રાજા કર્ણદેવ વાઘેલા ભાગ 2

ઈતિહાસ ક્યારેય અવસાન પામતો નથી. એ તો ધૂળ ખાતો ક્યાંક વાવના પગથિયે કે મંદિરોના શિલ્પસ્થાપત્ય માં કંડારાઈ ચુક્યો છે. ક્યારેક એ હીરાભાગોળ બનીને કે ક્યારેક એ વઢવાણની અવાવરી વાવો બનીને પોતાનાં અસ્તિત્વણે બચાવવવાની ચાડી ખાતો ઉભો છે. એની ધૂળ ખંખેરવાનો વખત હવે આવી ચુક્યો છે. ઇતિહાસનું મરણ થઇ જાય એ પહેલાં જ આપણે એને આપણા સ્મરણોમાં સાચવવો જ પડશે. ઈતિહાસણે નથી પુનર્જન્મ અને નથી મોક્ષ. ઇતિહાસે આપણને અત્યાર સુધીમાં ઘણાં પ્રશ્નો પૂછ્યાં છે અને આપણે એનો સરખો જવાબા પણ આપી શક્યાં નથી . પણ એનો અર્થ એ નથી કે આપણા મનમાં ઊગેલાં પ્રશ્નોનો જવાબ ના જ આપી શકે એટલો તો ઈતિહાસ અશક્તિમાન નથી જ. ઈતિહાસ ભલે રહ્યો ભૂતકાળ પણ એ ભૂતકાળ વર્તમાનમાં ડોકીયાં ન કરવો જોઈએ .જો એમ થશે તો વર્તમાન પણ જશે કામથી એવું ન થાય એ જોવાની એટલી જ જવાબદારી આપણી પણ છે. આપણે એનાથી વિમુખ થયે પાલવે એમ નથી . શું બન્યું ? કેમ બન્યું ? કેવી રીતે બન્યું ? શા માટે બન્યું ? આ માટે કોણ કોણ છે જવાબદાર આ બધાં પ્રશ્નોનો જવાબ મેળવવા માટે ઇતિહાસમાં પાછાં જવું જ પડે તેમ છે તો જ આની સચ્ચાઈની આપણને ખબર પડશે. તો ચાલો જઈએ પાછાં પગલે ઈસ્વીસન ૧૨૯૮નાં ગુજરાતમાં.

રાજા કર્ણદેવ વાઘેલા તે સમયે લગભગ પોતાનાં સુવ્યવસ્થિત શાસનને ૨ વર્ષ પૂરો કરી ચૂક્યાં હતાં પણ ભારતનાં ઈતિહાસ અને ગતિવિધિઓથી અજાણ હતાં. સમકાલીન સાહિત્ય પણ કૈંક અણસારો પામી જઈ ને ખામોશ થઇ જતું હતું. આને લીધે જ આપણને જે માહિતી જોઈએ છે તે સરખી રીતે પ્રાપ્ત નથી થતી. અહીં માહિતીનો અર્થ ગપગોળા નથી. ઇતિહાસમાં આવા ગપગોળા બહુ જ વધી ગયાં છે જે ઘણી જ ખેદજનક બાબત છે. ઇડરની પ્રશસ્તિમાં માત્ર એક જ વાક્યમાં રાજા કર્ણદેવનાં શાસન વિષે લખ્યો છે કામદેવના પુત્ર સમો રાજા કર્ણદેવ પૃથ્વી પર સુવ્યવસ્થિત શાસન કરતો હતો. આ સિવાય તેમની કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી જ થતી. એમાં એમનાં લગ્ન અને એમનાં પુત્રો અને પુત્રી વિષે ક્યાંય કશો ઉલ્લેખ થયેલો જ નથી. કોઈ જ સમકાલીન સાહિત્યમાં એટલે કે ગુજરાતી સમકાલીન કે ત્યાર પછીનાં સાહિત્યમાં એનો ઉલ્લેખ થયો જ નથી અરે કોઈએ તો માધવ મહામાત્યનો પણ ઉલ્લેખ સુદ્ધાં પણ કર્યો નથી. ખાલી એમ કહી છટકી ગયાં છે કે માધવ મંત્રી રાજા સારંગદેવ પછી રાજા કર્ણદેવ વાઘેલા વખતે પણ તેમનાં મંત્રી તરીકે ચાલુ જ હતાં. રાજા સારંગદેવ વખતે રાજા કર્ણદેવ વખતે યુવરાજપ પદે હતાં અને તેઓ બાળઉમરનાં તો નહોતાં કદાચ રાજા સારંગદેવે રાજગાદી સંભાળી ત્યારે તેઓ નાનાં હશે એવું માનવાનું છે આપણે કે રામદેવ રાજા થયાં જ નહોતાં આવું માનવાનું છે આપણે ? સાક્ષ્ય પ્રમાણો તો રાજા રામદેવ રાજા થયાં હતાં એવું જ દર્શાવે છે જો એ વખતે કર્ણદેવ ભલે નાનાં હોત તો પણ એમનો રાજ્યાભિષેક થઇ જ શક્યો હોત કારણકે રાજા રામદેવ અપુત્ર નહોતાં. કદાચ એવું બની શકે કે રાજા કર્ણદેવનો જન્મ રાજા રામદેવનાં મૃત્યુ પછી થયો હોય આ શક્ય છે તો ખરું કારણકે રાજા રામદેવના અવસાન સમયે કર્ણદેવની માતા સગર્ભા હોય અને કર્ણદેવનો જન્મ એ રાજા રામદેવના મૃત્યુ પછી અને રાજા સારંગદેવના રાજ્યાભિષેક પછી થયો હોય આવું કૈંક બન્યું હતું કે શું એ સમયગાળા દરમિયાન. પણ પ્રમાણો તો એમ કહે છે કે રાજા સારંગદેવના શાસનની શરૂઆતથી જ કર્ણદેવ યુવરાજ પદે હતાં પણ ક્યારથી તે કોઈએ કહ્યું નથી. ના કહ્યું તો ના સહી પણ મારે જે કહેવું છે એ કે રાજા સારંગદેવના ૨૧ વરસના શાસન પછી જયારે રાજા કર્ણદેવ ગુજરાતની ગાદી પર બેસે છે ત્યારે તેમની ઉમર કેટલી હતી ? આવું તો તેઓ સમગ્ર વાઘેલા વંશમાં પણ નથી કહી શક્યાં નથી કોઈને એ રાજાઓની માતા વિષે ખબર, નથી એમને કોઈ ખબર એમની પત્ની કે પત્નીઓ વિષે તો પછી આ માધવની પત્ની ક્મલાદેવી આમ અચાનક ક્યાંથી ફૂટી નીકળી ? એ એની પત્ની હતી તો તો એ કર્ણદેવ એને શું કામ ફસાવે કે કર્ણદેવ એનાં પ્રેમમાં શું કામ પડે ? એવી કોઈ જ માહિતી સમકાલીન કે ત્યાર પછીના ઇતિહાસમાં પ્રાપ્ત નથી થતી. જયારે ખિલજીએ આક્રમણ કર્યું એટલે કે ઇસવીસન ૧૨૯૮-૯૯ માં ત્યારે આ ક્મલાદેવી રાજા કર્ણદેવની પત્ની હતાં અને એમને એક ૮ વરસની દીકરી હતી દેવળદેવી. એટલે અનુમાન એવું લગાવી શકાય કે કમલાદેવીએ રાજા કર્ણદેવ સાથે લગ્ન કર્યા હતાં ૯ વરસ પહેલાં એટલ્કે ઇસવીસન ૧૨૯૧માં ત્યારે તો રાજા સારંગદેવનું રાજ હતું. રાજા સારંગદેવે પોતાનાં પ્રિય ભત્રીજાને કોઈની પત્નીને પોતાની પત્ની બનવતા રોક્યો કેમ નહીં ? મહામાત્ય માધવે કોઈ ફરિયાદ કેમ ના કરી રાજા સારંગદેવને અને રાજા કર્ણદેવના શાસનનાં ઠીક બે વર્ષ પછી દિલ્હી કુખ્યાત ખિલજી પાસે ફરિયાદ કરવાં કેમ ગયો અને એને આક્રમણ કરવાં ગુજરાત બોલાવ્યો અને રાજા કર્ણદેવને હરાવ્યો અને પોતે વેર લેવાં માટે ખિલજીને ક્મલાદેવી સાથે પરણી જવાનું પણ કહે છે ખિલજી પરણી પણ જાય છે રાજીખુશીથી અને ક્માંલાદેવીની ૮ વરસની પુત્રીને પણ પોતાનાં ૧૦ વરસના દીકરા ખિજ્ર ખાનજોડે પરણાવે છે. આ વાત આખી ઉપજાઉ જ છે એની ચર્ચા હું આગળ કરું છું પણ આ આઠ -દસ વરસ આ મહામત્ય માધવ ચુપ કેમ રહ્યો ? એનો જવાબ છે કોઈ પાસે હોય તો મને આપજો હોં ! ક્મલાદેવી શું રાજી ખુશીથી ખિલજી સાથે પરણે ખરી માની લઈએ કે ખિલજીએ બળજબરીથી પત્ની બનાવી હોય તો એ સતી ના થઇ હોત ! આ વાત હું આગળ કરવાનો જ છું.

