બહુ જ અઘરું છે મિત્રો રાજા કર્ણદેવ વાઘેલાને ન્યાય અપાવવો અને એમનાં કુટુંબીજનોની સાચી હકીકત બહાર લાવવી તે. જ્યાં લોકો કમલાદેવીને જ પુરતો ન્યાય નથી અપાવી શક્યાં અને એને કોઈપણ રીતે અલાઉદ્દીન ખિલજીની પત્ની બનાવવાં તુલ્યાં રહેતાં હોય અને દેવગિરિના રાજા રામચંદ્રની પુત્રી જત્યપાલદેવીને પણ ખિલજીની પત્ની તરીકે પ્રસ્થાપિત કરવાં માંગતા હોય ત્યાં આપણે શું કરી શકવાનાં છીએ. એમાં વળી રાજા કર્ણદેવ વાઘેલા અને ક્માલાદેવીની પુત્રી દેવલદેવીને પણ ખિલજીના પુત્ર ખિજ્રખાન સાથે પ્રેમમાં પડી તેની સાથે લગ્ન કરતાં દર્શાવાઈ છે. આમાં એક ચોક્કસ મુસ્લિમવાદી વલણ અને એક રાજપૂત કન્યાને મુસ્લિમ કેવી રીતે બનવવામાં આવે છે એ જ વાત છે. આ જ તો લવ જિહાદની શરૂઆત છે જેનાં પર કોઈનું ધ્યાન હજી સુધી ગયું જ નથી. પહેલાં બે રાણીઓ અને હવે એમની એક પુત્રી આ બધાંને મુસ્લિમ સાથે લગ્ન કરતાં બતાવવી એ એક ચુસ્ત મુસ્લિમ સૂફીવાદી કવિ ખુશરોની સોચીસમજી સાજીશ છે જેમાં બધાં જ હિંદુઓ ફસાઈ ગયાં હતાં નહીં…. હજુ પણ ફસાઈ જ રહ્યાં છીએ. રાજપૂતોના રીતિરીવાજોની એમને કશી ગતાગમ લાગતી જ નથી. માત્ર એમને જ નહીં પણ આપણને પણ નથી. નહીં તો વાર તહેવારે આપણા કહેવાતાં સોશિયલ મીડિયામાં એ વાત તો પ્રચલિત ના જ કરાય કે એક હિંદુ રાજપૂત કન્યા જે ખિલજીવંશના અંત માટે કારણભૂત બની ! અરે મુર્ખાઓ આવી વાત જે માત્ર એક સાહિત્યકૃતિમાં જ આવી છે એને એટલું બધું પ્રાધાન્ય શા માટે અપાય છે રાજા ગયાં અને રાજપાટ ગયાં તોય તમારી મનોવૃત્તિ હજી પણ બદલાતી નથી દુખ મને એ જ વાતનું છે. સલીમ-જાવેદની પટકથા જેવી વાતો કેમ વારંવાર ફેલાવ્યા કરો છો તમે કશી પણ સાચી હકીકત જાણ્યા વગર જ સ્તો. મૂળમાં થોડાં ઉતરો પછી જ કંઈ લખાય ખરેખર કર્ણદેવ વાઘેલા ઘેલો નથી. ઘેલાં તો આવાં અધકચરા સ્ટેટસકારો છે જેઓ માત્ર લાઈક અને કોમેન્ટ ખાતર ઇતિહાસનું નિકંદન કાઢવાં બેઠાં છે.
લોકો પણ અજીબ હોય હોય છે હોં…… ઇતિહાસની સાચી વાત કરીએ તો એમાં એ કોમેન્ટરૂપે કુદી પડીને પોતે જ સાચાં હોય એવું જ દર્શાવવા માંગતા હોય છે. અરે ઓ ડોબાઓ આ ઈતિહાસ હું રાજપૂત રાજાઓની સાચી હકીકત અને તેમનાં આત્મસન્માનને જરા પણ ઠેસ ના પહોંચે એજ રીતે હું સાચી વાત સાબિત કરું છું. પણ એક તમે છો જે ઉલ્લેખોમાં જ રચ્યાંપચ્યાં જ રહો છો આ રીતે તો કોઈપણ સંજોગોમાં કોઈને પણ ન્યાય ન જ મળે! હા… તમારે જે કરવું હોય તે કરો મેં જે બીડું ઝડપ્યું છે એમાં હું સફળ થઈને જ રહીશ ! રાજા કર્ણદેવ સાચાં રાજપૂત હતાં એ વાત હું સાબિત કરીને ઝંપીશ ! તમે સાથ આપો તો પણ અને ના આપો તો પણ.
ઈતિહાસ તો અત્યાર સુધી ખોટો જ ચીતરાયેલો છે. ઉલ્લેખો અને અનુશ્રુતિઓ કશું જ સાબિત નથી કરી શક્યાં એ હકીકત છે. મહારાજ સિદ્ધરાજ જયસિંહ વખતે અને એની પણ પહેલાં મુસ્લિમો શાંતિથી ગુજરાતમાં રહેતાં હતાં. પણ મહારાજ સિદ્ધરાજ જયસિંહના સમયમાં ખંભાતમાં અમુક લોકોએ મસ્જિદ સળગાવી દીધી અને એમાં કેટલાંક લોકો માર્યા ગયાં એ વાત જ આનાં મૂળમાં રહેલી છે. સિદ્ધરાજ જયસિંહે તો સારું કામ કર્યું હતું પણ આ વાતની ચિનગારી એ સમયમાં જ ચંપાઈ ગઈ હતી. એ પહેલાં એટલે કે સોલંકીયુગની શરૂઆતમાં જ મહમૂદગઝનીનું આક્રમણ થયું અને સોમનાથ મંદિર લુંટાયું અને તોડાયું ઇસવીસન ૧૦૨૫માં પછી એ વાતને પણ ૧૫૫ વરસ થઇ ગયાં અને બધાં સુખેથી હળીમળીને રહેતાં હતાં તો એ વાતનો ચટકો આ ભાટ -ચારણો -બારોટોને લાગ્યો એટલે એમણે ખંભાતવાળી વાત ફેલાવી. પછી નાયકીદેવી અને રાજા બાળ મુળરાજનાં સમયમાં એટલે કે ઇસવીસન ૧૧૭૮માં મહંમદઘોરીને આંતરીને આબુ પાસે કાયદારામાં તેને હરાવ્યો હતો. પણ ઇસવીસન ૧૧૯૭માં ઘોરીએ કુતુબ-ઉદ-દીન ઐબકને મોકલ્યો ગુજરાત પર ચડાઈ કરવાં આ વખતે પણ ફરી પાછું સોમનાથ લુંટાયું અને પાટણ પણ. તે વખતે રાજા ભીમદેવ બીજાંનાં