(ઇસવીસન ૧૧૪૩ ઇસવીસન ૧૧૭૩)
ઇતિહાસમાં રસ અને રુચિ ત્યારે જ કેળવાય જયારે આપણે પોતાની જાતને અરુચિકર ના માનતાં હોઈએ બાય ધવે આ રસ અને રુચિ એટલે સ્વાદ નહીં પણ આસ્વાદ. એટલે કે ઈતિહાસ એ આસ્વાદનો વિષય છે.ઇતિહાસમાં આ આસ્વાદ કોણ કરાવે છે તે વધારે મહત્વનું છે.
એ ઇતિહાસની ખામી એ છે કે એમાં લોકો નિરૂપણ કરતાં આરોપણને જ વધારે પ્રાધાન્ય આપતાં હોય છે. ઈતિહાસ તો બીજમાંથી વટવૃક્ષ બની જ ગયેલો હોય છે અને એક આપણે છીએ જે એનાં મુળિયા ઉખેડવાનો પ્રયત્ન કરી છીએ અને એની ડાળિયો તોડવાની કુચેષ્ટા કરતાં રહીએ છીએ સદાકાળ ! ઈતિહાસને મમળાવવાની જગ્યાએ એમાં મીઠું મરચું જ વધારે ભભરાવતાં રહીએ છીએ ! ઈતિહાસ એટલે જ આપણી સંસ્કૃતિ એ વાત આપણે ભૂલી જ ગયાં છીએ.
વટવૃક્ષના છાંયાનો આનંદ લેવાની જગ્યાએ એનું બીજ અહીં કોણે રોપ્યું એમાં જ આપણને વધારે રસ પડતો હોય છે.
ઈસ્વીસન પૂર્વે હજારો વર્ષ પહેલાં શરુ થયેલો ઈતિહાસ હંમેશા આગળ જ વધ્યો છે અને સદાય વધતો જ રહેશે !
અલિપ્ત માણસો ક્યારેય ઈતિહાસ સારી રીતે સમજી ના શકે ! ઈતિહાસને સમજવો હોય તો જે તે કાળમાં ડોકિયું અવશ્ય જ કરવું પડે તે સિવાય ઇતિહાસની સાચી સમજણ શક્ય જ નથી. ઘણી વાર એ સમજણ આવે ત્યારે ઈતિહાસ પણ બદલાઈ ગયેલો હોય અથવા બદલાઈ ગયેલો પણ લાગે ! પણ ઈતિહાસ તો રહે છે જ બસ નથી રહેતા તો આપણે બધાં !
ક્યારેક કયારેક ધર્મ પરિવર્તનો આખો ઈતિહાસ બદલી નાંખતા હોય છે જો કે ધર્મ પરિવર્તન એ ધર્મઝનુન કરતાં વધારે સારું !
ધર્મ પરિવર્તનને લીધે ઘણા સાહિત્યકારો અને ઈતિહાસકારો જાણે એમ જ સમજતાં હોય છે કે જે તે રાજા જે તે કૂળકે વંશ કરતાં એમનાં ધર્મનો વધુ હોય છે. આવું તેઓ માનતાં હોય છે બાકી રાજાના મનમાં પ્રજા અને રાજ્ય સિવાય બીજું કશું મનમાં હોતું નથી. આનો પ્રભાવ એમનાં ધર્મના સાહિત્યમાં વધુ જોવાં મળતો હોય છે. આવું તો છેક મૌર્ય કાળથી બનતું આવ્યું છે. આજની પ્રજા પણ એ રંગમાં રંગાયેલી છે એમાં આપણે આપણો માનવતાવાદી સનાતન ધર્મ ભૂલી જઈએ છીએ એ જ ખોટું છે.
ધર્મ ક્યારેય કોઈનો ખોટો નથી બસ એ આપણામાં ધર્મભાવના તરીકે સચવાઈ રહે એટલે ઘણું ! આપણે જ ઈતિહાસને ધર્મ સાથે સાંકળ્યો અને એમાં જ ઉભો થયો પ્રાંતવાદ અને જાતિવાદ જેનો લાભ લીધો આ મલેચ્છોએ ભરપુર રીતે લેવાય તેતો વિપુલ માત્રામાં ! રાજવંશો ખત્મ થવામાં આ એક અગત્યનું ફેક્ટર છે ! પણ સોલંકીયુગના રાજાઓની એક ખાસિયત એ છે કે તેઓ પોતાનાં મૂળ ધર્મ અને રાજધર્મને ક્યારેય નહોતાં ભૂલ્યાં! ઈતિહાસ આની નોંધ લેવામાં પાછું પડયું છે એમ જરૂરથી કહી શકાય એમ છે !
