શ્રી બ્રહ્માજી મંદિર અને ખેડબ્રહ્માનો ઇતિહાસ

અરવલ્લીની ગીરીમાળાની નજીકમાં પુરાતન બ્રહ્મક્ષેત્ર તરીકે વેદ સમયમાં ઓળખાતું અને શ્રી આદ્યશક્તિ અંબાજીના નિજ પ્રગટ સ્થાન તરીકે પરિચિત ખેડબ્રહ્મા નામનું નગર આવેલું છે. ગામની બિલકુલ મધ્યમાં શ્રી બ્રહ્માજીનું ખુબ જ પુરાતન મંદિર આવેલું છે.

ઈડરે પંચરત્ના ભૃગુ, બ્રહ્મા ગદાધર
ચતુર્થ કળનાથ, પંચમે ભૂવનેશ્વર.

અર્થ એ થાય કે ઈડર સ્ટેટમાં પાંચ મહત્વનાં ધર્મસ્થાનો આવેલાં હતાં.

પહેલું – ખેડબ્રહ્મા પાસે બ્રહ્માજી મંદિર
બીજું – ખેડબ્રહ્મા પાસે ભૃગુ ઋષિ આશ્રમ
ત્રીજું – ગદાધર એટલે કે શામળાજી મંદિર
ચોથું – ઈડરના પ્રખ્યાત ઈડરીયા ગઢ પાછળ આવેલું કળનાથ ઉર્ફે કષ્યનાથ મંદિર
પાંચમું – ભુવનેશ્વર મહાદેવ

પુરાણોમાં વર્ણવ્યા પ્રમાણે બ્રહ્માનો જન્મ શેષશાયી વિષ્ણુની નાભીમાંથી ઉત્પન્ન થયેલા કમળમાંથી થઇ છે. તેઓ વેદોનાં પિતા છે અને જન્મથી જ મહાન વિદ્વાન છે, તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું અને જગતને વેદોનું જ્ઞાન આપ્યું. કમળ ખુલતાજ તેમણે પોતાની આજુબાજુ શું છે તે જોવા ચારે દિશામાં માથુ ફેરવ્યું તેથી તેમના ચારે દિશામાં ચાર મુખ છે, જેથી બ્રહ્માને ચતુર્મુખ બ્રહ્મા પણ કહેવામાં આવે છે. ઘણી વખત એક હરોળમાં ચાર મસ્તક વાળી છબીઓ જોવા મળે છે, જે ખરૂં નથી.

khedbrahma-brahma-temple

ઇતિહાસ એવું કહે છે કે આખા ભારત દેશમાં શ્રી બ્રહ્માજીના પુરાતન ફક્ત બે જ મંદિર આવેલ છે એક શ્રી પુષ્કરજીમાં તથા બીજું ખેડબ્રહ્મામાં છે જેમાં બ્રહ્માજીની મૂર્તિ પૂરી છ ફૂટની છે તેમજ તેની આજુબાજુશ્રી ગાયત્રી માતા તથા શ્રી સાવિત્રી માતાની મૂર્તિઓ પણ પૂર્ણ કદની છે. સદીઓથી આ મંદિરનો વહીવટ તેમજ સેવા પૂજા અહીંના શ્રી ખેડાવાળ ભીંતર બ્રાહ્મણ સમાજ કરતો આવ્યો છે. મંદિરના આગળ વિશાળ પુરાતન વાવ આવેલી છે જેને બ્રહ્માજી વાવ તરીકે લોકો ઓળખે છે જેની અંદર બ્રાહ્મણોના તથા હમ્મડ જૈની જેટલી ગોત્ર દેવીઓના કલાત્મક ગોખ આવેલા છે.

લોકવાયકા પ્રમાણે ભગવાન શિવના લગ્ન સ્થળે રહેલા દેવતાઓ જ્યારે મા પાર્વતીને દેવી સ્વરૂપને નમ્યા ત્યારે તેજોમય સ્વરૂપને જોઇને ભગવાન બ્રહ્માના મનમાં બે ક્ષણ પુરૂષ સહજવૃત્તિઓ ઉમટી પણ બ્રહ્માજી સતેજ થઇ વિચારને હાંકી કાઢ્યો હતો.

