું જ નહોતું. આ રાજા મદનવર્મા પાસે અઢળક સંપતિ હતી તે એ સમયનો સૌથી સમૃદ્ધ રાજા હતો. ભારતના ઘણાં રાજાઓએ આ સંપત્તિ લુંટવાનાં આશયથી જ ઘણાં આક્રમણો કર્યા હતાં. વિદેશી આક્રમણો થયાં એ પહેલાં અને ત્યાર પછી પણ રાજપૂતો પણ આવા જ કારણોસર આક્રમણો કરતાં જ હતાં. પણ એમનો હેતુ પ્રજાને રંજાડવાનો નહોતો કે કોઈ દેવસ્થાનોમાં નુકશાન પહોંચાડવાનો. જે કાર્ય મલેચ્છો કર્યું હતું તેવું તો તેઓ હરગીઝ નહોતાં કરતાં. ગુજરાત તો પહેલેથી જ સમૃદ્ધ હતું પ્રાગ ઐતિહાસિક કાળ અને મૈત્રક કાળ એનાં ઉત્તમ દ્રષ્ટાંતો છે. મૈત્રકકાળ પછી પણ ગુજરાતની સમૃદ્ધિ ટકી રહી તે છેક સોલંકીયુગ સુધી ! ગુજરાતના સીમાડાઓ થોડાં ઘટતાં હતાં. સિદ્ધરાજ જયસિંહ પહેલાં થોડીઘણી પરિસ્થિતિ આવી હતી.
હારેલાં રાજાઓ ફરી પાછું માથું ઉંચકતા હતાં તેઓ વારંવાર અણહિલવાડ પર આક્રમણો કર્યા કરતાં હતાં. હવે કોઈ આક્રમણ કરે તો એને વળતો જવાબ તો આપવો પડેને ! એ યુદ્ધ કંઈ એક બે દિવસમાં તો પૂરું થાય જ નહીં ને ! યુદ્ધ ક્યાં તો હરાય કે ક્યાં તો જીતાય. અનિર્ણિત યુધ્ધોનો અવકાશ ઇતિહાસમાં બહુ ઓછો રહેલો છે જોકે એનાં પણ દ્રષ્ટાંતો મળી જ રહે છે ભારતમાં ! મહારાણા પ્રતાપનું મોગલો સાથેનું હલ્દીઘાટીનું યુદ્ધ આનું એક જવલંત ઉદાહરણ છે. પણ આવાં ઉદાહરણો ભારતીય ઇતિહાસમાં જવલ્લેજ જોવાં મળે છે. યુદ્ધ નિવારવા માટે અને પ્રજાનું રક્ષણ કરવાં માટે એક જ સારો વિકલ્પ છે – તે છે સંધિ કરી લેવાનો.
આનું મુખ્ય કારણ એ છે કે પ્રજા પર ખોટો કરવેરો નંખાય નહી અને પ્રજાનું સુખચેન છીનવાય નહીં ! પ્રજાની જાનહાની થાય નહી અને ખોટી લુંટફાટ કે તોડફોડ થાય નહીં, પ્રજાની જાનહાની થાય નહીં. હારવાના કલંક સાથે કોઈના આશ્રિત થઈને જીવવા કરતાં સંધિ કરીને પ્રજાના તારણહાર બનીને લોકો સમક્ષ માથું ઊંચું રાખીને ફરવું વધારે સારું !
પ્રાચીનકાળથી અર્વાચીનકાળ સુધી આમ જ બનતું આવ્યું છે નહીંતો મલેચ્છો ૮૦૦ વરસ ભારતપર રાજ્ય કરી શકત જ નહીં ને ! માત્ર મલેચ્છોને શું કામ દોષ દેવો આપણે પણ આવું જ કર્યું હતું અને આવું જ કરી રહ્યા છીએ હજી પણ અને કોણ જાણે ક્યાં સુધી કરતાં રહીશું તે !!