ધર્મના ઠેકેદારોને પોતાની માલિકી હક્ક જતાવવાનો અધિકાર જન્મજાત હોય છે. ક્યારેક કયારેક કોઈ રાજવંશનું પતન પણ આ ધર્મના ઠેકેદારો અને રાજાની નિર્બળતાને લીધે થયું છે. કોઈક વખત એ જ ધર્મનો રાજા આવે તો કોઈ વખત બીજાં ધર્મનો! રાજ આનાં પર જ ચાલતું હોય છે અને ઈતિહાસ આનાં પર જ રચાતો હોય છે અને લખાતો હોય છે. જેને આપણે અત્યારે પ્રશિષ્ટ સાહિત્ય કહીએ છીએ ! ઇતિહાસમાં આમ જ બન્યું છે કે બન્યું હશે તે તો કોઈ પણ ધર્મનું સાહિત્ય ચોક્કસપણે નથી જ કહી શકતું. જે તે ધર્મના સાહિત્યને લીધે જ આ ધાર્મિક ઝઘડાઓ ઉભાં થયાં છે જેમાં ઈતિહાસ તો ધરબાઈ જ ગયો છે અને દટાઈ ગયો છે ભારતનો ભવ્ય ઈતિહાસ અને આપણી પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિ. જેનો ગર્વ લેવો જોઈએ એની જગ્યાએ આપણે એમાં વાદવિવાદ કરતાં રહીએ છીએ. ઇત્હાસ વાદવિવાદનો વિષય પણ નથી અને કારણ પણ નથી. આ વાત કોણ જાણે આપણે ક્યારે સમજી શકીશું તે જ મને તો સમજાતું નથી . આમાં પ્રાંતવાદ અને પ્રાદેશિક સાહિત્ય ઇતિહાસનો દાટ વાળ્યો છે એટલું તો ચોક્કસ છે !
પુષ્યમિત્ર શૃંગ એનુ જવલંત ઉદાહરણ છે. કાશ્મીરના ઇતિહાસમાં પણ આમ બન્યું છે અરે ઘણી બધી જગ્યાએ આમ જ બન્યું છે. માત્ર સૈકાઓ બદલાયા કર્યાં છે ખાલી…… ગુજરાતમાં પણ આવું બન્યું જ છે પણ એ ૧૭મી સદીમાં તે પહેલાં નહીં ! અત્યારે તો આપણે સોલંકીયુગના સુવર્ણકાળની વાત કરીશું બીજી કોઈ નહીં !
ઇતિહાસમાં કોઈ એક રાજા મહાશક્તિશાળી હોય અને એમની સિદ્ધિ અને કીર્તિ એટલી બધી હોય કે તેના પછી તરત જ એ રાજાની સમક્ષ પહોંચવું બહુ જ અઘરું છે. જેનાં ઉદાહરણો ભારતીય ઇતિહાસમાં બહુ ઓછાં જોવાં મળે છે તેમાનું એક ગુજરાતમાં પણ છે.
સોલંકીયુગમાં સિદ્ધરાજ જયસિંહ પછી એવું લાગે જે હવે કોઈ નવો રાજા આવશે કે થશે તો કરશે શું? કારણકે કરવા જોગ બધું તો મહારાજ સિદ્ધરાજ જયસિંહે કરી જ નાંખ્યું હતું. સંભાવના તો એવી હતી કે હવે કોઈ નબળો રાજા આવશે પણ એમનાં પછી તરતજ એક રાજા આવ્યો જેમને મહારાજ સિદ્ધરાજ જયસિંહની કીર્તિને લાંછન ના લાગે એવું કાર્ય કર્યું ઉલટાનું એ જ રાજાએ મહારાજ સિદ્ધરાજ જયસિંહ કરતાં સવાયા બનવાનો પ્રયત્ન કર્યો. એમનું નામ છે —– રાજા કુમારપાળ !