Brahmaji_Temple_of_Khedbrahma8

વૈચારિક સખલનને કારણે ઉભી થયેલી ગ્લાનીમાંથી મુક્ત થવા ભગવાન વિષ્ણુને ઉપાય પૂછ્યો ભગવાને કહ્યું જંબુદ્વિપમાં ભરત ખંડનામના વિસ્તારમાં બ્રહ્મપુર નામના સ્થાનમાં જઇને યજ્ઞ કરો બ્રહ્માજીએ આ સ્થળે યજ્ઞ કર્યો. પરંતુ અનેક વિનવણી છતા સાવિત્રી દેવી આવ્યા નહી. છેવટે બ્રહ્માજી કે કાર્યકારણ સ્વરૂપ એક તણખલામાંથી કન્યા ઉત્પન્ન કરી જે ગાયત્રી દેવી કહેવાયા. ગાયત્રી દેવી બ્રહ્માજીની સાથે યજ્ઞમાં બેઠા તેવા વખતે ગુસ્સો ઓછો થતા સાવિત્રી દેવીના સાનિધ્યમાં યજ્ઞ પુરો કર્યો.

આ યજ્ઞ કાર્ય માટે જે બ્રાહ્મણો અહિ આવી વસ્યા તેમણે બ્રહ્માજીને વિનંતી કરી આપ દેવલોકમાં પરત જશો. પરંતુ આપનું સ્વરૂપ અમને આપો એટલે બ્રહ્માજીએ પોતાની ૬૪ મુખી પ્રતીમા બ્રાહ્મણોને આપી જે આ મંદિરમાં સ્થપાઈ. કાળક્રમે સતયુગ પછીના યુગમાં બ્રાહ્મણોની શક્તિ ક્ષીણ થતી ગઇ એટલે બ્રાહ્મણો એ ભગવાનને અલ્પ સ્વરૂપ આપવા કહ્યું એટલે બ્રહ્માજીએ ૩૨ મુખવાળી પ્રતિમા આપી આમ છેવટે ૩૨માંથી ૧૬ અને ૧૬માંથી ૮ થઇ ૮માંથી ૪ સ્વરૂપવાળી મૂર્તિ થઇ જેની નિયત પુજા થાય છે.

★ ખેડબ્રહ્મા નાના-અંબાજી

ખેડબ્રહ્મા ખાતે નાના-અંબાજી તરીકે જગવિખ્યાત અંબાજી માતાનું મંદિર આવેલું છે. તેમાય આ પવિત્ર ભૂમિ પર યજ્ઞ કરવા માટે બ્રહ્માજી વતી વિશ્વકર્માએ જે જગ્યાએ સોનાના હળથી ખેડ કરી હતી. તે જગ્યા બ્રહ્માની ખેડ તરીકે ઓળખાય છે. અને કાળ ક્રમે તે આજનું ખેડબ્રહ્મા યજ્ઞમાં વિઘ્ન નાખનાર મહિષાસુર રાક્ષસનો મા આદ્ય શકિત જગદંબાએ વધ કર્યો હતો. અને ત્યાર બાદ બ્રહ્માજીની વિનંતિથી માતાજીએ કાયમ માટે ખેડબ્રહ્મામાં વાસ કર્યો હતો. મા આદ્ય શકિત અંબાના જુદા જુદાવાર પ્રમાણે માતાજીની સવારી બદલાય છે.

