“આમાં વંશ કયાંથી રે’ ?”
બહારવટામાં વારંવાર ગામેગામની ગાયો તગડાય છે. એક દિવસ ત્રણસો ચારસો ગાયોનું ધણ તગડીને બહારવટીયાએ નાંદીવેલા ડુંગરના ગાળામાં ઠાંસી દીધું. આડી મોટી વાડ્ય કરાવી લીધી. ત્યાં ગાયોને ચરતી મેલીને ભાણગાળેથી બીજે જ દિવસ ભાગી નીકળવું પડ્યું. ભાગતાં ભાગતાં ગિર વીંધીને બહાર નીકળ્યા. બીજા મુલકમાં ઉતરી ગયા, નાંદીવલામાં ગાયો, ઠાંસી છે એ વાતનું ઓસાણ પણ ન રહ્યું.
એક વરસ વીત્યે બહારવટીયા પાછા ભાણગાળે આવ્યા. જોગીદાસને ત્રણસો ધેનુએ સાંભરી આવી. ઠાંસામાં આવીને જુવે ત્યાં ત્રણસો ગાયોનાં ખોખાં [હાડપીંજર] પડેલાં. ઠાંસેલી ગાયો ખડ પાણી વિના રીબાઈને મરી ગઈ હતી.
“બાપ ભાણ !”
“હાં આપા !”
“અકેકાર થયો.”
“હોય આપા ! બારવટાં છે.”
“બહુ દિ’ બારવટાં ખેડ્યાં, બાપ ભાઈ બહુ મરાવ્યા. કણબીઓનાં ધીંસરાં કરવામાં કાંઈ બાકી નથી રાખી. અઢાર સો હત્યાયું લીધી. અને આ ગાય માતાજીયુંને તગડવામાં તો ત્રાસ જ નહોતો રાખ્યો. વાછરૂને માતાઉથી વછોડાવીને અનોધા નિસાપા લીધા. આમાં વશ ક્યાંથી રે’શે ?”
“આપા ! ઈ બધુ સંભારે છે શીદ ?”
“સમસમ્યું રે’તું નથી. એટલે સંભારું છું – ઠીક સંભારૂં છું, આટલાં પાપનો પાટલો બાંધવા છતાં ય ખુમાણોમાંથી કોઈ પડખામાં ન આવ્યા. સાવરીયાઓ ગરાસ માંડી માંડીને ભાડાંની ગાડીયું હાંકવા લાગ્યા. કાકાઓને પોતપોતાનાં છ છ ગામનું ગળપણ વા’લું થયું, હવે આપણે ક્યાં સુધી રઝળશું ? શો ફાયદો કાઢશું ? ઝલાશું તો, કૂતરાને મોતે મરશું.”
“તયીં આપા ? કેમ કરશું ? તરવાર છોડશું?”
“હા.”
“તો હાલો ભાવનગર.”
“ના, હેમાળે.”
“કાં ?”
“જોગીદાસની તેગ ભાવનગરના ધણીને પગે તો ન છૂટે. કૈલાસના ધણીને પગે છૂટશે.”
“હેમાળો ગળવો ઠર્યો ?” ”હા, તે વગર આ પાપનો પાર નહિ આવે.”
ભાણ-વજ્રછાતી વાળો ભાણ રોઈ પડ્યોઃ “આપા ! આપા !” કહી ખોળે ઢળી પડ્યો.
“રો મા બાપ ! મને રોકય મા. તું છોકરાંને ઓથ દેજે. ને હું મારા એકલાના નહિ, પણ આપણા સહુના મેલ ધોવા જાઉં છું. અને ભાણ ! જોજે હો, જેબલીયાણી માની ને ભાઈ હીપા-જસાની સાર સંભાળમાં મોળું કેવરાવતો નહિ હોં ! બાપુનું ગામતરૂં છે.”
જોગીદાસ હિમાલયે ગળવા ચાલ્યા. જાણે એક હિમાલય બીજા હિમાલયને મળવા ચાલ્યો.
