શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગનો ઇતિહાસ

રામેશ્વરમ્‌ જ્યોતિર્લિંગ ભગવાન શ્રીરામચંદ્રજી તથા મહાદેવ શિવજીની ઉભય મહિમાને જીવંત રાખતું દેશભરનું પ્રમુખ તીર્થ છે.

સમુદ્ર તટે આવેલું રામેશ્વરતીર્થમ્‌. આજકાલતો સમુદ્ર સેતૂના રાજકારણથી તે વિશેષ ચર્ચામાં છે. પરંતુ આપણે તેનું આધ્યાત્મિકતાથી સભર સ્મરણ કરવું છે. તેનાં દર્શન માત્રથી અહોભાવ જાગે એટલું વિશાળ તેનું શિવલિંગ અને તેથી પણ વ્યાપક તેનો મહિમા છે કારણ તેને પ્રભુ શ્રી રામચંદ્રજીએ સ્વયં સ્થાપિત કર્યું છે.

ભારતવર્ષની દક્ષિણે જ્યાં હિન્દ મહાસાગર અને બંગાળનો ઉપસાગર મળે છે ત્યાં સમુદ્ર સંગમ સ્થળે રામેશ્વરની પુણ્યભૂમિનો સામુદ્રિક દ્વિપ છે.

અહીં પહોંચવા ચેન્નાઈથી અથવા તો મદુરાઈથી તેમજ તિરૂચિરાપલ્લીથી યાત્રા માટે યાતાયાતની સગવડ ઉપલબ્ધ છે…

રામેશ્વર એક નાનું અને ભારતની જમીનથી હટીને સાગરની વચ્ચે આવેલું તીર્થ છે. સમુદ્ર પર રેલવેએ બાંધેલો લાંબો દર્શનીય પુલ પસાર કરીને પમ્વન અને મંડપ નામના રેલવે સ્ટેશને મદ્રાસ થઇને આવી શકાય છે. પામ્વનથી ઉત્તર- દક્ષિણે રામેશ્વર અને પૂર્વ- પશ્ચિમે ધનુષ્યકોટિ આવેલા છે. સુનામીમાં નાશ પામેલા આ સ્ટેશનના તો આજે અવશેષો જ જોઇ શકાય છે.

ભગવદ્ગોમંડલ નોંધે છે કે શિવનાં સ્વયંપ્રકાશ બાર જ્યોતિર્લિંગ માંહેનું સેતુબંધ પાસેનું એક જ્યોતિર્લિંગ ધરાવતું તીર્થ રામેશ્વર છે. આર્યાવર્ત યાત્રામાં ઉલ્લેખ છે કે અહીંના મંદિરનો વિસ્તાર વિઘાના વિઘામાં છે. જેમાં મંદિરની બાંધેલી જગ્યાઓ, સ્થંભો અને જુદાં જુદાં મંદિરો છે. મંદિરોમાં મુખ્ય રામેશ્વર અને પાર્વતીજીના મંદિર ઉપરાંત કાશીવિશ્વનાથ, જટાશંકર, ચિદંબર, ગણપતિ, કાર્તિક સ્વામી અને અષ્ટસિઘ્ધિનાં પણ સુંદર અને પ્રખ્યાત મંદિરો આવેલાં છે.

Rameshwaram-Temple

જ્યાં મહાદેવનાં જ્યોતિર્લિંગનું રામચંદ્રજી દ્વારા પ્રતિષ્ઠાન થયું હોય તેવું આ ભવ્ય મંદિર વર્ષો પહેલાં તો રેતાળ સ્વરૂપે અવાવરૂ હાલતમાં હતું. કહેવાય છે કે ઇ.સ. ૬૦૦ના સમય દરમ્યાન દ્રવિડ રાજા દ્વારા પ્રથમવાર અહીં નાનું મંદિર નિર્માણ થયું.

આજે તો આ વિશાળ મંદિરનાં ભવ્ય નિર્માણ પાછળ અનેક વર્ષો દરમ્યાન અનેક શાશકોએ યથાયોગ્ય ફાળો આપી તેને કલાત્મક ભવ્યતા બક્ષી છે.

