સંત શિરોમણી મહાત્મા ગુરુ શ્રી જોધલપીર

શ્રી સંત શિરોમણી મહાત્મા ગુરુ જોધલપીરનો જન્મ અમદાવાદ જિલ્લાના ધોળકા (હાલ બાવળા) તાલુકાના કેસરડી ગામમાં સંવત ૧૩૧૬ની સાલમાં ચૈત્ર સુદ દશમના દિવસે થયો હતો. પિતા દેવાબાઈ અને માતા ટાંકુમા ભક્તિ, સત્ય, અહિંસા અને દયાનું પાલન કરનાર ભક્ત હતાં. મોટાભાઈ જીવો સાદાઈ અને સદ્ગુણો ધરાવતો હતો. સમાજના રિવાજ પ્રમાણે જન્મ લેનાર બાળકનું નામ જોવા માટે ભાયલા ગામના બ્રાહ્મણ ગોર સુંદરદાસને બોલાવ્યા. તેઓ અંધ હતા. તેમની વિદ્વતા ધોળકા પથંકમાં પ્રખ્યાત હતી. એક વાર તેઓ બીજા વિદ્વાન બ્રાહ્મણોને સાથે લઈ પોતાના ગામ કેસરડી આવ્યા. અંધ ગોર મહારાજ પર બાળકનો ચમત્કાર થયો. આત્માની ઓળખ થઈ. બાળક સામે જોતાં જ તેમણે બાળકનો મહિમા ગાયો અને કહ્યું કે હે દેવા તારા ઘરમાં ભલાભલા ભૂપ નમશે. આ ભાલપ્રદેશનું ભલું થયું કે આજે જોધલપીર પ્રગટયા છે, જેનાથી ચારે દિશા પ્રકાશમાન થઈ છે.

પાટણ સમાજના એક સંત કેસરડી ગામે પધાર્યા. જોધલે મહાત્માનાં દર્શન કર્યાં અને તેમના શિષ્ય બન્યા ત્યારથી ભક્તિભાવ અને ભજનની શરૂઆત થઈ. જોધલ પિતાના કાર્યમાં મદદ કરતા અને ખૂબ ભક્તિ કરવા લાગ્યા. તે સમયે ધોળકાના સૂબા દરિયાખાનને પીઠમાં પાઠું (પાઠાના રોગ) થયેલું. તેની દવા માટે દરરોજ બકરીના કલેજાને પીઠ પર મૂકવામાં આવતું હતું. એક સિપાહી કેસરડીમાં ભરવાડના ઘેર બકરી લેવા આવ્યો. અને વેઠ ઉપાડવા માટે જોધલને સાથે લીધા. રસ્તામાં જોધલે સિપાહીને ચમત્કાર બતાવ્યો. બકરી લૂલી હતી. જોધલે તેના પર હાથ ફેરવ્યો એટલે તે સાજી થઈને ચાલવા લાગી. તથા જોધલના માથા પર વેઠની ગાંસડી હતી તે અધ્ધર થઈ ગઈ. કસાઈએ બકરીને કાપવા માટે ખૂબ મહેનત કરી પણ બકરીનો વાળ પણ ન કપાયો અને શસ્ત્રના ટુકડા થઈ ગયા. આ જોઈને દરિયાખાને જોધલને નમન કર્યું. જોધલે બાદશાહની પીઠ પર હાથ ફેરવ્યો અને દર્દ મટી ગયું. જોધલમાં રહેલી આવી ચમત્કરિક શક્તિથી પ્રભાવિત થઈને બાદશાહ દરિયાખાને ધોળકામાં જોધલના પગલાં પાડયાં અને તેના પર કબર ચણાવી. જીવ બચાવ્યો એટલે ત્યાં જાનીયાપીર તરીકે ઓરસ ભરાય છે. હાલમાં ધોળકા નગરપાલિકાની ઓફિસની અંદરના ભાગમાં આ શુભ સ્થાન છે.

ધોળકા થી કેસરડી આવતા રસ્તામાં જોધલપીર ભાયલા ગામના અંધ ગોર મહારાજ સુંદરદાસને મળ્યા. તેમણે જોધલની સામે જોયું તો તે દેખતા થઈ ગયા. હવે જોધલપીરની ખ્યાતિ ચારેબાજુ ફેલાવા લાગી. તે સમયે લીંબનાથ અને ચંચળનાથની અઢીસો સંતોની જમાત ત્યાં આવી. જોધલપીરે સવાશેર ખાંડ અને સવાશેર ચોખા એક કોઠીમાં ભેગા કર્યા અને અઢીસો સંતોને જમાડયા. આ જોઈ લીંબનાથ અને ચંચળનાથ ચકિત થયા.

