⚔ રાજા વીસલદેવ ⚔ ભાગ – 1

એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે ઈતિહાસને સાહિત્યમાંથી જુદું તારવવાનો પ્રયાસ કર્યો કોણે? એનાથી ફાયદો શું થયો ? શું ખરેખર એ જ ઈતિહાસ છે તો પછી એ કાળમાં બનેલાં બેનમુન મંદિરો નો ઉલ્લેખ એમાં કેમ નથી. વસ્તુપાળ -તેજપાલે બંધાવેલા જૈન મંદિરો વિષે આજે આપણને એ સમયના લખાયેલાં ગ્રંથો દ્વારા જ ખબર પડી તો પછી વાઘેલાયુગમાટે આટલાં બધાં મતમતાંતર શા માટે ? લવણપ્રસાદ અને વીરધવલ સાચે જ કાબિલેતારીફ માણસો હતાં પણ ઉડીને આંખે વળગે એવી એક બાબત એ છે કે પાટણપતિ વાઘેલાઓ વિષે જેટલું લખાવું જોઈએ તેટલું કોઈએ લખ્યું નથી ! મને તો લાગે છે કે એને મહત્વ આપવાનો કોઈએ પ્રયાસ સુધ્ધાં પણ કોઈએ નથી કર્યો. એ રાજાઓ વિષે જ્યાં પણ લખાયું છે એ ૧૪મી સદીમાં લખાયું છે. વાઘેલાવંશના રાજાઓ વિશે પદ્મનાભના “કાન્હડદે પ્રબંધ”માં લખાયું છે અને તે પણ ઇસવીસન ૧૪૫૫માં હવે જે વંશને પતી ગયે ૧૫૦ વરસ થઇ ગયાં હોય એમાં સચ્ચાઈ કેટલી હોય. જેમણેને પણ આ લખવાનો પ્રયત્ન કર્યો છે એ બધાં જ તત્કાલીન સાહિત્યકારો એ વાઘેલાયુગના અંત સુધી હયાત જ હતાં પણ તેમને પાછલા રાજાઓ વિષે બહુ ઓછું લખ્યું છે અથવા તો મૌન સેવ્યું છે આનાં પરિણામે જે માહિતી મળવી જોઈએ અને જેટલી મળવી જોઈએ તેટલી મળતી નથી.

આ સાહિત્યકારોની આવી ઉપેક્ષાને કારણે જ કાન્હડ દે પ્રબંધ અને જોધરાજ કૃત હમીર રાસોમાં આ બંનેમાં વાઘેલાવંશનાં છેલ્લા રાજા કર્ણદેવ માટે તો બધું ખોટું જ લખાયું છે. એમનો એકલાનો વાંક તો નથી લગભગ બધાં જ સાહિત્યકારોએ આ બાબતમાં મૌન સેવ્યું છે પણ તોય વીસલદેવથી કર્ણદેવ વાઘેલા સુધીની માહિતી આપણને મળી છે એ યુગમાં થયેલાં સાહીત્યકારોની જ દેન છે.

ઈતિહાસ તો વણથંભ્યો જ હોય છે દરેક દસકામાં અને અને દરેક સૈકામાં માત્ર એનું નિરૂપણ જ દરેક જ જગ્યાએ જુદી જુદી રીતે થયું હોય છે એટેલે આપણે એવું માનતાં થઇ જઈએ છીએ કે ઈતિહાસ આપણાથી દૂર જતો રહ્યો છે. હકીકતમાં એવું નથી ઈતિહાસ તો આપણી સાથેને સાથે જ હોય છે નથી આવડતું તો આપણને એની સાથે કદમથી કદમ મિલાવીને ચાલતાં. ઈતિહાસ નિરૂપણ પર આધારિત હોઈ આપણે એવું માની બેસતાં હોઈએ છીએ કે હકીકતમાં આ ઈતિહાસ નથી જયારે હકીકતમાં ઈતિહાસ તો એ જ છે .

ઇતિહાસમાં ધર્મ પરિવર્તનની વાત માત્ર આ સદી કે આ યુગ પુરતી માર્યાદિત નહોતી એ તો સૈકાઓ પહેલાની છે એ વાત તો મેં કરેલી જ છે. આ તેરમી સદીની વાત કરીએ તો ઈસ્વીસન ૧૨૦૪માં બખ્તિયાર ખિલજીએ બંગાળમાં લોકોને મારીને અને એમણે પરાણે મુસ્લિમ બનાવ્યાં હતાં અને આ રીતે બંગાળનું મુસ્લિમીકરણ થઇ ગયું હતું અને બૌદ્ધધર્મીનો અંત. બંગાળ ભારતનો જ એક ભાગ હતું પણ ભારતના રાજવંશો એક ન્હોતાં એટલે આવું થતાં તો થઇ ગયું અને આજ વાત અને આજ ભૂલ આ જ સદીમાં આપણને ભારે પડવાની હતી એનાથી આપણે અજાણ હતાં શું ભારત કે શું ગુજરાત !