સૈન્યને વસમી હારનો સામનો કરવો પડયો હતો આ જ આવનારા બીજાં હુમલાઓનો સંકેત હતો. પણ રાજા ભીમદેવે ત્યાર પછી ૪૫ વરસ સુધી ગુજરાત પર રાજ્ય કર્યું હતું. પણ આ સમય દરમિયાન ગુલામવંશની શાસક રઝીયા સુલતાના જેનો સમયગાળો છે ઈસ્વીસન ૧૨૩૬થી ઇસવીસન ૧૨૪૦ આ સમય દરમિયાન ગુજરાત અને દિલ્હી સમેત બીજાં અમુક સ્થળે મુસ્લિમ આંતરવિગ્રહ થયો હતો જે શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે હતો તેને દબાવ્યો હતો પણ તેની ગુજરાતનાં રાજકીય વહીવટ પર નહોતી પડી. પણ આવનારો સમય કેવો હશે એનાં એંધાણ જરૂર મળ્યાં હતાં. ત્યાર બાદ એટલે કે સોલંકીયુગનાં અસ્ત પછી જ્યારે વાઘેલાવંશની શરૂઆત થઇ ત્યારે રાજા અર્જુનદેવના સમયમાં એટલે કે ઇસવીસન ૧૨૭૬ની આસપાસ રાજા અર્જુનદેવે મુસ્લિમો માટે સોમનાથમાં મસ્જિદ બાંધવા માટે જમીનની ફળવાની કરીને એમને પરવાનગી આપી હતી. આ વખતે ખિલજી ભલે સુલતાન નહોતો પણ એનો જન્મ થઇ ચુક્યો હતોઅને તે આ બધી પરિસ્થિતિથી વાકેફ જ હતો. તે પોતે પણ જાતનો શિયા મુસ્લિમ જ હતો તેણે પણ આ સુન્ની મુસ્લિમો દીઠાં નહોતાં ગમતાં અને ગુજરાત સહિત ભારતમાં વધતી મુસ્લિમ વસ્તીથી તેં મનમાં એ વાત સ્ફૂરે એ સ્વાભાવિક જ ગણાય કે ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવું અને તેમાં આ રાજપૂતો આડે આવતાં હતાં અને ગુજરાતમાં પણ સુન્ની મુસ્લિમો પણ ઘણાં જ હતાં તો એમાં શિયા મુસ્લિમોની સલામતી મળે અને પોતે ભારતમાં એકચક્રી શાસન કરી શકે અને તેમને વેપારધંધા અને આર્થિક સધ્ધરતા બક્ષી શકાય એ માટે લેવાયેલું આ એક સુવ્યવસ્થિત પગલું હતું જેમાં તેને ભારતની અંદરોઅંદર લડતી પ્રજાએ ખુબ જ મદદ કરી તેથી જ તે સફળ થઇ શક્યો હતો.
ભારતના રાજપૂતો એક થઈને લડતાં ન્હોતાં એ વાત એ વાત ખિલજી બહુ જ સારી રીતે જાણતો હતો. પોતે તો શક્તિશાળી હતો જ હતો સાથે તેણે લડાકુ મંગોલ પ્રજાનો સાથ મળ્યો એટલે જ એ આસાનીથી વિજયો મેળવતો ગયો અને રાજપૂત વંશો ખત્મ કરતો ગયો અને એની શરૂઆત થઇ ગુજરાતથી. રાજપૂતો લડાઈ તો કરે જ કરે પણ તે ગુજરાતમાં કેમ ના બન્યું એ એક આશ્ચર્ય છે. જો કે એમાં આપણા સાહિત્યકારો અને કહેવાતાં ઈતિહાસકારોનો બહુ મોટો હાથ છે.
છેક સોલંકીયુગના સમયથી તેઓ આ દેવગિરિનાં રાજા રામચંદ્ર અને આ જ રાજા સિંઘણ તથા આ જ માળવાનું રાજ્ય અને મેવાડની ચઢાઈઓ સિવાય બીજી કોઈ આગળ વાત કરતાં જ નથી. માળવાના રાજા ભોજે ઘણાં યુધ્ધો જીત્યાં હતાં અને ઘણી કલાકીય પ્રવૃત્તિઓ તેમનાં સમયમાં થઇ હતી. વાગ્દેવી એટલે કે માતા સરસ્વતીદેવીનું જગવિખ્યાત મંદિર અને ભોજેશ્વરમાં દુનિયાનું સૌથી મોટું શિવલિંગ પણ એમણે જ બનાવડાવ્યું હતું અને આ રાજા ભોજ એ ભારતને એક કરવાં માંગતા હતાં. જે વાત તત્કાલીન રાજાઓને પણ નહોતી ગમતી આને લીધે જ તેમણે યુદ્ધો કરવાં પડેલાં જેમાં એમણે જીત પણ મેળવેલી. જે એક વાત મેં લખી છે એ રાજા ભોજમાં તે એ કે એમનાં રાજ્ય પર આક્રમણ કરવાં અને એમનો સામનો કરવાં ખુદ મહમૂદ ગઝનવી પણ કતરાતો હતો. રાજા ભોજ સામે રાજપુતાનાનાં ચૌહાણવંશના રાજાઓ પણ હારી ગયાં હતાં. ગઝનીને શિકસ્ત આપનાર પણ આ જ રાજા ભોજ જ હતાં એની પણ બહુ ઓછાંને ખબર છે. જે ગુજરાત ના કરી શક્યું એ આ માળવાના મહારાજ ભોજે કરી બતાવ્યું હતું. ગઝનીનો સામનો તો બીજાં બધાં રાજાઓએ પણ કરેલો જ છે. ગુજરાતમાં પણ રાજા ભીમદેવ સોલંકી પણ એમનો સામનો કરવાં માંગતા જ હતાં. પણ આ સાહિત્યકારોએ માળવા વચમાં લાવીને એ વાતનું વતેસર કરી નાંખ્યું. એમાં આ લોકકથાકારોએ બહુ મોટો ભાગ ભજવ્યો હતો. ઇસવીસન ૧૦૪૪ની થોડોક જ સમય પહેલાં ગાંગેયદેવના પુત્ર કર્ણએ ગુજરાતના ચૌલુક્ય રાજા ભીમદેવ સોલંકી પ્રથમની સાથે એક સંધી કરી લીધી હતી અને માળવા પર પૂર્વ તથા પશ્ચિમ બાજુએથી આક્રમણ કરી દીધું. મહરાજ ભોજ પોતાનું રાજ્ય બચાવવાનો પ્રબંધ કરી જ રહ્યાં