ધોળાદાદા, જેઠાદાદા અને રાજબાઈ માં – વાસાવડના વાણિયાની શૂરવીરતાની વાત

આજથી પાચસોહ વર્ષ પહેલા સંવત ૧૫૨૪ ની આસપાસ વાસાવડ ના ધણી વિકા સરવૈયા હતા. તેનો કામદાર ધોળો શેઠ જાતે વાણિયો પોતાની ધરમની માનેલ બહેન ચારણ આઇ રાજબાઇ પાસે ગળામાં આતંરવાસ પાધડી નાખી આશિષ માંગતો ઊભો છે.

પંદરસોની આસપાસ મહમદનો લીલો નેજો ગુજરાતની ધરતી પર ફરકતો હતો. તેની ફોજ સોરઠને ધમરોળી રહી હતી. ઘોડાની ખડતાળે ડુંગરા ડોલતા. જુનાગઢ રા માંડલિકના પતન પછી માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઊના અને ઠેઠ વાસાવડ સુધીનાં પંથકનાં પરગણા મોટો મગરમચ્છ જેમ નાનાં માછલાં ગળે એમ ગળી ગયો. રાજાઓને ખંડીયા બનાવ્યા હતા અને ખંડણી ઉઘરાવવા સલાબતખાં નામના સરદાર ને હાકેમ નીમ્યો હતો. સલાબતખાં લંગાળા ગામે હતો એ ખસીયા સરવૈયા અને અન્ય રજવાડાઓ પાસે દબાવી ધમકાવી ખંડણી ઊઘરાવે છે.

એવે સમયે એની નજર વાસવડ પર પડી વાસાવડ કા ક્યાં હુઆ? અભિ બાકી હૈ સરદાર. સરવૈયા એ કીધું આ વખતે મોફુક રાખો. આ વર્ષ વરસાદ નથી લોકોને ખાવાનાં ફાંફા મારે છે. મોફુક નહીં હાલ જ કારભારી કેહણ લખો. કાલ સવાર સુધીમાં ખંડણી ભરીદેજો નહીંતર વાસાવડ રોળાઇ જશે. લોકોના ગાભા ચૂંથી ખંડણી વસુલ કરીશ અને આમાં એમ પણ લખો તમારો કામદાર ધોળો શેઠ અમારી સામે રજુ કરવો. આમ કાગળ વીકાજી ના હાથે વાસાવડ આવે છે. તેઓને આંખે અંધારા આવી ગયા. અલા જટ કામદાર ને બોલાવો. ધોળો શેઠ આવે છે. ખરીતો ધોળા ને હાથમાં આપ્યો. કામદાર તમે જાણો છો વરસ મોળું છે નાણાં પણ નથીં જો વસ્તીના ગાભા ચુથાય તો પછી.. ધરપત રાખો બાપુ ધોળો હજું જીવતો છે ને. વાસાવડની વસ્તીના ગાભા ચુથાય ઇ ટાણે મોતને મીઠું કરતાં નહીં જવાબ આપ્યો અમારાં કામદાર ધોળો શેઠ સવારે રૂબરૂ આવે છે.

બીજે દિ ઉતરાયણે શેઠે થોડો ખીચડો ખાધો દાનપુન કર્યું અને રાજબાઇ પાસે આવ્યાં. રજા માટે બેહન ના પાડે છે, પણ ગયાં વગર છુટકો નથી એટલે લંગાળા ઊપર ઘોડાને વ્હેતો કર્યો. સલાબતખાં ફોજની વચ્ચે બેઠો છે. દારૂની એક એક બતક પીવાવાળા ગાજરમુળાની જેમ હાથીના માથાં મરડી નાખે એવાં મુઘલ આરબી પઠાણ અને મકરાણના જોધા કાળની જમાત બેઠી હોય એમ બેઠાં છે. સરદાર વાસાવડ થી શેઠ જાતે આવેલ છે. આવવા દ્યો મંજુરી આપી. સામે આવી કીધું હું વાસવડનો કામદાર ધોળો અરજે આવેલશું. અરજે કે ખંડણી ભરવા. ખંડણી તો એવું છે ને બાપા ભરી દેવી છે પણ નાણાં નથીં. અમોરો નીભાવ પણ થવો જોઈએને વર્ષ નબળું છે. તમારે આખું ગુજરાત દુઝે છે આમ વાટકીનુ શીરામણ.. વાટકી હોય કે તાસળી મારે વસુલાત થી કામ. મારાં પર વિશ્વાસ રાખો. હું મારા સૈનિકો પર વિશ્વાસ રાખું છું. ઇતો હોયજ ને. હોય નહીં અટાણે સૈનિકો વાસાવડ માથે ચડી ચુક્યા છે લુંટ કરી વસુલાત કરી આવશે.

એમ સાંભળતાં લમણાનો ઘા કર્યો હોય એમ કામદાર ને વાગ્યો હું જીવતો બેઠો છું ને વાસાવડ લુંટાશે? ભારે થઈ પણ વાણિયો ઘુંટડો ઉતારી ગયો પણ અહીંથી કેમ ભાગવું એમ વિચારતો હતો. તેણે કહ્યું નામદાર વસ્તી પાસે લૂગડાં પહેરવાં નથીં. દયા લાવો દયા વાણિયો લાવે અમો નહીં. તો હું રજા લઉં, કયાં? વાસાવડ. તું મને મુર્ખ માને છે કે તને જવા દવ એટલે તને અહીં તેડાવ્યો છે. ખંડણી આવેતો ઠીક નહીતર વાસાવડ વિનાં જોખમે લુંટાશે. સલાબતે ચાલાકી છતી કરી. ફટ્ય છે તને દગો કર્યો?.હું તને મરદ માનતો હતો પણ મહમદશાહની ફોજમાં દગાખોર પણ છે.

