રાજા કર્ણદેવ વાઘેલા ભાગ 3

ઈતિહાસ મુદ્દા પર આધારિત હોય છે જરીક પણ તમે મુદ્દા પરથી ભટક્યાં તો ઈતિહાસ ગાયબ જ થઇ જવાનો છે. દરેક મુદ્દાની વિગતે છણાવટ આવશ્યક છે. ગુજરાત ઉપર મુસ્લિમ આક્રમણો તો પહેલાં પણ થયાં હતાં ઈસ્વીસન ૧૦૨૫માં અને ઈસ્વીસન ૧૧૯૭માંઅને આ વખતે એટલે કે ઈસવીસન ૧૨૯૮- ૧૨૯૯માં થયું. એ નથી જ થયું એમ તો કોઈ જ નથી કહેતું ને ! આ વખતના મુસ્લિમ આક્રમણમાં અલાઉદ્દીન ખિલજીના હાથે વાઘેલા વંશ સમાપ્ત થઇ જવાનો હતો નહી થઇ જ ગયો. અલાઉદ્દીનની આ ચઢાઈ અને એની જીતનું વર્ણન માત્ર મુસ્લિમ ઈતિહાસકારોએ કર્યું છે એવું તો છે જ નહીં ! આનો ઉલ્લેખ ઘણાં હિંદુ અને જૈન સાહિત્યકારોએ પણ કરેલો જ છે. મેરુતુંગનાં પ્રબંધચિંતામણી જે ઇસવીસન ૧૩૦૫માં છપાયું હતું. આ ગ્રંથ આ ઘટનાની બિલકુલ નજીકનો જ છે અને મેરુતુંગે તે વર્ધમાનપુર એટલેકે વઢવાણમાં જ લખેલો છે જે તે સમયે વાઘેલાઓના કબજામાં હતું અને જે મંત્રી માધવનું વતન હતું ત્યાં લખાયેલો છે. જો કે એમાં માધવ અને એની પત્ની કમલાદેવી જેને રાજા કર્ણદેવ વાઘેલા ઉપાડીને પોતાની પત્ની બનાવે છે તે વાત આમાં કરવામાં આવી છે કે નહીં તે એક મોટો પ્રશ્નાર્થચિહ્ન છે. કોઈ ગુજરાતી સાહિત્યકાર પોતાનાં આશ્રયદાતા રાજા માટે આવું તો લખે જ નહીં અને બીજી વાત જે દેવલદેવી જે રાજા કર્ણદેવ અને કમલાદેવીની ૮ વરસની પુત્રી હતી તેનો પણ ઉલ્લેખ કરવો પડે જે મેરુતુંગે તો નથી કર્યો એ તો ઓલ્યા ભાઈ અમીર ખુશરોનાં ફળદ્રુપ ભેજાંની જ નીપજ છે માત્ર. એટલે એવું બની શકે કે મેરુતુંગે માત્ર ખિલજીનાં જ આક્રમણ અને કર્ણદેવની હારનો જ ઉલ્લેખ કર્યો હોય. આ સિવાય “ધર્મારણ્ય” જેનો રચનાકાળ છે ઇસવીસન ૧૩૦૦-૧૪૫૦ એમાં પણ આ આક્રમણનો ઉલ્લેખ છે. જિનપ્રભ સૂરીનાં પ્રવાસગ્રંથ “તીર્થકલ્પતરુ”માં પણ થયેલો છે. જે ઈસ્વીસનની ૧૪મી સદીમાં રચાયો છે. આનું વિગતે વર્ણન અને ખોટી રીતનું નિરૂપણ પદ્મનાભનાં “કાન્હડદે પ્રબંધમાં પણ થયેલું છે. જે તો છેક ઇસવીસન ૧૪૫૫માં રચાયો છે. આ સિવાય જોધરાજના “હમીર રાસો”માં પણ આનો ઉલ્લેખ થયો છે. લોકો ખાલી મુસ્લિમ લેખકોને જ આગળ કરે છે તે બરાબર નથી. આ બધાં ગ્રંથોમાં વાઘેલાવંશનો ઈતિહાસ છુપાયેલો છે જેને બહાર કાઢવો જ જોઈએ. મુસ્લિમ લેખકો તો રીતસરના વરસી જ ગયાં છે ખિલજી પર. અતિહાસિક હકીકત તો એ છે કે રાજા કર્ણદેવ હાર્યા હતાં અને ફરી પાછાં ઈસવીસન ૧૨૯૯માં ગાદી પર આવ્યાં હતાં અને ફરી પાછું ખિલજીનું આક્રમણ થયું હતું અને રાજા કર્ણદેવ વાઘેલાના સામ્રાજ્યનો અંત આવ્યો હતો. જો કે આ વાતમાં પણ ઘણાં વિવાદો અને મતમતાંતરો છે.

આ માટે આપણે કેટલાંક મુદ્દાઓ નક્કી કરીએ અને એની વિગતે ચર્ચા કરીએ તેજ હિતાવહ છે.

  • (૧) અલ્લાઉદ્દીન ખિલજીનું ગુજરાત પર આક્રમણ ઇસવીસન ૧૨૯૮ અને રાજા કર્ણદેવ વાઘેલાનો અંત.
  • (૨) મહામાત્ય માધવનો વિશ્વાસઘાત અને ક્મલાદેવીનું અલાઉદ્દીન ખિલજી સાથે પરણવું.
  • (૩) કર્ણદેવ વાઘેલા અને કમલાદેવીની પુત્રી દેવલદેવીનાં અલાઉદ્દીન ખીલજીના પુત્ર ખિજ્ર ખાન સાથે લગ્ન.
  • (૪) રાજા કર્ણદેવ વાઘેલાનું ફરી પાછાં ગાદી પર બેસવું અને ખિલજીનું બીજું આક્રમણ.
  • (૫) રાજા કર્ણદેવ વાઘેલાનો અંત .
  • (૬) રાજા કર્ણદેવ પછી જુદે જુદે ઠેકાણે ગાદી પ્રાપ્ત કરતાં વાઘેલાવંશના વંશજો.

આ મુદ્દાઓની આપણે વિગતે ચર્ચા કરીશું. આમાં ઘણાં જ વિવાદો છે એટલે ઘણું બધું ના ગમતું પણ બહાર આવશે એની તૈયારી રાખજો પણ ચર્ચા અતિઆવશ્યક છે તો જ સાચી હકીકત બહાર આવશે એટલે સૌ પ્રથમ શરુ કરીએ ખિલજીના ઇસવીસન ૧૨૯૮ના આક્રમણની !

અલાઉદ્દીન ખિલજીનું ગુજરાત પર આક્રમણ

રાજા કર્ણદેવ વાઘેલાનાં સમયમાં ગુજરાત ઉપર અલાઉદ્દીન ખિલજી ચડી આવ્યો એ રાજા કર્ણદેવના સમયનો એક અતિ કમનસીબ બનવ છે.
આ આક્રમણ વિષે ઝીયાઉદ્દીન બરની જેવાં સમકાલીન મુસ્લિમ ઈતિહાસકારોએ લખ્યું છે કે –“અલાઉદ્દીન ખિલજીના હુકમથી ઉલુગખાન અને નુસરત ખાં એ ગુજરાત પર ચઢાઈ કરી. ગુજરાત અને અણહિલવાડ લુંટાયુ. ગુજરાતનો રાજા કરણ દેવગઢના રાજા પાસે ભાગી ગયો. તેની સ્ત્રી, છોકરાં,ખજાનો સર્વે મુસ્લિમોના હાથમાં આવ્યાં. કાન્હડદે પ્રબંધમાં આ લડાઈ વિષે લખ્યું છે કે — માધવની માંગણીથી સુલતાને લશ્કરની તૈયારી કરી અને પોતાનાં રાજ્યમાંથી પસાર થવાં દેવાં માટે પશ્ચિમ મારવાડમાં આવેલા ઝાલોરના સોનીગરા ચૌહાણ રાજા કાન્હડદેને પોષાક મોકલી પૂછાવ્યું. પરંતુ મુસ્લિમ લશ્કરની ગામ ભાંગવા, બાન ઝાલવાં, સ્ત્રીઓને રંજાડવી, ગાયો મારવી, મંદિરો તોડવાં વગેરે હંમેશની સ્વધર્મ વિરોધી પ્રવૃત્તિ જોઇને કાન્હડ દે એ રસ્તો આપવાની ના પાડી. પણ ચિત્તોડના સમરસિંહ રાવળે મેવાડમાંથી જવાનો રસ્તો આપ્યો એટલે મુસ્લિમ લશ્કર બનાસકાંઠે થઈને મોડાસા આવ્યું. જો કે રાણપુરના ઈસ્વીસન ૧૪૩૯ (વિક્રમ સંવત ૧૪૯૫) લેખમાં તો આ સમરસિંહે લડીને મેવાડને બચાવ્યું એવું લખ્યું છે સ્પષ્ટ ઉલ્લેખ આ રીતનો છે સિસોદિયા ગુહીલોત રાજવીને તેમાં “અલ્લાઉદ્દીન સુલતાનનો વિજેતા” કહ્યો છે.