પણ આ વાત હું અહીં એટલાં માટે કરું છું કે લગભગ ૧૦૦ કલાકની અથાગ મહેનત કર્યા પછી પણ મને ક્યાંયથી પણ એવી સાબિતી નથી મળી કે આ કમલાદેવી એ અલાઉદ્દીનની પત્ની નહોતાં બન્યાં એ તો ગપગોળું જ છે એવું ક્યાંય પણ લખેલું જણાયું જ નહીં એથી ઉલટું બધાંએ કમલાદેવી અને એક બીજી રાજપૂત રાણીને પોતાની પત્ની બનાવી હતી એવી જ વાતો બધે જ લખાયેલી છે એ જાણીને મને અત્યંત દુખ થયું. કોઈ ભલે ગમે તે કહે કે લખે પણ હું સાબિત કરીને જ રહીશ કે કમલાદેવી એ ખિલજીના પત્ની નહોતાં. એ વિષે હું મારી વોલ પર તો લખી જ ચુક્યો છું જેની નોંધ બહુ ઓછાંએ લીધી છે. કંઈ વાંધો નહીં આગળ હું એ વિષે સાબિતી આપવાનો જ છું. ગુજરાતી ઈતિહાસકારો બધાં દેવળદેવી પર તૂટી પડયા છે પણ આ ક્મલાદેવીની બાબતમાં મૌન સાધે છે એટલે મારે અહીં એને વિષે લખવું પડયું . આ વાત કુખ્યાત અલાઉદ્દીન ખિલજીના આક્રમણ સાથે સંકળાયેલી હોઈ પહેલાં આપણે ખિલજીનાં આક્રમણની વાત કરશું ત્યાર પછી જ આ કમલાદેવીની વાતનું પિષ્ટપેષણ કરીશું !

અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કેમ કર્યું ? એ વાત ઉપર આવતાં પહેલાં કેટલાંક પરિબળો અને સાહિત્યકારો – ઈતિહાસકારોના ઉલ્લેખોને તપાસવા અત્યંત આવશ્યક છે . ગુજરાતના ઈતિહાસ પર જે જે સમકાલીન સાહિત્યકારોએ ગુજરાત માટે શું શું લખ્યું છે અને મુસ્લિમ સાહિત્યકારોએ ખિલજી પહેલાં શું શું લખ્યું હતું તે પહેલાં જોઈએ . આ માટે આપણે ઇતિહાસના પોપડા ખોતરવા પડે તેમ છે. તો તૈયાર થઇ જાઓ એ પોપડાં ખોતરવા માટે !