હતાં ત્યાં બીમારીને કારણે એમનું મૃત્યુ થઇ ગયું અને સુગમતાથી આક્રમણકારીઓના હાથમાં જતું રહ્યું. આમાં રાજા ભીમદેવ સોલંકી પ્રથમનો ઉલ્લેખ જરૂર છે પણ એ ગઝનવીનાં આક્રમણ પછીનો છે. મહારાજ સિદ્ધરાજે તો ઈસ્વીસન ૧૧૦૦ પછી માળવા પર આક્રમણ કર્યું હતું. આ પરમાર વંશમાં છેલ્લા બે રાજાઓ હતાં ભોજ દ્વિતીય અને મહાલકદેવ જે બન્ને તેરમી સદીમાં થયાં હતાં. એમાં મહાલકદેવનું અવસાન ઇસવીસન ૧૩૦૫માં થયું હતુંઅને એ સમયગાળો અલાઉદ્દીન ખિલજી સાથે મેળ ખાય છે. પણ ઉદયપુર પ્રશસ્તિમાં માળવા સામ્રાજ્ય ઇસવીસન ૧૩૧૦ સુધી અસ્તિત્વ ધરાવતું હતું એનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ જ પ્રશસ્તિમાં આગળ એમ પણ જણાવાયું છે કે માળવા સામ્રાજ્યને ઇસવીસન ૧૩૩૮માં દિલ્હી સલ્તનતના તુઘલખવંશી સુલતાનોએ પોતાનાં સામ્રાજ્યમાં ભેળવી દીધું. સાહિત્યના ઉલ્લેખો કેવો દાટ વાલે છે એ દર્શાવવા જ આ રાજા ભોજની વાત અને પરમાર વંશની વાત મેં કરી છે. ઇસવીસન ૧૩૩૮માં તો ખિલજી વંશ તો નહોતો રહ્યો પણ અલ્લાઉદ્દીન ખિલજીએ એ વંશને તો સમાપ્ત કરી દીધો હતો પણ તેઓ ત્યાર પછી પણ કોઈને કોઈ રીતે પોતાનું રાજ્ય ટકાવી રાખવાં સમર્થ પુરવાર થયાં હતાં. શું ગુજરાત આવી કોઈ રીતે વાઘેલાવંશ બચાવી શક્યો હતો ? તો એનો જવાબ તો “ના”માં જ આપવો પડે તેમ છે. સાહિત્યકારોના ઉલ્લેખોએ એક નહીં ઘણાં રાજવંશો સમાપ્ત કરી દીધાં હતાં તેમાં ગુજરાતનો વાઘેલાવંશ પણ એમાંનો જ એક હતો એમ અવશ્યપણે કહી શકાય તેમ છે.
➡ ચિત્તોડ પરનાં ખિલજીનાં આક્રમણ વખતે સાહિત્યકારો એવું કહેતાં નજરે પડે છે કે— એવું કહેવાય છે કે ચિત્તોડની રાણી પદ્મિનીપર ખિલજી મોહિત થયો હતો. કાશ… જો આવું રાજા કર્ણદેવની પત્ની કમલાદેવી અને એમની પુત્રી દેવલદેવી પણ કહેવાયું હોત તો કેવું સારું ? કમલાદેવી વિષે એક વાત કહું તો એમને વિષે ક્યાંય પણ કશી માહિતી ઉપલબ્ધ નથી થતી સિવાય કે એ પગપાળા નાઠા અને ખિલજીના સૈનિકો એમને ખિલજી પાસે લઇ ગયાં અને ત્યાં ક્મલાદેવી ખિલજી સાથે પરણ્યા. આ આખી વાત એ ઉપજાઉ જ છે એ હું આગળ જણાવી જ ચુક્યો છું. એમાં વળી કમલાદેવીની પુત્રી દેવલદેવીની વાત વચ્ચે આવી અને એમાં જ યાદવવંશી રાજા રામચંદ્ર વચ્ચે આવ્યાં અને એમની પુત્રી જત્યપાલદેવી વચ્ચે આવ્યાં આ બંનેને દિલ્હી લઇ જવાયાં અને દેવલદેવી તો નાની હતી એટલે જ્ત્યપાલદેવીના પણ લગ્ન ખિલજી સાથે કરાવી દીધાં આ સાહિત્યકારોએ એમાંય ખાસ કરીને મુસ્લિમ સાહિત્યકારોએ. આ વાતની નોંધ ઇતિહાસમાં એટલાં માટે લેવામાં આવી છે કારણકે એ સાહિત્યમાં નોંધાયેલું છે અને ખુશરો એ ખીલજીના રાજદરબારની શોભાં વધારતાં હતાં. ઐતિહાસિક તથ્ય તો જરાય નથી આમાં. કમલાદેવીના જે ચિત્રો નેટ પર ફરતા થયાં છે તે ક્મલાદેવીનાં છે જ નહિ એ તો રાણી પદ્મિનીનાં છે. જત્યપાલદેવીમાં પણ આમ જ બન્યું છે . રાણી પદ્મિનીના ચિત્રો અને ખિલજીની સંડોવણીનાં ચિત્રો એ મુગલ ચિત્રકલાની દેન છે. દેવલદેવી અને ખિજ્રખાનની પ્રેમ કથાના ચિત્રો પણપામ આ કમબખ્ત મોગલોની જ દેન છે. તેમનાં વિષે બીજે કશેથી પણ કશી જ માહિતી પ્રાપ્ત થઇ જ નથી.
પદ્મનાભે પોતાનાં પુસ્તક “”કાન્હડદે પ્રબંધ”માં એ સમયે હિંદુ કે મુસલમાન શબ્દોનો પ્રયોગ નહોતો કર્યો. પણ એમણે બ્રાહ્મણ, વાણીયા, મોચી, મંગોલ, પઠાણ આડી જાતિઓનો ઉલ્લેખ કર્યો છે.
અલ્લાઉદ્દીન ખિલજીએ રાજપૂતોને યુધ્ધમાં હરાવી દીધાં હતાંઅને ખિલજીએ ગુજરાતનાં શહેરો અને મંદિરોને લુંટ્યા હતા. પરંતુ જે લોકો યુધ્ધમાં હારી જતાં હોય છે તેઓ પણ પોતાને એક પહેચાન યુધ્ધમાં વિજેતના રૂપમાં સ્થાપિત કરવાં માંગતાં હોય છે. આ જ કારણ છે કે — ૧૯મી સદીના લેખકો એવું કહેતાં ફરતાં હતાં કે — ભલે અલાઉદ્દીન ખિલજીએ સૈન્ય યુદ્ધ જીતી લીધું હતું પણ સંસ્કૃતિકરૂપે અમે જ સર્વશ્રેષ્ઠ છીએ અને સનાતન ધર્મનાં પુજક !
