“બાપુ! ગઝબ થઈ ગયો.”
જોગીદાસે બહારવટે રઝળતાં રઝળતાં એક દિવસ મીતીઆળાના ડુંગરામાં પોતાના બાપ હાદા ખુમાણને શોકના સમાચાર સંભળાવ્યા.
“શું થયું આપા ?”
“મહારાજ વજેસંગનો કુંવર દાદભા ગુજરી ગયા.”
“અરરર ! દાદભા જેવો દીકરો ઝડપાઈ ગયો ? શું થયું ? ઓચીંતાનો કાળ ક્યાંથી આવ્યો ?”
“ભાવનગરની શેરીએ શેરીએ ભમીને મેં કાનોકાન વાત સાંભળી કે શિહોરથી દશેરાને દિ’ નાનલબા રાણીએ કુંવરને ભાવનગર દરિયો પૂજવા બોલાવ્યા, અને કુંવર દરિયો પૂજીને પાછા વળ્યા ત્યારે નાનલબાએ મંત્રેલ અડદને દાણે વધાવીને કાંઇક કામણ કર્યું : કુંવરનું માથું ફાટવા માંડ્યું. શિહોર ભેળા થયા ત્યાં તો જીભ ઝલાઈ ગઈ ને દમ નીકળી ગયો.”
“કોપ થયો. મહારાજને માથે આધેડ અવસ્થાએ વીજળી પડ્યા જેવું થયું આપા !”
“વીજળી પડ્યાની તો શું વાત કરૂં બાપુ ! શિહોર ભાવનગરની શેરીએ શેરીએ છાતીફાટ વિલાપ થાય છે. વસ્તીના ઘરેઘરમાં પચીસ વરસનો જુવાન જોદ્ધો મરી ગયો હોય એવો કળેળાટ થાય છે.”
“આપા ! બાપ ! દાદભાની દેઈ પડે એનું સનાન તો આપણને ય આવ્યું કે’વાય. આપણે ના’વું જોવે.”
સહુ બહારવટીયાઓએ ફાળીયાં પહેરીને નદીમાં માથાબોળ સ્નાન કર્યું. પછી જુવાન જોગીદાસે વાત ઉચ્ચારી:
“બાપુ ! એક વાત પૂછું ?”
“ભલેં બાપ !”
“આપણે મહારાજના મોઢા સુધી ખરખરે ન જઇ આવવું જોવે ?”
હાદો ખુમાણ લગરીક હોઠ મલકાવીને વિચારે ચડી ગયા. એને એકસામટા અનેક વિચારો આવ્યા. ઠાકોર વજેસંગ, જેની સામે આપણે મોટો ખોપ જગાવ્યો છે, એની રૂબરૂ ખરખરે જવું ? જેનાં માણસોને આપણે મોલની માફક વાઢતા આવ્યા છીએ તે આપણને જીવતા મેલી દેશે ! જે આપણને ઠાર મારવા હજારોની ફોજ ફેરવે છે, એ આપણને ખરખરો કર્યા પછી પાછા આવવા દેશે ? પણ મારો જોગો તો જોગી જેવો છે. એને ખાનદાનીના મનસૂબા ઉપડે છે. એનું મન ભંગ ન કરાય.
“જાયેં ભલે. પણ છતરાયા નથી જાવું આપા ! દરબારગઢમાં દાખલ થયા પછી મહારાજની તો મને ભે નથી. પણ જો પ્રથમથી જ જાણ થાય તો પછી ઝાટકાની જ મેળ થાય, કેમ કે પાસવાનો ન સમજી શકે કે આપણે લૌકીક કરવા આવ્યા છીએ.”
“ત્યારે બાપુ ?”
“કુંડલાનો સહુ કાઠી કણબી દાયરો જાય એની સાથે તું પણ માથે ફળીયું ઢાંકીને છાનોમુનો ગુડો વાળી આવજે. બીજું તો શું થાય ?”
