ચલાળાના આપા દાનાએ સાદુળ ભગતનો ભ્રમ તોડી ભજન આવેસમાં ઢોલીયા ભાંગવાનુ બંધ કરાવ્યુ

ચલાળાના કાઠી સંત આપા દાનાભગત દેવીદાસજી મહારાજની અનુપમ સેવાવૃત્તિની અનેક વાતો સાંભળી હતી. સાદુળ ભગતને ભજનગાન દરમ્યાન પ્રગટતા ભાવાવેશ સંબંધ પણ સાંભળ્યું હતું. દેવીદાસજી મહારાજનાં દર્શન કરવાની ઘણા સમય થયો ઈચ્છા હોવા છતાંય સ્થાનકની જંજાળને લીધે એ અધૂરી જ રહી ગઈ હતી. એવામાં તેમને સેવકોમાં ફરવા જવાનું થયું. અને સંયોગોવશાતું ફરતા ફરતા પરબસ્થાનની નજીક આવી પહોંચ્યા હતા, એટલે અનાયાસે સાંપડેલા અવસરનો લાભ લઈને પરબસ્થાનના દર્શન કરવાનો નિર્ણય કરી લીધો.દેવીદાસજી મહારાજને આ સમાચાર સાંજના મળી ગયા હતા. તેઓ ખૂબ પસન્ન થયા હતા અને ભકતરાજનો યોગ્ય સત્કાર કરવાની સૂચના સાથે ભગતને તેમજ અન્ય સેવકજનોને આપી દીધી હતી.

બીજા દિવસે દાના ભક્ત પંદરવીસ સેવકોની સાથે પરબસ્થાનમાં પધાર્યા. દેવીદાસજી સામે ચાલીને પ્રેમથી ભેટીને કુશળ-વર્તમાન પૂછી અને ઉતારાની વ્યવસ્થા કરી દીધી. નિત્યકર્મથી પરવારીને સહુએ સાથે બેસીને ભોજન કર્યું. ત્યારપછી દેવીદાસજી મહારાજની સાથે આશ્રમમાં ફરીને,ગૌશાળા, અપંગ અભ્યાગતો તેમજ રક્તપિત્તિયોની સેવા પ્રવૃત્તિને જોઈ વળ્યા. ભકતરાજ ખૂબ પ્રસન્ન થયો. મોડેથી દેવીદાસજીની કુટીરમાં બેસીને બેઉ મહાત્મા પુરુષો જ્ઞાનગોષ્ઠિ કરતા રહ્યા.

‘સત્ત દેવીદાસ’નું બિરદ પામેલા દેવદાસજી મહારાજની ઝુંપડી સાવ સાદી હતી.એક ખૂણામાં રામસાગર પડયો હતો.વળગણીએ એક જોડી કપડા સુકાતાં હતા.બીજા ખૂણામાં જાતજાતની વનૌષધિઓનો ઢગલો પડયો હતો.ઝૂપડીની બહાર કાળી છીપર અને ગણેશિયો પડયો હતો.

‘દેવીદાસ મહારાજ એક ઇચ્છા છે !’ થોડો સમય વિત્યા પછી દાનબાપુએ નમ્ર સ્વરે વિનંતી કરી.દેવીદાસજી તેમના પ્રતિ સહાસ્ય દ્રષ્ટી કરી.આપા સાદુળ ભગતની ભજન ખુબ સારા ગાય છે. મેં સાંભળ્યું કે સાદુળ ભગત તો ભજનો ગાતા ગાતા – ઢોલિયા ભાંગે છે. એવા ભક્તિરસમાં ચકચૂર બનેલા પુરુષને મારે એના અસલ સ્વરૂપે નીરખવા છે.”

સંત દેવીદાસે સામા હાથ જોડીને જવાબ દીધો: “હું તો પામર ગણાઉં. મને રબારીને ભક્તિરસના મર્મો ક્યાંથી સમજાય? પણ સાદુળ ભગતને મારી કોઈ વાતે ના નથી. આપ સરીખા એનું નામ સાંભળીને આવ્યા, તો ખેર ! મારી તો જગ્યા પાવન થઈ. સાદુળને દિલ ચહાય તે કરવાની રજા છે.”

તે જ દિવસે રાતે સમૈયો રચાયો. ઝાંઝ, પખવાજ અને કરતાલ-મંજીરાની ઝૂક મચી ગઈ. જોબનજોદ્ધ સાદુળ કરતાલ વીંઝતા ઢોલિયા પર ચડ્યા. દાના ભગતે એને રંગ દીધા.

