જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 3)

ઠાકોર વજેસંગજી બગડેલી બાજી સુધારી રહ્યા છે:

“મેરામ ખુમાણ, હવે શું કરૂં ? હાદા ખુમાણને મારીને તો મેં મોટી ખોટ્ય ખાધી.”

“સાચુ મા’રાજ ! માથેથી ગાળ ઉતારવી હોય તો કુંડલા જઈને હાદા ખુમાણનું કારજ કરો. અને ભાણજોગીદાસને તેડાવીને કસુંબા પી લ્યો.”

ઠાકોર વજેસંગે કુંડલે જઈને પોતાના શત્રુનું કારજ આદર્યું. ત્રણે પરજમાં મેલા લખ્યા, ભાણ જેગીદાસને તેડી લાવવા માટે મેરામ ખુમાણને મોકલ્યા.

નક્કી કરેલે દિવસે બેય બહારવટીયા ભાઈઓ ડુંગરમાંથી ઉતરીને કુંડલે આવે છે. રસ્તે જોગીદાસ શીખામણ દઈ રહ્યો છે કે “ભાણ ! બાપ, તું આકળો થતો નહિ. તારી તેજ પ્રકૃતિને જરા વશ રાખજે ભાઈ !”

કંડલાના દરબારગઢમાં આવ્યા, ત્યાં દાયરો ઉભો થઈ ગયો. જોગીદાસે પૂછ્યું “ક્યાં છે મહારાજ !”

“મા’રાજ તો નદીએ સરાવે છે.”

“મા’રાજ પોતે સરાવવા ગયા છે !” “હા આપા !”

બન્ને જણાએ ઘોડીઓ નદીનાં આરા તરફ લીધી. કાંઠે આવતાં તો આઘેથી ઠાકોર વજેસંગને દેખ્યા : મૂછો પડાવીને મહારાજ રામધાટ ઉપર સરવણું કરે છે.

“જો ભાણ ! જોઈ લે બાપ ! બાપ તો તારો ને મારો મર્યો, અને મૂછું બોડાવી છે ભાવનગરના ઠાકોરે : આપણા દુશ્મને ! આમ જો ખાનદાની ! તું કે હું મૂછ્યું પડાવી શકીએ એમ છે ?”

[કાઠીઓ કદિ પણ મૂછો પડાવતા નથી. રજપૂતો પડાવે છે.]

ત્યાં તો ઠાકોરને સમાચાર પહોંચ્યા. ઉંચુ જોયું, બન્ને બહારવટીયા સામે નજર કરીને ઠાકોરે મ્હોં મલકાવ્યું. જાણે મોટેરા ભાઈ હોય, એટલું હેત પાથરી દીધું.

“ઉઠો ઉઠો મહારાજ ! હવે બાકીનું મને સરાવવા દ્યો. આપે તે અવધિ કરી.”

“આપા ભાઈ !” મહારાજ બોલ્યા, “હાદો ખુમાણ તમારા બાપુ, તેમ મારા યે બાપુ, હું મોટેરો દીકરો, તમે કોઈ ઘરે નહિ, એટલે હું સરવું એમાં શું ? મોટેરાને એટલો હક્ક તો રે’વા દ્યો બાપ !”

“ભલે મહારાજ !” જોગીદાસનું ગળું રૂંધાઈ ગયું.

સરાવણું પૂરૂં થયે સહુ ગામમાં આવવા ઘોડે ચડ્યા. બરાબર ઝાંપે આવીને જોગીદાસે ઘોડી સામા કાંઠા ઉપર સાવર ગામ તરફ વાળી અને ઠાકોરને કહ્યું “રામ રામ મહારાજ !”

“આપા ભાઈ ! આ તરફ દરબારગઢમાં.”

“માફ રાખો, બાપા ! હું સાવરમાં ઉતારો કરીશ.”