કુંવર દાદભાને ખરખરે કુંડલાના કાઠી કણબી ને મુસદ્દી તમામ શિહોર ચાલ્યા. તેમાં બહારવટીયો જોગીદાસ પણ પેસી ગયો. માથા પર પછેડી ઢાંક્યા પછી એ પાંચસો જણના સમુદાયમાં કોણ છે તે ઓળખવાની તો ધાસ્તી નહોતી. દરબારગઢની ડેલી પાસે સહુ હારમાં બેસીને રોવા લાગ્યા. રીત પ્રમાણે મહારાજ વજેસંગ એક પછી એક તમામને માથે હાથ દઇ છાના રાખવા લાગ્યા. ચાલતાં ચાલતાં બરાબર જોગીદાસની પાસે પહોંચ્યા, માથે હાથ મૂકીને મહારાજે સાદ કર્યો, “છાના રો’ જોગીદાસ ખુમાણ ! તમે ય છાના રો’.”
“જોગીદાસ ખુમાણ ” એટલું નામ પડતાં તો શિહોર ઉપર જાણે વજ્ર પડ્યું. હાંફળા ફાંફળા બનીને તમામ મહેમાનો આમ તેમ જોવા લાગ્યા. સહુએ પોતપોતાની તરવાર સંભાળી. અને આંહી બહારવટીયાએ પછેડી ખસેડીને પોતાનું પ્રતાપી મ્હોં ખુલ્લું કર્યું . બહારવટીઓ એટલું જ બોલ્યો કે “ભલો વરત્યો રાજ !”
“વરતું કેમ નહિ જોગીદાસ ખુમાણ ! કાઠીયાવાડમાં તો તારૂં ગળું ક્યાં અજાણ્યું છે ? પાંચસો આદમી વચ્ચે તારા હાકોટા પરખાય, તો પછી તારા વિલાપ કેમ ન વરતાય ?”
બહારવટીયો ! બહારવટીયો ! બહારવટીયો ! એમ હાકોટા થવા લાગ્યા. સહુને લાગ્યું કે હમણાં જોગીદાસ મહારાજને મારી પાડશે. તલવારોની મૂઠે સહુના હાથ ગયા. ત્યાં તો ઠાકોરનો હાથ ઉંચો થયો. એણે સાદ દીધો કે “રાજપૂતો ! આજ જોગીદાસભાઈ બાઝવા નથી આવ્યા, દીકરો ફાટી પડ્યો છે એને અફસેાસે આવ્યા છે. મારા ગરાસમાં નહિ પણ મારા દુ:ખમાં ભાગ લેવા આવ્યા છે.”
મહારાજ ગળગળા થયા. જોગીદાસની આંખોમાં પણ જળજળીયાં આવ્યાં. માણસોએ અરધી ખેંચેલી તલવારો મ્યાન કરતાં કરતા અગાઉ કદિ ન જોયેલું ને સાંભળેલું એવું નજરે દીઠું. મહારાજ બોલ્યા “ જોગીદાસ, બ્હીશો મા હો !”
“બ્હીતો હોત તો આવત શા માટે રાજ ?”
સહુ દાયરાની સાથે ખાઈ પી, મહારાજને રામરામ કરી પાછા જોગીદાસ ચડી નીકળ્યા. બહારવટીયાને નજરે જોઈ લેવા શિહોરની બજારે થોકેથોક માણસ હલક્યું હતું. બહારવટીયાના ચ્હેરા મ્હોરા જેણે કદિ દીઠા નહોતા તેણે તો ખુમાણોને દૈત્ય જ કલ્પેલા હતા. પણ તે ટાણે લોકોએ જુવાન જોગીદાસનું જતિસ્વરૂપ આંખો ભરીભરીને પી લીધું. આવા તપસ્વી પુરૂષ નિર્દોષ કણબીઓનાં માથાં વાઢી વાઢીને સાંતીડે ટીંગાડતો હશે, ને એના ધડનાં ધીંસરાં કરીને ઢાંઢાને ગામ ભણી હાંકી મેલી રાજ્યની સોના સરખી સીમ ઉજ્જડ કરી મેલતો હશે; એ વાત ઘડીભર તો ન મનાય તેવી લાગી.
ગટાટોપ મેદની વચ્ચે થઈને કોઈની પણ સામે નજર કર્યા વિના બહારવટીયો ચાલ્યો ગયો. જુવાન જોગીદાસની નજર જાણે દુનિયા કરતાં પાતાળની અંદર વધુ પડતી હોય તેમ એ તે એકધ્યાની યોગીની માફક નીચે જ આંખો નોંધીને નીકળી ગયો.
અનેક બાઈઓના મ્હોંમાંથી અહોભાવનું વેણ નીકળી પડ્યું કે “સાચો લખમણજતિનો અવતાર !”