આ જ ખિલજીઓ આ જ સદીના અંતમાં ભારતમાંથી ઘણા બધાં રાજવંશો સમાપ્ત કરવાનાં હતાં તેનાથી આપણે અજ્ઞાત જ હતાં. સાહિત્ય તો ઇસવીસનની ૧૨મી સદીમાં પણ વિપુલમાત્રામાં રચાયું હતું અને અગિયારમી સદીમાં પણ રચાયું હતું અને આ ૧૩મી સદીમાં પણ રચાયું હતું પણ તેઓએ આ વાતનો ઉલ્લેખ સુધ્ધાં પણ ના કર્યો જેનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યાં છીએ. સાહિત્યકારોની આ ભૂલ ગુજરાતના ઈતિહાસ પર પણ પડી અને એ ભૂલ આપણને કર્ણદેવ વાઘેલા વખતે નડી. ઇતિહાસમાં નિરૂપણ ના થયું તો ના સહી પણ તે વખતે આ મેવાડ અને આજ ચાહમાનો જો એક હોત અને ગુજરાતમાં જો પ્રાંતીય રાજાઓ જે પોતાનાં રાજ્યો સંભાળીને બેસી રહ્યાં હતાં તેઓ જો એક હોત તો આજે આપણે આવાં દિવસો જોવાનો વારો ના જ આવ્યો હોત ને !

આ ઘટનાને કોઈએ મહત્વ આપ્યું હોત તો આજે પ્રાંતવાદ અને જાતિવાદ વકર્યો છે તે ના વકર્યો હોત. આ એક એવો ખતરનાક મોડ હતો વૈશ્વિક ઇતિહાસમાં જેના પરથી કોઈએ ધડો લીધો જ નહીં અને તેઓ રાસો અને પ્રબંધોમાં જે તે રાજાઓના વખાણો જ કરતાં રહ્યાં. આની ચર્ચા અહી આપણે અધુરી રાખીએ છીએ જેની વિગતવાર ચર્ચા આપણે કર્ણદેવ વાઘેલામાં કરવાનાં જ છીએ. આ તો હજી ૧૩ મી સદીની શરૂઆત હતી અને આ એક આપણું બાયલાપણું એ આજ સદીના અંતમાં નાસૂર બનીને આપણે માથે ઠોકાવાનું હતું એનાથી ગુજરાત અજાણ જ હતું . આપણી આ એક ભૂલ એ જ વરસમાં ભારતમાં ગુલામવંશની સ્થાપના માટે કારણભૂત બન્યું એમ જરૂરથી કહી શકાય. આ વખતે મોંગલ આક્રમણો પર વિશ્વભરમાં અને ભારત પર બહુ જ થયાં હતાં અ કુખ્યાત ચંગેઝખાંને કારણે પણ એ તો ભારતનું સદનસીબ કે એ માત્ર કાશ્મીર સુધી જ માર્યાદિત રહ્યાં હતાં.

એવું નથી કે આ ચંગેઝ ખાં પછી એનાં વંશજોને ભારતમાં આક્રમણ કરતાં માત્ર અલ્લાઉદ્દીન ખિલજીએ અટકાવ્યાં હોય. વાત જો ભારતની કરવામાં આવતી હોય તો એ તો ખિલજીએ જ અટકાવ્યાં હતાં. પણ ઈસવીસન ૧૨૨૩માં આ જ ચંગેઝ ખાંને વોલ્ગા બલ્ગેરિયાના સૈન્યે મોંગલ રાજ્યના સૈન્યને સમર બેન્ડના યુદ્ધમાં હરાવ્યું હતું આ વાતની કોઈને ખબર છે ખરી! ચલો એ બધી વાત જવા દઈએ પણ આ જ ૧૩મી સદીમાં પ્રથમ પવિત્ર રોમન રાજ્ય અને દ્વિતીય રોમન રાજ્યએ યુદ્ધો કર્યા હતાં જે એક સૌથી મોટી મધ્યકાલીન ઘટના છે આ સિવાય પણ ઘણાં યુદ્ધો વિશ્વભરમાં થયાં હતાં જેનો ઉલ્લેખ જરૂરી લાગશે તો આગળ જતાં કરવામાં આવશે. આ સદીમાં ઘણાં મહાન રાજાઓ અને ઘણાં સંતો અને સાહિત્યકારો થઇ ગયાં.

