તળ ઉંડા જળ છીછરાં,કામન લંબે કેશ;
નર પટાધર નીપજે,કોડીલો કચ્છ દેશ.
* * * * * * * * * * * * * * *
ભલ ઘોડા માટી ભલા,પાનીઢંક પહેરવેશ,
નર પટાધર નીપજે કોડીલો કચ્છ દેશ.
ગુજરાતનો મોટો વિસ્તાર રોકીને પડેલાં કચ્છનો ભાતીગળ ઈતિહાસ છે.સંત અને શૂરાની આ ભૂમિમાં કંઈ કેટલાય વીર પુરુષોએ ધરા કાજે, ધર્મ અર્થે કે બહેન- દીકરીઓની ઈજ્જત બચાવવા પોતાની જાતનું બલિદાન આપીને જીવન ઉજળું કર્યું છે. આજે અબડા જામની રિયાસતનું ઘરેણું ગણાતાં એવા ઓરસા મેઘવાળની વાત કહેવી છે.
કચ્છના ઓરસા મેઘવાળની કથા કંઈક આવી છે : સિંધના ઉમરકોટના બાદશાહ હમીર સુમરાના વંશમાં ઘોઘો અને ચનેશર નામના બે ભાઈઓ વચ્ચે રાજગાદીના કારણે કુસંપના વાવેતર થયેલાં અને ઊગીને એવા તો ફાલ્યા કે ‘ મારું કે મરું’ એવા ઘાટ ઘડાયેલા.રોષે ભરાયેલા ચનેશરે દિલ્હીપતિ બાદશાહ અલ્લાઉદ્દીન ખીલજી પાસે રાવ કરી,કાન ભંભેર્યા કે, ‘આપના જનાનામાં શોભે એવી સુમરી કન્યાઓ મેં આપના માટે નક્કી કરીને રાખેલી, પરંતુ મારા ભાઈ ઘોઘાએ રાજ્ય અને કન્યાઓ મારી પાસેથી ખૂંચવી લીધી છે.આપ લશ્કર સાથે પધારો તો આ કન્યાઓ આપને સુપરત કરાવું.’
બાદશાહની આંખમાં શૃંગારનો કેફ ઘૂંટાણો અને નગારે ઘાવ દઈને હુશેન ખાન નામના બહાદુર સરદાર સાથે સિંધ ઉપર ચડાઈ કરી,કહેણ મોકલ્યું કે, ‘ તમારે ત્યાં રાખેલી સુમરીઓ મારા હવાલે કરો નહીંતર મોતની તૈયારી રાખો.’ બાદશાહના લશ્કર સામે સિંધ ટકી શકે તેમ ન હતું, તો પણ ઘોઘાને સુમરીઓ બાદશાહને સોંપવા કરતાં મોતને મીઠું કરવું વધારે ઉચિત લાગ્યું.તેણે ‘રણયુદ્ધના મેદાનમાં ખાંડાના ખેલ ખેલી લઈશું’ એવો લલકાર કરીને ભગા નામના પોતાના વિશ્વાસુ સાથીદાર સાથે વિચારણા કરી કચ્છના વડસરના રાજવી જામ અબડા ઉપર નજર દોડાવી.ઘોઘાને એ વાતનો ખ્યાલ હતો કે,અબડો જામ શરણાગત માટે જાન ન્યોછાવર કરવામાં પાછી પાની કરે એવો નથી.સ્ત્રીઓ ઉપર આપત્તિના ટાણે એનાં રક્ષણ માટે એ પહાડ બનીને ઊભો રહે એવો વીર પુરુષ છે. ઘોઘાએ જામ અબડાને સંદેશો પાઠવ્યો કે,
‘ કુળની લાજ રાખવા મેં બાદશાહ સામે રણમેદાન ગજવવા નગારે ઘાવ દીધા છે.બાદશાહના લશ્કર સામે જીતવાની કોઈ આશા નથી.જેના માટે અલ્લાઉદ્દીન આટલે સુધી લાંબો થયો છે એ સુમરીઓના શિયળનું રક્ષણ તમારા સિવાય કરી શકે તેવો વીર પુરુષ અટાણે મને બીજો કોઈ દેખાતો નથી, તેથી સાત વીસુ ને સાત સુમરીઓ તમારા શરણે મોકલું છું.’
