જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 5)

ભાવેણાનો નાથ કાયર થઈ ગયો છે. વજેસંગજીનાં કળ ને બળ બેય હારી ગયાં છે. મોટી વિમાસણ થઈ પડી છે.

“કોઈ જો જોગીદાસને પકડી મને સોંપે તો મારા ભાવનગર રાજમાંથી એક ચોવીસીનું મ્હોંમાગ્યું ચોસલ્યું કાઢી આપું.”

“છે કોઈ મરદ મૂછાળો !” એવી હાકલ કરીને બીડદાર કચારીમાં બીડું ફેરવવા માંડ્યો.

જસદણ દરબાર શેલા ખાચર ભાવનગરને ઘેર પરોણા છે, એનો હાથ મૂછોના કાતરા ઉપર ગયો. ચોવીસીનું ચોસલ્યું આપવાની વાત સાંભળીને એની દાઢ ગળકી. થાળીમાંથી બીડું ઉપાડીને એણે મોઢામાં મૂક્યું.

“તમે પોતેજ, આપા શેલા ?” વજેસંગજીએ પૂછ્યું.

“હા ઠાકોર ! છ મહિને ગળામાં ગાળા નાખીને બહારવટીયો હાજર કરૂં.”

“અરે રંગ શેલા ખાચર !”

એવા રંગ લઈને શેલો ખાચર જસદણ સીધાવ્યો. થોડા દિવસ થયા ત્યાં તો એના કાઠીઓ અધીરા થઈ ગયા. ચોવીસીના ચોસલ્યામાંથી પોતપોતાને બટકું બટકુ મળવાની લાલચે જોગીદાસને ઝાલી લાવવા ઉતાવળા થઈ ગયા. અને શેલા ખાચરને જઈ કહેવા લાગ્યા કે

“ભણેં આપા શેલા ! હવે તો બાંધી બાંધી ઘોડીયું પાછલા પગની પાટું મારી મારીને ઘોડહારનાં પાછલાં પડાળ તોડી નાખે છે. માટે હવે ઝટ કરો !” “હા બા, હવે ચડીએં.”

તે અરસામાં જ એક માણસ જસદણની ડેલીએ આવ્યો. આવીને કહ્યું કે “દરબાર ! તમારા ચોર દેખાડું.”

“તું કાણુ છો?”

“હું જોગીદાસનો જોશ જોવાવાળો.”

“આંહી ક્યાંથી ?”

“તકરાર થઈ, મને કાઢી મેલ્યો. હાલો દેખાડું.”

“ક્યાં પડ્યા છે ?”

“નાંદીવેલે : ભાણગાળામાં”

“કેટલા જણ છે ?”

“દસ જ જણા.”

“વાહ વા ! કાઠીયું ! ઝટ ઘોડાં પલાણો. અને ગાંગા બારોટ, તમારે પણ અમારી હારે આવવાનું છે.”

“બાપુ ! મને તેડી જવો રહેવા દ્યો.” ગાંગો રાવળ હાથ જોડીને બોલ્યો.

“ના, તમારે તે આવવું જ પડશે. અને જેવું જુવો એવું અમારૂં પરાક્રમ ગાવું પડશે.”

એક સો ને વીસ અસવારે શેલો ખાચર ચડ્યા. લીલા પીળા નેજા ફટકતા આવે છે. આભ ધુંધળો થાય છે. જોગીદાસને દસ માણસે ઝાલી લેવો એ આપા શેલાને મન આજ રમત વાત છે. સાથે પોતાના આશ્રિત ગાંગા રાવળને લીધો છે. પોતાના જશ ગવરાવવાનો એને કોડ છે.

ભાણ ગાળાની ભેખો ઉપર એક સો વીસ માણસોની ધકમક ભાળતાં જ જોગીદાસ ઘોડે પલાણી દસે માણસો સાથે ચડી નીકળ્યો. નાનેરા ભાઈ ભાણે હાકલ કરી કે “આપા ! આમ ભુંડાઈએ ભાગશું ? મલકમાં ભારે થઈને હવે હળવા થવું છે ?”

