જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 1)

કવિશ્રી ન્હાનાલાલે “સોરઠી તવારીખના થરો” ઉખેળતાં જોગીદાસને અત્યંત માનભેર સંભાર્યો છે. એને પોતે ‘જોગી બારવટીયો‘ કહી બિરદાવેલ છે. પોતે સોરઠનું ‘રૉબરૉય’ લખે તો જોગીદાસને વિષે જ લખે, એ એમની ભાવના છે. ભાવનગર રાજને જોગીદાસે દુશ્મના વટથી પણ શોભા ચડાવી. વજેસંગ-જોગીદાસની શત્રુ–જોડલી તો અપૂર્વ બની ગઈ છે. બન્નેએ જાણે કે પરસ્પર વીરધર્મના પાલનમાં સ્પર્ધા ચલાવી હતી.

જોગીદાસે ભાવનગર રાજ્ય સિવાયનાં ગામ ભાંગ્યાં એવું ક્યાંયે સાંભળવામાં નથી. લુંટ કરવામાં સીમાડો ભાવનગરનો જ છે ને, એ વાતની પોતે ચોકસી રાખતો. સીમાડાનો એવો પાકો માહેતગાર હતો, માટે જ અમરેલી-ભાવનગર વચ્ચેના સીમાડાની તકરાર ફેંસલા માટે એને સોંપાઈ હતી એમ કહેવાય છે.

“મા૨ા દાદા સામત ખુમાણે ભાઈ બેટાઓનાં લીલાં માથાં વઢાવી વઢાવી કુંડલાની ચોરાશી ઘેરે કરી; રાવણ જેવા ખસીઆઓનું જડાબીટ કાઢી મીતીઆળા સરખા કિલ્લા હાથ કર્યા, અને શું આજ ઠાકોર આતોભાઈ પોતાની બંદુકડી બતાવી અમારાં ચોરાશી પાદર આંચકી લેશે ? ના, ના, તો તો અમે સામત ખુમાણના નવે પોતરા, બાપ આલા ખુમાણના અમે નવે બેટડા બારવટાં ખેડશું.”

“આપા હાદા ! તમારા આઠ ભાઈઓની આશા તો હવે મેલી દ્યો.” ખબર દેનારે કહ્યું.

“કાં ?”

“એને તો ઠાકોર વજેસંગે પાળેલાં પશુડાં બનાવી લીધાં. ઇ તો એ પૂછડીયું પટપટાવે !”

“એટલે ?”

“એટલે શું ? સહુ પોતપોતાનાં છ છ ગામ દબાવીને બેસી ગયા ત્યાં તો ઠાકોરનો સંદેશો આવ્યો કે મારી શરત નહિ માનો તો શેત્રુંજીને કાંઠે ફરીને તોપખાનું ફેરવીશ; અને ખુમાણોને ફુંકી દઈશ.

“શી શરત ?”

“અકેકક ગામ ડુંગરી (સુવાંગ) અને પાંચ પાંચ ગામમાં ભાવનગર દરબારના ત્રણ ભાગ : ફકત ચેાથ જ તમારી ખુમાણોની : એમ જો ગરાસ ખાવા હોય તો જ ખાવા દેશું. નીકર ભીંસીને ભાંગી નાખશુ.”

“વાહ ઠાકોર ! કરામત સારી કરી. પછી ? કોણે કોણે કરાર કબુલ કર્યો ?”

“પેલો ભાઈ ભોજ ખુમાણે અને એની વાંસે બાકીના સાતે જણાએ.”

“પીઠાએ, વીરાએ, સૂરાએ, લૂણાએ, તમામે ?”

“તમામે.”

“ડાડા સામત ખુમાણના પોતરાએ ? ખોરડું વેચી નાખ્યું ? બંદુકડીથી બીના ?”

“મરવું દોયલું છે આપા ! ભાવનગરને પોગાય એમ નથી. સુરજ સામી ધુડ ઉડાડવી છે ને ? તમે પણ બેસી જાવ. ઠાકોર કે’વારે છે– કે?”

“કે આપા હાદાને પણ એક ડુંગરી ગામ, ને બાકીના પાંચમાં ચેાથ.”

“નીકર ?”

“નીકર તોપખાનાને મોઢે બાંધશે. ભાઈયુંનું જોર તો હવે ભાંગી ગયું. હવે કોનાં બાવડાં માથે ઝૂઝશો આપા હાદા ?”

