રાજાની ઓળખ એ એમનાં પ્રજાકીય કાર્યો અને એમણે મેળવેલાં વિજયોથી જ થાય છે. રાજાની એક ઓળખ વિજય અભિયાનો પણ છે. આ વિજયો ના મેળવો તો સામ્રાજ્ય કાં તો વિખરાઈ જાય અથવા નષ્ટ થઇ જાય જો આવું ના કરો તો રાજવંશનું પતન નિશ્ચિત જ છે. પાડોશી રાજ્યો અને ભારતનાં અન્ય રાજ્યોને એવું લાગે આ રાજા તો નબળો છે એટલે એનાં પર આક્રમણ કરીએ તો કોઈ વાંધો આવે એમ નથી. પણ સોલંકી યુગ તો એવો નહોતો એમાં પણ મહારાજ સિદ્ધરાજ જયસિંહે જે કીર્તિ મેળવી હતી તેને સાચવી રાખવી કે આગળ વધારવી એ જ એમનાં પછી આવતાં રાજાનું પરમ અને ચરમ કર્તવ્ય બની રહે છે જેમાં રાજા કુમારપાળ બિલકુલ પાછાં પડે તેવાં નહોતાં.
રાજા કુમારપાળના વિજય અભિયાનો
શાકંભરીનો વિજય ——-
વિક્રમ સંવત ૧૨૦૭ (ઇસવીસન ૧૧૫૧)ના ચિત્તોડના લેખ પરથી જણાય છે કે કુમારપાળે શાકંભરીનાં રાજા અર્ણોરાજને હરાવી મહાન કીર્તિ પ્રાપ્ત કરી. વસ્તુપાળ દ્વારા કરાયેલાં મહાન પરાક્રમનું વર્ણન હેમચન્દ્રાચાર્યના દ્રયાશ્રય અને પ્રબંધોમાંથી મળે છે. કુમારપાળ સોલંકીનો આ પહેલો વિજય હોવાનું મનાય છે.આ અર્ણોરાજ મહારાજ સિદ્ધરાજ જયસિંહનો જમાઈ હતો.
અર્ણોરાજે બીજાં રાજાઓ જેવા કે પૂર્વભટ્ટનો રાજા, કામરાય ગામનો રાજા, ગોમતીનો રાજા, ગોષ્ટયા અને તૈક્યાનો રાજા, વાહિકરાટ, રોમકરાટ, યહલ્લોમનો રાજા પટ્ટચર અને સૂરસેનનો રાજા વગેરેને સાથે રાખી રાજા કુમારપાળને હરાવવા આક્રમણ કર્યું. આમાં પૂર્વના રાજા બલ્લાલ (બીલ્લાલ) અને સિદ્ધરાજ જયસિંહના માનીતાં ચાહડ નામે ધર્મપુત્રનો સાથ મળ્યો. આ ચાહડ રાજા કુમારપાળથી અસંતોષાઈને સપાટ ભારતમાં આવીને રહ્યો હતો. કુમારપાળ સોલંકીએ આ બન્નેનો બહાદુરી પૂર્વક સામનો કર્યો. અર્ણોરાજનો સામનો કરવાં માટે એ આબુ માર્ગે આગળ વધ્યો. ત્યાં વચ્ચે ક્યાંક બંને વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું પણ છેવટે રાજા કુમારપાળનો વિજય થયો રાજા અર્ણોરાજ હાર્યો. વારંવાર યુધમાં હારવાથી અર્ણોરાજ હવે યુદ્ધથી કંટાળી ગયો હતો છેવટે તેણે એક સમાધાનકારી પગલું ભર્યું. કુમારપાળ સાથે પોતાની પુત્રી “જલ્હણા”ને પરણાવવાનું તો કુમારપાળે પણ ખુશ થઈને પોતાની એક બહેન દેશળદેવીના લગ્ન અર્ણોરાજ સાથે કરાવી આપ્યાં. આ દેશળદેવી એ રાજા કુમારપાળની બહેન હતી બીજી પણ એક દેશળદેવી છે ગુજરાતના ઇતિહાસમાં એ વાઘેલાવંશના છેલ્લા રાજા કર્ણદેવ વાઘેલાની સુપુત્રી હતી. એટલે નામમાં કે ઇતિહાસમાં જરાય ગોટાળો ના કરતાં કોઈ ! લોહીનાં સંબંધોનો આ ગૂંચવાડો ત્યાંથી અને ત્યારથી જ થયો હતો !