પચીસ વર્ષની ઉંમરે જોધલપીરનું લગ્ન સાકોદરા ગામના કાશીમાં સાથે થયું હતું. હરખો અને હીર નામના તેમના બે પુત્રોમાં હીર સાહેબ સંસ્કારી કહેવાયા. હરખામાં સંસ્કાર ન મળ્યા. હીર સાહેબ તેર વર્ષની ઉંમરે સંસ્કારોથી ઝળકી ઊઠયા. પિતા, પુત્ર અને કરમસી ભગતે સુરત, ભરુચ, જંબુસર અને કાવી ગામમાં ફરીને ધર્મઉપદેશ આપ્યો. ત્યાંથી ખંભાત પહોંચ્યા. ત્યાં અનેક શિષ્યોએ ગુરુઉપદેશ લઈ તેમના શિષ્ય બન્યા. ધોળકામાં જોધલપીરે ભવાનીદાસને ઉપદેશ આપ્યો. ગુરુપ્રતાપે ભવાનીદાસે ભજનો લખ્યાં. આજે પણ ધોળકામાં પૂર્વ ભાગોળે ભવાનીદાસનું મંદિર આવેલું છે. ત્યાં દર વર્ષે દશેરાના દિવસે મેળો ભરાય છે. એક દિવસ હરખો અને હીર સાહેબ ભજન સતસંગમાં ગયા હતા. ત્યાંથી જે ભેટસોગાદ અને રોકડ રકમ મળી તે હીર સાહેબે બાપુને આપી દીધી અને હરખાએ કાંઈ ન આપ્યું. તમામ વસ્તુ તેની સાસરીમાં મોકલી આપી. બાપુએ સો ગાઉનું જાણતા હતા. અને હીર સાહેબને સવાસો ગાઉંની જાણ થતી હતી. હરખો જૂઠું બોલ્યો એટલે બાપુએ શાપ આપ્યો કે હવે તું તારી સાસરીમાં રહેજે. જો કેસરડીના ઝાડ જોઈશ તો તારો વંશ જશે. અને હીર સાહેબને કહ્યું તારા એકના એકયાસી થશે. હરખો કેસરડીનું ઝાડ ન જુએ ત્યાં સુધી તેના વશમાં એક જ પુત્ર થશે.

હરખાદાસ પોતાની સાસરી ભાવનગરની પાસે અઢેવાડા ગામમાં જતા રહ્યા. બાપુના શાપ પ્રમાણે તેઓ કદી કેસરડી ન આવ્યા. પરંતુ તેમના છેલ્લા વંશ જ સ્વામી લખીરામ મહારાજ સંવત ૧૯૭૮ના આસો મહિનામાં દશેરાના મેળામાં કેસરડી આવ્યા. તેમણે દેહવિલયની આગાહી કરી હતી. એટલે તેઓ સ્વામી કલ્યાણદાસને મળ્યા. કેસરડીના ઝાડ જોયા. ત્યારબાદ તેમનો વંશ નાશ પામ્યો. આજે પણ અઢેવાડામાં દર વર્ષે દશેરાના દિવસે મેળો ભરાય છે. અનેક પરચા અને કાર્ય પૂર્ણ કરી ધર્મ ઉપદેશ આપીને હવે પિતા-પુત્રે સાથે જ સમાધિ લેવાનો નિર્ણય કર્યો. આ જાણીને બાદશાહ ખાન, ભવાનીદાસ અને અનેક ભક્તો, શિષ્યો બાપુની સેવાનો લ્હાવો લેવા કેસરડી આવ્યા. સંવત ૧૩૭૮ના આસો સુદ દશમના દિવસે (દશેરા) પોતાની જીવનલીલા સંકેલીને પિતાપુત્રે સમાધિ લીધી. પરમ આત્મા પરમતેજમાં સમાઈ ગયા. આજે ત્યાં દર વર્ષે દશેરાના દિવસે મેળો ભરાય છે. દરેક વર્ણનું માનવ મહેરામણ ઉભરાય છે. જોધલપીરની ઊંટ સવારી નીકળે છે. દશેરાની આગલી રાતે (નોમ) બારથી એક વાગ્યા દરમિયાન આકાશમાં નગારાની સાડા ત્રણ દાંડી સંભળાય છે. આ પીરજી આજે ગુરુગાદી ભોગવે છે. એકયાસીથી વધતા નથી કે ઘટતા પણ નથી. તેઓ એકયાસી પાઘડીથી ઓળખાય છે. જોધલપીર આ પથંકમાં આજે પણ એટલા જ પૂજનીય અને વંદનીય છે.

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!