સોલંકીયુગના સાહિત્યકારોએ પાટણ અને ખંભાતના ભરપુર વખાણ કર્યા હતાં. એમણે સોમનાથ મંદિરના પણ ભરપેટ વખાણ કર્યા હતાં. આ તો બધાં ગુજરાતના રાજાઓના સમયમાં થયેલાં જ સાહિત્યકારો હતાં ખ્યાલ રહે તેઓ માત્ર સાહિત્યકારો જ હતાં ….ઈતિહાસકારો નહીં. એટલે એક પ્રમાણભૂતતાની કમી જરૂર વર્તાય છે . એમાં વળી મળી આવેલી પ્રશસ્તિઓએ ખુબ ભાગ ભજવ્યો. એ પ્રશસ્તિઓ જ્યાં જ્યાં છે તે પ્રખ્યાત નગરો છે અને એ સમયમાં વ્યાપારના ધીક્તાં કેન્દ્રો હતાં જેમકે પાટણ , ખંભાત, ઇડર, પાલ્હણપુર , ભરૂચ , સુરત અને ધોળકા. અ બધાં નાગરોની સમૃદ્ધિ અને જાહોજલાલી તે સમયના પાડોશી રાજાઓને પણ ખૂંચતી હતી તો પછી વિદેશી આક્રમણકારો તો બાકાત રહે જ નહીં . સોમનાથની મહત્તા એ સૌકોઈના મનમાં ખુંચે એ સ્વાભાવિક હતું. અત્યાર સુધી તો ગુજરાતના પાડોશી રાજાઓ જ અંદરોઅંદર યુદ્ધ કરતાં હતાં. તેમાં માળવા, મેવાડ, આબુ, સિંધ અને શાકંભરી મુખ્ય હતાં . એક સમય એવો હતો કે જ્યારે આ બધાં રાજ્યોમાં સોલંકીયુગનો ચરખો ચાલતો હતો. વાઘેલાયુગમાં પણ આ જ સિલસિલો ચાલુ રહ્યો હતો. વાઘેલાયુગની પણ પ્રશસ્તિઓ મળે તો છે જ ને તો પછી એનો ઉલ્લેખ કેમ ક્યાંય થયેલો નથી ? કેમ બધાં એને નજરઅંદાજ કરે છે? જે લખાયું છે તે બધું તો આને ઉવેખીને જ લખાયું છે. નાટકો અને કાવ્યો એ ઈતિહાસ નથી જ એટલે એને તો આધારભૂત માહિતી ગણવાની કોઈએ ગુસ્તાખી ના જ કરવી જોઈએ. આ બધામાં ગુજરાતના જ વખાણ હતાં જેનો લાભ બીજાં લોકોએ ભરપુર લીધો છે. આજ વાત તો મારે અહીં કરવાની છે. જો બીજા રાજ્યો જીતવાં હોય તો ગુજરાતને તો પહેલાં હરાવવું પડે તેમ હતું. ગુજરાત જ એટલું સમૃદ્ધ હતું કે એને લુંટો તો પૈસાની પણ કમી ના રહે અને એને હરાવો તો બીજાં રાજ્યો પર ગુજરાતનો કાબુ હોવાથી એ પણ એમનાં આપોઆપ થઇ જાય.આવી ગણતરી અલબત્ત અલાઉદ્દીન ખિલજીનાં મનમાં હતી.
એ પહેલાની થોડીક ઘટનાઓ જોઈ લઇ લઈએ….

બિલ્હણે જયારે નાટક લખ્યું ત્યારે જ ભારતના લોકોને ગુજરાત વિષે ખબર પડી આ પહેલાં માત્ર એકલ દોકલ જ મુસાફરો ગુજરાતની મુલાકાતે આવ્યાં હતાં. પણ ગઝની જે ભારતને ૧૬ વખત લુંટી ચુક્યો હતો તેણે સોમનાથની લૂંટ કરી અને એ મંદિરનો દ્વંસ કર્યો ત્યારે તે ગુજરાતની સમૃદ્ધિ જોઇને અંજાઈ જરૂર ગયો હતો અને આપણા પવિત્ર દેવસ્થાનોને નષ્ટ કરવાની કુપ્રવૃત્તિઓ ત્યારથી જ શરુ થઇ ઇસવીસન ૧૦૨૫થી. તે વખતે પ્રખ્યાત સાહિત્યકાર અને ઇતિહાસકાર અલ બરુની પણ એમની સાથે સોમનાથ આવ્યાં હતાં. આ અલ -બરુની આ અગાઉ પણ ગુજરાત આવી ગયાં જ હતાં. તેમને ગુજરાત એટલું બધું ગમી ગયું હતું કે તેઓ ગઝનીના મૃત્યુબાદ ઇસવીસન ૧૦૩૦માં ફરી પાછાં એક વાર ગુજરાતની મુલાકાતે આવ્યાં હતાં. આ વાતની બહુ ઓછાંને ખબર છે. સોમનાથ વિષે જિનપ્રભ સૂરી એમ કહે છે કે — મહેમુદ ગઝનીએ સોમનાથ શિવલિંગના ટુકડા કરી તે પોતાની સાથે લઇ ગયો હતો. આ વાતને વધારીને વધારીને એ બીજી વાર્તાઓમાં પણ ફરવાં લાગી જયારે હકીકત તો એ છે કે સોમનાથનું શિવલિંગ કે બીજાં શિવલિંગો આ આક્રાંતાએ તોડયા હતાં અને એના ટુકડા કર્યા હતાં તે વાત એમનાં સિવાય કોઈએ પણ નથી કરી અને જેમણે પણ એ વાત કરી છે એ એમની ઉઠાંતરી જ છે. જે સત્યથી વેગળી છે જયારે તેઓ સોમનાથની ઘટના વખતે ત્યાં હાજર પણ નહોતાં. એમનો આશય શુભ હતો પણ કયાંક કોઈ વર્ણન અને ભાષાની ખામીને કારણેને આમ બન્યું હશે એમ માનીને ચાલવું રહ્યું આપણે.એમણે બીજાં તીર્થસ્થાનો વિષે પણ વિગતવાર પોતાનાં “કલ્પ”માં લખ્યું છે જે એક આધારભૂત માહિતી ગણાય છે. બાકી આ જ સોમનાથ મંદિર વિષે અલબરુનીએ શું લખ્યું છે તે વાંચવા જેવું છે.
થોડીક જાણકારી આ અલબરુની વિષે આપી જ દઉં…….