ઘોઘાના સાથીદારે છેલ્લાં સમાચાર આપતાં કહ્યું કે ઘોઘો યુદ્ધભૂમિમાં વીરગતિ પામ્યો.હુશેનખાને ઘોઘાના શબને પગથી લાત મારી ત્યારે નજરે જોનાર તેનાં ભાઈ ચનેશરનું લોહી ઉકળી ઉઠ્યું ને તલવારના એક ઝાટકે હુશેન ખાનને પતાવી દીધો.બાદશાહના લશ્કરે ચનેશરને પણ ભાલાની અણીએ વીંધી નાખ્યો.
જામ અબડાએ આવેલા ઘોઘાના સાથીદારને આભ જેવડો ભરોસો દેતા જણાવ્યું કે,: ‘ અમારા પંડયમાં પ્રાણ હશે ત્યાં સુધી સુમરીઓના ઓઢણાંનો છેડો પણ બાદશાહ ભાળી શકશે નહીં.’
બીજી બાજુ સિંધના સુમરા ભાઈઓની હત્યા કરી,સુમરીઓના સગડ લેતું બાદશાહનું લશ્કર કચ્છના વડસરની સીમમાં છાવણી નાખીને બેઠું હોવાનાં સમાચાર મળતાં અબડા જામે પોતાના સાથીદારોને દરબાર ગઢના પ્રાંગણમાં નોતર્યા.અંગ માથે કચ્છી ચોરણો,સાફો અને અંગરખું ધારણ કરેલાં જામ અબડાએ ભાયાતો તેમજ સાથીદારો સામે નજર નોંધીને વેણ ઉચ્ચાર્યા-
‘ સાથીઓ ! આપણી સામે રાજપૂતી ધર્મની કસોટીની વેળા ડણકુ દઈ રહી છે.આપણી પાસે બે જ રસ્તા છે,શરણે આવેલ સુમરીઓને સોંપી જીવ વહાલો કરવો કાં રણસંગ્રામમાં ખાંડાના ખેલ ખેલી હાથમાં વરમાળ લઈને ઉભેલી અપ્સરાને વરવાં મોતને વહાલું કરવું, તમે જે કહો એ પંથ પકડીએ.’
જામ અબડાના દરબારમાં કોઈ વરણ ભેદ નહોતો, અઢારેય વરણ માટે એનાં દરવાજા ખુલ્લા હતાં.એના દરબારમાં ઓરસા નંજાર નામનો એક મેઘવાળ મૂછોના ત્રણ ત્રણ વળ ચડાવીને બેસતો-
અરડો વરણ લા હુઆ ખુલ્લા,અબડેજા દરબાર,
ત્રે વટ વીછી મૂછ મેં,વે ઓરસીઓ મેઘવાર.
આ ઓરસો બહાદુર અને સાહસિક હતો, સ્વામીભક્ત પણ એવો જ. અલ્લાઉદ્દીન વડસર ચડી આવ્યો છે એ વાત જાણી,ઓરસાનું લોહી ઉકળી ઉઠ્યું હતું એણે ઊભા થઈ પડકારો કર્યો : ‘ બાવા ! અમારા મેઘવાળો પણ માતૃભૂમિના રક્ષણ માટે માથા આપવા તૈયાર છે-
મથા ડીધા મેઘવાર,ને મરી પણ બુજંધા,
કચ્છડે ભેરા તરંધા,ને કચ્છડે ભેરા બુડંધા.
મેઘવાળો માથા પણ દેશે અને મરી પણ જાણશે. કચ્છની સાથે તરશે અને કચ્છ સાથે ડૂબશે.
ઓરસાના દિલમાં નવું શૂરાતન ઉભરાઈ આવ્યું તેણે અબડા જામને કહ્યું : ‘ બાવા! અબડા જામ બાપુ, હુકમ કરો.તમે અટાણે હુકમ કરો ને આવતી કાલ દી’ ઉગ્યા પહેલાં બાદશાહનું મસ્તક તમારા ચરણોમાં લાવીને ન મૂકું તો મારી સાત પેઢી લાજે.તો એવું માનજો કે અત્યાર સુધી તાણ્ય કરી કરીને તમે ખોટા માણહને કહુંબો પાયો હતો તમે મને ભાયાતો ભેગો ગણ્યો છે એટલે આ ઉજળાં અવસરની મને તક આપો.’
