રાખડી નુ ઋણ – ભાણ પટગીર

ગુંદાના દરબાર ભાણ પટગીરની જમીન અંગ્રેજોએ હડપ કરી લીધી એટલે તેમણે અંગ્રેજ સરકાર સામે બહારવટું આદર્યુ. કાળો બોકાસો બોલાવ્યો અને અંગ્રેજોની ઊંઘ હરામ કરી દીધી. પટગીરને પકડવા અંગ્રેજ સરકારે હુકમ કર્યો, “જાવ બહારવટીયા પટગીરને પકડી વઢવાણ કેમ્પ હાજીર કરો!” પણ પટગીર પકડાયા નહીં, છેવટે અંગ્રેજોએ ઝાલાવાડ અને ગાયકવાડ સરકારની પોલીસની મદદ લીધી. પોલીસ ભાણ પટગીર ને પકડવા રાત-દિવસ એક કરવા લાગી.

રક્ષાબંધનના દિવસે તેમની જીભની માનેલ બહેન સલમા ને ત્યા ભાણ પટગીર રાખડી બંધાવવા જાય છે, એની માહીતી પોલીસને સાબદી થઇ. અંધારાના સોળા ઉતરી આવ્યા છે. ભેંકાર વગડો હળવે હળવે અંધારી રાત ના પાલવના તળે ઢબુરાવા લાગ્યોં છે. ચારે કોર્ય સૂનકાર ભાસે છે. આવા કહુલા વખતે કાઠી ભાણ પટગીર રાખડી બંધાવવા સારું લખતરના પંથે પડ્યાછે. આખીય સીમનો સુંવાગ ધણી હોય,એમ એકલતાના હાજા ગગડાવતો હાલ્યા જાય છે.

ત્યા એકાએક બંદુકના ભડાકા થયા!
‘ભા. ! સાથેના મિયાંણાએ કહ્યુ,’નક્કી કાક દગો ફટકો લાગે છે. !’
‘દગો!!!’

‘હા, કોઇકે આપડી બાતમી આપી દિધી લાગે છે. ’
પોતાના ધરમની બહેન પાસે રાખડી બંધાવવા જાય છે, એ વાત આખુ જગત જાણે છે. એમા દગા ફટકા નો સવાલ જ નહોતો. પણ પછી થયું કે પોતે આ રસ્તે થી જ નીકળશે એવી કોને ખબર હતી? પટગીર મનોમન સમસમી ગયા. અટાણે એ વાત ના લેખા જોખા કરવાનો સમો નહોતો. હવે તો ઉભા થયેલા મોરચા ને ભરી પીવાનો હતો.

એક જણ ફુટ્યો હતો. બાતમીદારે બાતમી આપી હતી. આ બાતમી ના આધારે બેવ પંથકની પોલીસ રસ્તામા ઘેરો ઘાલીને પડી હતી. લખતર અને લીલાપુરના રસ્તામા એક કુવો છે,આ કુવામા કેટલાક સીપાઇઓ સંતાય ગયા હતા અને ભાણ પટગીર નીકળતાની સાથે જ બંદુકની ધાણી દોડાવા લાગ્યા હતા.

ભાણ પટગીરે, દારુના તિખારાંમાથી ઉઠતા આછા ઉજાશમાં જોઇ લીધું કે, કૂવાના કાંઠે અનેક સિપાઇઓ ઉભા રહી ગયા હતા. છતાય તેની સામે ગોળીયું નુ બોથરાટી બોલાવી. આમ સામસામી ઝપાઝપી બોલે છે , ત્યાં કાળને કરવું છે તે કપાસ ભરેલા ગાડાં નીકળ્યાં. ભાણ પટગીર અને તેના સાથીઓ એ ગાડા ની આડાશ લઇ લીધી.

પોલીસની કુમક જાજી હતી,તેમની સામે ટક્કર ઝીલવી એ મોતના મોંમા હડસેલાવા બરાબર હતું.

તેથી સાથીઓને લગોલગ કરી ને કહ્યુઃ

‘આપણે પારોહ ના પગલા નથી ભરતા પણ …. ‘

‘પણ શુ!!?’

પણ હું એકલા હાથે પોગી વળીશ. તમે ભાગો…. ’

‘ભાગો , ક્યા?’