બનાસકાંઠા સુધી લશ્કર આવ્યાની વાત ગુજરાતમાં ફેલાતાં સર્વત્ર ભય વ્યાપી ગયો. મોડાસામાં આ વખતે બત્તડ નામનો કોઈ ઠાકોર સત્તા ઉપર હતો તેણે મુસ્લિમો સાથે બહાદુરીપૂર્વક યુદ્ધ કર્યું અને અનેક મુસ્લિમોને મારીને પોતે વીરગતિ પામ્યો. મુસ્લિમોએ મોડાસા ભાંગ્યું . બાન ઝાલ્યાં. ગામોને આગ લગાડી અને અનેક ઠેકાણે લૂંટ કરી. ત્યાંથી ધાનધાર અને દંડાવ્ય લૂંટી મુસ્લિમ લશ્કર પાટણ આવ્યું. પાટણ શહેરના દરવાજા બંધ કરવામાં આવ્યાં. પાટણ લૂંટયુ અને ગઢને ઘેર્યો. પછી માધવની સલાહથી કરણદે છીંડું પડી નાસી ગયો અને એની સાથે રાણી પણ પગે ચાલતી નાઠી. કરણના નાસી ગયા બાદ મુસ્લિમોએ પાટણનાં ભંડારો લૂંટયા, ઠેર ઠેર આગ લગાડી, અનેક મંદિરોનો નાશ કર્યો. પાટણમાં અલ્લાઉદ્દીનની સત્તા સ્થાપ્યા બાદ લશ્કર આશાવલ તરફ ગયું. આશાવલ લૂંટીને ધોળકા તરફ વળ્યું. ધોળકાને બરબાદ કરીને ખંભાત, સુરત, રાંદેર વગરે શહેર લૂંટ્યા. ત્યાંથી મુસ્લિમો સૌરાષ્ટ્ર તરફ વળ્યા, રસ્તામાં ઉના, મંગલપુર, દીવ વગેરે લૂંટીને મુસ્લિમો છેક સોમનાથ સુધી પહોંચ્યા. ત્યાં સોરઠના વાળા, વાજા, જેઠવા વગેરે રાજપૂતો સામે થયાં પણ મુસ્લિમ લશ્કરે કોટ તોડી નાંખતાં દેવપટ્ટનને ખાનના અસ્વારોએ લૂંટયુ. છેલ્લે સોમનાથના મંદિર આગળ જીવસટોસટનું યુદ્ધ થયું. તેમાં અનર્થનું મૂળ માધવ મહેતો કામ આવ્યો. અંતે સોમનાથનું મંદિર પડયું અને લૂંટાયું.

મહામાત્ય માધવનો હિસ્સો ———

અલાઉદ્દીને ગુજરાત પર ચડાઈ કરી તે માટેનું ચોક્કસ કારણ કોઈ મુસ્લિમ તવારીખમાં આપેલું નથી પણ ઘણા હિંદુ લેખકો આ ચડાઈ માટે માટે માધવને જવાબદાર ગણે છે. ચૌદમા શતકમાં રચાયેલ વિચારશ્રેણીમાં લખ્યું છે કે — “યવના માધવ વિપ્રેણા નીતા:”

આજ અરસામાં જિનપ્રભસૂરિના તીર્થકલ્પમાં લખ્યું છે કે વિક્રમ સંવત ૧૩૫૬ના વર્ષમાં અલાઉદ્દીન ખિલજી સુલતાનનાં નાનાં ભાઈ ઉલુગખાનને મંત્રી માધવની પ્રેરણાથી દિલ્હીથી ગુજરાત મોકલવામાં આવ્યો.
સંવત ૧૩૫૬થી સંવત ૧૫૦૦ સુધીમાં રચાયેલા મોઢ બ્રાહ્મણોના જ્ઞાતિ પુરાણ ધર્મારણ્યમાં લખ્યું છે કે — “મહા પ્રતાપી મહારાજ કર્ણ રાજ્યગાદી ઉપર હતો ત્યારે એનાં દુષ્ટ નીર્ગુણી દેશદ્રોહી કુલાધમ અને પાપી અમાત્ય માધવે ક્ષત્રિય રાજ્યનો નાશ કર્યો અને મલેચ્છ રાજ્યની સ્થાપના કરી ” સંવત ૧૫૧૨માં રચાયેલ કાન્હડ દે પ્રબંધમાં રાજાએ બ્રાહ્મણ માધવને દુભવ્યો અને તેથી માધવ પ્રધાન રિસાયો અને એણે જયારે મુસ્લિમોને અહીં લાવીશ ત્યારે અહીંનું ધાન ખાઇશ એવી પ્રતિજ્ઞા કરી.
ઉપરના સર્વ પ્રમાણોમાં વિચારશ્રેણી અને તીર્થકલ્પ આ સમયની નજીકના સમયમાં રચાયેલા ગ્રંથો હોઈ તેમાં આપેલી વિગતોમાં કૈંક ઐતિહાસિક તથ્ય રહેલું હોવાનું સંભવિત છે.

રાજા કર્ણદેવ વાઘેલાનો અત્યાચાર ——–

માધવ ગુજરાત પર મુસ્લિમ આક્રમણ શા માટે લાવ્યો તેનું કોઈ કારણ સમકાલીન ગ્રંથમાં જણાતું નથી. કાન્હડદે પ્રબંધમાં અનુશ્રુતિ અનુસાર જણાવ્યું છે કે — “કર્ણદેવે કામઘેલા થઇ માધવના નાનાભાઈ કેશવને હણીને તેની સ્ત્રીને પોતાના અંત:પૂરમાં રાખી. મુહણોત નેણસીની ખ્યાતમાંથી આ અંગેનું આવું જ કારણ મળી આવે છે પણ તેમાં ફેર એટલો જ છે કે તેમાં કેશવની સ્ત્રીને બદલે માધવની સ્ત્રી હર્યાનું કહેલું છે. આ ઉપરાંત ભાટચારણોની કથાઓમાં અનુશ્રુતિ અનુસાર જણાવ્યું છે કે “રાજાએ માધવની પુત્રીનું હરણ કર્યું ” ઉપરના ત્રણેય વિધાનોમાં માધવના ઘરની કુલાંગનાનું રાજાએ હરણ કર્યાનો સ્પષ્ટ ઉલ્લેખ મળી આવે છે. રાજા-પ્રજાનો પાલક થઇ આવું કૃત્ય કરે, પોતે રક્ષક થઇ ભક્ષક બને ત્યારે તેનાં ભોગ બનનારમાં વૈરવૃત્તિ જાગે એ સ્વાભાવિક છે અને એ સમયે બીજો રસ્તો નહીં હોય તેથી રાજાની સાન ઠેકાણે લાવવા કે વેરવાળવા માધવને મુસ્લિમોનું શરણ શોધવું પડ્યું હશે. માધવનું આ પગલું ગુજરાત માટે ભયંકર વિઘાતક નીવડયું. ગુજરાતમાં મુસ્લિમ હકુમત જામી, મંદિરોની જગ્યાએ મસ્જીદો બની, ધન ભંડારો લૂંટાય અનેકને મુસ્લિમો બનાવવામાં આવ્યા અને આ પરિણામ પરથી માધવ ઇતિહાસમાં દેશદ્રોહી મનાયો.

