⚔ લવણપ્રસાદ અને વીરધવલ ⚔ ભાગ – 2

ઈતિહાસને ઇતિહાસની દ્રષ્ટિએ જોજો ! ઈતિહાસ લખવાની ત્યારે જ માજા આવે જયારે એમાં કોઈ યુદ્ધ થયાં હોય તો સીધાં હવે યુદ્ધો પર આવી જઈએ !

લવણપ્રસાદ અને વીરધવલના સમયમાં થયેલાં યુદ્ધો ———–

આ યુદ્ધોમાં ઘણી બધી જગ્યાએ ઐતિહાસિક વિગતોની ઉણપ નજરે પડે છે કારણકે આ બધી એ સાહિત્યિક કૃતિઓ છે. એટલાં માટે જ હું આ યુદ્ધો થયાં જ હશે એ વાત સ્વીકારતો નથી બીજું કે એમાં ઘણીબધી જગ્યાએ સાલવારી અને વિગતો ખોટી જ છે. તેમ છતાં આ વાત હું અહીં એટલાં માટે કરવાં માંગું છું કેમકે એ સોલંકીવંશના રાજા ભીમદેવ બીજાં સાથે જ સંકળાયેલી છે. આ યુદ્ધો એ રાજા ભીમદેવ તરફથી લડાયા હતાં. વામનસ્થલી (વંથલી આગળ વીરધવલ અને તેના સાળા સાંગણઅને ચામુંડ વચ્ચે લડાઈ થઇ હતી. પ્રબંધ ચિંતામણિમાં સ્થળનો ઉલ્લેખ થયેલો નથી જયારે ચતુર્વીશતિ પ્રબંધમાં એનો ઉલ્લેખ છે. એટલે શું સાચુંઅને શું ખોટું એ તમે જ નક્કી કરી લેજો મિત્રો. જો કે પ્રબંધ ચિંતામણિમાં એ સ્થળનું નામ પંચગ્રામ આપવામાં આવેલું છે. એમાં જે વિગત આપવામાં આવી છે એ એક કથા માત્ર હોવાથી આપણે એની પંચાતમાં પડવું નથી. વર્ધમાન (વઢવાણ) નજીક લવણપ્રસાદે યુદ્ધ કર્યું હતું એવો ઉલ્લેખ ડભોઇ પ્રશસ્તિમાંથી મળી આવે છે. સંવત ૧૨૮૮નાં ગિરનારના લેખો પરથી સૌરાષ્ટ્રનો પ્રદેશ લવણપ્રસાદના તાબામાં હોય એમ જણાય છે. ચતુર્વીશતિ પ્રબંધમાં પણ વીરધવલ અને ભીમસિંહ વચ્ચે પંચગ્રામ આગળ લડાઈ થયાનો ઉલ્લેખ છે.

તેમાં લખ્યું છે કે —- આ યુદ્ધમાં મારવાડથી આવેલ કેટલાંક પરાક્રમી યોદ્ધાઓ ભીમસિંહની સેવામાં હાજર હતાં. આ યોદ્ધાઓ પ્રથમ વીરધવલની પાસે ગયાં હતાં પણ તેમનો પગાર વધારે પડવાથી તેઓને વીરધવલે નોકરીમાં ન રાખ્યા. આ જાણતાં વીરધવલના મંત્રીઓ વસ્તુપાળ-તેજપાળે વીરધવલને જણાવ્યું કે —

એ શું જણાવ્યું એ હું પછી કહું છું એ વખતે તો રાજા ભીમદેવ દ્વિતીયનું શાસન હતું અને આ વસ્તુપાળ તો એમનાં મંત્રી હતાં તો પછી તેઓ વીરધવલના મંત્રીઓ કઈ રીતે ? આ પ્રશ્નનો જવાબ છે ઈતિહાસ પાસે ?આ એક સાહિત્યિક ભૂલ છે કે ઐતિહાસિક ! વીરધવલ તે વખતે તો સત્તા પર નહોતો આમેય એ સત્તા પર તો આવ્યો જ નથી તો શું અણહિલવાડ અને ધોળકા એમ બે જગ્યાએથી ગુજરાતનું શાસન ચાલતું હતું કે શું ? આવી વાતો ને લીધે જ રાજા ભીમદેવ બીજાનું મહત્વ ઓછું અંકાયું છે ઇતિહાસમાં આજ કારણોસર.