‘જોવ ભાઇઓ’ ભાણ પટગીર બોલ્યા, કેમ પણ અટાણે મને મોત ના ભણકારા વાગે છે, હામે પોલીસ જાજી છે.

‘પણ આપડે ગાજ્યા જાઇ એવા થોડા છંઇતે. . ’

ઘડીભર ભાણ પટગીર અબોલ રહ્યા. પછી બોલ્યા , મે સ્થિતીને નાણી લીધી છે. બળ હોય એની ના નહિ પણ સમો પારખી ને કળ થી કામ લેવુ પડે. બસ મારુ માનો અને તમે નીકળી જાવ. . ’

‘તો પછી હાલો આપડે હંધાય નીકળી જાઇ !’

‘ના’ ભાણ પટગીરે કહ્યુ,’મારે રાખડી બંધાવવા જાવું જ પડે. ‘

‘પણ બાપુ…. . ’

‘મોત આવે ને પાછો વળું ને પછી રાખડી બંધાવુ તો તો ધૂડ પડી આ જીવતરમાં એક વખત જીભ કચરાઇ ગઇ, હાઉં. પછી ભલેને મોત હડી કાઢી ને હામું હાલ્યુ આવે!’

આમ વાતની રકઝક ચાલે છે. પટગીરના મીયાણા સિપાઇઓ સમજે છે કે, ભાણ પટગીર એની ટેક મા અડગ રેશે. મોત ને મીઠુ કરશે પણ ટેક નહિ તોડે.

‘ભાઇ! હુ ખાપણ માથે બાંધી ને ફરુ છવં મોતની ભે નથી. તમનેય નથી. પણ નાહક ના હામે થી પકડાવું’.

પોલીસ ની ગિસત વધારે હતી. તેની સામે ટકકર જીલવી મુશ્કેલ હતી. તેથી ફરી સમજાવતા કહ્યુ,’મારે તો રોનારુ કોઇ નથી, પણ તમારા બાયડી-છોકરા ને રોતા શુ કરવા મેલવા?’

‘તમે ભા! લાખુ વાત કરો પણ તમને એકલાં મૂકી ને નંઇ જાઇ!’

પટગીર પેટ ભરી ને સમજતા હતા કે, સાથીદાર પોતાને આમ એકલા છોડી ને નહીં જાય સાથે સાથીદારો સાથે ધર્મઃબહેન સલમાનો ખાંવીદ આમદ પણ હતો, એટલે આમદ ને કહ્યુ,’આમદ મારે મારી બેન ને કાપડુ આપવાનુ છે, એનો ચૂડલો ભાંગવાનો નથી. તેથી ભલો થઇં. આ બધાય ને લઇ આય થી ભાગી જા!’

ગાડા આગળ ને આગળ વધ્યે જાતાં હતા. ગાડા ખેડુ બિકના માર્યા ગાડા ના ઉંધ્ય માથે લપોડાય ગયા હતા. રાશ ઢીલી પડી ગઇ હતી. ઢાંઢા મન મોખાળ્યે પલ્લો કાપ્યે જતા હતા. અંધારુ અને આકાશ પંથ કપાવવા માટે પાસરા હતા,પણ પાછળ પોલીસ પગેરું દબાવ્યે બંદૂક ના ભડાકા કર્યે આવતી હતી. દુશ્મન ની ગોળી થી વિંધાતા વાર લાગે એમ નહોતી.

‘ભાગો ના ભાગો તો તમને સુરજનારાયણ ના સમ છે!’

ભાણ પટગીરે છેલ્લા ઉપાય તરીકે કહી દીધુ.
સૂરજદાદાના સમ સામે મિંયાણા ઢીલા પડી ગયા અને છેવટે લખતર બાજુ ના માર્ગે ભાગ્યા. .

ગિસત સાવ નજીક આવી ગઇ હતી. તેથી તેની વાર કરવાનુ માંડી વાળી ભાણ પટગીરે ઘોડી વહેંતી મુકિ. આગળ ભાણ પટગીર અને પાછળ પોલીસ.

એકલમલ ભાણ પટગીર લખતર થઇ ટીકર ના ટાણ બાજુ વળ્યા
અને છેવટે સામી છાતીએ ઊભા રહ્યા.

થાજો માટી. . ! કહિ ને પટગીરે ભડાકો કર્યો.

