આઝાર વૃદ્ધાસહિત મહારાજ રાત્રિના પ્રથમ પ્રહરની શરૂઆતમાં જ સ્થાનકે પોંહચી ગયા. મૂડિયાઓ હજી જાગતા હતા. છેવાડે આવેલી એક કુટિરમાં મહારાજે વૃદ્ધાને એક ઘાસની પથારીમાં સૂવડાવી દૂધ પીવડાવ્યું, શાંતિ થવાથી વૃદ્ધા નિદ્રાધીન થયા.
ત્યાર પછી, મહારાજ તથા સાદુળ ભગતે સ્નાન કર્યું. પહેરેલાં વસ્ત્રોને પણ ધોઈ નાખીને સૂક્વી દીધાં. થોડુંક ભોજન કર્યું. સાદુળ રાત રોકાઈ ગયા, રાત્રે તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ હતી.
સવારના સૂર્યોદય સમયે જાગ્યા ત્યારે મહારાજ તો પેલી આઝાર વૃદ્ધાની સારવારમાં મગ્ન બની ગયા હતા. નિત્યક્રમથી તે પરવારીને આશ્રમમાં ફરવા લાગ્યા.
મૂંડિયાઓ વાળવાનું કામ કરી રહ્યા હતા. ભાવિકજનોની આવ-જા શરૂ થઈ ગઈ હતી. મહારાજની પૃચ્છા થતી હતી; ધીમે ધીમે લોકોએ મુંડિયાઓ પાસેથી ગઈકાલની વાત જાણી લીધી. વાડની નજીક જઈને ટોળે વળીને જોવા લાગ્યા, તો મહારાજ આઝાર વૃદ્ધાના જખમોને લીમડાના પાનવાળા ગરમ પાણીથી સાફ કરતા હતા. સાથેસાથે તેની જોડે વાતો પણ કરતા જતા હતા. આ જોઈને લોકોમાં ચણભણાટ થવા લાગ્યો.
‘મારાજને આ શું સૂજ્યું? આવી રગતપિત્તહીને ઉપાડી લાવ્યા ? થાનકને અભડાવી માર્યું. હવે આંઈ આવવા જેવું રયું નથી.’ આવી વાતો થવા લાગી અને લોકો વિદાય થવા લાગ્યા.
આઝાર વૃદ્ધાની સારવાર કરી, દૂધ પીવડાવીને પથારીમાં સૂવડાવીને મહારાજ પધાર્યા, સાદુળે તેમને પ્રણામ કર્યા, મહારાજે તેના મસ્તક ઉપર હાથ મૂકીને મૂક આશિષ આપ્યા. સાદુળ વિદાય થયો. મહારાજ તેમના નિત્યકર્મમાં પ્રવૃત્ત થઈ ગયા.
દેવીદાસજી મારાજ આશરમમાં એક રગતપિત્તણી ડોશીને લઈ આવ્યા છે, અને એની સારવાર કરે છે. એ વાત વાયુવેગે ફરતા પંથકમાં ફેલાઇ જવાથી તેના પ્રત્યાઘાત રૂપે આશ્રમમાં ભક્તજનોની અવર જવર બંધ થઈ ગઈ હતી. કોઈ આવી ચડતાં તે પણ ઝટઝટ વિદાય થઈ જતાં હતાં. એટલું જ નહિ પરંતુ મહારાજ ભિક્ષાટન માટે જતા ત્યાં પણ લોકોની ઉદાસીનતા જોવા મળતી હતી. સહુ છેટે રહેવાનો પયત્ન કરતા હતા. બાઇઓ છેટેથી જ ભિક્ષા આપી દેતી હતી. કોઈ પ્રેમથી બોલાવતું નહોતું. સવેત્ર ઉપેક્ષા જ થતી હતી. લોકોને મહારાજનું આ કૃત્ય જરા પણ ગમતુ ન હતું,
પરંતુ સામે ચાલીને મહારાજને રૂબરૂ કહેવાની હિંમત પણ ન હતી, એટલે સહુ મનમાં સમસમી રહ્યાં હતાં.