રાજા કુમારપાળ
એમની કૌટુંબિક વિગતો ——-
રાજા કુમારપાળના પિતાનું નામ ત્રિભુવનપાલ હતું અને માતાનું નામ કાશ્મીરાદેવી હતું. એમનાં ભાઈઓના નામ કીર્તિપાલ અને મહિપાલ હતાં. એમણે બે બહેનો પણ હતી. એમનાં નામ પ્રેમલદેવી અને દેવળદેવી હતાં. એમની પત્નીનું નામ ભુપાલદેવી(ભોપાલદેવી) હતું. જો કે ઇતિહાસમાં કોક જગ્યાએ એમની ત્રણ પત્નીઓ હતી એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમને કોઈ પુત્ર કે પુત્રી મહારાજ સિદ્ધરાજ જયસિંહની જેમ હતાં નહિ એટલે કે તેઓ અપુત્ર હતાં. જયારે ક્યાંક એવું પણ લખાયું છે કે રાજા કુમારપાળને બે નહી પણ ત્રણ બહેનો હતી જેમાંથી એકનું લગ્ન કૃષ્ણરાજ સાથે થયું હતું અને રાજા કુમારપાળના આ જ બનેવીએ કુમારપાળને રાજા બનવામાં મદદ કરી હતી.
ક્યાંક એવો પણ ઉલ્લેખ થયેલો જોવાં મળે છે કે રાજા કુમારપાળના લગ્ન અર્ણોરાજની પુત્રી જલ્હણા સાથે થયાં હતાં. આ જલ્હાણા એ મહારાજ સિદ્ધરાજની દત્તક પુત્રી કાંચનદેવીની પુત્રી નહીં પણ અર્ણોરાજની એક બીજી પત્ની પણ હતી તેની આ પુત્રી હતી. એક રીતે જોવાં જઈએ તો કાંચન દેવી એ કુમારપાળનાં કઝીન બહેન પણ થાય અને બીજી રીતે જોવાં જઈએ તો કાંચનદેવી એ રાજા કુમારપાળનાં સાસુમા પણ થાય. તો વળી રાજા કુમારપાળે પોતાની એક બીજી બહેન જેનું નામ ઉપર જણાવેલું છે તે દેવળદેવના લગ્ન તે અર્ણોરાજ સાથે પણ કરાવી આપે છે. સંબંધોનો આ ગૂંચવાડો કેમ કરતાં ઉત્પન્ન થયો એ વિષે આપણે આગળ જતાં જોઈશું! કોઈક એમ પણ ખે છે કે એમનો જન્મ દધિસ્થલી (હાલ દેથલી, સિદ્ધપુર)માં થયો હતો
રાજ્યારોહણ ——-
સિદ્ધરાજ જયસિંહના અવસાન પછી અણહિલવાડ પાટણમાં સત્તાનો સંઘર્ષ ૧૮ દિવસ સુધી ચાલ્યો હતો જો કે આ ૧૮ દિવસને મહાભારતમાં ૧૮ દિવસ ચાલેલા કુરુક્ષેત્રના યુદ્ધ સાથે કોઈપણ જાતનો સંબંધ નથી ! આ ૧૮ દિવસ સુધી પાટણની ગાદી બિલકુલ રાજા વિહોણી હતી.
સિદ્ધરાજ જયસિંહ પછી કુમારપાળ સોલંકી સરળતાથી ગાદીએ ન્હોતાં આવ્યાં. કુમારપાળના ચિત્તોડના લેખમાંથી રાજા કુમારપાળની વંશાવલી મળી આવે છે. ભીમદેવ પહેલાનો પુત્ર ક્ષેમરાજ અને ક્ષેમરાજના પુત્ર દેવપ્રસાદને ત્રિભુવનપાળ નામે પુત્ર થયો. રાજા કર્ણદેવ સોલંકીએ દેવપ્રસાદને ક્ષેમરાની દેખરેખ રાખવા માટે દધિસ્થલિ મોક્લ્યો અને એ સ્થળ એને સોંપી દીધું. કર્ણદેવનું મૃત્યુ થતાં દેવપ્રસાદ પોતાનાં દીકરા ત્રિભુવનપાલને સિદ્ધરાજ જયસિંહની દેખરેખ નીચે મૂકી મૃત્યુ પામ્યો. ત્રિભુવનપાલ આજીવન સિદ્ધરાજ જયસિંહને વફાદાર રહ્યો. આ ત્રિભુવનપાલનો પુત્ર તે કુમારપાળ !