“બાપ ભાણ ! બારવટીયા તો બચાય ત્યાં સુધી બચે બારવટામાં ભાગ્યાની ખોટ્ય નહિ.”

“પણ આપા ! આમ તો જુઓ આ શેલો : કાગડો કાગડાની માટી ખાવા આવ્યો છે. અને એની મોઢા આગળ ભાણ જોગીદાસ ભાગશે ? એથી તો કટકા થઈ જવું ભલું. આપા ! દેવળવાળાનું દેવસું ! પાછા ફરે.” [દેવળવાળાનું દેવસું : સૂરજદેવળ તીર્થના સૂર્ય ભગવાનનીદુહાઇ. (‘સુરજ દેવળ’ પાંચાળમાં આવેલું કાઠીઓનું તીર્થ છે.)]

દસ અસવારે જોગીદાસ પાછો ફર્યો, ક્યારે ફર્યો, એ ખબર ન પડી. ઓચીંતો પવન જેમ દિશા પલટાવે એમ બહારવટીએ વાટ પલટાવી. સૂસવાટા મારતો જાણે વંટોળ આવ્યો. એને આવતો ભાળતાં જ શેલાના કટકમાંથી રામ ગયા. કટક ભાગ્યું.

શેલાએ સાદ દીધો : “અરે ભણેં, કાઠીઓ ! ભાગો મા ! ભાગો મા !”

ભાગતા કાઠીઓએ જવાબ દીધો “ભણે આપા શેલા ! કાઠી કાઠીનો દીકરો એમ સાંકડ્યમાં આવુને ને મરે. ૫ડ તો દીમો જોસે બા !” [દુશ્મનને મેદાન તો દેવું જોઈએ.]

જાણે કાઠીઓ દુશ્મનોને પડ દેવા માટે ભાગતા હતા ! ત્યાં તો ‘માટી થાજો જસદણીઆવ!’ એવી રણહાક કરતા ભાણ જોગીદાસે દસે ઘોડે ભેળાં કર્યા.

“ભાગો ! ભણે ભાગો ! પડ દ્યો ! ભણે પડ દ્યો !” એવી કીકીઅારી કરતા એક સો વીસ કાઠીએ ઉપડ્યા.

શેલો સાદ કરે છે “એલા કાઠીઓ ! આ તો કાંકરા કરાવ્યા !”

ભાગતા કાઠીઓ કહે છે: “આપા શેલા ! કાંકરા ભલા ! બાકી આંહી ગરમાં જો પાળીઆ થાશે ને, તો કોઈ સીંદોર ચડાવવા ય નહિ આવે !”

“સાચુ ભણ્યું બા !” કહીને શેલો પણ ભાગ્યો.

ગાંગો રાવળ બૂમો પાડતો રહ્યો કે “એ આપા શેલા ! ગઝબ થાય છે. ભાગ્ય મા, ભાગ્ય મા !”

“ગાંગા ! તું હવે હળવે હળવે આવી પોગજે !”

એટલું કહીને શેલો ખાચર કટક સાથે પલાયન થયો. અને આંંહી જોગીદાસને જોતાં જ ગાંગાની છાતી ફાટવા લાગી.

“વઘન્યાં ! મારા વિસામાનાં વઘન્યાં બાપ !”

એમ બબ્બે હાથે વારણાં લઈને ગાંગાએ બહારવટીયાને બુલંદ આજે બિરદાવ્યા.

શરમીંદો બનીને બહારવટીઓ બોલ્યો કે “ગાંગા બારોટ ! આ બિરદાવળીનાં મૂલ મૂલવવાની વેળા આજ મારે નથી રહી. શું કરૂં ?”

“બાપ જોગીદાસ ! હું આજ મોજ લેવા નથી આવ્યો. હું તો તારા ગણની ગંગામાં નાઈ રહ્યો છું. તું તો અમારૂં તીરથ ઠર્યો.”

ગજા મુજબ શીખ કરીને ગાંગાને વિદાય કર્યો.