–5–
મીતીઆળાના કિલ્લામાં ત્રણે ભાઈઓ મસલત કરે છે:
“ભાઈ ગેલા ખુમાણ !” જોગીદાસે મોટા ભાઈને પૂછ્યું.
“હાં આપા.”
“આપણે ત્રણે જણા બારવટે ભાટકીએ છીએ, પણ બાપુ એકલા થઈ પડ્યા. પંચાણું વરસની આખી આવરદા ધીંગાણે ગઈ: એટલે એકલા રે’વું ગોઠે કેમ ? એની ચાકરી કોણ કરે ?”
“ત્યારે શું કરવું આપા ?”
“બીજું શું ? બાપુને પરણાવીએ.”
“ઠેકાણું તપાસ્યું છે ?”
“હા, ધૂધરાળે જેબલીયા કાઠીની એક દીકરી છે.”
“પણ નવી માને દીકરા થાશે તો ?”
“તો તેની ચિંતા શી ? બાપના દીકરાથી વધુ રુડું શું ?”
“ભાગ નહિ પડે ?”
“પણ ભાઇયું આપણે પડખે મદદમાં યે ઉભા રહેશે ને ? જાડા જણ હશું તો બારવટું જોરથી ખેડાશે.”
પંચાણું વર્ષની ઉમ્મર છતાં હાદા ખુમાણની વજ્ર જેવી કાયા છે : બખ્તર, ટોપ, ભાલો, ઢાલ ને તલવાર, તમામ હથીઆર પડીયારના ભાર સોતા બાપુ ઠેકડો મારીને બાવળા ઘોડા ઉપર ચડી બેસે છે. સામું પાગડું ઝાલવાની જરૂર રહેતી નથી. એવા પોતાના બાપનું લગ્ન કરીને જોગીદાસે પિતાના સુખનો માર્ગ કાઢ્યો.
સાત વર્ષ વીત્યાં. જેબલીયાણી માના ખોળામાં બે સાવઝ સરખા દીકરા રમે છે : એકનું નામ હીપો ને બીજાનું નામ જસો.
પણ આ ગુલતાનમાં હાદા ખુમાણને હવે ચેન પડતું નથી. રોજેરોજ દીકરાઓની તગડાતગડ સાંભળીને બાપનું દિલ ઉકળે છે. અંતર ઘરમાંથી ઉઠી જાય છે.
“દરબાર !” જુવાન જેબલીયાણી પોતાની જાત વિચારી જઈને ખરા ટાણાનાં વેણ બોલી કે “દરબાર ! હવે બસ; હવે આ દુનિયાને કડવી કરી નાખો ! ભાણ જોગીદાસ જેવા દીકરા બારવટે ભાટકી ગિરમાં પાણાનાં ઓશીકાં કરે છે, એ વેળાએ આપણને આંહી હીંડોળા ખાટે હીંચકવું ન ઘટે.”
“સાચી વાત, કાઠીઆણી ! રંગ છે તને !” પોતાની જૂવાન સ્ત્રીને એવા ધન્યવાદ દઈને આપા હાદાએ હથીઆર લીધાં. ઘરનું સુખ છોડીને દસ વરસ સુધી બહારવટું ખેડ્યું. એ હિસાબે એની અવસ્થા એકસો ને બાર વરસની થઈ. પછી તો એને બુઢ્ઢાપો વરતાવા લાગ્યો. જોગીદાસે આગ્રહ કરીને વળી
પણ બાપુને ધૂધરાળે વિસામો લેવા મોકલી દીધા.
–6–
પરનારી પેખી નહિ, મીટે માણારા !
શીંગી ૨ખ્ય ચળીયા, જુવણ જોગીદાસીઆ !
[ હે જુવાન જોગીદાસ ! શુંગી ઋષિ જેવા મહા તપસ્વીઓ પણ પરસ્ત્રીમાં લપટી પડ્યા, પરંતુ હે ભાણા ! તેં તો પરાયી સ્ત્રી પર મીટ સુદ્ધાંયે નથી માંડી.]
બે જણા વાતો કરે છે :
“ભાઈ, આનું કારણ શુ છે ?”
“શેનું ભાઈ ?”