અબુલ ફઝલ પણ આ અંગે “આઈને અકબરી “માં નોંધે છે કે — કુમારપાળ સોલંકી પોતાની જિંદગી બચાવવા ઘણો વખત છુપાઈને રહ્યાં હતાં જેવું સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ થયું કે તરત જ ગુપ્તવાસમાંથી બહાર આવી પાટણની ગાદીનાં રાજવી બન્યાં અને રાજ્યને વિસ્તર્યું.
સિદ્ધરાજ પોતે અપુત્ર હોવાથી રાજગાદી ત્રિભુવનપાલના પુત્ર કુમારપાળને મળશે એ સ્થિતિ બકુલાદેવી (ચૌલાદેવી)ના હીન કૂળને લીધે સિદ્ધરાજ જયસિંહને ખૂંચતી હતી. સિદ્ધરાજ જયસિંહ કુમારપાળને હલકા કુળનો માનીને તેણે સમાપ્ત કરવાં હંમેશા પ્રયાસમાં રહેતાં હતાં. સિદ્ધરાજ જયસિંહ પોતાને મારી નાંખશે એ બીકથી કુમારપાળ પાટણ છોડીને બહાર સંતાતા ફરતાં હતાં. એટલે એમ કહી શકાય કે ગાદી મેળવતાં પહેલાં કુમારપાળે અનેક પ્રકારની આફતો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. એટલાં જ માટે સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ માટે ખતરારૂપ હતાં. તેના કારણે કુમારપાળે વર્ષો સુધી ભયભર્યું ભટકતું જીવન વિતાવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહના મૃત્યુના સમાચાર મળતાંની સાથે જ તે અણહિલવાડ આવી પહોંચ્યો હતો અને બનેવી કૃષ્ણદેવ (કાન્હડદેવ)ના સૈન્યની મદદથી ગાદી પર બેઠાં હતાં આ વખતે તેમની ઉમર ૫૦ વરસની હતી. તેમને હેમચન્દ્રાચાર્ય તથા મંત્રી ઉદયનનો સાથ અને સધિયારો સાંપડયો. તેમનો રાજ્યાભિષેક ઈસ્વીસન ૧૧૪૩માં થયો. કુમારપાળે મંત્રી ઉદયનાં પુત્ર વાગ્ભટ્ટને મહામાત્ય નીમ્યો.
પ્રબંધચિંતામણી પ્રમાણે કુમારપાળ સોલંકી પચાસ વર્ષની પ્રૌઢવયે ગાદીએ આવ્યાં. વિચારશ્રેણીમાં રાજગાદી પ્રાપ્ત કાર્યનું વર્ષ વિક્રમસંવત ૧૧૯૯ના માગસર સુદ ચોથ ઇસવીસન ૧૧૪૨ના ડીસેમ્બરની આખર આપેલ છે.
કુમારપાળ આમ તો પોતાનાં જ કુટુંબનો છે પણ નર્તકીનના કુળનો હોવાથી કુમારપાળ પોતાનાં પછી ગાદીએ આવે તેની સામે એમની ભારોભાર અનિચ્છા હતી. કુમારપાળ ને પણ પોતાની ઉપ૨ સિદ્ધરાજની ખફામરજી ની ખબર પડી ગઈ ત્યારથી તે બનતાં સુધી સિદ્ધરાજની નજર થી દૂર જ રહેવા લાગ્યો હતો. પણ સિદ્ધરાજના પિતા કર્ણદેવના શ્રાદ્ધનિર્મિત્ત કુટુંબીજનના નાતે તેમાં હાજરી આપવા આવ્યો હતો તે પણ સાધુનો વેશ લઈને. ક્રિયા પૂરી થયા બાદ સિદ્ધરાજે સાધુઓના પગ ધોવા માંડયા . આમાં એક સાધુ કુમારપાળ છે તેવો સિદ્ધરાજ જયસિંહને ખ્યાલ પણ નથી. પણ સાધુના વેશમાં કુમારપાળના પગ ધોતાં રાજા જેવાં રસામુદ્રિક ચિહ્નો જોઈ સિદ્ધરાજ જયસિંહ પામી ગયાં કે આ પગ અને આ નિશાન તો કોઈ રાજવી વંશના છે. સિદ્ધરાજ જયસિંહને શક પડી ગયો છે એમ કુમાર પાળને ખ્યાલ આવી ગયો તે ચેતી ગયો. બધાની નજર ચૂકવીને તે ભાગી નીકળ્યો. જીવ બચાવવા માગતાં ભાળતાં તે રસ્તામાં અલિંગ નામના એક કુંભારે તેને માટલાં ના વચ્ચે સંતાડી દીધો. આગળ જતાં ભીમસિંહ નામના એક ખેડૂતે ખેતરની વાડમાં તેને છુપાવી દીધો.