“મારા ત્રણે વીરભદરનાં બાવડાં માથે ! મારા ગેલા, ભાણ ને જોગીદાસનાં બાવડાં માથે. ભલે ભોજ કુવાડાનો હાથો બન્યો. ભલે ભાઈયું બેસી ગયા. ભગવાને દીકરા શીદ દીધા છે ? શોભા સાટુ નહિ, મરવા મારવા સાટું. અમે મરશું, પણ ભાવનગરનાં અઢારસેંય ઉજ્જડ કરશું. ઠાકોર દૂધ ચોખાની તાંસળીમાં રોજ ખુમાણોનાં ભાલાં ભાળશે. ઉઠો બાપ ગેલા ! ઉઠો ભાણ ! ઉઠો આપા !”

Jogidas khuman

ત્રણ દીકરા ને ચોથો બુઢો બાપ: ઘોડે ચડી ચાલી નીકળ્યા.

“આપા ! શું કરછ બાપ !” હાદા ખુમાણે કુંડલાની નદીમાં ઉભા રહી ગયેલા પુત્ર જોગીદાસને સાદ કર્યો. જોગીદાસને સહુ ‘આપો’ કહીને બોલાવતા.

“કાંઈ નહિ બાપુ ! ઈ તે કુંડલા ન કામીએ ત્યાં સુધી નાવલીનું પાણી અગરાજ કરતો આવું છું.”

નાવલીનાં અખંડધારાં નીર: નીલો ઘટાદાર કિનારો: કાંઠે ચરતી ભેંસો: અને કાંબી કડલાં પહેરીને ત્રાંબા-બેડે પાણી ભરતી કણબણો: એને માથે મીટ માંડીને બાપ બેટા ચાલી નીકળ્યા

સંવત અઢાર પંચોતરે, ફળહળીઆ ફરંગાણ;
ધર સોરઠ જોગો ધણી, ખોભળતલ ખુમાણ

[સંવત ૧૮૭૫ માં જે વખતે ફીરંગીઓ(અંગ્રેજો) સોરઠ ધરામાં ઉતર્યા, તે વખતે જોગો ખુમાણ સોરઠની ધરતીને રોકી રાખીને ઉભો રહ્યો હતો.]

—2—

ફીફાદ ગામને પાદર ઘાટી ઝાડી છે, અને ઝાડીની અંદર ત્રણ ચાર જૂની આંબલીઓની ઘેરી ઘટામાં ધનંતરશા પીરની દરગાહ આવેલી છે. સવાર સાંજ એ સ્થળે લોબાનના ધૂપની એવી ભભક છૂટે છે કે આપોઆપ ખુદાની યાદ જાગે, વિચારો ગેબમાં રમવા માંડે.

એક દિવસ સાંજ નમે છે. બુઢ્ઢો મુંજાવર મુરાદશા એક નળીઆની અંદર દેવતા ભરી તે ઉપર લોબાન ભભરાવી રહ્યો છે, ગામમાંથી હિન્દુઓના ઠાકરની પણ આરતી સંભળાય છે. પીરો અને દેવતાઓને બહાર નીકળવાની વેળા છે.

એવામાં ઓચીંતો એ ઝાડીમાં એક બંદૂકનોને ભડાકો થયો, ધુમાડા નીકળ્યા, અને કીયો ! કીયો ! કીયો ! એવી કારમી કીકીઆરી પાડતો એક રૂપાળો મોરલો ઉડ્યો. ઉડતો ઉડતો, ઉડવાની તે તાકાત નહોતી તેથી અરધો પરધો હવાની ઉપર જ તરતો તરતો મોરલો નીચે ઉતર્યો. અને દરગાહ પર ધૂપ દેતા બુઢ્ઢા મુંઝાવર મુરાદશાહના પહોળા ખેાળામાં પોતાના આખા કલેવરનો ઢગલો કરીને મોરલો ઢળી પડ્યો.

ધોળી ડાઢી ને માથે સેંથેા પાડી ઓળેલા ધેાળા લાંબા વાળવાળો, સફેદ ઘાટાં ભવાં અને સફેદ પાંપણોથી શોભતો, ગળે પીળા પારાની તસબી અને અંગે લીલી કફની વાળેા સાંઈ મૌલા ચમકી ઉઠે છે. મોરલાના મસ્ત શરીરમાંથી ધગધગતા લોહી વડે એની લીલી કફની લાલ ચોળ બનવા લાગે છે, ને પોતાના પ્યારા મોરલાના બદનને ગેાદ સાથે ચાંપી લઈ, એની મખમલ શી મુલાયમ આસમાની લાંબી ઢળી પડેલી ડોક પર હાથ ફેરવી પંપાળે છે, અને છેલ્લા દમ ખેંચતા એ દેવપંખીને બેબાકળા બની પૂછે છે કે “અરે ! અરે બચ્ચા મોતીયા ! તીજે કયા હુવા ! ઓ મેરા પ્યારા ! કોન શયતાન કા બચ્ચાને તીજે ઝખમી કીયા ! મોતીયા ! મોતીયા ! મોતીયા !”