ઓરસા ઉપર અબડા જામના ચારેય હાથ એની સાથે અપાર સ્નેહ
ઓરસાની ટીકા કે ઈર્ષા કરતાં કેટલાંય માણસોની જીભ અબડા જામે સીવી લીધી હતી.જેની મૂછોના આંકડા વળ દઈને ત્રણ ત્રણ વળ વાળેલ છે એવાં વાંકી મૂછોવાળા કાંધ જાડાં ઓરસા માટે પોરહ લેતાં અબડા જામે એનો વાંસો થાબડયો ને બોલ્યાં-
‘ રંગ છે ઓરસા તારી જણનારીને તું તો મારી રિયાસતનું ઘરેણું છે, પરંતુ એક વાત યાદ રાખજે બાદશાહ તો લાખોનો ખાવિદ અને પાલક છે.એણે અધર્મનો રસ્તો લીધો છે, એને એ રસ્તેથી પાછો વાળવો છે.દગાથી એનો શિરચ્છેદ કરવામાં આવે તો આપણી મર્દાનગી લાજે.આપણે તો આપણામાં રહેલ ખમીરની એને ખબરું દેવી છે ‘
અબડો ચે સુણ ઓરસિયા,મૂછ મેં વીંઝે વર,
ચમત્કાર ડીખાડ કિં, આય અજજ પર.
ઓરસા, તું મૂછોમાં વળના ત્રણ આંટા તો નાખે, પરંતુ એનો ચમત્કાર દેખાડવાની આજે વેળા આવી છે.ભલે,બાવા! તો એને માટે પણ ઓરસો તૈયાર છે.
શાબાશ! ઓરસા, તારા જેવા જુવાનો કચ્છની ધરતી પર હાલેચાલે છે ત્યાં સુધી કચ્છડાનો કોઈ વાળ વાંકો કરી શકે તેમ નથી.
મધ્યરાત્રિનો ગજર ભાંગ્યો છે એવે ટાણે કચ્છની ધરતી માથે આવેલાં હાલના લખપત તાલુકાના વડસર ગામથી થોડે દૂર તંબુ તાણીને દિલ્હીપતિ બાદશાહ અલ્લાઉદ્દીન પોતાની લશ્કરી છાવણીમાં ગાઢ નિદ્રામાં સૂતો છે.થોડે દૂર તેમની સૈનિક છાવણીનો પડાવ છે.સૈનિકો રણ રસ્તાના આખા દિવસના રઝળપાટથી થાકેલાં હોવાથી ધરતીનું ઓશીગણ કરીને સૂઈ રહ્યા છે.આથમણી દિશાએ રત્નાકરનો ગળહળ ગળહળ અવાજ રાત્રિની નિરવતાને ભેદીને સંભળાઇ રહ્યો છે.સાગરના જળમાં ઝબોળાઈને વાતા મઘરા વાયુને કારણે બાદશાહના અંગરક્ષકો ઝોકે ચડે છે અને પાછાં આંખો ઉઘાડીને ચોતરફ નજર ફેરવી લે છે.એવે ટાણે સાવચેતીપૂર્વક લપાતો છૂપાતો વડસરના જામ અબડાના દરબારી ડાયરાનો વીર ઓરસો-
ખલ પેરે કુત્તેસંધી,ઓરસિયો ઉતર્યો,
ઘુસ્યો શાહજી છાવણી,ઉત્તઅધરાત થ્યો.
સિંધી કુતરાની ખાલ પોતાના આખા શરીર પર ધારણ કરી, કુતરાની માફક ચાર પગે ધીમાં ડગલાં માંડતો બાદશાહના તંબુની લગોલગ આવી પહોંચે છે, પરંતુ કોઈને એનો અણસાર સરખો પણ આવતો નથી.
બાદશાહનો અંગરક્ષક હાથમાં ભાલો અને કેડમાં તલવાર લટકતી રાખીને પહેરો ભરી રહ્યો છે.જેવી એની આંખો બીજી તરફ મંડાણી ને એની પીઠ પાછળથી ઓરસો તંબુમાં પ્રવેશે છે.ઓરસાની દૃષ્ટિ સૂતેલા સિંહ જેવા દિલ્હીપતિ અલ્લાઉદ્દીન માથે મંડાણી-
શાહ હો ભર નિંધરમેં, ડે તો ઘુઘારા,
વિચારે તો ઓરસિયો,ક કરેડીઆ પારા.
