વીર પુરૂષ ગોલણ ખુમાણ

ખારાપાટના એક ગામડે કાઠી જ્ઞાતિનો કારજનો પ્રસંગ એટલે કાઠીયાવાડના ખુણેખુણેથી કાઠી ડાયરો ભેગો થયો છે. હવે તો બપોર થવા આવ્યો છે છાશું પીવાનો સાદ પડે એટલે વહેવાર લખાવીને પછી ઘોડા પલાણવા છે. સુરજ માથા પર આવ્યો એટલે જમવાનુ તેડુ આવ્યુ દાયરાના એક ખુણે ઊભા રહીને જાળીડો જાળ નાખે એમ તેડાગરે હકડેઠાઠ દાયરામા નજર નાખી જ્યા ઘા કરવાનો હતો એનુ બરાબર નીશાન લીધું અને મર્મ ના વેણ કાઢ્યા એ ભાઇ મુળી ડાયરો પરથમ ઊભો થાય હથેળીમા છલકાતા કહુબા સ્થંભી ગયા પાઘડીઓ ઊચીનીચી થઈ એકમેકને તાકી રહ્યા ને સામસામે પુછાણ થઈ હે ભાઇ મુળી ગામના કોણ મહેમાન છે. થોડીવાર શોધ કરી પણ મુળી ગામથી કોઈ મહેમાન હતા નહી તો પછી મુળી ડાયરો કોણ??

આખો ડાયરો શક થઈ ગયો ચતુર માણસો વાત સમજી ગયા. વિજળી જેવા વસમો ઘા થયો છે કોણ ઘાયલ થયુ પણ બીજી વાતે વાતનો છેડો આવી ગયો. બે લવરમુછિયા જુવાનો ડાયરામાથી ખેચાઇને ઊભા થઇ ગયા. બેય જુવાનની મુછો ફરકતી હતી કાનની બુટ્ટી લાલ થઈ ગઈ હતી. તેને તેડગરને પુછ્યુ મુળી ડાયરો કોને કિધો ભાઇ? તમને, બોલનાર ના હોઠ થોડાક વંકાયા. તિરસ્કારના થોડા છાંટા ઊડયા એણે ચોખવટ કરી આપા સુરા આપા વીરા તમે હવે પાડરશીંગાને બદલે મુળી દાયરો ગણાઓ. કા તમારા બાપુ ગોલણ ખુમાણે પાલિતાણા ની બ્રાહ્મણી ઘરમા બેસાડી એટલે મુળી દાયરો ગણાઓ. મેણુ મારો છો આપા? મેણું તો તમારા બાપુ જાતે જઈ ને પાડરશીંગે લઈ આવ્યા છે આપા ને ત્રણ પરજનો ડાયરો હસ્યો ને સુરા અને વીરા ખુમાણની ઓડ અચકાણી. જો આ મેણું ન ભાંગીએ તો પાડરશીંગાનુ પાણી અગરાજ છે.