ત્યાં તો ઝાડીમાં ખડખડાટ થયો; “ મેલી દે એય સાંઈ !” એવી ત્રાડ પડી; ને હાથમાં સળગતી જામગ્રીવાળી લાંબી બંદૂક હીંડાળતો એક મદોન્મત્ત સંધી પોતાની ખુની આંખો ખેંચીને શ્વાસભર્યો ધસી આવ્યો. આવીને એણે ફરીવાર હાકલ દીધી કે

“મેલી દે મોરલાને !”

“અરે કમબખ્ત ! તીને યે મોરલા પર ગોલી ચલાયા ! ધનંતરશા પીરકા સવારી કરનેકા યે દુલ્દુલ પર ગોલી ચલાયા! તીને ઈસ જગામે શિકાર કીયા હેવાન ?”

“હવે મેલ મેલ હેવાનના દીકરા ! ઝટ મોરલો મેલી દે, નીકર માર ખાઈશ.”

“અરે જાલીમ ! યે પીરકા મોરલા !”

“હવે પીરને મોરલો કેવો ઉલ્લુ ? ઝાડીનો વગડાઉ મોરલો હતો. ને આજ રોજાં ખોલવાં છે તે શાક કરવા સારૂ શિકાર કર્યો, એમાં ક્યાં તારા દીકરાને માર્યો છે ? મેલી દે !”

એટલું બોલીને સંધીએ જોરાવરીથી મોરલાને મુંજાવરના ખેાળાની બહાર ખેંચ્યો. મોરુલાની છેલ્લી તગતગતી આંખો મુંજાવરના મ્હોં સામે જોઈ રહી. પોચે પોચે હાથે એ ઝખ્મી પક્ષીને ઝાલી રાખવા ફકીરે ઘણી મહેનત કરી. પણ શિકારીએ મોરલાને ગરદન પકડીને ખેંચી લીધો. પ્રાણ વિનાનું દેહપીંજર લઈને શિકારી ચાલી નીકળ્યો.

“ધનંતરશા ! પીર ધનંતરશા ! ઓલીયા ધનંતરશા !” એમ ત્રણ ભયંકર આવાજ દેતો દેતો બુઝર્ગ મુંજાવર પીરની દરગાહ સામે ઘુટણીએ પડીને બેસી ગયો. ઝાડવાંની ચાળણી જેવી ઘટામાંથી આથમતા સૂરજની પચરંગી તડકી એ દરગાહ અને ફકીરને માથે ઢોળાવા લાગી. લોબાનનો ધુપ ગોટેગોટ ધૂમાડા ચડાવીને પીરના થાનકની ચોપાસ ઝાડવાને પાંદડે પાંદડે છવાઈ ગયો. દરગાહનો ઓટો મુંજાવરના અવાજથી થરથરી ઉઠ્યો. પીર જાણે પોતાની સફેદ સોડ્ય નીચે સળવળવા લાગ્યા હોય તેમ પવનમાં કફન ફરકી ઉઠ્યું. અને આંસુડે નીતરતી આંખો મીંચીને મુજાવરે ત્રાડ દીધી કે “ઓ પીર ! આજ રમજાન મહિનાની ખુદાઈ સાંજને ટાણે, તારા દુલ્દુલ મોતીયાનું શાક કરીને ખાનાર નાપાક ઇન્સાન ઉપર મારી કળકળતી આંતરડીની કદુવા પુકારૂં છું. ઓ બાપ ! કે મોરલો એના પેટમાં જ હોય ત્યાં જ જો ખુમાણોનાં ભાલાં એ માંસ ખાનારના પેટમાં પરોવાઈ ન જાય. તો હું ફકીર નહિ, તું પીર નહિ, ને આસમાનમાં અલ્લા નહિ !”