આમ , સતતની નાસભાગ કરવી પડતી , ફરતાં ફરતા ખંભાત આવી ગયાં કુમારપાળ સોલંકી. ખંભાતમાં આચાર્ય હેમચન્દ્રાચાર્ય ના શરણે ગયાં. આચાર્યશ્રીએ કુમારપાળ ને ગ્રંથભંડારમાં આશરો આપ્યો. તેમણે કુમારપાળને હૈયાધારણ આપી —- હવે તારે બહુ રખડવું નહીં પડે , તું થોડા જ વખતમાં ગાદી એ આવીશ. પછી સર્વે હિતેશ્રીઓની મદદથી કુમારપાળે રાજગાદી મેળવી.
હવે આ બધી રાજકીય અટકળોનો અંત તો આવી ગયો અને રાજા કુમારપાળ સોલંકી રાજગાદીપતિ થઇ પણ ગયાં. પણ ખરી કસોટી હવે જ થવાની હતી. તેમણે જ હવે એ પુરવાર કરવાનું હતું કે તેઓ ખરેખર કેવાં રાજા છે તે ? તો જ પ્રજાનો વિશ્વાસ સંપાદન કરી શકાય ? આ માટે શું કરવું જોઈએ એની પણ એક રૂપરેખા તેમણે મનમાં નક્કી કરી જ રાખી હતી. કોઈ પણ રાજા જયારે રાજગાદી સંભાળે ત્યારે પોતાનાં વિશ્વાસુઓને જ મંત્રી મંડળમાં સ્થાન આપે એ તો ઇસવીસન પૂર્વેથી ચાલી આવતી એક પ્રથા છે અને તે એવું કરે એમાં કંઈ ખોટું પણ નથી. પછી જ રાજવહીવટ સારી રીતે સંભાળાય તે પહેલાં તો નહીં .એ પહેલાં તો રાજકીય અનિશ્ચિતતા જ દુર કરાય અને તે પણ કુનેહપૂર્વક આમાં જ રાજાની ખરી કસોટી છે. જો એ વૈતરણી તરી ગયાં તો ઠીક નહીંતર એ રાજાને પદભ્રષ્ટ કરતાં પ્રજાને વાર નથી જ લાગવાની આનાં પણ ઉદાહરણ ભારતીય ઇતિહાસમાં તે વખતે મળતાં હતાં.
રાજા કુમારપાળ સોલંકી આ બાબત સારી રીતે જાણતાં જ હતાં એટલે તેમણે દમનકારી વલણ ના અપનાવ્યું પણ પ્રજાના વિદ્રોહનું કુશળતાપૂર્વક શમન કર્યું અને પ્રજા પર અત્યાચાર કર્યા વિના તેમને વિશ્વાસમાં લઇ એક સારું સુવ્યવસ્થિત શાસન મળી રહે જે પ્રજામાટે હિતકારી હોય એવાં શાસનનો શુભારંભ કર્યો. પ્રજાનો વિશ્વાસ ત્યારે જ જીતાય જયારે પ્રજાને એ બાંહેધરી આપી હોય કે અમે તમારે માટે બધું જ બનતું કરી છૂટીશું અને રાજાની પણ એ ફરજ બને છે કે તેમણે તે કરી બતાવવાનું હોય કંઈ બોલબોલ કર્યાં કરવાનું ના હોય. પણ તેમાં વિશ્વાસુ મંત્રીઓ હોવાં અત્યંત આવશ્યક છે એટલે જ કોઈપણ રાજા સૌ પ્રથમ મંત્રીમંડળની રચના કરે કે એનો વિસ્તાર કરે !