હવે પાછાં રાજા કર્ણદેવ વાઘેલાની વાત પર આવી જઈએ. ખિલજીનાં પ્રથમ આક્રમણની વાત થઇ ગઈ. માધવની વાત થઇ ગઈ. રાજા કર્ણદેવ વાઘેલા ફરીથી રાજ્ય પ્રાપ્ત કરે છે એ વાત પણ થઇ ગઈ. રાણી કમલાદેવીની વાત પણ થઇ ગઈ. હવે આપણે ૩ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીએ ખિલજીનું બીજું આક્રમણ, દેવલદેવી અને રાજા કર્ણદેવના અંત અને એનાં પછી રાજાઓ બનેલાં એમનાં વંશજો. મારો જવાબ પણ આમાં જ આવશે અને આમાં જ હું ઈતિહાસ પાસે પણ જવાબ માંગવાનો છું,
અલાઉદ્દીન ખિલજીનાં બીજીવારનાં ગુજરાત પરનાં આક્રમણ વિષે કેટલાંક તવારીખકારો અલાઉદ્દીન ખિલજીની ફોજે ગુજરાત પર બે વાર ચડાઈ કરી હોવાનું જણાવે છે. ખિલજીનાં દરબારનો કવિ ખુશરો જણાવે છે કે — અલાઉદ્દીને ગુજરાત પર હિજરી સંવત ૬૯૮ (ઇસવીસન ૧૨૯૯)માં ચડાઈ કરી અને ગુજરાત કબજે કર્યું. કવિ ખુશરો પોતાના “આશિક અથવા દેવલરાણી ખિજ્રખાન”કાવ્યમાં અલૌદ્દીને બે વખત ગુજરાત પર ચડાઈકર્યાનો ઉલ્લેખ છે. પ્રથમવારની ચડાઈમાં ઉલુગખાને ગુજરાત ભાંગ્યું અને કૌલાદેવી (કમલાદેવી) અલાઉદ્દીનને પરણી. આઠ વર્ષ પછી કૌલાદેવીએ રાજા કર્ણદેવ પાસેથી પોતાની પુત્રી માંગી. કર્ણદેવે તેનને આપવાનો ઇનકાર કરી દીધો તો કમલાદેવીએ ફરિયાદ ખિલજીને કરી તો ખિલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું અને રાજા કર્ણદેવ પાટણથી નાસી ગયો અને મહારાષ્ટ્રમાં દેવગિરિમાં રાજા રામચંદ્ર પાસે શરણું લીધું . ત્યાં રાજા કર્ણદેવ અને માલિક કાફૂર સાથે યુદ્ધ થયું અને તેમાં રાજા કર્ણદેવની હાર થઇ આ દરમિયાન કોક છુપામાર્ગે રાજા કર્ણદેવે દેવલદેવીને નસાડી દીધી તે ઈલોરા પાસે કાફૂરના સૈનિકો ને હાથે ચડી ગઈ અને તેને ખિલજી – કૌલાદેવી પાસે મોકલી દેવામાં આવી. આમ આ કાવ્યમાં જ ખુશરોએ ખિલજીનાં બીજાં આક્રમણનો ઉલ્લેખ કર્યો છે. હવે પ્રાપ્ત ઉલ્લેખો તો રાજા કર્ણદેવનું શાસન ઈસ્વીસન ૧૩૦૪ સુધીનો દર્શાવે છે પણ ક્યાં અને કેવી રીતે તેઓ સત્તા પર આવ્યાં તે તો કોઈ જ કહેતું નથી .
ખુશરોનાં આ કાવ્યમાં આમ તો ઘણીબધી ભૂલો અતિહાસિક દ્રષ્ટિએ થયેલી જ છે પણ આ વાતમાં ક્મલાદેવી જો ખિલજીને પરણી હોય તો તેની સાલ એ ઈસવીસન ૧૨૯૯ની કે ૧૩૦૦ની હોય. બીજું આક્રમણ થયું હોય તો એ ઈસ્વીસન ૧૩૦૪માં થયું હોય. આ બે સાલો વચ્ચે ગાળો માત્ર ૪-૫ વરસનો જ છે. તો પછી કૌલાદેવી ૮ વરસ પછી ખિલજી સાથે પરણ્યા પછી કઈ રીતે દેવલદેવીની માંગણી કરી શકે ? જ્યારે રાજા કર્ણદેવ તો ઈસવીસન ૧૩૦૪-૧૩૦૫માં મૃત્યુ પામ્યાં છે. એટલે એવું માનવા મન પ્રેરાય છે કે કદાચ આ બીજું આક્રમણ થયું જ નથી જે માત્ર ખુશરોનાં ફળદ્રુપ ભેજાંની નીપજ માત્ર છે. ૫ વરસનું અંતર અને ૮ વરસના અંતરમાં કોઈ ફર્ક ખરો કે નહીં ! જે ફર્ક ખુશરોને નથી દેખાયો એટલે જ આ ક્મલાદેવીની વાત ખિલજી સાથે લગ્ન કર્યાની ખોટી આ ગંભીર ભૂલ હજી સુધી કોઈ સાહિત્યકાર કે ઈતિહાસકારને કેમ દેખાઈ નહી તેનું જ મને આશ્ચર્ય છે. રાજા કર્ણદેવનું શાસન ઇસવીસન ૧૩૦૪ સુધી હતું તેવાં જે પુરાવાઓ મળ્યાં છે તેમાં સ્પષ્ટપણે જણાવાયું જ છે કે તેમણે ફરીથી રાજગાદી પ્રાપ્ત કરી હતી. એટલે એ સવાલ જ પેદા નથી થતો કે તેમનો અંત ઇસવીસન ૧૨૯૯ના યુદ્ધમાં થયો હતો. કારમી હાર જરૂર થઇ હતી પણ કઈ રીતે તેનો જવાબ તો મળી ગયો પણ ક્યાં આગળ તેમને ફરીથી રાજ્ય શરુ કર્યું એનો જ ઉલ્લેખ નથી મળતો ખાલી. આ ઉલ્લેખો એ સાચાં જ છે એટલે એને તો ખોટાં પાડવા નથી માંગતો પણ એમાં જે મુસ્લિમ નામો આવ્યાં છે તેઓએ કઈ રીતે રાજા કર્ણદેવને મદદ કરી તેનો પણ ક્યાંય ઉલ્લેખ થયો નથી, કદાચ એવું બન્યું હશે કે ગુજરાતની સંપત્તિ જોઇને સૈનિકોમાં તકરાર ઉભી થઇ હોય જે તેમણે ઇસવીસન ૧૨૯૯ની લૂંટમાં મેળવી હતી અને તેઓ ગુજરાતમાં સ્થાયી થઇ ગયાં હોય ખંભાત અને ભરૂચમાં અને બીજે બધે આ શક્ય છે ખરું. આનો પણ એમાં ઉલ્લેખ થયો છે પણ સ્પષ્ટપણે નહીં. સૈનિકોમાં તકરારવાળી વાતો તો બીજાં ઈતિહાસકારોએ કરેલી છે. સાચે જ ઈતિહાસ એક ભુલભુલામણી જ છે. મુસ્લિમોએ રાજા કર્ણદેવ વાઘેલાને મદદ કરી હોય એટલે ખિલજીએ ગુસ્સે થઈને ફરી આક્રમણ કર્યું હોય અને એમાં જ રાજા કર્ણદેવનાં શાસનનો અંત આવ્યો હોય એવું બન્યું હશે કદાચ. તો પછી ગુજરાતમાંથી જે વીણી વીણીને રાજપૂતોને ખત્મ કર્યા એ કઈ સાલમાં ? આનો જવાબ તો ઇતિહાસે આપવો જ જોઈએ ! ગુજરાતમાં ક્યાં ક્યાં રાજપૂતો સાથે મુકાબલો થયો હતો એનો સ્પષ્ટ ચિતાર આપવામાં ઈતિહાસ નિષ્ફળ નીવડયો છે. પણ આ બધી એ એક ધારણા છે જયારે હકીકત તો એ છે કે ગુજરાતમાંથી રાજપૂતયુગ સમાપ્ત થઇ ગયો હતો જેની ઝપટમાં બીજાં રાજપૂત રાજ્યો અલબત્ત ગુજરાતનાં ઘણા વંશો આવી ગયાં હતાં
ખુશરોનાં આ કાવ્યએ જે દાટ વાળ્યો છે એતો ખુશરો વિષે પણ જાણી લઈએ થોડું ……
અમીર ખુશરો ———
અમીર ખુશરોનું મૂળ નામ “યમીનુદ્દીન મુહમ્મદ હસન” હતું. તેમનો જન્મ પતિયાલામાં થયો હતો. પોતે ફારસી ભાષાના ઉચ્ચકોટિનાં શાયર પણ હતાં તેથી ફારસી ભાષાના મહાન શાયરોમાં પણ તેમની ગણના થાયછે. સુફીવાદ પર તેમણે ઘણી કવિતાઓ રચી છે. ખુશરોએ રાજકવિ તરીકે ખિલજીનાં દરબારમાં પણ ઘણી સેવા આપી છે. તેઓ એક ઇતિહાસકાર પણ હતાં સારાં એમ તો હું નહીં જ કહું ! ખુશરોએ “તારીખ – ઈ મલાઈ” અથવા “ખઝાઈલ્ફૂતૂહ”નામનો ઈતિહાસ ગ્રંથ ઈસવીસન ૧૨૯૬થી ઇસવીસન ૧૩૧૦ સુધીના દિલ્હીના ખિલજી સુલતાન અલાઉદ્દીન ખિલજીની સિદ્ધિઓનો ઈતિહાસ અને અલાઉદ્દીન ખિલજીની ગુજરાત પરની ચડાઈનો અહેવાલ છે. તેમનું “દેવલરાની – વ – ખિઝરખાન” ઉર્ફે “આશિકા”માં ગુજરાતના ઇતિહાસનું વર્ણન છે. તેમાં ઘોરી વંશ, ખિલજી વંશ અને મંગોલોના આક્રમણોનો ઈતિહાસ અને દિલ્હીના લશ્કરના ચિત્તોડ. ગુજરાત, માળવા, મલબાર, તેલંગણ, ફતન અને સીવાના નાં પ્રદેશો પરના વિજયોનો અહેવાલ આપ્યો છે. ખુશરોએ પોતાની ઉત્તરાવસ્થામાં લખેલ “નૃહસિપિહ” નામનાં સંગ્રહમાં ગુજરાતના ભરવાડ વીર ખુશરોના સામર્થ્યની વિગતો આપી છે. એ સમયે ગુજરાતમાં અલગ “ગુજરાતી”ભાષા બોલાતી હતી અને નર્મદા નદીની ઊંડાઈ માપી ન શકાય તેટલી છે એમ નોંધે છે. આ ઉપરાંત “મીફતાહુલ્ફુતૂહ મતલ-ઉલ-અનવર” અને તુઘુલુકનામા”માં ખુશરોએ ગુજરાત વિશેની ઘણી રસપ્રદ માહિતી આપી છે. હિન્દુસ્તાનમાં જન્મેલા આ હિન્દુસ્તાની ઇતિહાસકાર અને શાયરનું અવસાન ઈસ્વીસન ૧૩૨૫માં થયું હતું.
આજ વાત શ્રી ક. મા. મુનશીજીએ – “ધ ગ્લોરી ધેટ વોઝ ગુર્જરદેશ ભાગ-૩માં કરી છે. તેમાં તેમણે લખ્યું છે કે અમીર ખુશરોનો જન્મ પતીયાલામાં ઇસવીસન ૧૨૫૩માં થયો હતો. લગભગ ૭૦ વર્ષ સુધી તે દિલ્હીના મુસ્લિમ રાજવીઓનાં નિકટનાં પરિચયમાં રહ્યો હતો. તેણે પોતાની કારકિર્દી બલબનના સમયથી શરુ કરી હતી. ઇસવીસન ૧૨૯૬ થી ઇસવીસન ૧૩૧૬ સુધી તે અલાઉદ્દીનના દરબારમાં હોદ્દો ધરાવતો હતો. ત્યાર પછી ઇસવીસન ૧૩૧૬થી ૧૩૨૦ દરમિયાન મુબારકશાહના દરબારમાં પણ હોદ્દો ધરાવતો હતો.
બરની “તારીખે ફિરોજશાહી”માં અલાઉદ્દીને એક જ વખત ગુજરાત પર ચડાઈ કરી હોવાનું જણાવે છે. તે જણાવે છે કે — અલાઉદ્દીને રાજ સત્તા મેળવ્યા પછીના ત્રીજા વર્ષે અર્થાત હિજરી સંવત ૬૯૮માં તેણે ગુજરાત પર ચડાઈ કરી.
બરનીનું નામ આવ્યું જ છે તો એને વિષે પણ થોડું જાણી લઈએ ….