ઘરઘરાટ નસકોરાં બોલાવતો એ શહેનશાહ ગાઢ નિદ્રામાં પોઢયો છે,એની બાજુમાં રત્નજડિત ખંજર પડ્યું છે, બીજી તરફના પડખે ભાલો, તલવાર અને બખ્તર પડ્યું છે.
સૂતેલા બાદશાહને જોતા ઓરસાની આંખોમાં કાળઝાળ અગનવરસાના ટસિયા ફૂટ્યા ન હોય એવી મુખાકૃતિ થઈ ગઈ.કમરે બાંધેલી બે ધારવાળી કટારી એણે હાથમાં લીધી,એક જ ઝાટકે બાદશાહનું માથું ધડથી અલગ કરવા ઓરસાએ કટારીવાળો હાથ ઊંચો કર્યો એ સાથે જ એનાં દિલ અને દિમાગમાં પોતાની રિયાસતના રાજવી અબડા જામના વેણ યાદ આવતાં એનો હાથ થંભી ગયો-
માલિક રજા ન ડે ચડે,નોકર કુંરો કરે ?
ના કરે ધણી તડે,ચાકર કુંરો કરે?
ઓરસેજા હથડા,અજ બોય ઐ બધેલ,
ધિલ્લી કે ધા નતો લગે,વડસર કુંરો કરે.
વળી-
નિંધરમેં ન મારી જે,પશુ પંખી ધુશ્મન
રાંપી રખી ભેટતેં,કટાર કઢે સુજન.
વધુ વિચારવાની વેળા ન હોવાથી’ જય લુણંગ દેવ ડાડા’ એમ મનમાં બોલીને ઓરસાએ ભર ઊંઘમાં સૂતેલા અલ્લાઉદ્દીનની રત્નજડિત કટારી કાઢી એની જગ્યાએ રાંપી રાખી દયે છે અને ચિઠ્ઠીમાં સંદેશો મૂકે છે-
ચિઠ્ઠી બંધે ચોપસે,સુણ દિલ્હી જા ભાચ્છા
મથો વઢીધે અસાંકે, વખત ન લગે કાં.
હે દિલ્હીના બાદશાહ જો તારું માથું વાઢયું હોતને તો મને વાર ન લાગી હોત,પણ તને છોડી દઉં છું.
બિલ્લી પગે નિકર્યો,ઓરસિયો મેઘવાર,
અબડેજી જે હત્થેમે, શાહજી રખે કટાર.
બાદશાહની ભરી છાવણીમાંથી બિલ્લી પગે ઓરસો નીકળી ગયો અને સૂરજનારાયણ ધરતી પર પોતાના અજવાળાં પાથરે એ પહેલાં તો ઓરસાએ અબડા જામ સામે બાદશાહની રત્નજડિત કટારી ધરી દીધી.બાદશાહી કટારી જોતા જામ અબડાના અંગેઅંગમા આનંદનાં ઓઘ ઊછળવા માંડ્યા ઓરસાની હિંમત,આવડત ને મર્દાનગીને ભર્યા ડાયરામાં બિરદાવતા અબડા જામના મુખમાંથી શબ્દો સરી પડ્યા-
રંગ બહાદુર તોકે, રંગ મૂંજા ઓરસા,
તોજી કલા તા,રખેં ભારી રંગ મૂંજા ઓરસા.
મારા બહાદુર ઓરસા તને તો રંગ છે ! તારી કળાએ તો ભારે રંગ રાખ્યો.
અબડોચે રંગ આય, રંગ માત ને તાત,
વર ભલે રખ મૂચ્છ મેં,ભલી વધે તે ભાત.
હે, ઓરસા રંગ છે તને! તને જન્મ આપનાર મા-બાપને રંગ છે તું ભલે મૂછોમાં વળ નાખ, તેં આજે ભલી ભાત પાડી છે. ભર્યા દરબારમાં ઓરસાને બિરદાવ્યા પછી જામ અબડાએ અલ્લાઉદ્દીનને એક સરદાર દ્વારા સંદેશો પાઠવ્યો કે-
‘ આપની કટારી પાછી મોકલું છું તે કટારી લાવનાર અમારું લશ્કર નથી, પણ ઓરસા નામનો અમારો જવાંમર્દ મેઘવાળ સાથીદાર છે. આપનું મસ્તક ઉતારતા એને વિલંબ ન થયો હોત, પણ અમારે તો અમારી તાકાતની આપને પરખ કરાવવી હતી.તેથી આપ જે રસ્તેથી અહીં સુધી આવ્યા છો એ જ રસ્તે દિલ્હી પાછા જાઓ.અમારી નસોમાં લોહી ધબકતું હશે ત્યાં સુધી અમારા શરણે આવેલી સુમરી કન્યાઓ તમને સોંપીશું નહીં.’