જોગીદાસ હેમાળે ગળવા ચાલ્યાની જાણ ભાવનગરમાં થઈ. મહારાજની સન્મુખ જ બહારવટીયાના દીકરા રમે છે. રાણીવાસમાં બહારવટીયાની રાણી બેઠી છે કે જેણે પંદર પંદર વરસો થયાં ધણીનું મ્હોં જોયું નથી. અને જોગીદાસ હેમાળામાં ગળ્યે તો ભાવનગરના વંશ ઉપર બદનામીનો પાર નહિ રહે !
મહારાજે બહારવટીયાને પાછો વાળવા માટે માણસો દોડાવ્યાં. ખુમાણ દાયરાને સંદેશો કહેવરાવ્યો કે “ઝટ આડા ફરીને આપાને પાછો વાળો, હું એને બોલે બહારવટું પાર પાડું.”
ખુમાણોને સાન આવી. આપાની પાછળ ઘોડાં દોટાવી મૂક્યાં, ગુજરાતની પેલી બાજુના સીમાડા પરથી આપાને પાછા વાળ્યા. જોગીદાસ બોલ્યો,
“ભાઈયું ! હવે મડાને શા સારુ ઘરમાં લઈ જાવ છો !”
માર્ગે જસદણમાં મુકામ કરેલ છે, ખુમાણ દાયરો ડેલીએ બેસીને કસુંબા કાઢે છે. તે વખતે અંદરથી કહેણ આવ્યું કે “ગઢમાંથી આઈ સહુ ખુમાણ ભાઈઓનાં, દુઃખણાં લેવા આવે છે.”
“ભલે, પધારો ! ખુમાણોનાં મોટાં ભાગ્ય !” ધરતી ન દૂભાય તેવાં ધીરાં ડગલાં દેતાં ]વૃદ્ધ કાઠીઆણી ચોપાટમાં આવ્યાં. મોઢે એંશી-નેવું વરસની રેખાઓ અંકાઈ ગઈ છે : અંગ પર કાળું ઓઢણું છે: જોતાં જ જોગમાયા લાગે છે: મ્હોંમાંથી ફુલડાં ઝરે છે. (હમીર ખાચરનાં ઘઘાણી શાખાનાં ઘરવાળાં હોવાનું કહેવાય છે)
એક પછી એક સહુની ઓળખાણ ચાલી. આઈ પૂછતાં જાય કે “આ કોણ ?”
“આ ફલાણા ! ફલાણા !” એમ જવાબ મળે છે અને આઈ દુ:ખણાં લ્યે છે. એમ કરતાં કરતાં આઈ બીજે છેડે પહોંચ્યાં. આઘેથી પૂછ્યું,
“આ કોણ ?”
“ઈ જોગીદાસ ખુમાણ”
“આ પંડ્યે જ જોગીદાસ ખુમાણ ?”
આઈ એકી ટશે જોઈ રહ્યાં. ઉગમણી દિશાએ બેસીને બહારવટીયો બેરખો ફેરવે છે. માથું નીચું ઢળ્યું છે. અંતરના ઉંડાણમાંથી સૂરજ ! સૂરજ ! એવા ધ્વનિ ઉઠે છે. ધ્વનિ સંભળાતા નથી, માત્ર હોઠ જ જરી જરી ફફડે છે. કાઠીઆણીએ જાણે કે આબુથી ઉતરી આવેલા કોઈ જોગંદરને જોયો.
“આપા ! ” દાયરામાંથી કોઈ બોલ્યું, “આપા ! આઈ તમારાં દુ:ખણાં લેવા આવ્યાં છે.”
“ના બાપ !” આઈ બોલી ઉઠ્યાં, “એનાં દુ:ખણાં ન્હોય. એ માનવી નથી, દેવ છે. લખમણ જતિનો અવતાર છે. એને માથે હું હાથ ન અડાડું. એને તો પગે જ લાગીશ.”
છેટે બેસીને ત્રણ વાર આઈએ બહારવટીયાની સામે પોતાના મલીરનો પાલવ ઢાળી માથું નામાવ્યું.
જોગીદાસે તો સ્ત્રી દેખીને પોતાના મ્હોં આડે ફાળીયું નાખ્યું હતું. પણ આભાસે આભાસે આઈનો ઓળો ત્રણવાર નમતો દેખાયો. અને ત્રણે વાર જોગીદાસે સામું શિર નમાવ્યું.
