ભાલ પંથકની ધરતી ના સંત અને રામદેવજી મહારાજના અનન્ય ભક્ત એવા જેરામભગતની વાત

ભાલ પંથકની ધરતી, વૈશાખી વાયરો અને બળતી બપોર ચારેબાજુ દોડતા મૃગજળ સિવાય ઉડતી ધુળની ડમરીઓ વચ્ચે એક સાધુ લીમડા પર જીદ કરીને ચડયો છે. જેરામ છાશ લાવ, દહી લાવ, માખણ લાવ મેરે પેટમે જલન હો રહી હૈ…. વાત એમ હતી ભાલ પંથકની ધરતી માથે આંબળી નામનું ગામ છે. ગામમાં જેરામ ભગત વાળંદ થયાં. તેમનું જીવન એટલે સંતોની સેવા અને પ્રભુ ભજન એજ જીવનનો ક્રમ થઈ ગયો હતો. જેરામ ભગત રામસાગર પર રામદેવજી ના ભજન ખુબજ સરસ ગાતાં રાવણ હથ્થો વગાડતા, હાથમાં બેરખો, તુલસીની માળા, ઊભું ટીલુ શોભતું સમજણા થયા ત્યારથી ભગતી ના રંગે રંગાયા, રોજ રાત્રે રામદેવજી નુ ધ્યાન ધરતાં અને એકાંતમાં રહેતા. તેમનો નિયમ હું હાજર હોઉં કે ના હોઉં પણ આંગણે આવેલ અતિથિ કે સાધુ સંતો કોઈ ભૂખ્યું તરસ્યું ના જવું જોઈએ. આ મારી આજ્ઞાનું પાલન કરજો આમ કરતાં ભગતીનુ માટલું પાકતુ ગયું..જાજા નહીં પણ પચ્ચીસ ત્રીસ વર્ષ પહેલા…

એક સમયે બરોબર બળતી બપોરે એક જુનાગઢનો જોગી ભગત નુ ઘર પુછતા પુછતાં જેરામભગત ના ઘરે આવી ચડે છે. ભર ઉનાળે પેટમાં પાણી ઉકળી ઉઠ્યું છે ને સાધુ એ આવી અલખનીરંજન નો આલેક લગાવ્યો ને સંતપ્રેમી જેરામ ઘરમાંથી દોડીને સંતના પગ પકડયા. પધારો બાપજી ધન ઘડી અમ જેવાને આગણે પધાર્યા. વો સબ ઠીક હૈ કુછ દુધ, છાશ, મખન લાવ મૈરૈ પેટમે જલન હો રહી હૈ. અરે બાપજી આ લાવ્યો કહીં ભગતે ઘરમાં હતું એ દુધ, છાશ, માખણ લાવી આપ્યું.

એ અરસામાં ભગત પાસે ત્રણ ભેંસો અને બે ગાય દુજાણામા હતી. ખાવાં પીવાની તાણ નહીં. પોતે ઘોડી પણ રાખતાં ને ફરતાં પાંચ ગામનું કામ પણ કરતાં, પણ એ સમયે દસબાર દિવસે દાઢી કરતાં. ક્યારેક કોઈનાં કામે ન જાયતો કહેતા કે ભગતને સાધુ આવ્યા હશે એટલે ન આવી શકે. કોઈ કનડગત હેરાનગતિ નહી પોતે રામાપીરને ખુબજ માનતાં હતાં. સાધુએ છાશ માખણ દહી આરોગી પાછાં જીદે ચડ્યા ઔર લાવ.. અરે બાપજી ઘરમાં હતું એ દુધ છાશ માખણ બધું જ તમને આપ્યુ. નહીં ઔર લાવ એમ કહેતા લીમડા પર ચડી ગયા. ભગત ગાવમે જો દુધ છાશ માખણ હૈ વો લેકે આવ, મૈ તભી નીચે આઊંગા. અરે બાપુ આવું ના કરો હું હમણાં ગામમાં જવ છું અને લાવું.