અબુ રિહાન અલબેરુની (અલબેરુની) ———-

અલબેરુનીનું વ્યક્તિત્વ ઘણું પ્રતિભાવન હતું. એ પોતે ઇતિહાસકાર હોવાં સાથે જ્યોતિષશાસ્ત્રી, ભૂમિતિશાસ્ત્રી અને તર્કશાસ્ત્રી હતાં. એમનાં લેખનકાર્ય વિષે એમનાં ચરિત્રલેખક નોંધે છે કે નવરોઝ અને મિહર્જાનના તહેવારો સિવાય વર્ષના તમામ દિવસોમાં તેમનાં હાથમાં કલમ રહેતી હતી. એમણે અરબી ભાષામાં લખેલ “તારીખુલ હિન્દ”નામનો ગ્રંથ ભારતવર્ષનો ૧૧મી સદીનો ઈતિહાસ જાણવા માટેનો મહત્વનો ગ્રંથ છે. આ ગ્રંથમાં ગુજરાતના ઉલ્લેખમાં મહેમુદ ગઝનવીની સોમનાથની ચઢાઈ, મંદિરમાં મૂર્તિ નહીં પણ લિંગ હતું એમ જણાવે છે જયારે બીજાં તમામ મુસ્લિમ લેખકો સોમનાથ મંદિરમાં મૂર્તિ હતી તેમ દર્શાવે છે. આ ઉપરાંત આ અતિપ્રખ્યાત શિવલિંગને મુલ્યવાન રત્નો વડે શણગારવામાં આવતું હતું અને ચંદ્રદર્શન અને પૂર્ણિમાના દિવસે આ શિવલિંગ પર વિશેષ અભિષેક કરતો હતો તેથી તેમને સોમ(ચંદ્ર)નાથ કહેવામાં આવે છે. કેટલો ઊંડો અને કેટલો બહોળો અભ્યાસ છે એમને સોમનાથ વિષે ! હા… એમણે ગઝની માટે આક્રમણ માટે લખ્યું તે સારું તો નથી જ કર્યું ! પણ એકંદરે એમનાં જ્ઞાન વિષે શંકા થઇ શકે એમ નથી !

ઇસવીસન ૧૦૨૫ પછી ઇસવીસન ૧૧૭૮ માં મહંમદ ઘોરી સાથે સોલંકીઓને ઘર્ષણ થયું હતું અને તેમાં સોલંકીઓ જીત્યાં હતાં. પણ ઇસવીસન ૧૧૯૭માં કુત્બુદ્દીન ઐબક દ્વારા રાજા ભીમદેવ સોલંકી બીજાંનો બહુ જ બુરી રીતે પરાજય થયો હતો આ વખતે પણ સોમનાથ મંદિર તોડાયું હતું અને લુંટાયુ હતું. હવે ચોરો ઘર ભળી ગયાં હતાં કોણ જાણે આ સિલસિલો ક્યારે અટકવાનો હતો તે ! આ સિલસિલો તો છેક અંગ્રેજો આવ્યાં ત્યાં સુધી ચાલુ રહ્યો હતો. અંગ્રેજોની ભાગલા પાડોની નીતિને કારણે જ આજે આ વૈમનસ્ય માનવજાતિ માટે ઉત્પન્ન થઇ ગયું છે.

માણસ ખરાબ નથી હોતો એની મહાવાકાંક્ષા જ ખરાબ હોય છે.

ગુજરાતી અને ભારતીય સાહિત્યકારોએ ઈતિહાને બહાર લાવવા ઘણો જ પ્રયત્ન કર્યો છે પણ તેમાં ઈતિહાસને બદલે સાહિત્યને જ પ્રાધાન્ય અપાયું છે એ વાત અમુક લોકો આજે સ્વીકારવા તૈયાર નથી . ઇતિહાસની ઘોર આમાં જ ખોદાઈ છે. લેપડાચોપડા અને છાવરવાની વૃત્તિથી કંઈ ઈતિહાસ બદલાય નહીં. ઈતિહાસ તો આ બધાંથી પર જ હોય છે. ઇતિહાસમાં જે બન્યું તે કેમ બન્યું અને તેની અસરો શું પડી એ વિષે કોઈએ જ ઊંડો અભ્યાસ કર્યો નથી. બસ બધાં એ વીરતાપૂર્વક સામનો કર્યો હતો માત્ર અહીં જ નહિ સમગ્ર ભારતમાં એમાંણે એમાં સાચો ઈતિહાસ ઢંકાઈ ગયો છે આજે . યુદ્ધ તો જીત્યાં નહીં પણ બચાવ અભિયાન જરૂર કર્યું ત્યારે નહિ તો અત્યારે . સાહિત્યમાં નહીં તો સોશિયલ મીડિયામાં. તવા પર ધાણી ફૂટે એમ અને એ ઉછળ્યા કરે એમ આ લોકો વારંવાર ઉછળ્યા કરે છે સાચી હકીકત જાણ્યા વગર જ સ્તો. એમાં જ ઇતિહાસનું ખોટું નિરૂપણ થઇ ગયું છે એ જ દર્શાવવાનો મારો હેતુ છે. વાઘેલાવંશનો બચાવ કરવાં જો કોઈ સમખાવા આગળ આવ્યું હોય તો હરામ બરોબર છે . તેઓ નહીં તો હું તો છું જ ને ! એ બચાવ જો મારે કરવાનો હોય તો આ ખિલજીનું આક્રમણ કેમ થયું એની સાચી વિગત મારે તમને આપવી જ રહી. આપણા બધાં જ પ્રશ્નોનું મૂળ એમાં જ રહેલું છે. મેં પહેલાં જ કહ્યું હતું કે ચાબખાં પડવાના છે તને તમે ગંભીરતાથી લીધું નહીં એમાં વાંક તમારો છે મારો નહીં. અક્ષરસહ બધું વાંચો તમને સચ્ચાઈની આપોઆપ ખબર પડી જશે. વાઘેલાવંશનો ઈતિહાસ બહાર લાવવા માટે તમારો પણ સહકાર એટલો જ જરૂરી છે. તો એ આપજો બસ !