મૂળ મંદિરનો એક ભાગ કાંચીના રાજાએ બંધાવ્યો, જ્યારે મંદિરનું પટાંગણ મદુરાના રાજા દ્વારા નિર્માણ પામ્યું. તેમજ સોળમી સદીના અંતમાં સેતુપતિ શકો દ્વારા કલામય સભામંડપની રચના થઈ, ત્યારબાદ સત્તરમી સદીના અંતમાં સિલોનના રાજાએ પોતાનો ખજાનો આ મંદિરનાં નિર્માણ પાછળ ખાલી કરીને તેને આજની ભવ્યતા અર્પી ! આમ સમગ્રતઃ મંદિરનું નિર્માણ સંપૂર્ણપણે સંપન્ન થતાં લગભગ સાડા ત્રણસો વર્ષ લાગ્યા….! આ મંદિર એટલું તો વિશાળ અને સુવિસ્તરિત છે કે તેને સંપૂર્ણપણે નિરખવા માટે ખાસ આયોજન અતિ આવશ્યક છે.

અહીં મંદિરમાં રામેશ્વરના અચલ બાણ ઉપરાંત ચલ મૂર્તિ પણ છે અને પાર્વતીજીની પણ ચલમૂર્તિ છે, જે સુવર્ણ શણગારોથી સજ્જ રાખવામાં આવે છે અને નિયમિતરૂપે ભોગ પણ ધરાવાય છે. મંદિરને ફરતો ગઢ અને ચાર દરવાજા છે. રામેશ્વરના મંદિરને દશ અગિયાર મજલાવાળા કારીગરીથી ભરપુર શિલ્પકલાના ઉત્તમ નમૂનારૂપ ગોપુરો છે. વચમાં રામેશ્વરનું નિજમંદિર ૬૦ ગજ ઉંચું છે, જે દક્ષિણના ઉંચા મંદિરોમાંનું એક છે. મંદિર શિખરબંધ છે અને તેને ત્રણ ધુમટ છે. મંદિરો ઉપર સુવર્ણના કળશ છે. મંદિર સામે સુવર્ણનો એક સ્થંભ છે. રામેશ્વરની મૂર્તિ જ્યોતિર્લિંગ છે. તે ઉંચું અને ભવ્ય છે. શિવ- રામેશ્વરની સામે ૧૨ ફૂટ પહોળો ને ૧૭ ફૂટ ઉંચો પથ્થરનો પડછંદ પોઠિયો વિશિષ્ટ મુદ્રામાં નજરે પડે છે. તેનું કદ આવનારનું ખાસ ઘ્યાન ખેંચે છે. ચારધામ માંહેનું આ એક ધામ દ્વાદશ જ્યોતિર્લિંગ અને આર્યાવર્તને છેડે છતાં સમુદ્રમાં બેટરૂપમાં આવેલું હોવાથી આ તીર્થનું માહાત્મ્ય ઘણું મોટું મનાય છે, વળી આની સ્થાપના રામચંદ્રજીએ પોતે સ્વહસ્તે કરી કહેવાતી હોઇ તેની પ્રખ્યાતિ વિશેષ છે. આ મંદિરમાં જ બાવીસ સ્નાન કરવાનાં જળકુંડો આવેલા છે. તેમાં લક્ષ્મણકુંડનો મહિમા મોટો મનાય છે. અહીં આવેલા યાત્રાળુ વહેલી સવારે સમુદ્રસ્નાન કરી ભીના કપડે મંદિરમાં આવે છે. અહીંના પૂજારીઓ તેમને ૨૨ જળકુંડોનું સ્નાન કરાવે છે પછી એજ ભીના વસ્ત્રો પહેરી રામેશ્વરના દર્શન કરવાનો મહિમા છે. આ મંદિરમાં સ્ફટિકનું શિવલિંગ પણ પ્રસ્થાપિત છે. વહેલી સવારે ચારથી પાંચ વાગ્યા દરમ્યાન દીવાના અજવાળે ભક્તોને એના દર્શન કરાવવામાં આવે છે. રામેશ્વરને ગંગાજળ કે યમુના જળ ચડાવવાનું માહાત્મ્ય હોવાથી યાત્રાળુઓ દર્શન કરી, ફીની રકમ ભરી ગંગાજળ ચડાવે છે. લક્ષ્મણ કુંડમાં શ્રાદ્ધ વગેરેની ક્રિયા પણ થતી જોઇ શકાય છે.