એક બોલ પણ બોલ્યા વિના : બેરખાનો એક પારો અટક્યા વિના : આંખનો પલકારો માર્યા વિના.
છાતી પીગાળી નાખે એવો આ દેખાવ હતો. દાયરો આખો મુંગો બની શ્વાસ પણ ડરતો ડરતો લેતો હતો. સહુને જાણે સમાધિ ચડી હતી.
એમાં આઈએ ચુપકીદી તોડી : આખા દાયરા ઉપર એની આંખ પથરાઈ ગઈ. સહુનાં મ્હોં નિરખી નિરખીને એણે વેણ કાઢ્યાં :
“ખુમાણ ખોરડાના ભાઈયું ! હું શું બોલું ? તમે ખોરડું સળગાવી દીધું, તમે કટંબ-કુવાડા થયા. તમે પારકા કુવાડાના હાથા થઈને લીલુડા વનનો સોથ જ કાઢી નાખ્યો ! તમે જૂથ બાંધીને આ જતિપુરૂષને પડખે ઝુઝી ન શકયા માડી ! તમને ઘરનો છાંયો વા’લો થઈ પડ્યો ? ચીભડાંની ગાંસડી છુટી પડે તેમ આખુંય આલા પેટ નોખું નોખું થઈ ગયું ! અરે તમે પોતપોતાની પાંચ પાંચ ગામડી સાચવીને છાનામાના બેસી ગયા ? આ દેવ-અવતારીને એકલે બહારવટે રઝળવા દીધો ? તમે કાંડે ઝાલીને જોગીદાસ શત્રુને હાથ દોરી દીધો ? પારકાએ આવીને ઠેઠ પેટમાં નોર પરોવી દીધા ત્યાં સુધી યે તમને કાળ ન ચડ્યો ?”
દડ ! દડ ! દડ ! આઈની આંખોએ આંસુ વહેતાં મેલ્યાં. છેલ્લું વેણ કહ્યું :
“બીજું તો શું બોલું ? પણ કાઠીને વળી ગરાસ હોતા હશે ? કાઠીના હાથમાં તો રામપાતર જ રહેશે. અને ભાઈ ભોજ ખુમાણ ! કાઠી વંશના જે કટંબ-કૂવાડા બન્યા હશે, તેનાં પાપ સૂરજ શે સાંખશે ? નહિ સાંખે.”
એટલું કહીને આઈ ઓરડે ચાલ્યાં ગયાં. આંહી દાયરો થંભી જ રહ્યો. જોગીદાસના કાકા ભમોદરા વાળા ભોજાખુમાણના મ્હોં પરથી વિભૂતિ ઉડી ગઈ. આઈની વાણીમાં એણે ભવિષ્યના બોલ સાંભળ્યા. (આાજ એનો પણ વંશ નાબુદ થયો છે)
દાયરાના મન ઉપરથી ગમગીનીનો પડદો તોડવા માટે ચારણે મોટે સાદે દુહો લલકાર્યો કે
અંગરેજે મલક ઉંટાકીયો, મયણ કેતોક માણ
ત્રણે પરજું તોળીયું, (એમાં) ભારે જોગો ને ભાણ !
[અંગ્રેજોએ આવીને સોરઠ દેશ તોળી જોયો. આ ધરતી કેટલીક વજનદાર છે તે તપાસી જોયું. કાઠીઓની ત્રણે પરજોને તોળી જોઈ, એમાં ભાણ ને જોગીદાસ બે જ જણા વજનદાર નીકળ્યા ]
–19– પતાવટ
સામસામા બે શત્રુઓ બેઠેલા : વચ્ચે કસુંબાની કટોરી ઝલકે છે : પચીસ વરસનાં વેર એ બે ય શત્રુઓની આંખોમાંથી અત્યારે નીતરી ગયાં છે. વજેસિંગ ઠાકોર અને જોગીદાસ ખુમાણ સમાધાની કરવા ભેળા થયા છે.