આ રીતે તો જોવાં જઈએ તો રાજા ભીમદેવ હોવાં છતાં રાજ તો આ લવણપ્રસાદ અને વીરધવલ જ કરતાં હતાં. ખૂબીની વાત એ છે કે એ સમયના સાહિત્યમાં પણ રાજા ભીમદેવ કરતાં આ બંનેને જ વધારે પડતું મહત્વ અપાયું છે. પણ સાહિત્ય તો એ સાહિત્ય છે એમ કહીને છટકી ગયું પણ આપણે નથી છટકી શકતાં ! ના છટકી શકતાં હોઈએ તો ના સહી પણ એ વાતને જાણી – માણી લઈએ તો ખરાં ! વીરધવલના મંત્રીઓએ વસ્તુપાળ – તેજપાળે વીરધવલને જણાવ્યું કે — “સ્વામી યુદ્ધમાં વીરપુરુષોની આગળ ધનની બહુ કિમત નથી. તમોએ આ સારું ના કર્યું.” ભીમ સિંહે આ સરદારોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યાં. આ સરદારો સામે લડતાં યુદ્ધમાં વીરધવલ ઘવાયો, પણ સરદારોએ તેને જીવતો રાખ્યો. આમ વીરધવલને આ યુદ્ધમાં ભીમસિંહ સાથે સંધિ કરી પાછાં આવવું પડયું. આ ભીમસિંહ વિશેની વધારે હકીકત વંથલીમાંથી મળેલા સંવત ૧૩૪૬ના લેખમાંથી મળી આવે છે.. એમાં લખ્યું છે કે — રાષ્ટ્રકૂટ વંશના ઉદાલ નામે એક પરાક્રમી યોદ્ધાને લવણપ્રસાદે સૌરાષ્ટ્રમાં પોતાનાં પ્રતિનિધિ તરીકે નીમ્યો હતો. આ ઉદાલનો પુત્ર જૈયસિંહ અને નો પુત્ર ભીમસિંહ હતો.

વામનસ્થલીના બીજાં એક પરાક્રમી પુરુષ જગતસિંહના ભાઈ અરિસિંહના પુત્ર ક્ષેમાનંદ સાથે વીરધવલે પોતાની પુત્રી પ્રિમલદેવી (પ્રેમળદેવી) પરણાવી હતી. આ પ્રીમલદેવીનો પુત્ર વિજ્યાનંદ ભીમસિંહની પુત્રી નાગલ્લદેવી સાથે પરણ્યો હતો. વીરધવલનો દોહિત્ર આ વિજયાનંદ વામનસ્થલીનો રાજા હતો. તેમનાં બે પુત્રોમાં એકનું નામ તેજસિંહ હતું. આ સર્વ હકીકત જોતાં એમ જણાય છે કે ઉદાલના પુત્રે વીરધવલની સત્તા અવગણી હશે અને જગતસિંહના ભાઈ અરિસિંહના પુત્રને પોતાની પુત્રી પરણાવી તેણે વામનસ્થલીનો રાજવી બનાવ્યો હશે. પાછળથી કદાચ ભીમસિંહે જ વીરધવલના દોહિત્ર વિજયાનંદને પોતાની પુત્રી નાગલ્લદેવી પરણાવી આ બે રાજવંશો વચ્ચેના વેરનું સમાધાન કર્યું હશે. આ વિજયાનંદ સારંગદેવના વખતમાં પણ મહામંડલેશ્વર હતો એમ જણાય છે. આ યુદ્ધનાં સમય સાથે આપણને કે ઈતિહાસને કોઈ લેવાદેવા નથી એટલે એની માથાકૂટમાં આપણે પડતાં નથી .

આ ઘટનાના નિરૂપણમાં ઈતિહાસકારો ચરી ખાતાં લાગે છે. કર્નલ ટોડ એક એવો ઇતિહાસકાર છે કે જેની વિગતોમાં હંમેશા કૈંક ખોડખાપણ જ રહેલું હોય છે એની ૧૦૦માંથી ૯૯ વિગતો ખોટી હોય છે અને દરેક જગ્યાએ એણે સાલવારી ખોટી જ આપી છે જે રાજપુતાના ઈતિહાસવાળાઓએ સાબિત કરી જ દીધું અને મેવાડના રાણાઓ અને મહારાણાઓ પર મેં જયારે લખ્યું ત્યારે એ વાત પણ મેં લખેલી જ છે. આ કર્નલ ટોડને દરેક વાતને મેવાડ સાથે સાંકળતા સારી રીતે આવડે છે .જો આજે રાજપુતાનાનો ઈતિહાસ ના હોત તો આપણે પણ ખોટાં ઈતિહાસને જ માન્યતાની મહોર મારી બેઠાં હોત. લાગે છે કે આ કર્નલ ટોડે તે સમયમાં લખાયેલાં ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો જ નથી. એમનાં પુસ્તકમાં એમણે એક જગ્યાએ આ નાગલ્લદેવીને સોલંકીયુગના રાજા અજયપાળની પત્ની રાણી નાયકીદેવીની પુત્રી બતાવી છે અને બાળ મુલરાજની બહેન. જયારે આ નાગલ્લદેવી એ તો પ્રીમલદેવીના પુત્રી હતાં અને આ પ્રીમલદેવી એ તો વીરધવલનાં પુત્રી હતાં નહીં કે નાયકીદેવીના. જો નાયકીદેવીનાં પુત્રી હોતો ઇતિહાસમાં ક્યાંક તો એનો ઉલ્લેખ થયો જ હોત ને! જે નથી થયો અને તે અહીંયા થયો છે છેક વીરધવલમાં.