મંદિર-સન્મુખ માર્ગ પરથી જતાં આગળની જગ્યામાં નાનકડા બજારની હાટડીઓ મંડાઈ છે જેમાં પૂજા-પ્રસાદી, દેવમૂર્તિઓ, છબીઓ મોટા-નાના શંખલાઅને છીપલીઓ અને તેનાં પર કરેલાં સુંદર ચિત્રકામ, લક્કડ કામ અને કોડીનાં વિવિધ આકારથી નિર્માણ થયેલ મૂર્તિઓ પ્રદર્શિત કરી વેપાર કરાય છે. આ સુંદર માર્ગ મધ્યેથી પસાર થયાં બાદ વિશાળ મંદિર સંકુલનાં પ્રવેશદ્વાર સુધી આવતાં તો ૧૭૦ ફૂટ ઉંચું નવમાળનું પૂર્વ દ્વાર ધરાવતું મંદિર-શિખર દ્રશ્યમાન થાય ને હૃદયમાં પ્રસન્નતા છવાઈ જાય. દ્રવિડ શૈલીના નિર્માણનું ઉત્કૃષ્ટ સ્થાપત્ય આ મંદિરની ખાસિયત છે.

01-51931

ઉત્તમ અને કલાત્મક શિલ્પથી સભર અસંખ્ય થાંભલીએ ધરાવતો મંદિરનો પ્રદક્ષિણા માર્ગ યાત્રીઓને અભિભૂત કરી દે તેવો છે. વીસ ફૂટ પહોળા આ પ્રદક્ષિણા માર્ગની કુલ લંબાઈ ચાર હજાર ફૂટ છે, જે વિશ્વભરમાં અદ્વિતિય છે.

પ્રદક્ષિણા માર્ગે શિવસ્ત્રોતનો પાઠ કે રામચરિત માનસની ચોપાઈઓ ભણવાનો ઉત્તમ સમય અહીં મળી રહે !

મંદિરનાં ગર્ભગૃહમાં પ્રસ્થાપિત શિવજી તો માત્ર ભસ્મનાં શણગાર અને ચર્મના પરિવેશથી શોભે છે પરંતુ અહીં પણ ભોળાનાથના રામેશ્વર જ્યોતિર્લિંગનાં આભૂષણોની કુલ કિંમત સાડા ચાર-પાંચ કરોડ રૂપિયા જેટલી છે !

જેમાં ઐશ્વર્ય અને સમૃદ્ધિનાં દાતા સાદગી પ્રિય સદાશિવ મહાદેવની ઝવેરાત, ચાંદીના આભૂષણો, હીરા-માણેક જડિત સુવર્ણ મુગટ તેમજ રામેશ્વર ભગવાનની પાલખી કે જેની કિંમત ત્રીસેક લાખ રૂપિયા થાય છે, તેનો સમાવેશ થાય છે.

દૂરથી ભવ્ય દ્રશ્યમાન રામેશ્વર મંદિર સુવર્ણસ્તંભની સન્મુખ કાળમીંઢ પથ્થરના વિશાળ ઓટલા પર નિર્માણધીન છે. આશરે સવાસો ફૂટની ઉંચાઇએ કલાત્મક કોતરણીથી સભર પાષાણમાં કંડારાયેલું દ્વાવિડિયન શૈલીનું શિખર તેમજ સભામંડપથી શોભતાં આ મંદિરના ત્રણ વિશાળ દરવાજા પસાર કર્યા બાદ ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકાય છે, જ્યાં દિવ્ય જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત છે. એક રસપ્રદ વાત એ છે કે અહીંથી ગર્ભગૃહની અંદર નિજમંદિરનાં બાર પૂજારીઓ તથા નેપાળનાં મહારાજા એમ ફક્ત તેર વ્યક્તિઓને જ ભીતર પ્રવેશવાની પરવાનગી છે. જાણકારી મુજબ તો જગદ્‌ગુરૂ શંકરાચાર્ય પણ પૂજાવિધિ માટે છેક અંદર પ્રવેશી શકતા નથી !