ઝીયાઉદ્દીન બરની ———
ઝીયાઉદ્દીન બરનીના ગ્રંથને “તવારીખ -ઈ ફિરોઝશાહી તરીકે ઓળખવમાં આવે છે. આ ગ્રંથમાં દિલ્હીના બલ્બનથી ફિરોઝશાહ તુઘલુક સુધીનાં આઠ સુલતાનોનો ઈતિહાસ છે. પોતાનાં ગ્રંથમાં બરની ગુજરાત પરની અલાઉદ્દીનનાં લશ્કરની ચડાઈનો ઉલ્લેખ કરે છે. ગુજરાતમાંથી અલાઉદ્દીનના લશ્કરે એટલું બધું ધન લૂંટયુ હતું કે એનો ભાગ મેળવવા માટે લશ્કરે રસ્તામાં જ બળવો કર્યો હતો. બીજી ચડાઈનો ઉલ્લેખ કરતાં બરની લખે છે કે એમાં સેનાપતિઓ ઉલુગખાન અને નુસરતખાન હતાં. ઉલુગખાનની ગુજરાતની સફળતાને કારણે ઝફરખાન ઈર્ષ્યા કરવાં લાગ્યો જેથી તેઓ વચ્ચે મતભેદો ઊભાં થયાં હતાં. સુલતાન મહમદ તુઘલુકનાં સમયમાં ગુજરાતમાં તઘી નામના એક મોચીએ કરેલ વિદ્રોહની વિગતો બરનીએ અદભુત રીતે વર્ણવી છે. સુલતાને પાટણ આવીને સહસ્રલિંગ તળાવ અને બેનમૂન બગીચાની મુલાકાત લીધી. બરનીએ મહમદના ગુજરાતવાસની આવી ઘણી વિગતો આપી છે. કારણ કે એ પોતે સમકાલીન લેખક હતાં. પાટણ આવતાં સુલતાનના લશ્કર સાથે તેઓ હતાં. એ વખતે સુલતાન મહંમદે આ ઈતિહાસકારને કેટલાંક ઈતિહાસ વિષયક સવાલો પૂછ્યાં હતાને દિલ ખોલીને વાત કરી હતી જેમાં સુલતાને આવાં વિદ્રોહ વખતે પ્રાચીન સમયના રાજાઓ કયા ગુના માટે કેવી સજા કરતાં હતાં એ બાબતે પૂછતાં બરનીએ પણ એક ઇતિહાસકારને છાહ્જે તેવાં જવાબો આપ્યાં હતાં. અલબત્ત બરનીએ તો સુલતાનને યોગ્ય વારસદારને રાજ્ય સોંપી દેવાની હિંમતપૂર્વકની સલાહ પણ આપી હતી. જે ઝીયાઉદ્દીન બરનીની ઇતિહાસકાર તરીકેની છાપ દર્શાવે છે.
ખુશરો અને બરનીની વાત પરથી જણાય છે કે અલાઉદ્દીનની ફોજે ગુજરાત ઉપર એક વાર નહીં પણ બે વખત ચડાઈ કરી હતી. આ જોતાં વિવિધ તીર્થકલ્પમાં જે સંવત ૧૩૫૬ આપેલી છે અને પ્રવચન પરીક્ષા અને વિચારશ્રેણીમાં સંવત ૧૩૬૦ આપેલી છે તે એ ચાર વર્ષનો મેળ આ બીજી ચડાઇનાં ઉલ્લેખથી મળી રહે છે અને જ્યાં સુધી બીજું કોઈ ચોક્કસ પ્રમાણ ના મળે ત્યાં સુધી રાજા કર્ણદેવ વાઘેલાનાં રાજ્યનો અંત સંવત ૧૩૬૦માં માનવો જ રહ્યો.
હવે જેનાં પર લોકો ચરી ખાય છે અને જેને લીધે આખો ઈતિહાસ જ ખોટો છે એ પુરવાર થઇ શકે એમ છે એ વાત દેવલદેવીની કરી લઈએ. આજ વાતમાં રાજા કર્ણદેવ વાઘેલાનો અંત છુપાયેલો છે. એ પહેલાં એક વાત જણાવી દઉં કે માન્યું કે ઈતિહાસ એ સાહિત્ય અને પ્રશસ્તિઓમાં સચવાયેલો હોય છે . પણ તેનેણે જ યોગ્યતાનું લેબલ લગાડીને સાચું પણ નથી જ ઠેરવી શકાતું . પ્રશસ્તિઓ સાચી હોઈ જ શકે છે પણ સાહિત્ય તો નહીં જ. કારણકે સાહિત્ય પર તો ધર્મનો ટ્રેડમાર્ક જો લાગેલો હોય છે. જે અહીં સાચું પડતું જણાય છે. પ્રશસ્તિઓ પણ વિજયની અને સત્કાર્યોની જ વાત કરે છે. પણ એમાં કોઈ સત્ય જરૂર છપાયેલું હોય છે. આમ તો એ પણ સંદેહજનક જ છે કારણકે વિજયી રાજાઓ જાતેજ પોતાનાં ગુણગાન ગાતાં હોય છે રાજદરબારમાં હયાત કવિઓ અને ઇતિહાસકારોનું આ જ કર્તવ્ય હોય છે, એમાંને એમાં ઈતિહાસ ખોટો ચીતરાયેલો જોવાં મળે છે. પણ દરેક જગ્યાએ આવું થતું પણ નથી હોતું. પણઅહી તો જરૂર કૈંક કાચું કપાયું છે એ વાત તો સોએ સો ટકા સાચી છે. એ જ વાત હું હવે તમારી સમક્ષ લાવું છું…..
દેવલદેવી અને રાજા કર્ણદેવ વાઘેલાનો અંત ——-
ગુજરાત પર મુસ્લીમોના આક્રમણ પછી રાજા કર્ણદેવ અને તેમનાં કુટુંબના શા હાલ થયાં તેનો કોઈ ચોક્કસ અહેવાલ મળતો નથી. પણ જુદાં જુદાં વૃત્તાંતો મળે છે. અલાઉદ્દીનનો દરબારનો કવિ ખુશરૂ “દેવલરાની – વ – ખિજરખાન નામનાં કાવ્યમાં જણાવે છે કે — કર્ણદેવે રાણી કૌલા (કમલા)દેવીને પકડીને દિલ્હી લઇ જવામાં આવી. જવામાં આવી ત્યાં તે બાદશાહની બેગમ બની ગઈ. કેટલાંક સમયબાદ બેગમની ઈચ્છાને અધીન થઇ બાદશાહે રાજા કર્ણદેવ પાસે દેવલદેવીની માંગણી કરી. આ વખતે કર્ણદેવ દેવગિરિના રાજા સિંઘણદેવના આશ્રયે જીવન વિતાવી રહ્યો હતો. તેમણે પોતાની કુંવરી દેવલદેવીનું લગ્ન સિંઘણદેવના નાના ભાઈ જોડે નક્કી કરવાનું વિચાર્યું. પરંતુ બાદશાહની ફોજના હાથમાં તે સપડાતાં તેને દિલ્હી લઇ જવામાં આવી ત્યાં આગળ દેવલદેવી શાહજાદા ખિજરનાં પરિચયમાં આવતા બંને વચ્ચે પ્રેમના અંકુરો ફૂટ્યાં અંતે તેમનું લગ્ન કરવામાં આવ્યું. આ વૃત્તાંત એક પ્રણયકાવ્યનો હોવાથી એમાં કેટલીક અસંભવિત વિગતો જણાય છે.
