વીર માંગડાવાળો – ભૂત રૂવે ભેંકાર… લેખક- ઝવેરચંદ મેઘાણી

મૃત્યુ પામીને જીવતા રહેલા ગુજરાતના ગરવા પ્રેમીઓ વીર માંગડાવાળો અને પદમાવતી ની અમર પ્રેમ કથા. અહીં તો મારે વાત કરવી છે એવી પ્રેમ કથાની જેમાં એક ભૂત સાથે પ્રેમિકાએ ફેરાફર્યા હોય. તો ચાલો જાણીએ આવા પ્રેમની કહાની. રાજપુત જાતના માંગડાવાળા અને વણીક જાતની પદમા. મામાના ઘરે મોટો થતો યુવાન માંગડાવાળો સોમનાથ પાટણની વાણિયાની દિકરી પદ્માવતીના પ્રેમમા પડે છે અન તેટલો જ પ્રેમ પદમા માંગડાવાળાને કરે છે. આટલા સુધી ઘણા માણસોના પ્રેમની સરખામણી થાય છે, પરંતુ કથાનો વળાંક બહુ જ રોમાંચક છે મિત્રો.

આશરે 500 વર્ષ પહેલા ગાયોના ધણને બચાવવા જતા વીર માંગડા વાળાએ શહીદી વહોરી હતી. રણમેદાને શહીદ થયેલો માંગડાવાળો પોતાની પ્રેમિકાને આપેલુ વચન ન નિભાવી શક્યો. માંગડાવાળો મોતને ભેટતા ફરી મળવાનુ તેનુ વચન અધૂરુ રહ્યુ. વીર માંગડા વાળાના મોત બાદ તેનો આત્મા ઉબંરી ગામની સીમમાં ભટકતો હોવાનો અને તેણે પદમણી સાથે પ્રેત યોનિમાં જ લગ્ન કરી લીધા હોવાની દંતકથા પ્રચલિત છે.

આને પ્રેમની પરાકાષ્ટાની હદ કહી શકાય. આ અજોડ કથાનુ વર્ણન ખૂબ સુંદર રીતે શ્રી ઝવેરચંદ મેઘાણીએ પોતાની સૌરાષ્ટ્રની રસધારમાં કરેલ છે. ‘ભુત રુવે ભેંકાર’ નામની લોક કથા આપ વાંચશો ત્યારે મને લાગે છે ત્યા સુધી આપ ભારત બહારની પ્રેમ કથાઓ કરતા આ કથાને થોડી આગવી દ્રષ્ટીથી જોઈ રહેશો. આવા કઈંક કિસ્સાઓ અને કથાઓ ભારતમા બન્યા છે જેનાથી આપણે સૌ આજ અજાણ છીએ. હવે આગળની કથા મેઘાણીજીની કલમે વાંચો….

પાઘડીયુ પચાસ, પણ આંટાળી એકેય નય, એ ઘોડો એ અસવાર, હું મીટે ન ભાળું માંગળા. પદ્દમા તારો પ્રિતમ, જો ને આજ હિરણ ની હદ માં રિયો ઝાઝેરા કે’ જો જુહાર, એમ મરતા બોલ્યો માંગડો.

 ભૂત રૂવે ભેંકાર

નેસડામાં રાતે વાળુ કરીને સહુ માલધારી બેઠા હતા. આઘેથી ભૂતના ભડકા સળગતા લાગે તેવી રીતે ચલમો ઉપરનો દેવતા ફૂંકે ફૂંકે ઝબૂકતો ને વળી ઝાંખો પડી જતો હતો. વરસાદ મોટે મોટે ફોરે ઠમ! ઠમ! ઠમ! પડતો હતો,અને નીચાં ઘરનાં નેવાં ટપકતાં હતાં. તેનાં ટીપાં નીચે ખાબોચિયામાં પડીને ટપક! ટપ! ટપક! ટપ! એવા ભાતભાતના સૂર કાઢી કાંઈક વાતો કરતાં હતાં. આખી ગીર ઉપર અંધારું પથરાઈ ગયું હતું. વાત તો એમ ચાલતી હતી કે —

“ભાઈ, હમણાં એક ચમત્કાર બની ગયો.”
“શું ચમત્કાર?”
“કંટાળે ગામેતીને ઘેર એક ચારણ આવેલો. ચીંથરેહાલ ચારણ, વાર્તા-કવિતા તો કાંઈ આવડે નહિ, પણ ગામેતી જેવો આયર તે ક્યાંઈક થાવો છે, બા? સહુને આપે તેમ એને પણ શીખ આપી: ચારણ બંધાણી માણસ, પણ કંટાળે અફીણ રે’તું નહોતું: અને ચારણને ઉતાર આવી ગયેલો: એટલે દી આથમી ગયો હતો તોય રજા લઈને પડખેના ગામડામાં ઝટ પહોંચી જવા માટે રવાના થયો: ઝોલાપરી નદીને કાંઠે ચડ્યો અને માંગડાને ડુંગર આવ્યો ત્યાં ભાન ભૂલીને રસ્તો ચૂકી ગયો. અંધારું ઠીકઠીક જામી ગયું: અને નાડ્યું ત્રુટતી હતી, એટલે ચારણ તો ડુંગર ઉપર ઢગલો થઈને પડી ગયો: થોડી વાર થઈ ત્યાં અંધારામાં પણ ઉજાસ મારે તેવાં ધોળાં બાસ્તા જેવાં લૂગડાં પહેરેલો એક માનવી ત્યાં આવ્યો અને ચારણના હાથમાં છેટેથી અફીણનો એક ગોટો નાખીને કહ્યું: ‘લ્યો ગઢવા!’