આક્રમણો ક્યારેય પૂર્વગ્રહોથી પ્રેરાઈને કે કોઈની વાતોમાં આવી જઈને ક્યારેય નથી થતાં. અલાઉદ્દીન ખિલજીનાં ગુજરાત પરના આક્રમણનો નિર્ણય ઉતાવળિયો નહોતો. એ બહુ જ સમજી વિચારીને લેવાયેલો નિર્ણય હતો અને ખિલજીએ સૌથી પહેલું આક્રમણ જ ગુજરાત પર કર્યું હતું . ખિલજી આવું કરનાર સૌ પ્રથમ જરૂર હતો પણ એ એક માત્ર નહોતો આવું તો ૫૦૦ વરસ પછી ભારતના મહાન શાસક જેમનું નામ સમગ્ર વિશ્વમાં બહુ માનભેર લેવાય છે તે બાજીરાવ પેશ્વાએ પણ પોતાનું સૌપ્રથમ વિજય અભિયાન ગુજરાતથી જ કરેલું છે . આ બાજીરાવ એ કુલ ૪૧ યુધ્ધો જીત્યાં હતાં અને એકપણ યુદ્ધ હાર્યા નહોતાં.બાજીરાવ ઉપરનો મારો લેખ વાંચી જજો સૌ. કહેવાનો મતલબ એ છે કે કેમ ગુજરાત પર જ સૌ પ્રથમ આક્રમણો થયાં હતાં ? બાજીરાવની વાત કોરાણે મૂકીને આપણે આ બધાનાં મૂળસમા કુખ્યાત અલાઉદ્દીન ખિલજીની જ વાત કરીએ. ખીલજીના ગુજરાત પરનાં આક્રમણ માટે કેટલાંક મુસ્લિમ સાહિત્યકારો અને ઇતિહાસકારોનાં ગુજરાત વર્ણનો જ જવાબદાર છે. તમે ક્યાંય પ્રવાસે જાઓ છો તો એ જગ્યાએ શું જોવાનું છે અને ત્યાનું શું શું પ્રખ્યાત છે ખાવામાં અને ખરીદવામાં તે જાણીને જ જાઓ છો ને ! આવું જ અહીં પણ બન્યું છે. તો એ ક્યાં વર્ણનો અને કયું અને કેવું નિરૂપણ છે તે જાણવું અત્યંત આવશ્યક છે. ગુજરાતના સાહિત્યકારોને આમાંથી બાકાત રાખીએ છીએ પણ મુસ્લિમ સાહિત્યકારો અને ઇતિહાસકારોની જ વાત કરીશું આપણે.

ગુજરાતના ઈતિહાસ પર જાણો છો ક્યાં કયાં મુસ્લિમ સાહિત્યકારો -ઈતિહાસકારોએ પોતાનો કસબ કલમદ્વારા અજમાવ્યો છે તે ?
આ રહ્યાં તેમનાં નામો —–

  • (૧) ઈબ્ન ખુર્દાદબ
  • (૨) અલમસૂદી
  • (૩) અબુ રિહાન અલબેરુની
  • (૪) અલ ઇદ્રીસી
  • (૫) ઝકરિયા અલ ક્ઝનવી
  • (૬) ફઝલુલ્લાહ રસીદુદ્દીન
  • (૭) અમીર ખુશરો
  • (૮) ઝીયાઉદ્દીન બરની
  • (૯) ઈબ્ન બતુતા
  • (૧૦) યાહ્યા સરહિન્દી
  • (૧૧) શરફૂદ્દીન મુહમ્મદ બુખારી
  • (૧૨) કરીમુદ્દીન હબીબુલ્લાહ ખોન્ડમીર
  • (૧૩) મુઘલ સુલતાન બાબર
  • (૧૪) હુસમુદ્દીન ખાન
  • (૧૫) નીઝામુદ્દીન અહમદ બક્ષી
  • (૧૬) સિકંદર ઈબ્ન મુહમ્મદ
  • (૧૭) શેખ અબુલફઝલ અલામી (અબુલ ફઝલ)
  • (૧૮) મુઘલ સુલતાન જહાંગીર
  • (૧૯) મુહમ્મદ હાશીમ ખાફીખાન
  • (૨૦) અલી મુહમ્મદખાન બહાદુર (મિરાતે અહમદઅલી )

આમાંથી ઈબ્નબતુતા સુધી જ આપણા કામના છે બાકીના તો ખિલજી પછીનો જ ઈતિહાસ દર્શાવે છે. જો કે આ નામોમાં પણ કેટલાંક રહી ગયાં છે પણ આ જે છે તેઓએ ગુજરાતના ઇતિહાસનુ નિરૂપણ અને એ સમયના ગુજરાતનું વર્ણન કર્યું છે. ગુજરાતનો ઉલ્લેખ તો છેક ઋગ્વેદથી શરુ થયો છે અને ઘણાબધાં ગુજરાતી સાહિત્યકારોએ ગુજરાતના ઈતિહાસનું નિરૂપણ કર્યું છે જે આપણે સોલંકીયુગ અને વાઘેલાયુગમાં જોયું જ છે . આપણા સાહિત્યકારોનો ઉલ્લેખ સમયે સમયે ગુજરાતના ઇતિહાસમાં કરવાનો જ છે . કારણકે હવે જે ઈતિહાસ હું લખવાં માંગું છું એ તો મુસ્લિમધર્મ અસ્તિત્વમાં આવ્યો પહેલાનો છે એટલે કે ચાવડા વંશનો અને એની પહેલાનાં શાસકયુગો પર લખતી વખતે મને કામ લાગશે એટલે એ બધાં નામો હું અહી નથી લખતો. મુસ્લિમ શાસકોનું ધ્યાન એનાં પર ગયું જ નથી જે ધ્યાન એમનું ખેંચાયું છે એ મુસ્લિમ સાહિત્યકારો અને મુસ્લિમ ઈતિહાસકારોના નિરૂપણો અને વર્ણનોનું એટલે માત્ર એમને ધ્યાનમાં લેવામાં આવશે અલબત્ત અ લેખ પૂરતાં જ !

મુસ્લિમ સાહિત્યકારોએ છેક મૈત્રકકાળથી ગુજરાતનાં ઈતિહાસ પર હાથ અજમાવ્યો છે એમાં મુસ્લિમ સાહિત્યકારોના ગુજરાતના નિરૂપણની શરૂઆત જ ઈબ્ન ખુર્દાદબથી થાય છે.આપણે માત્ર ઈબ્નબતુતા સુધીના જ સાહિત્યકારો -ઈતિહાસકારો લઈશું. આમાંહીતી અહીં કેમ આપું છું એ પછીથી હું કહીશ!