અમરબાઈ તે વખતે પીતિયાંઓની સારવારમાં પરોવાઈ ગયાં હતાં અને ખુબ ખંતથી જવાબદારીઓનો નિર્વાહ કરતા હતા. રોગીઓના સૂતા પછી સંત દેવીદાસ અમરબાઈને રોગીઓના નાવણધોવણની તેમ જ બીજી કેટલીક ઔષધિઓની, વગડાના કેટલાએક ઉપચારોની સૂચનાઓ દઈ રહ્યા હતા.

“બેટા બોન,” એમણે છેલ્લી વાત કહી, “કોઈ કીમિયો, કોઈ ચમત્કાર, કોઈ પણ પરચો હું જાણતો નથી. તનેય આટલું જ કહેવાનું છે કે સુગાઈશ નહીં. દેહની બહાર દેખાતા તમામ રોગ પ્રત્યેક દેહની અંદર પડેલા જ છે. માનવીને તો રૂંવે રૂંવે રોગ છે. કોઈકને બહાર તો કોઈકને માંયલી બાજુ. સુગાઈશ નહીં. ને બીજું, રોગીના રોગ તો ઉતારી ઉતારીનેય આપણે પહેરવાના છે. પારકી બદબોઈને ખુચબો બનાવવી હશે, તો બદબોઈને આપણે આપણામાં જ સંઘરી લેવી પડશે. હવે હું જાઉં છું સમૈયામાં બેટા ! અતિથિધર્મ તો સાચવવા રહ્યો છે ને !”

અમરબાઈ એકલાં પડ્યાં. નજીકથી એના કાનમાં ભજનના સ્વરો આવતા હતા.સ્વરોની સાથે જોરાવર હોંકારા ને પડકારા સંભળાતા હતા. પખવાજ પર એવી તે થપાટો પડતી હતી કે હમણાં જાણે એનું કલેજું તૂટી પડશે.
સાદુળભગતને ભજનો બુલંદ સ્વરે ગાઇ રહ્યા હતા.

પણ સાદુળભગત કોણ? શાદુળ મારો જાયો હતો, એ તો ગઈ રાતે ગજબ કરી ગયો.

એનાં નેત્રોમાંથી છેલ્લાં આંસુ પડ્યાં.જગ્યામાં આવવાને પ્રથમ દિને પણ એણે પોતાના ઉપરના પ્રેમનું સાચું સ્વરૂપ જોયું હતું એ હતું સત્તાધીશીનું સ્વરૂપ. ગઈ રાતે પણ એણે પ્રેમનું સ્વરૂપ દીઠું. એનું જ એ સ્વરૂપઃ સ્વાર્થી પ્રેમ, ને સ્વાર્પણશીલ પ્રેમઃ એવા કોઈ ભેદ છે ખરા પ્રેમના ? ના, ના, પ્રેમ એટલે જ લાગણીઓનો આગ્રહ : માલિકીનો આગ્રહઃ વહેમનું વિષવૃક્ષ. પ્રેમ એટલે આત્માને વળગેલો રક્તપિતને રોગ કણકણી કરીને ખાઈ જાય.વીરો સાદુળ શંકા મનમા ભરી મારી ઓસાળ લેવા આવ્યા એ વાતથી મને અત્યંત દુઃખ છે. એવા વિચારો ચાલતા હતા.

ભજન જેમ-જેમ જામતા ગયા, એમ-એમ સાદૂળ ભગતની ભજનમસ્તી પણ વધવા લાગી. શ્રોતાજનો આનંદપૂર્વક સાંભળી રહ્યા હતા.ભજન ભારે જાણ્યું અને પૂરું થઈ ગયું.તરત જ બીજા ભજનનો પ્રારંભ કર્યો, એ પૂરું થતાં ત્રીજું ગાયું. સર્વે શ્રોતાઓ પ્રસન્ન થઈ રહ્યા હતા, તેની સ્વરસાધનાને મુક્ત કંઠે બિરદાવી રહ્યા હતા. પરંતુ
પુષ્કળ પ્રયત્ન કરવા છતાંય સાદૂળ ભગતને ભાવાવેશ પ્રાપ્ત થતો ન હતો.ચિત્ત પણ એકાગ્ર થઈ શકતું ન હતું. એટલે ઢોલિયો હજી ભાંગ્યો ન હતો.

