જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 4)

શિહો૨ને પાદર ગરીબશા પીરની જગ્યા પાસે પકતી ચોરણી, કણબી જેવું કેડીયું, ને માથે બોથાલું બાંધીને એક આદમી ઉભો છે. ફક્ત ભેટની પછેડી સિવાય બીજી બધી વાતે કણબી જેવો દેખાવ છે. સાંજ નમવા લાગી હતી. જાણે આ આદમી જલ્દી પોતાને ગામ જવા માટે કોઈ ગાડું ગડેરૂં નીકળવાની વાટ જોતો કેડાને કાંઠે ઉભો હોય તેવું લાગે છે.

બરાબર અંધારાં ઉતરવાં શરૂ થયાં ત્યાં એક બોકાનીદાર પડછંદ અસવાર ઢાલ તલવાર ને ભાલા થકી શોભતો નીકળ્યો. જેના નામની માનતાઓ ચાલતી ને બીજી બાજુ જેની પાછળ ફોજો ફરતી એ બહારવટીયો જોગીદાસ જ આજ એકલ ઘોડે દિવસ આથમ્યે નીકળેલો. એકલા આંટા દેવાની એને આદત હતી.

કેડાને કાંઠે ઉજળાં લુગડાં ને પછેડીને ભેટ બાંધેલ આદમીને ઉભેલો ભાળી બહારવટીઆએ ઘોડી થોભાવી. એની બોકાનીમાંથી ઘેરો અવાજ નીકળ્યો કે

“કેવો છો એલા ?”

“ક…કણબી છું બાપુ !” આદમીએ થોથરાતી જીભે ઉત્તર દીધો.

“કણબી કે ! ઠીક ત્યારે; ડગલું ય દેશ મા ! નીકર બરછીએ વીંધીશ.”

એટલું બોલીને જોગીદાસે ઘોડીને એ આદમીની થડોથડ લીધી.

“છાનોમાનો આવી જા મારી ઘોડી માથે, બેસી જા બેલાડ્યે. નીકર જીવતો નહિ મેલું.”

એટલું કહીને બહારવટીઆએ પોતાનો પહોળો પંજો લબાવ્યો. એ આદમીનું બાવડું ઝાલ્યું. એને ઉંચે ઉપાડી લઈ પોતાની પાછળ ઘોડી પર બેસારી અંધારે અલોપ થયો.

માર્ગે જેગીદાસના મનમાં મનોરથ રમે છે કે આ આદમી શિહોરના કોઈ માલદાર મુખી પટેલીયાનો દીકરો દેખાય છે. એને બાન પકડીને આપણી સંગાથે રાખશું અને એના બદલામાં પટેલ આફરડો રૂપિયાની ફાંટ ભરીને આપણને ડુંગરમાં દેવા આવશે !

બાન પકડેલ આદમી પણ જરાયે આકળો બેબાકળો થતો નથી. એને કશો ભય નથી. એના દિલમાં યે આજ જોગીદાસની અજોડ ઘોડી ઉપર અસવારી કર્યાનો આનંદ છે.

શિહોરથી ઠેઠ માંડવા ગામ સુધીની મઝલ થઈ. માંડવા ગામનું પાદર આવ્યું, આવતાંની વાર જ એ પાછળ બેઠેલ આદમી બુલંદ અવાજે લલકારી ઉઠ્યો કે

ઠણકો નાર થીયે, (તારૂં) ચિત ખૂમા ! ચળીયું નહિ;
ભાખર ભીલડીયે, (ઓલ્યો) જડધર મેાહ્યો જોગડા !

[હે જોગી જેવા જોગા ખુમાણ ! જટાધારી શંકર સરીખા તો પામર ભીલડીને માથે મોહી પડ્યા; પરંતુ તારૂં ચિત્ત તો કોઈ નારીના પગના ઠણકારથી કદાપિ નથી ચળતું.]

દુહાનો અવાજ પારખતાં જ જોગીદાસે ઘોડી થોભાવી. પાછળ નજર કરી. તારોડીયાને અજવાળે પોતે બાન પકડેલ આદમીનું મોઢું જોયું. એ મ્હેાં મલકી રહ્યું છે અને બન્ને હાથ લંબાવીને એ આદમી બહારવટીયાને ઓવારણાં લઈ રહ્યો છે; બોલી રહ્યો છે કે

“ખમા મોળા જોગીને ! આઈ તોળાં ઝાઝાં રખવાળાં કરે, મોળા તપસી !”

“કોણ છો એલા ?”

“ચારણ સાં, મોળા બાપ ! તોળો ભાણેજ સાં !”