“અરે પણ–”

મેરામ ખુમાણ બોલી ઉઠ્યા: “કાં મહારાજ ! ન સમજાણું ? જોગીદાસે કુંડલાનું પાણી હરામ કર્યું છે એટલે એણે ઘોડી તારવી.” “તો આપણાં મુકામ પણ સાવરમાં નાખો.”

ઠાકોરનો હુકમ થયો. કારજની બધી તૈયારી કુંડલામાંથી સામા પાદરમાં લઈ જવામાં આવી.

ભલભલા કાઠીઓનું કારજ તે દિવસોમાં ઘઉંના ભરડકાનું થતું. તેને બદલે હાદા ખુમાણના કારજમાં ઠાકોરે સાટા જલેબી ને મોહનથાળ દીધાં. ત્રણે પરજોના સેંકડો પરોણા મ્હોંમાં આંગળી નાખી ગયા.

કેવળ ક્રાંકચનો મેરામ ખુમાણ ઠાકોરની કરામત ઓળખતો હતો. એણે મનમાં ને મનમાં કહ્યું “વાહ ઠાકોર ! રૂપાની થાળી ને સોનાની પાળી ! કલેજાં ચીરે, તો ય મીઠી લાગે !”

“બોલાવો ભાણ જોગીદાસને કસુંબા પીવા. આજ બારવટું પાર પાડીએ.” વજેસંગજીએ વાત ઉચ્ચારી.

બન્ને ભાઈઓ હાજર થયા. ઠાકોરે વાત ચલાવી:

“જુઓ આપાભાઈ ! બાપુ આલા ખુમાણના વખતના વહીવટના ચોપડા તપાસો : દરેક ભાઈને ત્રીસ ત્રીસ હજાર મળતા. એથી વધુ તો તમે ન માગો ને !”

“ના.”

“ત્યારે છ ગામ ઉપાડી લ્યો. આપા ! તમે જ નામ પાડો.”

“પહેલું કુંડલા.”

કુડલાનું નામ પડતાં જ મહારાજનું મ્હોં ઉતરી ગયું. મહારાજે માથુ ધુણાવ્યું:

“આપા ! કુંડલા તો નહિ. કુંડલા લેવામાં દરબારને ભારી દાખડો કરવો પડ્યો છે. ઠેઠ રાજુલાથી તોપખાનું હરડાવ્યું, તેમાં નેસડીના મૂળા પટેલના ચાળીસ ઢાંઢા તૂટી ગયા, તેના બદલામાં એને આખું જૂનું સાવર દેવું પડ્યું. માટે કુંડલાના સિવાય બીજું ઠીક પડે એ ગામ માગી લ્યો.”

“પહેલા કુંડલા; પછી બીજું ખપે. કુંડલા મળ્યા મોર્ય તો નાવલીનું પાણી ન ખપે મહારાજ.”

“આપા ! છ નહિ – સાત માગો. આઠ માગો. પણ કુંડલાની વાત પડતી મેલો ”

“મહારાજ છને બદલે ભલે પાંચ આપો, પણ કુંડલા તો પહેલા.”

“એ ન બને આપા !”

“તો રામરામ ઠાકોર !”

ભાણ જોગીદાસ ચડી નીકળ્યા. ભાણની રોમરાઈ અવળી થઈ ગઈ હતી. મરૂં કે મારૂં ! મરૂં કે મારૂં ! એમ એને થતું હતું. નાવલીની બજારમાં નીકળતાં જ ભાણ ખુમાણે સીરબંધી સિપાહીઓ ઉપર ઝાટકા ચોડવા માંડ્યા. દોડીને જોગીદાસે ભાઈને ઝાલી લીધો: “હાં ! હાં ! ભાણ! સામી તેગ ખેંચે તેને જ મરાય. બાપડા નિર્દોષને માથે આ તું શું કરી રહ્યો છે ?”

ગોખમાં ઉભેલા ઠાકોર ભાણની આ અકોણાઈ જોતા હતા. એણે પોતાના સીરબંધીઓને ત્યાંથી હાકલ કરી: “ખબરદાર ! બહારવટીઆને કોઈ આજ સામે ઘા ન કરજો. ભલે આપણાં સો ખૂન થઈ જાય.”