“લ્યો આપા ! માગી લ્યો ! ” અંજલિમાં કસુંબો લઈ ઠાકોરે હાથ લંબાવ્યો.
“માગી લેવાનું ટાણું ગયું મહારાજ ! આજ તો તમે આપો તે લઈ લેવું છે. માટે બોલી નાખો.” એમ કહીને બહારવટીયાએ ઠાકોરની અંજલિ પોતાના હાથે પકડી પોતાનું મ્હોં નમાવ્યું.
“ત્યારે આપા ! એક તો કુંડલા.”
“કુંડલા ન ખપે મહારાજ !” બહારવટીયાએ હાથ ઉંચો કર્યો.
ઠાકોર ચમક્યાઃ “આ શું બોલો છે, આપા ? કુંડલા સાટુ જંગ મચાવ્યો, અને હવે કુંડલા ન ખપે?”
“ન ખપે. મહારાજ બોલ્યા એટલે હું માની લઉ છું કે કુંડલા મને પોગ્યા. પણ પણ હવે મારૂં અંતર કુંડલા માથેથી ઉતરી ગયું છે. મારો બાપ મુવો તે દિ’ મહારાજે મોટેરો દીકરો બનીને મુંડાવેલું. એટલે નાવલી-કાંઠો ભલે મોટેરાને જ રહ્યો. વળી બીજી વાત એમ છે કે કુંડલા વિષે મને વહેમ પડ્યો છે. ચારણનો દુહો છે કે,
કીં થે તારા કુંડલા, ભડ વખતાને ભોગ્ય !
આલણકા આરોગ્ય, હોય નૈ કસળે હાદાઉત !
આ દુહે મને વ્હેમમાં નાખ્યો છે. અરથ તો સવળો છે કે “હે દાદાના પુત્ર ! તારા કુંડલા વખતસિંહજી શી રીતે ભોગવશે ? હે આલણકા ! એનાથી હેમખેમ કુંડલા નહિ ખવાય !” પણ એથી ઉલટો અરથ પણ નીકળે છે. માટે કુંડલાને ટીંબે અમે નહિ ચડીએ ! કુંડલા તો ભલે મહારાજને રહ્યું.”
“ત્યારે એક આંબરડી કબૂલ છે ?”
“હા બાપા ! અભરે ભર્યું ગામ.”
“બીજુ બગોયું.”
“એ પણ કબૂલ : સોના સરખું.”
“એ બે તમને : વીરડી ને રબારીકું આપા ગેલાનાં છોરૂ ને.”
“બરાબર.”
“આગરીઆ ને ભોકરવું આપા ભાણને.”
“વ્યાજબી.”
“ઠવી ને જેજાદ ભાઈ હીપા જસાનાં મજમુ. થયા રાજી ?”
“સત્તર આના.”
“કાંઇ કોચવણ તો નથી રહી જતી ને આપા, ભાઈ ! જોજો હો ! જગત અમારી સોમી પેઢીએ પણ ભાવનગરને ‘અધરમી’ ન ભાખે.” “ન ભાખે બાપા. ભાખે એની જીભમાં કાંટા પરોવાય.”
“ત્યારે આપા ભાઈ ! મને લાગે છે કે તમારા દીકરા તમારૂં ગઢપણ કદિક નહિ પાળે તો ?” ઠાકોર હસ્યા.
“તો આંહી આવીને રહીશ બાપા !”
“ના, ના, આંહી યે કદિક આ મારાં પેટ – અખુભા નારૂભા પલટી જાય. આજ કોઈનો ભરોસો નહિ કોઈની ઓશીયાળ નહિ. રાજ તમને ‘જીરા’ ખડીયા ખરચી દાખલ આપે છે. જીવો ત્યાં સુધી ખાઓ પીઓ.”
બહારવટીયો આભો બન્યો જીરા ! ત્રીસ હજારની ઉપજ આપનારૂ જીરા ગામ ઠાકોરે ખડીયા ખરચીમાં નવાજ્યું.
જોગીદાસે ઠાકોરના હાથમાંથી કસુંબો પીધો. સામી અંજલિ પીવરાવી. વસ્તીને વધામણી સંભળાવવા સહુ કચેરીમાં આવ્યા.
