હાલારના સાત તરવારીયા ચારણની વાત

સિંધુડો…બુંબિયો મારો મારો કાપો આ ધડ પડયું આ મુજબ ચારણ નિંદરમા લ્વ્યે જતો હતો.. ચારણથી ન રહેવાયું તેણે પોતાના પતિને સંપૂર્ણ સાવધ કરી કા શું છે ? જાગો, આમ જાગી ગોપલે તેની પત્ની સામે જોયું. શું કરતાં હતા? કયાં લડાઈ લડવા ગયાં હતાં? શુ આ સિધુડો ને બુંબિયો કયાં સાંભળ્યા?

ચારણ યાદ કરતાં કહે છે ચારણ મારે અત્યારે ને અત્યારે જવું જોઈએ. કયાં? ઊભો થઇ દોટ મારતાં પતિનો હાથ ચારણ પકડયો.. ધ્રોળની ધાર પર યુધ્ધ જામ્યુ છે મે હમણાં જોયું. નજરો નજર ધુધણ, ધમણ, લાકડ, સુમરા, સંધી, પિગળ, આહેર, તુબેલ, ચારણ, રાજગર એમ સૌ સહુ જાતો તલવાર પકડીને નગરની વ્હારે ચડી છે અને હું સાત તરવારીયો સેજમા સુતો રહું તો તો આઇના ધાવણ લાજે, બાપુ ઇશર બારટને શરમાવું પડે. પણ એમા તો જામ સતાજી જીત પર છે એમ આજે જ ગામમાં ખબર આવ્યાં. એ વાત સાચી પણ સ્વપ્નમાં લોમો તાતરખા અને મુજફરને ખુટલો મે દિઠા, નગરના સૈન્યમાં ભંગાણ પાડ્યુ અને અકબર સુબા જોરમાં આવ્યા ને અજો જામ રણમાં ઘુમી રહ્યા છે.

આંખો ચોળતા ચોળતા સ્વપ્નામાં દિઠેલી હકિકત ફરી એની આંખે ચડી આવી. પતિને અંગે અંગમાં વિરતા દિઠી એનુ માપ કાઢવા હાસ્ય કર્યું. લ્યો ચારણ રામ રામ મળાય તો હવે સરગાપર મળીશું. પણ ના જાવતો ન ચાલે ચારણે પરીક્ષા આદરી. એ યુદ્ધો તો ક્ષત્રિયો માટે છે ચારણોતો બહુ બહુતો બિરદાવે. ભુલ છે મોટી ચારણ મોખરે કેસરીયા કરે ચારણ દરેક પ્રજાજને માતૃભૂમિ કાજે રણમાં ઝુઝવુ પડે. લ્યો રામ રામ મને માફ કરો પણ એકવાત કેહવી છે. શું બોલો ઝટ. બાવન માસનો આપણો ઘરવાસ છે તો બાવન ઘા ના ઝીલો ત્યાં સુધી પાછી પાની કરશો નહીં ભલે રામ રામ..

ઘ્રોળ સમાચાર આપ્યા કોઈ જુવાન ઘોડેસ્વાર ભાણજીદલ આપને મળવા માગે છે. એમને અહીં લાવો. રામ રામ આવનારે જામ સતાજીના સેનાપતિ સામે રામ રામ કર્યા. ક્યાંથી આવો છો? સમાણેથી આવું છું. મારું નામ ગોપલ ગઢવી. હા સાત તરવારીયો હુકમ પ્રમાણે ભાણજી દલે ગોપલ ગઢવી ને સરદાર ની પદવી આપવા અજાજી પાસે મોકલ્યા. પોતે પાછા ફર્યા. જેસો વજીર અને ભાણજીદલ આ યુધ્ધ થયું એ પહેલાની થોડી હકિકત તમને ટુકમા કવ.

આ ધ્રોળ ગામમાં ભુચર નામનો રજપુત રહેછે એ રાજપુતનુ ધણ આજે આપણે લડીએ છીએ ત્યાં બેસતું. એ ધણનો ગોવાળ પક્ષીઓની વાણી સમજતો એ વાણી એને સાંભળી અને ભુચર રાજપુતને સંભાળાવી. ભુચરે એ માન્યું નહિ ને બીજે દિવસે રાત્રે તે વાણી ભુચરને સંભાળાવી એને લઇને એ મારા પાસે આંયા. મે જોશીઓને બોલાવી શું હકિકત છે જાણવાં કહ્યું. જોશમાં એવું આયું કે આ જગ્યાએ મહાભારત જેવું યુદ્ધ મંડાશે. એમાં લાખો માણસોના રક્ત રેડાશે. એથી સંતોષ ન થયો મે પક્ષીની ભાષા સમજનાર સિદ્ધ પુરુષને શોધી કાઢ્યો એને ભુચરની ધાર પર મોકલ્યો. પુરુષ હાથમાં કાગળ લઇ છુપાઇ ગયો.

રાત પડી પક્ષીઓ આવવા લાગ્યા આગમ કરવાં લાગ્યા. વર્ષા ઋતુમાં શ્રાવણ માસની અંધારી રાતે આ સ્થળે માણસનાં માંસના ઢગલાં થશે.. આ રીતે આગમવાણી બધાએ સાંભળી છે અને મારે તેમને કહેવું એ કે તમે, હું, અજો જામ, મેહરામણજી નાગડો, ડાયો લાડક એ બધા રણમાં પોઢીશુ એવી આગમવાણી છે. બાદશાહી ફોજમાં કોકો તથા આજમ અને લાખોની ફોજ ખતમ થશે. આ આગમવાણી મા મને શ્રદ્ધા છે કે આ ગોપલ ગઢવી રણમાં ઘાયલ થશે પણ એ બચી જશે. મે એનું નામ આગમવાણી મા સાંભળેલું પણ એને અત્યાર સુધી જોયો નહોતો. આજે એ એકાએક આમ રણક્ષેત્રમા આવીને ઊભો રહ્યો એટલે એ આગમ વાણીમાં મારી શ્રદ્ધા વધી છે.