તે સમયે રાજ્ય ચલાવવું ખરેખર એક કઠીન કાર્ય હતું …. વસ્તીવધારો તો તે સમયમાં પણ હતો. સોલંકીયુગ પહેલાં પણ શું ભારત કે શું ગુજરાત વસ્તી તો એ સમયે પણ વધારે જ હતી અલબત્ત અત્યાર જેટલી નહી. તે સમયમાં જો વસ્તી ગણતરી થઇ હોતને તો ખ્યાલ આવત કે ખરેખર તે સમયમાં કેટલી વસ્તી હતી તે ! વળી સૈન્ય, પ્રજાના વિકાસ કાર્યો શિલ્પ-સ્થાપત્યો , પ્રજાના રક્ષણ માટે બાંધવામાં આવતાં કિલ્લાઓ વગરે માટે ઘણો ખર્ચ થતો હતો. ધર્મિક સ્થાનોના પુન: નિર્માણ અને અન્ય ધર્મો માટે નવાં ધાર્મિક સ્થાનો બાંધવા માટે પણ લખલુટ નહીં કરોડોમાં ખર્ચો થતો હતો એ વખતે પણ. રાજ્યની આવકની દ્રષ્ટિએ આ બધું પહોંચી વળવું કોઈપણ રાજા માટે અશક્ય જ હોય !! રોજ જ તેઓ એવું જ વિચારતા હોય કે આ આવક વધારવા આપણે શું કરીશું તે !
મહારાજ સિદ્ધરાજ જયસિંહને પણ આ ચિંતા કોરી ખાતી હતી !! એમાં વળી એમણે સોમનાથ મંદિર પર લેવાતો વાર્ષિક ૭૨ લાખનો યાત્રાળુવેરો નાબુદ કર્યો ! આટલી મોટી આવક જતી કરી તો એ સરભર કરવા કૈંક તો કરવું પડે ને ! એ માટે એક જ ઉપાય હતો -“હવે તો યુદ્ધ એ જ કલ્યાણ !” કરો ચડાઈ અને ખંડણી પેટે લાખો – કરોડો રૂપિયા વસૂલો ! આ ચઢાઈ કરતી વખતે દરેક રાજા એક વાત તો જાણતા જ હોય છે કે પોતાને જીતવાની શક્યતા કેટલી છે તે ? બીજાં બે કારણો પણ અગત્યનાં છે એમનું એક કારણ છે અને તે જ બહુ મહત્વનું કારણ હોય છે તે છે મહત્વાકાંક્ષા, કઈ મહત્વાકાંક્ષા ? તો એનો જવાબ છે – પોતાનાં રાજ્યનો વિસ્તાર વધારવાની સીમાઓ દુર દૂર સુધી લઇ જવાની.
આમાં ક્યારેક નાનાં નાનાં રાજ્યો કે રજવાડાઓ જે લોકોનો સાથ પ્રાપ્ત કરવાં કે એમને સબક શીખવાડવા એમની સાથે યુદ્ધ કરવું પડે છે. આનો એક મોટો ફાયદો એ પણ થાય છે કે એમને પુષ્કળ દ્રવ્ય પણ મળે છે એટલે કે આર્થિક મદદ અને સૈન્યબળ પણ વધે છે અને જો જીતનાર રાજા જો શક્તિશાળી અને લોકપ્રિય હોય તો એમને વિશ્વાસુ માણસો પણ પ્રાપ્ત થાય છે. જે એમાંના કાયમી મદદગાર બનીને રહેતાં હોય છે ! વળી અશ્વો અને હસ્તિબળમાં પણ વધારો થાય છે !
બીજું કારણ છે – બદલો લેવાનું કાં તો પોતાની હારનો બદલો લેવાં ફરી બમણાં વેગથી આક્રમણ કરતાં હોય છે અથવા પોતાનાં પિતાની હત્યાનો બદલો લેવાં માટે ! આવાં અનેક કારણો હોય છે બીજાં રાજા પર આક્રમણ કરવાં માટે ! પણ મુખ્યત્વે તો તેમનાં રાજયની સંપત્તિ લુંટવા માટે જ આક્રમણો કરાતાં હોય છે ! પણ તે જમાનામાં કોઈની પત્નીને પોતાની પત્ની બનાવતાં ન્હોતાં કે એમની હત્યા ન્હોતાં કરતાં! ખાલી પોતે જીત્યાં એટલે ખોટી કત્લેઆમ નહોતાં કરતાં ! એ એ જમાનામાં ભારતીય સંસ્કૃતિમાં નહોતું બનતું અને આજે ય નથી બનતું ! રહી વાત વિશ્વાસઘાતની તો એ તો એક કથાનો જ ભાગ હોય છે જેને ઈતિહાસ સાથે કોઈપણ પ્રકારની લેવાદેવા નથી હોતી !
મહારાજ સિદ્ધરાજ જયસિંહનું બુંદેલખંડનાં ચંદેલ રાજા મદનવર્મા પરનું આક્રમણ આનો જ એક ભાગ હતું. આ બુંદેલખંડ એટલે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ વચ્ચેનો એક પ્રદેશ જે આજે પણ બુંદેલખંડ તરીકે ઓળખાય છે. રાજા મદનવર્મા પાસે પુષ્કળ ધનસંપત્તિ હતી એ લુંટવા માટે જ સિદ્ધરાજ જયસિંહે એનાં પર આક્રમણ કર્યું હતું. આટલો બધો વૈભવ અને સંપત્તિ જોઇને તો કોઈનું પણ મન લલચાય તો એની સ્વાભાવિક પ્રતિક્રિયા આવી જ હોય ! રાજા મદનવર્માને સિદ્ધરાજ જયસિંહ જેવો ગુજરાતનો શક્તિશાળી રાજા પોતાનાં પર આક્રમણ કરવાં આવી રહ્યો છે એવી ખબર પડતાં જ એમણે સિદ્ધરાજ જયસિંહને કહેણ મોકલ્યું – ” આ આક્રમણ -ફાક્રમણ રહેવાદો તમે સીધાં મારી પાસે આવતાં રહો મારાં મહેલમાં ! તમારે જેટલાં પૈસા જોઈતાં હોય એટલાં લઇ જાવ બોલો કેટલાં જોઈએ છે ?”
આમ કહી એમણે સિદ્ધરાજ જયસિંહની ખુબ આગતા-સ્વાગતા કરી અને એમણે તે સમયની ૯૬ કરોડની સુવર્ણમુદ્રાઓ આપી. સિદ્ધરાજ જયસિંહને એમ લાગ્યું કે – “જો મને વગર લડે આટલાં બધાં પૈસા મળતાં હોય તો હું શું કામ યુદ્ધ કરું?” આમ, સિદ્ધરાજ જયસિંહને વગર લડે જે જોઈતું હતું તે મળી ગયું !!!
સિદ્ધરાજ જયસિંહ અને કલ્યાણીના ચાલુક્યો —-
તલવાડાના ઉત્કીર્ણ લેખોમાં સિદ્ધરાજ જયસિંહને પરમર્દીનું મર્દન કરનાર તરીકે વર્ણવ્યો છે. આ પરમર્દી તે કલ્યાણીના ચાલુક્ય વંશનો વિક્રમાદિત્ય છઠ્ઠો હોવાનો સંભવ મનાય છે. કારણકે કલ્યાણીના ચાલુક્ય વંશનો આ રાજવી સિદ્ધરાજનો સમકાલીન હતો અને ઘણો પરાક્રમી હતો.
હવે બીજી એક વાત પણ કરવાની મારે અહીં તે છે મહારાજ જયસિંહ અને અર્ણોરાજના યુદ્ધની. આ યુદ્ધ વિષે મેં આગળના ભાગમાં તમને જણાવી જ દીધું છે પણ કેટલીક વાતો તેમાં રહી ગઈ હતી તે હું અહીં તમને જાણવું છું આ અર્ણોરાજ એ રાજા અજયરાજનાં પુત્ર થાય અને આ અજયરાજે પોતનાં શાસનકાળ દરમિયાન એક શહેર વસાવ્યું હતું અજયમેરુ જેને આજે આપણે અજમેર તરીકે ઓળખીએ છીએ. એ એમની રાજધાની પણ હતું, હવે, “પૃથ્વીરાજ ચરિત” માં આ વાતનો ઉલ્લેખ એમ કરવામાં આવ્યો છે કે – સિદ્ધરાજ જયસિંહ એ અર્ણોરાજ સામે હાર્યા હતાં જયારે મેરુતુંગના પ્રબંધ ચિંતામણી ગ્રંથમાં એવો ઉલ્લેખ છે કે અર્ણોરાજ સામે યુદ્ધ જીત્યાં હતાં.
