મીઢંળવંતી નારીની આબરુ જાળવનાર ખમીરવંતા નરવીરોના પરાક્રમની વાત

વૈશાખી વાયરો સુસવાટા દેતો વગડો ઞજવી રહ્યો છે. પીંપણ ગામની ઓતરાદી દશ્યે ને સોયલા ગામની દખણાદી કોર્ય ભરવાડી તલાવડી ની પાળ પર ત્રણેક ખાંભી ઓ ખોડેયેલી ઊભી છે. ચડતા પહોર આધેડ વયનો ભરવાડ ત્રણમાની વચલી ખાંભી આગળ દિવો ધરી માથે તેલ સિંધુર ચડાવી માથું નમાવી પગે પડે છે. દર વૈશાખી પાંચમને દિ છેક ઝાલાવાડની ધરતી કોર્ય થી અહીં આવે છે…

બસોક વરસના વાહણા વહી ગયા. ઝાલાવાડ ની ધરતી માથે મેઘરાજા રૂઠી ગયા. લાગલગાટ ત્રણ દુષ્કાળ પડ્યા વરસાદની તાણ વરતાણી, માણસો માટે મોંઘી જાર મલતી, પણ જીવ રોખા ઢોર માંટે ચાર કડબ મળતાં નતા. એવાં સંજોગો માં પોતાના ઢોર લઇ જેતસી નામનો એક રૂપકડો જુવાન કડીયાળી ડાંગ કાંધે નાંખી, ઢોર આઢીને હાલી નીકળ્યો ગરવી ગુજરાત ભણે અને પોતાના મામાના દિકરા મેઘજી અને માધવાની ભાળ કાઢતા જાણવાં મળ્યું કે સોયલા ગામે ઢોર ધરવતા જીવાડતા હતાં.

બેક વરહ દિ થી આવી વસેલા જેતસી પણ મેઘજી માધવ ની જોડે સોયલા ગામે આવીને ઊનાળો ઊતરવા રહ્યો. ત્રણેય ભાયુ આખો દિ ઢોર ચરાવે ને રાતે વાળું પાણી કરી પરવારી અવનવી વાતો ના તડકા મારે. એ જમાનામાં ચુવાળીયા કોળીની ફાટ્ય ઝાઝી. ધોળે દહાડે ગામ લુંટે ને જે ગામ નજરમાં ઘાલે ઇને કોઈ વાતે મેલે નહીં. એક દિ વૈશાખી વાયરો સુસવાટા દેતો વાઇ રહ્યો હતો. સુરજ મારાજ આકરા ઝેર થઇ અંગારા માથે ધખી રહ્યા છે. માનવીઓ રવ રવ થઇ ગયાં છે. ધાડપાડુઓની લુંટના ભણકારા ઠેર ઠેર સંભળાય છે. જેતસી, મેધજી અને માધો ઢોર આઢીને વગડા વચ્ચે નીકળી પડ્યા. ઊની લુ, વરસાવતા વાયરા ડિલ દઝાડી રહ્યા છે, ઢોર વલવલી રહ્યા છે, એટલે છાયડે બેસાડવા જેતસી એ બુમ મારી એલા મેઘજી ઓલ્યા ગાવડા આણી કોર્ય લાવ આ વખડાને હેઠે બે ઘડી પોરો ખવરાવી ઢોર ભેળા કરી. એક ખખડધજ થોરની મોટી વાડ્યની ઓથે ઊભેલ વરખડાની છાયામાં બેસાડયા ને ચલમ પેટાવી. લે બેક દમ ને દુહા ની રમઝટ લાગી. જેતસી ને પોતાની આંણત યાદ આવી હોયને

પેલી પરથમ રાતડી,બીજી આણંતની પ્રીત
રૂદિયે કુંજે કુવેલડી એવી આણંત ની રીત

આમ ત્રણેય જુવાન દુહાની રમઝટ બોલાવી. એ વખતે રૂપાળા ગોધા માથે કચ્છી ભરતની ઝુલ્યો ઝુલતી હોય ને કોટની ઘુઘરમાળ રણકાર વગડો ગજાવતો, વરલાડો પરણવા જતો, હારે પાંચ પંદર ગાડાંની હેર લાગી હોય ને જાનડીયુએ ગીત ગાતાં વાટ ગુંજતી હોય, એવી જાન મોરૈયા ગામ કોર્યથી કોઈ કુંભારની જાન પાછી વળી હાલી આવતી. જાન ઓતરાદી દશ્યે પુગવા આવી છે તે સમે ખેતરની ખખડધજ ઓથેથી પાંચ બોકાનાબંધ ધોડેસ્વારો ઉઘાડી તલવારે છતા થયાં જાનને રોકી અને કુંભાર ફફડી ઉઠયા કોઈ વાતે પુગે એવું હતું નહી. થરથર ધ્રૂજતા કુંભારો કરગરવા માડયા. બાપ એકનો એક દિકરો છે ને હોંશે પરણવ્યો છે એટલી ગરીબ પર દયા કરો, પણ માને ઇ બીજાં એલા ફરી વળો જાનમાં હોય ઇ ઉતારી લિયો ભુખ્યા વરૂની જેમ ત્રાટકી ગાડે ગાડે ફરી વળ્યા.