પણ વાત જો ભારતની કરવાની કરવાની હોય તો એક નામ અતિમહત્વનું છે જેઓ જન્મ્યા હતાં ઇસવીસન ૧૧૪૩માં અને મૃત્યુ પામ્યાં ઈસવીસન ૧૨૩૬માં. તેઓ એક પર્સિયન મુસ્લિમ સંત હતાં નામ તેમનું ખ્વાજા મોયુદ્દીન ચિશ્તી. જી હા તમારી ધારણા સાચી જ છે કે તેઓ મહાન પૃથ્વીરાજના સમયમાં જ અજમેરમાં જ હતાં . પણ તેઓ એકબીજાને મળ્યાં સુધ્ધાં નથી અને પૃથ્વીરાજની માતા કર્પૂરદેવી આ ખ્વાજાને મળ્યાં હતાં તે વાત એ માત્ર એક અફવા જ છે જેમાં કોઈ જ સત્યતા નથી. પૃથ્વીરાજનું કાર્ય હતું રાજ ચલાવવાનું અને ખ્વાજાનું કાર્ય હતું ધર્મોપચારનું-ધર્મોપદેશ આપવાનું. આ બનેને ક્યારે સાથે ના સંકળાય ! પૃથ્વીરાજ ચૌહાણ ખ્વાજાને ઓળખતાં સુધ્ધાં નહોતાં તો પછી એમને મળવાની વાત તો દુર રહી !

એક દ્રષ્ટાંત આપું અજમેરનું નામ કોના પરથી પડયું છે તે તો હું જણાવી જ ચુક્યો છું અને બીજી વાત સમગ્ર અજમેર આજે “પૃથ્વીરાજની નગરી” તરીકે ઓળખાય છે ચિશ્તી એમની પહેલાં અને એમનું એક ઉમદા કાર્ય હોવાં છતાં એમનાં નામનો ઉલ્લેખ અજમેરના ઇતિહાસમાં નથી જે છે તે એમનાં કાર્યનો. હવે એક અફવા એવી છે કે ચીશ્તીએ ઘણા બધાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાં કહ્યું હતું તે વાત ખોટી છે ચિશ્તીને આવી કશી પડી જ નહોતી. આ કમબખ્ત મોગલોએ જ એમનાં ચિત્રો બનાવીને એમણે ભારતના રાજપૂતો વિરુદ્ધ હતાં એવું દર્શાવ્યું છે એમની મુસ્લિમ સંત તરીકે એટલી બધી પ્રખ્યાતી અપાવી કે એમાં પૃથ્વીરાજની મહત્તા ઓછી થાય એજ એમનું અંતિમ લક્ષ્ય હતું. આવું કરનાર હતો અકબર અને એમાં પણ જોધાબાઈ અને માનસિંહને પણ આ પૃથ્વીરાજની મહત્તા ખટકતી હતી એટલે તેઓએ અકબરના ઓઠાં તળે પોતાનો નિહિત સ્વાર્થ સાધ્યો જેમાં અકબરની આ કુટનીતિ પણ કામ લાગી. એટલે જ તો જોધા-અકબર ફિલ્મનું એક ગીત અહી ફિલ્માવવામાં આવ્યું હતું ! મિત્રોના મનમાં કેટલીક શંકા હતી આ ખ્વાજા વિષે તે મેં દુર કરી. બાકી તેઓ એક સારા સંત હતાં એટલું જ અને એક હિંદુ તરીકે એ આપણને ના ગામે તે સ્વાભાવિક પણ છે! પણ ઇતિહાસમાં તો પૃથ્વીરાજ ચૌહાણ મહાન હતાં અને રહેશે !

