શ્રી લિંબજ માતા મંદિર- દેલમાલનો પૌરાણિક ઇતિહાસ

ઉત્તર ગુજરાતની પવિત્ર ભોમકા અનેક તીર્થોની તીર્થભૂમિ છે. ગરવી ગુજરાતની ગૌરવવંતી ગાથાને વાચાઆપતું, હિંદુ-મુસ્લિમ ઐક્યની અમરવેલના પ્રતિક સમું પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનું દેલમાલગામ પ્રાચીનકાળથી જગપ્રસિદ્ધ છે. આ પવિત્ર ભોમકામાં શ્રીકૃષ્ણના સમયનું સોલંકીયુગના શિલ્પ સ્થાપત્યની અદ્‌ભૂત ઝાંખી કરાવતું, ભારત સરકારશ્રીના પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત મોઢેરાના ખંડેર શિલ્પ સામે અલ્લાઉદ્દિન ખિલજી અને ઔરંગઝેબનાં પવન ઘાડાંથી પણ સુરક્ષિત અખંડ રહેલું શ્રી લિંબજ માતાનું મંદિરશિલ્પ સ્થાપત્યનો બેનમૂન નમૂનો છે.

આ મંદિર ૯૮ ફૂટ લાંબા, ૫૮ ફૂટ પહોળા તેમજ ૩૫ થી ૪૦ ફૂટ ઉંચાઈ ધરાવતું વિશાળ સંકુલ છે. આ મંદિરનો મુખ્ય દરવાજો વડનગર અને શામળાજીના મંદિરના કીર્તિ તોરણ જેવું જ કીર્તિ તોરણ અને તેની કમાનથી ભવ્ય શિલ્પકલાથી શોભી રહ્યું છે. મુખ્ય મંદિરમાં ૧૨ સ્તંભોની કોતરણીવાળું સુંદર ગર્ભગૃહ, સભામંડપ, શૃંગાર ચોકી, તથા દીપમાળા અને હવનકુંડ છે. ભરણી ઉપરની શિરાવટીમાં ચારે દીશાએયત્ર, ગંધર્વને કિન્નરીઓનાં વિવિધ ભાવથી સભર અંગમમરોડની લચકવાળી રે નૃત્યમુદ્રાઓથી શોભતી નૃત્યાંગનાઓની ભવ્ય મુર્તિઓ રેતાળ પથ્થરના શિલ્પમાં કંડારાયેલી છે. તેમના પગ પર વીંછી કોતરેલ છે. વીંછી કામનું પ્રતિક છે. તેથી ગુજરાતમાં ઘેર ઘેર ગવાતું લોકગીત ઃ ‘‘હંભો ! હંભો ! વિંછુડો’’ જગબત્રીસીએ જાણીતું થયું છે. તેવું જ તે વિશ્વ પ્રસિદ્ધ ૬૦૦ વર્ષ પુરાણી હસનશા પીરની પવિત્ર દરગાહ છે. દુનિયાભરની દાઉદી વોરા કોમ અહીં દર્શને આવે છે. સમગ્ર ભારતમાં ઉત્તરમુખી હનુમાનનું એક માત્ર ભવ્ય મંદિર પણ છે.

શ્રીકૃષ્ણના સમયનું ગામ જેનું મૂળનામ કનકબંબા હતું. (લિંબજપુરાણ) જે પાછળથી દેવમહાલ થયું તેમાંથી બન્યું દેલમાલ. દેલમાલ એટલે દેવનગરી જેની સાક્ષીરૂપ ગામની ફરતે અનેક શિલ્પ મૂર્તિઓ અને ખંડેરોના અવશેષો જ્યાં ત્યાં પથરાયેલા પડ્યા છે. આ ખંડેરોનાં શિલ્પ ભેગાં કરી જિલ્લાકલેક્ટરે પ્રદર્શન માટે રાખ્યાં છે.

મથુરામાં કંસના મલ્લોનો શ્રીકૃષ્ણ અને તેમના મોટાભાઈ બળભદ્રે નાશ કર્યો. તેથી મલ્લ વિધા નાશ પામશે એમ જાણી શ્રીકૃષ્ણે સોમેશ્વરને મલ્લવિધા શીખવી. તેમજ બળભદ્ર સાથે કુસ્તી કરતાં બળભદ્રને સોમેશ્વરે હરાવ્યા. બળભદ્રે તેમનો કચ્છ સોમેશ્વરને ભેટ આપ્યો અને મલ્લવિધામાં તમને કોઈ જીતી શકશે નહિ તેવું વરદાન આપ્યું. શ્રી કૃષ્ણે સોમેશ્વરને દેવનગરી-દેલમાલ બક્ષીસમાં આપી. ત્યાંથી શ્રીકૃષ્ણ વિદાય લેતા હતા ત્યારે સોમેશ્વરે કહ્યું કે, ‘‘આપ જશો પછી અમારુંપાલન-પોષણકોણ કરશે ?’’ તે વખતે શ્રીકૃષ્ણ વડસાગરની પાળે આવેલા લીમડામાંથી તેમની યોગમાયા લિંબજા પ્રગટ કરી અને દેલમાલમાં સ્થાપિત કરી અને કહ્યું ઃ ‘‘શ્રમ કરતાં, સંગ્રામમાં અને રંગભૂમિમા તેમજ જ્યાં કોઈ આદેવી સ્મરણ કરશે તેનાં સર્વ વિધ્નોથી આ દેવી તમારું રક્ષણ કરશે. મારામાં કે મારી આ યોગમાયામાં કોઈ ભેદ રાખશો નહિ.’’ પૂનાથી ભાંડારકર ઈન્સ્ટિટ્યૂટમાંથી સંવત ૧૭૩૧માં લખાયેલી ‘‘મલ્લપુરાણ’’ની હસ્તપ્રતના ૧૫મા અધ્યાયમાં આપેલી ફલશ્રુતિમાં આ ગાથાનો ઉલ્લેખ છે.