કર્ણદેવના રાજ્યનો અંત ——-

રાજા કર્ણદેવ વાઘેલાના રાજ્યનો અંતનો સમય ઘણો જ શંકાસ્પદ છે. તીર્થકલ્પમાં સંવત ૧૩૫૬ની સાલ આપી છે. જયારે પ્રવચન પરીક્ષા અને વિચારશ્રેણીમાં સંવત ૧૩૬૦ની સાલ આપી છે. મુસ્લિમ લેખકો પણ જુદી જુદી સાલો આપે છે. મિરાતે અહમદીમાં હિજરી સંવત ૬૯૬ (વિક્રમ સંવત ૧૩૫૩ -૧૩૫૪ ) તારીખે ફરિસ્તહમાં હિજરી સંવત ૬૯૭ (વિક્રમ સંવત ૧૩૫૪-૧૩૫૫) તજી અતુલ અમ્સાર, તારીખે અલાઈ અને તારીખે ફિરોજશાહીમાં હિજરી સંવત ૬૯૮ (વિક્રમ સંવત ૧૩૫૫-૧૩૫૬)નાં વર્ષો આપેલાં છે.

હજી ઈતિહાસ તો બાકી જ છે. પણ અહી સુધી જે આપણે જોયું એમાં આપણે ત્રણ મુદ્દા પર વાત કરવાની છે ,પહેલો મુદ્દો છે અલાઉદ્દીન ખિલજીનું આક્રમણ. બીજો મુદ્દો છે મહામાત્ય માધવ આ આક્રમણ માટે કેટલો જવાબદાર ગણાય ? અને ત્રીજો મુદ્દો છે રાજા કર્ણદેવની હાર અને એનું નાસી જવું તથા તેમની પત્ની કમલાદેવીનું શું થયું એ પછી ? શું કમલાદેવીએ અલ્લાઉદ્દીન ખિલજી સાથે લગ્ન કર્યા હતાં ? આ મુદ્દાઓની ચર્ચા આપણે થોડીક વિગતવાર કરીશું. અલ્લાઉદ્દીનના બીજાં આક્રમણ અને અલ્લાઉદીન અને કમલાદેવીના લગ્ન તથા અલ્લાઉદ્દીન ખિલજીના પુત્ર ખિજ્ર ખાન અને રાજા કર્ણદેવ અને કામ્લાદેવીની સુપુત્રી દેવલદેવીનાં લગ્નની વાત આપણે આ પછીના ભાગમાં કરીશું.

વાઘેલા વંશ વિષે પુરતી માહિતી પ્રાપ્ત નથી થતી એ મારાં વિધાન પર હું કાયમ જ રહું છું. કોઈની પાસેથી વાઘેલા વંશના રાજાઓની પૂરો અને સાચી કહી શકાય એવી વિગતો પ્રાપ્ત નથી થતી. પ્રબંધ ચિતામણિમાં જે સરસ વિગતો આપણને સોલંકીયુગના રાજાઓ વિષે પ્રાપ્ત થઇ હતી તેવી વિગતો વાઘેલા યુગના રાજાઓ વિષે આપણને પ્રાપ્ત નથી થતી. મેરુતુંગે વાઘેલાવંશ વિષે અને મહામાત્ય માધવ વિષે જે લખ્યું છે એ તો વિચારશ્રેણીમાં લખ્યું છે. વિચાર શ્રેણી એ તો મેરુતુંગે જ એમનાં અગાઉના ગ્રંથ થેરાવલીની ટીકા સ્વરૂપે બહુ પાછળથી લખાયેલો ગ્રંથ છે. મેરુતુંગે એક જ વર્ષ ઇસવીસન ૧૩૦૫માં જ બધાં ગ્રંથો લખ્યાં હોય એ તો શક્ય જ નથી. જો કે આ વિચારશ્રેણી એ વિક્રમ સંવત ૧૩૬૩ એટલે કે ઇસવીસન ૧૩૦૭માં લખાયું છે. જે જૈનધર્મ અને ભારતમાં શાકોના હુમલાઓ પર આધારિત એક પ્રમાણભૂત ગ્રંથ છે. આજ ગ્રંથમાં ગુજરાતના વાઘેલાવંશનું વર્ણન છે. કારણકે મેરુતુંગ એ વાઘેલાઓના રાજ્યકાળમાં થયેલા કવિ છે. પણ આ ગ્રંથમાં એમને ભગવાન મહાવીરના સિદ્ધાંતો અને એમને લગતી માહિતી જ વધારે આપી છે એમાં શકો સાથે ગુજરાતનું વર્ણન કઈ બંધ બેસતું નથી.

ઉલ્લેખ તરીકે જોવું હોય તો જરૂર જોવાય કે એમાં વાઘેલા વંશની સાથેસાથે મહામાત્ય માધવનો ઉલ્લેખ કર્યો છે. આને કઈ રીતે ઇતિહાસનો પ્રમાણભૂત ગ્રંથ મનાય ? કોઇપણ ગ્રંથ લખાય પછી તરત જ એની ટીકા સ્વરૂપે કોઈ ગ્રંથ નથી લખાતો. કમસેકમ ૫-૧૦ વરસનું અંતર તો જરૂર હોવું જોઈએ એ બે વચ્ચે. સામાન્ય રીતે તો ટીકા કોઈ અન્ય જ સાહિત્યકાર જ લખતો હોય છે. જેમકે પાણિનીની ટીકા પતંજલિએ લખી હતી સરળ ભાષામાં એમ જ સ્તો ! ટૂંકમાં આ વિચારશ્રેણી જે વસ્તુપાળ – તેજપાલ સુધી તો આધારભૂતતા જાળવી શક્યું હતું તે પછી એની આધારભૂતતા જાળવી શક્યું નથી. માધવનો ઉલ્લેખ મનમાં અનેક શંકા-કુશંકા પેદા કરનારો જ નિવડયો છે. કોઈકે તો એનો રચનાકાળ એટલે કે વિચારશ્રેણીનો રચનાકાલ સંવત ૧૪૪૨ એટલે કે ઇસવીસન ૧૩૮૬ બતાવ્યો છે. આમાં સાચું શું છે એ તો કોઈનેય ખબર નથી. વિચારશ્રેણીમાં વિક્રમ સંવત ૧૩૬૦ એટલે કે ઇસવીસન ૧૩૦૪માં રાજા કર્ણદેવ વાઘેલાનો અંત આવ્યો એવું જે કહ્યું છે જે મહદઅંશે ઇતિહાસમાં સાચું જ છે. પણ શું એ જ સત્ય છે એ ખરેખર તપાસવું રહ્યું. જ્યાં પણ કોઈ વાઘેલાવંશના ઇતિહાસની વાત આવે તો તેઓ આ મેરૂતુંગની વિચારશ્રેણીને જ ટાંકે છે. એનું કારણ એ છે કે તેઓ વાઘેલાવંશમાં થયાં હતાં અને તેમને જ સૌ પ્રથમ આ વાઘેલાવંશના રાજવીઓનો ઉલ્લેખ કર્યો હતો. વિકિપેડિયા એ આખરે તો માણસો પર જ આધારિત અને માણસો દ્વારા માણસો સુધી ઈતિહાસ પહોંચાડવાનું કામ કરે છે ને ! એટલે મેરુતુંગનો ઉલ્લેખ એમણે કર્યો એટલે બધાંએ મન મુકીને કરવાં માંડયો. પણ આ જ ઈતિહાસ છે એવું માની લેવાની ભૂલ જરાય ના કરાય. કેમ કે એમાં કમલાદેવીનાં નામનો ઉલ્લેખ સુદ્ધાં નથી. વિચાર શ્રેણી એ પ્રથમ ગ્રંથ જરૂર છે. વાઘેલાવંશની મહિતી આપણા સુધી પહોંચાડવા માટે પણ પછીના સાહિત્યકારો પણ આ જ વાત જુદી જુદી રીતે કરે છે ક્યારેક કલ્પનાની રંગપુરણીથી તો ક્યારેક ઢંગધડા વગરની વાતો કરીને. એમાં જ ઇતિહાસમાં એકમાંથી બીજાં પ્રશ્નો ઊભાં થયાં છે. જેમકે ખિલજીનું આક્રમણ એ તો અતિહાસિક સત્ય છે . એમાં મહામાત્ય માધવની સંડોવણી . માધવની સંડોવણી કેમ થઇ તો એમાં વાત આવી એમની પત્ની ક્મલાદેવીની. કમલાદેવીની વાત આવી એટલે રાજા કર્ણદેવની લંપટતાની વાત આવી. એમાં રાજા કર્ણદેવને કમલાદેવી સાથે પરણી જતો બતાવ્યો. એમના લગ્ન પછી એમણે એક પુત્રી દેવલદેવી થઇ, તો રાજા કર્ણદેવ હારી ગયાં પછી કમલાદેવીને અલાઉદ્દીન ખિલજી સાથે પરણતા બતાવી હવે મુસ્લિમ સાહિત્યકારો કુદી પડયા તો એમણે તો દેવલદેવીને પણ ખિલજીના પુત્ર ખિજ્ર ખાન સાથે પ્રેમ કરતાં અને લગ્ન કરતાં બતાવી . વાત એટલેથી ના અટકી તે આ દેવલદેવીને ખિજ્ર ખાનના મોત પછી એના પછી આવતાં સુલતાનની પણ રાણી બતાવી દીધી. આ બધું જ માત્ર માધવની સંડોવણીને યોગ્ય ઠેરવવા માટે જ થયું છે. કોઈકે તો આ ક્મલાદેવીને માધવની પુત્રી પણ કહી દીધી તો કોઈકે માધવના ભાઈ કેશવની પત્ની. આ બધું કરવામાંને કરવામાં તેઓ રાજા કર્ણદેવને યોગ્ય ન્યાય આપવાનું સદંતર ભૂલી જ ગયાં. એ તો સરસર ખોટું જ થયું છે. આ બધાં પ્રશ્નોનો યોગ્ય જવાબ મેળવવો જ જોઈએ. જે જવાબ હું આપવાનો જ છું આગળ જતાં નહીં અહીં જ એ પણ અત્યારે જ પછી નહીં !