ચિત્તોડના વિક્રમ સંવત ૧૨૦૭ (ઇસવીસન ૧૧૫૧)ના લેખમાં જણાવ્યું છે કે કુમારપાળે શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવી તરતજ ચિત્તોડમાં પ્રવેશ કર્યો હતો. જયસિંહસૂરિ સ્પષ્ટ જણાવે છે કે કુમારપાળે રાજ મેળવ્યા પછી તરતજ દિગ્વિજય કરવાં પ્રયાણ કર્યું !
કુમારપાળ અને ચાહમાન વિગ્રહરાજ ——–
કુમારપાળ સોલંકીએ અર્ણોરાજને હરાવ્યાં પછી એમનાં પુત્ર જગદેવે એનાં પિતા અર્ણોરાજનું ખૂન કરી સત્તા મેળવી હતી. આ જગદેવને ગાદી પરથી ઉઠાડી મૂકી એનાં ભાઈ વિગ્રહરાજે વિક્રમ સંવત ૧૨૦૯ની આસપાસમાં અજમેરની ગાદી પડાવી લીધી. આ વિગ્રહરાજના એક પ્રશસ્તિ લેખમાં ” સમસ્તરાજાવલી વિરાજિત પરમ ભટ્ટારક મહારાજાધિરાજ”એવું બિરુદ લગાડેલું જોવાં મળે છે. આ વિગ્રહરાજે સિદ્ધરાજ જયસિંહના સમયના સૌરાષ્ટ્રના દંડનાયકને હરાવ્યો હતો.આ ઉપરથી એણે સૌરાષ્ટ્ર પ્રદેશમાં સત્તા જમાવી હોવાનો સંભવ છે. વિક્રમ સંવત ૧૨૨૬ (ઇસવીસન ૧૧૬૯-૭૦)ના અરસામાં અર્ણોરાજ-કાંચનદેવીનો પુત્ર સોમેશ્વર શાકંભરીની ગાદીએ આવ્યો ત્યારે ચાહમાનો અને ચૌલુક્યો વચ્ચેના સંબંધો સારાં થયાં. વિક્રમ સંવત ૧૨૨૬ (ઇસવીસન ૧૧૭૦)ના લેખમાં જણાવ્યું છે કે સોમેશ્વરે સોમનાથની પોતાનાં બાપદાદાની ગાદી મેળવી. આ ઉપરથી જણાય છે કે કુમારપાળે સોમેશ્વરને ગાદી મેળવવા માટે સીધી કે આડકતરી મદદ કરી હોય !
કુમારપાળ અને આબુના પરમારો ——-
કુમારપાળ જયારે શાકંભરી તરફ કૂચ કરતાં હતાં તે વખતે એમણે આબુ આગળ તળેટીમાં મુકામ કર્યો હતો. આ વખતે આબુમાં રાજવી વિક્રમસિંહ સત્તા પર હતાં. એ ગુજરાતનાં સોલંકીઓનાં સમાંત હતાં. એ સ્વતંત્ર રાજવી બનવાં માંગતા હતાં એટલે એમણે કુમારપાળને મારી નાંખવાનું કાવતરું રચ્યું. કુમારપાળ જયારે અર્ણોરાજને હરાવીને પાછાં ફર્યા ત્યારે તેમણે વિક્રમસિંહને પદભ્રષ્ટ કરી રામદેવના પુત્ર યશોધવલને આબુની ગાદીએ બેસાડયો. આ યશોધવલ ચૌલુક્યરાજ્યને સંપૂર્ણ રીતે વફાદાર રહ્યો હતો.