“જોયું ભાણ ! આ ઠાકોર વજેસંગ !”

બહારવટીયા ચાલી નીકળ્યા.

કારજના પ્રસંગ વિષે બીજી વાત આમ બોલાય છે:

જેતપુર શહેરથી દરબાર મુળુવાળાને તેડાવવામાં આવ્યા. ત્રણે પરજની કાઠ્યમાં મૂળુવાળાનો મોભો ઉંચેરો ગણાતો. એનું વેણ ઝટ દઈને કોઈથી લોપાતું નહિ. એજન્સી સરકારની પાસે પણ સહુ કાઠીઓની ઢાલ થઈને ઉભા રહેનાર મૂળુવાળો હતો. એને બોલાવીને કળાબાજ મહારાજે કહ્યું “મુળુભાઈ, હાદા ખુમાણ જેવો કાઠી પડ્યો. એની તો આખા મલકને ખોટ્ય કહેવાય. જીવતો એ મારો દુશ્મન હતો, પણ મુવા પછી તો મારો ભાઈ લેખુ છું. માટે ભાવનગરને ખર્ચે મારે કુંડલા મુકામે એનું કારજ કરવું છે. તમારૂં કામ તો એટલા સારૂં પડ્યું છે કે કારજમાં તમે ભાણ જોગીદાસને બોલાવી લાવો. મારા હાથનો કસુંબો લઈને પછી ભલે તુરત એ ચડી નીકળે. પણ એના બાપને માર્યા પછી હું એને અંજળી ભરી કસુંબો ન લેવરાવું ત્યાં સુધી મારા જીવને ઝપ નથી. વેર તો કોને ખબર છે ક્યાં સુધી હાલશે !”

કહેવાય છે કે ઠાકોરના પેટમાં દગો હતો. બહારવટીઆઓને ઝાલી લેવાની પેરવી હતી. પણ કસુંબા લેવાઈ રહ્યા, સહુ સહુને ઉતારે ગયા, રાત પડી, એટલે મૂળુવાળાએ સનસ કરીને બહારવટીયાને ચેતાવ્યા “હં….ભાણ જોગીદાસ ! હવે ચડી નીકળો ઝટપટ.”

“અરે ! પણ મહારાજ વાળુમાં વાટ જોશે.”

“તો પછી ઝાટકાનાં વાળુ સમજવાં જોગીદાસ !”

આંહી બહારવટીયા ચડી ગયા, ને ત્યાં મહારાજને ખબર પડ્યા.

રોષે ચડેલા ઠાકોરે રાજકોટ પોલીટીકલ એજન્ટને ખબર દીધા કે “બહારવટીયાને પકડી લેવાની મારી પરવીને જેતપૂર મૂળુવાળાએ અને જસદણના શેલા ખાચરે ધુળ મેળવી દીધી છે. બહારવટીયાને નસાડ્યા છે.”

આ ઉપરથી એજન્સી સરકારે જેતપૂર અને જસદણ ઉપર સરકારી થાણાં બેસારી દીધાં હતાં.

–9–

બાપુનું ગામતરૂં થઈ ગયું. મોટેરો ભાઈ ગેલો ખુમાણ પણ ગુજરી ગયા છે. એટલે સહુ ભાઈઓમાં મોટા જોગીદાસને માથે ગલઢેરાઈ આવી. એંશી ઘોડે જોગીદાસ ઘૂમી રહેલ છે. મહુવાથી જાફ્રાબાદ સુધીનો દરિયા-કિનારો પણ એ ઘોડાંના ડાબલા નીચે કંપવા લાગ્યો છે. બંદરે બંદરે ભાવનગર રાજનો વેપાર બંધ કરાવી દીધો છે.

મારગ જે મુંબઈ તણે જળબેડાં નો જાય,
શેલે સમદર માંય જહાજ જોગીદાસનાં.