જેના જોર પર સાહિત્યકરો અને ઈતિહાસ તજજ્ઞો કુદી રહ્યાં છે એ છે જયસિંહ સૂરિનું હમ્મીર મદ મર્દન નાટક. આ નાટક લખાયું છે ઈસ્વીસન ૧૨૩૦ માં જેનો તો કોઈ વાંધો નથી પણ એણે ઈતિહાસ તો ના માની લેવાય. હવે જો આને જ ઈતિહાસ માની લેવાતો હોય તો બહુ વર્ષો પહેલાં મહાકવિ કાલિદાસે “માલવીકાગ્નિમિત્રમ” નામનું નાટક લખ્યું હતું . જેમાં પુષ્યમિત્ર શૃંગ પછી રાજા થયેલાં એમનાં પુત્ર અગ્નિમિત્રની વાત કરવામાં આવી છે. નાટકમાં તો કાલીદાસને કોઈ જ ના પહોંચે. આ એમનું એક માસ્ટરપીસ નાટક છે પણ તે ઈતિહાસ નથી જે એમાં ચીતરાયેલો છે. ઇતિહાસમાં તો એ નબળારાજા તરીકે જ ચીતરાયેલો છે. કહેવાનું તાત્પર્ય એ કે ઇતિહાસમાં આ રાજા વિષે બહુ વધારે વિગતો નથી પ્રાપ્ત થતી અને એ એનાં પિતા જેવો મહાપરાક્રમી નહોતો. મહાકવિ કાલિદાસ જે એવું કહેવાય છે કે તેઓ એમનાં દરબારમાં જ હતાં એટલે મેની પ્રશસ્તિ રૂપે આ નાટક લખ્યું છે. જે વાતને ઇતિહાસમાં કોઈ જ સાહિત્યકારો કે ઈતિહાસકારો પણ નથી ખપાવતા . એમણે પણ એમ જ કહ્યું છે – લખ્યું છે કે આ નાટક એ ઈતિહાસ નથી માત્ર નાટક જ છે તો પછી આ હમ્મીર મદ મર્દન એ નાટક જ સાચો ઈતિહાસ કઈ રીતે ! જયારે વાત તો બંનેમાં પ્રશસ્તિની જ છે.

જો કે વાઘેલાયુગનો ઈતિહાસ માત્ર આ જ નાટક પર આધાર નથી રાખતો એ સારી વાત છે.

હવે થોડીક વાત મંદિરો વિષે પણ કરી લઈએ. તાંજોરનું જગવિખ્યાત બૃહદેશ્વર મંદિર એ ઇસવીસન ૧૦૦૩થી ૧૦૧૦ના સમયગાળામાં બંધાયું છે એટલે કે સોલંકી યુગની શરૂઆતમાં જેની કોઈને ખબર નથી જ. આ મંદિર વિષે મેં લખ્યું જ છે વેબ પોર્ટલમાં સમય મળે તો ક્યારેક વાંચી લેજો.

બીજી વાત તમે જે આખો વખત જેમનાં સુવાક્યો ફોટાઓ સાથે મુક્યા કરો છો કંઈ પણ સમજ્યા કર્યાં વગર તે રૂમી એટલે કે જલાલ અદ દ્દીન મહોંમદ રૂમી જેમનો જન્મ ૩૦મી સપ્ટેમ્બર ૧૨૦૭ના રોજ થયો હતો અને તેઓ ૧૭મી ડીસેમ્બર ૧૨૭૩નાં રોજ મૃત્યુ પામ્યાં હતાં. તેઓ એક બહુ સારાં કવિ અને એક બહુ સારાં વિચારક હતાં જેમને આજે પણ દુનિયા બહુજ સારી રીતે ઓળખે છે તેઓ પણ આજ સમયગાળામાં થયાં હતાં. કોઈએ એમનાં સુવાક્યો મુક્યા સિવાય એમણે યાદ સુધ્ધાં પણ નથી કર્યાં એ દુખદ બાબત ગણાય ! સુફી કવિતામાં એમનું બહુ મોટું નામ છે. માત્ર પદ્યમાં જ નહીં પણ ગદ્યમાં પણ એમણે સારું એવું ખેડાણ કર્યું હતું.

બીજી વાતો વખતોવખત કરતાં રહીશું હવે આપણે વીસલદેવ પર આવી જઈએ ! રાજા ભીમદેવ દ્વિતીય અને વાઘેલાઓએ ગુજરાતમાં એ સમયે એક સાથે રાજ્ય કરતાં હતાં પણ તો વાઘેલાઓ તે વખતે રાજા ભીમદેવ સોલંકી દ્વિતીયના વફાદાર હતાં. પણ પાટણ અને ધોળકા એ બંનેમાં એક સાથે સોલંકી અને સોલંકીના ફાંટાના વાઘેલાઓ એક સાથે રાજ્ય કરતાં હતાં. આમને આમ ૩૬ વરસ નીકળી ગયાં પણ વાઘેલાઓ હજી સુધી ગુજરાતના તખ્ત પર બિરાજમાન નહોતાં થયાં. એ કદાચ રહ જોતાં હતાં કે રાજા ભીમદેવ સોલંકી દ્વિતિયનો પ્રભાવ હશે એટલે તેઓએ હજીસુધી તો રાજગાદીનો મોહ નહોતો રાખ્યો. પણ લવણપ્રસાદ અને વીરધવલનાં મૃત્ય પછી સત્ત્તાની ખેંચતાણ વધી ગઈ હતી.