બેય ભાઇ છાછ પીધા વિના ઘોડા પલાણયા સુરજનો તાપ ઝીલતા પાડરશીંગે આવ્યા. ઘોડા બજારમા ઊભા રાખીને પોતાની ડેલીએ સાદ દિધો ઉઘાડો ડેલી. ગોલણ ખુમાણને મોહિને આવેલ મુળીબાઇએ ડેલી ઉઘાડી. અમારા બાપુ ક્યા છે? ઇતો ત્રણ દિ થી પાલિતાણે છે પણ તમે બેય ભાઇ બજારમા કા ઊભા? તડકો છો માલીપા આવતા રહો તમારૂ તો ઘર છે કાંક પાણીબાણી પીઓ. પાણી અમારે ગા જેવુ છે. અરરર.. શુ કામે બાપા આપણા ઘરનુ પાણી કાંઈ અગરાજ થાય. ઘરનુ શુ આખા પાડરશીંગા ગામનુ પાણી અગરાજ છે. એવુ શુ લેવા મારા બાપ ? ગોરુ રૂપાળુ નમણુ મો પોતાના પુત્ર સમા આ બન્ને જુવાનો તરફ થોડુ કટાણ થયુ વળતી પળે ચેહરા ઊપર જનેતા સમી અમીરાત ઊભરાણી મુળીબાઇએ વહાલપ ઊમેરી કહ્યુ એવી ગાંડઇ ન કરીએ વીરા આવો અંદર કહી કમાડ ઉઘાડ્યા અને સાથે જ બન્ને જુવાનોએ મ્યાનમાંથી તલવારો કાઢી અને પળનોય વિલંબ વગર પિતાની આ રખાત પર ઘા કર્યા ધ્રસ ધ્રસ હાઊને મુળીબાઇ હસ્યા બન્ને ભાઈઓ સ્તબ્ધ બની ગયા ચાર ચાર જેટલા ઘા થયા પણ મુળીબાઇને શરીરે ચોખા જેટલોય વાઢ ન પડયો એતો ઊભી હતી અજેય અડીખમ. મને મારી નાખવી છે?

હા મારી નાખવી છે તારા તો કટકા કરી નાખવા છે મારો વાંકગુનો, અમારા બાપુનુ ઘર માંડીને અમને મેણુ દીધુ છે. જુવાનો મે તો મરદાઇને વધાવવા માથાં સાટે મરદાઇ વાપરી છે. બ્રાહ્મણના કુળમાથી કાઠીના કુળમા છડેચોક પગ મુકી જાણયો છે ને મે કર્યુ કોઈ છોકરીઓ છબ્બે રમે એવુ નથી કર્યુ અને પાડરશીંગાના ધુંવાધાર મરદ ગોલણ ખુમાણે મારૂ હરણ નથી કર્યુ આતો બધી દિલ દેવાની વાતુ છે. મુળીબાઇનો સાદ નિષ્કંપ અને નિર્ભય હતો પાલિતાણા અને ભાવનગર રાજની સરહદની આંકણી થતી તી ત્યારે ભાવનગર વાળા પાલીતાણા ને અન્યાય કરતા ત્યારે ગોલણ ખુમાણે પાલીતાણાનો પક્ષ લઈ તલવારે હાથ દિધો અને રાજવાળા પોબારા ગણી ગયા પાલીતાણાનો રાજવી ને ગોલણ ગળે મળ્યા એની મરદાઇ જોઈ પાલીતાણા રાજવી ખળાઢળા થઈ જાય તો હુતો અબળા છુ એને દિલ દીધુ એમા મેણુ શાનુ?