મેરુતુંગ ઉર્ફે મેરુતુંગસુરિ ———

મેરુતુંગસુરિ આ સાહિત્યકાર નાગેન્દ્રગચ્છ ચંદ્રપ્રભસૂરિના શિષ્ય હતાં. તેમને પ્રબંધ ચિંતામણી નામે એક ગ્રંથ રચ્યો. આ ગ્રંથ તેમણે સંવત ૧૩૬૧માં વર્ધમાનપુર (વઢવાણ)માં પૂરો કર્યો એમ તેઓ પોતે જ ગ્રંથના અંતે જણાવે છે. આથી તેમની લેખન પ્રવૃત્તિ વાઘેલા કાલનાં અંત ભાગ દરમિયાન થઇ ગણાય. તેમણે પોતાનાં આ ગ્રંથમાં ગુજરાતના રાજવીઓ, મંત્રીઓ, સાધુઓ, નગરો વગરેની વિસ્તૃત પ્રમાણમાં માહિતી આપેલ હોઈ તેઓ ગુજરાત સાથે નિકટ નાં સબંધમાં હોવાનું ફલિત થાય છે.

પ્રાચીન ગુજરાતના ઈતિહાસલેખન પ્રવૃત્તિમાં આચાર્ય હેમચંદ્ર પછી મેરુતુંગાચાર્યનું નામ આવે છે.એમનો જ આ ” પ્રબંધ ચિંતામણિ” ગ્રંથ માટે વિખ્યાત છે. પ્રબંધ ચિંતામણિની પ્રસ્તાવનામાં મેરુતુંગ લખે છે કે —
“પૂર્વની વાતો સાંભળીને પંડિતોના મન તૃષ્ટિ પામ્યા નથી. હું મારાં પ્રબંધ ચિંતામણિ ગ્રંથમાં હમણાંના રાજાઓનાં વર્ણન મારી અલ્પમતિ છતાં શ્રમ લઈને કરું છું.” પ્રબંધ ચિંતામણિ” સદ્ગુરુ સંપ્રદાયમાંથી રચાયા છે અને તેમાં ધર્મદેવે બીજાં ઇત્ત્વૃત્તો કહીને મદદ કરી છે. મેરુતુંગ નોંધે છે કે —-

“જુનો ઈતિહાસ વારંવાર સાંભળેલો હોવાથી લોકોને આનંદ આપતો નથી. તેથી તેમણેસમકાલીન શાસકોનો વૃત્તાંત આપ્યો છે. ઇતિહાસની આધુનિક વ્યાખ્યામાં રાજકીય ઇતિહાસની સાથોસાથ ધાર્મિક, આર્થિક, સામાજિક અને અન્ય બાબતોને આવરી લેતી સંસ્કૃતિક બાબતો ઘણી મહત્વની બની જતી હોય છે. આ ગ્રંથનું મહત્વ સામાન્ય પ્રબંધગ્રંથો કરતાં વધારે છે. તેમનો આ ગ્રંથ ગુજરાતનો ઈતિહાસ જાણવા માટે ઉપયોગી ગ્રંથ છે. આ ઉપરાંત ગુજરાતની સાથે માળવાનો ઈતિહાસ તેમાં જાણવા મળે છે. એમાં જૈન સાધનોને આધારે મૈત્રકોનો અહેવાલ આપ્યો છે. મેરુતુંગે ફક્ત શાસકોના વખાણ જ નથી કર્યા પરંતુ એ સમયે ચૌલુક્યની એક શાખાની સત્તા ગુજરાતમાંથી લુપ્ત થઇ હોવામાં કેટલાંક સાસકોની ક્ષતિઓ પણ જણાવી છે. બાય ધ વે આ લખનાર પણ જૈન સાહિત્યકાર જ છે. વિક્રમ સંવત ૧૩૬૧ એટલે ઇસવીસન ૧૩૦૫. વાઘેલાઓના અંત પછીનો સમય. એમાં પુરતી વિગતો ના હોય એ સ્વાભાવિક છે. જે વાત છે એ તો વિચારશ્રેણીની છે જે તો આ પછી જ રચાયો છે. તેની વિશ્વસનીયતા કેટલી તે જરૂર સવાલ પેદા કરનારી છે.

જિનપ્રભસૂરિ ——

જિનપ્રભસૂરિએ “વિવિધતીર્થકલ્પ” અને “પુરાતનપ્રબંધ સંગ્રહ”નામની બે કૃતિઓ રચી છે. તેમાં ઈતિહાસલેખન વિદ્યાની દ્રષ્ટિએ “વિવિધતીર્થકલ્પ” અત્યંત મહત્વની રચના છે. પ્રબંધ ચિંતામણિ અને પ્રબંધકોશની વચ્ચેના સમયમાં રચાયેલી કૃતિઓમાં “વિવિધતીર્થકલ્પ” નોંધપાત્ર છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર વગરે પ્રદેશોના પચાસ જેટલાં જૈન તીર્થોનાં કલ્પો તેમાં આપેલાં છે. આ ગ્રંથની રચના ટુકડે ટુકડે ચાલીસ વર્ષોમાં થઇ. તેથી તેની રચના સમય ઇસવીસન ૧૩૦૮થી ઇસવીસન ૧૩૩૩સુધીનો માનવામાં આવે છે. જીન્પ્રભસૂરીએ જે જે સ્થળોની યાત્રા કરી છે તેણે વિષે એક કલ્પ સંસ્કૃત અથવા તો પ્રાકૃતમાં કરેલી છે. ગદ્યમાં કે પદ્યમાં લખ્યો છે. તેમ જ અનેક તીર્થસ્થાનોનો ઈતિહાસ અને તેનના વિશેની પ્રચલિત અનુશ્રુતિઓ પણ આપી છે. આજ કલ્પમાં મહામાત્ય માધવનો પણ ઉલ્લેખ થયો છે. “ધર્મારણ્ય” એ તો મોઢ બ્રાહ્મણ જ્ઞાતિનું એક પુરાણ છે જેનો રચનાકાળ જ એટલો લાંબો છે સંવત ૧૩૫૬થી સંવત ૧૫૦૦ એટલે ક્યારે અને કોણે મહામાત્ય માધવ વિષે લખ્યું હશે તે કહી શકવું અઘરું છે. આમે પુરાણો એ અનુશ્રુતિ જેવાં જ હોય છે. જે વાર્તા વાંચવામાં સારાં લાગે સમજવામાં અને પચાવવામાં નહીં. મુહણોત નેણસી તો ઇસવીસન્ની ૧૭મી સદીમાં રચાયું છે એટલે એટ બધાનું મિશ્રણ જ હોય એ સ્વાભાવિક જ ગણાય.
જેમાં સૌથી વધુ ખોટો ઈતિહાસ ચીતરાયો છે એ છે પદ્મનાભનું “કાન્હડ દે પ્રબંધ” જે સંવત ૧૫૧૨માં રચાયું હતું. એક બીજું પણ આવું જ રાસો કાવ્ય છે જોધરાજનું “હમીર રાસો ” તેમાં પણ ગુજરાતનો ઈતિહાસ ખોટો ચિતરવામાં આવ્યો છે.