વિરમદેવ અને વીસલદેવ બે મુખ્ય દાવેદારો હતાં એમાં કદાચ વીરમદેવ જ મોટો હશે અને એ વિરમગામનો ગાદીપતિ હતો અને વીસલદેવ એ નાનો હશે એટલે એને ઓછું મહત્વ આપતાં હશે. વીરમદેવ ઉદ્ધત હતો તે પોતાનાં પિતા લવણપ્રસાદને ગાંઠતો નહોતો એટલે કુશળ મહામાત્ય વસ્તુપાળની મદદથી લવણપ્રસાદ અને વીરધવલનાં મૃત્યુ પછી વીસલદેવને રાજગાદીએ બેસાડયો. અલબત્ત તે વખતે તો ધોળકાની જ !

આ વીરમદેવ અને વિસલદેવ ખરેખર કોનાં પુત્રો તેમાં પણ સાહિત્યમાં જુદા જુદા મતો પ્રવર્તે છે એટલે એનું કોઈ ચોક્કસ તારણ નીકળતું નથી પણ સાહિત્યમાં જે વાત ઉલ્લેખિત વધારે પ્રમાણમાં થઇ છે તે એ છે કે આ બંને એ લવણપ્રસાદનાં પુત્રો હતાં, જયારે વંશાવલી એમને વીરધવલનાં પુત્રો દર્શાવે છે. આ બધી કડાકૂટમાં અને માથાકૂટમાં રાજા ભીમદેવ સોલંકી દ્વિતીયનું અવસાન થઇ જાય છે ઇસવીસન ૧૨૪૨માં અને રાજા ભીમદેવ પછી એમનો પુત્ર ત્રિભુવનપાળ રાજગાદીએ બેસે છે. પાટણની પ્રભુતા કોઈએ વાંચી છે ખરી એનું પ્રથમ પ્રકરણ જ રાજા ત્રિભુવનપાળથી શરુ થાય છે જો કે એ નવલકથા છે ઈતિહાસ નથી આ તો ખાલી એક ટીપ આપી.

રાજા ત્રિભુવનપાળ ગાદીએ બેસતાંની સાથે જુવાન તરવરીયા અને શક્તિશાળી વીસલદેવને સેનાપતિ પદે નિયુકત કરે છે એનાં નેતૃત્વમાં મેવાડના રાણા જૈત્રસિંહ સાથે યુદ્ધ પણ થાય છે જેમાં રાજા ત્રિભુવનપાળનો વિજય થાય છે એમ કહેવાય છે પણ હકીકતમાં તો જૈત્રસિંહનો જ વિજય થયો હતો કારણકે એ ઘણો શક્તિશાળી રાજા હતો બીજાં મેવાડીરાણાઓ કરતાં તે સમયમાં. પણ અ યુદ્ધમાં વીસલદેવની શક્તિ અને શૌર્યનાં વખાણ બહુ જ થયાં હતાં. હવે જ વીસલદેવની મહત્વાકાંક્ષા જાગ્રત થાય છે. તે પોતે એમ મને છે કે મારાં દાદા લવણપ્રસાદ અને પિતા વીરધવલે આ સોલંકીઓની ખુબ સેવાચા કરી અને આ સોલંકીઓ તો અમારે જ લીધે આટલું બધું લાંબુ ટક્યા હતાં બાકી એમનામાં કોઈ એવી આવડત-બાવડત તો હતી નહીં તો કેમ ના હું જ રાજા બની જાઉં !

અહી લવણપ્રસાદ અને વીરધવલના પુત્રો કોણ તેની માથાકૂટમાં પડવા જેવું નથી એ જે છે એનું એમણે એમ જ રહેવા દઈએ અને એ બાબતમાં પણ આપણે ઘણી ચર્ચા કરેલી જ છે ! વીસલદેવની મહત્વકાંક્ષાએ જ વીસલદેવને રાજા ત્રિભુવનપાળની હત્યા કરવાં પ્રેર્યો. રાજા ત્રિભુવનપાળ જે ઈસવીસન ૧૨૪૨માં રાજગાદી પર બેઠાં હતાં તેમને ઈસવીસન ૧૨૪૪માં મારી નાંખી પોતે સત્તા પડાવી લીધી અને આમ સોલંકીયુગના સુવર્ણકાળ અને સોલંકીઓનો અસ્ત આવી ગયો! હવે રાજા વીસલદેવ કેવીરીતે અણહિલવાડ પાટણની ધૂરા સંભાળે છે તેનાં પર જ ગુજરાતની પ્રજાની અને ઇતિહાસની નજર હતી અને ઇંતેજારી પણ! વીસલદેવ રાજગાદી સંભાળે છે ઈસ્વીસન ૧૨૪૪ માં !