આંહી શેલા ખાચરે થોડાંક હથીઆર પડીઆર અને થોડાંક ઘોડાં ભાવનગર મોકલી દઈને ઠાકોરને કહેવરાવ્યું કે “બારવટીયા તો વાંદર્યાં જીમાં ! દિ’ રાત ગરની ઝાડીયુંમાં રે’વા વાળા ! સર સામાન મેલુ, ઝાડવાંના વેલા પકડુ પકડુને ઝાડવાં માથે ચડુ ગીયા. ચડુને ડુંગરામાં તડહકાવુ ગીયા ! અને યાનો આ અસબાબ અમે આંચકી લીધો તે દઉ મેલીએ છીએ.”

ઠાકોર સમજી ગયા. આ ટારડાં ઘોડાં ને આ સર સામાન જોગીદાસનાં હોય ! શેલો ખાચર છોકરાં ફોસલાવે છે !

ઘૂમતો ઘૂમતો ગાંગો રાવળ ચાર મહિને જસદણમાં આવ્યો છે. શેલા ખાચરનો દાયરો ભરાયો છે, એવે સમયે કાઠીઓએ ગાંગાને છંછેડ્યો “ગાંગા બારોટ ! ભણેં હવે બાપુનો ગીત ભણ્ય ! ભાણગાળાના ધીંગાણામાં બાપુ શેલો ખાચર કેવા રૂડા દેખાણા, ઈ વાતનો ગીત ભણ્ય !”

ગાંગા રાવળે મ્હેાં મલકાવ્યું: “ગીત તો કેમ કરીને ભણું બા ! યાં તો તમને વાંસામાં બારવટીયાનાં ભાલાં વાગતાં’તાં !”

“પણ તાળી જીભે કાંઈ ભાલાં વાગતાં સે? ગીત ભણવામાં તારા બાપનો કાણું જાતો સે ? ચાર વીઘા પળત ખાછ. હોળી દીવાળીએ દાત્ય લેછ, બાપુની મેાજું લેછ, ઈ કાંઈ મફતીયો માલ છે ?”

“એટલે ! ખેાટેખોટાં વખાણ ગાવા સાટુ મને બાપુ પળત ખવરાવે છે ?”

“હા ! હા ! વખાણ તો કરવાં જોશે. કવિ કેવાનો થીયો છે ?”

“ઠીક ત્યારે, સાંભળી લ્યો. પણ એક કરાર: શીંગાથી પીંછા સુધી એક વાર સાંભળી લેવું: વચ્ચે મને રોકવો કે ટોંકવો નહિ. આ ગીતમાં તો વડછડ છે; એટલે ઘડીક આપણું સારૂં આવશે, ઘડીક ભાણ જોગીદાસનું સારૂં આવશે, અને છેવટે બાપુનો ડંકો વાગશે. માટે મને વચ્ચે રોકો તો તમને સૂરજના સમ !”

“ભલે !”

ગાંગાએ ગીત રચી રાખેલું, તે ઉપાડ્યું :

[ગીત સાવજડું]

બળ કરી અતગ હાલીયો બોંશે
લાવું પવંગ જાણે ખુમાણું ના લોંચે
ખુમાણે દીધાં ભાલાં તરીંગમાં ખોંચે
ભોંયરા લગ આવીયો ભુંશે !

[અતિ મોટું સૈન્ય લઈને શેલો ખાચર ચડ્યો : ‘મનમાં હતું કે જાણે જોગીદાસ ખુમાણનાં ઘોડાં ઝુંટવી લાવીએ. ત્યાં તો ઉલટાં, પોતાના ઘોડાંના તરીંગમાં જ ખુમાણોનાં ભાલાં ભોંકાયાં, એવાં ભાલાં ભોંકાયાં કે શેલો ખાચર ભોંયરગઢ સુધી ભાગતો આવ્યો.]

જેસી તે હૈયે નો જાણ્યો
અંગ એંકાર અધિકો આણ્યો
આગળ ખુમા તણો હતો અલેણો
(ત્યાં) માથે આવિયો દુસરો મેણો !