આની ચર્ચા કરીએ એ પહેલાં અલ્લાઉદ્દીન ખિલજીનાં ગુજરાતના આક્રમણ વિષે થોડી ચર્ચા કરી લઈએ. અલાઉદ્દીન ખિલજી એ બહુ જ સમજી વિચારીને પોતાનાં સૈન્યને ગુજરાત પર ચડાઈ કરવાં પોતાનાં સૈન્યને આદેશ આપ્યો હતો. અલાઉદ્દીન ખિલજીની મહેચ્છા સમગ્ર ભારત પર રાજ કરવાની હતી. જેની શરૂઆત તે ગુજરાતથી કરવા માંગતો હતો . કેમ ગુજરાત પહેલું એ તો હું તમને આ પહેલાં જણાવી જ ચુક્યો છું એટલે એ વાત હું અહીં દોહરાવતો નથી. ગુજરાત તરફ આવતાં આવતાં રસ્તમાં જે જે પ્રદેશો આવતાં હતાં તે પણ તેણે જીતવાની ઈચ્છા થઇ અને તેણે તેમ કર્યું પણ ખરું ! અલાઉદ્દીન પહેલાં દિહી સલ્તનત એ પાકિસ્તાનથી લઈને બંગાળ સુધી જ સીમિત હતી આજે જેને આપણે ભારત કહીએ છીએ એનો ઉત્તર ભારત અને પૂર્વ ભાગ જ એમની સલ્તનતનો હિસ્સા હતાં. માળવા ગ્વાલિયર વગેરે તેમાં ભળ્યા હતાં રાજસ્થાનનો કેટલોક ઉત્તરી હિસ્સો પણ દિલ્હી સલ્તનતનો હિસ્સો હતો. તાત્પર્ય એ કે જે ગુલામ વંશ નહોતો કરી શક્યો અને જેની ચપટીક શરૂઆત થઇ હતી જલાલુદ્દીન ખિલજીનાં સમયમાં તેણે મોટાં પ્રમાણમાં કરી બતાવવાની ખ્વાઇશ ધરાવતો હતો આ અલ્લાઉદ્દીન ! મતલબ કે સામ્રાજ્ય વિસ્તાર પણ એની નેમ તો એક જ હતી ભારતના હિંદુઓણે મુસ્લિમ બનવવાની. એ એની તાકાત પર મુસ્તાક હતો તો ગુજરાત એનાં પૂર્વજોની સમૃદ્ધિ પર. ગુજરાતમાં કેવો સામનો થવાનો થવાનો છે એની તો એને એ વખતે ખબર નહોતી પણ વિજય એનો જ થશે એવું એ જરૂર માનતો હતો. ગુજરાત પર હુમલો પહેલા તો પાટણ પર જ કર્યો હતો અને એ જ એનું મુખ્ય લક્ષ્ય હતું. કારણકે રસ્તામાં પાટણ જ પહેલું આવે ભૌગોલિક દ્રષ્ટિએ. ગુજરાત પર હુમલો કર્યો ત્યારે એ બહુ આસાનીથી જીતી ગયો હતો .

હવે મારાં મનમાં જે પ્રશ્ન છે તે એ કે શું રાજા કર્ણદેવને ખબર પણ ના પડી કે એનું રાજ્ય તો છેક આબુ સુધી હતું તો છેક ખીલજીનું લશ્કર પાટણનાં દ્વારે આવી પહોંચ્યું તે ! રસ્તામાં એને કેમ ઘેર્યું નહીં અને આ મોડાસા વચ્ચે ક્યાંથી આવ્યું ? રસ્તો બદલ્યો હતો એટલે મોડાસા આવે પણ એ તો ખાલી કાન્હડદે પ્રબંધ જ કહે છે બીજાં કોઈ તો મોડાસાનો ઉલ્લેખ નથી કરતાં.

મોડાસા સામે મને કોઈ જ વાંધો નથી પણ છેક પાટણ સુધી રસ્તામાં કર્ણદેવની સેનાએ કેમ કશું ના કર્યું ? પાટણમાં પણ કર્ણદેવે એનો મુકાબલો કેમ ના કર્યો ? રાજપૂત થઈને એ મુકાબલો જ ના કરે એ વાત માંરે ગળે તો નથી જ ઉતરતી. ખરેખર તે સમયે શું બન્યું હતું એ તો ઈતિહાસ જ જાણે ! જિન્પ્રભસૂરિનાં કહ્યા અનુસાર તો રાજા કર્ણદેવ વાઘેલાનાં સૈન્ય અને ખિલજીના સૈન્ય વચ્ચે અસાવલમાં યુદ્ધ થયું હતું જેમાં ખિલજીની સેનાનો વિજય થયો હતો. પરંતુ આ પહેલાં તો પાટણ લૂંટાયુ હતું અને તૂટ્યું હતું.. રાજા કર્ણદેવ વાઘેલા અને તેમનાં કુટુંબને ત્યાંથી નાસી જવું પડયું હતું. પાટણ જીત્યાં પછી રાજપૂત સેનાએ ખિલજીની સેનાનો સામનો કર્યો હોય એવું બની શકે. પણ જેની શક્યતા ઓછી છે કારણકે પાટણની હાર પછી કર્ણદેવ ફરી રાજા બને છે એને અનુલક્ષીને આવું કૈંક બન્યું હશે તેવી માત્ર ધારણાઓ કરવામાં આવે છે જે હકીકતથી તો વેગળી જ છે.

ખિલજી પાટણ જીત્યાં પછી અસાવલ જીતીને ધોળકા તરફ વળ્યો હતો આ બધાં વચ્ચે બહુ સમય તો ગયો જ નથી. પણ કર્ણદેવ વાઘેલા એક માત્ર રાજપૂત રાજા એવો છે જે સામનો કર્યા વગર નાસી ગયો હોય એવું આ જૈન સાહિત્યકારો સાબિત કરવાં જ તુલ્યા છે જેની સામે મારો વિરોધ છે. વસ્તુપાળ અને તેજપાળ પણ મહામંત્રી હતાં થોડાંક સમય પહેલાં જ અને એ પણ આ જ સદીમાં તેમને મુસ્લિમશાસકની માતાને હજ માટે મદદ પણ કરી હતી એવી અનુશ્રુતિઓ પણ ઘણી પ્રચલિત થઇ છે. એમનાં અવસાન પછી જ આ સાહિત્યકારોના હાથે મંત્રીઓ અને રાજાઓને ઘણાં જ ખરાબ ચિતરવામાં આવ્યાં છે આને જ કારણે ઘણાં વિવાદોએ જન્મ લીધો છે. મંત્રીઓ અને રાજાઓ વચ્ચે કોઈ પણ જાતનો સુમેળ નહોતો એ વાત સાચી છે. સૈન્યમાં પણ કોઈ જાતનો મનમેળ નહોતો એ વાત તો આપણે પછી કરીએ જ છીએ. પણ આ એક જ રાજા વિષે આટલી હીન કક્ષાનું ચરિત્ર ચિત્રણ શા માટે ? રાજા કર્ણદેવ વિષે જ્યાં જ્યાંથી પણ ઉલ્લેખો પ્રાપ્ત થયાં છે તેમાં તેમની આવડત અને સાહસને બિરદાવાયા જ છે. રાજા ધાર્મિક હતાં અને એ યુદ્ધપ્રિય નહોતાં એવી વાત તો છેક મૌર્યકાળથી ચાલી આવી છે અને એનાં પ્રમાણો પણ આપણને ઈતિહાસમાંથી મળી જ રહેતાં હોય છે. એજ વાતને અહી લાગુ પડવાથી શો ફાયદો ? આ આખા ઈતિહાસકાલ વચ્ચે ૧૬૦૦ વરસનો તફાવત છે . અ વરસોમાં ઘણું બન્યું છે અને અને ઘણા આયામો પણ સિદ્ધ થયાં છે ગુજરાતમાં પણ અને ભારતમાં પણ ! રાજાની સાથે રાજાને છાજે જ એવું જ વર્તન કરાય ભલે પછી એ હાર્યો હોય કે જીત્યો હોય આ વાત રાજા પોરસની યાદ રાખવાં જેવી છે. પોરસ પણ હાર્યો નહોતો જ એ તો ઈતિહાસકારોએ એને હાર્યો એવું કહ્યું છે. જયારે રાજા કર્ણદેવ તો ખરેખર હાર્યો હતો પણ એ હાર બહુ વસમી હતી કારણ કે ગુજરાતમાંથી સમગ્ર રાજપૂત વંશ જ સમાપ્ત થઇ ગયો હતો. પણ એમાં એકલાં રાજા કર્ણદેવનો વાંક નથી સમગ્ર ગુજરાતી પ્રજા અને ગુજરાતી વિચારસરણીનો છે.