લોકોના વિરોધની લેશ પણ પરવા કર્યા વગર મહારાજ તો તેમના સેવાકાર્યમાં લીન રહેતા હતા. તેમની પ્રેમભરી સારવારના પરિણામે આઝર વૃદ્ધાની તબિયતમાં ઠીક-ઠીક સુધારો થઇ રહ્યો હતો. રોગનું પ્રમાણ વધવાને બદલે ઘટવા લાગ્યું હતું. જખોમાં રૂઝ વળવા લાગી હતી. નવું લોહી પણ ભરાવા લાગ્યું હતું વૃદ્ધાના ચહેરા ઉપર તાજગી દેખાઈ રહી હતી. પોતાને નવજીવન આપનાર મહરાજને સાક્ષાત ભગવાન માનીને વૃદ્ધા તેમના પ્રત્યે અનન્ય ભક્તિભાવ ધરાવવા લાગી હતી.
સમય સરતો જતો હતો. અઢીએક મહિના વીતી ગયા હતા. વૃદ્ધાનો જીવલેણ રોગ હવે પૂરો કાબૂમાં આવી ગયો હતો. હવે તે આશ્રમમાં હરફર પણ કરતી હતી, પરંતુ લોકોની ભડક હજી એવી ને એવી જ હતી. આવતાં-જતાં બે ઘડી વિસામો લેવા જેવા અંતરિયાળ સ્થાનકમાં આવ-જા થઈ શકતી નહિ હોવાથી લોકો અકળાઈ રહ્યા હતા એટલે ફરતા પંથકના ગામોના એક-એક, બબ્બે આગેવાનોએ ભેળા થઈને મહારાજને સમજાવવાનો નિર્ણય કરીને સવારમાં જ આશ્રમે આવ્યા.
મહારાજ રોગિણી વૃદ્ધાની સારવાર કરતા હોવાથી તેમની વાટ જોઈ બેઠા થોડીવારે મહારાજ હાથ-પગ ધોઈને આસને પધારતાં આગેવાનોએ પ્રણામ કર્યા.
તેઓના આગમનનો હેતુ સમજી જવાથી મહારાજ પ્રેમપૂર્વક ખબરઅંતર પૂછવા લાગ્યા.
વાતની શરૂઆત કેવી રીતે કરવી તેની સારી પેઠે વિમાસણ અનુભવ્યા પછી એક વાતની શરૂઆત કરી અને પછી તો સહુએ સાથે મળીને રક્તપિત્તણી વૃદ્ધાને તેના નસીબ ઉપર નસીબ ઉપર છોડી દેવા માટે મહરાજને સમજાવવા લાગ્યા: ‘માંડ આશરમ જાગતો થયો છે ઇ ભાંગી પડશે. તમારી મેનત ઉપર પાણી ફરી વળશે !’ એ વાર વારંવાર દોહરાવતા રહ્યા. મહારાજ શાંતિથી સાંભળી રહ્યા હતા
તેઓનું કથન પૂરું થયા પછી મહારાજ ધીરગંભીર સ્વરે બોલવા લાગ્યા: જુઓ ભાઈઓ, આ સ્થાનક કોઇનું ‘સુવાંગ નથી, સહુનું છે; વળી સત્ત ધરમનું સ્થાનક છે; જેનું મન માને ઈ આવે, ન માને ઈ ન આવે! કોઈ આવશે નંઈ એવી બીકને લીધે હું મારો ધરમ નઈ ચુકુ? મારું કામ સાચું છે કે ખોટું? એ તો સમય પોતે જ કહેશે. મારા રામ મને કહી રહ્યા છે કે, મારું કાર્ય સાચું છે, પછી દુનિયાની શું પડી છે? ભેખ લીધો છે, ઈ સમજી વિચારીને જ લીધો છે, મારે સેવકોની અને મંદિર-માળિયાની પડી નથી. હું તો રમતો રામ છું! દ્રઢ સ્વરે જણાવ્યું.’ લોકો ચૂપ બેસી રહ્યા.