[હૃદયમાં કાંઈ વિચાર ન કર્યો. અંગમાં વધુ પડતો અહંકાર આણ્યો. અગાઉ ખુમાણો સાથે અલેણું તો હતું જ, ત્યાં વળી આ બીજું મેણું માથા પર આવ્યું.]

ખાચર ખેાટ દૂસરી ખાયો
ઝાળે ખુમો ભાણ જગાયો
કૂડું શેલા કામ કમાયો
ગરમાં જઈને લાજ ગુમાયો !

[હે શેલા ખાચર ! તે બીજી વાર ખેાટ ખાધી. તેં ઝાડીમાં જઈને ભાણ ખુમાણ સમા સિંહને જગાડ્યો. તે બહુ બુરૂં કામ કર્યું . ગિરમાં જઈને તેં લાજ ગુમાવી.]

ધરપત થીયો સબે ધુડધાણી
રાખી મેલ્યા ડોડ રામાણી
માર્યા ફરતા ડોડ મોકાણી
ઠરડ કાઢ્યો ભાલે ઠેબાણી !

[હે ધરપતિ ! તારૂં સર્વસ્વ ઘૂળધાણી થઈ ગયું. તારા ડોડાણી, મોકાણી અને ઠેબાણીઓને બહારવટીયાઓએ બહુ માર્યા.]

આલણહરો કહું અલબેલો
ખેલ જઈને બીજે ખેલો !
ઝાટકીયો દસ ઘોડે ઝીલો
છો વીસુંથી ભાગ્યો, શેલો !

[આલા ખુમાણનો પૈાત્ર ભાણ જોગીદાસ તો અલબેલો છે: માટે હે ખાચરો ! તમે બીજે કયાંઈક જઈને રમત રમો ! દસ જ ઘોડે ભાણ જોગીદાસે ઝપાટો માર્યો, ત્યાં તો છ વીસુ (એકસો વીસ) ઘોડા સાથે શેલો ખાચર ભાગી નીકળ્યો.]

“લ્યો બાપ ! આ ગીત !”

ગીત પૂરૂં થયું. શેલા ખાચરે આંખો લાલ કરી ગાંગાને કહ્યું “બારોટ ! હવે જસદણમાં રે’ તો ગા’ ખા !”

“ધુડ પડી મારા રહેવામાં !” કહીને ગાંગો ચાલી નીકળ્યો.

તલવારનો ફડાકો બોલ્યો, કે તૂર્ત જોગીદાસે ઘોડી થોભાવી. પાછળ જોયું. પૂછ્યું “શું થયું ભા ! ફડાકો શેનો સંભળાણો ?”

માણસોનાં મોઢાં ઝાંખા ઝબ પડી ગયાં હતાં. કોઈએ જવાબ ન દીધો.

“નક્કી કાંઈક કાળો કામો કર્યો લાગે છે.”

જોગીદાસે ઘોડી પાછળ લીધી. જઈને જોયું. એક કણબીને તરવારને ઝાટકે મરતો, તરફડતો દીઠો.

“આ કોણ ભાઈ ?”

“આપા ! આ મૂળા પટેલનો દીકરો: જે મૂળા પટેલે આપણા કુંડલા માથે ઠેઠ રાજુલાથી રાજની તોપું ખેંચીને આણી દીધી’તી અને જેના ચાળીશ ઢાંઢા ઈ તોપખાંનું તાણતાં મરી જવાથી ઠાકોરે આપણું જૂના સાવર ગામ દઈ દીધું, ઈ કમતીયાનો આ છોકરો.” “બાન પકડ્યો’તો ને ?”

“હા, પણ જીભ કુવાડે કાપ્યા જેવી: આખે માર્ગે ગાળ્યું કાઢી આપા ! એની જીભમાંથી લુવારની કોડ્યનાં ફુલ ઝરતાં’તાં ઈ ખમી ન શકાણાં તે માર્યો.”