“નામ ?”

“નામ લખુભાઈ ! આશેં માંડવાનો રેવાશી સાં !”

“ત્યારે પહેલેથી સાચું કેમ ન કહ્યું ?”

“મોળા બાપ ! આજ શિહોરથી માંડવે પગપાળા તો પૂગાય ઈમું નૂતું, અને કણબી થયા વન્યા તોળી ઘોડીને માથે તું બેસાર એમ નૂતો. અટલેં ખોટું ભણવું પીયું બાપ !”

“અરે પણ અભાગીયા ! એટલા સાટુ તેં મારી ઘોડીને મારી નાખી !”

એટલું બોલીને ગંભીર મુખમુદ્રા વાળા બહારવટીયો હસી પડ્યો. હાથ ઝાલીને લખુભાઈ ચારણને હેઠો ઉતાર્યો. ચારણ નીચે ઉભા ઉભા ખમકારા દેવા લાગ્યો ને બહારવટીયાની ઘોડી અંધારે ગાજતી ચાલી ગઈ.

–12–

આ ગામનું નામ ?” બરછીની ચકચકતી અણી નોંધીને સામેનું ગામડું બતાવતા બહારવટીઆએ પોતાના સાથીઓને ચાલતે ઘોડે પ્રશ્ન પૂછ્યો.

“ઈ ગામ બેડકી, આપા ! અને બેડકી એટલે તો બેય વાતે ઘી કેળાં ! સમજ્યા કે ?”

“ઘી કેળાં વળી કેમ ?” બહારવટીયાએ એ ગામનાં ઘટાદાર આંબા, લીંબડા અને લીલુડી વાડીઓ ઉપર બરાબર વૈશાખના તાપમાં પોતાની નજરને ચરતી મેલી દઈને લોભાતે દિલે પૂછ્યું.

“આપા જોગીદાસ ! એક તો આવું હાંડા જેવું રધિભર્યું ગામ : એને તેમાંય વળી આપણા દુશ્મનના કટંબનું ગામ.”

“કોનું ?”

“મહારાજ વજેસંગની દીકરીનું. આંહીના ગઢમાં કાંઈ ભાવનગરના સોના રૂપાનો પાર નહિ હોય. મહારાજ પણ જાણશે કે દાયજો ભલો દીધો’તો !”

“બોલો મા આપા ! ઈ વાત ન બને !” બહારવટીયાએ ગામ અને સીમ ઉપરથી પોતાની નજર સંકેલીને બરછી પાછી પગ ઉપર ઠેરવી લીધી. મ્હેાંમાંથી “રામ” શબ્દ પડતો સંભળાયો.

“કાં જોગીદાસ ખુમાણ ! ઘડીકમાં વળી શું સાંભર્યું ! આમાં કયું નીમ આડે આવ્યું ?”

“કાંઈ નહિ; વજેસંગજીની કુંવરીનાં પેાટલાં હું જોગીદાસ કેમ કરીને ચુંથી શકું ? મારે વેર તો છે વજેસંગની સાથે, દીકરી સાથે નહિ. ઈ તો મારી યે દીકરી કહેવાય.”

“અરે જોગીદાસ, પણ પૂરી વાત તો સાંભળો !”

“શું છે?”

“આ વજેસંગની રાણીનાં કુંવરી નથી, પણ આ તો એની એક રખાતની દીકરી: કોઈ રાખતું નહોતું, તે મહારાજે ધ્રાંગધ્રાના એક ભૂખલ્યા ભાયાતને આંહી તેડાવી, પરણાવી, આ ગામ દઈને આંહીજ રાખેલ છે.”

“તો ય ઈ તો મહારાજની જ દીકરી ઠરી. પેટ ભલે રખાતનું રહ્યું, પણ લોહી મહારાજનું. હવે મને વધુ પાપમાં નાખો મા ભાઈ ! અને બોડકીને ભાંગવાની વાત મેલી દ્યો.”

એટલું બોલીને એ લોભામણા રૂપાળા ગામની સીમને જલદી વટાવી જવા માટે જોગીદાસે ઘેાડીને વેગ વધાર્યો. પણ ઓચીંતું જાણે કાંઈક યાદ આવ્યું હોય તેમ એણે પોતાની બંકી ગરદન ફેરવી, પાછળના અસવારોને પ્રશ્ન કર્યો.

“ભાઈ ! કોઈના ખડીયામાં કાંઈ સોનું રૂપું – થોડું ઘણું યે નીકળે એમ છે ?”

“કેમ આપા ! અતરિયાળ કેમ જરૂર પડી ?”