બહારવટીયાને શરણાગત નહિ પગ સમવડીઓ કરીને ઠાકોરે પોતાની સાથે અરધોઅરધ ગાદી પર બેસાર્યા, અને બંદીજનોએ બેયને ત્રોવડ તરીકે બિરદાવ્યા :
વજો અવરંગશા વદાં, દરંગો જોગીદાસ
તણહાદલ વખતાતણ, આખડીયા ઓનાડ.
[બેમાંથી કોનો વત્તો ઓછો કહું ? વજો મહારાજ ઔરંગજેબ જેવો વીર, ને સામો જોગીદાસ પણ દુર્ગાદાસ જેવો : એક વીર વખતસિંહનો તનય, ને બીજો વીર હાદા ખુમાણનો તનય : બન્ને બહાદૂરો સામસામા
યુદ્ધ ખેલી જાણ્યા.]
એ બિરદાવળી સાંભળતાં વજેસંગજી ‘વાહ કવિરાજ!’ કહી મલકાય છે. જોગીદાસની સમવડ ગણાવાનો એને શોચ નથી. મોટા મનનો ભૂપતિ રાજી થાય છે. ને જોગીદાસનાં ગુણગાન વધુ રૂડાં બને છે :
તું પાદર જૂના તણે, ફેસળીઓ ફોજે
(તે દિ) બીબડીયું બંગલે, (તુંને) જોવે જોગીદાસીઆ !
[હે જોગીદાસ ! તું જે દિવસ જૂનાગઢને પાદર ફોજ લઈને ચાલ્યો હતો, તે દિવસ તને બીબીઓ મેાટા બંગલાની બારીએાના ચક્રમાંથી નયનો ભરી ભરી નિરખતી હતી.]
“સાંભળો આપાભાઈ ! તમારાં શૌર્ય અને સ્વરૂપ કેવાં !” એમ કહીને સાગરપેટો ઠાકોર બહારવટીયાને હસે છે. પણ બહારવટીયાના કાન જાણે ફુટી ગયા છે. માથું નમાવીને એ તો કચેરીમાં યે બેરખા જ ફેરવે છે. એટલું જ બોલે છે કે “સાચું બાપા ! ચારણો છે, તે ફાવે તેમ બિરદાવે.”
પણ બંદીજનો તો તે દિવસ ગાંડાતૂર બનેલા હતા. કવિતાનાં નીરમાં બહારવટીયાને તરબોળ બનાવવો હતો : દુહા રેલવા લાગ્યા :
દત સુરત ટેકો દઈ, રાખીતલ પ્રજરાણ !
ખળભળતી ખુમાણ, જમી જોગીદાસીઆ !
[હે પરજોના રાજા ! કાઠીઓની પૃથ્વી ખળભળીને નીચે પટકાઇ જવાની હતી, તેને દાન તથા શૌર્યના ટેકા દઈને તેંજ ટકાવી રાખી હે જોગીદાસ !]
જોગો જોડ કમાડ, માણો મીતળપર ધણી
ન થડક્યો થોભાળ, હુકળ મચીએ હાદાઉત.
[જોટાદાર કમાડ જેવો જોગીદાસ ! મીતીઆળાનો ધણી : યુદ્ધ મચતી વેળા જરાયે ન થડક્યો.]
કરડ્યે કાંઉ થીયે, પરડોતરાં પ્રજરાણ !
ડસતલ તું દહીવાણ, ઝાંઝડ જોગીદાસીઆ !
[બીજાં નાનાં સાપોલીયાં ડસે તેનાથી તો શું થવાનું હતું ? પણ ભાવેણાના નાથને તારા જેવા માટે ફણીધર ડસ્યો ત્યારે જ એનું ઝેર ચડ્યું.]
જોગા ! જુલમ ન થાત, ઘણુ મૂલા હાદલ ઘરે
(તે તે) કાઠી કીં કે’વાત, સામી વડય સૂબા તણું !