રાજા કુમારપાળ સોલંકીનું મંત્રી મંડળ
- [૧] મહામાત્ય ➖ ઉદયન, વાહક, કુમારસિંહ, મહાદેવ
- [૨] અમાત્ય ➖ વાગ્ભટ્ટ ( ઉદયનનો પુત્ર )
- [૩] લાટનો અધિકારી ➖ અભંડ ( આમ્રભટ્ટ )- ઉદયનનો પુત્ર
- [૪] માળવાનો દંડનાયક ➖ ચાહડ ( ઉદયનનો પુત્ર )
- [૫] પુરોહિત ➖ અમિગ અને સચદેવ
- [૬] ધાર્મિક કાર્યોનો સચિવ ➖ વલ્લ ( નાગર બ્રાહ્મણ )
- [૭] મહા માહૂર્તિક ➖ રુદ્ર
- [૮] જૈન ધાર્મિક સંસ્થાઓનું દેખરેખનું કાર્ય ➖ અભયકુમાર
- [૯] ચિત્તોદનો દંડાધિપતિ ➖ સજ્જન મંત્રી
- [૧૦] નાડૂલનો દંડાધિપતિ ➖ વેજલદેવ
- [૧૧] કોષાધ્યક્ષ ➖ કપર્દી
આ મંત્રીમંડળમાં ખાસ નોંધવા જેવું એ છે કે– આમાં રાજા કુમારપાળ સોલંકીને મદદ કરનાર અને એમને રાજગાદીએ બેસાડનાર ઉદયનમંત્રી અને એમનાં સુપુત્રોને ખુબ જ મહત્વ અપાયું છે જે દર્શાવે છે કે રાજા કુમારપાળને કદર કરતાં આવડતી હતી. નસીબ એની જગ્યાએ હોય છે આવડત એની જગ્યાએ હોય છે. આ બાબત રાજા કુમારપાની બાબતમાં સાચી પડતી જણાય છે. તેમાંય બ્રાહ્મણોને વધારે મહત્વ અપાયું છે જે સાબિત કરે છે કે તેઓ પરમ શૈવ ભક્ત હતાં તે ! જો કે આ મંત્રીમંડળમાં દરેક ધર્મના લોકોને પ્રાધાન્ય અપાયું તો છે જ ! જૈન ધર્મના સંરક્ષણ માટે એમણે જે ખાસ મંત્રી નીમ્યા એમાં એમાં હેમચંદ્રાચાર્ય નો જ સિંહફાળો છે.
જેમના કહેવાથી જ રાજા કુમારપાળે પાછળથી જૈનધર્મનો સ્વીકાર કર્યો હતો અંગીકાર કર્યો હતો એટલાં માટે નથી કહેતો કે તેમને રાજધર્મ અને શિવ ભક્તિ બિલકુલ નહોતી છોડી. પણ તેમનાં પર જૈનધર્મનો પ્રભાવ જરૂર હતો તેમ અવશ્યપણે કહી શકાય તેમ છે.
રાજકારભાર સાંભળ્યા પછી એક એવી ઘટના બને છે કે જેને લીધે કુમારપાળ આવનારા સમયમાં કેવાં હશે અને શું કરી શકશે એનો પરચો બધાને મળી જાય છે. કુમારપાળ સોલંકીને પાટણની રાજગાદી મેળવવામાં સૌથી વધુ મદદ કરનાર કૃષ્ણદેવ (કાન્હડદેવ) હતાં. જેનું તેમને અભિમાન થઇ જાય છે અને જાહેરમાં એ કુમારપાળની મજાક ઉડાવવા લાગ્યા. “આ કુમારપાળમાં કોઈ રાજગાદી મેળવવાની તાકાત નહોતી જો મેં મદદ ના કરી હોત ને તેઓ હજુ પણ જંગલોમાં ભટકયા કરત. એ તો મારી મહેરબાનીથી રાજા થયાં છે બાકી એમનામાં કંઈ આવડત -ફાવડત જેવું છે જ નહીં. હું હોઉં નહીં ને એ રાજા બને નહીં. એ તો ખાલી નામના રાજા છે ખરો રાજા તો હું જ છું તમારે જે પણ કામ કઢાવવાના હોય તે તમે કુમારપાળ પાસે સીધાં ના જતાં મારી પાસે જ આવજો હું જ એ તમારાં કામ કરી આપીશ.”