ગઢવો: ‘આ ક્યાંથી, બાપ?’
આદમી કહે: ‘કંટાળેથી ગામેતીએ મોકલાવ્યું છે.’
ચારણે તરત જ અફીણ ખાધું: જિંદગીમાં કદી નહોતું ચાખ્યું તેવું અફીણ: શરીરમાં કાંટો આવ્યો એટલે ચારણ એ જ ટાણે પાછો વળીને કંટાળે આવ્યો: ગામેતીને પગે પડીને બોલ્યો: ‘બાપ, ક્રોડ દિવાળી તારો વૈભવ ટકજો! મને આજ નવું જીવતર દીધું.’

ગામેતી અચંબો પામીને કહે: ‘કેમ ભાઈ?’

‘બાપ! મારી વાંસે ડુંગરામાં અફીણ પોગતું કર્યું, એ તો તું વિના બીજો કોણ કરે?’

‘ના, ભાઈ! અમને તો ખબર પણ નથી. ગઢમાં તો ચણોઠી જેટલું પણ અફીણ નથી ને! કોણ આવ્યું’તું?’

‘અરે, બાપ! ધોળે લૂગડે જુવાન આદમી આવીને મને હાથોહાથ આપી ગયો, ને તમારું નામ લીધું!’

સાંભળીને સહુ એકબીજાની સામે સમસ્યાથી નીરખી રહ્યા. ગામેતી આટલું જ બોલ્યા: ‘નક્કી માંગડો વાળો!’
“આવો ચમત્કાર બન્યો, ભાઈ!”

**********

“ઓહોહોહો! હજીયે શું માંગડા વાળાનો છુટકારો નહિ થયો હોય?” માલધારીઓ એકબીજાને પૂછવા લાગ્યા.

બીજાએ વળી જવાબ દીધો: “એની વાસના ભારી જોરાવર હતી ને, ભાઈ! વાસના મટ્યા વિના નવું ખોળિયું ક્યાંથી લેવાય? ગજબની વાસના હતી માંગડા વાળાની.”

અજાણ્યાએ સવાલ કર્યો: “એ શી વાત હતી, ભાઈ? માંગડો વાળો કોણ? ક્યાંનો?”

“માંગડો વાળો આપણી ધાંતરવડીને કાંઠે આવેલ ગામ ધાંતરવડના રજપૂત જેઠા વાળાનો દીકરો થાય. વાળાઓ હજી વટલીને કાઠી નહોતા થયા ઈ વખતમાં થઈ ગયો ને ભરજુવાનીમાં ભાલે વીંધાણો.”

એમ થાતાં તો વાતચીતે વાર્તાનું સ્વરૂપ ધારણ કર્યું. રવાજ નામના વાજિંત્ર ઉપર ઝણેણાટી બોલાવતાં એ વાતડાહ્યા પરોણાએ દુહા આરંભ્યા:

હુઇ હાકોહાક, દળ છૂટ્યાં દેશોતનાં,
શોભે આંબા શાખ, લખિયલ વણ લેવાય નહિ.

દેવતાની બાંધેલી ઘૂમલી નગરીમાં હાકલો પડી; રાજકુળમાંથી દળકટક છૂટ્યાં; કાળવડ ગામનો કાઠી ચાડવો બાયલ ધણ વાળી જાય છે; મામા ભાણ જેઠવાએ કહ્યું કે ‘સહુ ચડજો, પણ ભાણેજ માંગડાને જગાડશો મા. એ પારકી થાપણ છે, પરોણો છે.’

પણ માંગડાનાં તકદીરમાં આંબે લટકતી એ શાખ મેળવવાનું સરજાયું નહોતું, પાટણ(તે સમયમાં પાટણો ઘણાં હતાં. એટલે ઘૂમલી નજીકનું કોઈ શહેર પાટણ નામથી ઓળખાતું હશે.)ના નગરશેઠની કન્યા પદ્માવતી પ્રારબ્ધમાંથી ખડવાનું માંડેલ હતું: ઊંઘમાંથી એ ઊઠ્યો. દરબારગઢ સૂનકાર દીઠો; જાણ થઈ કે મામા ફોજ લઈને ગયા: અરે, હાય હાય! હું ગા’ની વારે ન ચડું! એવી ઊંઘ!

ભલ ઘોડો વલ વંકડો, હલ બાંધવા હથિયાર,
ઝાઝી ફોજુંમાં ઝીંકવા, મરવું એક જ વાર.

[શોભીતો ઘોડો રાંગમાં હોય, શિર પર વાંકડિયા વાળ ઝૂલતા હોય, શરીર ઉપર હથિયાર ચકચકાટ કરે;આહા! સાચા વીરને એક જ વાર મરવાની — મોટી ફોજમાં ઝંપલાવીને ભલી ભાંતે મરવાની — ઝંખના હોય છે.]

અસવાર પાટણની બજાર ચીરીને સોંસરવો નીકળ્યો; કેમ કે જતાં જતાં એક વાર નજરું એક કરી લેવી હતી. છેલ્લી વારના રામરામ કરવા હતા.