રાજા વીસલદેવ 

રાજા ત્રિભુવનપાળ વિષે અન્ય કોઈમાહિતી ઉપલબ્ધ ના હોવાથી તેમનો રાજ્યકાળ ખરેખર કેટલાં વર્ષનો હતો એ કહેવું મુશ્કેલ બન્યું છે. વિચારશ્રેણીમાં સંવત ૧૩૦૦ એટલેકે ઇસવીસન ૧૨૪૪માં વીસલદેવ ગુજરાતના રાજા બને છે એમ જણવવામાં આવ્યું છે એટલે ત્રિભુવનપાળ પછી ગુજરતની ગાદીએ વીરધવલનો પુત્ર વીસલદેવ આવ્યો હોય એમ જણાય છે. આ વીસલદેવ ત્રિભુવનપાળનું કુદરતી મૃત્યુ થઇ જવાથી અને ત્રિભુવનપાળ અપુત્ર હોવાથી ગાદીએ આવ્યો કે તેણે ત્રિભુવનપાળ પાસેથી ગાદી છીનવી લીધી તે સ્પષ્ટપણે જાણી શકાતું નથી. આનો અર્થ એ થાય કે ત્રિભુવનપાળની હત્યા કરી રાજા વીસલદેવ પાટણની ગાદી એ બિરાજમાન થયાં એ કદાચ નવલકથા કે ક્યાંક થયેલાં આછડતા ઉલ્લેખનું જ પરિણામ હોઈ શકે છે. જેને વધારી વધારીને સાહિત્યમાં ઠોકી બેસાડવામાં આવ્યું છે એ કદાચ ખોટું પણ હોઈ શકે જ છે. ટૂંકમાં રાજા ત્રિભુવનપાળનું સંવત ૧૨૯૯નુ દાનપત્ર મળે છે. ખંભાતના શાંતિનાથના મંદિરના ભંડારની સંવત ૧૩૦૩ માગશર વદ બરસને ગુરુવારે અણહિલવાડમાં લખાયેલ આચારંગ પ્રતમાં વીસલદેવને મહારાજાધિરાજ અને તેજપાલને મહામાત્ય કહ્યો છે. આમ સંવત ૧૨૯૯થી સંવત ૧૩૦૩ન માગશર સુદ ચૌદસ સુધીમાં વીસલદેવ ગાદીએ આવેલ હોવાં જોઈએ. વિચારશ્રેણીમાં આપેલી સાલવારી મુજબ આ વંશનો અંત સંવત ૧૩૦૦માં આવેલો જણાય છે.

વીસલદેવ અને રાજપદવી ———

વીરધવલનાં મૃત્યુ પછી તેમનાં પુત્ર વીસલદેવ ધોળકાની ગાદીએ આવ્યો. તેના સમયનાં મળી આવતાં લેખો અને ગ્રંથોમાં તેનાં નામ જુદાં જુદા સંસ્કૃત રૂપાંતર મળે છે. જેમકે — વિશ્વલ, વિશ્વમલ્લ, વિશ્વલદેવ વગેરે …..

ધોળકાના રાણા તરીકે ———

વીરધવલના મૃત્યુ બાદ સંવત ૧૨૯૫માં વીસલદેવ ધોળકામાં સત્તા પર આવ્યો હોય એમ જણાય છે. યોગસારની પ્રતમાં સંવત ૧૨૯૫ના વર્ષમાં ભાદરવા સૂદ અગિયારસે સ્તંભતીર્થમાં મહામંડલેશ્વર રાણકશ્રી વિસ્લાદેવ રાજ્યે એમ લખ્યું છે. સંવત ૧૨૯૬માં રાજા ભીમદેવ બીજાં હયાત હતાં એમ તેમનાં લેખ ઉપરથી જણાય છે. દેશી નામમાલાની હસ્તપ્રતમાં લખ્યું છે કે સંવત ૧૨૯૮ના આસો સૂદ દસમ રવિવારે એહશ્રી ભૃગુકચ્છે મહારાણક શ્રી વીસલદેવ મહંત તેજપાલ સુતં તેમ જ પાટણની ગાદીએ આવનાર ચુલુક્ય રાજવી ત્રિભુવનપાળનો સવંત ૧૨૯૯ન ચિત્ર સૂદ છઠને સોમવારનો લેખ મળ્યો છે. તેમાં મહારાજ પરમેશ્વર પરમભટ્ટારક સૌર્યોદાર્ય ગાંભીર્યાદિ ગુણાલંકકૃત શ્રી ત્રિભુવનપાળ દેવં એમ લખ્યું છે. આ ઉપરથી એમ જણાય છે કે સંવત ૧૨૯૯ન ચિત્ર સુદ છઠ સુધી તો વીસલદેવ પાટણનો રાજવી બન્યો નથી તે પોતાનાં પૂર્વજોની માફક પાટણના મહામંડલેશ્વર તરીકે જ ધોળકામાં સત્તા ભોગવતો હતો; આ સમય દરમિયાન તેની કારકિર્દી વિશેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. વીરધવલનાં મૃત્યુબાદ વીસલદેવની શરૂઆતની કારકિર્દીમાં વીરધવલના સમયના પ્રતાપી મંત્રીઓ વસ્તુપાળ અને તેજપાળ ચાલુ રહ્યાં હોય એમ મળી આવતાં આધારો પરથી જણાય છે.