કુમારપાળ અને નડૂલના ચૌહાણો ——-
નડૂલનો અશ્વરાજ એ સિદ્ધરાજ જયસિંહનો સમાંત હતો. આ અશ્વરાજના મૃત્યુ બાદ રત્નપાલ નડૂલની ગાદીએ આવ્યો એમ વિક્રમસંવત ૧૧૭૬ (ઇસવીસન ૧૧૨૦)ના એનાં લેખમાં જણાવ્યું છે. આ રત્નપાલ પછી રાયપાલ સત્તા પર આવ્યો. આ રાયપાલે અર્ણોરાજને કુમારપાળવિરુદ્ધ યુદ્ધમાં મદદ કરી હોવાથી કુમારપાળે એને પદભ્રષ્ટ કર્યો. આમ, નડૂલમાં ચાહ્માનોની સતત નબળી પડતાં વિક્રમ સંવત ૧૨૦૯-૧૨૧૮ (ઇસવીસન ૧૧૫૩-૧૧૬૨) દરમિયાન કુમારપાલે નડૂલમાં વયજલદેવ નામનો દંડનાયક નીમ્યો. થોડાં સમય બાદ અશ્વરાજનાં નાનાં પુત્ર અલ્હણદેવને એની ગાદી પછી સોંપવામાં આવી.
કુમારપાળ અને કિરાડુના પરમારો ———
કિરાડુના પરમાર રાજવી સોમેશ્વર એ રાજા કુમારપાળનો અત્યંત ભરોસાપાત્ર સમાંત હતો. આ સોમેશ્વરે મહારાજ સિદ્ધરાજ જયસિંહની અમીદ્રષ્ટિથી સત્તા પ્રાપ્ત કરી હતી. તેના પરથી એ ફલિત થાય છે કે કદાચિત આ સમય દરમિયાન કિરાડુ અને નડૂલ બંને ઉપર અલ્હણ રાજ કરતો હતો અને પચ્છ્લથી સોમેશ્વરે કિરાડુમાંથી અલ્હણની સત્તાનો અંત આણ્યો હોય !
મલ્લિકાર્જુનનો વધ ——-
મલ્લિકાર્જુનનો વધ એ કુમારપાળનું ત્રીજું અને અતિ મહત્વનું પરાક્રમ છે.આ મલ્લિકાર્જુન એ ઉત્તર કોંકણ કે કોણાર્કનો શિલાહાર વંશનો રાજવી હતો. આ વંશના રાજવીઓ રાજ પિતામહનું બિરુદ ધારણ કરતાં હતાં. પ્રબંધચિંતામણીમાં આ યુદ્ધની વિગત આપતાં મેરુતુંગ જણાવે છે કે — એક વખત સભાગૃહમાં બેઠેલા રાજાએ કોઈ ચારણનાં મોઢે મલ્લિકાર્જુનનું “રાજપિતામહ”નું સંબોધન સાંભળ્યું. આ વખતે રાજાનું મન જાણી જનાર આંબડે બે હાથ જોડયા. સભા વિસર્જિત કર્યા બાદ રાજાએ એનો ખુલાસો પૂછતાં આંબડે કહ્યું કે આપના મનમાં એવો ભાવ હતો કે આ સભામાં એવો કોઈ માણસ છે કે જે આ મલ્લિકાર્જુનનો મદ ઉતારે? તમારો આશય સમજી જઈ એ આદેશ ઉપાડવા મેં હાથ જોડયા. આથી રાજાએ (કુમારપાળે) પ્રસન્ન થઇ સેના આપી આંબડને મલ્લિકાર્જુન જીતવા મોકલ્યો પણ એ મલ્લિકાર્જુન સામે ટકી શક્યો નહીં.
હારથી શરમાઈને પાટણ આવી આંબડ રાજા કુમારપાળ સામે કાળા વસ્ત્ર પરિધાન કરી ઉભો રહ્યો. રાજા કુમારપાળે સર્વ વૃતાંત જાણી એને ફરીથી ઉત્સાહિત-પ્રોત્સાહિત કરી નવાં સૈન્ય સાથે પાછો યુદ્ધ કરવાં મોકલ્યો. આ વખતે આંબડે યુદ્ધમાં બહુ જ બહાદુરીપૂર્વક મલ્લિકાર્જુનનો સામનો કર્યો. મલ્લિકાર્જુનનાં માથાં પર ચડી જઈ આંબડે મલ્લિકાર્જુનનો વધ કરી નાંખ્યો. આ સર્વ વિગતો જોતાં એટલું સ્પષ્ટ થાય છે કે કુમારપાળે મલ્લિકાર્જુનના રાજપિતામહનાં બિરુદની ઈર્ષ્યાથી પ્રેરાઈને મલ્લિકાર્જુન ઉપર આક્રમણ કર્યું.