[મુંબઈ નગરને જળમાર્ગે જ્હાજો જઈ શકતાં નથી. કેમકે જોગીદાસનાં વહાણ એની ચોકી કરતાં સમુદ્રમાં તરી રહ્યાં છે.]

એવે એક દિવસ જોગીદાસ વરતેજ ગામ માથે પડ્યા, વરતેજની બજાર લૂંટીને નાસી છૂટ્યા, અને ઠાકોર વજેસંગ નજીકમાં શિહોર ગામે જ હતા ત્યાં એને ખબર પડી. ઠાકોરને અંગે ઝાળ ઉપડી ગઈ.

“આજ તો કાં હું નહિ, ને કાં જોગીદાસ નહિ. ”

એવા સોગંદ લઈને ઠાકોર ઉભા થયા. હાથીએ ચડ્યા. સૈન્ય લઈને જોગીદાસને સગડે ચાલ્યા. ચારે દિશાએથી ઠાકોરની ફોજ બહારવટીયાના કેડા રૂંધવા લાગી. અને આજ તો લાખ વાતે પણ જોગીદાસ હેમખેમ નહિ નીકળવા પામે એવી હાક આખા પ્રાંતમાં વાગી ઉઠી. મુંઝાએલ જોગીદાસ જે દિશામાં જાય છે તે દિશામાં પોતાના કાળદૂત ઉભેલા હોવાના સમાચાર સાંભળી પાછા વળે છે. ક્યાં જવું તે કાંઈ સૂઝતું નથી. અને પાછળ ઠાકોરની સવારીની ડમરીઓ આસમાનને ધૂંધળો બનાવતી આવે છે.

એવી હાલતમાં જોગીદાસ ભંડારીયા ગામને પાદર નીકળ્યા. જોગાનુજોગે પાદરમાં જ એક પુરૂષ ઉભો છે. ઘોડી પાદરમાં ઉતરતાંની વારજ બેય જણાએ અન્યોન્યને ઓળખી લીધા.

“ભીમ પાંચાળીઆ રામ રામ !”

“ઓહોહોહો ! મારો બાપ ! જોગીદાસ ખુમાણ !” એટલું કહી, બે હાથનાં વારણાં લઈને ભીમ પાંચાળીઆ નામના ચારણે બહારવટીયાને બિરદાવ્યો:

ફુંકે ટોપી ફેરવે, વાદી છાંડે વાદ;
નાવે કંડીએ નાગ ઝાંઝડ જોગીદાસીયો !

[હે જોગીદાસ, વજેસંગ જેવો વાદી મોરલી બજાવીને બીજા ઘણા પણ રાજા રૂપી સર્પોને પોતાના કરંડીયામાં પકડી પાડે છે પરંતુ એક તું ફણીધર જ એની મોરલીના નાદ પર ન મોહાયો. તે તો ફુંફાડા મારીને એ વાદીની ટોપી જ ઉડાડી નાખી.]

“ભીમ પાંચાળીઆ ! આજ એ દુહો ખેાટો પડે તેમ છે. આજ તમારો ઝાંઝડ જોગીદાસીઓ કરંડીઓ પકડાઈ જાય તેમ છે. માટે રામ રામ ! આજ રોકાઈએ એવું રહ્યું નથી.”

દોટ કાઢીને ભીમ પાંચાળીઆએ જોગીદાસની ઘોડીની વાઘ ઝાલી લીધી. અને બેાલ્યો “એમ તે ક્યાં જઈશ બાપ ? તો પછેં ભંડારીયાને પાદર નીકળવું નો’તું. રોટલા ખાધા વિના જઈશ તો તો ચારણને મરવું જ પડશે ?”

“હાં હાં, ભીમ પાંચાળીઆ, મેલી દ્યો, આજ તો ઉલટું રોટલા ખવરાવ્યે મરવું પડશે.”

“પણ શું છે એવડું બધું ?”