બે એક ક્ષણ શાંત રહીને મહારાજ આગળ બોલ્યા, ‘આજથી મેં નિર્ધાર કર્યો છે કે, આ એક વૃદ્ધા જ નહિ પરંતુ આજથી જે કોઈ રક્તપિત્તિયાં આ સ્થાનકે આવશે. તે તમામની ચાકરી કરીશ. આ થાનક રક્તપિતિઆઓનું જ છે. સરભંગ ઋષિ પણ કોઈ કોઢિયા જ હતા ને?એટલે કોઢિયાઓનો હક્ક પહેલો છે. જેને કયાંય આશરો ન હેય એ સહુનો આશરો આજથી આ સ્થાનક થશે!’ તેમણે પોતાનો નિર્ધાર સ્પષ્ટ રીતે વ્યક્ત કરી દીધો. લોકો હતાશ બનીને વિદાય થઈ ગયા.
ત્યાર પછી મહારાજે મધ્યાહન-સમયે ‘હરિહર’ કરતી વખતે મૂંડિયાંઓ તેમજ ટેલવાંઓને પણ પોતાના ઉપરોક્ત નિર્ણયની વાત કહીને જેને જવું હોય તેને છૂટ છે, રે’વું હોય, એણે આ કામ અંગે જરાય સૂગ રાખવી નંઇ ? કોઇને કાંઈ થાય નંઈ એની જવાબદારી મારી છે. એમ સ્પષ્ટતા કરી દીધી.
પરંતુ તેઓને બીજે આશરો જ ક્યાં હતો ? વળી મહારાજ જેવા પ્રેમાળ આશ્રયદાતા પણ ક્યાંથી મળે ? એટલે કોઈ જવા તૈયાર થયા નહિ, સહુ પોતપોતાનું કાર્ય કરતા રહ્યા.
આ વાતની જાણ થઈ જવાથી રક્તપિત્તિયાંઓની સંખ્યા ધીમે ધીમે વધવા લાગી હતી. મહારાજ તેઓને પ્રેમપૂર્વક અપનાવી લઈને સાર–સંભાળ લેતા હતા.
તેમણે ઘરગથ્થુ ઓસડિયાં વડે સારવાર કરવાનું રાખ્યું હતું. ખાખરાની, પીપળાની તેમજ બાવળાની છાલો, આવળનાં મૂળિયાં, ગળો તથા લીમડાની અંતરછાલ વગેરેને તડકામાં સૂકવીને ઝીણી ભૂકી કરી રાખતા હતા. રોગીઓના જખમોને પ્રથમ આવળનાં મૂળિયાં નાખીને ઉકળેલા પાણી વડે સાફ કરીને પેલી છાલોની ભૂકી ભભરાવી દઈને પાટા બાંધી દેતા હતા, ગળોની ભૂકી ખવડાવતા હતા, તેમ જ લીમડાની અંતરછાલ નાખેલા ઘડામાંથી પાણી પીવડાવવાની ગોઠવણ કરતા હતા; ખોરાકમાં દૂધ-રોટલો જ દેતા હતા. આથી રોગીઓનો રોગ વધતો અટકી જઇને ધીમે ધીમે સુધારો થતો જતો હતો.