રાજા કુમારપાળ સોલંકી વિષે એમ કહેવાય છે કે તે સમયમાં ભારતમાં કુલ ૩૮ દેશો એટલે કે માત્ર ભારતના રાજ્યો હતાં જેનાં રાજાઓ બહુ જ શક્તિશાળી હતાં. તેમાં રાજા કુમારપાળ ૧૮ દેશોનાં સ્વામી હતાં અને બાકી રહ્યાં જે ૨૦ તે બધાએ પણ રાજા કુમારપાળનું આધિપત્ય સ્વીકાર્યું હતું. એટલે કે રાજા કુમારપાળે ૧૮ જેટલાં રાજ્યોનાં રાજાઓને હરાવ્યાં હતાં. આ ૧૮ રજવાડાંઓ – રાજ્યોનાં નામ આ પ્રમાણે છે ——
- [૧] મહારાષ્ટ્ર
- {૨] કર્ણાટક
- [૩] કોંકણ
- [૪] કચ્છ
- [૫] સિંધ
- [૬] ઉરમ
- [૭] ભંભેરી
- [૮] જલંધર
- [૯] કાશી
- [૧૦] ગ્વાલિયર (સયદાલક્ષ)
- [૧૧] અંતર્વેદી
- [૧૨] મારવાડ (મેરૃ),
- [૧૩] મેદપાટ
- [૧૪] માલવ
- [૧૫] આભીર
- [૧૬] સમગ્ર ગુર્જર દેશ
- [૧૭] લાટ પ્રદેશ
- [૧૮] સૌરાષ્ટ્ર
જૈન સાહિત્યમાં જ આ ૧૮ દેશોનો ઉલ્લેખ થયેલો છે અને જૈન કવિતોમાં પણ રાજા કુમારપાળના ભારોભાર વખાણ કરવામાં આવ્યાં છે તેનો એક નમુનો અહીં પેશ કરું છું.
“‘પાંચ કોડીના ફુલડે, પામ્યા દેશ અઢાર,
રાજા કુમારપાળ થયાં, વર્ત્યો જય જયકાર”
રાજ્યવિસ્તાર ——
મહારાજ સિદ્ધરાજ જયસિંહની માફક રાજા કુમારપાળ પણ રાજ્યવિસ્તાર ધરાવતાં હતાં. ઉપલબ્ધ અભિલેખોમાં ગંભૂતા (ગાંભૂ), મંગલપુર (માંગરોળ), ચિત્રકૂટ (ચિત્તોડ), આનંદપુર (વડનગર), લાટમંડલ, ઉદયપુર (ભિલસા પાસે), ઉજયની (ગિરનાર) ઇત્યાદિ સ્થળોનો ઉલ્લેખ આવે છે. આ જોતાં રાજા કુમારપાળ સોલંકીની સત્તા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત લાટ વગેરે પ્રદેશોમાં હતી એમ સ્પષ્ટ થાય છે.આ ઉપરાંત આબુ અને શાકંભરીના રાજવીઓ એમનાં સામંત હતાં. માળવા ઉપર એમની સીધી સત્તા પ્રવર્તતી હતી.આમ, રાજા કુમારપાળના સામ્રાજ્યનો વિસ્તાર દક્ષિણમાં લાટમંડળ સુધી અને ઉત્તરમાં સાંભર-અજમેર સુધી તથા પશ્ચિમમાં સૌરાષ્ટ્ર- કચ્છ સુધી અને પૂર્વમાં ભિલસા સુધી હતો.
ટૂંકમાં રાજા કુમારપાળે સિદ્ધરાજ જયસિંહ પાસેથી જે વિશાલ સામ્રાજ્ય મેળવ્યું હતું તેણે સ્થિર કર્યું, સાચવી રાખ્યું અને કેટલેક અંશે અકલ્પનીય રીતે વધાર્યું .કોણાર્કના મલ્લિકાર્જુનની હાર અને એની હત્યા એ આનું ઉત્તમ દ્રષ્ટાંત છે.