“વાંસે ઠાકોર વજેસંગજી છે, ને ચોગરદમ અમારી દૃશ્યું રૂંધાઈ ગઈ છે. હમણાં વેરી ભેટ્યા સમજો.”

“હવે ભેટ્યાં ભેટ્યાં વેરીઓ ! જોગીદાસ શીરામણ કરીને નીકળી ન જાય ત્યાં સુધી ઠાકોર વજેસંગે ભંડારીઆને સીમાડે ઉભા થઈ રહેવું પડે, મારા બાપ ! મુંઝાઓછો શીદ ? ઉતરો ઘોડીએથી. ખાધા વિના હાલવા નહિ દઉં.”

જોગીદાસ અચકાય છે.

“અરે બાપ ! કહું છું કે તારુ રૂંવાડુ ય ખાંડુ ન થાવા દઉં. એલા ઝટ આપણે ખોરડે ખબર દ્યો કે ઉભાં ઉભાં રોટલા શાક તૈયાર થઈ જાય ને ભેંસું દોવાઈ જાય. ત્યાં હું હમણાં મહારાજને સીમાડે રોકીને આવી પોગું છું.”

જમવાની વરધી આપીને ચારણ ભંડારીઆને સીમાડે ઠાકોર વજેસંગજીની સામે ચાલ્યા. હાથીની રૂપેરી અંબાડી ઉપર રૂદ્ર સ્વરૂપે બેઠેલ ઠાકોરને છેટેથી વારણાં લઈને બિરદાવ્યા કે

કડકે જમીનું પીઠ, વેમંડ પડ ધડકે વજા !
નાળ્યું છલક નત્રીઠ, ધૂબાકે પેરંભાના ધણી !

[હે વજેસંગજી ! હે પેરંભ બેટના ધણી ! તારે ઘેરે તો એટલી બધી તોપો છલકે છે, કે એના અવાજથી પૃથ્વીની પીઠ કડાકા કરે છે અને વ્યોમનાં (આકાશનાં) પડ ધડકી જાય છે.]

“ખમા ગંગાજળીયા ગોહેલને ! બાપ અટાણે શીદ ભણી ?”

“ભીમ પાંચાળીઆ, જોગીદાસની વાંસે નીકળ્યા છીએ.”

“જોગીદાસ તો મારા ખોળામાં છે બાપા ! તમે શીદ ધોડ કરો છો ?”

“ભીમ પાંચાળીઆ, આજ તો મેં પ્રતિજ્ઞા કરી છે કે કાં હું નહિ, કાં જોગીદાસ નહિ.”

“પણ બાપા ! ત્રણ દિવસનો ભૂખ્યો જોગીદાસ અટાણે એક ટંક મારે આંગણે બટકુ શીરામણી સારૂ ઉતર્યો છે. હું હાથ જોડીને કહેવા આવ્યો છું કે કાં તો તમે ય શીરામણ કરવા હાલો, ને કાં જોગીદાસ શીરાવીને ચડી જાય ત્યાં સુધી થોડીક વાર સીમાડે જ હાથીએથી ઉતરીને જરાક આંટા મારો.”

“ભીમ પાંચાળીઆ ! તમે મારા શત્રુને આશરો દીધો ?”

“એમ ગણો તો એમ. પણ ઈ તો ગાએ રતન ગળ્યું કહેવાય ને બાપા ! હું તો ગા’છુ. મારૂં પેટ ચીરવા કાંઈ હિન્દુનો દીકરો હાલશે ? અને આ તો જોગીદાસ જેવો પરોણો પરોણો શું ગોહિલને ઘરેથી ભૂખ્યે પેટે જાય ! ને પછી કયાં પકડાતો નથી ? ભાવેણાના મહારાજને તો હજારૂં હાથ છે, બાપા !” ઠાકોર વિચારમાં પડી ગયા. થોડોક ગુસ્સો ઉતરી ગયો.