એવો શાપ ઉચ્ચારીને મુંજાવરે ઓટાના પત્થર ઉપર પોતાના બન્ને પંજા પછાડ્યા. પછાડવાની સાથે જ એનાં દસે દસ આંગળાંના જીવતા નખ નીકળી પડ્યા. દસે આંગળીનાં ટેરવામાંથી લાલચોળ લોહીની ધારાઓ વહીને પીરની દરગાહ પર દડ ! દડ ! દડ ! દડ ! પડવા લાગી. પચાસ સંધી સીપાહીઓ, ઝાડવાના ઝુંડમાં થંભી જઈને આ કદુવા સાંભળી રહ્યા ને એ કમકમાટી ભરેલો દેખાવ સંધ્યાનાં અંધારાં-અજવાળાંમાં નિહાળી રહ્યા. સંધ્યા જાણે ગમગીન બની ગઈ. અંધારાં ઘેરાવા લાગ્યાં તો પણ મુરાદશા દરગાહની સામે સૂનસાન બનીને ઘુંટણભર બેઠો જ રહ્યો. થોડીવારે અંધારામાં જાણે ગેબની મશાલો પ્રગટ થઈ. ઘોડા ઉપર ચડીને જાણે કોઈ દૈવી-સવારી ઝાડની ઘટામાં ચાલી ગઈ. માણસો વાતો કરતાં કે કેાઈ કેાઈ વાર રાતે અંધારામાં આવા દીવા આંહી જોવામાં આવે છે ને ધનંતરશા પીરની જ એ સવારી નીકળે છે.

“હવે એવા ફકીરડા તો બચારા કૈંક રખડે છે. એવાને તો રોવા કૂટવાની ટેવ પડી. એવાની કદુવાયું તે ક્યાંય લાગતી હશે ?” દાંત કાઢતા કાઢતા સંધીઓ માંહેમાંહે વાતો કરવા માંડ્યા.

“હા, હા, એલા તમ તમારે ઝટ મોરલાને વનારી નાખો. ઝટ શાક રાંધીને રોજાં છોડીએ. પેટમાં લા લાગી ગઈ છે, ને હજી તો પંથ બહુ લાંબો પડ્યો છે.”

એવી વાતો કરતા કરતા આખા દિવસના ભૂખ્યા-તરસ્યા બંદૂકદાર સંધીઓએ પાપની રસોઈ પકાવી. સહુએ પેટ ભરી ભરીને રોજાં ખોલ્યાં. ફક્ત એક જ સંધીએ મોરલાનું માંસ ન ચાખ્યું.

એ પચાસ ઘોડાંનો પડાવ કોનો હતો ? કોણ હતા આ સંધી સિપાહીઓ ?

એ હતા ભાવનગર રાજના પગારદાર સંધીઓ. એનો આગેવાન હતો ઈસ્માઈલ સંધી. ખુમાણ શાખાના કાઠીઓ પાસેથી કુંડલા પરગણાનાં ચોરાશી ગામ આંચકી લઈને ભાવનગરનાં ઠાકોરે ઈસ્માઈલ જમાદારને એના પાંચસો બરકંદાજ ઘોડેસવારો સાથે કુંડલાની નાવલી નદીને કાંઠે થાણું બેસાડીને રાખ્યો હતો. ખુમાણો ભાવનગરના જોર સામે બહારવટે ઝૂઝતા હતા. કરડો, કદાવર અને નીમકહલાલીના પાકા રંગે રંગાઈ ગયેલો ઈસ્માઈલ જમાદાર તે દિવસે કુંડલાથી નીકળી, પચાસ ઘોડે ભાવનગર ગામે પોતાનો ચડત પગાર વસુલ લેવા જાય છે. રમજાન મહિનો ચાલે છે. સહુ સંધીઓ રોજા રહ્યા છે. તે દિવસની રાત ફીફાદ ગામમાં ગાળવા તમામ ઉતરી પડે છે. તે વખતે ધનંતરશા પીરની ઝાડીમાં આ બનાવ બને છે, અને ઈસ્માઇલ પોતે પણ પોતાનાં તકદીરનો ભૂલાવ્યો એ પીરની ઝાડીના મોરલાની માટી ખાવા બેસી જાય છે. સાંઈના શાપની એને પરવા જ નથી.

આખી રાત ફીફાદ ગામમાં રહી પરોડિયે સરગી કરી જમાદાર ઈસ્માઈલ પોતાના પચાસ ઘોડે ચાલી નીકળ્યો. મુરાદશા મુંજાવરે ખુમાણોનાં ભાલાં ભોંકાવાનો શાપ દીધો, પણ એને તો જરાય ઓસાણ નથી કે આસપાસ પચાસ પચીસ ગાઉમાં ક્યાંયે બહારવટીયાનો પગરવ પણ હોય. ખુમાણોને માથે ઠીકાઠીકનો જાબદો કર્યાની ખુમારીમાં મૂછે વળ દેતો સરદાર ઘોડો હાંક્યે જાય છે. એમાં બરાબર ઘેટી-આદપરના ઠાંસામાં દાખલ થતાં જ મહારાજે કોર કાઢી, અને સામી બાજુએ જાણે બીજો એક નાનકડો સૂરજ ઉગતો હોય એવું દેખાડતાં, કિરણો જેવાં લાગતાં સો એક ભાલા ઝળેળાટ કરી ઉઠ્યાં. એ ઝળેળાટ અને એ સજાવટ ઉપરથી પારખી જઈને સંધીઓએ અવાજ દીધો કે

“ઈસ્માઈલ જમાદાર ! કાઠીઓ આવે છે.”