રામેશ્વરમાં રામનાથ સ્વામીનું મંદિર સૌતી વઘુ પ્રસિઘ્ધ છે. દ.ભારતના પુરાણાં મંદિરોની જેમ આ મંદિર પૂર્વ અને પશ્ચિમમાં ૮૬૫ ફૂટ લંબાઇ, દક્ષિણ અને ઉત્તરમાં ૬૫૭ ફૂટની પહોળાઇ ધરાવે છે. પૂર્વ અને પશ્ચિમમાં મોટા મોટા ગોપુરો ભારતીય શિલ્પકળાની સમૃદ્ધિની ઝાંખી કરાવે છે. ઉંચા ઉંચા પડથાલો ઉપર થાંભલાઓની વિશાળ હારમાળાઓ જોવા મળે છે. ત્રીજા પશ્ચિમી પ્રકાર અને પશ્ચિમી ગોપુરના દ્વારથી સેતુમાધવ અને સંનિધિ જવા માટેનો રસ્તો મળે છે. આ સ્થળ ચતુરંગના આકારે બનેલું છે. ત્રીજો પ્રકાર વિશ્વભરમાં પોતાની ઉંચાઇ માટે પ્રસિઘ્ધ છે. દક્ષિણ અને ઉત્તરના પ્રકાર ૬૦૦ ફૂટ લાંબા, પશ્ચિમી પ્રકાર ૪૦૦ ફૂટ લાંબા છે. બહારના પ્રકારમાં લગભગ એક હજાર બસો સ્તંભો છે. તેની ઉંચાઇ ૩૦ ફૂટ જેટલી હોવાથી તે અતિ ભવ્ય દેખાય છે. અહીં મંદિરમાં ચિત્રકળાના સુંદર નમૂનાઓ પણ જોવા મળે છે. મંદિરનું કલાપૂર્ણ સૌંદર્ય અને સ્થાપત્યઠાઠ જોનારને ઊડીને આંખે વળગે છે.

રામેશ્વર જ્યોતિર્લિંગ ઉપર શેષનાગનું છત્ર છે, તેમજ શિવલિંગ ઉપર ગંગાજળના અભિષેકનો મહિમાછે. ઉત્તરતમ્‌ ગંગોત્રીથી પુરાણકાળમાં કાવડિયા અહીં છેક દક્ષિણતમ્‌ સુધી ગંગાજળ લાવીને અભિષેક કરતાં હશે તે સર્વોપરિ શ્રદ્ધા આજના આધુનિક યુગમાં પણ જળવાઈ છે. કદાચ દેશનાં હિન્દુઓને એક કરવાની જગદ્‌ગુરૂ શંકરાચાર્યની ભાવના આમાં પ્રદર્શિત થાય છે…. ખેર, રામેશ્વર મંદિરની પશ્ચાતભૂમિમાં બે અડોઅડ કુંડ છે.

છતાં એકમાં મીઠું અને બીજામાં ખારૂં પાણી છે, તો મંદિરનાં અન્ય ખૂણામાં બાવીસ કૂવાઓ તેમજ કુંડો છે. પ્રત્યેક કુવામાં સ્નાન કરી પવિત્ર થવાનો મહિમા આજે પણ છે. રામેશ્વરનાં નિજ મંદિરમાં એક મનોહારી સ્ફટિક લિંગ છે,પરંતુ તેનાં દર્શન માત્ર બ્રહ્મમુહૂર્તમાં પ્રાતઃકાળે સાડાચારથી પાંચ દરમ્યાન જ થઈ શકે છે. અહીં રામેશ્વરનાં બાવીસ કુંડનાં મહિમાની પણ એક રસપ્રદ કથા છે – જ્યારે રામચંદ્રજી રાવણ સાથે યુદ્ધે ચડ્યા ત્યારે ભારે દ્વિધા અનુભવતાં રાવણને પરાસ્ત કરવાના આયોજનમાં મગ્ન રહી સતત મનોમંથન કરવા લાગ્યા.

અનેક ગહન વિચારોથી ઉદ્વિગ્ન ભગવાનનાં ગળે શોષ પડવા લાગ્યો કહે છે રામચંદ્રજીની તરસ છીપાવવા વાનરોએ કુંડ ખોદીને મીઠાં જળ કાઢ્‌યાં…. આજે પણ રામેશ્વરન બાવીસ કુંડનો મહિમા છે. આ પ્રત્યેક કુવા ગંગા, યમુના, કાશી, શંખ, ચક્ર જેવા પાવન નામોથી ઓળખાય છે… રામચંદ્રજી આ કુંડમાંથી લાવેલ જળ પીવા જતા હતાં ત્યાં જ તેઓને વિચાર આવ્યો કે મારા પરમ મહાદેવને તો આ યુદ્ધનો પ્રારંભ કરતાં પહેલા સ્મર્યા નથી.