આ ઉપરાંત અસાધ્ય રોગીઓની સારવાર માટે મહરાજે એક નવો પ્રયોગ શરૂ કર્યો હતો; જમીનમાં એક માણસ સૂઈ શકે એવો લાંબો ડોઢેક હાથ ઊંડો ખાડો ખોદીને તેમાં રોગીને સુવડાવીને મોઢું બહાર રહે તેમ રાખીને બાકીના ભાગમાં માટી દાબી દેતા હતા. સૂર્યોદય થયાથી મધ્યાહન સુધી આમ સુવડાવી રાખતા હતા; ધરતીમાતા રોગીના શરીરમાં વ્યાપેલા વિષરૂપી પાસ–પરુને ચૂસી લેતા; મોડેથી રોગીને બહાર કાઢીને અન્ય સારવાર કરતા હતાં, ધીમે-ધીમે રોગી નવચેત પ્રાપ્ત કરવા લાગતા હતાં. મહારાજને માનવસેવાનું એક અભિવન ક્ષેત્ર હાથ લાગી ગયું હતું. એટલે લગનપૂર્વક એને અપનાવી રહ્યા હતા.
લડાઈ ધીંગાણાંઓનો જમાનો હોવાથી લુલાં, પાંગળા, અનાથોની સંખ્યા રોજ રોજ વધતી જતી હતી. એવા સર્વ અભ્યાગતોને મહારાજ પ્રેમથી અપનાવી લઈને આશરો આપતા હતા.
ચારેક મહિના વધુ વીતી ગયા, ચૈત્ર-વૈશાખની ધોમ-ધખતી ગરમી પ્રાણીમાત્રને અકળાવી રહી હતી, સમયના વહેવાની સાથે લોકોની ભડક પણ ધીમે-ધીમે ઓસરવા લાગી હતી, મહારાજની ઉપેક્ષા થતી હતી, તેને બદલે હવે સદ્ભાવ તેમ જ માન પણ ઉત્પન્ન થવા લાગ્યું હતું. સેવકોની અવરજવર શરૂ થવા લાગી હતી, અને ધીમે-ધીમે વધતી રહીને હવે તો પૂર્વવત પરિસ્થિતિ પણ થઈ ગઈ હતી. એ જોઇને મહારાજ પ્રસન્નતા અનુભવી રહ્યા હતા. તેમની નિસ્વાર્થ ભક્તિનો આ જવલંત વિજય હતો.
ભાગ-૯ ક્રમશઃ પોસ્ટ…
સંદર્ભ-ગ્રંથોઃ
અલખ જ્યોત- દેવીદાસ બાપુના વંશજો દ્રારા સંપાદન
અમર સંત દેવીદાસ-હરસુર ગઢવી
પુરાતન જ્યોત-ઝવેરચંદ મેધાણી
લેખક-પ્રકાશક:
શ્રી માંડણપીર બાપુની જગ્યા
સતદેવીદાસ બાપુની જન્મ ભૂમિ માંડણપીર ધામ, મોટા મુંજીયાસર તાલુકો.બગસરા જીલ્લો.અમરેલી
મો.9408899968 / 9426162860
પ્રેષિત-સંકલન:
મયુર. સિધ્ધપુરા – જામનગર
મો.9725630698
- સત દેવીદાસબાપુની જન્મભૂમી મોટા મુંજીયાસર ગામનો પરિચય
- દેવીદાસબાપુના પૂર્વજોનું વૃતાંત
- દેવંગી સત્ દેવીદાસનો જન્મ
- સત્ દેવીદાસબાપુ અને હિરબાઇમાના વિવાહ અને હિરબાઇમાની સમાધી
- સત્ દેવીદાસજીની સાધુ જીવનની દીક્ષા
- સત્ દેવીદાસે સ્થાનક ચેતવ્યુ
- સત દેવીદાસબાપુ અને સાર્દુળ ખુમાણની જુગજૂની ઓળખાણ
- સાદુળપીર પ્રત્યે સત્ દેવીદાસ બાપુનો અપાર સ્નેહ
- પરબના સ્થાનકમાં સત્ દેવીદાસબાપુ દ્રારા રકતપિતયાઓની સેવા તથા સ્થાનકમાં આશરો
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો તમારી પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..