“અરે હોય નહિ !”

“હોય નહિ શું ? લ્યો ત્યારે, એ આ કટક વરતાણું.”

“ફકર નહિ. આપણે ખભે એકાવન બંદૂકું પડીયું છે, ને ઈ બચારા આડહથીઆરા છે. હમણાં વીંધી લઈએ. જામગ્રીયું ચેતાવો ઝટ !”

પલકમાં તે ચકમક અને લોઢાના ઘસારામાંથી એકાવન હાથમાં આગના તણખા, ઝીણાં રાતાં વગડાઉ ફુલની માફક રમવા લાગ્યા અને જામગ્રીઓ ઝબુકી ઉઠી. “હાં, ફૂંકી દ્યો !” એવો હુકમ થવાની સાથે એકાવન લાંબી બંદૂકો એ અલમસ્ત ભુજાએામાં ઉપડીને પહોળી ઢાલ જેવી છાતીઓ ઉપર ટેકો લઈ ગઈ. તીણી આંખો પોતપોતાના વડીયાની સામે નિશાન લઈ રહી, સામેથી કાઠીઓનાં ઘોડાં વેરણ છેરણ થઈ ગયાં, કોઈ પોતપોતાની ઘોડીએાના પેટાળે ઉતરી ગયા, કોઈએ ઘોડીઓની ગરદન આડાં માથાં સંતાડ્યાં, કોઈએ ઢાલો ઢાંકીને તલવારો ખેંચી લીધી, પણ સંધીઓ બંદૂકોના કાનમાં દારૂ મેલીને જ્યાં સળગતી જામગ્રી દાબે છે, ત્યાં તો સુરૂરૂરૂ ! થઈને કાનનો દારૂ સળગી ગયો. એકાવનમાંથી એક પણ બંદૂકનો ભડાકો ન થયો !

શું કારણ બન્યુ હતું ?

પાછલી રાતે મેઘરવો પડેલો હોવાથી દારૂ હવાઈ ગએલો એટલે બંદૂકો કાન પી ગઈ. કોઈને એ વાતની સરત નહોતી રહી. કેમકે મોરલાનો ભક્ષ કરનારનો કાળ આવવો નક્કી થઈ ચૂકેલો હતો. એકાવને બંદૂકો હાથમાં ઠઠી રહી, અને સામેથી ચકોર કાઠીએાએ ઘોડીઓ ચાંપી. ચકર ! ચકર ! સહુના હાથમાં ભાલા ફરવા લાગ્યા. અગ્નિઝરતાં કોઈ કુંડાળાં સળગતા હોય એવો દેખાવ થઈ રહ્યો. ને મોખરે સંધીઓએ દાણો દાણો થઈ, વેરાઈ જઈ ભાગવા માંડ્યું.

કાઠીએાએ જેયું કે હમણાં સંધીઓ હાથમાંથી ચાલ્યા જશે. ઘોડાંને આંબવા નહિ આપે. પલકારામાં કાઠીઓના આગેવાનને કરામત સૂઝી ગઈ. એણે હાકલ કરી કે “એલા” જોજો હે, જો સંધીડા ઓલા બુટના કૂવામાં પેસી જશે ને, તો આપણને મારી પાડશે હો ! પછી આપણી કારી નહિ ફાવે.”

ભાગતા સંધીઓ સાંભળે તેવી રીતે આ યુક્તિભર્યું વેણ બોલાયું. સાંભળતાંની વારે જ સંધીએાના કાન ચમક્યા. સાચેસાચ જાણે બુટના કૂવામાં દાખલ થઈ જવાથી આપણો બચાવ થઈ જશે ! એવી ભ્રમણામાં આંધળાભીંત બનીને એ એકાવને જણાએ એક સુકાઈ ગએલા મોટા કૂવાની કોરી ખાડ્યમાં ઘોડાં કુદાવ્યાં, ફરીવાર બંદૂકો તોળી જામગ્રી ચાંપી. પણ કાન પી ગયેલી બંદૂક ન જ વછૂટી. કાઠીઓએ ખાડાને કાંઠે ઉભા રહીને ભાલાં બરછી તેમજ તલવારોના ઘા કરી સંધીએાનો કચ્ચરધાણ વાળી નાખ્યો.