અકબર બાદશાહનો ગર્વ ઉતાર્યો ઃ-

અકબર બાદશાહ તેના સરદારો સાથે ગુજરાત જીતવા આવ્યો. તે પાટણ વટાવી અમદાવાદ આવતાં વચ્ચે દેલમાલે ગયો. ત્યાં જેષ્ઠીમલ્લો પહેલવાન તરીકે પ્રખ્યતા હતા. તેથી અકબર બાદશાહે દેલમાલના લખાજી પહેલવાનને તેના પહેલવાનો સાથે કુસ્તી કરવાનું આહવાન કરતાં લખાજીએ તમામ પહેલવાનોને કુસ્તીમાં હરાવ્યા. ત્યારબાદ લખાજીને એક વિશાળ વટવૃક્ષ સમા લિમડાને ઉખેડવાનો પડકાર ફેંક્યો. લખમણ જેઠીમલ્લે બાદશાહ સાથે કરાર કર્યો. ગુજરાતના કોઈપણ રાજા આ ગામની ખંડણી આજ સુધી લીધી નથી. તેમ તમારે ખંડણી લેવી નહિ તેમજ આ લિંબજ માતાની મૂર્તિકે મંદિર કોઈએ તોડવું નહિ.

અકબર બાદશાહે આ મુજબ લેખિત કરાર કરતાં લખમણ જેષ્ઠી સવારે લિંબડો ઉખેડવા સંમત થયા. આખી રાતમા લિંબજ માતાનું સ્મરણ કર્યું. માએ સ્વપ્નમાં આદેશ આપ્યો ‘‘તું લીમડો ઉખાડ, અંદર મારી મૂર્તિ છે. મારે બહાર આવવું છે.’’ સવારે ગામ આખું ભેગું થયું. ઢોલ ઢબૂક્યો. અકબર બાદશાહ તેના સરદારો અને પહેલવાનો એ બેઠક લીધી. સાત ફૂટ ઉંચા લખમણ જેષ્ઠીએ ‘‘લિંબજ માત કી જય’’નો ગગનભેદી નાદ ગજવ્યો. આબાલ વૃદ્ધ સૌએ મા લિંબજનો જયજયકાર કર્યો. તે સાથે જ લખમણ જેષ્ઠીએ લિંબડાને બાથ ભીડી. મૂળ સાથે તે લીમડો ઉપાડીને ફેંકી દીધો. લિંબડાના મૂળમાંથી કાષ્ઠ મૂર્તિ મા લિંબજની નીકળી. જે આજે પણ લિંબજ માતાના મંદિરે હયાત છે. ખૂબજ તાકાત અને જોરકરવાથી લાખા જેઠીનાં આંતરડાં બહાર નીકળી જતાં તે વીરગતિ પામ્યા.

તારં માયાં કામરાજં વારભવં શક્તિ બીજકં
લિંબજાય નમસ્તસ્યૈ સર્વ કામાર્થ સિદ્ધયે ||

નંદા નંદિની દુર્ગા લિંબની દેલમાલેશ્રી કૃષ્ણની યોગમાયાઃ
માતંગીમાતા મોઢેરાનાં લિંબજા ગર્વ બાદશાહનો ઉતારતાં !

માલિંબજનું મંદિર એક વિશાળ સંકુલ છે. કીર્તિ તોરણથી શોભતા આ ભવ્ય મંદિરે દાખલ થતાં બંને બાજુ ત્રણત્રણ ગર્ભગૃહવાળાં બે મંદિર આવેલ છે.

મંદિરની પાછળ અગ્નિકોણમાં સુંદર કોતરણીવાળું નાનું સૂર્યમંદિર છે. ડો. સાંડેસરા નોંધે છે કે સૂર્ય મંદિરમાં એક અતિ સુંદર શિલ્પ છે. જે એક જ મૂર્તિમાં વિષ્ણુ, શિવ, બ્રહ્મા અને સૂર્ય ચારે દેવતાઓ છે. મૂર્તિને આઠ હાથ અને ત્રણ મુખ છે.

લિંબજ માતાનો ઉલ્લેખ બ્રહ્મપુરાણમાં છે. લિંબજામાતાનું મંદિર મોઢેરાના સૂર્યમંદિરની સમકાલિન છે. મોઢેરાનું મંદિર ખંડિત છે. જ્યારે આ મંદિર શિખર સાથે અકબંધ અખંડિત. આરક્ષિત છે.