મધ્યરાત્રિ વીતી ગઈ હતી. ત્રીજો પ્રહર ચાલતો હતો. સાદુળ ભગત મનને ! એકાગ્ર કરવા મથતા હતા, તેમ-તેમ એની ચંચળતા વધતી જતી હતી. કાયમ વશમાં રહેતા એના મનને આજે કોણ જાણે શું સૂઝ્યુ હતું !

ત્રીજું ભજન પૂરું થયા પછી સાદુળ ભગતે થોડીક વાર વિશ્રતિ લીધી અને પ્રયત્નપૂર્વક મનને એકાગ્ર કરીને પુનઃ ભજનનો પ્રારંભ કર્યો. દાના ભક્ત સ્થિર નજરે તેમની સામે જોઈ રહ્યા હતા, જ્યારે દેવીદાસજી મહારાજ નિર્લેપભાવે ધૂણામાં પ્રગટી રહેલી અગ્નિશિખાને નિહાળી રહ્યા હતા.

ભજનગાન ધીમે ધીમે જામવા લાગ્યું. ભાંગતી રાતના ભજનની મધુર સુરાવલી વનવગડાને પ્રફુલ્લિત કરતી વાતાવરણમાં ગૂંજી રહી હતી. આ વખતે સાદુળ ભગતે દઢ નિર્ણય કર્યો હોય એમ એકની એક પંક્તિને વારેવારે ઉથલાવીને ગાઈ રહ્યા હતા. એમ ને એમ પ્રાતઃકાળનો સમય થવા આવ્યો સાદુળ ભગત થાકી ગયા. પારાવાર પ્રયત્નો કર્યા છતાંય આજે ભાવાવેશ પ્રાપ્ત થયો ન હતો, એટલે ઢોલિયો ભાંગ્યો ન હતો. અલબત્ત, મનનીએકાગ્રતા સારી પેઠે થઈ હોવાથી ભજનગાન ખૂબ સરસ થયું હતું. શ્રોતાઓ પરમાનંદ પામ્યા હતા, પરંતુ સાદૂળ ભગતને સંતોષ થતો ન હતો. ઉલટાવી-ઉલટાવીને ભજનપંક્તિઓ એ ગાઈ રહ્યા હતા. પ્રાગડ વાસ્યા ટાણે તો સાવ હતાશ થઈને ભજન પૂરું કરીને રામસાગરને હેઠે મૂકી દીધો. શ્રોતાઓ પ્રશંસાનો શબ્દો બોલીને ધન્યવાદ આપવા લાગ્યા.સાદુળ ભગતે શરમિંદી નજરે દાના ભક્ત તરફ દૃષ્ટિપાત કર્યો.તેઓ મંદમંદ હસતા નિહાળી રહ્યા હતા. સાદૂળ ભગત વધારે લજજાવશ બનીને નીચે જોઈ ગયા.

‘ધન્ય છે, સાદુળ ભગત ! આટલી નાની ઉંમરમાં તમે તો, બાપ,જગતને જીતી લીધું છે! ધન્ય છે તમને ?’ દાના ભકતે પ્રશંસા કરી. સાદુળ ભગતે બે હાથ જોડીને મસ્તક નમાવ્યું.બહુ આનંદ કરાવ્યો આજ તમે ! કે દિની આ એક તૃષ્ણા મનમાં રઈ ગઇતી એનય આજ તમે પુરી કરી દીધી!’

સાદુળ ભગતના મનમાં અનેક તર્કવિર્તકનું ઘમસાણ ચાલી રહ્યું હતું.આજે દાના ભકતે સામે ચાલીને પોતાનો ભાવાવેશ જોવાની માગણી કરી,ત્યારે જ ભાવાવેશ પ્રગટ થયો નહિ! આમ તો વારેવારે આવી જાય છે. આજ ખરા ટાણે જ આમ કેમ બન્યું હશે ? દાના ભક્ત પોતાના વિશે શું ધારશે?આવા વિચારોને લીધે મનોમન ભોંઠપ અનુભવતા રહીને એમણે પ્રાત:વિધિ કરી લીધી. થોડીવાર પછી સૂર્યોદય થઈ ગયો. દાના ભક્ત અને તેમની સાથેઆવેલા ભકતજનો દેવીદાસજી મહારાજની વિદાય લઈને જવાની તૈયારી કરી રહ્યા હતા.દાના ભક્તની સન્મુખ જવામાં શરમ થતી હોવાથી સાદુળ ભગત તેમનાંથી દૂરદૂર રહ્યા કરતા હતા.સાદુળ ભગત કેમ દેખાતા નથી ?’ ભકતરાજે સેવકોને પ્રશ્ન કર્યો ઈ તો ગૌશાળામાં ગાયુની સેવા કરે છે. એક સેવકે જણાવ્યું. દાના ભક્ત ગૌશાળા તરફ ચાલવા લાગ્યા.