અમીર ખુશરોનાં સમકાલીન કવિ ઇસામી આ જ વૃત્તાંતને જુદી રીતે રજૂ કરે છે. તે જણાવે છે કે — મુસ્લિમ ફોજ દિલ્હી પાછી ફરી તે પછી કર્ણદેવ પાટણમાં પાછો ફર્યો. આની ખબર પડતા અલાઉદ્દીને બીજું સૈન્ય મલેક જહીમતની સરદારી હેઠળ ગુજરાત પર ચડી કરવાં મોકલ્યું. આ વખતે રાજા કર્ણદેવે સામનો કર્યો પણ હારી જતાં તેઓ મહારાષ્ટ્ર (દેવગિરિ) તરફ ગયાં ત્યાં યોગ્ય આશ્રય ન મળતાં તેઓ તેલંગણનાં રુદ્રદેવનાં આશ્રયે ગયાં. આ દરમિયાન તેમની રાણીઓ અને કુંવરીઓ પકડાઈ ગઈ. એમને દિલ્હી લઇ જવામાં આવ્યાં. આમાં દેવલદેવીનો પણ સમાવેશ થતો હતો. ત્યાર પછીનો વૃત્તાંત ખુશરોનાં કાવ્ય મુજબ જ છે.
આ પછી આઠ વર્ષ બાદ લખાયેલ તારીખે ફિરોજશાહીમાં ઝિયૌદ્દીન બરની જણાવે છે કે — “કર્ણદેવ દેવગિરિ ભાગી ગયાં અને એમની પત્નીઓ અને પુત્રીઓ મુસ્લિમોનાં હાથમાં આવી જતાં સહુને પકડીને દિલ્હી લઇ જવામાં આવ્યાં.” બરનીનાં વૃત્તાંતમાં આ સ્ત્રીઓના નામ તેમજ તેમને લગતી અન્ય માહિતી મળતી નથી . ત્યાર પછીના મુસ્લિમ ઈતિહાસકારો નિઝામુ દ્દીન દેવલદેવીનાં નામનો ઉલ્લેખ કરે છે. આમ છતાં આ બનેના વૃત્તાંતોમાં કમલાદેવીનું નામ કે તેમનાં વર્તન વિશેનો કોઈ ઉલ્લેખ જોવાં મળતો નથી.
આ પછી રચાયેલ “તારીખે ફરિસ્તહ”માં આ બધી બાબતોનું મિશ્રણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ કેટલીક વધુ કલ્પિત વિગતો ઉમેરવામાં આવી છે. અમીર ખુશરોનું કાવ્ય ખિજરખાનના મૃત્યુથી પૂરું થાય છે. પણ પછીનાં લેખકોના જણાવ્યા મુજબ ખિજ્રખાનનાં મૃત્યુ બાદ દેવલદેવી એનાં અનુગામી કુતુબુદ્દીનનાં જનાનખાનામાં દાખલ કરવામાં આવી અને ત્યાર બાદ કુતુબુદ્દીનનું ખૂન થતાં ખુશરો ખાને એની બેગમ કે મુખ્ય બેગમણે પોતાની બેગમ બાનાવી. આવો મોઘમ ઉલ્લેખ હોવાં છતાં તે દેવલદેવીને લાગુ પડવા સંભવ છે. આમાં તેઓ નિશ્ચિત તો નથી. ઈતિહાસ સંભાવનાને આધારે ચાલતો નથી. એટલે દેવલદેવીની ધારણા ક્યારેય સંભાવનાનાં આધારે ના કરાય.
કવિ પદ્મનાભ “કાન્હડદે પ્રબંધમાં ફક્ત એટલું જ જણાવે છે કે — કર્ણદેવની રાણી પગપાળા નાઠી” આ સિવાય બીજાં કોઈ હિંદુ લેખકો રાજા કર્ણદેવની રાણી કે દેવલદેવી વિષે કંઈ કશું જણાવતાં નથી.
આ સર્વ વૃત્તાંતો ઉપરથી જણાય છે કે — ઉલુગખાનનું સૈન્ય ગુજરાત લૂંટી પાછું જતાં રજા કર્ણદેવ પાટણમાં પાછાં ફર્યા આ બાબતની અલાઉદ્દીનને ખબર પડતાં તેણે બીજાં સરદારોને ફરીવાર ગુજરાત ઉપર ચડાઈ કરવાં મોકલ્યા. આ બીજી વખતના યુદ્ધમાં કર્ણદેવની સંપૂર્ણ હાર થઇ. અલાઉદ્દીને અલયખાન નામના સરદારને ગુજરાતનો સુબો બનાવ્યો.
અમીર ખુશરો, ઇસામી, બરની અને ફરિસ્તહ વગેરે એ આપેલી દેવલદેવીની વિગતોની સ્વીકાર્યતા વિષે કેટલોક મતભેદ પ્રવર્તે છે.
આ અલયખાન અને ઉલુગખાન એ બે જુદી વ્યક્તિઓ છે. કેટલાંકે એમને ભૂલથી એક માની લીધાં હતાં. અમીર ખુશરોના કાવ્યમાંની કે એનાં ઉપરથી ફરિસ્તહે આપેલી વિગતો અસંભવિત અને ભૂલભરેલી છે.
આ અસંભવિતતાનાં કારણો —–
(૧) બરનીનાં ઇતિહાસમાં આ વાતનો અભાવ છે.
(૨) અલાઉદ્દીને ગુજરાત પર બિ વાર ચડાઈ કરી હતી અને પહેલી ચડાઈમાં રાજા કર્ણદેવણે કેદ કર્યો હતો એ વાત ખોટી છે.
(૩) રાજા કર્ણદેવે પોતાની પુત્રી મુસ્લિમ બાદશાહણે આપવાં સંમત થાય અને હિંદુ રાજવી સિંઘણદેવણે આપવાની આનાકાની કરે એ વાત સંભવિત નથી.
(૪) રાજા કર્ણદેવની રાણી પોતાની પુત્રી પોતાનાં પતિનાં પુત્રને પરણાવવા કબુલ થાય એ આર્યસંસ્કારી સ્ત્રી માટે સંભવિત નથી.
(૫) વરકન્યાની ઉમર આઠ-દસવર્ષની જોતાં એ બંને વચ્ચે કલ્પેલો પત્રવ્યવહાર અશક્ય છે.