બે ત્રણ જાનૈયા ગાડાના આડા લઇને અસ્વાર માથે પણઝાડી બોલાવવા માડયા. તલવારના ઝાટકા માથે પડતા ધબા ધબ દેવાટવા લાગ્યા. આ જોઈને દિકરીયુએ રાડારાડ નો તાયફો માંડયો, કિકિયારીઓ, ચિચિયારીઓ ને ગાડાંમાથી ઊતરી આડેધડ ભાગવા લાગ્યા. આવા રડારોડ ના બુમરાણ થી ખેતરવા છેટે વરખડાને છાયડે બેઠેલાં જેતસી ને સંભળાયો. કાન સફાળા થયાં ને કડીયાળી ડાંગ કાંધે નાંખી. મેઘજી માધોને ઇશારો કર્યો. જેતસી એ હડી કાઢી, વાડ્ય ઓળંગી આઘેરો ગયો. તલવારુ ધબાધબ અને તડાતડ ઝાટકા ઝીંકાતા હતાં. જેતસી એ હાકલ દીધી આયો છું લ્યા બીશો મા એમ હાકલા કરતો મુઠ્ઠી વાળી દોટ મૂકી લાગોલગ પુગ્યો ને ગરજયો ને ચોરંટા ચોંક્યા.

જેતસીએ આવતાં વેંત એકને કડીયાળી ધબાંગ કરતી ચોડી દીધી. ઓય બાપા કરતો પડયો, એક બે ચોરંટા લાડીના દાગીના ઉતરવતા વેલડી પાસે જેતસી પોગયો બીજાં ને પાડ્યો, ઘોડુ ભડકીને અસ્વાર ને ફંગોળી રાશવા છેટું ભાગી ગયું. જેતસી માથે તલવારો ના ઘા થયાં. જેતસી એ કાંડા પર ડાગ મારી હાથ ભાગી નાખ્યો. આમ ઝપાઝપી કરતાં બે ચોરંટા જીવ બચાવવા ઘોડા દોડાવી ભાગી છુટયા. વેલડા પાસે બેય અસ્વાર માર ન જીરવતા કરગરવા માડયા. બાપ જાવાદે કોઈદિ આ દશ્યે લમણો નહી કરીએ. જાવ બૈરાં છોકરાની દયા આવે છે. ભાગો જાવ જવા દઉ છું.

જાનૈયા કેટલાંક ગામમાં પોગ્યા. દોટ મૂકો સીમાડે ધીંગાણું જામ્યું. જાન લુંટાય છે બે ભરવાડો માથે તલવાર નો તાસીરો બોલ્યો છે. ગામના રજપુત મર્દો હાથમાં આવ્યું હથિયાર લઇ સીમાડે હાલી નીકળ્યા. ત્યાં મેઘજીએ બેક ખેતરવા માથે દશેક અસ્વારો જોયાં. મેઘજી બોલ્યો એલા ગાડાં વાળો ગામ ભણી આખું ધાડુ આવતું લાગે છે. સૌ જાનૈયા ગામ ભણી હાલી નિકળો. લુંટારા ગામ ભાંગવાની વેતરણમાં હતાં. ગામમાં કોણ કોણ હાજર છે તપાસ કરો. પાંચ અસ્વાર મોકલેલા પણ આ અસ્વાર ગામમાં પુગે ઇ પેલાં જાનના બળદ ના ઘુઘરમાળ રણકતાં સાંભળી વાડ્ય ઓથે થોભ્યા ને જાન માથે ત્રાટક્યા. પણ ભડવીર ભરવાડ વ્હારે ચડીયા ને જાન લુંટાતી બચી. પણ લુંટારા ને વેરના અગ્નિ કેમ સમાવે.