એક હાથ એ પચાસ લાશો વચ્ચેથી ઉંચો થયો. એક સંધી અણિશુદ્ધ શરીરે એ ઘોરખાનામાંથી ઉભો થયો. “અરે ! આ શું કૌતક ? આખા કટકનું ખળું થઈ ગયું ને તું એક જીવતો ?”

“જીવતો છું એટલું જ નહિ, જોગા ખુમાણ ! પણ આ ડીલને માથે નજર તો કર ! તારો એક ઘા યે ક્યાંય ફુટ્યો ભાળ છ ?”

બહારવટીયો થંભીને જોઈ રહ્યો.

“જોગીદાસ ખુમાણ ! આ પચાસને માર્યા તેના તને તો ઝાઝા રંગ. પણ તારે ભાલે બેસનાર તો મુરાદશા મુંજાવરની કદુવા હતી. પીરનો મોરલો ખાનારનાં પેટમાં તારાં ભાલાં પરોવાવાનાં નક્કી થઈ ચૂક્યાં હતાં. ને આંહી જો ! મેં મોરલો નો’તો ખાધો. મને એક પણ જખમ નથી ફુટ્યો !”

“ક્યાં છે મુરાદશા ?”

“આ ફીફાદની ઝાડીમાં : ધનંતરશા પીરને થાનકે. અભેમાન કર્યા વિના એના પગુંમાં પડી જા – જો બહારવટે જશ લેવો હોય તો !”

જેને મુખડે પરનારી સિદ્ધ કોઈ જોગંદરની જ્યોત પથરાઈ ગઈ છે, જેની આંખોમાંથી વેરની આગ સાથે ખાનદાનીનો રંગ ઝરે છે, જેની ભ્રુકૂટિમાં જીવલેણ મક્કમપણાનું રામધનુષ્ય ખેંચાયલું દિસે છે. એવો સૂરજમુખો બહારવટીયો જોગીદાસ પલભર વિચાર કરી રહ્યો. એણે ઘોડી મરડી. સહુ અસવારો એની પાછળ ચાલ્યા. ફીફાદની ઝાડીમાં પીરને ઓટે દસે આંગળાંમાંથી નખ કાઢી નાખીને ગમગીન બેઠેલા બુઢ્ઢા મુંજાવર મુરાદશાના પગમાં જોગીદાસે પોતાના હાથ નાખી દીધા.

એનાં પાળેલાં કબુતરો, ખીસકોલીઓ ને કાબરો એના શરીર પર રમતા હતા, એક ડાઘો કૂતરો એના પગ ચાટતો હતો.

પોતાના બન્ને હાથ બહારવટીયાના મસ્તક પર મૂકીને મુરાદશાએ દુવા દીધી કે “જોગીદાસ ! બચ્ચા ! પીર ધનંતરશા તારાં રખવાળાં કરશે.”

–3–

ઠાકોર વજેસંગજી અફસોસ કરી રહ્યા છે :

“ઓહોહો ! ખુમાણોએ મારૂ ઢીમ ઢાળી દીધું : આણંદજી દિવાનને મારી પાડ્યા ! આવો નાગર ફરી નહિ મળે.”

“ફિકર નહિ બાપુ, આણંદજીની કાયા તો ભાવનગરની બાજરીને કણે કણે બંધાણી’તી ને ? અને ટાણું આવ્યે તો લેખે ચડી જ જાવું જેવે ?”

“શી રીતે વાત બની ?”

“બાપુ, આણંદજી ભાઈ તો મહુવે એના બાપનું શ્રાદ્ધ સારવા બેઠા હતા. ઘેરે મહેમાનોનું જૂથ ક્યાંય માતું નો’તું, એમાં વાવડ સાંભળ્યા કે બહારવટીયા ભાણગાળામાં પડ્યા છે. શ્રાદ્ધ અધૂરું મેલીને ઉઠ્યા. ભાણગાળેથી બહારવટીયાને ભગાડીને આણંદજી ભાઈએ ઝપટમાં લીધા. ખેરાળીના ડુંગરાની અંદર હરખાવદરના ગાળામાં ભેટંભેટા થઈ ગયા. એક આણંદજી ભાઈ ને બીજો સૈયદ બાગ:. એક નાગર ને બીજો આરબઃ બેય જણા નીમકની રમત રમી જાણ્યા બાપુ ! આણંદજી ભાઈને ઝાટકે ને સૈયદ બાગાને જમૈયે કાઠીનું ખળું કરી નાખ્યું. અંતે જોગીદાસને ભત્રીજે ચાંપે ખુમાણે આણંદજી ભાઈને બરછીએ પરોવી લીધા, સૈયદ બાગાને ડીલે પણ પૂરા બત્રીસ ઘા પડ્યા. ખુમાણો તો એ બેને જ ઢાળીને ભાગી છૂટ્યા.”