“મહારાજનાં કુંવરીને કાંઈક કાપડું દઈ મેલીએ. દીકરી જો જાણશે કે જોગીદાસ કાકો પાદર થઈને પરબારા ગયા તો બહુ ધોખો કરશે !”

લોકવાયકા બેાલે છે કે બહારવટીયાએ સીમના કોઈ ખેડુતની સાથે મહારાજ વજેસંગની રખાતની પુત્રી માટે કાપડાનું થોડું સોનું મોકલ્યું હતું.

–13–

સંધ્યાની રૂંઝ્યો રડી ગઈ છે. માણસ હાથતાળી દઈને જાય, એવી ગટાટોપ ઝાડી વચ્ચે ગિરની રાવલ નામની ઉંડી નદીનાં આછાં છીછરાં પાણી ચુપચાપ ચાલ્યાં જાય છે. નદીની બન્ને બાજુ ઝાડી, અને ઝાડીની ઉપર આભે ટેકો દેતી હોય તેવી ઉંચી ભેખડો : એ ભેખડો ઉપર પણ કોઈ કોઈ ઠેકાણે ડુંગરા ઉભા થયેલા : નદીના વેકરામાં સાવઝ દીપડાનાં પગલાં પડેલાં : બેય બાજુની બોડ્યોમાંથી નીકળીને ‘જનાવર’ જાણે હમણાં જ તાજાં પાણી પીને ચારો કરવા ચાલી નીકળ્યાં હોવાં જોઈએ, એવું દેખાતું હતું.

રાવલ નદીને એવે ભયંકર સ્થાને રોળ્ય કોળ્ય દિવસ રહ્યાને ટાણે જોગીદાસ પોતાના ચાલીસ ઘોડેસવારો સાથે તુલસીશ્યામ જાતાં જાતાં રસ્તે ઘડી બેઘડી વિસામો લેવા ઉતરેલ છે. ચાલીસે ઘોડીઓ રાવલ નદીનાં લીલુડા મીઠાં ઘાસ મોકળી ઉભીને ચરે છે, અસવારોમાંથી કોઈ ચકમક જેગવી ચલમો પીવે છે ને કોઈ વળી કરગઠીયાં વીણીને હોકો ભરવા માટે દેવતા પાડે છે. જોગીદાસ પોતે તો પોતાની ભુજા ઉપર ચડાવેલો બેરખો ઉતારીને સૂરજના જાપ કરી રહ્યો છે. સૂરજનાં અજવાળાં સંકેલાય છે, તેમ આંહી બહારવટીયાની આંખો પણ ઈશ્વરભકિતમાં બીડાય છે.

“જોગીદાસ ખુમાણ ! એક ચણેાંઠી ભાર અફીણ હશે તમારા ખડીયામાં ?” એક કાઠીએ આવીને પ્રશ્ન કર્યો.

“ના બાપ ! મારા ખડીયામાં તો તલ જેટલુંયે નથી રહ્યું.”

“કાંઈ ડાબલીમાં વળગ્યું હશે ?”

“હજી કાલ્યજ ડાબલી લૂઈ લીધી’તી ને ! કાં ? એવડી બધી શી જરૂર પડી છે ?”

“ભાઈ ભાણ ખુમાણની આંખ્યું ઉઠી છે. માંહીથી ડોળા જાણે નીકળી પડે છે. તે પોપચાં માથે ચોપડવું’તું. અફીણ ચોપડત તો આંખનું લોહી તોડી નાંખત, ને વ્યાધિ કંઈક ઓછી થાત.”

“બીજા કોઈની પાસે નથી ?”

“બાપ ! તારા ખડીયામાં ન હોય તો પછી બીજાના ખડીયામાં તે ક્યાંથી હોય ?”

“આંખે ચોપડવા જેટલું યે નહિ ?”

“ક્યાંથી હોય ? એક કોરી પણ કોઇની પાસે ન મળે. શેનું લેવું?” “ઠીક જીતવા ! જેવી સુરજની મરજી !”

ચાળીસ ખડીયામાંથી – ચોરાશી પાદરના માલીકોના ચાળીસ ખડીયામાંથી દુ:ખતી આંખ ઉપર ચોપડવા જેટલું ય અફીણ ન નીકળ્યું, એવી તાણ્યનું ટાણું ભાળીને જોગીદાસનો જીવ ઉદાસ થઈ ગયો, પણ તરત જ એને અંતરમાં ભેાંઠામણ ઉપડ્યું. જાણે વિપત્તિ સામે પડકાર દેતો હોય એમ એણે છાતી ગજાવીને ખોંખારો ખાધો. ફરી વાર બધું વિસરી જઈને આથમતા સૂરજ સામે બેરખાના પારા ફેરવવા લાગ્યો.