“જોગીદાસ ખુમાણ જ્યાં જ્યાં દાયરામાં બેસે ત્યાં ત્યાં ગામની બજાર તરફ પારોઠ દઈને જ કેમ બેસે છે ! અને માથે ફાળીયું કેમ એાઢી રાખે છે ?” “ભાઈ, રામને તે દિ’ સીતાજીની ગોત્ય કરતાં કરતાં માર્ગેથી માતાજીનાં ઘરેણાં લૂગડાં હાથ આવ્યાં, ને પછી લખમણજીને એ દેખાડીને કોનાં છે એમ પૂછેલું તે ટાણે લખમણ જતિએ શો જવાબ દીધો’તો, ખબર છે ?”
“હા, હા ! કહ્યું’તું કે મહારાજ, આ હાથનાં કંકણ, કાનનાં કુંડળ કે ગળાના હાર તો કોના હશે તેની મને કાંઈ ગતાગમ નથી. કેમકે મેં કોઈ દિ’ માતાજીના અંગ ઉપર નજર કરી નથી; પણ આા પગનાં ઝાંઝરને તો હું ઓળખી શકુ છું. રોજ સૂરજ ઉગ્યે હું માતાજીના પગુમાં પડતો ત્યારે ઝાંઝર તો મારી નજરે પડતું’તું !”
“ત્યારે આજ જોગીદાસ પણ એજ લખમણ જતિનો અવતારી પુરૂષ જન્મ્યો છે બાપ ! એને બજાર સન્મુખ નજર રાખી ન પાલવે, એમાં હમણાં હમણાં બે અનુભવ એવા મજ્યા કે આ દુનિયાની માયાથી એ તપસી ચેતી ગયો છે.”
“શા અનુભવ ?”
“એક દિવસ જોગીદાસ જુનીના વીડમાં આંટો લઈને બાબરીયાધાર આવતા’તા. હું પણ ભેળેા હતો. બેય ઘોડેસવાર થઈને આવતા’તા. આવતાં આવતાં જેમ અમે નવલખાના નેરડામાં ઘોડીઓ ઉતારી, તેમ તે સૂરજના પચરંગી તેજે હીરા મોતીએ મઢી દીધેલા હોય એવા ઝગારા મારતા એ પાણીના પ્રવાહમાં પીંડી પીંડી સુધી પગ બોળીને એક જુવાનડીને ઉભેલી દીઠી. અઢારક વરસની હશે. પણ શી વાત કરૂં એના સ્વરૂપની? હમણાં જાણે રૂ૫ ઓગળીને પાણીના વ્હેનમાં વહ્યું જાશે ! સામે નજર નોંધીએ તો નક્કી પાપે ભરાઈએ એવું રૂપ : પણ આપાને તો એ વાતનું કાંઈ ઓસાણે ન મળે ! નેરાની ભેખડ્યું અને જીવતી અસ્ત્રી, બેય આપાને તો એકસરખાં. આપાએ ઘોડી પાણીમાં નાખી. એમાં પડખે ચડીને એ જુવાનડીએ જબ ! દેતી ઘોડીની વાઘ ઝાલી. ધોડીએ ઝબકીને મોઢાની ઝોંટ તો ઘણી યે દીધી, જોરાવર આદમીનું યે કાંડું છુટી જાય એવા જોરથી સાંકળ ઉલાળી : પણ એ જુવાનડી તો જળો જેવી ચોંટી જ પડી. આપા જોઈ રહ્યા, આપાની તો અચરજનો પાર જ ન રહ્યો. “હાં ! હાં ! હાં ! અરે બાઈ ! બોન ! બાપ ! મેલ્ય, મેલ્ય, મેલી દે! નીકર ઘોડી વગાડી દેશે.” એમ આપો વિનવવા લાગ્યો.
“નહિ મેલું ! આજ તો નહિ મેલું, જોગીદાસ !”
“અરે પણ શું કામ છે તારે ? કોઈ પાપીઆ તારી વાંસે પડ્યા છે ? તારો ધણી સંતાપે છે ? શું છે ? છેટે રહીને વાત કર. હું તારૂં દુઃખ ટાળ્યા પહેલાં આંહીથી ડગલું યે નહિ ભરું. તું બ્હી મા. ઘોડીને મેલી દે, અને ઝટ તારી વાત કહી દે.”
“આજ તો તમને નહિ છોડું જોગીદાસ ! ઘણા દિ’થી ગોતતી’તી.”
“પણ તું છે કોણ ?”
“હુ સુતારની દીકરી છું : કુંવારી છું.”