જો કે આ વાત લખતી વખતે પણ સાહિત્યકારોમાં એક વાત ઘર કરી ગઈ હોય એમ લાગે છે તે છે મહારાજ સિદ્ધરાજ જયસિંહની પુત્રી કાંચનદેવીની. જો કે આવું તો અનેક ઠેકાણે વારંવાર બન્યું છે અને ઇતિહાસમાં તો આવું જ બને એમાં એ કેમ ફરીવાર બન્યું એવું બહાનું તો કાઢી શકાય જ નહીંને ! પણ એ વિગત ને કોઈ બીજાં સાથે સાંકળવી એ ઈતિહાસ સાથે ચેડા કર્યા બરાબર છે જેમાં કર્નલ ટોડને સારી એવી મહારત હાંસલ હતી. આ વાતમાં જે સચ્ચાઈ છુપાયેલી છે તે મેં અહીં આપી દીધી. હવે બીજી વાત આગળ વધારીએ …….

સૌરાષ્ટ્રના અન્યવંશના રાજવીઓ —-

સમય જતાં લવણપ્રસાદ અને વીરધવલ ગુર્જર પ્રદેશમાં ધીરે ધીરે બળવાન થતાં ગયાં. વીરધવલે મહામાત્ય વસ્તુપાળની મદદથી પોતાનાં સાળા સાંગણ અને ચામુન્ડને હરાવ્યા બાદ સૌરાષ્ટ્રના બીજા કેટલાંક રાજવીઓ જેવાં કે ચુડાસમા,વાલાક,નગજેન્દ્ર અને વાજામા વગેરે રાજવીઓને હરાવી તેમની પાસેથી અઢળક દ્રવ્ય લઇ સમગ્ર સુરાષ્ટ્ર પ્રદેશમાં પોતાની હાક વગાડી ધાક બેસાડી તે ધોળકા પાછો ફર્યો. આમાંથી એકેય પૈસો તેણે પાટણપતિ રાજા ભીમદેવને નહોતો આપ્યો બધું જ ધન તેણે પોતાની પાસે જ રાખ્યું હતું. આ એક નોંધવા જેવી બાબત છે જે પાછળથી ખતરારૂપ બનવાની હતી. એથી જ કહું છું કે એ સમયમાં બે રાજ્યો સમાંતરે ચાલતાં હતાં અણહિલવાડ પાટણ અને ધોળકા !

હવે સૌરાષ્ટ્ર વિષે થોડીક વાત —-

વીરધવલ કે એની પહેલાં આ ચૌલુક્યવંશના રાજપૂતો સૌરાષ્ટ્રમાં ક્યારે દાખલ થયાં તે કહી શકાય એમ નથી. પણ લગભગ ૭મા ૮મા સૈકામાં કદાચ દાખલ થયાં હશે. તેમને ગિરનાર બાજુએ સત્તાની જમાવટ કરી હતી. કહેવાય છે કે આ ટોળી જયારે સૌરાષ્ટ્રમાં દાખલ થઇ ત્યારે તેમનો વડો ચૂડચંદ્ર-ચુડાચંદ્ર હતો આ ચુડચંદ્રના નામ પરથી આ વંશનું નામ ચુડાસમા પડયું હતું. તેમની રાજધાની સૌ પ્રથમ તો વામનસ્થલી(વંથલી) હતું તે સમયે તો તેઓ ગુજરાતના પાટણના રાજવીઓને વફાદાર હતાં. પણ આ લોકવાયકાઓએ એ બે વંશો વચ્ચે વેર પેદા કર્યું અને એકબીજાં પર ચડાઈઓ -લડાઈઓ કરી જેમાં બદનામ થયો સોલંકીવંશ.

કેટલાંક તથ્યો એવાં પણ છે કે જેમાં સોલંકીઓએ ઘણીવાર આ ચુડાસમાઓને હરાવ્યાં હતાં અને તેમને માર્યા પણ હતાં. તેમ છતાં તેમનો વંશ અને જૂનાગઢની રાજગાદી થોડાં થોડાં સમયે પછી ચાલુ રહી હતી વચ્ચે સોલંકીઓના શાસન આવ્યાં છતાં પણ આ વિરધવલ તો સૌરાષ્ટ્રમાં આમના હાથે પરાસ્ત થયો હતો તો એણે સંધિ કરી એક કૌટુંબિક – રાજનૈતિક સંબંધ બાંધ્યો હતો

એટલે જ તમે જોજો કે વાઘેલાવંશના શાસનકાળ દરમિયાન પાટણ અને જુનાગઢ વચ્ચે કોઈ લડાઈ થઇ નહોતી આ વાતનો આછેરો ઉલ્લેખ ખાલી રાજા ભીમદેવ દ્વિતીયના સમયમાં આવે છે ત્યાર પછી નહીં સૌરાષ્ટ્રમાં વાઘેલાઓનો કયો ફાંટો હતો તે હજી સુધી સ્પષ્ટ થયું નથી પણ ત્યાં પણ આ વાઘેલાઓ પહેલેથી જ રાજ કરતાં હતાં એવું કહેવાય છે એટલે જ સૌરાષ્ટ્રમાં “બડો વંશ વાઘેલ ” કહેવાય છે. ચૌલુક્યો પહેલેથી ત્યાં હતાં પણ તેમનો પહેલો રાજા કોણ અને ક્યાં થયો હતો એ હજી સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી !

તે ના જ થાય ને કારણકે મૂળરાજ, દુર્લભરાજ, ભીમદેવ પ્રથમ, મહારાજ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળે એમને ક્યાયના ન્હોતાં રાખ્યાં એટલે જ તેઓએ આ સોલંકીયુગને નીચો પાડવામાં કોઈ કસર નહોતી છોડી. પણ તે વખતે આ વાઘેલાઓ શું કરતાં હતાં તે સ્પષ્ટ થતું નથી .આ વાઘેલાઓનો એક ફાંટો કચ્છના લાખા ફુલાણી સુધી જતો હતો એવું પણ ક્યાંક લખાયેલું છે. પણ તેમનાં અસ્તિત્વની નોંધ ક્યાંય લેવાઈ નથી એ પણ એક નક્કર હકીકત છે. આ બાબતમાં સૌરાષ્ટ્ર ખાલી ખોટું ચરી ખાતું જ લાગે છે જે લોકકથાકારોની જ દેન છે.

એમાં આ વીરધવલે સંધી શું કરી તે એમનું ચડી જ વાગ્યું હતું ત્યારથી જે સોલંકીયુગનું દ્યોતક બન્યું હતું ! તેમ છતાં આ ચુડાસમા વંશ વાઘેલાવંશના પતન પછી પણ લગભગ બે સદીઓ સુધી ચાલુ જ રહ્યો હતો. જેને ઇતિહાસે ગુજરાતનો અકબર કહ્યો છે તે મહંમદ બેગડાના સમયમાં પણ સત્તા લઇલેવામાં આવી નહોતી. જે લઇ લેવામાં આવી તે તો મોગલકાળના ૧૦૦ વરસ પહેલાં. અહમદશાહ પ્રથમ અને અહમદ શાહ બીજાનાં સમયમાં સૌરાષ્ટ્રમાંથી ચુડાસમાવંશનું શાસન ખતમ થઈ જ ગયું હતું.

પણ વિધિવત ચુડાસમા વંશનો અંત આવ્યો હતો ઇસવીસન ૧૪૭૨માં. જયારે ગુજરાતમાં મહંમદ બેગડાનું રાજ્ય હતું અને આ બેગડાએ ભુપતસિંહને જુનાગઢના સમાંત નીમ્યા અને તેમને જૂનાગઢની ગાદીએ બેસાડયા ત્યારથી આ ચુડાસમા વંશ એ રાયજાદા વંશ તરીકે ઓળખવા લાગ્યો એવું પણ ક્યાંક કહેલું – લખેલું જાણવા મળ્યું છે

જયારે હકીકત ઓ એ છે છે કે ઈસ્વીસન ૧૪૭૨માં રા’માંડલિક તૃતીયને હરાવીને બેગડાએ ચુડાસમા વંશનો અંત આણ્યો હતો દીર્ઘકાલીન ચુડાસમા શાસનમાં એવી કોઈ જ સિદ્ધિ જ હાંસલ નહોતી થઇ જેટલી લોકકથાઓમાં પ્રચલિત થઇ છે એટલી. પણ તોય એમનું શાસન સરસ રીતે ચાલતું હતું એમ ચોક્કસપણે કહી શકાય એમ છે. પણ…. વીરધવલ પહેલાં આ ચુડાસમાઓ અને લોકકથાકારોએ સોલંકીયુગને વગોવવામાં કોઈ જ કસર નહોતી છોડી. એવામાં વીરધવલનની આ સંધિ એ વાઘેલાઓ માટે ફાયદાકારક નીવડી. આ વાતનું ઇતિહાસમાં કેટલું મહત્વ છે તે તો ઈતિહાસ જાણે ! એમાં ચુડાસમાવંશનો તો કોઈ જ વાંક નહોતો અને એમનો વાંક કાઢી શકાય તેમ પણ નથી ! ચુડાસમા રાજાઓ અને સૌરાષ્ટ્રના અન્ય રાજાઓની વાત આપણે ક્યારેક કરશું !

ખંભાત વિજય ——-

પોતાનાં રાજ્યમાં વેપારીઓ દરિયાઈમાર્ગે શાંતિથી વેપાર કરી શકે તથા સુખશાંતિ અને આબાદી વધે તે માટે વીરધવલે ખંભાત પર અચાનક છાપો મારી પોતાની સત્તા જમાવી. વસ્તુપાળે ખંભાતમાં રહી ત્યાંની સુંદર વ્યવસ્થા કરી.