“ઠીક, જેવી મા ખોડીયારની મરજી ! રાજ તરફથી આણંદજી દિવાનના માથા સાટે એના કુટુંબને ત્રણ ગામ આજથી “જાવચ્ચંદર દીવાકરૌ” માંડી આપુ છું : વીસળીયું, વડલી, ને લુવારા.”

આખી કચારીના એકેએક માણસને ઠાકોર વજેસંગના માથા ઉપરથી ઓળધોળ થઈ જવાના ઉમળકા આવ્યા.

“અને સૈયદ બાગાનું શું થયું ?” ઠાકોરે સવાલ કર્યો. “સૈયદ બાગો તો અટાણે પડદે પડ્યા છે બાપુ ! સૈયદ બાગાના જખ્મોને જ્યારે અમે હીરના ટેભા લઈ સીવવા માંડયા ત્યારે એણે હીરના ટેભાની ના પાડી. એણે તો બાપુ હઠ જ લીધી કે મને ચામડાની વાધરીના મજબુત ટેભા લીયો. આખું અંગ વેતરાઈ ગયું’તું તો પણ એક ચુંકારો કર્યા વગર આરબે વાધરીના ટેભા લેવરાવ્યા. મોઢા આગળ આણંદજી દિવાનની લાશ પડી’તી.

“રંગ છે આરબની જનેતાને.એનો ધાવેલો તો જરૂર પડ્યે ઉભા ને ઉભા કરવતે પણ વેરાઈ જાય ને ! ”

કચારીમાં આરબ અમીર ઉમરાવો ને લશ્કરી અમલદારો બેઠા હતા એનાં ગુલાબી મોઢાં ઉપર બેય ગાલે ચાર ચાર ચુમકીઓ ઉપડી આવી. નીમકહલાલીનાં નિર્મળાં રાતાં લોહી સહુના શરીરની અંદરથી ઉછાળા મારતાં હમણાં જાણે કે ચામડી ફાડીને બહાર ધસી આવશે એવી જોરાવર લાગણી પથરાઈ ગઈ. ત્યાં તો ચોપદારે જાહેર કર્યું કે

“બાપુ ! જીભાઈ રાઘવજી દિવાન પધારેલ છે.”

તૂર્ત જ નાગર જોદ્ધો જીભાઈ રાધવજી દેખાયો. કમર પર કસકસતી સોનેરી ભેટમાં જમૈયા ધબેલા છેઃ ગળે ઢાલ, કાખમાં શિરોહીની તલવાર ને હાથમાં ભાલો લીધો છે. પોતાના અમીરી દેખાવની રૂડપથી કચારીને નવા રંગે રંગતો જીભાઈ હાજર થયો. મહારાજ વજેસંગજી હેતભર્યા મળ્યા. “જીભાઈ ! આવી પોગ્યા ? બંદોબસ્ત બરાબર કર્યો છે ને ?”

“મહારાજને પ્રતાપે આ વખતે તો આખા ખુમાણ પંથકને માથે મગીયા–જાળ પાથરીને હાલ્યો આવું છું. મગ જેવડું યે માછલું-ખુમાણનું નાનકડું છોકરૂં પણ ક્યાંય આઘું પાછું ન થઈ શકે એવાં સંધી બરકંદાજોનાં થાણાં કુંડલા, રાજુલા, ડુંગર, આંબરડી, મીતીઆળા વગેરે તમામ જગ્યાએ થાપી દીધાં છે, પાકેપાકી મગીયાજાળ પાથરી દીધી છે બાપા ! ”

“રંગ તમને, જીભાઈ ! બાકી તો બહારવટીઆએ આણંદજીને માર્યા ત્યારથી મારૂં રૂંવાડું હેઠું બેસતું નથી. જોગીદાસના ક્યાંય વાવડ ?”

“જ્યાં હશે ત્યાંથી મારી મગીયાજાળમાં ઝલાઈ જાશે. હવે ફિકર નથી. જોગીદાસ બાપડા હવે કેટલા દિ’?”

“હાજ તો ! ભાવનગરનો ચોર તો ભાગી ભાગીને કેટલેક જાશે ?” એક બીજા અમીરે ટાપસી પૂરી.