વીસલદેવ અને મહામાત્ય વસ્તુપાળ ——-

વીસલદેવ વસ્તુપાળની મદદથી ધોળકાની ગાદીએ આવ્યો. વીસલદેવે નાગડ નામના બ્રાહ્મણને પોતાનો પ્રધાન બનાવ્યો અને એણે વસ્તુપાળને લઘુસ્વરૂપે જોયો. રાજ્યમાં તેની પાસે નામની જ સત્તા રહેવા દીધી. વસ્તુપાળ જયારે સત્તા પર હતો ત્યારે જે માણસો ગુના હેઠળ પકડાયા હોય અને વસ્તુપાળ તરફથી જેમને સજા થઇ હોય તેવાં માણસો લાગ જોઇને સમય જોઇને વસ્તુપાળ વિરુદ્ધ વીસલદેવના કાન ભંભેરવા લાગ્યાં. આ બાબતમાં ચતુર્વીશતિ પ્રબંધમાં એક અનુચિત પ્રસંગ કથા છે. જે સાચેસાચ ધાર્મિક લાગણી દુભાવનારી અને પુરેપુરી સાંપ્રદાયિક છે. એનો ઉલ્લેખ કરવો પણ પાપ જ ગણાય એટલે એ અને એવી બધી જ પ્રસંગકથાઓ એટલે કે અનુશ્રુતિઓની મારામાં બાદબાકી જ થશે. આ આટલું પણ કેમ લખ્યું એ તમે ના સમજી શકો એટલાં નાદાન તો છો જ નહીં ને !

આના પરથી જ બધું સમજી જવું જોઈએ વાંચનારે હજી પણ એક મોટો વિવાદ આજ રાજામાં આવવાનો છે જ ! આને ઈતિહાસ કહેવાય ખરો કે ! આવી કથાઓ સ્પષ્ટટ: પાછળથી સાંપ્રદાયિક રાગદ્વેષમાંથી ઉપજી છે એવું હું નથી કહેતો ત્યારપછીના અને અત્યારનાં બધાં સાહિત્યકારો અને ઈતિહાસકારો કહે છે. લવણપ્રસાદની હયાતી દરમ્યાન વીસલદેવ સત્તા પર આવ્યો નહોતો અને વસ્તુપાળ એ વીરધવલનો ઘણો જ માનીતો હતો તેથી એની વિગતો સ્વ:વિરોધી ગણાય! આમાં બીજી પણ અનેક અનુશ્રુતિઓ આવે છે જેની બાદબાકી જ ઉચિત ગણાય.

વસ્તુપાળનું મૃત્યુ——

વીસલદેવ સત્તા પર આવ્યાં પછી માત્ર થોડાંક જ વખતમાં વસ્તુપાળનું મૃત્યુ થયું હોય એમ જણાય છે. વસ્તુપાળના સમય બાદ થોડાંક જ વર્ષોમાં રચાયેલ વસંતવિલાસ મહાકાવ્યમાં તેના રચયિતા બાલચન્દ્રે વસ્તુપાળનું મૃત્યુ સંવત ૧૨૯૬નાં માઘ સુદ પાંચમે રવિવારે (૧લી જાન્યુઆરી ઈસવીસન ૧૨૪૦)ના રોજ થયાનું જણાવ્યું છે. જયારે ચતુર્વીશતિ ચરિતમાં વસ્તુપાલના અવસાનનું વર્ષ સંવત ૧૨૯૮ (ઇસવીસન ૧૨૪૨ ) જણાવ્યું છે.

