ગામને ખાતર

સૌરાષ્ટ્રની ધરતી સંતો અને સમર્પણ માટે સુખ્યાત છે, એમ વટ, વચન અને ટેક અર્થે ખેલાયેલાં બહારવટા માટે પણ જાણીતી છે. આ બહારવટાની સમાંતરે ફૂટી નીકળેલા લૂંટારું ધાડાઓએ કરેલી લૂંટફાટની કાળી ટીલી પણ આ જ ધરતીનાં લલાટે લાગેલી છે. પણ આવા લૂંટારાઓની સામે ઝીંક ઝીલી ગામ માટે મોત વહાલું કરનારાં વીરો પણ આ જ ધરતીએ આપ્યા છે. ગામની આબરુ, ઈજ્જત એ પણ લોક સંસ્કૃતિ સાથે અવિનાભાવે જોડાયેલું અને તેથી લોક હૈયે વસેલું પ્રસ્થાપિત મૂલ્ય છે. એના જતન માટે પ્રાણની આહુતિ આપતાં જવાંમર્દોની પણ આ ધરતી પર ખોટ નથી વર્તાઈ. ગામની આબરુ ઈજ્જતની રખેવાળી કરતાં ખુવાર થઈ વીરગતિને વરેલા વીરપુરુષોની બલિદાન કથાઓ ઘણી સાંભળવા મળે છે. આવી જ એક કથા-ગામને ખાતર શહાદત વહોરનાર બે બાંધવોની યાદ અપાવે છે મચ્છુ કાંઠાના મહીકા ગામના પાદરમાં ઉભેલાં બે પાળિયાઓ.

જૂના વાંકાનેર રાજ્યનું નાનકડાં પંખીના માળા જેવું મહીકા ગામ. જે મહીકા મહાલ તરીકે ઓળખાતું હતું. મચ્છુ નદીને કાંઠે વસેલા આ ગામમાં મોટા ભાગની વસ્તી મુસલમાન ( મોમીન- મુમના) ની હતી. આ ઉપરાંત કોળી, ભરવાડ, દલિત, કુંભાર વગેરે જ્ઞાતિના લોકો એકબીજા સાથે હળીમળીને રહે. બારે માસ મચ્છુ નદી વહેતી હોવાથી ગામની ખેતી પણ સારી થતી તેથી લોકો આનંદથી રહેતા.

દોઢસોક વર્ષ પહેલાંની એક ઢળતી સાંજે ગામની સમૃદ્ધિથી આકર્ષાઈને માળીયાના મિંયાણાનું એક ધાડું ગામ ભાંગવા આવી પહોંચ્યું. પાળના મોવડીએ ગામના ચોકમાં આવી બંદૂકનો ધડાકો કર્યો. ગામમાં મોટા ભાગના ખેડુવર્ગના લોકો. તેમનામાં લૂંટારાઓનો સામનો કરવાની હિંમત નહીં. લોકો ડરના માર્યા ઘરમાં પૂરાઇ ગયા. ગામમાં સોપો પડી ગયો કોઈનામાં લૂંટારાઓની સામે બાથ ભીડવાની તાકાત નહોતી.

લૂંટારાઓ તો આંકડે મધ અને એ પણ માખો વિનાનું એમ માનીને નિરાંતે ગામને લૂંટવા બજારમાં પ્રવેશ્યા. ગભરુ ને હરણીના બચ્ચા જેવા ગામેડુને દબાવવા માંડ્યા કે માલ કાઢી આપો નક્કર આ કાળા મોઢાવાળિયું તમારી સગી નહીં થાય, તમારા એકનાં એક દીકરાનાં કાળજે લાગતાં પણ તેને શરમ નહીં આવે. લૂટારાઓ ગામના ઘરે ઘરના લબાચા ફેદે છે પણ ઘરેણુંગાંઠુ હાથ લાગતું નથી એટલે વધું ખીજાયા ને લોકોને પકડી પકડીને મારવા લાગ્યા.

મહીકાની શેરીઓમાં કાળો બોકાહો બોલી ગયો અને ઘેટાં-બકરાંનાં વાઘમાં દીપડો પડે ને જેમ સુનકાર છવાઇ જાય એવો સુનકાર શેરીઓમાં છવાઇ ગયો. લોકો હાથ જોડીને કરગરવા લાગ્યા પણ લૂંટારાઓના દિલમાં દયાનો છાંટોય જોવા ન મળ્યો.

બરાબર આ ટાણે બહારગામ ગયેલાં બે રખેહર ભાઇઓ આવી પહોંચ્યા. પોતાના ગામને લૂંટાતું જોઈ એમનું લોહી ઉકળી ઉઠ્યું. હમણાં ગામ રગદોળાશે એ વિચારે બંને યુવાનોનાં પંડયમાં ધ્રુજારી વછૂટવા લાગી. એકબીજા સામે જોઈ આંખોથી જ વાતો કરી લીધી. આડું અવળું જોયા વિના આ જીવતરને જીવી જાણ્યું કરવાં હવે ગામ માટે ખપી જવું એ જ એક ઉપાય દેખાય છે એવું વિચારી એક ક્ષણ પણ ગુમાવ્યા વિના દોટ મૂકી તલવાર લઈ બંને આડેધડ વીંઝવા માંડ્યા. ધીંગાણું બરાબર જામ્યું. વીરતાપૂર્વક આ બંને ભાઈઓ લૂંટારાઓ સામે ઝઝૂમતા રહ્યા. આ બંને ભાઈઓનું ધીંગાણું જોઈ સમય પારખી લૂંટારાઓ ભાગ્યા. લૂંટારાઓની સામે લડતાં આ બંને યુવાનોના દેહ ઘાથી વેતરાઈ ગયા હતા. એક બે લૂંટારાઓને યમસદન પહોંચાડી દીધાં. બાકીના લૂંટારાઓ પોતાના સાથીઓની લાશ લઈ ગામ છોડી ભાગ્યા. બંને યુવાનોએ ગામને લૂંટાતું બચાવ્યું, પરંતુ ગામને બચાવવા જતાં આ બંને યુવાનો પણ કાયમને માટે ચિરનિદ્રામાં પોઢી ગયા. એમાંથી એકનો ચગો ગામના ઝાંપામાં છે અને બીજાનો દુશ્મનોની પાછળ પડતાં પાદરથી થોડે દૂર છે. બંને વીરોનાં પાળિયા લોકોએ ઊભા કર્યા છે.

(આ ગામની મેં રુબરુ મુલાકાત લેતાં એ વીરોનાં પાળિયા મેં જોયા છે)

પ્રો. દલપત ચાવડા
રાજકોટ ( ખેરવા)

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!