માળા પૂરી થઈ. એ વખતે એક કાઠી ખેાઈમાં કાંઈક ભરીને જોગીદાસની પાસે આવ્યો. મૂઠી ભરીને એણે કહ્યું, “આલ્યો આપા !”

“શું છે ભાઈ ?”

“આ બે મુઠી ટેઠવા ખાવ : એટલે કોઠામાં બે ચાર ખોબા પાણીનો સમાવો થાય.”

“ટેઠવા વળી શેના બાફ્યા ?”

“બાજરાના.”

“બાજરાના ! બાજરો ક્યાંથી ?”

“ઈ યે વળી સાંભળવું છે આપા ? સુગાશો નહિ ને ?”

“ના રે ભાઈ ! સુગાવા જેવી શાહુકારી બારવટીયાને વળી કેવી ! કહો જોઈએ ?”

“આપા ! આ ચાલીસે ઘોડીને કોક દિ’ જોગાણ ચડાવ્યું હશે તેનો ચાટેલ બાજરો ચપટી ચપટી ચાળીસે પાવરામાં ચોંટી રહ્યો હશે, એમ એાસાણ આવ્યાથી ચાળીસે પાવરા ખંખેરીને ઈ બાજરાની ધૂધરી બાફી નાખી છે !”

“અરર ! ઘોડીયુંનો એ બાજરો !”

“એમાં શું આપા ! પાણીમાં ધોઈને ઓર્યોતો. બાકી તો શું થાય ? આજ આઠ આઠ જમણથી કડાકા થાય છે. અને સૈાને ચપટી ચપટી ખાધે થોડોક ટકાવ થઈ જાશે ત્યાં તો આપણે તળશીશ્યામ ભેળા થઈ જાશું, આપા ! ખાઈ લ્યો. કાંઈ ફકર નહિ.”

“સૌને વેંચ્યો કે ?”

“હા, સૌને. તમ તમારે ખાવ.”

ભૂખમરો ભોગવતા ચાલીસ જણાએ એ બાજરાની મૂડી મૂઠી ધરી ખાઈ, બાકીનો ખાડો રાવલનાં પાણીથી પૂર્યો. અને અંધારૂં થયે આખી ટોળી રાવલની ભેખડો ઓળંગી ભયંકર ડુંગરાઓમાંથી કેડીઓ ગોતી ગોતી તુલશીશ્યામને માર્ગે પડી.

–14–

ઉઘાડો !”

બરાબર અધરાતે, ઉંચા ઉંચા ડુંગરાની ચોપાટ વચ્ચે ઉભેલા એ ઘોર વનરાઈ-વીંટયા તુલસીશ્યામ નામના જાત્રાધામના તોતીંગ કમાડ પર ભાલાંની બૂડી ભટકાવીને બહારવટીયાઓએ સાદ કર્યો કે “ઉઘાડો !”

“કોણ છે અટાણે ?” અંદરથી દરવાન કાગાનીંદરમાં બોલ્યો.

“મેમાન છીએ, મેમાન ! ઉધાડ ઝટ ! વધુ વાત સવારે પૂછજે.”

તોછડો જવાબ મળવાથી દરવાન વ્હેમાયો, કમાડની તરડ પર કાન માંડ્યા તો ચાલીસ ઘોડાંઓની ધકમક સાંભળી. દરવાન થરથર્યો.

“ઉઘાડ ઝટ ! ઉધાડ ભાઈ ! બરછી જેવી ટાઢ અમારાં કાળજાં વીંધી રહી છે ! ઉઘાડ.”

“અટાણે કમાડ નહિ ઉઘડે.”

“કાં ? શું છે તે નહિ ઉઘડે ?”

“નહિ ઉઘડે. તમે બારવટીયા લાગો છો.”

“અરે બાપ ! બારવટીયા તો ખરા, પણ કાંઈ શામજી મહારાજના બારવટીયા નથી. એનાં તો છોરૂડાં છીએ. ઉઘાડ ઝટ.”

“નહિં ઉઘડે, બહાર સુઈ રો’.”

“એ-મ ?” જોગીદાસે મોખરે આવીને ત્રાડ દીધી; “નથી ઉઘાડતો ? કહીએ છીએ કે અમે શામજીના બારવટીયા નથી. પણ જો હવે નહિ ઉઘાડ ને, તો હમણાં કમાડ ખેડવીને માલીપા આવશું, અને શામજીની મૂર્તિને માથે એક વાલની વાળી યે નહિ રે’વા દઇએ. અબધડી લુંટીને હાલી નીકળશું તો તારૂં મોઢું ખોઈ જેવું થઈ રહેશે. ઉધાડ ગેલા ! શામજીના આશરા તો ચોર શાહુકાર સહુને માટે સરખા કે’વાય.”