કુમારપાળને મળેલા બિરુદો ——–
રાજા કુમારપાળને “ગુજરાતનો અશોક” કહેવાય છે. મહાન ચક્રવર્તી સમ્રાટ અશોકથી બધાં જ થરથર કાંપતા હતાં તો રાજા કુમારપાળથી પણ બધાં ડરતાં હતાં સમ્રાટ અશોકે કલિંગ જીત્યું તો રાજા કુમારપાળે કોણાર્ક જીત્યું. સમ્રાટ અશોકે બૌદ્ધ અપનાવ્યો હતો તો કુમારપાળે જૈન ધર્મ અપનાવ્યો તો નહોતો પણ મહદઅંશે સ્વીકાર્યો હતો . એટલે એમ કે કુમારપાળે પોતાનો મૂળભૂત શૈવ ધર્મ છોડયો નહોતો બસ ખાલી એમણે યુદ્ધો બંધ કાર્ય હતાં એટલે કે અહિંસામાં માનતાં થઇ ગયાં હતાં અને જૈનધર્મ માટે ઘણું બધું કાર્ય કર્યું હતું. એટલે તેમને ગુજરાતના અશોક કહેવામાં આવે છે. બીજું બિરુદ એમને “ઉમાપતિવર લબ્ધપ્રસાદ” મળ્યું હતું. ત્રીજું બિરુદ એમને ખાનદાની “પરમ માહેશ્વર મળ્યું હતું. ચોથું બિરુદ એમને “પરમહાર્દ “નું મળેલું હતું !
ઉપર મેં જે આંબડની વાત કરી છે મલ્લિકાર્જુન વધ વખતે તો એનાં વિશેની એક વાત પણ જાણવા જેવી છે જે પ્રાચીન જૈન સાહિત્યમાં નોંધાયેલી છે.
રાજા કુમારપાળ સૌરાષ્ટ્રની યાત્રાકરવાં ગયાં ત્યારે ગરવા ગઢ ગિરનારની યાત્રાએ પણ ગયાં હતાં. અતિપ્રાચીન જૈનતીર્થ ગિરનારની યાત્રાએ પહોંચ્યા ત્યારે રાજા કુમારપાળને ઉમંગ હતો કે — ભગવાન નેમિનાથના દર્શન થશે અને આત્મા પાવન થશે. કિંતુ તે દિવસે તેમ ન થયું. કેમકે ગિરનાર પર્વત પર ચઢવા માટેના તે સમયે પગથિયા જ નહોતા. રાજા કુમારપાળ વિચારમાં ડૂબ્યા. એમને ચિંતા એ થઈ કે જો મને આ ચઢવામાં તકલીફ પડી શકે તો અન્ય યાત્રિકોને તો કેટલીક તકલીફ પડે. મારે કોઈપણ રીતે અહિં સુંદર વ્યવસ્થા કરવી જ જોઈએ.
તે સમયે તેમની સાથે જાણીતા કવિ શ્રીપાળ પણ હતા. શ્રીપાળ તે સમયના અત્યંત જાણીતા કવિ છે. રાજા કુમારપાળ કહે : ‘કવિવર કોઈ એવો મુત્સદ્દી ધ્યાનમાં છે કે જે સૌરાષ્ટ્રનો વહીવટ સંભાળે અને ગિરનારની યાત્રા સુલભ કરે ?’
કવિ શ્રીપાળે થોડીકવાર વિચાર્યા પછી કહ્યું — “મારા ધ્યાનમાં એક યુવક છે. એ શ્રીમાળી જ્ઞાાતીનો છે. રાણીંગ નામના વેપારીનો પુત્ર છે. આમ્રભટ્ટ તેનું નામ. લોકો તેને આંબડ કહે છે. શસ્ત્ર અને કલમ બન્ને ચલાવી જાણે છે. આંબડને સૌરાષ્ટ્રનો વહીવટ સોંપી જુઓ. એ ધર્મે જૈન છે અને પાકો શ્રાવક છે. ગિરનારની યાત્રા એ સુલભ બનાવી દેશે.” રાજા કુમારપાળે આંબડને બોલાવ્યો. તેની તેજસ્વીતા જોઈ, તેને સૌરાષ્ટ્રનો સુબો નિમ્યો. ચતુર આંબડે વહીવટ હાથમાં લીધો અને કુશળતા પૂર્વક કાર્ય શરૃ કર્યું. સંવત ૧૨૨૨-૨૩માં ગિરનાર પર્વત પર પગથિયા નિર્માણનું કાર્ય શરૃ થયું. મંત્રી આંબડે રાજાકુમારપાળે મુકેલો વિશ્વાસ પાર ઉતાર્યો. સંવત ૧૨૪૧ માં પગથિયાનું કાર્ય પૂર્ણ થયું. આમ તો, મલ્લીકાર્જુનનો વધ કરનાર આંબડ મંત્રી અને તીર્થોદ્ધારક આંબડ મંત્રી બન્ને જુદા લાગે છે.