“પૃથ્વીરાજ ચરિત”ને ઈતિહાસકારો અને સાહિત્યકારો પણ આધારભૂત ગ્રંથ માનતાં નથી એટલે એનું ઐતિહાસિક દ્રષ્ટિએ કોઈ જ મહત્વ નથી એમ માનીને જ ચાલવું રહ્યું હવે બાકી રહ્યો આ “પ્રબંધ ચિંતામણી” ગ્રંથ તો એણે જ સાચો માનીને ચાલવું જોઈએ દરેકે ! એ વાત તો પતી પણ કેટલીક વિગતો આમાં ખૂટે છે અલબત્ત લેખમાં એ એ કે —- સિદ્ધરાજ જયસિંહના લગ્ન થઇ ગયાં હતાં એમની પત્નીનું નામ લીલાવતી હતું . આ બનેને લગ્નથી એક પુત્રી થયેલી એનું નામ કાંચનદેવી હતું. જો કે રાણકદેવીના શ્રાપને જો સાચો માનીએ તો સિદ્ધરાજ જયસિંહને પુત્ર કે પુત્રી એમ કોઈ જ સંતાન હતાં નહીં ! રાણકદેવીની વાત તો ઈતિહાસ સ્વીકારતો નથી એટલે ઇતિહાસે એક નવી વાત ઉભી કરી કે સિદ્ધરાજ જયસિંહને એક દત્તક પુત્રી હતી અને એનું નામ કાંચનદેવી હતું.
ઈતિહાસ હજી સુધી એ પણ નક્કી નથી કરી શક્યો કે કાંચનદેવી એ સિદ્ધરાજ જયસિંહના સગાં પુત્રી હતાં કે દત્તક. જો કે ઇતિહાસમાં આનું કોઈ મહત્વ તો નથી પણ હવે જે વાત કરવાની છે એ વાત અતિમહત્વની છે. સિદ્ધરાજ જયસિંહ પણ આ ચૌહાણો સાથેનાં યુદ્ધથી કંટાળ્યા હતાં વારંવાર અજમેર જવું આવવું અને લડવું પોસાય તેમ નહોતું આ ચૌહાણો ગમે ત્યારે આક્રમણ કરે તેમ હતાં તેઓ સખણા બેસી રહે એમાંના નહોતાં….. એમને તેઓ આવું ના કરે તે માટે કોઈ સારો ઉપાય કરવો ખુબ જ જરૂરી હતો. એટલે કે તેઓ શાંત બેસી રહે તે માટે જ સ્તો ! એટલે એમણે એક સરસ રસ્તો કાઢ્યો કે કાંચનદેવી અને અર્ણોરાજના લગ્ન કરાવી આપ્યાં જેથી બે રાજવંશો અને બે રાજ્યો-દુશ્મનો વચ્ચે સુલેહભર્યું વાતાવરણ ઉભું થાય.
કાંચનદેવીને અર્ણોરાજથી એક પુત્ર થયો – સોમેશ્વર ! સિદ્ધરાજ જયસિંહે પોતાનાં આ દોહિત્રને પોતાની પાસે જ અણહિલવાડમાં જ રાખ્યો. કોઈ પોતાનો પુત્ર જેની પાસે ઉછરતો હોય તો એની તરફ આંખ ઉઠાવીને જોવાની પણ હિંમત ના કરે ! આમ આ સોમેશ્વર સિદ્ધરાજ જયસિંહ પાસે જ ઊછર્યો અને મોટો પણ થયો.
હવે જે દરેકના મનમાં ગેરસમજણ છે એ દુર કરું છું. સોમેશ્વર એ મહાન પૃથ્વીરાજ ચૌહાણના પિતા થાય. સિદ્ધરાજ જયસિંહ અને આ સોમેશ્વરની સાલવારી અચૂક મેળ ખાય છે એટલે જ પૃથ્વીરાજ ચૌહાણ એ સિદ્ધરાજ જયસિંહ પછીથી અજમેરની ગાદીએ આવેલાં રાજા છે. ઈતિહાસ અને સાલવારી એની સાક્ષી પૂરે છે કે એ બંને સમકાલીન નહોતાં…… સમકાલીન હતાં તો તે છે સિદ્ધરાજ જયસિંહ અને રાજા અર્ણોરાજ !સોમેશ્વર પણ સિદ્ધરાજ જયસિંહની હયાતીમાં અજમેરની રાજગાદીએ ન્હોતાં બિરાજમાન થયેલાં.