મારવાડી રાજવીઓ સાથે યુદ્ધ —–

કીર્તિકૌમુદીમાં દક્ષિણના દેવગિરિના યાદવ રાજા સિંધણે ગુર્જર રાજ્ય લક્ષ્મી છીનવી લેવા ચડાઈ કરી તથા બીજાં રાજા સાથે લવણપ્રસાદ તથા વીરધવલને રોકાયેલા જોઈ તકનો લાભ લઇ ચાર મારવાડના રાજાઓ ચડી આવ્યાં એમ જણાવ્યું છે. જયારે વસંતવિલાસમાં લવણપ્રસાદ પર સિંઘણ ચડી આવ્યો હતો એવું લખાયું નથી. આ ઘટનામાં તથ્ય એટલું જ છે કે ચાર મારવાડી રાજાઓ ચડી આવ્યાં અને લવણપ્રસાદે સંધિ કરી. આ વખતે યાદવ રાજા સિંઘણનો પુત્ર રામ ગુજરાત પર ચડાઈ કરવા મોટી સેનાની સરદારી લઇ નર્મદા સુધી આવ્યો હતો. આ સેના ચઢી આવ્યાનાં સમાચાર સાંભળતાં ગુર્જર પ્રજા થરથર ધ્રુજવા લાગી એમ કીર્તિકૌમુદીમાં જણાવ્યું છે. આમાં લવણપ્રસાદે સંધિ કરી લીધી હતી.

ગોધરાના રાજવી સાથે યુદ્ધ ——

ચતુર્વીશતિ પ્રબંધમા ગોધરાનું નામ “ગોધ્રા” (ઘરા)જણાવ્યું છે. જયારે કીર્તિકૌમુદીમાં “ગોદ્ર્હ” નામ લખ્યું છે.આ ગોધરા તેરમી સદીમાં ધોળકાના રાણાના તાબામાં હતું. આ ગોધરામાં “ઘુઘલ”નામે માંડલિક રહેતો હતો. તે ગુર્જર ભૂમિમાં આવતાં સભ્યોને લૂન્ત્તોઅને રાણા વીરધવલની આજ્ઞા માનતો નહોતો. વસ્તુપાળે તેને વીરધવલની આજ્ઞા સ્વીકારવાનું તથા લૂંટની પ્રવૃત્તિ બંધ કરવાનું જણાવ્યું, પણ તેણે તે ન માનતાં તેનાં જવાબમાં વીરધવલને ભેટ તરીકે સાડી અને કાજળની દાબડી મોકલાવી. આ અપમાનથી ગુસ્સે થઇ વીરધવલે તેના પર ચડાઈ કરવાં મોકલ્યો. તેજપાલે યુક્તિપૂર્વક તેને હરાવી તેની અઢળક સંપત્તિ લૂંટી લીધી. “ઘૂઘલ”ને લાકડાના પાંજરામાં જીવતો કેદ કરી વીરધવલની સમક્ષ રજૂ કર્યો. વીરધવલના દરબારમાં પોતે મોકલાવેલી સાડી પહેરવાની ફરજ પડતાં ઘૂઘલ જીભ કરડીને મૃત્યુ પામ્યો.

શંખ વિજય,માળવા સાથે યુદ્ધ અને દેવગિરિના સિંઘણની ચડાઈ વિષે તો થોડીક વાતો આપણે રાજા ભીમદેવામાં કરી જ ચુક્યા છીએ એટલે એ વાત અહીં દોહરાવતો નથી. આ બધામાં વાર્તાઓ વધારે છે અને એનું કોઈ જ અતિહાસિક મહત્વ નથી આપણે એ પણ જાણતા નથી કે ખરેખર આ યુદ્ધો થયાં હશે કે નહીં. બીજી વાત એ કે આ બધું તો રાજા ભીમદેવ બીજાના સમયમાં થયું હતું તો એમાં તો અનો કોઈ ઉલ્લેખ નથી. એક વાતનો વારંવાર જે ઉલ્લેખ કરવામાં આવે છે 3 વરસ સુધી રાજા ભીમદેવ સત્તા પર નહોતાં એનું કોઈ જ સાક્ષ્યપ્રમાણ મળતું જ નથી એ પરથી તો એમ લાગે છે કે કદાચ આ બધું એ વસ્તુપાળ અને તેજપાળના પાત્રને મહત્વ આપવાં માટે જ લખવા આવ્યું હોય એવું લાગે છે .

પાત્રો ખોટાં નથી પણ પાત્રાલેખન ખોટું છે જે બાબત માટે આજે આપને આપણા સિદ્ધહસ્ત નવલકથાકારોને દોષ દઈએ છીએ તો એ જમાનામાં આ સહિત્યકારોએ આવું જ કર્યું હતું તેપણ રાજાની મહત્તા ઘટાડવા અને ઇતિહાસના ભોગે જ જેને આજે આપણે સાચો સાચો ઈતિહાસ માની બેઠાં છીએ.

આનું એક બીજું ઉદાહરણ પણ આજ વખતમાં મળે છે એ છે ગુજરાત પર મુસલમાનોનું આક્રમણ એ વિષે થોડીક ચર્ચા કરી લઈએ.