ત્યાં તો મહારાજને દુ:ખ ભૂલવવા, હિમ્મત દેવા ને રૂડું મનાવવા બીજા બધા પણ બોલવા લાગ્યા કે “હવે બચાડી ચંદરમાની ભાગી શિયાળ તે કેટલે જઈને રે’શે ?”

“ક્યાં જઈને રે’શે ? દેખ બચ્ચા ! આંહી રે’શે”

કચારીના ખુણામાંથી એવી એક ત્રાડ સંભળાણી. ચમકીને મહારાજે એ ત્રાડ પાડનાર તરફ જોયું. કચારીના તમામ માણસો એ અવાજ કરનારની ખુમારી દેખી સ્તબ્ધ થઈ ગયા. અને ફરીવાર એ ધોળા, વાકડીયા, ખંભે ઢળકતા વાળ વાળા, સુફેદ દાઢી મૂછના ભરાવાવાળા, ધોળી પાંપણો ને નેણો નીચે તબકતી ઝીણી આંખોવાળા, લીલા અંચળાવાળા ને ગળામાં પીળા પારાની માળાવાળા ફકીરે ત્રાડ દીધી કે “ઈસ્મે રે’ગા ! યે મેરા ખપ્પરકે નીચુમેં રે’ગા !”

એટલું કહેવાની સાથે જ એ ફકીરે પોતાનું કાળું ખપ્પર કચારીમાં ઉંધું વાળ્યું.

“નખ્ખોદ વળ્યું !” ઠાકોરના મ્હોંમાંથી ઉદ્ગાર નીકળ્યો, “મુરાદશા એાલીયાએ ખુમાણને આશરો દીધો!”

તૂર્ત જ ચતૂર રાજાએ બાજી પલટી નાખી. મુંજાવર મુરાદશાનો કો૫ હેઠો બેસારવા મીઠાશથી બોલવા માંડ્યું કે “અરે હાં ! હાં ! હાં ! સાંઈ મૌલા! ગુસ્સો શમાવી દો બાવા ! દઃખ ધોખો ન લગાડો. હોય. એ તો થયા કરે.”

“મહારાજ !” મુરાદશાએ બોખા મ્હોંમાંથી દુઃખનો અવાજ કાઢ્યો, “મને દુ:ખ કેમ ન લાગે ? જોગીદાસ જેવા લાખ રૂપીઆના કાઠીને ચોર લુંટારો બનાવી મૂક્યો એ તો ઠીક, પણ ઉપર જાતાં એને નામે આ કચારી ફાવે તેમ બકે ? તારી કચારીની કીર્તિ ધૂળ મળે છે, રાજા સા’બ ? એમાં જોગીદાસને કાંઈ નાનપ નથી ચોટતી.”

“સાંઈ મૌલા ! તમારી વાત સાચી છે. છીછરા પેટનાં મારાં માણસોએ મારૂં સારૂં દેખાડવા માટે જોગીદાસને નાન૫ દેવામાં ભૂલ કરી છે. મારા દિલમાં એવું કાંઈ જ નથી. મારા મનથી તો જોગીદાસ માઈનો પૂત છે. અને એના ગરાસ સાટુ એ અમને સંતાપે એમાં કાંઈ પણ ખોટું નથી સાંઈ ! આપનો ગુસ્સો શમાવો.”

કહેવાય છે કે પેલું વાળેલું ખપ્પર મુરાદશાએ ઉંચુ ઉપાડી લીધું. ઉપાડતાંજ નીચે એક ઘોડીના ડાબલાનું તાજેતાજું પગલું ને બીજું ઘોડાની તાજી કરેલી લાદનું પોચકું દેખાયું.

ભાવનગરમાં ગંગાજળીયા તળાવને આથમણે કાંઠે વડવાની જમીનના ખુણા પર આજ પણ જે જગ્યા ‘પીર મુરાદશાના તકીઆ’ તરીકે ઓળખાય છે, ત્યાં વારંવાર અસૂરી વેળાએ આવીને બહારવટીયો ઉતરતો, દિવસોના દિવસ સુધી રહેતો, ને છતાં કોઈને એની બાતમી નહોતી મળતી.

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ કથા સોરઠી બહારવટીયા માંથી લેવામાં આવેલ છે.

આગળની વાત જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 2) વાંચો ….

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– વીર માંગડાવાળો – ભૂત રૂવે ભેંકાર…

– મેપા મોભની ઉદારતા ની વાત

– સોરઠ નો સિંહ વીર રામવાળો

– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

– ભૂચરમોરી મહાસંગ્રામ…છપ્‍પનની છાતીનું પરાક્રમ

– રાખડી નુ ઋણ – ભાણ પટગીર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

 

error: Content is protected !!