અત:એવ સિદ્ધરાજ જયસિંહે પોતાની પુત્રીના લગ્ન પૃથ્વીરાજ ચૌહાણ સાથે નહીં પણ અર્ણોરાજ સાથે કરાવ્યાં હતાં. મહાન પૃથ્વીરાજ ચૌહાણ તો સિદ્ધરાજ જયસિંહની પુત્રીના પુત્રના પુત્ર હતાં. આ ગેરસમજણ દુર કરજો……. જે ૨૦મી સદીની નવલકથાને કારણે ઉભી થઇ છે તે! ખયાલ રહે કે ચૌલુક્યો અને અર્ણોરાજના એક લાંબા સમયથી ચાલ્યાં આવતાં યુદ્ધની વાત રાજા કુમારપાળનાં શાસનકાળ દરમિયાન પણ થઇ હતી ! જે આપણે એમની વાત કરશું ત્યારે કરવાનાં જ છીએ.
આ ઉપરાંત મહારાજ સિદ્ધરાજ જયસિંહે ચેદિના કલચૂરીઓની રાજધાની ત્રિપુરી (મધ્યપ્રસેશ અને રાજસ્થાન વચ્ચેનો પ્રદેશ) હતી. ત્રિપુરી (ડાહલ)ના રાજા કર્ણે પોતાનાં રાજ્યનો વિસ્તાર કર્યો હતો, પરંતુ એનાં પુત્ર યશ:કર્ણે સિદ્ધરાજ જયસિંહનું આધિપત્ય સ્વીકાર્યું હતું. મહારાજ સિદ્ધરાજ જયસિંહે અચલેશ્વર (ઉત્તર ગુજરાત)અને ચંદ્રાવતીના પરમાર રાજાને પણ હરાવ્યા હતાં. બુરહાનપુર પણ તેમનાં કબજામાં આવ્યું હતું ક્યાંક એવો પણ ઉલ્લેખ થયેલો છે કે – ભિન્નમાલના પરમાર રાજા સોમેશ્વરને સિદ્ધરાજ જયસિંહે એમનું રાજ્ય પાછું અપાવ્યું હતું.
તેમનાં રાજ્યાવિસ્તારમાં તળગુજરાતમાં લાટ પ્રદેશ,સૌરાષ્ટ્ર,કચ્છ, માળવા, દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર રાજસ્થાનના કેટલાંક વિસ્તારનો (શાકંભરી-સાંભર -અજમેર)નો સમાવેશ થતો હતો.
તેમણે પણ તેમનાં પુરોગામીઓની જેમ “પરમ માહેશ્વર”નું બિરુદ ધારણ કર્યું હતું. શ્રીસ્થલ હવેથી તેમનાં નામના આધારે “સિદ્ધપુર” તરીકે ઓળખાવા લાગ્યું. પૂર્વજોની જેમ સિદ્ધરાજ જયસિંહે પણ આ સિદ્ધપુરમાં ઘણાં બ્રાહ્મણોને વસાવ્યાં હતાં. આજ બ્રાહ્મણોએ ઔદિચ્ય બ્રાહ્મણોનાં નામે ગુજરાતને પોતીકું કર્યું હતું અને અજેય આ જ્ઞાતિ ગુજરાતમાં ફૂલી-ફાલી છે તે માટે આપણે સિદ્ધરાજ જયસિંહનો ઉપકાર માનવો જ રહ્યો
હજી પણ ઘણી વાતો બાકી છે જેનાં લીધે મહારાજ સિદ્ધરાજ જયસિંહ ગુજરાતના પ્રથમ હરોળના શાસક બન્યાં હતાં અને તેમનાં શાસનકાળને ગુજરાતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે તેની વાતો સિદ્ધરાજ જયસિંહના અંતિમ ભાગ -૪ માં કરવામાં આવશે ! ભાગ- 3 સમાપ્ત…… ભાગ – ૪ હવે પછીના લેખમાં !!!
!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! હર હર મહાદેવ !!
——— જનમેજય અધ્વર્યુ.
આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
- સોલંકીયુગની સ્થાપના – સોલંકીયુગ ગાથા
- રાજા અજયપાલ અને નાયકીદેવી
- મૂળરાજ સોલંકી – સોલંકીયુગ યશોગાથા
- ચામુંડરાજ – વલ્લભરાજ – દુર્લભ રાજ
- ભીમદેવ સોલંકી પ્રથમ ભાગ -1 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
- ભીમદેવ સોલંકી પ્રથમ ભાગ -2 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
- કર્ણદેવ સોલંકી અને રાણી મયણલ્લા દેવી (મીનળદેવી)
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 1
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 2
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..