“કેમ કુંવારી છો બાપ ? પરણાવવાના પૈસા શું તારા બાપ પાસે નથી ? તો હું આપું. તું ય મારી કમરી બાઈ-”
“જોગીદાસ ખુમાણ ! બોલો મા. મારી આશા ભાંગો મા. હું તમારા શુરાતનને માથે ઓળઘોળ થઈ જવા, મારી જાત્ય ભાત્ય પણ મેલી દેવા ભટકું છું, આમ જુવો જોગીદાસ, આ માથાના મેવાળા કોરા રાખવાનું નીમ લઈને ભમું છું. આજ તું મળ્યે–”
“અરે મેલ્ય, મેલ્ય મળવા વાળી ! તું તો મારી દીકરી. કમરી કેવા ! ”
આટલું બોલી, પોતાના ભાલાની બુડી એ જોબનભરી સુતારણના હાથ ઉપર મારી, ઘોડીની વાઘ ડોંચી, આપા જોગીદાસે ઘોડી દોટાવી મેલી. પાછું વાળી ન જોયું, પછી સાંજરે બેરખાના પાર પડતા મેલતા મેલતા સુરજનો જા૫ કરતા’તા, ત્યારે ભેળા હોઠ ફફડાવીને બોલતા જાતા’તા કે “હે બાપ ! મારૂં રૂપ આવડું બધું કુડું હશે એ મેં નહોતું જાણ્યું. મોઢું તરવારથી કાપીને કદરૂપું કરવાની તો છાતી નથી હાલતી, પણ આજથી તારી સાખે નીમ લઉ છું કે કોઈ પરનારીની સામે અમથી અમથી યે મીટ નહિ માંડું.”
અને બીજી વાત તો એથી યે વસમી બની ગઈ છે. પરનારી સામે નજર ન માંડવાનું નીમ એક દિ ઓચીંતુ તૂટી પડ્યું. એક ગામને પાદર નદીકાંઠે એક દિ’ સાંજટાણે પનીઆરીયું આછા વીરડા કરીને પાણી ભરતી હતી. રૂપાળા ત્રાંબાળુ હાંડા ઉટકાઈને ચકચકાટ કરતા હતા. આછરતા વીરડા, ઉટકેલાં બેડાં, મોતીની ઇંઢોણીયું, નમણાં મોઢાંવાળી ગામની બેન્યુ દીકરીયું, ને એ સહુને માથે જ્યોત પ્રગટાવતા સૂરજ મહારાજ : એ રૂડો દેખાવ આપો ય જોવા લાગ્યા. ઓલ્યા નીમનું ઓસાણ ચૂકાઈ ગયું. પોતાને ઘરેથી આઈ અને દીકરીઓ બધાં આવે નદીકાંઠે બેસીને કિલોળ કરતાં હોય, એવી ઉમેદ થઈ આવી. પણ એ તો બચાડાં ચોર બનીને ભાટકતાં’તાં.
ઘેરે આવીને જેગીદાસને યાદ ચડ્યું કે નીમ ભંગાણું છે. રાતે કોઈને ખબર ન પડે તેમ એણે આંખેામાં મરચાંના બુકાનું ભરણું ભર્યું – પાટા બાંધીને પોઢી ગયા. પ્રભાતે ઉઠ્યા ત્યાં તો આંખો ફુલીને દડા થયેલી. ભાઈઓ પૂછવા લાગ્યા કે “અરે ! અરે ! જેગીદાસ ! આ શો કોપ થયો ?”
“કાંઈ નહિ બા ! ઈ તો આંખ્યુંમાં થોડુંક વકારનું ઝેર રહી ગયું’તું, તે નીતારી નાખ્યું !”
આવો નીમાધારી પુરૂષ, લગરીકે ચૂક ન થાય તે માટે બજાર સામે કે રસ્તા સામે પારોઠ દઈને બેસે છે ભાઈ !
નાંદુડી ગાળીમાં આ પ્રમાણે બે માણસો વાતો કરી રહ્યા છે. વીરડીથી ગેલા ખુમાણનો દીકરો, સરસઈથી ભાણ ખુમાણ, આંબરડીથી જોગીદાસ ખુમાણઃ એમ હાદા ખુમાણના દીકરા આજ બહારવટું ખેડતા ખેડતા થોડોક વિસામો લેવા માટે ભેળા મળીને નાંદુડી ગાળીએ હુતાશણી રમે છે. કોયલેને ટૌકે કોઈ આંબેરણ ગાજતું હોય તેમ શરણાઈઓના ગહેકાટ થાય છે, બરાબર તે સમયે એક અસવારે આવીને નિસ્તેજ મ્હોંયે સમાચાર દીધા કે “બાપુ હાદો ખુમાણ ધુધરાળે દેવ થયા.”