“પરોણો ગોહિલને આંગણેથી ભૂખ્યો જાય ?” એટલું જ વેણ એમના અંતરમાં રમી રહ્યું.

“ઉતરો, ઉતરો હેઠા બાપા !” ચારણે ફરીવાર આજીજી કરી.

“ભીમ પાંચાળીયા !” મહારાજનો બોઘો કામદાર સાથે હતો, તેણે તપી જઈને વચન કાઢ્યું, “જો હાથીએ ચડ્યા મહારાજ હેઠા ઉતરે તો તો મહારાજની માએ ધુળ ખાધી કહેવાય, ખબર છે કે ?”

“બેાઘા કામદાર !” કોચવાયેલા ચારણના મ્હોંમાંથી વેણ વછૂટી ગયું, “મહારાજની માએ તો એને દૂધ પીને જણ્યા છે, બાકી તો વાણીઆ બ્રાહ્મણની માને અનાજ વીણતાં વીણતાં ધુળની ઢફલી હાથમાં આવે તો મ્હોંમાં મૂકવાની ટેવ હોય છે ખરી !”

ચારણનું મર્મ-વચન સાંભળીને ઠાકોરનું મ્હોં મલકી ગયું. બોઘા કામદારને તો બીજો શબ્દ ઉચ્ચારવાની હિંમત રહી જ નહિ; અને મહારાજે હસીને કહ્યું કે “ભીમ પાંચાળીયા ! જાઓ, આજ તો તમે તમારો નહિ પણ ભાવનગર રાજનો અતિથિ-ધર્મ પાળ્યો છે. એટલે હું મારી પ્રતિજ્ઞા તોડીને પણ પાછો વળું છું. મારવાની પ્રતિજ્ઞા કરતાં મહેમાનગતિનો ધર્મ ઘણો મોટો છે. જાઓ, હું આજ જોગીદાસને જાવા દઉં છું.”

ઠાકોર હાથ વાળીને શિહોરને માર્ગે ચાલી નીકળ્યા.

–10–

“કાંઈ શિકાર ?”

“શિકાર તો શિકાર ! પણ ભવ બધાનાં દાળદર ભાંગીને ભૂકો કરી નાખે એવો ! આકડે મધ અને માખીયુ વિનાનું.”

“કોણ ?”

“ભાવનગરનાં રાણી નાનીબા.”

“ક્યાં ?”

“દડવે જાય છે. એના ભાઈ કેસરીસિંહને ઘેરેઃ ભેળા કુંવ૨ડા છે; ભેળી ઘરેણાંની પેટી છે, અને સાથે અસવાર છે થોડા.”

“ચડો ત્યારે. કામ કરશું આપણે ને નામ પાડશું જોગીદાસનું. એની મથરાવટી જ છે મેલી. ભેખડાવી દઈએ.”

આકડીયા ગામનો ઠુંઠો કાઠી રાઘો ચાવડો ચોરીના ધંધા કરતાં કરતાં આજ છાનીમાની આટલી બાતમી મેળવીને ભાવનગર ઠાકોર વજેસંગજીનાં રાણી નાનીબાનું વેલડું લૂંટવા માટે પોતાના અસવારોને લઈ ટીંબી ગામની સીમમાં દડવાને માર્ગે ઓડા બાંધીને સંતાઈ રહ્યા છે. રણવગડામાં નાચ કરતી
કોઈ અપસરા સરીખું હીંગળોકીયા રંગનું ઓઝણું ચાલ્યું આવે છે. સંધ્યાની રૂંઝયો રડી ગઈ છે. ચારે છેડે સૂરજ આથમવાનું ટાણું થઈ ગયું તે વખતે બરાબર ઓચીંતો છાપો મારીને રાધા ચાવડાના અસવારોએ નાનીબાનાકૈક અસવારોને બરછીથી પરોવી લીધા, કૈક ભાગ્યા, થોડાકને બાંધી લીધા અને રાધડે હાકલ કરી કે “બાઈ, ધરેણાંની પેટી બહાર ફગાવી દેજે.”