પ્રબંધ ચિંતામણિમાં તથા ચતુર્વીશતિ પ્રબંધમાં યાત્રા માટે જતાં વસ્તુપાળનું મૃત્યુ અંકેવાલિયા (વઢવાણથી અગ્નિખૂણે ૧૦ માઈલ દૂર)ગામે થયું હતું એમ જણાવ્યું છે. વસંતવિલાસમાં આનો ઉલ્લેખ સુધ્ધાં પણ નથી.

સામાન્ય રીતે વસ્તુપાળનું મૃત્યુ સંવત ૧૨૯૮માં થયેલું માનવામાં આવતું હતું પણ વસંતવિલાસ વસ્તુપાળ પછીના નજીકના સમયમાં લખાયેલું હોઈ વધુ વિશ્વસનીય લાગે છે તેમ જ વસ્તુપાળની હયાતીમાં નાગડને વીસલદેવે મહામાત્ય બનાવ્યો તે વાત જે ચતુર્વીશતિમાં લખી છે તે પણ વિશ્વસનીય નથી.

વીસલદેવ અને તેજપાલ ——–

વસ્તુપાળના મૃત્યુ બાદ તેજપાલ મહામાત્ય પદે આવ્યો હોવાનું જણાય છે. વસ્તુપાળ અને તેજપાળ એ બંને ધોળકાના રાણાના મંત્રી પદે હતાં. પ્રબંધોમાં વીરધવલ વસ્તુપાળના પહેલાં મૃત્યુ પામ્યાનો ઉલ્લેખ છે તો તેના પછી ધોળકાની ગાદીએ આવનાર વીસલદેવનો તેજપાલ અમાત્ય બન્યો હોય એ તદ્દન સંભવિત છે. પાટણનાં ભંડારમાંથી મળી આવેલ એક હસ્તપ્રતમાં જણાવ્યું છે કે સંવત ૧૨૯૮માં વીસલદેવ જયારે ભરૂચ હતો ત્યારે તેજપાલનો પુત્ર લૂણસિંહ તેની સેવામાં હતો. આ ઉપરથી એટલું અનુમાન તારવી શકાય કે આ સમયે તેજપાલ ધોળકામાં સત્તા ઉપર હશે. ખંભાતના શાંતિનાથનાં ભંડારની સંવત ૧૩૦૩માં અણહિલવાડમાં લ્કાહ્યેલી આચરાંગની પ્રતમાં વીસલદેવને મહારાજાધિરાજ અને તેજપાલને મહામાત્ય કહેલ છે. આ ઉપરથી એવું તારવી શકાય કે વસ્તુપાળ પછી સંવત ૧૩૦૩ સુધી તેજપાલ વીસલદેવના સમયમાં મહામાત્ય તરીકે સત્તા ભોગવતો હશે.

વિસલદેવ પાટણનો રાજા ——-

વીસલદેવ કદાચ સંવત ૧૨૯૯નાં ચિત્ર સુદ છઠ પછી અને સંવત ૧૩૦૩ના માગશરવદ બારસ પહેલાં પાટણની ગાદીએ આવેલ હશે. વિચારશ્રેણીમાં વીસલદેવ સંવત ૧૩૦૦માં પતનની ગાદીએ આવ્યો હશે એમ જણાવ્યું છે. પણ તેમાં ત્રિભુવનપાલ વિષે કોઈ જ ઉલ્લેખ જણાવ્યો જ નથી તેથી તે વર્ષ વિશ્વસનીય લાગતું નથી.

પાટણની ગાદીએ ત્રિભુવનપાળ પછી રાજા તરીકે આવનાર ચૌલુક્ય વાઘેલા શાખાનો રાજવી વીસલદેવ પ્રથમ રાજા હતો. ત્રિભુવનપાળ કુદરતી રીતે મૃત્યુ પામ્યો કે તેઓ અપુત્ર હોવાથી તેમજ પાટણના ચૌલુક્ય રાજવી સાથેના સંબંધોને લીધે વીસલદેવને ગાદી મળી કે ત્રિભુવનપાળની નબળાઈનો લાભ લઇ વીસલદેવે તેને મારી નાંખી પાટણની ગાદી મેળવી એ વિષે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી.

રાજા વીસલદેવનાં મંત્રીઓ અને તેમણે કરેલાં યુધ્ધોની વાત હવે પછીના લેખમાં ! ભાગ -૧ સમાપ્ત. ભાગ -૨ હવે પછીના લેખમાં !

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! હર હર મહાદેવ !!

——– જનમેજય અધ્વર્યુ.

આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!