તેમજ તેમના પૂજા-અર્ચન વીના પાણી પણ કેમ પીવાય ? અને ત્યારે જ મહાદેવનાં યુદ્ધપૂર્વે આર્શીવાદ લેવા તેઓએ સમુદ્ર રેતથી એક સુંદર શિવલિંગનું નિર્માણ કર્યું અને આ રેણુલિંગમને આહવાન આપી શોડપોષચારથી પૂજા-અર્ચન કરી નતમસ્તકે શિવજીનું સ્મરણ કર્યું ને પ્રાર્થના કરી કે, હે દેવોના દેવ, મહાકાળ-મહાદેવ મારી પર આશીર્વાદ વરસાવો કે અતુલ્ય બળધારી રાવણને હું હરાવી સીતાજીને બંધનમુક્ત કરી વિજયી થાઉં…. આપ મારૂ પીઠબળ બની રહો….! આમ કહી દિવ્યઘોષથી ‘‘જયશંકર-શંભુ’’ કહી રામચંદ્રજીએ અહીં ભાવપૂર્વક નૃત્ય કર્યું. આથી આશુતોષ પ્રસન્ન થયા અને કૈલાસપતિ મહેશ્વરે તથાસ્તુ કહીને આશીર્વાદ આપ્યાં.

Rameshwaram-625×470

કથામાં આગળ કહેવાયું છે કે, ત્યારબાદ રામજી રાવણનો વધ કરી વિજયને વર્યા અને સીતાજી સાથે પાછાં વળ્યાં. અહીં ગન્ધમાદન પર્વત પર પડાવ નાંખ્યા જ્યાં અનેક ૠષિ-મુનિ તપ સાધના કરતાં હતાં. રામચંદ્રજીએ હાથ જોડી પ્રાર્થના કરી કે, ‘‘હે મુનિશ્વર ! રાજા રાવણ તથા પુલત્સ્ય કુળનો વિનાશ કરી મને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું છે…. તેની મુક્તિનો ઉપાય કરો !’’ તપસ્વી મુનિવરોએ એક અવાજે કહ્યું, ‘‘હે રઘુનાથન, તમે અહીં જ મહાદેવનાં શિવલિંગની પ્રતિષ્ઠા કરો અને સદાશિવના આશીર્વાદ પ્રાપ્ત કરો તે જ તમને બ્રહ્મહત્યાના પાપથી મુક્ત કરશે !’’ રામચંદ્રજીએ તરત જ યુદ્ધ પહેલાં જે સ્થળે શિવલિંગ પ્રસ્થાપિત કર્યું હતું ત્યાં જઈને શિવજીની આરાધના-આરંભી અને કૈલાસથી શિવલિંગ તેમજ કાશી થી ગંગાજળ લઈ આવવા પોતાના સેવક હનુમાનને આદેશ આપ્યો.

દરમ્યાન તેઓએ આરાધના-તપસ્યા તો આરંભી દીધી જેથી સમય જતાં શિવજીએ પ્રસન્ન થઈ સાક્ષાત દર્શન આપ્યા અને આશીર્વાદથી શ્રી રામચંદ્રજીને ધન્ય કરી દોષ-મુક્ત કર્યા.

ત્યારબાદ રામચંદ્રજીની યાતના માન્ય રાખી સર્વના કલ્યાણ અર્થે શિવજી પણ અહીં જ જ્યોતિર્લિંગ રૂપે પ્રસ્થાપિત થયાં.