થરથર કાંપતે સૂરે નાનીબાએ પૂછ્યું કે “ તમે કોણ છો બાપ ?”

“જોગીદાસ ખુમાણના માણસો.”

“અરરર ! જોગીદાસ ભાઈ અસ્ત્રીયું ને લુંટે ખરા ? જોગીદાસ અખાજ ખાય ? ”

“હા હા, ભૂખ્યે પેટે અખાજે ય ભાવે દાગીના લાવો.”

“અખાજ ભાવે ? ભૂખ્યા તોય સાવઝ ! ઈ તરણાં જમે ?”

“કાઢી નાખો, ઝટ ઘરાણાં, વાદ પછી કરજો !”

આટલી વાત થાય છે તેવામાં કોણ જાણે શી દેવગતિ બની કે ચાળીસ ઘોડાંની પડઘીઓ ગાજી અને છેટેથી ત્રાડ સંભળાણી કે “કોણ છે એ ?”

“કોણ જોગીદાસ ખુમાણ ! હાલ્યો આવ. ભારે તાકડો થયો.” રાધે અવાજ પારખ્યો.

“તું કોણ ?”

“હું રાધો ચાવડો.”

“રાધડા ! અટાણે અંધારે શું છે ? કોની હારે વડચડ કરી રહ્યો છે ?”

“આપા જોગીદાસ ખુમાણ ! હાલ્ય હાલ્ય, ઝટ હાલ્ય, આપણો બેયનો ભાગ. પેટી ભરીને ઘરાણાં.”

“પણ કોણ છે ?”

“તારા શત્રુ વજેસંગની રાણી નાનીબા. તારે તો વેર વાળવાની ખરી વેળા છે. બેય કુંવરડા પણ હારે છે, કરી નાખ ટુંકુ.”

“રાઘા !” હસતા હસતા જોગીદાસ બોલ્યા, “તું કાઠી ખરો, પણ ચોર-કાઠી ! નીકર તું જોગીદાસને આવી લાલચ આપવા ન આવત. મારે વેર તો વજેસંગ મહારાજની સાથે છે, બોન નાનીબા હારે નહિ. ઈ તે મારી મા બો’ન ગણાય. અને વળી અબળા, અંતરીયાળ ઓધાર વગર ઉભેલી ! એની કાયા માથે કરોડુંનો દાગીનો પણ હિન્દવાને ગા અને મુસલમાનને સુવર બરોબર સમજવો જોવે રાધા ! હવે સમજતો જા !”

“ઠીક તયીં. જોગીદાસ ! તારાં ભાગ્યમાં ભલે ભમરો રહ્યો. તું તારે રસ્તે પડ, અમે એકલા પતાવશું.”

રાધો હજુ યે સમજતો નથી.

“રાધા ! હવે તો તને રસ્તે પાડીને પછેં જ અમથી પડાય. નાનીબાને કાંઈ અંતરીયાળ રઝળવા દેવાય ?”

“એટલે ?”

“એટલે એમ કે જો આ ટાણે જોગીદાસની નજર સામે રાધો નાનીબાના વેલડાને હાથ અડાડે, તો જેઠા વડદરે એક હાથ તો ઠુંઠો કરી દીધો છે ને આજ બીજો હાથ પણ ખેડવી નાખું, એટલે મલક માથે પાપ કરતો તું બંધ પડી જા !”

“એમ છે ? તયીં તો થાજે માટી જોગા !”

“માટી તો કાંઈ થયું થવાય છે બા ? માએ જન્મયા ત્યારથી જેવા હોયીં એવાજ છીએ રાધડા ! બાકી તારે માથે કાળ ભમે છે. માટે ભલે હાલ્યો આવ્ય.”