ત્યા સામે થી એક સામટી અનેક બંદુક ના નાળચા આગ ઓકી ચુક્યા. ખરાખરી નો ખેલ મંડાયો,ને જોતજોતામાં અંગ્રેજોની આખે પાણી લાવી દેનાર દરબાર ભાણ પટગીર ચારણી ની જેમ વિંધાઇ ગયા.

લખતરમા માડીજાયા વીર કરતા પણ વધારે હેતથી વાટ જોતી સલમા, ભાણ પટગીર ની વાટ જુએ છે. બિહામણી રાત પંથ કાપ્યે જાય છે,પણ પટગીર ના ક્યાંય વાવડ નથી. ત્યા આમદ આંગણા મા આવી ઉભો રહ્યો. તે વખતે જ કોઢરે બેઠેલી ચીબરીએ કાળો ચહકારો કર્યો. સલમા ના કાળજા માં ઉભા ચીરા પડ્યા. તેમણે આદમને તીર ની માફક સવાલ કર્યો

‘મારો વીર ક્યા?’
આદમ કાઇ બોલી શક્યો નહિ.

‘મૂંગા કાં થૈ ગ્યા. ખભે થી ઝાલી ને સલમા એ આદમ ને હડબડાવ્યો’

અમને એમણે સૂરજ નારાયણ ના સમ દઇ ભગાડ્યા’ આદમ સાથે ના એક જણે પેટ છુટી વાત કરી. અને સલમાની માથી જાણે કડકડતી વિજળી તુટી’

હેં! આંયા કોણ તમારી વાટ જો’તુ તુ તે આમ હાલ્યા આવ્યા. સલમા એ ગળુ ફાડી ને કહ્યુ ‘તે દિ તમારી દિકરી ની આબરું ને બચાવી . . ને અટાણે તમે એને નોંધારો છોડી ને હાલ્યાં આવ્યા!?’

‘વીરા મારા વિરા તુ ક્યાં છે? સલમા ગાંડા ની જેમ રટણા કરવા લાગી . સલમાનુ આવું રુદન જોઇ ઘડીભર રાત ને પણ ડુસંકુ આવિ ગ્યુ. ’

‘જાવ તમારું મો ના બતાવતા’ સલમા બોલીઃ તમારો ને મારો સંબધ હવે પુરો’

પછી જિંદગીભર સલમાએ આદમ સાથે નો વ્યવાહાર તોડી નાખ્યો હતો, અને તેનું મો પણ જોયુ ન હતુ.

સૌજન્યઃ- રાઘવજીભાઇ માધડ

ગુંદાના કાઠી દરબાર શ્રી ભાણ પટગીર નોલીના દરબાર શ્રી એભલ પટગીર ના બહારવટામાં સામેલ થયેલા. દરબાર ભાણ પટગીરે વડોદરાની ગાયકવાડ સરકાર અને અંગ્રેજ એજન્સી સામે વીરતા થી લડી ને પોતાની તાકાત નો પરચો બતાવેલો.પાલરવભા પાલીયાએ દરબાર ભાણ પટગીર ના પણ કલાત્મક દુહા રચેલા જેમા તે સમયના યુધ્ધ ના પ્રદેશ નામો નો પણ સમાવેશ છે.

શત્રુ હડફેટે ચડે, મદસક મેદાને;
તેના તરવારે ભેજા(મસ્તક) ઉડાડે ભાણવો.

મચ્યો ધંધ મરદા તણો, ધાંગ્રધે ધ્રુફાણ;
પાછા પટગર રાણ, ભર્યા નઇ પગલા ભાણવા.

ધાંગ્રધા વાળો ધણી, ભડવા આવેલ ભોપાળ;
થડક્યો નહી તું થોભાળ, ભારથ મચાવ્યો ભાણવા.

ત્રાટક દીધેલ તુરખે, ચુડા માથે ચોટ;
રંગ ભીના રાજકોટ, ભાંગ્યુ પટગર ભાણવા.

ચૂડાની ચટણી કરી, રણજીતલ ચણ લોટ,
કારીયાણીનો કોટ, ભુકા કરે ભાણવો.

આભાર – ☀ કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન ☀
જય સૂર્યદેવ
જય કાઠીયાવાડ

– રક્ષાબંધન પર્વ ની શુભકામનાઓ –

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

error: Content is protected !!