કથા હવે એક વળાંક લે છે, આ બાજુ હનુમાનજીને કૈલાસથી લિંગ તેમજ ગંગામાંથી ગંગાજળ લઈને આવતાં વધુ સમય લાગ્યો, પરંતુ તેઓ જ્યારે શિવલિંગ અને ગંગાજળ લઈને આવ્યા તો રામચંદ્રજીએ પોતાના પ્રિય દૂત ને નારાજ કર્યા વીના તે શિવલિંગની પણ સ્થાપના કરી અને તેની પર પણ ગંગાજળનો અભિષેક કર્યો….! આજે પણ આ રામેશ્વરનાં લિંગ કરતાં હનુમહીશ્વર લિંગનો મહિમા છે. એટલું જ નહીં રામચંદ્રજીનાં આદેશ અનુસાર રામેશ્વર જ્યોતિર્લિંગનાં પૂજન પહેલાં અહીં હનુમાનજીનાં કૈલાસનાં શિવલિંગનું પૂજન પ્રથમ કરવામાં આવે છે ! અને ત્યારથી જ અહીં શિવલિંગ પર ગંગાજળનો મહિમા પણ કાયમ રહ્યો છે. અન્ય કોઈ જળ નહીં માત્ર આ શિવલિંગ પર ગંગાજળનો જ અભિષેક કરવામાં આવે છે ! તેમજ રામેશ્વરનાં મંગળાના દર્શન પહેલાં હનુમદીશ્વર મહાદેવની પૂજા થાય છે અને ત્યારબાદ જ રામેશ્વર જ્યોતિર્લિંગ પૂજાય છે !પ્રભુ પોતાના ભક્તો અને સેવક માટે કેટલા કૃપાળુ છે તેનું આથી વિશેષ દ્રષ્ટાંત પુરાણમાં મળવું મુશ્કેલ છે. અને તેથી જ પુરૂષોત્તમ શ્રીરામ દ્વારા પ્રાણપ્રતિષ્ઠિત રામેશ્વરનાં જ્યોતિર્લિંગનો મહીમા શૈવ-અને વૈષ્ણવ સંપ્રદાયને ઉભયપક્ષે પ્રસન્ન કરેછે…

મંદિરના લગ્નમંડપમાં જુલાઇ- ઓગસ્ટમાં શિવપાર્વતીના લગ્નનો ઉત્સવ ૧૦ દિવસ સુધી ખૂબ જ ધામઘૂમથી ઉજવાય છે. પાર્વતીનું ફૂલેકુ બબ્બે દિવસ સુધી ફરે છે. આ ઉપરાંત મંદિરમાં આખું વર્ષ ઉત્સવોની વણઝાર જોવા મળે છે. દર મહિને મંદિરના તમામ દેવતાઓનો અન્નભિષેક ઉત્સવ ઉજવાય છે. વૈશાખ મહિનામાં વસંતોત્સવ અને જેઠ માસમાં રામલિંગની પ્રતિષ્ઠાનો ઉત્સવ ધામઘૂમથી મનાવવામાં આવે છે. અહીં નવરાત્રી નવ દિવસ ઉજવાય છે. કાર્તિક મહિનામાં ત્રિકાર્તિક ઉત્સવ પ્રસંગે મંદિર દીવડાઓની ઝાકઝમાળ બની રહે છે. માગશર માસમાં આદ્રાદર્શન અને પોષ મહિનાની અમાવાસ્યાએ સમુદ્રમાં તીર્થ દેવાનો ઉત્સવ ઉજવાય છે. પુણ્ય નક્ષત્રના દિવસે તળાવમાં રામનાથજીનો જલક્રીડા ઉત્સવ અને મહાશિવરાત્રીનો ઉત્સવ અનોખી રીતે ઉજવાય છે. આ દિવસોમાં મંદિર ભક્તોની ભીડથી જાણે કે હાંફવા માંડે છે. આ સિવાય પણ રામેશ્વરના મંદિરમાં નિયમિતરીતે નૃત્યોત્સવ યોજાય છે. જીવનમાં એકવાર રામેશ્વર અને કન્યાકુમારીની યાત્રા કરવા જેવી છે.

રામના ઈશ્વર એવા શ્રી રામેશ્વર મહાદેવને કોટી કોટી વંદન…

તો મિત્રો આ હતો શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગનો ઇતિહાસ જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રી સ્તંભેશ્વર મહાદેવનો પ્રાચીન ઇતિહાસ

– શ્રી શનિદેવ મંદિર શિંગણાપુરનો ઇતિહાસ

– શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ- તરણેતર

– શ્રી બળિયાદેવનું મંદિર – પોર

– શ્રી ઘંટાકર્ણ મહાવીર – મહુડી

– શ્રી ઉષ્ણ અંબા માતાજી મંદિર- ઉનાઇ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!