ઈબ્ન ખુર્દાદબ ———

ઈબ્ન ખુર્દાદબને “અબુલકાસીમ ઉબૈદુલ્લાહહબીન ખુર્દાદબ તરીકે ઓળખવામાં આવે છે. એ પોતે ખલીફાના દરબારમાં મહત્વનું સ્થાન ધરાવતો હોવાથી ઈતિહાસ્લેખન માટેની જરૂરી અને અધિકૃત સાધન-સામગ્રી મેળવવાની તેને અનુકૂળતા રહેતી હતી. પોતાનાં ગ્રંથ “કીતાબુલ મસાલીક વલ મમાલિક”માં ગુજરાતના મૈત્રક વંશની માહિતી આપી છે. આ ઉપરાંત ભરૂચ બંદરના વેપારનો અહેવાલ નોંધપાત્ર છે. ગુજરાતના સમાજજીવન વિષે અને હિંદુઓની વર્ણવ્યવસ્થાનું તલસ્પર્શી અવલોકન કરનાર ઈબ્ન ખુર્દાદબ પહેલો આરબ લેખક હતો.

અલ મસૂદી ———

અલ મસૂદી માટે એમ મનાય છે કે જે જે દેશોમાં ઇસ્લામનો ધ્વજ લહેરાવવામાં આવે છે તે બધાં દેશોનો પ્રવાસ કરીને એણે “મુરુજ – લઝહબ નામનો ગ્રંથ લખ્યો છે. અલ મસૂદીએ પોતાનાં આ ગ્રંથમાં ગુજરાતનો દરિયાઈ વેપાર અને ગુજરાતના બંદરોનો અહેવાલ આપ્યો છે. ગુજરાતની “ગુજરાતી”ભાષાને તેણે “લાટ દેશની ભાષા”તરીકે ઓળખાવી છે વળી ગુજરાત પાસેનો સમુદ્ર “લાટનો સમુદ્ર” તરીકે ઓળખાતો હતો. અલ મસૂદીએ ગુજરાતના રાજાના પાડોશી રાજાઓ સાથેના યુધ્ધોની બાબતો પણ નોંધી છે.

અલ ઇદ્રીસી ——–

અલ ઇદ્રીસીનો ગ્રંથ “નુઝહુતુલ મશિક”નામનાં ગ્રંથમાં તે ખંભાત,સંજાણ, ધોળકા, અણહિલવાડ, આસાવલ અને ભરૂચ વગેરે વિષે મહત્વની માહિતી આપી છે. અલ ઇદ્રીસી ખંભાત વિષે નોંધે છે કે અહીંયાદુનિયાના દરેક દેશના વેપારીઓ આવે છે. ખંભાત તેમ જ પીરમ બેટનાં ચાંચિયાઓનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો છે. ગુજરાતના રાજાએ આ નગરના રક્ષણ માટે મજબુત કિલ્લો બાંધ્યો છે અને પાણી-પુરવઠાની વ્યવસ્થા પણ બેનમૂન છે. આ પ્રદેશમાં ચોખા અને ઘઉં પુષ્કળ પ્રમાણમાં પાકે છે. અલ ઇદ્રીસી ભરૂચ બંદર વિષે પણ નોંધે છે કે —
“ભરૂચ વિશાલ અને સુંદર શહેર છે. એ ઇંટો અને પ્લાસ્ટરથી બાંધેલું છે.એના વાતની ધનિકો છે અને વ્યાપારમાં રોકાયેલા હોય છે. તેઓ ઘણાં સાહસિક છે અને તેથી કોઇપણ જાતના હિચકીચાત વગર દૂર-દૂરના દેશોમાં જાય છે. અહીંયા ચીન અને સિંધના જહાજો સૌથી વધુ નાંગરે છે.”

અલ ઇદ્રીસીએ સૌથી વધુ વર્ણન પાટણનું આપ્યું છે. એ સમયના ચૌલુક્ય રાજવીઓના લશ્કરનું સામર્થ્ય આંકડાઓ સાથે વર્ણવ્યું છે. તેઓ લખે છે કે –“પાટણમાં મુસ્લિમ વેપારીઓ વસે છે અને રાજા અને પ્રધાનો તેમના પ્રત્યે આદરપૂર્ણ વ્યવહાર રાખે છે. એમને રાજ્ય તરફથી સંપૂર્ણ સલામતી તથા રક્ષણ મળે છે.” ગુજરાતના સમાજજીવન વિષે પણ તેમને લખ્યું છે. એ મુજબ ગુજરાતીઓમાં જે લોકો માંસાહાર કરે છે તેઓ જીવતાં પ્રાણીને મારીને ખાતાં નથી કારણકે તેઓ નાનકડા પક્ષીને પણ મારવામાં પણ પાપ અનુભવે છે. એ સમયના ગુજરાતીઓના ખોરાક, પોષાક,રીતભાત, ધાર્મિક માન્યતાઓ, અંત્યેષ્ટવિધિ અને સંસ્કૃતિક બાબતો વિષે પણ કેટલીક આશ્ચર્યકારક બાબતો નોંધી છે.

ઝકરીયા અલ કઝનીવી ———-

ઝકરીયા અલ કઝનીવી મૂળ ઈરાનના વાતની હતાં. ઇસવીસન ૧૨૬૩માં તેમણે “આશારુલ બીલાદ”નામનો ગ્રંથ લખ્યો છે જેની આધારભૂતતા માટે તેમને “પૂર્વના પ્લીની”કહેવામાં આવે છે. આ ગ્રંથમાં સોમનાથનું મંદિર, તેની મૂર્તિ અને સોમનાથ પ્રત્યે હિંદુઓની આસ્થાનું બહુ તલસ્પર્શી વર્ણન કર્યું છે. સોમનાથમાં ચૈત્રી પુનમનો મેળો ૧૨મી સદીમાં પણ ભરાતો હતો એનું બયાન આ ગ્રંથ કરે છે. આ ઉપરાંત જુનાગઢ- ગિરનાર વિશેની રોચક માહિતી આપે છે. મહમૂદ ગઝની થોડો સમય જુનાગઢમાં રોકાયો હતો અને એ વખતે ગિરનારના જંગલમાં ૫૦૦થી વધુ હાથી હતાં એમ અલ કઝનીવી નોંધે છે.

ફઝલુલ્લાહ રસીદુદ્દીન ———

ફઝલુલ્લાહ રસીદુદ્દીનનો જન્મ હ્મ્દન શહેરમાં ઇસવીસન ૧૨૪૭માં થયો હતો.તેમને એશિયાની ઘણી ભાષાઓનું જ્ઞાન હતું. ફઝલુલ્લાહ રસીદુદ્દીનનાં ઈતિહાસ ઉપરાંત પણ અન્ય વિષયો પર બીજાં ઘણાં પુસ્તકો છે. તેમનો ગ્રંથ “જામીઉત્તવારીખ” ઈતિહાસ અને ભૂગોળ એમ બંને વિષયની વિસ્તૃત માહિતી આપે છે. તેઓ સોમનાથનું મંદિર અને ગુકારતના રાજાની શક્તિની પણ નોંધ લે છે એ મુજબ ગુજરાતના કબજામાં કેટલાંક ટાપુઓ હતાં જેનો વહીવટ ખંભાત મારફતે થતો હતો. માળવા જેવાં પ્રદેશોની પેદાશની નિકાસ ગુજરાતના બંદરો મારફતે થતી હતી. ભરૂચ બંદરનું અને સરસ્વતી નદીનું વિગતવાર વર્ણન પણ કરેલું છે. ફઝલુલ્લાહ રસીદુદ્દીન ગુજરાત વિશેના વિશેષ અહેવાલમાં નોંધે છે કે —
“ગુજરાત એક વિશાળ દેશ છે. એમાં ખંભાત, સોમનાથ, કોંકણ, થાણા અને બીજાં કેટલાંય શહેરો અને નગરો છે. એમ કહેવાય છે કે ગુજરાતમાં એંશી હાજર જેટલાં સમૃદ્ધ શહેરો, નગરો અને ગામો છે. એનાં રહેવાસી ધનિક અને સુખી છે. વર્ષની ચારેય ઋતુઓમાં થઈને કુલ સિત્તેર પ્રકારના ગુલાબ અહીં ઉગે છે. વર્ષમાં બે વાર પાક લેવાય છે. કપાસનો પાક લેવામાં ઓછી મહેનત કરવી પડે છે. કારણ કે કપાસના છોડ પરથી સતત દશ વર્ષ સુધી કપાસ ઉતારવામાં આવે છે.
આમ, ફઝલુલ્લાહ રસીદુદ્દીનનો ગુજરાત વિશેનો અહેવાલ તેમના પુરોગામીઓ કરતાં વધારે વિગતપૂર્ણ છે.

ખુશરોને તો હું ધોવાનો જ છું, પણ જે બે નામો આ શ્રુંખલામાં છે તે છે ઝીયાઉદ્દીન બરની અને ઈબ્નબતૂતા તે ખીલજીના આક્રમણ વખતે કે તે પછી એની સાથે સંકળાયેલા છે . એ વાત જયારે આક્ષેપ-પ્રતિઆક્ષેપની વાત આવશે ત્યારે જ તેમની વાત કરવામાં આવશે.

પ્રશ્ન કોઈના મનમાં પણ થાય કે કેમ મેં ગુજરાતના સમકાલીન અને તે પછી અ વાતનો ઉલ્લેખ કરતાં ભારતીય લેખકો ના લીધાં. તો એનો જવાબ એ છે કે કોઈ પણ ગુજરતી લેખક કે ઇતિહાસકાર ગુજરાતનું ખરાબ તો લખે નહીં .એમ તો આ આ લોકોએ પણ ગુજરાતનું ખરાબ નથી જ લખ્યું પણ આ એમનો એક પહેલું છે બીજો પહેલું જે આપણને બતાવવામાં જ નથી આવ્યો એટલે એને વિષે આપણને કશી ખબર જ નથી . અહી આનો સમાવેશ એટલા માટે કર્યો છે કે એમાં પાટણ , ખંભાત, ભરૂચ અને સોમનાથના ઉલ્લેખો છે. એ મુસ્લિમ સાહિત્યકારો એ લખ્યાં છે જને વિષે આક્રાંતાઓને ખબર હોય જ જયારે ગુજરાતી સાહિત્ય એ ગુજરાત પુરતું જ મર્યાદિત હતું ભલે એની ભાષા સંસ્કૃત કે પ્રાકૃત હોય . પણ તે આ મુસ્લિમો વાંચે તો નહીં જ ને! મુસ્લિમ લેખકોને જ આ મુસ્લિમ શાસકો પ્રાધાન્ય આપે એ તો સાવ સીધી દીવા જેવી સ્પષ્ટ બાબત છે .

આ લખવાનું નું પ્રયોજન ખબર ના પડી તમને ! ગુજરાતની જાહોજલાલી અને સમૃદ્ધિ જે જોઇને ખિલજી આકર્ષાયો હતો અને ઈર્ષ્યાથી બળતો હતો. ગઝની અને ઘોરી લુંટારા શાસકો હતાં. ઐબક પણ લુંટીને દિલ્હી જતો રહેતો હતો. પછી જયારે ગુલામવંશનું શાસન સ્થપાયું ત્યારે વરસમાં જ એમને એટલું મોટું ઘૌર સામ્રાજ્ય મળ્યું હતું કે દિલ્હીના રાજા બનીનીએ રાજ કરવા સિવાય એમને બીજી કોઈ ફાવટ કે આવડત નહોતી . સમ્રાજ્ય વિસ્તાર કરવાની એમને કોઈ જરૂર જ નહોતી. દિલ્હીની ગાદી જો મફતના ભાવમાં મળી હતી. તેઓ મૂળે લડવૈયા હતાં એટલે નબળા રાજ્યોને જેવાં કે માળવાને વારંવાર લૂંટી જતા હતાં. ભારતમાં બીજાં રાજ્યો છે એની એમને ખબર પણ નહોતી. બાકી હતું તે તેમની લડવાની ખ્વાઇશ મંગોલ પ્રજાએ પૂરી કરી દીધી. પણ તેમાં સરવાળે નુકશાન તો ગુલામ વંશને જ થયું હતું .