18033005_1009153092550416_7946153460085443900_n

દર પૂનમે કમલા સ્વરૂપે ખેડબ્રહ્મા માતાજીના દર્શન કરવા દૂર દૂરના શહેરો અને ગામડામાંથી હજારો શ્રધ્ધાળુઓ માઈ-ભકતો દર્શને ઊમટી પડે છે.ખેડબ્રહ્માના સુપ્રસિધ્ધ યાત્રાધામ નાના-અંબિકા માતાજી મંદિરે પોષી પૂનમે મા અંબાનો જન્મ દિવસ હોઈ સમ્રગ મંદિર પરીસરને ભવ્ય રોશની અને ફુલોના હારથી શણગારી સુશોભિત કરી મંદિરના ચાચરચોકમાં વહેલી સવારથીજ કડકડતી ઠંડી પડતી હોવા છતાં સવારથીજ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળે છે.

બોલ માડી..અંબે..જય..અંબે.. જયકારા સાથે પૂનમના દિને હજારો શ્રધ્ધાળુઓ મા ના દર્શન કરી શ્રી ફળ -પ્રસાદ -ચૂંદડી માતાજીને ચઢાવ્યાઅને પ્રદક્ષિણા ફરી અંબાના ચરણોમાં માથું નમાવી પોષી પૂનમની લીધેલી આખડીઓ લઈ અન્નકૂટ અને નવચંડી યજ્ઞના દર્શન કરે છે.

બ્રહ્માજીના મંદિર પાસે ૬૦૦ વરસ જુની વાવ જોવા મળે છે. આ વાવ અંગે કોઈ દંતકથા જાણવા મળતી નથી ,૧૪ મી સદી દરમિયાન જૈન અને બ્રાહ્મણોએ આ ચાર માળની આ વાવ બનાવી હતી. આજે પણ આ વાવ માં ૨૭ ગોખ મોજુદ છે, પરંતુ ગોખમાં એક પણ દેવ- દેવીઓની મૂર્તિ જોવા મળતી નથી. જેમાં ૬૦ પગથિયા છે. પ્રવેશ દ્વાર પૂર્વ માં છે.

Brahma_Vaaav_Khedbrahma

બ્રહ્માની વાવ

★ અન્ય સ્થળો

અહીં લોકકથાઓ અને પૌરાણિક કથાઓ સાથે સંકળાયેલ ભૃગુઋષિ આશ્રમ અને શિવાલય આવેલું છે. એક દંતકથા અનુસાર, બ્રહ્માના પુત્ર ભૃગુઋષિએ શિવને પ્રસન્ન કરવા અહીં તપસ્યા કરી હતી.

નદીકિનારે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર, ક્ષીરજામ્બા મહાલક્ષ્મી મંદિર અને પાક્ષેન્દ્રનાથ (પંખેશ્વર) મહાદેવનું મંદિર પ્રાચીન મનાય છે. નગરની ઉત્તરે આવેલ મહાવીર સ્વામીનું જૈન મંદિર ૫૦૦ વર્ષ જુનું છે.

Kashi_Vishwanath_Mahadev_Temple_Khedbrahma_Gujarat

કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર

અહી હિરણાક્ષિ, ભીમાક્ષી અને કોસાંબી એમ ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ આવેલ છે જે આગળ જઈને હરણાવ નદી બને છે. આગળ જતા હરણાવ નદી સાબરમતીમાં મળે છે. આ નદી નગરને ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વહેંચે છે. હરણાવ નદી પહેલાં હિરણ્યાક્ષ અથવા હરણી નદી તરીકે જાણીતી હતી.

★ ખેડબ્રહ્માનો ઇતિહાસ

પદ્મપુરાણ મુજબ આ સ્થાન સતયુગમાં બ્રહ્મપુર, ત્રેતાયુગમાં અગ્નિખેત, દ્વાપરયુગમાં હિરણ્યપુર અને કળિયુગમાં તાલુખેત તરીકે ઓળખાતું હતું. પુરાતન બ્રહ્મક્ષેત્ર મુજબ અહી દિગંબર જૈન મંદિરો હોવાનો ઉલ્લેખ મળે છે. અહીંનો ઇતિહાસ ૧૨મી સદીથી જાણી શકાય છે જ્યારે બ્રહ્માનું મંદિર અને અંબિકા મંદિર કદાચ બાંધવામાં આવ્યા હતા. બ્રહ્મા વાવ આશરે ૧૪મી સદીમાં બંધાયેલી હતી.