અમે મેણુ ગણીયે છીએ મુળીબાઇ તમારા કટકા કરીને પછી અન્ન જળ ખપશે. ભલે મારાજો કટકા કરવા હોય તો તલવાર મને આપો. બેય ભાઇ વેહમાયા કંઇક દગો થશે
અરર દગો કરૂ મે મરદ ગોલણ ખુમાણ ની ચુંદડી ઓઢી છે એનુ ભાન છે એમ કહી મુળીએ સુરાના હાથમાથી તલવાર લઈ લીધી અને પોતાની જમણી ભુજા ચીરીને અંદરથી મંતરેલ માંદળીયુ કાઢી લીધુ. આ માદુળીયુ સતનુ હતુ મને ઘા ન વાગત હવે કરો ઘા. જોજો માથુ નોખુ થવુ જોઈએ નીકર પીડા થશે ને વળતી પળે મુળીનુ માથુ જુદુ થયુ ઉતાવળે બેય ભાઇ વાડામાં જ મુળીની ચેહ ખડકી અગ્નિ મુકી બાપુ ગોલણ ની બીકે ઘોડા લઈ બન્ને ગુદરણ ગામે ગોરખા ખુમાણને ત્યા જતા રહ્યા. પાડરશીંગામા હાહાકાર થયો ગોલણ પાલીતાણાથી આવ્યા નથી મુળીની ચેહ ઠરતી નથી. એક દિ બે દિ ત્રણ દિવસ ચેહ ઠરતી નથી બળ્યાજ કરે છે ચોથા દિવસે ગોલણ પોતાના ઘેર આવ્યા. વાડામા ચેહ બળતી જોઈ સમજી ગયા કોઈ દુશમને મુળીને મારી નાખીછે ને મુળી મારા હાથનુ પાણી માંગે છે. ગોલણે અંજલી ભરી પ્રિયપાત્રને પાણી દિધુ તારા જીવને ગતે કરજે તારા મારતલને મારી તલવારે ન વેતરુ તો ખુમાણ નૈ પાણી રેડતા જ ચેહ ઠરી ગઇ સવારે ગોલણ ખુમાણ ને ખબર પડી કે મુળીને મારનાર પોતાનો કોઈ દુશ્મન નહી પણ પેટના દિકરા છે. મારા દિકરા હોય તો શુ મારી પ્રતિજ્ઞા પુરી ન કરૂતો ધિકકાર છે ફરી પ્રતિજ્ઞા કરી ગુદરણ ગોરખાને કહેણ મોકલ્યુ કે મારા બેય દિકરાને પાડરશીંગા મોકલી આપો ને નો મોકલાવો તો ધીંગાણુ કરવા સાબદા થાઓ.

અમે લડી લેશુ પણ સુરા અને વીરાને મારી નાખવા માટે નહી સોપીએ, ગુદરણ થઈ સણસણતો સંદેશ આવ્યો. ગુદરણ ને પાડરશીંગાની તલવાર સરાણે ચડી સામસામી પ્રતિજ્ઞા થઈ એક પક્ષે પ્રતિજ્ઞા તો બીજે પક્ષે સગા પુત્રો પ્રથમ કજીયો કોણ કરે, અંગારા કોણ ચાપે એની ઘડીઓ ગણાતી પરંતુ બાપ દિકરાને વધેરતા રોકવા માટે કુદરતે ઓચિંતાની બાજી પલટી.. પાડરશીંગા નજીક ધામેલ ગામથી કાઠી જેઠા ગોવળીએ ધામેલનુ ધણ વાળ્યુ ધામેલ ગામનુ રક્ષણ ગોલણ ખુમાણ ના શીરે હતુ. ગોલણ પાચદશ શુરવીરો સાથે જેઠા નો મુકાબલો કર્યો જેઠાને ગોલણ ની ખબર હતી એની મરદાઇ જાણતો હતો એને સમાધાન નો માર્ગ લીધો પણ એની સાથેના સંધીએ ગોલણ ખુમાણનુ નિશાન લઈને જામગરી છોડી ભમ્મરીયા ગામની ધાર ઉપર ગોળી વાગતા ગોલણ શહિદ થયા. ગોતર ગરદનનો ઊભો થયેલો સિલસિલો ત્યાજ ઓલવાયો.

મિત્રો આ એજ વીર પુરૂષ ગોલણ ખુમાણ ની ખાંભી અને દેરી છે. હાલ પણ ભમ્મરીયા ગામની ધાર ઊપર ગોલણ ખુમાણ ની ખાંભી છે એને ત્યા લોકો એની માનતા માને છે ગોલણ ખુમાણે ધામેલ ગામની આબરૂ બચાવી એના ઇનામમા ગાયકવાડ સરકારે બે સાતિની જમીન આપેલી.

✍ નાનાંભાઈ જેબલીયા

ફોટો મોકલનાર ભમ્મરીયા ગામના વતની મિત્ર દિનેશભાઇ ભાલાળા તથા પંકજભાઇ ભાલાળા તેઓનો ખુબ ખુબ આભારી છું🙏🙏

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!