સરદાર ના આંખના ઇશારો કર્યો. દશ્યે ઘોડાએ વેગ પકડ્યો ને તલાવડી ની પાળે પોગ્યા. હાકલ કરી જોજો ભાગતા નહીં ભેટવા આવ્યા છીએ સરદારે હાક મારી અને અમેય આદરભાવ દેવા ઉભા રહ્યા છીએ માગયુ મોત માતબરને મળે. દેવાટો બે પાંચ ને ઢાળી દિયો જેતસી એ હાકલ દીધી ને પાંચ ડાફ કુધ્યો, મોયલા ને કાંધમા ડાંગ ઝીકોટી બેવડો વળી ગયો. અસ્વારો તરવાર્યુ ના ઝાટકા ઝીકે છે. અંગ પર ઝાટકા ના ઘા થયાં છે. ધરતી લોહીથી ખરડવા મંડી, કેસરીયા રંગ લાકડીયુ ફડાફડી બોલાવતા ભરવાડો માથે જામી પડ્યો છે. એક અસ્વાર ની તલવાર માધાની પીઠ પર ખાબકી ને પડ્યો તે જોઈ મેઘજી આંખ ફાટી લોહીની ટસર ફુટી. મેઘજી એકજ ઘાએ બે અસ્વાર ને ઘોડા હઠે પાડ્યા. બીજી એક ડાગે ત્રીજા નુ માથું શ્રીફળ ફોડે એમ ફોડયુ.

મેઘજી ત્રીજી દેવાટવા જાય ત્યાં ચોથા અસ્વારે કાંધમા તલવાર ઝબકાવી ને કાંધ ચીરાઇ ગઇ. મેઘજી અને માધવાને જખમી થયેલા જોઇ જેતસી ને કાંડા મા જોર આવ્યું ને લાકડી વિઝવા માંડી. એક ઘાએ બે ને પાડયા પણ એક લોહી તરસી આવીને જેતસી ના બાવડે ઝીકાણી. જેતસી ઘવાણો ને ઝનુન ચડતાં એકનો પગ ગુડામાથી ભાંગી નાખ્યો. તલવાર ના ઘા જેતસી માથે પડતા ગયા તોય ત્રણેક લોથ ઢાળી દીધી. ત્યાં ગામનાં લોકો એક હામટા વીસેક મર્દો દેખાયા. અસ્વારો ચોકયા ટોળું આવતું જોઈ લુંટારા ઘોડા વાળતાક ભાગ્યા તયે ચારેક અસ્વાર ની લોથ ઢળી પડી હતી.

ધીંગાણા મા જેતસી આખાય અંગે વેતરાઇ ગયો છે, મેઘજી બેભાન પડયો હતો, માધવો કામ આવી ગયો હતો. ગાડામા મરાયેલ માધવાની લાશ સુવાડી અને બીજા ગાડાંમા કણહતા મેઘજીને હળવેકથી ઉપાડી સુવાડ્યો. લોહી નીંગળતો જેતસી આની પડખે બેઠો અને ગાડા ગામ ભણી હંકાર્યા. ઇ ટાણે પેલાં કણસતા ચોરંટાના માથાં ઢળી ગયાં. રામ રમી ગયા. વાહ બાપ વાહ વીરની વાતું રે કહેતો ગઢવી હાલ્યા. ગાડા લગોલગ આવ્યો કે દરદથી કણહતા મેઘજીને ડુસકું આવી ગયું ઇ ભેળો ઇનો હંસરાજા ઊડી ગયો. ખમ્મા બાપ જેતસી જીવને દુભાવ્ય મા, ગતે કર્ય વીરને આવાજ મોત શોભે અને જેતસી એ સૌની વચ્ચે થી વિદાય લીધી. બધા ની આંખમાં ઝળઝળીયા આવી ગયાં. પોતનો ગોરી ધીંગાણા મા કામ આવ્યાં જાણી પશુડાવ બાપડા રડી પડ્યા. અને નરવીર ભરવાડો ની યાદ મા ઇ જ ભો માથે ખાંભીયુ ખુતાણી. વજ્રનુ કાઠું કરીને વીરોની વિરતાને ગઢવીએ બિરદાવી

જેતસી મેઘજી વીર માધવો
ત્રણ નર ખુંપાણાં આય
મીઢંળ તીની રાખેલ માતબો (આબરૂ)
જીની ખાંભીયુ ખુતાણી જ્યાંય

આમ મીઢંળવંતી નારીની આબરુ જાળવનાર એ ખમીરવંતા નરવીરોનું સ્મરણ આપતાં પાળીયા આજેય પીંપણ ગામ ને પાદરે ભરવાડી તલાવડી ની પાળ પર વીરની વાતો વાગોળતા ઊભાં છે. હાલ ઊપર બાંધકામ કરેલ છે

મિત્રો આ એજ ત્રણ નરવીરો ના પાળીયા છે અને આ એજ ભરવાડી તલાવડી.

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!