“બાનને માર્યો ? બુરૂં કર્યું. હવે આપણે કુંડલા ખાઈ રીયા. બાનને માર્યો ! શું કહેવું ભાઈ ? આ પાપનો તો સાત જન્મે ય આરો વારો નહિ આવે. ઠાકર ક્યાંય નહિ સંઘરે.”

ડુંગરાનાં ગાળામાં મુકામ થયો. ત્યાં ભીમ પટેલના નરસી અને નાથો નામના બે દીકરાને બાન પકડીને સાથે આણ્યા છે. બહારવટીયાની રીત હતી કે બાન ભાગી ન જઈ શકે તેટલા માટે તેના પગને તળીએ અંગારા ચાંપી દેવા. તે સિવાય તો બાનને સારામાં સારૂં ખાવા પીવાનું ને સૂવા બેસવાનું આપી પરોણાની રીતે જ રાખતા.

અંગારા તૈયાર થયા. લાલચોળ ધગધગતા અંગારા દેખીને કણબીના બે દીકરામાંથી મોટો નાથો નામે હતો તે રોવા લાગ્યો. એને રેતો દેખીને નાનો નરસી બોલ્યો “હેઠ્ય કાયર ! રોવા બેઠો છે ! આપણે તો ખુમાણ ખોરડું ! સાવરીયાઓને ખેાટ્ય બેસે. બચાડા બારવટીયા વળી અંગારા શું ચાંપશે ? આમ જો ! આમ આપણી જાણે ચાંપી લેવાય !”

એટલું કહેતો નરસી ઉભો થયેા. ઝગતા અંગારા ઉપર સબ ! સબ ! સબ ! પગ માંડીને ચાલ્યો ગયો. પગતળીયાનાં ખોભળાં ફાટી ગયાં અને અંગારા ઓલવાઈ ગયા.

બહારવટીયો જોગીદાસ મીટ માંડીને આ કણબીની હિમ્મત સામે જોઈ રહ્યો. એની આંખો ફાટી રહી. પડખે બેઠેલા સાથીને પૂછ્યું કે “એણે પોતાને ‘ખુમાણુ ખોરડું’ કેમ કહ્યો ?”

“આપા ! એનો કાકો ધરમશી પટેલ પાંચસેં ઘોડે આપણી વાંસે ભમે છે એટલે ઈ અરધા ખુમાણ જ કહેવાય ને? કુંડલા પંથકના પટેલીયા તો કરાફાત છે આપા !

–17–

માવતર મદઈપણું કરે, જાય બારવટે જે
એનાં છોરૂને ચણ્ય દે, (તું) વેંડારછ વજપાળદે !

(હે વજેસંગ ઠાકોર ! જેનાં માવતર તારી સાથે શત્રુતા કરીને બહારવટે નીકળ્યા છે, તે જ નાનાં બચ્ચાંને તું પોષણ આપીને તારે ઘેરે પાળી રહ્યો છે.]

જોગીદાસનાં રાણી, બે દીકરા ને એક દીકરી, એમ ચારે જણાને ઝાલી લઈ મહારાજે ભાવનગર તેડાવી લીધાં હતાં. રાજ-રખાવટથી જ એ બંદીવાનોને રાખવામાં આવ્યાં હતાં. દરબારગઢની અંદર જ એ કુટુંબનો આવાસ હતો. આજે બહારવટીયાનો આદમી ત્યાં જઈ છુપી રીતે ‘આઈ’ની પાસેથી સમાચાર લઈને ભાણગાળે આવેલ છે. જોગીદાસ પૂછે છે:

“બાળબચ્ચાંના કાંઈ સમાચાર લાવ્યો છે ભાઈ ?”

“આપા ! આજ તો આઈએ મોટે ટીપે આંસુડાં પાડતાં પાડતાં સમાચાર કહેવરાવ્યા છે.”

“આંસુડા પાડ્યાં ? કેમ ? થાકી ગઈ કાઠીઆણી ? ભાવનગરના રાજદરબારમાં કાંઈ રખાવટ મોળી પડી ? ઠાકારે કાંઈ કહ્યું ?”