સલાબત ભાઈડાના ઝપાટા જોવાં હતાં તો મેદાનમાં પડકારવો હતો એમ કહેતા આખું લાલ થઇ તેની નામર્દાઇ પર ફિટકાર કરતો ત્યાં પકડી લ્યો કામદાર ને પણ સૈનિકો ઊભાં થાય ન થાય ત્યાં વાણિયે હિસાબ માંડી દિધો ને સલાબતખાં પાસે ઊભેલા સૈનિકો પાસેથી બેય તલવાર આચકીને પડાવી લીધી અને માંડી દિધી સલાબતખાંના ગળા માથે. કહીદે તારાં માણસને ત્યાં જ ઊભા રહે નહી તો આ કાળકા હમણે ખંડણી વસુલ કરી લેશે. સલાબતખાં ને પરસેવો છૂટી ગયો સીધો સાદો વાણિયો કાળ જેવો થયો. સલાબતે માણસોને રોક્યા કહ્યું સબુર પાચસોહ હાથ મુઠ પર રહ્યાં. સલાબતને પોતાનો ઘોડો હતો ત્યાં સુધી લઇ ગયાં. એક ગળામાંથે ને એક ઘોડાની સરક કાપી પતંગિયું જાય એમ ઘોડાની પીઠ પર ગયો વાસાવડ ને મારગે અસ્વાર ઓગળી ગયો.

અહીં વાસાવડમા સલાબતખાં ના એકસો ઘોડેસ્વારો જેમ ચકલા માથે બાજ પડે એમ તુટી પડ્યા. વીકા સરવૈયાને એનાં પાંચ ને પકડવામાં આવ્યા. લુંટ ચાલું કરી ન કરી ત્યાં ઘોડાના ડાબલા ગાજ્યા કામદાર આવે છે. બેય હાથમાં તલવાર રહી ગઇ છે ને ત્રાડ પાડી ભાઇડા થાજો. વાસાવડ માથે હાથ નાખનારા સલાબતખાં ના માણસો સામા દોડયા. ગામલોક પણ નીકળી ગયું બરાબર એજ ટાણે ધોળા શેઠના ભાઇબંધ જેઠાભાઈ કુંભારની જાન સાજિયાણી ગામ પરણવા ગઇ હતી ઇ આવી. ઢોલ શરણાઈ વાગી રહી છે. સુર વહી જાય છે. જેવી જાન પાદર આવે છે શેઠના પડકારો સંભાળાણા અને ધીંગાણું જોયું. કુભારણ ને જીવામુવા ના જુવાર કરી ગાડેથી ઠેકડો મારી તલવાર કાઢી દોટ મુકી.

લગ્ન ગીતને બદલે શરણાઈ મા સિંધુડો ધુંટાવા લાગ્યો. જેઠાને આવતો જોઈ શેઠે કહ્યું પાછો વળીજા હજી તારે હાથે મીંઢોળ નથીં છુટયુ. ઘેરેજા ત્યાં તો શેઠ લગોલગ આવી ગયો. શેઠ ભાઇબંધ ને મુકીને ભાગુ તો ભોમકા લાજે. આમ કહીં જેઠો મંડાણો વાસે જાનૈયા હાથ પડયું હથિયારો લઇ પ્રાછટ બોલાવી ચાક માથે માટલાં ઊતરે એમ માથાં ઊતરવા લાગ્યા. જેઠો ઘા ચુક્યો ને જનોઈવાઢ તલવાર પડી. ભાઇબંધી ઉજાળતો જેઠો પડ્યો પછી વાણિયો ને ગામ વિફરી ગયાં. ખડ વાઢે એમ સલાબતખાંનના માણસો ને વાઢવા માંડયા. ખળુ કરી નાખ્યું સો માણસોમા માંડ પચ્ચીસ વધ્યાં પણ જાતા જાતા કોક જોરાવર હાથની તલવાર પડી અને શેઠનું માથું લેતી ગઇ. આવા હતાં વાસાવડ ના જવામર્દો. રાજબાઇ ને ભાઇ કામ આવ્યાના વાવડ મળતાં માથાં પછાડીને જીવ કાઢી નાંખ્યો.

નોંધ: આજે પણ વાસાવડના પાદરમા ધોળો કોઠો છે જે ધોળા શેઠના કોઠા તરીકે ઓળખાય છે. જ્યાં શેઠ પડ્યા હતા ધોળા શેઠની પાછળ જીભની માનેલ બેન ચારણઆઇ રાજબાઇ તથા જેઠાદાદા નુ સ્થાનક છે. ધોળા શેઠના પરીવારજનો વિશ્વમાં ગોડા અટકથી વિખ્યાત છે. ધોળા શેઠે વાસાવડ ફરતાં ચાર કોઠા બનાવેલ. જેમાં કોઠામાં આખું ગામ સમાઇ જતું પણ હાલમાં આ એકજ કોઠો છે જે વિરનરોની યાદ અપાવતા અડગ થઈ ઊભો છે. જેમાં જેઠાભાઈ, ધોળા શેઠ અને રાજબાઇ મા બેઠાં છે.. ધન્ય છે વાસાવડ ની ધરતી ને..

ફોટા તથા માહિતી આપનાર વાસાવડ નિવાસી પુજારી શ્રી રમેશભાઈ ભીખુદાસ નીરંજની હાલ સેવા પુજા કરે છે તેમનો ખુબ ખુબ આભાર માનું છું.

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!