ઘોડો ઘોડાને ઘાટ, અસવારે ઊણો નહિ,
(એનું) ભાલું ભરે આકાશ; મીટે ભાળ્યો માંગડો.

ઝરૂખામાં બેઠેલી નગરશેઠની દીકરીએ પોતાના પ્રીતમ માંગડાને દીઠો: ઘાટીલો ઘોડો, એવો જ લાયક અસવાર, આસમાનને માપતો ઊંચો ભાલો; એવા મનના માનેલા ક્ષત્રી કંથને વાણિયાની દીકરીએ દીઠો અને ચારેય નજરુંના તાર સંધાયા

અમે વેપારી વાણિયા, તમે રાજાની રીત,
પૂરવ ભવની પ્રીત, મળિયાં તમસું માંગડા!

[હે સ્વામી માંગડા, આપણી જાત તો જુદી છે પણ પૂર્વભવની પ્રીતિએ આ જન્મે નાતજાતનાં બંધન ભેદીને આપણને જોડી દીધાં છે.]
માટે —

માઢ ઉપર માંડેલ છે, પીતળિયા પાસ,
(એની) સોગઠિયું સગા, મારતો જા તું માંગડા!

[હે સગા, મેડી ઉપર ચોપાટ માંડી છે. પીતળિયા પાસા પડ્યા છે. સંકલ્પ કરી કરીને હું તારી સાથે એકલી એકલી બાજી રમી રહી છું. માટે તું એક વાર ઉપર આવી, દાવ નાખી સોગઠી મારતો જા, એટલે આપણું લગ્ન સફળ થાય.]

“ના, ના, પદ્માવતી! રજપૂતની એ રીત ન હોય. હું તો ગા’ની વા’રે ચડ્યો છું. રસ્તે રમત રમવા મુજથી રોકાવાય નહિ. પણ તું વાટ જોજે. હમણાં પાછો વળું છું. પછી રમી લેશું.”

ઘોડો દોડાવી મૂક્યો. ગયો! ગયો! ત્રીસ-ત્રીસ ગાઉનો પંથ કાપી નાખ્યો. હીરણ નદીને કાંઠે મોટા વડલા હેઠળ ઘૂમલીનું ગૌધણ ઊભું છે ને લૂંટારો ચાડવો બાયલ ભાણ જેઠવાની ફોજ સાથે ધીંગાણું કરી રહ્યો છે. ત્યાં તો માંગડો દેખાણો.

જીવતો પાછો જા, વઢિયાની વેળા નહિ,
રોશે તારી મા, તું પરદેશી પ્રોણલો.

[ચાડવો કહે છે કે “એ જુવાન, તું પરગામથી પરોણો આવેલ કહેવાય. તારે હજુ લડવાની ઉમ્મર નથી થઈ. તું રોળાઈ જઈશ તો તારી મા રોશે. માટે જીવતો પાછો વળી જા!”]

પણ ત્યાં તો —

કળકળતો કટકે, હાકોટે હબક્યો નહિ,
અહરાણ હૂકળતે, મચિયો ખાગે માંગડો.

[ચાડવા કાઠીના હાકલા-પડકારા સાંભળીને માંગડો ન થડક્યો. એ હૂકળતા શત્રુઓની સાથે માંગડો તરવારથી ભેટવા દોડ્યો.]

**********

વળી છે પાછી વાર, ભૂંડે મોઢે ભાણની,
(પણ) એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો.

[પદ્માવતી ઝરૂખે બેસીને વાટ જોતી હતી. એણે જોયું કે ઝાંખાં મોં લઈને ભાણ જેઠવાની ફોજ પાછી ચાલી આવે છે, પણ એકલવાયો ગયેલો અસવાર માંગડો કાં ન દેખાય?]

પાઘડિયું પચાસ, આંટાળિયું એકેય નહિ,
ઈ ઘોડો ને અસવાર, મીટે ન ભાળું માંગડો.

[આ પચાસ-પચાસ પાઘડીઓવાળા દેખાય છે. પણ રૂડી આંટીઓ પાડીને બાંધેલ પાઘડીવાળો મારો પ્રીતમ માંગડો નથી. એ ઘોડો ને એ અસવાર નથી દેખાતા. હોય તો સહુથી નોખો તરી રહે ને!]

કોણ જાણે, કદાચ પાછળ રહ્યો હશે — મારી પાસે આવવા માટે જાણીજોઈને પાછળ રહી ગયો હશે. કૉલ દઈને ગયા પછી પરબારો તે કેમ ચાલ્યો જાય?]
ત્યાં તો—

ઘોડો આવે ઘૂમતો, માથે સોનરી સાજ,
એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો.

[સોનેરી સાજ થકી શોભતો એકલો ઘોડો ઘૂમતો ઘૂમતો ચાલ્યો આવે છે. એની પીઠ ઉપર એ એકલડો અસવાર ન દીઠો. જરૂર મારો માંગડો રણમાં ઠામ રિયો!]
અસવારોએ અટારી સામે આવીને સંદેશો કહ્યો:

પદમાનો પ્રીતાળ, હીરણની હદમાં રિયો,
ઝાઝા દેજો જુવાર, મરતાં બોલ્યો માંગડો.

[હે સતી પદ્માવતી, તારો પ્રીતમ તો હીરણ નદીને કાંઠે રહ્યો, અને એણે મરતી વેળા કહ્યું કે પદ્માને મારા ઝાઝા કરીને જુહાર દેજો!]

વડલે વીંટો દેત, સોનેરી સિરપાવનો,
(ત્યાં) બાયલ બીજે દેશ, માર્યો જેઠાણી માંગડો.

સોડ્યું લાવો સાત, માંગડાના મોસાળની,
કરશો મા કલ્પાંત, પારે ઊભી પદ્માવતી.

[માંગડાના મોસાળમાંથી સાત સોડ્યો લાવીને એના શબને દેન દેવાય છે, અને પદ્માવતી નદીને કાંઠે વિલાપ કરતી ઊભી છે તેને સહુ છાની રાખે છે.]
પદ્માવતી શું બોલે છે? —

મારા પંડ પર કોઈ, રાતા છાંટા રગતના,
રિયા જનમારો રોઈ, મીટે ન ભાળું માંગડો.

[મારા અંગ ઉપર રક્તના છાંટા પડ્યા હશે! મને એવાં અપશુકન મળ્યાં હશે! એવી હું અભાગણી! એટલે મારે રોઈ રોઈને અવતાર ગુજારવો રહ્યો.]

**********

ભૂતવડલાની ઘટામાં એક દિવસ સાંજે એક વાણિયાની જાન છૂટી છે. અઘોર જંગલમાં બળદની ડોકે ટોકરીઓ વાગે છે ને વાણિયા ભાતાંના ડબરા ઉઘાડી ઉઘાડીને ટીમણ કરે છે. ભેળો વાંકડી મૂછોવાળો રજપૂત ગામધણી અરસી વાળો વોળાવિયો બનીને આવ્યો છે. વડલાની ડાળ નીચે અરસી વાળો બેઠો છે, તે વખતે ટપાક! ટપાક! ટપાક! વડલા ઉપરથી કંઈક ટીપાં પડ્યાં!

અરે! આ શું? આકાશમાં ક્યાંય વાદળી ન મળે ને મે’ ક્યાંથી? ના, ના, આ તો ટાઢા નહિ, બરડો ખદખદી જાય એવા ઊનાં પાણીનાં છાંટા: અરે, ના રે ના! આ પાણી નો’ય! આ તો કોઈનું ધગધગતું લોહી!

વોળાવિયો ક્ષત્રિય અરસી વાળો ઊંચે નજર કરે, ત્યાં તો ડાળી ઉપર બેસીને કોઈ જુવાન રુદન કરે છે. એનું મોં દેખીને અરસીને અનુકંપા વછૂટી: “કોણ છો?”

“ભૂત છું!”

સૌ રોતો સંસાર, (એને) પાંપણીએ પાણી પડે,
(પણ) ભૂત રૂવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે.

[હે રજપૂત, સંસારનાં માનવીઓ રૂવે છે, છતાં એ રૂવે ત્યારે એની પાંપણે પાણી પડે, પરંતુ આ તો ભૂતનાં રુદન; ભયંકર રુદન; હૈયાનાં લોહી નીતરી નીતરીને એનાં લોચનમાંથી ઝરે. ભૂતના અંતરની વેદના કેવી વસમી! ઓહો, કેવી દારુણ!]

“ભૂતડો છો? કોનો ભૂત?”

“ન ઓળખ્યો, કાકા?”

હું બેટો તું બાપ, અરસી, કાં ઓળખ નહિ,
પેલા ભવનાં પાપ, આ ભવમાં આવી નડ્યાં.

“હે કાકા અરસી, તારા સગા ભાઈ જેઠા વાળાનો હું દીકરો એટલે તારો પણ દીકરો: ને તું મારો બાપ: છતાંય હજુ ન ઓળખ્યો? આ ભૂતની દશાને પામ્યો એ મારાં પૂર્વજન્મનાં પાપનું ફળ છે. મેં પૂર્વ ભવે પ્રીતિ બાંધેલી હતી.”

“અરે તું, માંગડો? બેટા, તું અહીં ક્યાંથી? તને એવાં શાં દુ:ખ મરણ પછી પણ રહી ગયાં?”
ભૂતડો ભેંકાર વિલાપ કરતો બોલે છે કે —

માયલિયું મનમાંય, દાખીને કેને દેખાડીએં,
વીંધાણાં વડમાંય, પદમાસું પરણ્યા વિના.

“હે કાકા, ભીતરની વેદના કોને ઉઘાડી કરી બતાવું? પદ્મા સાથે પરણ્યા વિના જ મારે આ વડલાની ઘટામાં વીંધાવું પડ્યું.
અને, કાકા, હવે તો —

ભેળાં થાયીં ભૂત, આડી ગર્યું ઓળંગવા,
તને સળગે તાબૂત, અરસી વણ ઓલાય નૈ.

આંહીં ભૂતાવળના વૃંદમાં અમે બધાં આ ગીરને ઓળંગી બહાર નીકળવા તલખીએ છીએ, પણ અમારાં અંગો વાસનાની આગથી સળગી ઊઠ્યાં છે, તે તારી મદદ વગર નહિ ઓલવાય, હે કાકા!”

“તે હવે હું શું કરું, બેટા?”

“મને પાટણ તેડતો જા. મારી પદ્માવતી સાથે પરણવા દે. મારી પરણેતર આજ બીજાને જાય છે, એ વિચાર મને સળગાવી મેલે છે, કાકા!”

“અરે ગાંડા! તું પ્રેત છો. તને કેમ કરીને લઈ જાઉં?”

“બસ, કાકા?”

સરણ્યું ત્રુટિયું સગા, નેરણ નોધારાં થિયાં,
વાયેલ વા કવા, અળસી જળ ઊંડાં ગિયાં.

“હે સગા, આજ તારા સ્નેહની સરવાણીઓ કેમ તૂટી ગઈ? એવા તે કેવા ઝેરી પવન વાયા કે તારી પ્રીતિનાં નીર આટલાં બધાં ઊંડાં ઊતરી ગયાં?”

જીવડો તલખે જંપ નહિ, જાય વાળાની જાન,
અરસી મેલ્યા એકલા, પદમા પાંસલ પ્રાણ.

“ઓ અરસી, આ જાન જતી જોઉં છું ને અંતર ચિરાય છે, મારા પ્રાણ મેં પદ્માવતીની પાસે મૂક્યા છે —

સખ હૂતું સગા, (તે તો) પદમાસું પાટણ રિયું,
અરસી આ વનમાં, ભૂતથી ભળવું પિયું.

“હે સગા, સુખ તો બધું ત્યાં પદ્માવતી પાસે રહ્યું અને આ જંગલમાં ભૂતોની સાથે રહેવું પડ્યું છે. હવે હું સળગું છું. મને એક વાર પરણી લેવા દે.”

“શી રીતે?”

“તમારી જાનનો વરરાજો કદરૂપો છે. ઓ કાકા! એને બદલે મને વરરાજો બનીને માયરે જાવા દે. ચાર ફેરા ફરવા દે.”

“પછી?”

“પછી પાછો વળીને આંહીં વડલાને થાનક ઊતરી પડીશ. નદીને સામે કાંઠે જો હું ચડું તો મને ભૂતનાથની આણ છે.”

કોઈ ગુફાના પોલાણમાંથી પવન સૂસવતો હોય તેવા ભૂતના વિલાપ સાંભળીને અરસી વાળાના શ્વાસ ઊંચા થઈ ગયા. વાણિયાને ભૂતની વાત કરીશ તો તો બીને આંહીં જ ફાટી પડશે! શું કરું? વિમાસણ થઈ પડી.

“કાકા!” ભૂતનો અવાજ આવ્યો: “વાણિયાને ભડકાવવા નથી. હું આંહીં મારી માઢમેડિયું ઊભી કરું છું. આજ મારી ડેલીએ હું વાણિયાની જાનને ઉતારો આપીશ.”

ઘોડાને માણું બાજરો, બળદને બો’ળા ખાણ,
જમાડે વાળાની જાન, ભલ ખાંતેથી ભૂતડો.

ઉજ્જડ વનમાં હીરણ્યને કાંઠે મોટો દરબારગઢ ઊભો થઈ ગયો. જાનમાં ઘોડાંને માણું બાજરાનાં જોગાણ, વેલ્યના બળદને કપાસિયાનાં બહોળા ખાણ અને જાનૈયાને ભોજન દીધાં. શેઠે જાણ્યું કે કોઈક ગરાસિયાએ આંહીં અંતરિયાળ ગઢ બાંધ્યો હશે!

અરસીએ વાત ઉચ્ચારી: “શેઠિયા, આ કદરૂપો વરરાજો લઈને જાશું તો વેવાઈ ના પાડીને ઊભો રહેશે. માટે આ ગઢવાળા રૂડા રજપૂતને વર બનાવી તેડી જાયેં. વળતાં આંહીં ઉતારી મેલશું.”

વાણિયા કબૂલ થયા.

**********

ઊંચે સળગે આભ, નીચે ધરતીના ધડા,
ઓલવવાને આવ, વેલો ધાંત્રવડા ધણી!

[પીઠીભરી કન્યા પદ્માવતી પાટણની મેડીએ બેસીને વિલાપ કરે છે કે હે ધાંતરવડના ધણી માંગડા, આજ પરપુરુષ સાથે મારાં લગન મંડાયેલ છે. હું કોઈને મોંએ મારું અંતર ઉઘાડી શકતી નથી. મારે એક ભવમાં બે ભવ થાય છે. ઊંચે આભ સળગ્યો છે; નીચે ધરતી ધખધખે છે. માટે, હે સ્વામી, તું વહેલો વહેલો મારી જ્વાળાઓ ઓલવવા આવજે.]

જાનની વેલ્યો ગાજી, વર પરણવા આવ્યો. હથેવાળો મેળવતાં પદ્માવતીએ સામા પુરુષને — પરપુરુષને નહિ, પણ ખુદ માંગડાને — દીઠો. વાતનો ભેદ સમજ્યા વગર કલેજે ટાઢક વળી ગઈ. આ મરેલું માનવી આંહીં ક્યાંથી? શું પરલોકમાંથી મને લઈ જાવા આવ્યો? કે શું કોઈ દેવતાએ એને માથે અમીનો કૂંપો છાંટી સજીવન કર્યો?

પરણી ઊતર્યા અને જાન પાછી વળી. હીરણ્યને કાંઠે ભૂતવડલો આવ્યો અને સંધ્યાનાં ઘેરાતાં અંધારાંમાં,એ ભેંકાર જંગલની અંદર, વરરાજો ભડકારૂપે છલંગ મારી વડલાની ઘટામાં અલોપ થયો ને આંહીં વેલડામાં કન્યાએ પોતાની બાજુએ જોયું તો જેની સાથે ચાર ફેરા ફરવા ચૉરીએ ચડી હતી તેને બદલે બીજો કદરૂપો આદમી દીઠો. છલંગ મારીને પદ્માવતી પણ વેલ્યમાંથી નીચે ઊતરી પડી.

“અરે, હાં! હાં! વહુ દીકરા! શું થયું?”

“રામ રામ છે, વાણિયા! જ્યાં મારો પરણ્યો ત્યાં જ હું!”

“અરે દીકરી, એ તો બનાવટી હતો!”

“ગમે તે હોય! બીજાનાં મીંઢોળ ન બાંધું.”

સમજાવી, પણ ન સમજી. ઘોર જંગલમાં એ અબળાને એકલી મૂકીને જાન ચાલી નીકળી. વેલડાનાં પૈડાંના અવાજ સીમાડા સુધી સંભળાઈને બંધ પડી ગયા, અને મોટી મોટી ખાવા ધાતી ભેખડો વચ્ચે વહી જતી હીરણ નદીનાં નીર પણ ટાઢે પહોરે વિલાપના સૂર બાંધી પુકારવા લાગ્યાં. ઝાડવે ઝાડવું પ્રેત જેવું બનીને બિવરાવવા લાગ્યું,અને ‘માંગડા વાળા! માંગડા વાળા! માંગડા વાળા!’ એવા ત્રણ સાદ કરીને જ્યારે પદ્મા પોતાના પિયુને બોલાવવા લાગી, ત્યારે ભેખડોમાંથી પડછંદા ઊઠીને ભયંકર બની જતી એ એક એક ચીસના જવાબમાં ઝડડડ! ઝડડડ! એવા ભૂતભડકા વડલાની ડાળે ડાળે ઊઠવા લાગ્યા.

વડલા, તારી વરાળ, પાને પાને પરઝળી,
(હું) કિસે ઝંપાવું ઝાળ, (મને) ભડકા લાગે ભૂતના.

[વડલા, તારે પાંદડે પાંદડે ભૂતની જ્વાળાઓ સળગી ઊઠી છે. હું દિવસરાત એ ભડકામાં સળગી રહી છું. હું આ આગને ક્યાં ઓલવું?]

એ રીતે અદૃશ્ય ભૂતના ભડકામાં રાત ને દિવસ આ એકલવાઈ સુંદરી સળગે છે. પોતાના નાથને ગોતવા એ વડલા ઉપર ચડીને ડાળે ડાળે ને પાંદડે પાંદડે જુએ છે.

ડાળે ડાળે હું ફરું, પાને પાને દુ:ખ,
મરતા માંગડા વાળો, સ્વપ્ને ન રહ્યું સુખ.

એ ગોતાગોતમાં સળગવા સિવાય બીજું કાંઈયે નથી રહ્યું. એ મરેલા પિયુની અણછીપી વાસના જ જ્વાળારૂપે જંગલને સળગાવી રહી છે.

દિવસ બધો આવી આગ સળગે છે, ને રાતે એ ઉજ્જડ વગડામાં માયાવી દરબારગઢ ઊભો થાય છે. એ માંગડો ભૂત માનવીની કાયા કરીને પદ્માવતી સાથે વસે છે. પરોઢિયે પાછી એ બધી માયા સંકેલાઈ જાય છે. પદ્મા એકલી સળગતી રહે છે.

**********

બે જુવાન ઘોડેસવારો ગીરમાં ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે ને અંધારા ઘેરાય છે. એ વિકરાળ ઝાડીમાં કોઈ માનવી કે પંખી દેખાતાં નથી. જુવાનો ભૂખથી ને મુસાફરીથી થાકીને લોથપોથ થઈ ગયા છે.

ઘાટા જંગલમાં રસ્તાની એક બાજુએથી માંદણામાં બેઠેલી એક ભેંસ ઊભી થઈ અને ચાલવા લાગી.

જુવાનો જોઈ રહ્યા. એક કહે કે “આજ તો આવડી આ જ ભેંસના દૂધે વિયાળુ કરીએ.”

અંધારે અંધારે ભેંસનું પૂંછડું પકડીને અસવારો ચાલવા લાગ્યા. થોડી વારે ઉજ્જડ વગડામાં રૂપાળો દરબારગઢ દેખાણો ને ભેંસ એ ગઢની ડેલીમાં ચાલી ગઈ.

અસવારો પણ ડેલીએ જઈ, પલાણ છાંડી, ઊતરીને ચોપાટમાં બેઠા. ગઢ મોટો, પણ પ્રમાણમાં કાંઈ બોલચાલ સંભળાતી નથી. કોઈ દરવાન પણ હાજર નથી.
ઘડીક થયું ત્યાં સફેદ વસ્ત્રોવાળો ખૂબસૂરત જુવાન આવીને ઊભો રહ્યો. મૂંગો મૂંગો બાથ ભરીને એ મહેમાનો સાથે ભેટ્યો. જઈને એ ઘોડારમાં બેય ઘોડા બાંધી આવ્યો.

વાળુની વેળા થઈ. જુવાને ઓરડામાં ગાદલીઓ પથરાવીને બેય પરોણાને જમવા બેસાર્યાં. રૂપ જેનાં સમાતાં નથી, એવી એક સ્ત્રીએ આવીને રોટલા, શાક ને દૂધ પીરસ્યાં. રાતે ઓસરીમાં મહેમાનો માટે ઢોલિયા ઢળાણા. કોઈ કોઈની સાથે કાંઈ વાતચીત કર્યા વિના સૂવા ગયા.

મુસાફરો તો અજાયબીમાં પડ્યા છે; આંહીં અંતરિયાળ આ દરબારગઢ કોણે બંધાવ્યો? આવડા મોટા ગઢમાં સ્ત્રી-પુરુષ બે જ શી રીતે રહેતાં હશે? બોલતાં ચાલતાં કેમ નથી? આવાં રૂપાળાં બે મોઢાં ઉપર દુ:ખની પીળાશ શા માટે?

ત્યાં તો અંદરના ઓરડામાં સૂતેલો એ પુરુષ કણકણતો હોય એવું સંભળાણું. કોઈ ભારી કારમી વેદના થાતી હોય એવી રીતે ઘરધણી કણકી રહ્યો છે. આખી રાત કણક્યા જ કરે છે; જંપ લેતો જ નથી.

મુસાફરો ચોંકીને સાંભળ્યા જ રહ્યા. બેમાંથી એકેયને ઊંઘ આવી જ નહિ. વિચારમાં પડી ગયા. ભળકડાટાણે કણકારા બંધ પડ્યા. પછી મુસાફરોની આંખો મળી ગઈ.

સવારે સારી પેઠે તડકા ચડી ગયા ત્યારે મુસાફરોની આંખ ઊઘડી. નજર કરે, તો ન મળે દરબારગઢ, કે ન મળે ઢોલિયા! બેય જણા ધરતી ઉપર પડેલા, ને બેયનાં ઘોડાં બોરડીના જાળાં સાથે બાંધેલાં, માથે વડલો છે, ને પડખે ઊંચી ભેખડો વચ્ચે ધોળે દિવસેય બિવરાવે તેવા અવાજ કરતી નદી ચાલી જાય છે.

તાજુબ થઈને બેય બહારવટિયા ચાલી તો નીકળ્યા; બેઉનાં કલેજાં થડકી પણ ગયાં, પણ સાંજ પડી ત્યાં બેમાંથી એક ભાઈ બોલ્યો: “ભાઈ, એ ગમે તે હોય, પણ આપણે એમનો રોટલો ખાધો, ને હવે શું એમનું દુ:ખ મટાડ્યા વિના ભાગી જશું!’

“સાચું, ન જવાય. આજ પાછા પહોંચી પત્તો મેળવીએ.”

રાત પડતાં પાછા એ જ ઠેકાણે જઈને ઊભા રહ્યા: એ જ દરબારગઢ, એ જ ચોપાટ, એ જ જુવાન, એ જ રાંધીને પીરસનાર રંભા, અને એ જ પથારી.
વાળુ કરી ઊભા થયા. એટલે બેય મુસાફરો એ જુવાનની આડા ફરીને ઊભા રહ્યા અને પૂછ્યું: “બોલો, કોણ છો તમે? ને આખી રાત કણક્યા કરો છો કેમ?”

“તમને એ જાણીને શો ફાયદો છે?”

“અમે રજપૂતો છીએ. જેનો રોટલો જમ્યા એનું દુ:ખ ટાળીએ નહિ તો જીવતર શા ખપનું છે?”

“જુવાનો!” ભાલા જેવી તીણી નજર નોંધીને ઘરધણી બોલ્યો: “જુવાનો! ડરશો નહિ ને?”

“ડર્યા હોત તો પાછા શીદ આવત?”

છાતી ચીરી નાખે એવો ભયંકર સ્વર કાઢીને જુવાન અંદરથી આંતરડાં કપાતાં હોય એવી વેદનાભરી વાણીમાં બોલ્યો: “જુવાનો! હું માંગડો વાળો!”

“માંગડો વાળો!!!”

મુસાફરોનાં મોંમાં ચીસ દબાઈ રહી.

“હા, હું ધાંતરવડીનો ધણી માંગડો: કમૉતે મૂઓ. ભૂત સરજ્યો છું. પદ્માને લઈને આંહીં એનાં લોહી ચૂસતો વસ્યો છું. તે દી ચાડવા બાયલની બરછી ખાઈને હું પડ્યો. એ બરછીની કરચ મારી છાતીના હાડકામાં વીંધાઈને ભાંગી ગઈ. હજી હાડકું ને એ બરછીની કરચ છાતીમાં દિવસ ને રાત ખટકે છે. તેથી કણકું છું, ભાઈ!”

“એનો ઇલાજ શો?”

“તમારાથી બને તો હાડકું ગોતીને બરછીની કરચ કાઢો, ને મારાં હાડકાં દામા કુંડમાં પહોંચતા કરો. નીકર આ વાસના-દેહ ટકશે ત્યાં સુધી હું એના ખટકા ખમ્યા જ કરીશ.”

એટલું બોલીને ‘આહ! આહ!’ કરતો જુવાન ઓરડામાં ગયો. મુસાફરો સૂતા, સવારે એ-ની એ દશા દેખી.

વડના થડમાં ખોદકામ કરીને ભૂતે કહેલું હાડકું ગોતી કાઢ્યું. બરછીનો ટુકડો જુદો પાડીને એ હાડકાં લઈ બેય બહારવટિયા દામે કુંડ ચાલ્યા ગયા.

**********

ભાદરવા મહિનાની મેઘલી રાતે એક નગરના દરબારગઢને ઝરૂખે પાદશાહ અને હુરમ જાગતાં બેઠાં છે. નદીમાં પૂર ઘૂઘવે છે. આસમાનમાં ગાજવીજ અને કડાકા થાય છે. વીજળીએ એવી તો ઘૂમાઘૂમ માંડી છે કે જાણે આકાશની જગ્યા એને ઓછી પડે છે. હુરમ બોલી: “ઓહોહોહો! કેવી કાળી રાત છે!”
પાદશાહે કહ્યું: “આવી રાતે કોણ ઘરની બહાર ભમતું હશે?”

“બીજું તો કોણ ભમતું હોય? બિચારા મારા ભાઈઓ, જેને માથે તમ સરખા રાજાનું વેર તોળાઈ રહ્યું છે!”

“કોણ? જેસો-વેજો?”

“હા, ખાવિંદ! તમારા બા’રવટિયા, પણ મારા તો જીભના માનેલા સાચા ભાઈઓ!”

“બેગમ! અટાણે મને એનું શૂરાતન સમજાય છે. આવી ભયંકર રાતે શું એ વગડા વીંઝતા હશે? બખોલોમાં સૂતા હશે?”

“બીજું શું કરે, ખાવિંદ? તમે એને સૂવાનું બીજું ઠેકાણું ક્યાં રહેવા દીધું છે?”

“સુણો! અટાણે એ બેય ભાઈ હાજર થાય, તો માફી આપું, ગામડાં રહેવા પાછાં સોંપીને બા’રવટું પાર પાડું એવું મન થઈ જાય છે.”

“અરેરે! અટાણે ક્યાંથી હોય?”

“સાદ તો કરો!”

“ખાવિંદ, મશ્કરી?”

“ના, ના, મારા સમ, સાદ તો કરો!”

ઝરૂખાની બારીએ જઈને હુરમે અંધારામાં સાદ દીધો: “જેસાજીભાઈ! વેજાજીભાઈ!”

નીચેથી જવાબ આવ્યો: “રાણી મા, હાજર છીએ.”

“ઓહોહો! ભાઈ, આ ટાણે તમે આંહીં ક્યાંથી?”

“પાદશાહની રખેવાળી કરવા, બોન!”

“તમારા શત્રુની રખેવાળી?”

“હા, બોન!”

“કેમ?”

“અમારે માથે આળ ચડે તે બીકે.”

“શેનું આળ?’

“કોઈ બીજો દુશ્મન આવીને પાદશાહનું માથું વાઢે, ને નામ અમારાં લેવાય! અમે રહ્યા બહારવટિયા! અમારી મથરાવટી જ મેલી, બોન! અમારા માથે જ કાળી ટીલી આવે! અમારું ખોટું નામ લેવાય એ કેમ સંખાય?”

“વાહ રે મારા વીરાઓ! રોજ ચોકી કરો છો?”

“ના, બોન. આવી કોઈ ભયંકર રાત હોય તે ટાણે જ.”

પાદશાહે કાનોકાન આ વાતચીત સાંભળી. અટારી પરથી કૂદી પડીને એ રજપૂત વીરને ભેટી લેવાનું દિલ થયું. છાતી ફાટવા લાગી. પાદશાહ બોલ્યો:

“જેસાજી! વેજાજી! સવારે કચેરીએ આવજો. કસુંબા પીવા છે.”

“બાપુ! દગો તો નહિ થાય ને?”

“રાજાનો બોલ છે. ઇતબાર આવતો હોય તો હાજર થજો.”

એ હોંકારા દેનાર કોણ હતું? માંગડા વાળાનું પ્રેત હતું. બહારવટિયા ભાઈઓ પોતાનું કામ કરવા દામે કુંડ ગયા છે, અને આંહીં પાદશાહની દેવડી હેઠળ બા’રવટું પાર પાડવાનો મોકો મળ્યો છે, એ જાણીને બા’રવટિયાનો ઓશિંગણ ભૂત જેસા-વેજાને નામે હાજર થયો હતો. પાદશાહનો કૉલ મળતાં જ એણે જઈને બા’રવટિયાઓને જાણ દીધી.

કચારીમાં બા’રવટાં પાર પડ્યાં. સામસામાં કસુંબા પિવાણા. (જેસાજી-વેજાજીની સવિસ્તર બહારવટા-કથા‘સોરઠી બહારવટિયા’માં આપી છે.)

એ માંગડો વાળો ગીરમાં ઘણે ઠેકાણે રહ્યો હોવાનું કહેવાય છે, અને ડુંગર ઉપર એણે ચારણને અફીણનો ગોટો દીધો તે પણ એના વસવાટ ઉપરથી જ ‘માંગડાનો ડુંગર’ કહેવાય છે.

એટલું કહીને વાર્તા કહેનારે ચલમ હાથમાં લીધી. સગડીના ઓલવાઈ જતા અંગારામાં નવાં કરગઠિયાં નાખીને તાપણું સતેજ કર્યું અને ઝોકે આવેલા માલધારીઓ ભેંસોને પહર છોડતાં પહેલાંની નાનકડી નીંદરમાં પડ્યા.

સૌજન્ય – સૌરાષ્ટ્રની રસધાર
લેખક – ઝવેરચંદ મેઘાણી

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– મેપા મોભની ઉદારતા ની વાત

– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

– ભૂચરમોરી મહાસંગ્રામ…છપ્‍પનની છાતીનું પરાક્રમ

– રાખડી નુ ઋણ – ભાણ પટગીર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!