આમ કહી ભગત ગામમાં ગયાં. ત્યાં ગામમા તેમનો દિકરો ઇશ્વર ભગત ને કોઈએ કહ્યું અલ્યા તારે ઘરે શું દેકારો માંડયો છે? કા શું થયું? કોઈ સાધુ આવ્યા છે ને લીમડા પર જીદ કરીને ચડયો છે તારા બાપને જીવ હાથમાં આવી ગયો છે. ના હોય, ના શું હોય તું જાતો ખરો ઘરે પછી કેહજે. તારો બાપ ગામમાં દુધ છાશ માખણ ઊઘરાવે છે સાધુ માટે. એવું હું જવ. આમ હાંફળો ફાફળો થઇ ઘરે આવ્યો ને સાધુ ને લીમડા પર જોયો ને ક્રૌધ ચડયો ને સાધુને ધોકો લઈને ધમકાવા લાગ્યો. ઊભોરે તને છાશ માખણ બધું આપું, મારાં દિકરા કામ કરવું પડે એટલે આવાં ઢોંગ આદર્યા છે. એમ કહી સાધુને છુટો ઘા કર્યો ને સાધુ ઊતરીને ભાગ્યા ને પાછળ ઇશ્વર ભગત, પણ સાધુ હાથમાં ન આવ્યા ને હાલમાં જ્યાં ભગતનુ સમાધી સ્થાન છે ત્યાં ભેંસોનુ મોટું માંદાણુ હતું ને હાલમાં જેવું તેવું છે તેમા સંતાઇ ગયાં.

ગામમાં ગયેલાં જેરામ ભગત છાશ ની ગોળી અને માખણનો પાટીયો લઇને આવ્યા પણ સાધુને ન જોતાં નિરાશ થઇ ગયા ને ઢગલો થઇ બેસી ગયા ત્યાં ઇશ્વર આયો. બાપુ પેલાં લીમડા પર સાધુ હતાં તેમને આઘે માદાણુ છે તેમાં મુકી આવ્યો છું, પણ મારા બેટો જડ્યો નહીં સી ખબર ધરતી ગળી ગઇ કે પછી અદ્રશ્ય, કાંઇ સમજાયું નહીં.. હંહં આ શું કર્યું સાધુને દુભવ્યા તે, આ ખોટું કર્યુ. પણ બાપુ, પણને બણ લે હું જાવ. ભગત આંબળીથી દુર માદાણુ હતું ત્યાં આવ્યાં પોકાર પાડયો. અરે આવું કરવું હતું તો મારાં ઘરે નતુ આવવું મારાં દિકરાની ભુલ થઈ તડકાને લીધે તમારી સાથે ગેરવર્તન કર્યુ હું માફી માગું છું, પણ ઘરે ચાલો કોઈ જવાબ ન મળતાં ભગતે પણ જીદ કરી. હવે તમે મારા ઘરે ના આવો ત્યાં સુધી હું પણ ઘરે નહીં જાવ અને અહિં જ મારો પ્રાણ કાઢી નાંખીશ. આતો ભક્તવત્સલ ભગવાન. પ્રભુ જે રૂપમાં આવ્યાં હતાં સાધુના વેશે એજ વેશમાં ભગત પાસે આવ્યાં ને આવી ભગતના કાનમાં ગુપ્તજ્ઞાન કહીં અંતરધ્યાન થયાં. આ હતાં ભાલની ધરતીનાં સંત જેરામભગત વાળંદ જેમણે ૫૬ વર્ષ ની ઉંમરે બધુંજ ત્યાગ કરી સમાધી લેવાનો નિર્ણય કર્યો..

નોંધ:- સમય અનુસાર ૬ મહીના પછી માહ મહીનામાં પહેલા પદરૂમા જુનાગઢ ગયાં એમનો એક મિત્રને પણ સાથે લઇ ગયાં. બન્યું એવું કે વળીને આવતાં ત્યાં મિત્રને વાત કરી કે હું આંબળી જાવશું. તમે પાળીયાદ જાવ પૂનમે મળીશું. આમ આંબળી આવી આખરી નિર્ણય લીધો. આજથી ૩ દિવસે ૧૦ વાગ્યે બુધવારે મારે સમાધી લેવાની છે. ત્યારબાદ સૌથી પેલું આમત્રણ તેમનાં ગુરૂજીને આપ્યું, પછી સગા વહાલા ને સૌ સંતોને તેડાવ્યા ને મહા વદ ત્રીજને બુધવારે ૭/૨/૨૦૦૧ ના રોજ ૧૦.૧૫ વાગ્યે સમાધી લીધી. સમાધીમા ઉગમણા હાથમાં શ્રીફળ લઇને બધાંને જય અલખધણી કરીને બેસી ગયા ને ગતગંગા મા ભળી ગયા..

ભાદર કાંઠે ભોયરૂ આંબળી મારૂં ગામ
આવતાં જતાં યાદ કરજો જેરામભગત નામ

આ વાતની માહિતી આપનાર ચંદુભાઇ સોલંકી જે જેરામ ભગત ની પેઢીમાં આવે છે તેમનો આભાર માનું છું.

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!