મંદિરમાં મહિષાસુર મર્દિનીનાં શિલ્પો છે. ગામને ગોંદરે બ્રહ્માજીનું મંદિર ખંડેર છે. બ્રહ્માજીની ૪ ફૂટ ઉંચી મૂર્તિ લિંબજ માતાના મંદિરમાં છે.

માતાજીના મંદિરમાં ગર્ભગૃહે હાલ બે મૂર્તિ છે. એક જૂની કાષ્ઠની જે લિંબડો ઉખાડતાં મળેલી છે તે અને બીજી મૂર્તિ કાળી ભદ્રકાળી જેવી આરસની મૂર્તિ છે. જૂની મૂર્તિ ખંડિત થતાં તેને સિદ્ધપુર પધરાવવા લઈજતા હતા તે રથ જોડેલા બળદ એક ડગલું પણ આગળ ન વધ્યા તેથી તે મૂર્તિને પણ નવી મૂર્તિની બાજુમાં રાખી છે.

માતાજીની મૂર્તિને ચાર હાથ છે. માથા પર સર્પની ફેણ છે. ઉપરના જમણા હાથમાં ત્રિશૂળ છે. નીચેનો જમણો હાથ વરદ્‌ મુદ્રામાં છે. ઉપરના ડાબા હસ્તમાં ઘંટ અને નીચેના હસ્તમાં કળશ છે. દેવીના ડાબે જમણે વાદ્ય અને સિંહની પ્રતિમાઓ છે. ઉત્તરાભિમુખ મંદિરના મુખ્ય પ્રવેશદ્વારનાં પગથિયાં પર લખાણ છે પણ અસ્પષ્ટ હોવાથી વાંચી શકાતું નથી. મંદિરના પ્રાંગણમાં લક્ષ્મીનારાયણ, સૂર્યનારાણ અને બ્રહ્માના મંદિરો આવેલાં છે.

લીમ્બજા માતાના મુખ્ય મંદિરની આગળ છત્રી અર્થાત્‌ ચાર સ્થંભવાળો મંડપ છે. આ મંડપ નીચે રામનવમી, અષાઢી બીજ અને નવરાત્રી જેવા તહેવારોએ હોમહવન થાય છે. મુખ્ય પ્રવેશદ્વાર પાસે મોઢેરા સૂર્યમંદિરમાં આવેલ કીર્તિસ્થંભ જેવો સ્તંભ આવેલો છે. તેના પર ઘસાઈ ગયેલો શિલાલેખ છે. મંદિરની પશ્ચિમ બાજુએ લાખાજી જેઠીની સ્મૃતિમાં બનાવેલો સ્તંભ ઊભો છે. મંદિરની બહારની બાજુએ ભોજન શાળાના આગળના ભાગમાં પરલી-પલ્લી માતાજીનો રથ રાખવાનો વિશાળ ઓટલો દેખાય છે. અહીં રાખેલો રથ ચૈત્ર સુદ સાતમના રોજ અહીંથી નીકળી ગામ બહાર આવેલ પરલી માતાજીના મંદિર સુધી વાજતે ગાજતે જાય છે. આ ધાર્મિક ઉત્સવ પ્રસંગે માનવ મહેરામણ ઉમટી પડે છે. જ્યેષ્ઠી સમાજના ભાઈબહેનો આ અવસરે ભૂજ, વડોદરા, જામનગર, ઉદેપુર, દિત્રોલી, ચિત્રોડ, ઊંઝા, પાટણ વગેરે નગરોમાંથી માતાજીના રથના દર્શન કરવા માટે આવે છે.

લિંબજ માતા જ્યેષ્ઠિ મલ્લોના કૂળદેવી છે અને આ શિવાય કચ્છમાં વસતાં ‘આલ’ નૂખ-શાખાના રબારીઓ પણ લીમ્બજા માતાને પૂજતા આવ્યા છે. કચ્છમાં ભાદરોઈ, ટટપર, દુધઈ, મેઘપર વગેરે જગ્યાએ માતાજીનાં મંદિર બંધાવેલાં છે. લોકજાતિઓની ધાર્મિક આસ્થા આજેય એવી ને એવી અકબંધ છે.

લિંબજ માતા ગુજરાતમાં ઘણા બધા નામે ઓળખાય છે જેમકે લિંબજા માતા, લિંબચ માતા, લિંબોજ માતા વગેરે જે પ્રાંત પ્રમાણે અપભ્રંશ થયેલા છે.

તો મિત્રો આ હતો શ્રી લિંબજ માતા મંદિર- દેલમાલનો પૌરાણિક ઇતિહાસ જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રી સ્તંભેશ્વર મહાદેવનો પ્રાચીન ઇતિહાસ

– ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?

– તિલકનું વિજ્ઞાન

– શ્રી બળિયાદેવનું મંદિર – પોર

– શ્રી ઘંટાકર્ણ મહાવીર – મહુડી

– શ્રી ઉષ્ણ અંબા માતાજી મંદિર- ઉનાઇ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!