“આપા ! કોઈએ કાંઈ કહ્યું નથી કે કારવ્યું નથી. આઈ થાક્યાં યે નથી. પણ આ આંસુડાં તો ઘણમૂલાં કે’વાય.”

“શું કેવરાવ્યું છે ?”

“કેવરાવ્યું છે કે કાઠી ! હવે બારવટુ કોના સામું કરો છો ? મહારાજ તો દેવનો અવતાર છે. મહારાજે પોતે જ આપણી દીકરી કમરીબાઈને ડેડાણ કોટીલાને ઘેરે પરણાવી. અને એક લાખનો દાયજો દીધો. દુશ્મન ઉઠીને બાપ થયો !”

“હા ! ઈ વાત હું જાણું છું, મહારાજ આપણાં ગામ ખાય છે, તે દાયજો કરે, બાપ ! બીજું કાંઈ ?”

“બીજું તો કાઠીને કે’જો કે થોડા દિ’ પહેલાં આપણો લાખો ને હરસુર બેય જણા કુંવર નારૂભા ને અખુભાની સાથે રમતા’તા. એમાં લાખે કુંવર નારૂભાને લપાટ મારી. કુંવર રોતા રોતા મહારાજ પાસે ગયા. જઈને કહ્યું કે “મને લાખે ખુમાણે માર્યું.” તે ટાણે મહારાજના મ્હોંમાંથી શા શબ્દો નીકળ્યા કાઠી ! મહારાજે કહ્યું કે “બેટા ! એનો વાંધો નહિ. એનો બાપ રોજ અમને મારે છે, તો પછી દીકરો તને મારે એમાં નવાઈ શી ? અમે ય વાંસો ચંચવાળી રહીએ છીએ !”

“કાઠી ! આખા દાયરાની વચ્ચે પોતાના ટીલાત કુંવરને આવો જવાબ આપીને મહારાજ ખડ ખડ હસી પડ્યા, પછી પોતે નારૂભાને હેતભર્યે હૈયે કહ્યું કે “ભાઈ ! ઈ કેમ ન મારે ? એને શું ખીજ ન આવે ? એના બાપ આજ પંદર વરસથી ગામ ગરાસ ખોઇને ડુંગરામાં પાટકે છે. પાણાનાં ઓશીકાં કરેછે. ઈ દાઝનો માર્યો દીકરો આપણને ઠોંટઠાપલી કરે તે ખમી ખાઈએ ભાઈ ! એને માથે દુ:ખનાં ઝાડ ઉગ્યાં છે.”

કાઠી ! આખો દાયરો થંભી ગયો. અને મહારાજે લાખાને ખોળામાં બેસારીને ઉલટું એના હાથની હથેળી પંપાળી, અને પૂછ્યું કે “બાપ ! તુંને તો વાગ્યું નથી ને ?”

કાઠી ! આવી રખાવટ રાખનારની સામે હવે કયાં સુધી ઝૂધ કરવાં છે ? અાવા દેવશત્રુને ખોળે તરવાર મેલી દેતાં ના લાજીએ. અને હવે હાલ્યા આવો ! મહારાજના ભેરૂ બનો.

સમાચાર સાંભળતાં સાંભળતાં બહારવટીયાના હાથમાં બેરખો થંભી ગયો, એની આંખોને ખુણે બે મોટાં આંસુડાં લટકી પડ્યાં. કાંઈ બોલ્યા વગર જ એ બેઠો રહ્યો. ચારે કોર અંધારાં છવાઈ ગયાં.

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ કથા સોરઠી બહારવટીયા માંથી લેવામાં આવેલ છે.

આગળની વાત હવે પછીના ભાગમાં આવશે….

જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 1)

જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 2)

જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 3)

જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 4)

જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 6)

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– વીર માંગડાવાળો – ભૂત રૂવે ભેંકાર…

– મેપા મોભની ઉદારતા ની વાત

– સોરઠ નો સિંહ વીર રામવાળો

– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

– ભૂચરમોરી મહાસંગ્રામ…છપ્‍પનની છાતીનું પરાક્રમ

– રાખડી નુ ઋણ – ભાણ પટગીર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!