“આપા સાદૂળ ભગત !” દાના ભક્ત સાદ કર્યો. તેમને જોઈને સાદૂળ ભગત દાનબાપુના પગમાં પડી ગયા. દાના ભકતે તેમનો હાથ પકડીને ઊભા કર્યા અને બથ ભરીને પ્રેમથી ભેટયા શરમને લીધે સાદુળ ભગત તેમની સામે જોઇ શકતા ન હતા.દાનબાપુએ પ્રશ્ન કર્યો કે ‘ઢોલીયો ભાંગ્યો નહિં,એમા તમને ભેદ લાગે છે ખરો!’ ભેદ તો શું હોય?મારી નિર્બળતા! આમ નિખાલસ પણે ઉતર આપયો.દાના ભગતે મંદ હાસ્ય કરી પ્રેમપુર્વક તેના ખંભા પર હાથ મુકી ઉપદેશ કર્યો.

‘જો, બાપ સાદુળ સાધુભક્તને ભાવાવેશ આવે, એ તો અહોભાગ્ય કેવાય ? એ કાંઈ બધાયને આવે પણ નંઈ, તમારા જેવા આજન્મ જોગી પુરુષને જ પ્રાપ્ત થાય. પણ એનું જ્યાં-ત્યાં પ્રદર્શન કરવાનું ન હોય ! ઈ તો રાંકના રતનની જેમ જતન કરવાની વસ્તુ કે’વાય ! જેટલું વધારે સાચવો, એટલો લાભ વધારે. તમે તો શાણા છો. એટલે વધારે શું કહું ? પણ ઢોલિયા ભાંગવાનું હવેથી બંધ કરી દેજો. તમને દેવીદાસજી મારાજ જેવા સમરથ ગુરુ મળ્યા છે, ઈ તમારાં પરમ ભાગ્ય છે ! બાપ સાદૂળ તમારા જનમ-મરણના ફેરા તો ટળી જ ગયા છે!’ દાના ભક્ત પ્રેમપૂર્વક સાદુળ ભગતના મસ્તક ઉપર હાથ મૂક્યો સાચી વાત સમજાઈ ગઈ હોવાથી સાદૂળ ભગતે કૃતજ્ઞતાપૂર્વક પ્રણામ કર્યા.

‘જા, બાપ ! આજથી તારું મન થીર થઈ જાશે ! દાના ભક્ત આશીર્વાદ આપ્યા અને ગૌશાળાની બહાર નીકળ્યા. સાદુળ ભગત પણ તેમની સાથે ચાલ્યા.’

દેવીદાસજી મારાજ ચોગાનમાં ટહેલતા હતા. દાના ભક્તને વળાવવા માટે તેમની સાથે આશ્રમના ઝાંપા તરફ ચાલી નીકળ્યા. હળવા થયેલા મને સાદૂળ ભગત પણ તેમની સાથે ચાલી રહ્યા હતા.

ભાગ-૨૧…ક્રમશઃ પોસ્ટ..

સંદર્ભ-ગ્રંથોઃ ૧) પૂરાતન જ્યોત – ઝવેરચંદ મેધાણી
૨)અલખ જ્યોત- દેવીદાસ બાપુના વંશજો દ્રારા સંપાદીત
૩)અમર સંત દેવીદાસ- હરસુર ગઢવી

લેખક-પ્રકાશક:
શ્રી માંડણપીર બાપુની જગ્યા
સતદેવીદાસ બાપુની જન્મ ભૂમિ માંડણપીર ધામ, મોટા મુંજીયાસર તાલુકો.બગસરા જીલ્લો.અમરેલી, મો.9408899968 / 9426162860

સાભાર: કાઠી સંસ્કૃતીદિપ સંસ્થાન

પ્રેષિત-સંકલન:
મયુર. સિધ્ધપુરા – જામનગર
મો.9725630698

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો તમારી પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!