તેઓએ ગુજરાત અને મળવાને લુંટ્યા પછી એનો પૈસો આપસમાં બંટી લીધો અને બાકીના પૈસામાંથી કુતુબમિનાર અને એનાં જેવાં અનેક સ્મારકો બાંધ્યા એ પણ આપણા જ પૈસાથી. આમને અમ ૮૩ વરસના દિલ્હીના શાસન પછી જલાલુદ્દીન ખિલજી જે મૂળ તો એમનો ગુલામવંશનો સેનાપતિ હતો તેણે ગુલામવંશનો અંત આણી ખિલજી વંશની સ્થાપના કરી.

આ જલાલુદ્દીન ખિલજીના સમયથી જ ભારતનું ઇસ્લામી કર્ણ શરુ થયું. ગુરુશાસ્પ ખાન પણ લડવૈયો જ હતો અને આ જલાલુદ્દીનનો ભત્રીજો હતો અને હતો પાછો કટ્ટર મુસ્લિમ એટલે તેણે ભારતમાં અમુક બળવો દબાવ્યા અને મોંગલને પ્રથમવાર હરાવ્યા એટલે એ વિજયના મદમાં હતો પણ તેની પાસે યુદ્ધકુશળતા પુષ્કળ હતી. ગુરુશાસ્પ ખાને મલિક છજ્જુનો બળવો નિષ્ફળ બનાવ્યો કે જેનો સીધો સંબંધ ગુલામવંશ સાથે હતો. હવે ગુરુશાસ્પ ખાન આ છજ્જુ ના બળવાને નાકામિયાબ બનાવવાથી અને રણથંભોર રેવારી , અલવર વગેરે જે રાજા હમીર ચૌહાણનાં રાજ્યો હતાં ત્યાં જલાલુદ્દીનની હારથી એ ધુઆપુઆ થઇ ગયો હતો. ગુરુશાસ્પખાન છજ્જુની અને પોતાનાં ભાઈ ઉલુગ્ખાનની મદદથી જલાલુદ્દીન ખિલજીની હત્યા કરી પોતે સત્તાધીશ થઇ બેઠો અને નામ રાખ્યું——અલાઉદ્દીન ખિલજી !!

આ બધું બન્યું ઇસવીસન ૧૨૯૬માં અને આ જ સાલમાં ગુજરાતની ગાદી પર આવ્યાં રાજા કર્ણદેવ વાઘેલા. ખિલજીને પ્રજાની પડી જ નહોતી તેને તો લૂંટમાં,હિન્દુઓના દેવસ્થાનો તોડવામાં અને ભ હિંદુઓણે મુસ્લિમ બનવવામાં જ રસ હતો. એ કઈ અકબર જેવો ડીપ્લોમેટ હતો જ નહીં કે રાજપૂત સાથે લગ્નસંબંધે જોડાય. ખિલજી પણ મૂળ તો અફઘાનિસ્તાન બાજુના જ. આ તો અલાઉદ્દીનનો જન્મ ભારતમાં થયો અને એને બધાં જ વર્ષો ભારતમાં જ ગાળ્યાં હતાં. એ દરમિયાન એ ઘણાં યુધ્ધો જીત્યો હતો. એમાં ગુજરાતતની સમૃદ્ધિ વિષે એણે સાંભળ્યું લોકોને મોઢે પણ સાંભળ્યું અને ગુજરાતના રાજાની લિંક માળવા, મેવાડ અને અજમેર સુધીની છે એની એને ખબર પડી. એવું એના વાંચવામાં પણ આવ્યું. પોતાના જ ધર્મપૂર્વજોએ સોમનાથ લુંટ્યું હતું એની એને ખબર હતી . પણ ખંભાત અને ભરૂચ-સુરત બાકી હતાં. મૂળે લુંટારા એટલે એમનો આશય તો એ જ હોય. એટલે એને સૌ પ્રથમ ગુજરાત પર જ ચઢાઈ કરવાનો હુકમ કર્યો સૈન્યને. હેતુ એક જ હતો ગુજરાતની સમાંપ્ત્તી લુંટવાનો એને પણ ખબર હતી કે ગુજરાતમાં કોણ રાજા છે તે પણ તે સામના માટે તૈયાર જ હતો અને વિજયના ઉન્માદમાં જ રચ્યોપચ્યો રહેતો હતો. આમાં માધવ ક્યાંય નથી વચમાં -મધુવનમાં ! આ એક મહત્વાકાંક્ષી પગલું હતું અને એમાં માત્ર અણહિલવાડ જ નહીં પણ એક સાથે ખંભાત , સુરત અને સોમનાથ ઉપર પણ હુમલાઓ કર્યા હતાં.
ખિલજીની મહત્વાકાંક્ષા જ કામ કરી ગઈ હતી આ આક્રમણમાં અને સત્તા લાલસા પણ ! એ કોઈના કહેવાથી હુમલો નહોતો કરાયો. ગુજરાતની સમૃદ્ધિથી અંજાઈ જઈને કરાયેલો એક વ્યવસ્થિત સમજી -વિચારીને કરાયેલો હુમલો હતો.

આ લેખ એટલાં માટે જ લખ્યો છે કે — અલ્લાઉદ્દીન ખિલજીએ કોઇના બહેકાવામાં આવી જઈને નહીં પણ પોતાનો એક સ્વતંત્ર નિર્ણય હતો !

આ હુમલો કેવી રીતે કર્યો? એનું નિરૂપણ કેવી રીતે થયું છે ઇતિહાસમાં ?
ક્યાં ક્યાં પરિબળોએ ભાગ ભજવ્યો ? અને એનું પરિણામ શું આવ્યું તે ભાગ – ૩ માં આવશે. ભાગ- ૨ અહીં સમાપ્ત. ભાગ – ૩ હવે પછીનાં લેખમાં !

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!

——— જનમેજય અધ્વર્યુ.

આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!