અલ્લાઉદ્દીન જામ અબડાજીની ખાનદાની અને ખમીર ઉપર આફરીન થઈ ગયો તેથી પોતાના સરદારને એક સુમરી આપે તોય વિષ્ટિ કરવા સંમતિ આપી.અબડા જામે એ શરત સ્વીકારી નહીં.
વડસરના પાદરમાં તોપો ધણધણી ઊઠી.ઘમાસાણ યુધ્ધ જામ્યું આ યુદ્ધમાં ઓરસો પણ સામી છાતીએ લડે છે, કેટલાંયના ઢીમ ઢાળી દીધાં.તે લડતો લડતો બાદશાહના હાથી સુધી પહોંચી ગયેલો.એના ઉપર તેમજ જામ અબડાના ભાઈ ઉપર બાદશાહના સૈનિકો મરણિયા થઈને તૂટી પડ્યા.બંને વીરગતિ પામ્યા.જામ અબડાજીએ કેસરીયા વાઘા પહેર્યા’ હર હર મહાદેવ’ ના નાદ સાથે રણમેદાનમાં એણે લોહીની નદીઓ વહાવી.બાદશાહના વિશાળ લશ્કર સામે ટકી ન શક્યા.સુમરીઓના શિયળની રક્ષાને કાજે હરખે મોતનાં તેડાં કર્યા ! જામ અબડાજી વીરગતિ પામતાં રાણીએ જૌહર કર્યું અને સુમરીઓ ધરતીમાં સમાઈ ગઈ !
જ્યાં સુમરીઓ ધરતીમાં સમાઈ ગઈ એ સ્થળ સતી સ્થાનક તરીકે ઓળખવામાં આવે છે. સતી સ્થાનકે જ ઓરસા મેઘવાળની ખાંભી પૂજાય છે ને તે સ્થળે શહીદોની યાદમાં ધૂળેટીના દિવસે લોકમેળો ભરાય છે.વડસરની ધરતી આજેય ઓરસા, જામ અબડા બાપુ અને એના નરવીરોને યાદ કરતી પોરહ લે છે.
નોંધ : આ ઘટના વિ.સં.૧૩૫૬ ના જેઠ સુદ બીજથી શ્રાવણ વદ બારસ દરમિયાન બનેલી. બોંતેર દિવસ આ યુદ્ધ ચાલ્યું હતું.જામ અબડાના નામ ઉપરથી અબડાસા ગામનું નામ પડ્યું.વડસર ગામે અબડાપીરની મોટી જગ્યા આવેલી છે,એની પાસે જ સુમરીઓનું ધામ છે ત્યાં સુમરીઓની ચૂંદડીનો છેડો પૂજાય છે બાજુમાં ઓરસાની ખાંભી આવેલી છે.
સંદર્ભ : કચ્છની રસધાર- દુલેરાય કારાણી
ઊર્મિ નવરચના- ખાંભી પાળિયા વિશેષાંક
હરિજન સંત અને લોક સાહિત્ય- ડો.દલપત શ્રીમાળી
ડો. દલપત ચાવડા
રાજકોટ (ખેરવા)
● સંત શુરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐…………….ॐ…………卐
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..
- ગાયોની વહારે ચડનાર ઘોઘાજી ચૌહાણ
- પુંજા બાપા – ગામ: વિરપુર ઘારી ગીર
- ગાયોની વહારે ચડનાર રત્નાભાઈ ચાવડા
- ઘનાવાડા ભાનુશાલી પરીવાર ના સતીઓ
- ભાડેરનું પાણી દીપાવનાર ગલો ઢોલી
- જસો કોળી અને મામદ સિપાઈ
- ટંકારાનો જીવો ઢોલી
- રા’નો રાખણહાર રખેહર ભીમો