ભૂતકાળમાં અહીં ફેબ્રુઆરી માસમાં મોટો મેળો ભરાતો હતો જેમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી લોકો આવતા હતા. કાઠિયાવાડના વેપારીઓ હરણાવ નદીના દક્ષિણ કાંઠા પર હાટડીઓ લગાવીને અફીણ, કપડાં, તાંબાના વાસણો, આભૂષણો, કરિયાણું અને ઘોડાઓનો વેપાર કરતા હતા. આ મેળો પંદર દિવસ ચાલતો હતો. તેમાં લગભગ લાખ રૂપિયાનો વેપાર થતો હતો. ઇડર રાજ્યના રાવ કાલિનમલ (લગભગ ૧૬૩૦)ના સમયમાં અંધાધૂધી વ્યાપતા આ મેળાનું મહત્વ નષ્ટ પામ્યું.

બ્રિટિશ શાસન સમયે ખેડબ્રહ્મા ૧૯૩૩ સુધી મહી કાંઠા એજન્સી હેઠળ હતું અને ત્યારબાદ સાબર કાંઠા એજન્સીમાં આવ્યું. ૧ સપ્ટેમ્બર ૧૯૪૩ના રોજ સાબર કાંઠા એજન્સીને પૂર્વ કાઠિયાવાડ એજન્સીમાં વિલિન કરી દેવાઇ, જે પછી ૧૯૪૪માં પશ્ચિમ ભારત રાજ્ય એજન્સીમાં ભળી ગઇ અને ૧૯૪૭માં તે બરોડા, પશ્ચિમ ભારત અને ગુજરાત રાજ્ય એજન્સી બની. ભારતની સ્વતંત્રતા પછી મુંબઈ રાજ્યમાં વિલિન થઇ અને ખેડબ્રહ્માનો સમાવેશ સાબરકાંઠા જિલ્લામાં થયો. ૧૯૬૦માં મુંબઈ રાજ્યનું વિભાજન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થતા, સાબરકાંઠા ગુજરાતનો ભાગ બન્યું.

જ્યાં કાશી વિશ્વનાથ નો વાસ
ને બ્રહ્માજી નો કાયમ આવાસ
વિશ્વ જનની માં અંબા બિરાજે
ખેડબ્રહ્મા નો અનેરો સહવાસ

હરણાવ કિનારે વસનારા લોક
પુણ્યકર્મે વખણાયા ચોફેર જો
પૂનમ ના મેળે મહાલવા સાટું
દર્શને આવ્યા દુરથી નરનારી જો

એવું ખેડ વસતું હૈયે સૌને એવું
ઉત્સવો નું આનંદ ધામ જાણે
વેપારી હોય કે ખેડૂત નો દીકરો
માને છે વિષ્ણુ નું વૈકુંઠ જાણે

એવા ખેડબ્રહ્મા ને ઝાઝેરા વંદન
અંબા મંદિર ને શત શત વંદન.
– ભાવેશ પ્રજાપતિ

આ પૌરાણિક સ્થળ મુલાકાત લઇ સૃષ્ટિના સર્જનહારના દર્શન કરવો એક લ્હાવો છે, તો જીવન માં એક વખત ખેડબ્રહ્માની મુલાકાત અચૂક લેજો

જગતપિતા બ્રહ્માજીને કોટી કોટી નમન..

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રી સ્તંભેશ્વર મહાદેવનો પ્રાચીન ઇતિહાસ

– શ્રી શનિદેવ મંદિર શિંગણાપુરનો ઇતિહાસ

– શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ- તરણેતર

– શ્રી બળિયાદેવનું મંદિર – પોર

– શ્રી ઘંટાકર્ણ મહાવીર – મહુડી

– શ્રી ઉષ્ણ અંબા માતાજી મંદિર- ઉનાઇ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

Facebook Comments
error: Content is protected !!