[હે જોગીદાસ ! મહામૂલા હાદા ખુમાણને ઘેર જો તારો જન્મ ન થયો હોત, તો કાઠી મોટા સૂબા મહારાજાનો સમોવડીયો ક્યાંથી લેખાયો હોત ?] અને ચારણે એ છેલ્લી શગ ચડાવી :
ધૂવ ચળે, મેરૂ ડગે, મહદધ મેલે માણ
(પણ) જોગો કીં જાતી કરે, ખત્રીવટ ખુમાણ !
[ધ્રૂવ તારા ચલાયમાન થાય, મેરૂનાં શિખર ડગે, મહોદધિ પોતાની મરજાદ મેલે, તો પણ જોગો ખુમાણ પોતાની ક્ષત્રીવટ કેમ જતી કરે ?]
બહારવટીયાની બિરદાવળ સાંભળી સાંભળી મહારાજ જાણે ધરાતા જ નથી. ચારણોને સામા હોંકારા પણ પોતે જ આપી રહેલ છે. શબ્દે શબ્દે પોતે બહારવટીયાની સામે મીટ માંડી રહે છે. જોગીદાસ એની નજરમાં જાણે સમાતા નથી. બહારવટીયાના ગુણવિસ્તારની સરખામણીમાં ગોહિલને રાજવિસ્તાર નાનકડો લાગ્યો.
જ્યારે મહારાજનું દિલ આટલું ડોલી રહ્યું છે, ત્યારે બહાવટીયાના ખુદના અંતરમાંથી તો આ બધી બિરદાવળ, પોયણને પાંદડેથી પાણી દંડે તેમ દડી પડી. એના મુખડાની ગરવાઈ જરાય ઓછી ન થઈ. એ તો સૂરજના જાપમાં તલ્લીન છે. ને એને તો પોતાનાં પાતક સાંભરે છે. પોતાના મનવાને મારી મારીને એ પ્રાયશ્ચિત્ત કરે છે.
મહારાજે ઈસારત કરી, એટલે સભામાં રંગરાગ મંડાયા. સારંગીને માથે સુંવાળી કામઠીંઓ અડી ને અંદરથી કૂણા કૂણા સૂર ઉઠ્યા. સાથે સ્ત્રીઓનાં ગળાં ગળવા માંડ્યાં. નરધાં ઉપર ઉસ્તાદની થાપી પડતાં તે રણણ ઝણણ ધૂધરા બોલ્યા અને કિન્નરકંઠી રામજણીઓનો મુજરો મંડાણો.
વજો મહારાજ ; કનયોલાલ : રસરાજનો જાણે અવતાર : અને મારૂ વંશનો મોજીલો બેટડો : જેવો સંગ્રામમાં તેવો જ રસભેાગમાં : વીણી વીણીને અમૂલખ વારાંગના તેડાવી હતી. કેમકે આજ તો અનુપમ ઉજવણું હતું : જોગીદાસનું બહારવટું પાર પડ્યું હતું. વારાંગનાનાં ગળાં ગહેકવા લાગ્યાં.
અને જોગીદાસે પીઠ દીધી ! આંખો અધમીંચી હતી, તે પૂરેપૂરી બીડી દીધી. બેરખો તો હાથમાં ચાલી જ રહ્યો છે.
વજો મહારાજ કાંઈ સમજ્યા નહિ. એણે જાણ્યું કે બહારવટીયો દિશા બદલવાની કાંઈક વિધિ કરતો હશે. નાચ સંગીત ખીલવા લાગ્યાં. કચારી જાણે ગણિકાઓના સર-સરોવરમાં તરવા ને પીગળવા લાગી.
ઓચીંતો જોગીદાસે ભેટમાંથી જમૈયો ખેંચ્યો. કચેરીમાં એ હથીઆરનો ચમકારો થયો, અને ‘હાં હાં ! આપા !’ કહીને મહારાજે જોગીદાસનું કાંડું ઝાલ્યું. જમૈયાની અણીને બહારવટીયાની આંખના પોપચાથી ઝાઝું છેટું નહોતું.
“આપા ભાઈ ! આ શું ?”
“કાંઈ નહિ બાપા ! આંખો ફોડું છું.”