ગુજરાત ઉપર મુસલમાનોનું આક્રમણ ——–

આ એક ઐતિહાસિક ઘટના છે જેનાથી ગુજરાતની રાજકીય પરિસ્થિતિમાં એક હડકંપ આવવાનો હતો ગુજરાત ઉપર જે કયારેય નહોતું થયું તે જ તો હવે થવાનું હતું. રાજા ભીમદેવ બીજાંના સમયમાં સૌથી છેલ્લું મુસ્લિમ આક્રમણ સંવત ૧૨૫૩માં થયું હતું. ડભોઇ પ્રશસ્તિમાં લવણપ્રસાદને ખંભાત આગળ મુસ્લિમો સાથે લડાઈ થયાનો અને એમને હરાવ્યાનો ઉલ્લેખ છે. ફરિસ્તા ના જણાવ્યા મુજબ કુત્બુદ્દીન નહરવાલ (પાટણ)માં પોતાનો સૂબો મુકતો ગયો હતો.

આ સૈન્યને ગુજરાતમાંથી ક્યારે હાંકી કાઢવામાં આવ્યું તે માલૂમ પડતું નથી, પણ ડભોઇ પ્રશસ્તિમાં લવણપ્રસાદને જે મુસ્લિમ ટોળી સાથે યુદ્ધ થયાંનો ઉલ્લેખ છે તે કદાચ આ સુબાને હાંકી કાઢવાનો બનાવ હશે. કારણકે વિક્રમ સંવત ૧૨૬૫નાં આબુના લેખ જણાય છે કે, આબુ આ સમયે ભીમદેવ બીજાની સત્તા નીચે હતું.

મોઈજુદ્દીન વિજય ——-

મેવાડના રાવલ જૈત્રસિંહને મુસ્લિમો સાથે યુદ્ધ થયું હતું એમ હ્મ્મીર મદ મર્દન નાટક પરથી જણાય છે. આ જૈત્રસિંહનો સમય સંવત ૧૨૭૦થી સંવત ૧૩૦૬નો હતો. તે રાવલ પદમસિંહનો પુત્ર હતો અને તેના પછી મેવાડની ગાદીએ આવ્યો હતો. તેણે મારવાડ, ગુજરાત, માળવા તથા દિલ્હીના સુલતાન વગેરેનો માનભંગ કરી પોતાનાં પાડોશી રાજવીઓ ઉપર કાબુ જમાવ્યો હતો. તેણે નડૂલને નષ્ટ કર્યું હતું. ચૌહાણ રાજા કેતુને હરાવ્યો હતો. આ કેતુના પુત્ર ઉદયસિંહે પુરાણું વેર મટાડવા માટે પોતાની પુત્રી જૈત્રસિંહ સાથે પરણાવી હતી.

આજ વાત ઉપર ભાઈ કર્નલ ટોડ ફરીથી થાપ ખાઈ ગયાં.પહેલી વાત જે પણ ખોટી હતી તેને આની સાથે સાંકળી લીધી પ્રીમલદેવી અને નાગલ્લદેવીની હવે આ બે વચ્ચે કોઈ મેળતો ખાતો નથી ખાલી વર્ષો મળતાં આવે છે એટલું જ ને ! ટૂંકમાં આ જૈત્રસિંહ સાથે ગુજરાત સંકળાયેલું હોઈ એમણે એ તાળો મેળવી પોતાની રીતે મનઘડંત કહાની ગોઠવી દીધી. આ જૈત્રસિંહના સમયમાં મુસ્લિમોએ મેવાડ પર હુમલો કર્યો અને મેવાડની રાજધાની નાગદા જીતી તેને બાળી મેવાડની પ્રજાને ત્રાસ ત્રાસ પોકારાવ્યો.

હમ્મીર મદ મર્દનમાં અ લડાઈનું વર્ણન કરતાં લખે છે કે — મુસલમાનોએ મેવાડની દુર્દશા કરી નાંખી હતી. લોકો ત્રાસ ત્રાસ પોકારતા હતાં. તેઓ મુસ્લિમોને હાથે મરવા કરતાં કૂવામાં પડી આપ્ઘ્ત કરતાં, ગળે ફાંસો ખાતાં,પોતાનાં ઘરો જાતે સળગાવી દેતા, સ્ત્રીઓ તથા બાળકોને કાપી નાંખતાં. છેવટે વસ્તુપાળના બગ્દડા ગયેલાં જાસૂસોએ કરેલી ખટપટથી અંદર અંદર મુસ્લિમો લડવા લાગ્યાઅને વીરધવલનાં આવતાં પહેલાં ભાગી ગયાં.

ચતુર્વીશતિ પ્રબંધમાં જણાવેલ વૃત્તાંતમાં કૈંક અતિશયોક્તિ લાગે છે. ખરી રીતે તો મેવાડના રાણા જૈત્રસિંહે જ મુસ્લિમોને હરાવી હાંકી કાઢ્યા હોય એમ જણાય છે.