રાજા કુમારપાળ અઢાર દેશના વહીવટમાં એવા ગળાડૂબ હતા કે ગિરનાર તીર્થનું કાર્ય તેમણે મંત્રી આંબડને સોંપ્યું છે. તે ભૂલી જ ગયેલા. રાજા કુમારપાળ સવારના પહોરમાં રોજ આચાર્ય હેમચંદ્રાચાર્યને પ્રણામ કરવા જાય, ઉપદેશ સાંભળે અને તેમની આજ્ઞાા મુજબ ધર્મ કાર્યો કરે. એક સવારે મંત્રી આંબડ પાટણ આવ્યા અને રાજા કુમારપાળને જાણ કરી કે ગિરનાર તીર્થનું કાર્ય પૂર્ણ થયું છે યાત્રા કરવા પધારો. શ્રી સોમપ્રભસૂરિએ રચેલા ‘ કુમારપાળ પ્રતિબોધ’માં ઉપરોક્ત વૃત્તાંત વિસ્તારથી નોંધાયેલો મળે છે.
જૈન સાહિત્યમાં પ્રચુરમાત્રામાં રાજા કુમારપાળના વખાણ થયેલાં જોવાં મળે છે કેમ થયાં કે કર્યા આટલાં બધાં વખાણ તો એનું કારણ છે આચાર્ય હેમચંદ્રાચાર્ય જેમનાં કહેવાથી રાજા કુમારપાળે પાછળથી જૈન ધર્મનો સ્વીકાર -અંગીકાર કર્યો હતો. સ્વીકારવું એટલે માનવું અને અંગીકાર એટલે અપનાવવું આ ભેદ સમજવા જેવો છે દરેકે. સ્વીકારવામાં એવું થાય કે જૈનધર્મનાં જે સારાં સિદ્ધાંતો છે એને અમલમાં મુકવા અને અંગીકારમાં પોતે જે ધર્મનો હોય એ ધર્મ છોડી જૈનધર્મ અપનાવી લે. કહો કે પુરેપૂરો જૈન બની જાય.
કુમારપાળ સોલંકી પોતાનાં કુળની પરંપરાને અનુલક્ષીને અનન્ય શિવભક્ત હતાં. પોતે શૈવધર્મના અનુયાયી હોવા છતાં પણ તેઓ જૈન ધર્મને સારું એવું માન આપતાં હતાં. ઇસવીસન ૧૧૬૦માં હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી તેમણેને જૈન ધર્મ સ્વીકાર્યો હતો. એટલે કે એમનાં શાસનકાળની મધ્યે. આ ઉપરથી એક અનુમાન થઇ શકે છે એમણે યુદ્ધો આ પહેલાં જીત્યાં હતાં. હવે માત્ર પ્રજાકીય કાર્યો જ કરવાનાં બાકી હતાં. જે માણસ ૫૦ વરસે ગાદીએ બિરાજમાન થયાં ૧૧૪૩માં તેમની ઉંમર ઇસવીસન ૧૧૬૦માં ૬૭ વરસની તો થઇ ગઈ હતી. આ ઉમરે તો ધર્મમય જ જીવન જીવાય કઈ ઘોડે ચડીને પરણવા કે યુદ્ધ તો ન જ કરાય. હા….. અલબત્ત શિલ્પ સ્થાપત્યો જરૂર બંધાવ્યા કે જાત્રા કરાય અથવા પ્રજાની જીવનજરૂરિયાત પૂરી કરાય! કુમારપાળે કર્યું પણ એમ જ. યુદ્ધો તો કરવાનાં ન્હોતાં રહ્યાં બાકીનાં ડરીને એમણે તાબે થઈને રહ્યાં હતાં એટલે તેઓ ચૂં કે ચા કરી શકે એમ ન્હોતાં. એટલે એમને એમ લાગ્યું કે હવે જૈન ધર્મના કેટલાંક સિદ્ધાંતો છે જે પ્રજા માટે હિતકારી છે તો એનો અમલ પણ લોકો માટે અને લોકો પાસે કરાવવો જોઈએ ! આ કાર્ય માટે એમણે “પરમાર્હદ”નું બિરુદ ધારણ કર્યું
કાલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગાર પર પૂર્ણ પ્રતિબંધ મુક્યો.અમારિ ઘોષણા કરી. એમણે ધર્મ અજ્ઞા કરી કે — પ્રજા એકબીજાનાં ગળા કાપી ગુજરાન ચલાવે, એમાં રાજાનો દુર્વિવેક છે. જુઠું બોલવું એ ખરાબ છે, પરસ્ત્રી સંગ કરવો તો તેથી પણ ખરાબ છેપણ જીવહિંસા સૌથી નિકૃષ્ટ છે માટે કોઈએ હિંસા પર ચલાવવું નહીં અને ધંધાદારી ફીન્સ્કોએ હિંસા છોડવી અને તેમને ત્રણ વર્ષ સુધી રાજ્યભંડારમાંથી ભરણપોષણ મળશે. હેમચંદ્રાચાર્યનાં જ કહેવાથી તેમણે પશુ હિંસા બંધ કરાવી એટલે કે કતલખાના બંધ કરાવ્યાં. દારૂ અમે નશીલા પદાર્થો પર પણ પ્રતિબંધ મુક્યો. પછી તેમણે ખાટકી લોકોને બોલાવ્યા. આ ખાટકી લોકો એટલેજે લોકો માંસનો વેપાર કરતાં હોય તેમને બોલાવ્યાં અને કહ્યું —– ” હું તમને 3 વરસ ચાલે એટલું અનાજ આપું છું બદલામાં તમારે આ માંસનો વેપાર સદંતર બંધ કરી દેવો પડશે હવે આ ખાટકી લોકોને તો બીજું શું જોઈએ તેમણે આ માંસનોનો વેપાર સદંતર બંધ જ કરી દીધો. આ સિવાય રાજા કુમારપાળે જુગાર પણ બંધ કરાવી દીધો હતો.
આનાથી બીજાં રાજ્યોના રાજાઓ પણ પ્રભાવિત થઇ ગયાં હતાં તેમણે પણ આવો પ્રતિબંધ પોતાનાં રાજ્યમાં લાદી દીધો. જીવહત્યા મહા પાપ છે એ માટે એક જૈનશ્રુતિ પણ તે સમયમાં પ્રચલિત થઇ હતી તે એ કે – માથામાં પડતી જૂઓ ને કુમારપાલ સોલંકીના સૈનિકો ઘેર ઘેર જઈને ઉઘરાવતા હતાં અને તે જૂઓને પાંજરાપોલમાં અલગ ડબ્બામાં રાખતાં હતાં જેથી કોઈ જૂઓને મારે નહીં ! આ સિદ્ધાંતો માત્ર રાજ ચલવવા માટે જ મર્યાદિત ના રહેતાં લોકોએ તે પોતનાં જીવનમાં ઉપયોગી છે એમ માનીને એનું ચુસ્તપણે પાલન પણ કરવાં માંડયુ. આ રાજા કુમારપાળ સોલંકીની એક અભૂતપૂર્વ સિદ્ધિ ગણાય પ્રજા ખોટાં ના ચડે એ માટે લેવાયેલો આ કારગત નિર્ણય હતો.
પાછો લેખ લાંબો થઇ ગયો એટલે ભાગ -૨ અહીં સમાપ્ત
ભાગ – 3 હવે પછીના લેખમાં !
!! જય જય ગરવી ગુજરાત !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!
——– જનમેજય અધ્વર્યુ.
આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
- સોલંકીયુગની સ્થાપના – સોલંકીયુગ ગાથા
- રાજા અજયપાલ અને નાયકીદેવી
- મૂળરાજ સોલંકી – સોલંકીયુગ યશોગાથા
- ચામુંડરાજ – વલ્લભરાજ – દુર્લભ રાજ
- ભીમદેવ સોલંકી પ્રથમ ભાગ -1 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
- ભીમદેવ સોલંકી પ્રથમ ભાગ -2 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
- કર્ણદેવ સોલંકી અને રાણી મયણલ્લા દેવી (મીનળદેવી)
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 1
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 2
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 3
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 4
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 5
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 6
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 7
- રાજા કુમારપાળ ભાગ – 1 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..