ખિલજીનું આક્રમણ એ કોઈના કહેવાથી નહોતું જ થયું. એને ગંગા પારના પ્રદેશો જીતવાં હતાં. ત્યાં વસતા મુસ્લિમોને સુરક્ષા પ્રદાન કરવી હતી એમનાં વેપાર-ધંધા વધારવા હતાં. મુસ્લિમોને નામે એને ભારતની આર્થિક સ્થિતિ સુધારવી હતી .ભારતમાં વસતાં અલ્પસંખ્યક મુસ્લિમોને આંતરરાષ્ટ્રીય વેપાર કરતાં કરવાં હતાં. આ બહાને એને ભારતમાં એકચક્રી શાસન કરવું હતું. કેટલાંક બનાવો જે ગુજરાતમાં બન્યાં હતાં તેનાથી ખિલજી વાકેફ જ હતો. મુસ્લિમોની સંખ્યા ભારતમાં વધારી શક્ય છે અને હિન્દુઓને હરાવીને, દબાવીને પરને ધાકધમકી થી એમની વહુ-દીકરીઓ પર અત્યાચાર કરીને મુસ્લિમ પણ બનાવી શકાય છે એવી એક મહત્વાકાંક્ષા સાથે તેણે ગુજરાત પર આક્રમણ કર્યું હતું. એનો સામનો રજપૂતો સાથે જ થવાનો છે અને રજપૂતો એક નથી અને અનેક નાનાં રાજ્યોમાં વહેંચાયેલા છે તેથી તેની વિશાળ સેનાને તેમને હરાવવામાં કોઈ જ વાંધો નહિ આવે એવું એ માનતો હતો અને એની માન્યતા સાચી પણ હતી. જેનો ભોગ આપણે બન્યાં છીએ છેક ત્યારથી તે અત્યાર સુધી. ચોક્કસ પણે ગુજરાતની પ્રજા લાલચમાં આવી ગઈ હતી એ વાત હું સ્વીકારું છું. પણ માત્ર મેરુતુંગ કહે છે તેમ એકલા મહામાત્ય માધવ કે મહામાત્ય કેશવને આમાં દોષિત તો ના જ ગણી શકાય. જે પાટણમાં બન્યું એવું તો ગુજરાતમાં બધે જ બન્યું છે . માત્ર કચ્છ પ્રદેશને બાદ કરતાં ખિલજીએ સમગ્ર ગુજરાતમાંથી રાજપૂતોનો ખાત્મો બોલાવી દીધો હતો અને આખાને આખા રાજપુત વંશો જ સમાપ્ત કરી દીધાં હતાં. ચલો માની લઈએ કે કર્ણદેવની હાર અને એનાં પતન માટે માધવ જવાબદાર હોય પણ સમગ્ર ગુજરાતમાં તો ઘણા રાજપુતોનું રાજ્ય હતું જેમણે બહાદુરીપૂર્વક ખિલજીનો સામનો કરેલો જ છે જેમાં સૌરાષ્ટ્રનું નામ પહેલું આવે છે. સૌરાષ્ટ્ર ખત્મ થઇ ગયાં પછી પણ જૂનાગઢમાં અને અન્ય ઠેકાણે રાજપૂત વંશો ફરીથી ગાદી પ્રાપ્ત કરવાંમાં સફળ રહ્યાં હતાં જેનું ઉત્તમ દ્રષ્ટાંત ચુડાસમા વંશ છે જે ખત્મ તો ઇસવીસનની ૧૫મી સદીમાં થયો હતો. કચ્ચ તો તે સમયે પણ ખિલજીના તાબામાં નહોતું અને એક માત્ર આ મેરુતુંગ જે માધવનો ઉલ્લેખ કરે છે એવી ઘટના ગુજરાતમાં તો બીજે નહોતી બની એ માં કોઈ જ કેમ માધવ જેવાં મંત્રીઓનો ઉલ્લેખ નથી. આ જ મેરુતુંગ એ રાજા સારંગદેવ અને રાજા કર્ણદેવને પણ બિરદાવતા નથી. કોઈએ પણ વાઘેલા વંશમાં કરાયેલાં સ્થાપત્યોનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો નથી .

માધવ અને કર્ણદેવના અવસાન પછી જ મેરુતુંગે પ્રબંધચિંતામણિ ગ્રંથની રચના કરી હતીઅને વિચારશ્રેણી તો ત્યાર પછી ઘણાં વર્ષે રચાયેલો ગ્રંથ છે. આ પ્રબંધચિંતામણિ એ વઢવાણમાં જ રચાયેલો ગ્રંથ છે જ્યાં રાજા સારંગદેવ અને રાજા કર્ણદેવના સમયમાં બનેલી કુલ પાંચ વાવો છે. જેમાં મુખ્ય છે માધાવાવ. આ વાવને વિવાદમાં નાંખવાનું કામ પણ એ રાજા કર્ણદેવના સમયમાં રચાયેલા ગ્રંથોએ જ કર્યું છે કારણ કે તેમણે એનો ઉલ્લેખ સુદ્ધાં નથી કર્યો. આ વાત આપણે અલગ લેખમાં ચર્ચીશું. મારો કહેવાનો મતલબ એ છે કે કેમ મેરુતુંગે આ વાવનો ઉલ્લેખ ના કર્યો ? અકલમંદ કો સિર્ફ ઇશારા હી કાફી છે. ઉલ્લેખો અને પ્રશસ્તિઓ તો સત્કાર્યો અને વિજ્યોના જ થાય એટલે જ રાજા કર્ણદેવ અને માધવ -કેશવ ખરાબ ચિતરાયા છે. ભલે હું બ્રાહ્મણ છું પણ જો માધવે તેમ કર્યું હોય તો એનો વાંક જ ગણાય હું એમાં એનો બચાવ નથી કરતો કારણકે હું એક પ્રખર ચુસ્ત હિંદુ છું અને ભારતીય છું . પણ સવાલ એ છે કે જો એમ થયું હોય તો જે એમ થયું જ નથી વાંધો જ મને ત્યાં છે. ખિલજી નું આક્રમણ એ મહામાત્ય માધવના કહેવાથી નહોતું થયું અને જો થયું હોય તો એનાં કારણો આપવામાં મેરુતુંગ તો શું બધાં જ સાહિત્યકારો અને ઈતિહાસકારો નિષ્ફળ નિવડયાં છે. આ વાત કેમ આપણે હજી સુધી નથી સ્વીકારતાં! આમાં તો માધવને આગળ કરવામાં આ સાહિત્યકારો તો રાજા કર્ણદેવને પણ અન્યાય કરી બેઠાં છે !