અલબત્ત મુસ્લિમ ઈતિહાસકારોએ આપેલી ઘણી વિગતો અસંભવિત છે અને ભૂલભરેલી છે એ સ્પષ્ટ છે. ખાસ કરીને મુસ્લિમોનાં હાથે પકડાઈનેણે બાદશાહની બેગમ બનેલી કૌલાદેવી પોતાની મુસ્લિમોથી સલામત અંતરે અને સલામત સ્થાને રહેલી પોતાની પુત્રીને પોતાની પાસે લાવવાનું કહે એ માનવું વધારે પડતું છે. એ વાત તો ખરેખર અમીર ખુશરોએ પોતાનાં કાવ્યમાં ઉપજાવી કાઢી હોય એમ સ્પષ્ટ જણાય છે. ઇસામી,નિઝામુદ્દીન અને બરુની સુદ્ધાં કૌલાદેવીની હકીકત પતાં નથી, પણ તેઓ દેવલદેવીની વાતનો પણ ઇનકાર પણ નથી કરતાં. એમને મન આ જ એક મહત્વનું પાસું છે એમ જણાયા વગર રહેતું નથી. જયારે દેવલદેવી એ તો માત્ર ખુશરોનાં કાવ્યમાં આવેલું એક પાત્ર માત્ર છે.
જો કે કેટલાંક ગુજરાતી સાહિત્યકારો અને ઈતિહાસકારો ઓગણીસમી સદીથી તે અત્યાર સુધી એમ જ માનતાં આવ્યાં છે કે દેવલદેવીની વાતને સાચી માને છે અને ખુશરોનો બચાવ પણ કરે છે. ઈતિહાસમાં આવી પ્રણયકથા સાચેમાં બની હતી કારણકે ખુશરો એ ખિલજીનાં રાજદરબારમાં હતાં અને અ કથાનાં સાક્ષી છે એટલાં માટે. પછી રજપૂતોની રાજપુતાઈ ઘેર ગઈ. એમને કોઈ સંસ્કારો જેવું તો છે જ નહીં એવું પોતે માને છે અને આપણા મનમાં પણ તેઓ ઠસાવવા માંગે છે. જે છે તો ખરેખર કાલ્પનિક પ્રસંગ જ !
અલાઉદ્દીનનાં ગુજરાત પરનાં આક્રમણ વખતે કમનસીબે રાજા કર્ણદેવની રાણીઓ અને તેમની પુત્રીઓ મુસ્લિમોનાં હાથે પકડાઈ ગયાં હોઈ એમાંની રાણી કમલાદેવીને અલાઉદ્દીન સાથે અને કુંવરી દેવલદેવીને શાહજાદા ખિજ્રખાન સાથે અને તેનાં ખૂન થયાં પછી એનાં જ અનુગામી કે એનાં પછી ગાદીએ આવનાર સાથે લગ્ન કરવાની ફરજ પડી હોય એ સંભવિત નથી. અમીર ખુશરોએ રચેલાં પ્રણયકાવ્યમાં દેવલદેવીનાં પ્રણયની વાત કલ્પિત હોવાનું વધારે સંભવિત છે. કૌલાદેવીની ઈચ્છાથી અલાઉદ્દીને દેવલદેવીની માંગણી કરી ત્યારે રાજા કર્ણદેવે એને દિલ્હી મોકલી આપવાં તૈયાર થયો હતો એવી અમીર ખુશરોએ આપેલી વિગતની ફરિસ્તહ જેવાએ પણ નોંધ નથી લીધી.
ફરિસ્તહનાં જણાવ્યા પ્રમાણે રાજા કર્ણદેવ પાટણથી નાસીને દેવગિરિનાં યાદવ રાજા રામચંદ્રની મદદથી એનાં રાજ્યની સરહદ પાસે ખાનદેશમાં આવેલાં બાગલાણનાં કિલ્લામાં ભરાયો. થોડાક વખત પછી મલીક કાફૂરે દેવગિરિ પર ચડાઈ કરી. તે વખતે બાગલાણનાં કિલ્લા પર ચડાઈ કરી. આ વખતે રાજા કર્ણદેવે લગભગ બે માસ સુધી સામનો કર્યો. અમીર ખુશરો અને બરની જેવાં પણ રાજા કર્ણદેવ પાટણથી નાસીને દેવગિરિ નાં રાજા પાસે ગયો હોવાનું તો નોંધે છે. જ્યારે ઇસામીનાં જણાવ્યા અનુસાર રાજા કર્ણદેવ દેવગિરિમાં આશ્રય ન મળતાં તેલંગણ ચાલ્યો ગયો અને ગમે તે બન્યું હોય પણ એટલું તો ચોકસ છે કે રાજા કર્ણદેવ મુસ્લિમો સામે હારીને ગુજરાતમાંથી નાસીને બીજાં પ્રદેશમાં જરૂર ગયાં હતાં પણ તેઓ રખડી રઝળીને રાંક ની જેમ મૃત્યુ તો નહોતાં જ પામ્યાં.
જે અંત રાજા કર્ણદેવનો ઇતિહાસમાં બતાવવામાં આવ્યો છે તેના મૂળમાં જે છે તો એ તો દેવલદેવીનું કાવ્ય જ છે થોડીક વાતો તો આપણે કરી પણ એની ચર્ચા જ મારે વિગતે કરવી છે અને રાજા કર્ણદેવનું મૃત્યુ કેવી રીતે થયું એની ચર્ચા પણ. પણ એ આપણે ભાગ – ૬માં જોઈશું .
અહીં ભાગ – ૫ સમાપ્ત ભાગ – ૬ હવે પછીનાં લેખમાં !
!! જય જય ગરવી ગુજરાત !!
!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! હર હર મહાદેવ !!
——— જનમેજય અધ્વર્યુ.
આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
- વાઘેલા રાજવંશની સ્થાપના ભાગ – ૧
- વાઘેલા રાજવંશની સ્થાપના ભાગ – 2
- ⚔ ધવલ – અર્ણોરાજ – લવણપ્રસાદ અને વીરધવલ ⚔ ભાગ – ૧
- ⚔ લવણપ્રસાદ અને વીરધવલ ⚔ ભાગ – 2
- ⚔ લવણપ્રસાદ અને વીરધવલ ⚔ ભાગ – 3
- ⚔ રાજા વીસલદેવ ⚔ ભાગ – 1
- ⚔ રાજા વીસલદેવ ⚔ ભાગ – 2
- રાજા અર્જુનદેવ ⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔
- રાજા સારંગદેવ ⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔
- રાજા કર્ણદેવ વાઘેલા ભાગ 1
- રાજા કર્ણદેવ વાઘેલા ભાગ 2
- રાજા કર્ણદેવ વાઘેલા ભાગ 3
- રાજા કર્ણદેવ વાઘેલા ભાગ 4
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..