એ ન ભૂલાય તેવો નાદ સાંભળતાં જ દરવાનનો હાથ આપોઆપ અંધારામાં કમાડની સાંકળ ઉપર પડ્યો. અને ‘કી ચૂ…ડ’ અવાજે બેય કમાડ ઉઘાડાં ફટાક મેલાયાં. ચાલીસે ઘોડીઓ અંદર દાખલ થઈ ગઈ.

“શામજી દાદા !” પ્રભાતે જોગીદાસ પાઘડી ઉતારીને ઝુલતે ચોટલે પ્રભુની શ્યામ પ્રતિમા સામે ઠપકા સંભળાવી રહ્યો છે; “શામજી દાદા ! મારો ગરાસ લુંટાય ને મારાં બાયડી છોકરાં શત્રુને ઉંબરે બેસીને બટકું રોટલો ખાય ઈ તો ઠીક; ભુજામાં બળ હશે તો મારી ઝૂડીને ગરાસ પાછો મેળવશું; પણ દાદા ! તારા કોઠારમાં યે શું કણ ખૂટી ગયું કે મારા ચાળીસ અસવારોને આઠ દિ’ની લાંઘણોનું પારણું ઘોડીયુંના એઠા બાજરાના ટેઠવા ખાઈને કરવું પડે ! આવડો બધો અન્નનો દુકાળ તારા દેશમાં ! એવો તારો શીયો અપરાધ થઈ ગયો દાદા ! હું શું પાપી માયલો યે પાપીયો લેખાણો ?”

જોરાવર છાતીના બહારવટીયાને પણ તે વખતે નેત્રોમાં જળજળીયાં આવી ગયાં. પણ એકજ ઘડીમાં એ ચમકી ઉઠ્યો. એના કાનમાં જાણે કોઈ પડઘા બોલ્યા કે “ધડુસ ! ધડુસ ! ધડુસ !”

“સાચું ! સાચું ! દાદા, સાચું ! મારૂં પાપ મને સાંભરી ગયું. હવે તારો વાંક નહિ કાઢું.”

તાળી પાણીના દેવતાઈ કુંડમાં જઈ જોગીદાસે સ્નાન કર્યું . માથાનો લાંબો ચોટલો કોઈની નજરે ન પડી જાય તે માટે અંધારામાં સહુથી પહેલો પોતે નાહી આવ્યો. અને ડુંગરાના હૈયામાં ‘જય શ્યામ ! જય શ્યામ ! જય શ્યામ !’ એવી ધૂનના પડછંદા ગુંજવા લાગ્યા.

જગ્યાના મહંતે રસોઈની તૈયારી તો ઝડપથી માંડી દીધી હતી. પણ ચાલીસે કાઠીઓ ભૂખ્યા ડાંસ જેવા બનીને ધીરજ હારી બેઠા હતા. પેટમાં આગ થઈ હતી. રોટલા થાય છે થાયછે ત્યાં તો વારે વારે દોડી દોડી “ભણેં જોગીદાસ ખુમાણ ! ઝટ હાલો ! ઝટ હાલો !” એવી ઉતાવળ કરાવતા હતા. ઉપવાસી જોગીદાસ પણ કાંઈ જેવો તેવો ભૂખ્યો નહોતો. પરંતુ અન્નમાં ચિત્ત ન જાય અને કાઠીઓ તોફાન મચાવી ન મૂકે તે કારણથી પોતે માળા ફેરવવા બેસી ગયો. કાઠીઓ બોલવવા આવે તો શાંતિથી એમજ જવાબ આપતો ગયો કે “હજી બે માળા બાકી છે ભા! હજી એક જા૫ અધૂરો છે ! હમણે પૂરો કરી લઉ છું !”

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ કથા સોરઠી બહારવટીયા માંથી લેવામાં આવેલ છે.

આગળની વાત હવે પછીના ભાગમાં આવશે….

જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 1)

જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 2)

જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 3)

જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 5)

જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 6)

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– વીર માંગડાવાળો – ભૂત રૂવે ભેંકાર…

– મેપા મોભની ઉદારતા ની વાત

– સોરઠ નો સિંહ વીર રામવાળો

– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

– ભૂચરમોરી મહાસંગ્રામ…છપ્‍પનની છાતીનું પરાક્રમ

– રાખડી નુ ઋણ – ભાણ પટગીર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!