મેરુતુંગ આમ તો ભારતમાં શકોના હુમલાની વાતો કરે છે અને ભગવાન મહાવીરના સિદ્ધાંતોનેણે આપણી સમક્ષ મૂકી આપે છે તો એમને ભારતમાં આ જ સમયગાળા દરમિયાન શું શું બન્યું હતું એની ખબર નથી કે શું? આ અને આવી અનેક ઘટનાઓનું ખોટું નિરૂપણ બીજે બધે પણ થયું છે. પહેલી વાત તો એ કે વાઘેલા વંશની કઈ શાખા તે જ તેઓ કહી શક્યાં નથી જ . માધવે આક્રમણ માટે મુસ્લિમોને લાવવાની કસમ ખાધી એ તો ચાણક્ય જેવી જ વાત થઈને એમાં એમણે કશું નવું તો કહ્યું નથી. જિનપ્રભ સૂરિ એ તો પ્રવાસી હતાં અને તીર્થયાત્રાને પ્રાધાન્ય આપતાં હતાં તેઓએ આ સ્થળોની માત્ર મુલાકાત લીધી છે એટલે કહી-સુની વાતોનો જ એમણે સહારો લીધો છે. પણ ગુજરાત પર આક્રમણ થયું પછી ક્યાં ક્યાં આક્રમણ થયું અને તેમાં શું શું બન્યું તેની તો કોઈને ખબર જ નથી જો ગુજરાત પર આક્રમણની વાત કરતાં હોય તો એમણે એ વાત કરવી જ જોઈતી હતી. માત્ર ગુજરાતનો ઈતિહાસ રજુ કરવાનો હોય તો વાત જુદી હતી. આમાં એવું નથી બન્યું એટલે એમણે સાંપ્રત ઘટનાઓનો ખ્યાલ રાખવો જોઈતો હતો.

ખિલજીએ ગુજરાત પર આક્રમણ કરી ગુજરાતને તો તહસનહસ કરી નાંખ્યું. એમાં માધવની વાત મેરુતુંગે કરી હતી એ વાત સાચી અને રાજા કર્ણદેવ હાર્યો હતો એ વાત પણ સાચી. પણ પછી બધાં સાહિત્યકારોએ માધવની પત્ની કે કેશવની પત્ની કમલાદેવીને રાજા કર્ણદેવની પત્ની બતાવી એનો પણ કંઈ વાંધો નથી. એક વાત તો છે કે આ કમલાદેવીનો ઉલ્લેખ નથી કર્યો મેરુતુંગે કે નથી કર્યો જિનપ્રભસુરિએ. એ વી ઉપજાઉ વાત આવી સૌપ્રથમવાર “કાન્હડદે પ્રબંધ”માં , પછી “હમીરરાસો”માં આછડતો ઉલ્લેખ આવ્યો. પછી મુસ્લિમ સાહિત્યકારો આના પર પોતાનો રોટલો શેકવા બેસી ગયાં જેમાં ભાટ ચારણોની કથાઓએ પણ બહુ ભાગ ભજવ્યો. મુહણોત નેણસીએ પણ આનો ઉલ્લેખ કર્યો છે. વધારે પડતું ખરાબ તો મોઢ બ્રાહ્મણનાં “ધર્મારણ્ય” જ્ઞાતિ પુરાણમાં લખાયેલું છે. કમલાદેવીનું નામ સૌ પ્રથમવાર પ્રકાશમાં લાવનાર તો આ “કાન્હડદે પ્રબંધ” જ છે. પણ તેમાં આ કમલાદેવી એ માધવની પત્ની હતી જેનું હરણ રાજા કર્ણદેવે કર્યું હતું એમ કહ્યું છે. પછીની વાતો એ અનુશ્રુતિઓ જ છે જેને મુસ્લિમ સાહિત્યકારોએ ખિલજીની પત્ની બનાવી દીધી. “કાન્હડદે પ્રબંધ”માં રાણી રાજા કર્ણદેવ સાથે પગપાળા નાઠી પોતાનાં બાળકો સાથે અને એમને નાસડવામાં મહામાત્ય માધવનો જ હાથ હતો પછી માધવ સોમનાથના દ્વારે થયેલાં યુધમાં ખપી ગયો એટલી જ વાત છે પણ એ બધું જ ખોટું છે. ખોટાંપણાની હદ “કાન્હડદે પ્રબંધ”માં વટાવાઇ જ ગઈ છે. એનો પુરાવો છે કાન્હડદે સોનીગરાનો પુત્ર વિરમદેવ એ ખિલજીની પુત્રી ફિરોઝાના પ્રેમમાં પડે છે અને બન્નેનો કરુણ અંત આવે છે. હકીકતમાં તો અલ્લાઉદ્દીન ખિલજીને ત્રણ પુત્રો હતાં અને એને કોઈ પુત્રી તો હતી જ નહીં. એટલે “કાન્હડદે પ્રબંધ” પર ઘણા સવાલ ઉઠે એ સ્વાભાવિક છે. એટલે એ માનીને જ ચાલવું જોઈએ કે કમલાદેવીનું નામ પણ ખોટું હશે એટલે એ કમલાદેવી એ ખિલજીની પત્ની બન્યાં જ નહોતાં.

આ વાતને આગળ વધારી વધારીને કમલાદેવી એ ખિલજીનાં સૈન્યના હાથે પકડાયા અને તેમને દિલ્હી જઈ જવામાં આવ્યાં અને ત્યાં તેમને ખિલજી સાથે લગ્ન કરવાની ફરજ પડી. આવી વાતો ભાટ ચારણોએ ઓછી કરી છે અને ખુશરો જેવાં મુસ્લિમ સાહિત્યકારોએ વધુ . દુખ તો એ વાત નું છે કે એમણે પણ કમલાદેવીને પત્ની બનાવી દીધી ! હવે કેટલીક સમકાલીન ઘટનાઓ પર પ્રકાશ પડવો અત્યંત જરૂરી છે.

૨૫ ફેબ્રુઆરી ૧૨૯૯ ના રોજ, અલાઉદ્દીને તેની સૈન્યને ગુજરાતની કૂચની તૈયારી કરવાનો આદેશ આપ્યો.વસાફના જણાવ્યા અનુસાર, સેનામાં ૧૪૦૦૦ ઘોડેસવાર અને ૨૦૦૦૦પાયદળનો સમાવેશ થતો હતો. નુસરત ખાનના નેતૃત્વમાં સેનાના એક વર્ગની દિલ્હીથી કૂચ શરૂ થઈ. ઉલુગખાનની આગેવાની હેઠળનો બીજો એક ભાગ સિંધથી કૂચ કરીને રસ્તામાં જેસલમેર પર હુમલો કર્યો. બંને વિભાગ ચિત્તોડની નજીક ક્યાંક મળ્યા, અને પછી મેવાડ થઈને ગુજરાત તરફ પ્રયાણ કર્યું. દિલ્હી સૈન્યની કૂચની શરૂઆત માટે મધ્યયુગીનનાં વિવિધ ઇતિહાસકારોને વિવિધ તારીખ (૧૨૯૮ થી ૧૩૦૦ સુધીની) આપવામાં આવી છે. સોમનાથ ખાતે મળેલ શિલાલેખ સ્પષ્ટરૂપે સૂચવે છે કે જૂન ૧૨૯૯ માં ત્યાં યુદ્ધ થયું હતું. તેથી, આ આક્રમણ ચોક્કસપણે આ તારીખ પહેલાં થયું હશે. ખિલજીની સેનાએ રણથંભોર (ઇસવીસન ૧૩૦૧). ચિત્તોડ (ઇસવીસન ૧૩૦૩) માળવા (ઇસવીસન ૧૩૦૫), સીવાના (ઇસવીસન ૧૩૦૮) અને જાલોર (૧૩૧૧) ઉપર આક્રમણકરી તેમને જીત્યાં હતાં. આમાં પરમાર વંશ, ચૌહાણ વંશ રણથંભોરનો અને ઝાલોરનો અને ચિત્તોડના ગુહુહિલ્લા રાવલ વંશનો પણ ગુજરાતના વાઘેલા વંશની જેમ અંત આણ્યો હતો. જેસલમેર પરનું ખિલજીનું આક્રમણ એ ફળદ્રુપ સાહીત્યકારોની પેદાશ માત્ર છે જેનું કોઈ સાક્ષ્યપ્રમાણ મળતું જ નથી. ખિલજીએ જે મલિક કાફૂર દ્વારા જે એ ખિલજીનો ગુલામ હતો તેનાં દ્વારા દક્ષિણના દેવગિરિ (૧૩૦૮) વારંગલ (૧૩૧૦) ઉપર પણ વિજયો મેળવ્યા હતાં. આમ એને વિંધ્યની પેલે પર પણ વિજયો પ્રાપ્ત કરી તેમની ધનસંપત્તિ લુંટી એમને ખંડિયા રાજાઓ બનવ્યા હતાં. આમાં પણ ઘણા રાજવંશો સમાપ્ત થઇ ગયાં હતાં.આ મલિક કાફૂર એ ગુજરાતના આક્રમણ વખતે જ કમલાદેવીની સાથે જ દિલ્હી લઇ જવાયેલો એક ગુલામ હતો. જે પછીથી ખિલજીનો અતિપ્રિય સેવક બનીને રહ્યો હતો અને આ દક્ષિણભારતના અભિયાનો એ મલિક કાફૂરની આગેવાનીમાં જ કરાયો હતાં.