સાહિત્ય પણ અજીબ હોય છે જે નામ સાચું લખવાને બદલે એનું નામ બદલી નાંખતા હોય છે. વાત જો ઇતિહાસની કરવાની હોય તો એમાં નામ ન બદલાય જો કે ઘણી બધી સાહિત્યિક કૃતિઓમાં નામ બદલી નાકવામાં જ આવતાં હોય છે. તેવું એ કાળમાં પણ થતું હતું અને અર્વાચીન કાળમાં પણ. પણ આજે અપનો ઈતિહાસ આ સાહિત્યને કારણે ઉજાગર થતો હોઇ એમાં નામ બદલવાથી અનેક પ્રકારની શંકા-કુશંકા કરવાં મન પ્રેરાય તે સ્વાભાવિક પણ છે. આમાં તટસ્થ રીતે જોવાં જઈએ તો સાહિત્યકારોનો કોઈ જ વાંક નથી વાંક છે આપણો કે આપણે એનું અર્થઘટન ખોટું કરીએ છીએ.

ઇતિહાસમાં આવા અર્થઘટનો જ વિવાદ ઉભાં કરતાં હોય છે. એમાંથી સાચું શું છે એ તારવવું ખરેખર દુષ્કર છે. એ માટે સાંપ્રતકાળને તપાસવો વધારે યોગ્ય ગણાય કે ખરેખર એ સમયમાં ભારતમાં શું શું થયું હતું અને ગુજરાત પર કોણે કોણે આક્રમણ કર્યું હતું તે ! આમાં જો સાહિત્યમાં ભૂલથી કે જાણી જોઇને જો ખોટી સાલવારી અપાઈ તો ઈતિહાસ ભટકી જ જતો હોય છે. એમાં પણ જો કેટલીક ઘટનાઓ વારાફરતી બનતી હોય તો એમાં સાચું શું છે એ બહાર કાઢવું અઘરું બને છે. કારણકે ઘણી વાર એવું પણ બનતું હોય છે કે થોડાં થોડાં અંતરાલે આવું બનતું હોતું જ નથી કોઈ એક વાર હરે તો બીજી વાર જીતે પણ તેમની સાલવારી તો સાચી જ હોવી જોઈએ .

આવું કૈંક અહીં પણ બન્યું છે.આ નામ મોઇજુદ્દીન એ ખોટું જ નામ છે .

એક અગત્યની જાણકારી આપી દઉં કે ભારત પર એટલે કે દિલ્હી સલ્તનત પર જયારે તુઘલકવંશનું શાસન હતું ત્યારે તુઘલકવંશે પણ ગુજરાત પર રાજ્ય કર્યું હતું જેનો સમયગાળો છે ઇસવીસન ૧૩૨૦થી ઇસવીસન ૧૪૦૪. ત્યારે એટલેકે ઇસવીસન ૧૩૩૯ થી ઇસવીસન ૧૩૪૫ દરમિયાન આ તુઘલક વંશ વતી મૂકિબલ તિલંગીએ ગુજરાત પર રાજ્ય કર્યું હતું. આજ સમયમાં આફ્રિકન મૂર પ્રવાસી ઈબ્નબતુતા પણ ભારત આવ્યો હતો તેણે ખંભાતની સમૃદ્ધિના ભરપેટ વખાણ કર્યાં હતાં. પણ સુલતાન મુહમ્મદશાહ તુઘલકના સમયમાં ભારતમાં ઠેર ઠેર બળવો ફાટી નીકળ્યા હતાં .આની અસર ગુજરાત ગુજરાતમાં પણ પડી હતી. એક અઝીઝ ખમ્મર નામનો સરદાર ૭૦૦૦ની ફોજ લઈને ગુજરાત આવ્યો. ડભોઈમાં તે ઘેરાઈ ગયો અને તેના સૈનિકોની કતલ થઇ ગઈ તે ગભરાઈ ગયો અને તે નાસી ગયો. પછી સુલતાન પોતે એક મોટી ફોજ લઈને આવ્યો તો બળવાખોરો ભાગી ગયાં ત્યાર બાદ તેણે પાટણનો હવાલો શેખ મુઈઝઝૂદ્દીનને સોંપ્યો. આ શેખ મુઈઝઝૂદ્દીને ઇસવીસન ૧૩૪૫થી ઇસવીસન ૧૩૫૦ સુધી ગુજરાતનો હવાલો સંભાળ્યો હતો

આ નામ અપભ્રંશ થઈને અત્યારે મોઇજુદ્દિન થઈને ફરતું થઇ ગયું જયારે એ ઘોરી , ઐબક કે અલ્તમશ કરતાં લગભગ ૧૪૦ વરસ પછી થયું છે. પણ એ નામ ગુજરાત માટે અજાણ્યું તો ન જ કહેવાય. હા એ જુદી વાત છે કે એને અને ૧૩મી સદીને કોઈ પણ જાતની લેવાદેવા નથી. મુસ્લિમોના નામ છુપાવવાની વાત તો “કાન્હડ દે પ્રબંધ ” અને જૈન સાહિત્યમાં પણ આવી જ છે. એમને એમ કે રખેની આ મુસ્લિમો અમારી હત્યા ના કરી દે એટલે તેઓ મુસ્લિમ શબ્દનો પ્રયોગ કરતાં પણ કતરાતા હતાં તો અ નામ વળી શું ચીજ છે એમણે માટે ! આ નામ બદલવા પાછળ ભય જ કામ કરી ગયો છે.