કુમારપાળે બહુ જ વખત પોતાનાં બનેવીને સમજાવ્યા કે– “આવું ના બોલાય અને આવું ના કરાય આવું તમને શોભતું નથી !” પરંતુ તેઓ ના જ માન્યાં. ના છૂટકે છેવટના ઉપાય તરીકે કુમારપાળે પોતાનાં સૈનિકોને કહીને તેમનાં હાથ-પગ ભંગાવી નાંખ્યા અને આંખો ફોડી નાંખી. આની સીધી અસર તેમનાં રાજકીય દુશ્મનો, સામંતો, દરબારીઓ અને અમુકંશે પ્રજાજનો પણ ડરી ગયાં. પ્રજાજનો એમ પણ વિચારવા લાગ્યાં કે જે રાજા પોતાનાં બનેવીને શિક્ષા કરી શકતાં હોય એ આપણું રક્ષણ જરૂર કરી શકશે અને યુદ્ધ જીતી શક્વાની પણ તેમનામાં આવડત છે.
કારણકે ઇતિહાસમાં એક વાત નોંધાયેલી છે જેનાં પર કોઈનું ધ્યાન હજી સુધી નથી ગયું તે એ છે કે – રાજા કુમારપાળે યુદ્ધ કરતાં મહારાજ સિદ્ધરાજ જયસિંહને જોયાં હતાં આખરે તેમની વચ્ચેનો સંબંધ કાકા-ભત્રીજાનો જ હતો ને ! એટલું જ નહીં રાજા કુમારપાળને યુદ્ધકળામાં પાવરધા બનાવનાર પણ મહારાજ સિદ્ધરાજ જયસિંહ હતાં ! દ્વંદ્વયુદ્ધકળા અને તલવારબાજી તથા બાણવિદ્યા તેઓ સિદ્ધરાજ જયસિંહ પાસેથી જ શીખ્યાં હતાં.
અરે હા…. આગળ જે સામંતોનો ઉલ્લેખ થયો છે તો એમનાં નામ પણ તમને જણાવી દઉં. જો કે આ બધા યુદ્ધ પછી તેમણે નિમ્યાં હતાં પણ નામ પહેલાં આપી દઉં છું.
કુમારપાળનાં મુખ્ય સામંતો
- કિરાડુના પરમાર રાજા ➨ સોમેશ્વર
- નડૂલના ચૌહાણ રાજા ➨ આલ્હણદેવ અને કોલ્હણ
- ગોદ્રહક (ગોધરાનો રાજા ) ➨ વામનદેવ
હવે કુમારપાળ એ માત્ર નામના જ રાજા નહોતા તે સિદ્ધરાજ જયસિંહ જેટલાં જ શક્તિશાળી રાજા હતાં. શક્તિશાળી એ કંઈ ખાલી વિશેષણ તો નહોતું એ માટે એ વિશેષણને રૂપ કર્યો પણ કરવા તો પડે જ ને ! એટલે હવે આદરેલા યુદ્ધ અભિયાનો પણ એ પહેલાં થોડીક માહિતી એમનાં સૈન્ય વિષે.
એમ કહેવાય છે કે રાજા કુમારપાળના સૈન્યમાં ૧૮ લાખ પાયદળ. ૧૧ લાખ અશ્વદળ, ૧૧ હજાર હાથી અને ૫૦ હાજર રાઠો હતાં. આ મહિતી ઓથેન્ટિક નથી જ. અશ્વો વિષે પણ એમ કહેવાય છે કે તમામ ઘોડાઓને કાયમ ગાળેલું પાણી પિવડાવવામાં આવતું હતું. હવે વાત કરીએ એમનાં યુદ્ધ અભિયાનોની ! જે બીજાં ભાગમાં આવશે !
લેખ લાંબો થતો હોઈ એને ભાગમાં વિભાજીત કરવો પડે છે એટલે ભાગ – ૧ અહી જ સમાપ્ત કરું છું. ભાગ -૨ હવે પછીના લેખમાં
!! જય જય ગરવી ગુજરાત !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!
——— જનમેજય અધ્વર્યુ.
આ શ્રેણીના અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
- સોલંકીયુગની સ્થાપના – સોલંકીયુગ ગાથા
- રાજા અજયપાલ અને નાયકીદેવી
- મૂળરાજ સોલંકી – સોલંકીયુગ યશોગાથા
- ચામુંડરાજ – વલ્લભરાજ – દુર્લભ રાજ
- ભીમદેવ સોલંકી પ્રથમ ભાગ -1 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
- ભીમદેવ સોલંકી પ્રથમ ભાગ -2 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
- કર્ણદેવ સોલંકી અને રાણી મયણલ્લા દેવી (મીનળદેવી)
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 1
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 2
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 3
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 4
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 5
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 6
- મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 7
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..