રણથંભોર, ચિત્તોડ અને ઝાલોરમાં એક વાત સામાન્ય છે તે છે વિશ્વાસઘાતની જો કે એ બધું જ સાહિત્યની જ પેદાઇશ છે. રણથંભોરનાં દુર્ગને ૯ વરસનો ઘેરો ઘાલ્યો હતો એ વાત ઇસવીસન ૧૩૦૧માં રણથંભોર પર કબજો મેળવ્યો તેમાં સાચી જણાતી નથી. ખિલજી સત્તા પર જ ઇસવીસન ૧૨૯૬માં આવ્યો હતો. ઈસ્વીસન ૧૨૯૬થી ઇસવીસન ૧૩૦૧ તો પાંચ વર્ષ થાય કંઈ ૯ વરસ ના થાય. જલાલુદ્દીન તો હારીને પાછો જતો રહ્યો હતો.એટલે એ વાત તો ગણતરીમાં લેવાય જ નહીં વાત અલાઉદ્દીનની થતી હોય તો અલાઉદ્દીનની જ કરવી જોઈએ બીજાં કોઈની નહીં.! રણથંભોરમાં દુર્ગનો રસ્તો બતાવવા અને ખોલી આપવાં માટે ૩ માણસોને લાલચ આપીને વિસ્વાસઘાત કરવાં માટે ઉપસાવ્યા હતાં જે ત્રણે નગરજનો બ્રાહ્મણ હતાં એવું “હમીર રાસો ” કહે છે. એ પણ માની લઈએ તો ચિત્તોડનો રાઘવ ચેતન ખિલજીને પદ્માવતીની ખુબસુરતીનાં વખાણ કરી એને ચિત્તોડ પર આક્રમણ કરવાં પ્રેરનાર પણ એ રાઘવ એ કદાચ બ્રાહ્મણ જ હતો. આમ ત્રણે જગ્યાએ સરખું બન્યું છે ગુજરાત, રણથંભોર અને ચિત્તોડ છતાં એકબીજાં સમકાલીન સાહિત્યમાં એનો ઉલ્લેખ સુદ્ધાં નથી. કાન્હડદે પ્રબંધમાં ચિત્તોડની ઘટનાનો ઉલ્લેખ નથી તો હમીર રાસોમાં પણ ચિત્તોડની વાત નથી જ કરવામાં આવી. ચિત્તોડ, રણથંભોર અને જેસલમેર ગણો તો જેસલમેર એમાં રાણીઓ સતી થઇ છે પોતાની બધી દાસીઓ અને નગરની બધી સ્ત્રીઓને લઈને. કરાતું જૌહરનું રણથંભોરનું વર્ણન “હમીર રાસો”માં છે જયારે ચિત્તોડનું અતિપ્રખ્યાત રાણી પદ્માવતીનું જૌહર જે સત્ય પણ છે અને સાબિત પણ થઇ છુક્યું છે એ ઘટના સાહિત્યમાં આવે છે છેક સોળમી સદીની મધ્યમાં મલિક મહંમદ જાય્સીના “પદમાવત”માં . હવે આ ઘટનાઓ તો ઘટેલી જ છે છતાં એક બીજાં રાજ્યોને તેની ખબર સુદ્ધાં પણ નથી. એની વાત કોઈપણ સમકાલીન સાહિત્યમાં થઇ જ નથી. પદ્માવતીને પામવાની ઘેલછા પણ ખિલજીને હતી એમાં જ ખિલજીને નામોશી મળી. ન પદ્માવતી મળી કે ન મળ્યું ચિત્તોડ જીત્યું હોવાં છતાં પણ. રણથંભોરમાં પણ કૈંક આવું જ બન્યું હતું રાણીઓએ જૌહર કર્યું પછી થોડોક સમય રણથંભોર દુર્ગ ખિલજીના કબજામાં રહ્યો હતોઅને પછી પાછાં રજપૂતોએ એનો કબજો પાછો મેળવી લીધો હતો. એક માત્ર ગુજરાત જ એવું છે જેનો રાજા નાસી જાય છે એની રાણી ખિલજીની પત્ની બને છે અને હાર્યા પછી રાજા કર્ણદેવ કોઈક રીતે એ ગાદી ત્રણેક વર્ષ માટે પાછી મેળવે છે. તો માત્ર ગુજરાત પર જ ફરી હુમલો થાય છે અને રાજા કર્ણદેવને ફરી હારનો સમાનો કરી દળદળ ભટકવું પડે છે. ગુજરાતમાંથી તો રાજપૂતો પણ ગયાં અને એમની રાણી પણ ! ગુજરાતની ઘટના ઈસ્વીસન ૧૨૯૯ની પહેલાં બની છે અને બાકીની પછી તેમ છતાં કોઈપણ ગુજરાતના સાહિત્યકારોએ આ રણથંભોર અને ચિત્તોડની ઘટનાનો ઉલ્લેખ પણ નથી કર્યો . જે આ પહેલાં ચાહમાનો અને મેવાડ ઉપર કુદમકુદ કરતાં હતાં તેમનું મૌન ઈસ્વીસન ૧૩૦૫માં ખટકે તો ખરું કે નહીં મનમાં. ક્મલાદેવી જો ખિલજીના પત્ની બન્યાં હોય તો એ બનતાં પહેલાં એ સતી કેમ ન થયાં ? કારણકે માત્ર દોઢ જ વર્ષ પછી રાણી પદ્માવતી સેંકડો સ્ત્રીઓ સાથે સતી થયાં હતાં. રણથંભોરમાં પણ રાણીઓ સતી થઇ હતી તો પછી રાણી ક્મલાદેવી કેમ નહીં ! જો તેઓ પત્ની જ બન્યાં હોય ખિલજીની તો તો તેઓ પદ્માવતીની દુર્ઘટના નિવારી શક્યાં હોત કે એમની સાથે પણ સતી થઇ શક્યાં હોત, બાય ધ વે ક્મલાદેવીને ખિલજીની પત્ની બનવવામાં મુસ્લિમ સાહિત્યકારોનો વધુ હાથ છે જેને અનુમોદન આપ્યું છે આપણા જ સાહિત્યકારોએ ત્યારે નહીં તો ૨૦મી સદીમાં. એમની જ આ ભૂલ એકને નહીં પણ અનેકોને નવલકથા લખવાં પ્રેરે એ સવાભાવિક જ ગણાય ને! કારણકે પ્લોટ તો આ પહેલાંનો તૈયાર થઇ ચુક્યો હતો એ જ વાત આજે આપણે હોંશેહોંશે વાંચીએ છીએ અને ભણીએ પણ છીએ. જે ઈતિહાસ જ નથી એને આપણે ઈતિહાસ માની બેઠાં છીએ !

ટૂંકમાં….. માધવવળી વાત સાથે હું સહમત નથી એ માત્ર એક સાહિત્યિક કલ્પના છે અને કમલાદેવીની ઘટના પણ સાહિત્યિક જ છે જેને વાસ્તવિકતા સાથે કે ઈતિહાસ સાથે કોઈ જ લેવાદેવા નથી. આવી મુર્ખામીને કારણે જ રાજા કર્ણદેવને ખરાબ ચિતરવામાં આપણે કોઈ જ કમી નથી રાખી. હજી કેટલોક ઘટસ્ફોટ કરવાનો બાકી છે જે ભાગ – ૪માં આવશે. ભાગ -૩ સમાપ્ત ભાગ – ૪ હવે પછીનાં લેખમાં !

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! હર હર મહાદેવ !!

——— જનમેજય અધ્વર્યુ.

આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!