“બાપુ દેવ થયા ? બાપુને તો નખમાં ય રોગ નો’તો ને ?”
“બાપુને ભાવનગરની ફોજે માર્યાં.”
“દગાથી ? ભાગતા ભાગતા ? કે ધીંગાણે રમતા ?”
“ધીંગાણે રમતા.”
“કેવી રીતે ?”
“ફોજે ધુધરાળાની સીમ ઘેરી લીધી બાપુથી ભાગી નીકળાય તેવું તો રહ્યું નહોતું, એના મનથી તો ઘણીય એવી ગણતરી હતી કે જીવતો ઝલાઈ જાઉં. અને ફોજનો પણ બાપુને મારવાનો મનસૂબો નહોતો, જીવતા જ પકડી લેવાને હુકમ હતો. પણ આપણા ભૂપતા ચારણે બાપુને ભારે પડકાર્યાં. વાડીએ બાપુ હથીઆર છોડીને હાથકડી પહેરી લેવા લલચાઈ ગયા તે વખતે ભૂપતે બાપુને બિરદાવ્યા કે
સો ફેરી શિરોહની લીધેલ ખૂમે લાજ,
(હવે) હાદલ કાં હથીઆર મેલે અાલણરાઉત !
[હે આલા ખુમાણના પુત્ર હાદા ખુમાણ ! સો સો વાર તો તું શિહો૨ ઉપર તુટી પડી ગોહિલપતિની લાજ લઈ આવેલ છો; અને આજ શું તું તારાં હથીઆર મેલીને શત્રુઓને કબજે જઈશ ?]
આવાં આવાં બિરદ દઈને બાપુનાં રૂંવાડા બેઠાં કર્યા. અને બાપુ એક સો બાર વરસની અવસ્થાએ એક જુવાનની જેમ જાગી ઉઠ્યા. એણે હાકલ કરી કે “ભૂપતા ! ફોજને હવે સાદ કર ઝટ.” ભૂપતે સાદ કર્યો કે “એ ભાઈ ! ફોજવાળાઓ ! આ રહ્યો તમારો બાપ ! આવો ઝાલી લ્યો.” ફોજને આંગળી ચીંધાડી બાપુ બતાવ્યા. અને એકલે પડ્યે બાપુ ધીંગાણે ચડી જન્મારો ઉજાળવા મંડ્યા. સામી છાતીએ લડીને ફુલધારે ઉતર્યા (તલવારની ધારે મર્યા).
“બસ ત્યારે !” જોગીદાસ બોલી ઉઠ્યો, “પૂરે ગઢપણે આપણો બાપ ફુલધારે ઉતરી ગયા, એ વાતના તે કાંઈ સોગ હોતા હશે ? એનાં તો ઉજવણાં કરાય. માટે હવે તો મોકળે મને આઠ આઠ શરણાઈયું જોડ્યેથી વગડાવો !”
“પણ આપા !” કાસદીઆએ કહ્યું, “બાપુનું માથું કાપીને ફોજ ભાવનગર લઈ ગઈ.”
જોગીદાસના આખા શરીર પર સમસમાટી ચાલી ગઈ. બાપ જેવા બાપના મહામૂલા માથાના બુરા હાલ સાંભળતાં એનો કેડો સળગી ઉઠ્યો. પણ નાહિમ્મતનું વચન કાઢવાનો એ વખત નહોતો. નાનેરા ભાઈઓની ધીરજ ખુટવાની ધાસ્તી હતી. એ કારણથી પોતે મનની વેદના મનમાં શમાવીને કહ્યું “હશે બાપ ! ભાવનગરની આખી કચારી બાપુ જીવતે તો બાપુનું મોઢું શી રીતે જોઈ શકત ? ભલે હવે એ સાવઝના મ્હોંને નિરખી નિરખીને જોતાં.”