રાધા અને જેગીદાસે પોતાની ફોજો ભેડવી, ખીસાણ મચી ગયું. પોતાના અસવારોની લોથોના ઢગલા થતા દેખીને રાધો ભાંગી નીકળ્યો. કાંપતે શરીરે નાનીબા રાણી માફામાં બેસી રહ્યાં છે. એને હજુ યે ભરોસો નથી કે બહારવટીયાના પેટમાં કુડ કપટ છે કે નહિ. ઉલમાંથી ચૂલમાં પડવાની એને ફાળ છે.

જોગીદાસે હાકલ કરી “એલા ગાડાખેડુ ! માને પૂછ કે પાછું દડવે જાવું છે કે ભાવનગર ? જ્યાં કહો ત્યાં મેલી જાઉં. માને કહીએ કે હવે કાંઈ જ ફડકો રાખશો નહિ.”

નાનીબાએ બહારવટીયાના મ્હોંમાંથી મોતી પડતાં હોય તેવાં વેણ સાંભળ્યાં. એને પોતાનો નવો અવતાર લાગ્યો. એણે કહેવરાવ્યું કે “જોગીદાસભાઈ ! વીરા ! બો’ન આવડા કરજમાંથી કયે ભવ છૂટશે ? ભાઈ, મને ભાવનગર ભેળી કરી દ્યો. હું આવડો ગણ કેદિ ભૂલીશ ?”

“વેલડાને વીંટી વળો ભાઈ !” જોગીદાસે હુકમ કર્યો. ભાલાળા ઘોડેસવારોની વચ્ચે વીંટળાઈને વેલડું હાલતું થયું. મોખરે જોગીદાસની ઘોડી ચાલી નીકળી. પંથ કપાવા લાગ્યો.

અધરાત ભાંગી અને આભના નાના મોટા તમામ તારલા એની ઠરેલી જ્યોતે ઝબુકી વગડાને ઉજમાળો કરવા મંડી પડ્યા, ત્યારે ભાવનગરનો સીમાડો આવી પહોંચ્યો. ઘોડીને વેલડાની ફડક પાસે લઈ જઈને બહારવટીઆએ રજા લીધી કે “બોન ! મા ! હવે તમારી હદ આવી ગઈ છે હવે તમે ઘરને ઉંબરે ઉતરી ગયા બાપા ! હવે મને રજા છે !”

“જોગીદાસભાઈ !” નાનીબાની છાતી છલકી; “તમે ય મારી ભેળા હાલો હું મહારાજને કહીને તમારૂં બહારવટુ પાર પડાવું, તમારો વાળ વાંકો ન થાય.”

“માડી ! કાંઈ બદલાની લાલચે મેં તમારી વાર નથી કરી. અને તમારી સિફારસે બહારવટું પાર પડે એમાં જોગીદાસની વષેકાઈ શી ? મારો ગરાસ તો હું બેમાંથી એક જ રીતે લઈશ – કાં મહારાજની સાથે સામસામા છાતીના ઝાટકા લઈ દઈને, ને કાં અરસ્પરસ પ્રીતિની બથું ભરીને, આજ તો રામ રામ ! મહારાજને મારા રામ રામ કહેજો.”

એટલું કહીને એણે અંધારે ઘોડી પાછી વાળી. ઘડીભરમાં તો ઘોડાં અલોપ થયાં, અને જોગીદાસભાઈ ! જોગીદાસભાઈ ! એટલા સાદ જ માફાની ફડકમાંથી નીકળીને સીમાડાભરમાં સંભળાતા રહ્યા.

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ કથા સોરઠી બહારવટીયા માંથી લેવામાં આવેલ છે.

આગળની વાત હવે પછીના ભાગમાં આવશે….

જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 1)

જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 2)

જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 5)

જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 4)

જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 6)

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– વીર માંગડાવાળો – ભૂત રૂવે ભેંકાર…

– મેપા મોભની ઉદારતા ની વાત

– સોરઠ નો સિંહ વીર રામવાળો

– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

– ભૂચરમોરી મહાસંગ્રામ…છપ્‍પનની છાતીનું પરાક્રમ

– રાખડી નુ ઋણ – ભાણ પટગીર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!