જુઓ ભાણજી દલ આજે આપણે યુધ્ધમાં મોખરે રહેવાનું છે. તમારી સાથે કોને કોને રાખશો? જેસા વજીરે યુવાનની તેજસ્વિતાથી ચારે તરફ રણભૂમિ માં દ્રષ્ટી ફેરવી. મારી સાથે ડાયા લાડક એકજ બસ છે અને બીજો આ આજે આવેલો નવીન સરદાર ગોપલ ગઢવી. જેસો ચમક્યો એની આંખ આગળ પક્ષીઓ ની વાણી તરી આવે છે. ગોપલ આજે કયાંથી? વજીરે યુવાનની સામે જોયું. આજે મારે ગામથી આવ્યો છું. આપે એને ઓળખ્યો કોણ ? ભાણે જેસા સામું જોયું. કોણ ઈસર બારોટનો એ પુત્ર છે ઓહો ગોપલ હવે ઓળખ્યો. હાલારનો સાત તરવારીયો હા બાપુ આપણે બધાં એકજ હોડીના મુસાફર થશું ને. બાપુ આપ મારાથી વૃદ્ધ છો એટલે પેહલા હું જઇશ આમ યુધ્ધ ની પૂરજોશમાં તૈયારી થઇ ગઇ અને આમ સુર્યોદય થયો ને નગારે ઘા પડયો.

છત્રીસ શાખાનાં રાજપુતો એ મરણીયો જંગ ખેલવા માંડયો. આજમનો હિસાબ લેવા અજો જામ પુરો કરે તેટલાંમા ગોપલે કોકાની શોધમાં તલવારની ધાણી ફુટતી હતી. મુગલોને આ ચારણ યુવાનના ઘા બહું તીખાં લાગતાં. સાત સાત તલવારો વચ્ચે એકલો ઘુમી રહ્યો હતો. પલકારામાં સાત સાત માથાં ઘડથી જુદા પાડી દેતો. આમ ઘુમતો તે કોકાના હાથી તરફ ઘસ્યો. યુધ્ધ એવું જામ્યું સુર્ય ધુંધળો થયો. મોગલોમા આજમ કોકો મરાય છે અને જામના સૈન્યમાં અજો જેસો નાગડો જેવાં યોધ્ધા હજારોને મારી રણશૈયામા સુતા. ભાણજી દલ પોતાનાં ચારસો વીર સૈનિકો સહિત સુતો અને એજ પ્રમાણે ડાયો લાડક ચારસો યોધ્ધા સાથે સુતો.

મેહરામણજી પોતાનાં ચૌદ લબરમુછીયા દિકરા સહીત કામ આવી ગયા. પાચસો તુબેલ ચારણો, અઢીસો પીંગળ આહીર, એક હજાર નાગડા, પચ્ચીસ હજાર જાડેજા અને છત્રીસ વંશના ક્ષત્રિયો કામ આવી ગયા. એકલાખ માણસો જામના તથા બાદશાહી ફોજમાં આજમ અને કોકા સાથે બે લાખ માણસો આ યુદ્ધમા કપાયા.. ઘાયલોના ઢગલાં વચ્ચે ગોપળ છેલ્લી ઘડી સુધી ઘુમ્યો અને આખરે એ પણ ઘાયલ થઇને પડયો. મુડદાની વચ્ચે શુદ્ધિ આવતાં પડયા પડ્યા પોતાનાં ઘા ગણવા લાગ્યો. બરાબર બાવન ઘા પડ્યા હતા. ચારણ બાવન મહીના મૈ ઉજાળ્યા ફીકર નહીં..

મરેલા મડદાઓ વચ્ચે જાતવાન ઘોડાએ પોતાનાં ધણીને શોધી કાઢ્યો. ઊભાં થવાની હામ નતી ચતુર ધોડો સમજી ગયો તેને ગોપલ ને પડખું આપ્યું તે….ઇતિહાસ કાર લખે છે કે.. પીઠ પર બેસી ઘાયલ અને મરેલાને જોતા જોતા રણમાંથી પસાર થતો હતો. ત્યાં જેસા વજીર ને જોયો મોત વચ્ચે પડેલો જોયો. હજું વજીર શુદ્ધિ મા હતો તેણે ગઢવીને પુછયું ગઢવી કુંવર અજોજી ક્યાં છે? ગઢવીએ જવાબ આપ્યો તે ઘામા ચકચુર થઇ પડ્યા છે. જેસો બોલ્યો બારોટજી તેમનાં અંગનુ લૂગડુ મને ઓઢાડો તો મારાં જીવની ગતિ થાય ને હુ ને મારો ધણી સુરપુરમા સાથે જાવી. આમ ગોપલ ગઢવીએ અજાજી નું કપડું લાવી જેસાને ઓઢડયુ તરતજ વજીરનો પ્રાણ ગતે થયો.. પોતાની પત્નીને બાવન ઘા બતાવવા આતુર ગઢવીએ ઘર તરફ ઘોડો હાક્યો… આવાં નરવીરોની આ ભુમી એટલે ધન્ય ઘરા સોરઠ ..

-ગોકુલદાસ રાયચુરા

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!