“કાં ? ”
“એટલે તમે સહુ આ નાચમજરા નિરાંતે ચલાવો.“ “કાંઈ સમજાતું નથી આપાભાઈ ! ”
“મારૂવા રાવ ! તમે મારવાડ થકી આવો છો, તમારે પરવડે. પણ હું કાઠી છું, મારી મા-બેન નાચે, ને ઈ હું બેઠો બેઠો જોઉં, એમ ન બને. ”
“અરે આપા ! આ મા–બેન્યું ન કેવાય, આ તે નાયકાઉં. એનો ધંધો જ આ. ગણિકાઉ ગાય નાચે એનો વાંધો?”
“ગણિકાંઉ તોય અસ્ત્રીનાં ખોળીયાં : જનેતાના અવતાર : જેના ઓદરમાં આપણે સહુ નવ મહિના ઉઝરીએ એ જ માતાજીનાં કુળ: બધું એકનું એક, બાપા ! તમે રજપૂત, ઝટ નહિ સમજી શકો. પણ મને કાઠીને તો દીવા જેવું કળાય છે. હવે જો ઈ માવડીયું પગનો એકેય ઠમકારો કરશે તો હું મારી આંંખોનાં બેય રતન કાઢીને આપના ચરણમાં ધરી દઈશ.”
*નાચ મુજરા બંધ કરવામાં આવ્યા.
મહારાજે બહારવટીયા જોગ પૂરેપૂરા નિરખ્યા, અંતર ઓળઘોળ જઈ જવા લાગ્યું. જોગીદાસ જીવ્યા ત્યાં સુધી પોતાના ભાઈ કરી પાળ્યા.
અન્ય સંભળાતા પ્રસગો :
કવિ શ્રી ન્હાનાલાલ એક પ્રસંગ એમ પણ સંભળાવે છે કે ગાયકવાડ તથા ભાવનગર રાજની વચ્ચે સીમાડાની મોટી તકરાર હતી. કેમેય ગુંચ નીકળે નહિ. બન્ને રાજ્યોને એમ સૂઝ્યું કે જોગીદાસ બહારવટીયો સતવાદી છે, સીમાડાનો અજોડ માહિતગાર છે, એ ખરો ન્યાય તોળશે. માટે એને જ આ તકરારનો ફડચો સોંપાયો હતેા. સતવાદી બહારવટીયાએ ભાવનગરની સામે કારમુ વેર ચાલુ હતું છતાં સત્ય ભાખ્યું : ફડચા ભાવનગરના લાભમાં ગયા. એ પ્રસંગના ગુલતાનમાં બહારવટીયાને તેડાવવામાં આવ્યા હતા, અને તે વખતે આ ઘટના બની હતી. શ્રી. ધીરસિંહજી ગોહિલ લખી જણાવે છે :
“જ્યારે ઠાકોર અને જોગીદાસ કસુંબો લેવા ભેળા થઈ તંબુની બહાર બેઠા હતા, ત્યારે ઓચીંતો એક સાપ નીકળ્યો. બધા એ સાપને દેખી ભાગ્યા. ફક્ત જોગીદાસ બેઠા રહ્યા, સાપ જોગીદાસ તરફ ચાલ્યો.
ઠાકોર કહે “જોગીદાસ, ભાગો !”
બહારવટીયો કહે “ના મહારાજ ! આપ દેખો તેમ મારે સાપોલીઆથી ડરીને તગ ! તગ ! ભાગવું ન પરવડે !”
પલાંઠી ઠાંસીને બહારવટીયો બેસી રહ્યો. સાપ એના શરીર પર ચડ્યો. માથા ઉપર ફેણ લઈ ગયો. પછી ઉતરીને ચાલ્યો ગયો. જોગીદાસ જેમના તેમ બેઠા રહ્યા.
લેખક – ઝવેરચંદ મેઘાણી
આ કથા સોરઠી બહારવટીયા માંથી લેવામાં આવેલ છે.
જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 1)
જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 2)
જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 3)
જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 4)
જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 5)
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– વીર માંગડાવાળો – ભૂત રૂવે ભેંકાર…
– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા
– ભૂચરમોરી મહાસંગ્રામ…છપ્પનની છાતીનું પરાક્રમ
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો