ભૂચરમોરી મહાસંગ્રામ…છપ્‍પનની છાતીનું પરાક્રમ

એક મુસ્‍લિમની રક્ષા માટે ૩પ૦૦૦ માથા વધેરાયા હતા…ધ્રોલ પાસેના મેદાનમાં ખેલાયો હતો જંગ… આશરાના ધર્મ પાલન માટે જામનગરના ક્ષત્રીયોએ મુસ્‍લિમ બાદશાહ સાથે બાથ ભીડેલી… અજાજી લગ્ન મંડપેથી સીધા યુધ્‍ધ મેદાને ગયા, શહીદ થયા… નવોઢા સુરજબા પણ સતિ થયેલા…

ધ્રોલ પાસે ઐતિહાસિક મેદાન ભૂચર મોરી ખાતે મહાસંગ્રામ ખેલાયો હતો. કાઠીયાવાડની ખમીરવંતી ધરતી ઉપર ખેલાયેલા મોટા યુધ્‍ધો પૈકીનું એક ભૂચર મોરીનું યુધ્‍ધ હતું. વિક્રમ સંવત ૧૬૪૮ માં આ મહાયુધ્‍ધ થયું હતું. આજની નવી પેઢીને ભાગ્‍યે જ ખબર હશે કે આ મહાયુધ્‍ધ બીન સાંપ્રદાયિકતાનું મોટામાં મોટું ઉદાહરણ હતું. શરણે આવેલા ગુજરાતના છેલ્લા બાદશાહ મુઝફર શાહ (ત્રીજ) ને બચાવવા જામનગરનાં જામ શ્રી સતાજીએ દિલ્‍હીનાં બાદશાહ અકબર શાહ સામે આ મહાજંગ ખેલ્‍યો હતો. જુનાગઢનાં નવાબ દોલતખાન તથા કાઠી લોમાં ખુમાણે જામશ્રી સતાજી સાથે દગો કરતા આ મહાયુધ્‍ધ ભયાનક બન્‍યું હતું અને ભૂચર મોરીનાં મેદાનમાં લોહીની નદીઓ વહી હતી.

ઇતિહાસનાં પાના ઉથલાવીએ ભૂચર મોરીનાં આ મહાસંગ્રામની રૂવાટાં ખડા કરી દે તેવી દાસ્‍તાન મળે. જામનગરની પ્રજાએ શ્રાવણી સાતમની ઉજવણી શા માટે બંધ કરી દીધી અને વર્ષો પછી શા માટે ફરી ઉજવણી ચાલુ કરી તેની હકીકત મળે.

વિક્રમ સંવત ૧૬ર૯ ની આ વાત છે. દિલ્‍હીનાં બાદશાહ અકબર શાહે ગુજરાતનાં છેલ્લા બાદશાહ મુઝફર શાહ (ત્રીજા) પાસેથી ગુજરાત જીતી લીધું આથી, મુઝફર શાહ નાસી જઇ રાજપીપળાના જંગલમાં સંતાઇ ગયા ત્‍યાં કેટલોક વખત રહ્યા બાદ કાઠીયાવાડમાં આવ્‍યા. જામનગરનાં શ્રી જામ સતાજી, જુનાગઢનાં નવાબ દોલતખાં ઘોરી, જાગીરદાર રાજા ખેંગાર તથા કુંડલાનાં કાઠી લોમા ખુમાણની મદદથી ૩૦ હજાર ઘોડેશ્વારો અને ર૦ હજારનું પાયદળ સૈન્‍ય લઇ મુઝફર શાહે અમદાવાદ નજીકનાં પરગણાંમાં જઇ ભારે લુંટાફટ મચાવી. બાદમાં અમદાવાદ, સુરત અને ભરૂચ એમ ત્રણેય શહેરો કબ્‍જે કરી લીધા.

આ વખતે અમદાવાદનાં સુબા તરીકે અબ્‍દુલ રહીમખાન (ખાનખાનાના) હતો. પરંતુ તે મુઝફરને અટકાવવામાં નિષ્‍ફળ રહ્યો. આથી, બાદશાહ અકબરે પોતાનાં દૂધ ભાઇ મીરઝા અઝીઝ કોકાને ગુજરાતનાં સુબા તરીકે નીમી અમદાવાદ મોકલ્‍યો. તેણે ગુજરાત આવી મુઝફર શાહને કેદ કર્યો. પરંતુ વિક્રમ સંવત ૧૬૩૯ માં એટલે કે ઇ.સ. ૧પ૮૩ માં મુઝફરશાહ જેલ તોડી કાઠીયાવાડ ભાગી આવ્‍યો. કાઠીયાવાડમાં કોઇએ તેમને આશ્રય ન આપતા છેવટે તે જામશ્રી સતાજીનાં શરણે ગયો. શરણાગતનું રક્ષણ કરવું એ ક્ષત્રીયોનો ધર્મ છે, તેમ માની જામશ્રી સતાજીએ મુઝફર શાહને શરણે રાખી બરડા ડુંગરમાં રહેવાની વ્‍યવસ્‍થા કરી આપી.

આ અંગેની જાણ અમદાવાદનાં સુબા મીરઝા અઝીઝ કોકાને થતાં તેણે મુઝફરને પકડવા મોટા લશ્‍કર સાથે કુચ કરી અને વિરમગામ નજીક પડાવ નાખ્‍યો. ત્‍યાંથી નવરોઝખાન તથા સૈયદ કાશીમને થોડુ લશ્‍કર આપી મોરબી તરફ મુઝફર શાહની તપાસ માટે મોકલાયા. પરંતુ મુઝફર જામનગરમાં છે તેવી ખબર મળતા જ જામશ્રી સતાજી ઉપર કાગળ લખ્‍યો ‘તમે સુલતાનને તમારા સ્‍ટેટમાંથી કાઢી મુકો.

પરંતુ શરણાર્થીને કાઢી મુકવો એ ક્ષત્રીય ધર્મ નથી તેવી ખુમારીથી જામશ્રી સતાજીએ મીરઝા અઝીઝ કોકાનાં પત્રનો અનાદર કર્યો. પત્રનો અનાદર થતાં બાદશાહી લશ્‍કરે જામનગર તરફ કૂચ કરી. જામશ્રી સતાજીને જાણ થતાં તેમણે સામના માટે સામુ લશ્‍કર મોકલ્‍યું. બાદશાહી લશ્‍કર માટે પહોંચી અન્ન સામગ્રી અટકાવી દીધી. બાદશાહી લશ્‍કરની છાવણીઓ ઉપર હૂમલા કરી કેટલાય સૈનિકોનો વધ કરી નાખ્‍યો. હાથી, ઘોડા, ઊંટ છીનવી લેવાયા.

વિરમગામ પાસે છાવણી નાખી પડેલા મીરઝા અઝીઝ કોકાને આની ખબર પડતા તે પોતાનાં ખાસ લશ્‍કર સાથે નવરોઝખાન તથા સૈયદ કાસીમનાં લશ્‍કર સાથે જોડાઇ ગયો. બાદશાહી લશ્‍કર પુરી તાકાત સાથે જામનગર તરફ આગળ વધ્‍યું. સુબો મીરઝા અઝીઝ કોકા જયારે ધ્રોળની સરહદે આવી પહોંચ્‍યો ત્‍યારે જામશ્રી સતાજીએ પોતાનાં લશ્‍કરને અટકાવી દીધું. જામશ્રી સતાજીનાં લશ્‍કર સાથે જુનાગઢનાં નવાબ દોલતખાં તથા કુંડલાના કાઠી ખુમાણ પણ પોતાના સૈન્‍ય સાથે જોડાયેલા હતા.

ધ્રોલની સરહદ પાસે ભૂચર મોરીના મેદાનમાં બંને લશ્‍કરો સામસામે ટકરાયા. થોડો વખત લડાઇ ચાલતી, અટકી જતી. ફરી લડાઇ થતી પરંતુ દરેક લડાઇમાં જામશ્રી સતાજીની જીત થતી હોવાથી બાદશાહી સૂબો મીરઝા અઝીઝ કોકા કંટાળી ગયો. સમાધાન માટે મંત્રણા શરૂ કરી. જેની ખબર જુનાગઢના નવાબ દોલતખાન તથા કાઠી લોમાં ખુમાણ થતા આ બંનેએ વિચાર્યુ કે, આ લડાઇમાં જામશ્રી સતાજી ફતેહ મેળવશે તો ભવિષ્‍યમાં આપણા સ્‍ટેટ ઉપર જોખમ આવી શકે તેમ છે. આવું વિચારી આ બંને સુબા મીરઝા અઝીઝ કોકાને ખાનગીમાં આપ્‍યો અને સૂબાને દિલ્‍હી જતો અટકાવ્‍યો, ટેકો મળતા સૂબાએ પણ સમાધાનની વાત પડતી મુકી યુધ્‍ધનો લલકાર કર્યો.

યુધ્‍ધનો લલકાર થતા જામશ્રી સતાજી પોતે સુબા સામે લડવા યુધ્‍ધના મેદાનમાં ઉતર્યા, ભયંકર યુધ્‍ધ થયું બાદશાહનું લશ્‍કર હારની અણી ઉપર આવી ગયું. બરાબર એ ટાંકણેજ જુનાગઢના નવાબ દોલતખાં અને કાઠી લોમાં ખુમાણે જામશ્રી સતાજીને દગો દઇ સુબા મીરઝા અઝીઝ કોકાનાં બાદશાહી લશ્‍કર સાથે ભળી ગયા ત્રણ પ્રહર સુધી ખુંખાર લડાઇ ચાલતી રહી. જેશા વજીર જામશ્રી સતાજીને કહ્યું કે, દગો થયો છે. બને ત્‍યાં સુધી આપણે લડાઇ ચાલુ રાખશું કુટુંબ અને તખ્‍ખના બંદોબસ્‍ત કાજે આપશ્રીએ જામનગર જવું ઉચિંત રહેશે.

જામશ્રી સતાજીને આ સલાહ વાજબી લાગતા તેઓ જામનગર આવ્‍યા. જયારે બીજી બાજુ જેશા જવીર તથા કુ. શ્રી જશાજીએ બાદશાહી લશ્‍કર સામે લડાઇ ચાલુ રાખી. પાટવી કુંવર અજાજીના લગ્ન હોવાથી તેઓ જામનગરમાં જ હતાં પરંતુ યુધ્‍ધ મોરચે જરૂર હોવાની ખબર મળતા જ પાંચસો જેટલા જાનૈયા તથા નાગવજીરને લઇને ભૂચર મોરીના મેદાનમાં પહોંચ્‍યા ભૂચર મોરીના મેદાનમાં યુધ્‍ધ બરાબર જામ્‍યું હતું. બાદશાહી મેદાનમાં યુધ્‍ધ બરાબર જામ્‍યું હતું. બાદશાહી લશ્‍કરની જમણી બાજુમાં સૈયદ કાસિમ અને નવરઝોખાન, ગુજરખાન હતા. ડાબી બાજુ સરદાર મહમ્‍મદ રફી અને બાદશાહના અમીરો, જમીનદારો હતાં. મધ્‍ય ભાગે નવાબ અઝીઝ હુમાયુંના પુત્ર મીરઝા મરહમ હતા અને તેની આગળ મીરઝા અનવર તથા નવાબ પોતે હતા.

જયારે સામી બાજુ જામશ્રી સતાજીના લશ્‍કરના અગ્રભાગે જેશા વજીર અને કુંવર અજાજીનું આધિપત્‍ય હતું. જમણી બાજુ કુંવર જશાજી તથા મહેરામણ જીંડુ ગરાણી હતા. ડાબી બાજુ નાગડો વજીર, ડાહ્યો લોડક તથા તથા ભાલજીદલ વિગેરે યોધ્‍ધા હતા. ભૂચર મોરીનાં મેદાનમાં બંને બાજુએથી સામસામા તોપગોળા છુટતા હતા. નવાબ અનવર તથા ગુજરખાને જેશા વજીર કુંવર અજાજી તથા અતીત બાવાની જમાત ઉપર હુમલો કર્યો. નોંધનીય છે કે અતીતબાવાની જમાત યાત્રાએ જતી હતી ત્‍યારે જામશ્રી સતાજીના લશ્‍કર સાથે જોડાઇ ગઇ હતી.

ભૂચર મોરીના મેદાનમાં ઐતિહાસીક ધમાસણ મચ્‍યું હતું. એક લાખથી વધુ યુવાનો લડતા હતા. કુંવરશ્રી અજાજીએ પોતાના અશ્વને ઠેકાવી સૂબા મીરઝા અઝીઝ કોકાના હાથીના દંતશૂળ ઉપર અશ્વનો પગ મૂકાવી સુબા ઉપર બરછીનો ઘા કર્યો. પરંતુ સૂબો અંબાડી પરથી કોઠીમાં છુપાઇ જતા બરછી હાથીની પીઠનો ભાગ વીંધી જમીનમાં ખૂપી ગઇ. એવામાં પાછળથી એક મુગલ સિપાઇ એ તલવારનો ઘા કરતા કુંવર શ્રી અજાજીએ શહિદી વહોરી, આથી જાડેજા ભાયા તો બાદશાહી લશ્‍કર ઉપર તૂટી પડયા બેસુમાર કતલેઆમ થઇ જેમાં જેશાવરજી મહેરામણજી, ડુંગરાણી, ભાણજીદલ, ડાંહ્યો લાડક, નાગવજીર, તોગાજી સોઢા વિગેરેએ શહિદી વ્‍હોરી સામે બાદશાહી લશ્‍કરમાં મહમ્‍દ રફી,સૈયદ સૈફુદીન, સૈયદ કબીર, સૈયદ અલીખાને પ્રાણ ગુમાવ્‍યા. જૂજ સૈનિકો બચ્‍યાં હતા.

બાદશાહી લશ્‍કર નગર તરફ આવે છે. તેવા સમાચાર મળતાજ જામશ્રી સતાજીએ રાણીઓને વહાણમાં બેસાડી સૂચના આપી કે, બાદશાહી સૈનિકો આવે તો વહાણ દરિયામાં ડુબાડી દેજો. વહાણ બંદરેથી રવાના થાય એ પહેલા સચાણાના બારોટ ઇસરદાજીના પુત્ર ગોપાળ બારોટે આવીને કુમાર શ્રી અજાજીની પાઘડી રાણીને આપી પાઘડી જોતાજ રાણીજીને સત ચઢયું અને પોતાના રથમાં ફરી બેસી જઇ રણક્ષેત્ર ભૂચરમોરી તરફ હાંકવા આજ્ઞા કરી. કેટલાક સૈનિકો પણ સાથે ગયાં બાદશાહી સૈન્‍યને રાણીજીનો રથ દેખાતા તેના ઉપર આક્રમણ કર્યુ પરંતુ ધ્રોળના ઠાકોર સાહેબે વચ્‍ચે આવી સમજુતી કરી રાણીજીનો રથ ભૂચરમોરીના મેદાન સુધી સલામત રીતે આવે તે માટે મદદ કરી રાણીજીની રગોમાં સતિત્‍વ દોડવા લાગ્‍યું આખરે રાણીજી સતિ થયા.

બાદમાં સુબો મીરઝા અઝીઝ કોકા જામનગર આવી, જામનગર ઉપર બાદશાહી વાવટો ચડાવી કબ્‍જે કર્યુબીજી બાજુ જામશ્રી સતાજી શરણાર્થી મુઝફર શાહનો જીવ બચાવવા જુનાગઢ ગીરના પ્રદેશમાં ગયા. પરંતુ બાદશાહી લશ્‍કરે ત્‍યાં પણ ઘેરો ઘાલતા જામશ્રી સતાજીએ મુઝફર શાહને બરડા ડુંગરમાં સાચવવા પ્રયાસ કર્યો. જુનાગઢમાં બાદશાહી લશ્‍કરનો દાણો પાણી ખુટતા ઘેરો હટાવી જુનાગઢમાં નાયબ સુબોનીમી લશ્‍કરને અમદાવાદ રવાના કર્યુ બીજી બાજુ શરણાર્થી મુઝફર શાહને લાગ્‍યું કે, હવે જામશ્રી સતાજીને વધુ તકલીફ નથી આપવી આથી તે બરડા ડુંગરમાંથી નાસી ઓખા મંડળમાં થોડો વખત રોકાયો અને પછી કચ્‍છમાં રા’ભારાના શરણે ગયો. આ તરફ જામશ્રી સતાજી વિ.સ.૧૬૪૯ના રોજ જામનગર આવ્‍યા અને ફરી રાજયાસને બિરાજયા પરંતુ ત્‍યાં સુધીમાં જામશ્રી સતાજીની ગેરહાજરીનો લાભ લઇ રાણપુરના જેઠવા, રાણા રામદેવજીના કુંવર ભાણજીના રાણી કલાબાઇએ મેર, રબારી, લોકોની ફોજ જમાવી રાણપુર સુધી પોતાનું ગયેલું રાજય પાછુ મેળવી છાયા ગામમાં રાજધાની સ્‍થાપી લીધી હતી.

ભૂચર મોરી ખાતે ભયાનક યુદ્ધનો પક્ષીઓનો સંકેત

એમ કહેવાય છે કે ભૂચર મોરી ખાતે ભયાનક યુદ્ધ થવાનું છે તેવો સંકેત પક્ષીઓએ અગાઉથી જ આપ્‍યો હતો. ભૂચર મોરીની ધાર ઉપર રાત્રીના સમયે માંસાહારી પક્ષીઓ આવતા અને વિચિત્ર-ભયાનક અવાજ કરતા અને સવારે ઉડી જતાં. આ ભયાનક યુદ્ધના સંકેત હતાં. ભૂચર મોરી વિશે લખાયેલા એક કાવ્‍યમાં આવો અર્થ નીકળે છે.

જામનગર સ્‍ટેટની પ્રજાએ સાતમ ઉજવણી બંધ કરી

જામનગર સ્‍ટેટના કુંવર અજાજી શ્રાવણ વદ ૭માં દિવસે ભૂચર મોરીના મેદાનમાં શહીદ થયા હતાં. આથી સ્‍ટેટની પ્રજાએ સાતમ ઉજવણી બંધ કરી બાદમાં જામશ્રી રણમલજીના વખતમાં તેમને ત્‍યાં પાટવી કુમાર બાપુભા સાહેબનો જન્‍મ શ્રાવણ વદ ૭ ના રોજ થયો. આથી, સ્‍ટેટના પ્રજાજનો રાજના હુકમથી પછીથી સાતમ ઉજવવા લાગ્‍યા અને મેળો યોજવા લાગ્‍યા. ઇતિહાસમાં એવી પણ નોંધ છે કે, નવાનગર સ્‍ટેટની પ્રજાએ કુ.શ્રી અજાજીનો શોક અઢીસો વર્ષ પાળ્‍યો હતો.

હાલ અજાજીનો પાળિયો અને સતીજી થયેલ રાણીની ખાંભી મોજૂદ છે.

ધ્રોલથી વાયવ્‍ય ખૂણામાં આશરે એક માઇલ દૂર આવેલી ભૂચરમોરીની ધાર ઉપર આ મહાસંગ્રામ થયો હતો ત્‍યાં આજે પણ જામશ્રી અજાજીની દેરી છે. તેમાં તેમનો પાળિયો છે. પાળીયાની દક્ષિણ બાજુ સતી થયેલા શ્રી અજાજીના રાણીની ખાંભી છે. જેશા વજીરનો પાળીયો પણ અહીં છે. જયારે એક પાળીયો નાગ વજીરનો છે. અહીં કુલ ૩ર જેટલી ખાંભી છે. જામશ્રી અજાજીની ડેરીથી નૈઋત્‍યના ખુણામાં ૮ કબરો છે, જે બાદશાહી લશ્‍કરના સૈનિકોની છે.

– સંકલન- ભરત જોશી (અકિલા ન્યૂઝ)

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

Facebook Comments
error: Content is protected !!