આ હમ્મીર મદ મર્દન એ જયસિંહ સુરિ દ્વારા રચાયેલી કૃતિ છે તે એક નાટક છે અને નાટકને ઈતિહાસ સાથે કોઇપણ જાતની લેવાદેવા ના જ હોય ! .આ જયસિંહ સુરિ માટે એવું કહેવાય છે કે જયારે કુત્બુદ્દીન ઐબક રાજા ભીમદેવ બીજાની સેનાને હરાવીને પાછો દિલ્હી જતો રહેતો હતો ત્યારે આ જયસિંહ સુરી જીવતો રહેવાં દેવાં માટે ખુબ કરગર્યો અને આખરે ઐબ્કે તેણે પાટણ નો મહંત બનાવ્યોઅને એણે પોતાની સાહિત્યિક કૃતિ રચવા માટે મુક્ત કર્યો ત્યારે એ સાહિત્યકારે આ હમ્મીર મદ મર્દનની રચના કરી હતી પણ સેના વતી વીરધવલ અને લવણપ્રસાદ અને વસ્તુપાળ લડયા હતાં એટલે એમણે ભીમદેવ સોલંકી બીજાંના વખાણ ના કર્યાં અને વીરધવલ જીત્યો હતો એવું લખ્યું અને એ વાતની ઐબકને ખબર ના પડે એટલાં માટે એમણે નામ બદલી નાંખ્યું હતું.

આ નામ પાછળથી થવાનું હતું અને એ પણ પાટણમાં જ એની એમણે ખબર નહોતી અને હજી પણ ઘણાંને આ મોઈઝઝુદ્દીન નામની ખબર નથી એક વાત છે કે અંતિમ નહિ પણ એક જ યુદ્ધ હતું જેમાં ઐબક જીત્યો હતો પણ તે વખતે એ ગુલામ વંશનો સ્થાપક નહોતો ખાળે એ મહમદ ઘોરીનો ગુલામ હતો અને સેનાપતિ હતો.

હવે આ યુદ્ધ તો લડાયું હતું ઇસવીસન ૧૧૯૭માં. અલ્તમશ તો પછીથી થયેલો છે પણ ગુજરાતની એક ખાસિયત છે વિક્રમ સંવતમાં વર્ષો લખવાની પણ તેમાં અય સાહિત્યકારો અને ઇતિહાસકારોના ચંચુપાતને લીધે આ ગોટાળો થઇ ગયો છે. સન ૧૧૯૭ની ઘટના પૂર્વે એમણે બે વખત ઘોરીના હુમલાને સાંકળી દીધાં. ૧૧૯૩ અને ૧૧૯૫ આ હુમલાઓ થયાં જ નથી ખાલી ખોટાં લોકો અ બાબતમાં વીરધવલના વખાણ કર્યા કરે છે રાજા ભીમદેવને બાજુએ રાખીને જે હકીકતમાં તો મેવાડી રાણા જૈત્રસિંહ જીત્યો હતો એણે પણ હરતો બતાવીને અ સાહિત્યકારોએ આ વાત વીરધવલ સાથે જોડી દીધી છે.

અલ્તમશ અને કુત્બુદ્દીન ઐબ્કની સાલવારી હું અગાઉ આપી જ ચુક્યો છું એટલે અહીં આપતો નથી. આ જે દરેક નામોને સાંકળવાની એમની આદત છે એનાં પર પૂર્ણવિરામ જ આવી ગયું ગણાય . કહેવાનો મતલબ છે કે આ ચર્ચા જ અર્થહીન છે કારણકે જયસિંહ સુરીની કોઈ ચોક્કસ સાલવારી મળતી જ નથી પણ તે આ જ સમયમાં થયાં હતાં એટલું તો નક્કી જ છે. આ બધું એટલે સાહિત્યકારોએ એટલાં માટે લખ્યું છે કે મેને મોઇજુદ્દીનની માતાના હજ પ્રસંગમાં વસ્તુપાળનું મહત્વ વધારવું હતું. જો કે આ કહો પ્રસંગ એ ઉપજાઉ જ છે જે બિલકુલ અવાસ્તવિક લાગે છે ઇતિહાસમાં એટલે એ પ્રસંગ હું મુકતો નથી. ઇતિહાસમાં એક વાત તો એવી પણ કરવામાં આવી છે કે ઐબક સામેના યુદ્ધમાં રાજા ભીમદેવ બીજાં અને લવણપ્રસાદ માર્યા ગયાં હતાં જયારે રાજા ભીમદેવે તો ત્યાર પછી ઈસ્વીસન ૧૨૪૨ સુધી રાજ્ય કર્યું છે.

હવે આ યુદ્ધ પુરાણનો અંત લાવીએ અને બીજી વાત આગળ વધારીએ.
પણ એ આગળ વધશે ભાગ -3 માં. અહીં ભાગ – ૨ સમાપ્ત. ભાગ -3 હવે પછીના લેખમાં !

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! હર હર મહાદેવ !!

——– જનમેજય અધ્વર્યુ.

આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!