–7–
આજે વજેસંગ મહારાજના રાજનગરમાં હાદા ખુમાણનાં મોતની વધામણી આવી છે. મહારાજના અંતરનો ઉલ્લાશ ક્યાં યે માતો નથી. પોતાનો બાપ મરવાથી બહારવટીઓ જોગીદાસ હવે બધી આશા ગુમાવીને રાજને શરણે આવી ઉભો રહેશે, એવી આશાની વાદળી સામે મીટ માંડીને મહારાજનું દિલ અષાઢ મહિનાના મોરલાની માફક થનગનવા લાગ્યું છે. આજે હાદા ખુમાણને મારનાર સરબંધીઓને પહેરામણી કરવા માટે કચારી ભરાણી છે. સાચા વસ્ત્રોના સરપાવ, ભેટ દેવા માટેની તલવારો અને સાકરના રૂપેરી ખુમચા મહારાજની ગાદી ! સન્મુખ પ્રભાતને પ્હોર ઝગારા મારે છે.
તે વખતે કચારીમાં એક એવો આદમી બેઠો હતો કે જેને આ રંગરાગમાં ભાગ લેતાં ભોંઠામણનો પાર નથી રહ્યો. એ ક્રાંકચ ગામનો ગલઢેરો મેરામ ખુમાણ હતો, પોતે આજ અચાનક મહારાજને મળવા આવેલ છે અને એ પોતાના જ કુટુંબી હાદા ખુમાણના મોતના ઉત્સવમાં ન છૂટકે સપડાઈ ગયો છે. પણ એને ક્યાં યે સુખચેન નથી. પોતે એકલો છે તલવારે પહોંચે તેમ નથી. તેથી એણે આખી મજલસને તર્કથી ધુળ મેળવવાનું નકી કર્યું છે. કટોકટીની ઘડી આવી પહોંચી છે.
“લાવો હવે પહેરામણી !” મહારાજે હાકલ કરી. ખુમચા ઉપરથી રૂમાલ ઉપાડ્યા. ચારણોએ દુહા લલકાર્યા. ત્યાં તો મર્માળી ઠાવકી વાણીમાં મેરામણ ખુમાણ બોલી ઉઠ્યા :
“વાહ ! વાહ ! વાહ રે ભણેં, કાઠી તાળાં ભાગ્ય ! ભારી ઉજળાં ભાગ્ય ! ”
“કેમ મેરામણ ખુમાણ ! કોનાં ભાગ્ય ? ” ઠાકારે પૂછ્યું.
“બીજા કોનાં બાપ હાદા ખુમાણનાં !”
“કેમ ?”
“કેમ શું ? એક સો ને બાર વરસની અવસ્થા : હાથે કંપવા : પગે સોઝા : આંખે ઝાંખપ : કાયાનો મકોડે મકોડો કથળી ગયેલ : આવી દશામાં જો બચાડો ભાવનગરની કેદમાં જીવતો આવ્યો હોત તો કેવા બુરા હાલ થઈ જાત ? પાંચે દીકરાને બહારવટાં મેલી દઈ, મ્હોંમાં તરણું લઈ આફરડા બાપની સંભાળ લેવા સાટુ થઈને મહારાજને શરણે આવવું પડત. નીકર મલક વાતું કરત કે બાપ બંદીખાને સડે છે ને દીકરા તો બહાર મોજું માણે છે ! પણ હવે ઈ માયલું કાંઈ રહ્યું ? હવે તો નિરાંતે પાંચે જણા ભાવનગરનાં [ ૨૯ ] અઢારસેં’ ઉજ્જડ કરશે. માટે સાકર તો આજ વ્હેંચે એના દીકરા, કે સાવઝ પાંજરેથી મોકળા થયા !”
આખી કચારી સાંભળે એ રીતે આ શબ્દો બોલાયા !
“સાકર પહેરામણીના થાળ પાછા લઈ જાવ !”
એટલું કહીને મહારાજે ઝટપટ કચારી વિસર્જન કરી નાખી અને પોતે તે જ ઘડીએ હાદા ખુમાણના શોક બદલ માથે ધોળું ફાળીયું બાંધી લીધુ.
લેખક – ઝવેરચંદ મેઘાણી
આ કથા સોરઠી બહારવટીયા માંથી લેવામાં આવેલ છે.
આગળની વાત હવે પછીના ભાગમાં આવશે….
જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 1)
જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 3)
જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 4)
જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 5)
જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 6)
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– વીર માંગડાવાળો – ભૂત રૂવે ભેંકાર…
– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા
– ભૂચરમોરી મહાસંગ્રામ…છપ્પનની છાતીનું પરાક્રમ
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો