ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 9

? સોલંકીશિરોમણી –

? આટકોટના યુધ્ધમાં મુળરાજે જામ લાખા ફુલાણીનો અને ગ્રહરિપુનો વધ કર્યો એ સાથે મુળરાજની સત્તા મધ્યભારતમાં સર્વોપરી થઇ પડી. ચાવડાવંશનો અસ્ત થવાથી ગુજરાત પર ઘણા રાજવીઓ ડોળા માંડીને બેઠા હતાં. હવે એ બધાંને ગુજરાત પર વિજય મેળવવાની તાલાવેલી જાગી.

? એ વખતે અજમેર અને તૈલંગણના લશ્કરોએ એક સાથે ગુજરાત પર મુળરાજ સોલંકીને રોળવા માટે ચડાઇ કરી. તૈલંગણની સેનાની કમાન સેનાપતિ બારપના હાથમાં હતી. એક સાથે બે ભયંકર શત્રુઓનો સામનો કરવો મુળરાજ માટે અશક્ય હતો.

? આથી મુળરાજ અણહિલપુરથી નાસી ગયો અને છેક કચ્છના કંથકોટના કિલ્લામાં જઇને ભરાણો. જ્યાં થોડા વર્ષો પછી પાટણપતિ ભીમદેવ પણ ગઝનીના મહેમુદની દરિયા જેવડી સેનાથી બચવા માટે આશરો લેવાનો હતો….! કંથકોટના કિલ્લામાં રહીને સુરક્ષિત રીતે સામનો કરી શકાય એવી એ કિલ્લાની ભુગોળ હતી.

? અહિં આવીને અજમેર અને તૈલગંણના લશ્કરોએ ઘેરો ઘાલ્યો. એ વખતે ચોમાસુ બેસી ગયેલું. મુળરાજને હતું કે,અજમેરનું લશ્કર ચોમાસામાં વિષમ પરિસ્થિતીથી કંટાળી જતું રહેશે. પણ એવું ના થયું. લશ્કર પડ્યું જ રહ્યું. આસો મહિનો આવ્યો અને નોરતાની શરૂઆતમાં તેણે તૈયારી કરીને આક્રમણ કરવાની શરૂઆત કરી….! હવે અજમેરના લશ્કરની આ અવળચંડાઇ મુળરાજને ભારે પડી શકે તેમ હતી. તો પેલી બાજુ તૈલંગણનો સેનાપતિ બારપ પણ જેટલો હિસ્સો મળે એટલો લેવા ટાંપીને જ બેઠો હતો….! અને મુળરાજ આ બંનેને તો કોઇ રીતે પહોંચી શકે એમ નહોતો.

? આખરે શરૂઆતથી જ ચાલબાજીઓ અને સામ, દામ, દંડ અને ભેદ ગમે તે રીતે પોતાનું ધાર્યું કરાવવા માટે નામચીન એવા મુળરાજે અજમેરના રાજા સાથે મસલત કરી. ઘણી સમજાવટ બાદ મુળરાજે એને ધન આપીને રવાના કરી દીધો….! આજે જેમ “કટકી” વડે ગમે તે કરી શકાય એ રીતનો પ્રયોગ મુળરાજે કરી બતાવ્યો….!

Gujaratno itihas 9

? અજમેરના લશ્કરની વિદાય પછી મુળરાજે સૈન્ય પુર્ણરૂપે સંગઠિત કરીને બમણાં જોરથી એકદમ આક્રમક રીતે બારપની સેના પર હલ્લો બોલાવ્યો. આ યુધ્ધમાં બારપ મરાયો અને તૈલંગણની સેના રોળાણી અને ભાગી ગઇ….! મુળરાજે એક કાંકરે બે પક્ષી પાડ્યા.

? હવે મુળરાજનું સામ્રાજ્ય પ્રબળ રીતે વિસ્તર્યું. આબુના પરમાર રાજાએ એનું આધિપત્ય સ્વીકાર્યું. મારવાડ પંથક એની શેહમાં આવ્યો. કચ્છ કબજે થયું. સોરઠ પર ડંકા વાગ્યા અને દક્ષિણમાં નર્મદા અને ખંભાત સહિત છેક સહ્યાદ્રીની પહાડીઓ સુધી સોલંકીઓનો કુકુરધ્વજ લહેરાવા લાગ્યો.

? આટકોટ વિજય પછી મુળરાજે સોમનાથની યાત્રા કરેલી, એ વખતે તેમણે જીતેલું ઘણું દ્રવ્ય ભગવાન સોમનાથને શરણે ધર્યું હતું. સોરઠના રાજા ગ્રહરિપુને આટકોટમાં રોળ્યો જ હતો. કહેવાય છે કે,ગ્રહરિપુ સોમનાથના યાત્રાળુઓ પાસેથી ખંડણી લેતો એથી પણ મુળરાજે તેને હરાવ્યો હતો.

? ધીમે-ધીમે મુળરાજને ઘડપણના વર્તાવ દેખાવા લાગ્યા. આખી જીંદગી કરેલા કુટકર્મોનો હવે પસ્તાવો થવા લાગ્યો. એ માટે કોઇ ધાર્મિક ક્રિયા અને દાન-પુણ્ય કરવાની અને સંસારમાંથી મન ઉથાવી બાકીનું જીવન ધર્મકાર્યમાં ગાળવાની મુળરાજને ઇચ્છા થઇ. તેણે હવે લગભગ રાજ્યનો બધો કારભાર પોતાના પરાક્રમી પુત્ર ચામુંડને સોંપી દીધો અને બાકીના દિવસો હવે શ્રીસ્થલી અર્થાત્ સિધ્ધપુરમાં ગાળવા લાગ્યો.

? શ્રીસ્થલી અર્થાત્ સિધ્ધપુર ભારતના પવિત્રત્તમ સ્થળોમાંનુ એક મનાય છે. કોટેશ્વરથી આરાસુરના પહોડામાં થઇને પશ્ચિમે કચ્છના રણમાં જતી કુંવારીકા નદી સરસ્વતીના કાંઠે તે વસેલું છે. સિધ્ધપુર પાસે થોડા અંતરમાં સરસ્વતી પૂર્વ તરફ વહે છે અને આથી સરસ્વતીનો આ ભાગ અતિ પવિત્ર મનાય છે. એ ભાગ પર આવેલ સિધ્ધપુર [ શ્રીસ્થલી એનું પ્રાચીન નામ છે. ] પણ એટલે જ અતિ પવિત્ર છે. ભારતમાં ગયા જેવા પવિત્ર સ્થળો પર પિતૃશ્રાધ્ધનો અનેરો મહિમા છે. પણ આખા ભારતમાં માતૃશ્રાધ્ધ માત્રને માત્ર એક જગ્યા પર થાય છે અને તે એટલે – સિધ્ધપુર ! કહેવાય છે કે –

“ગયાજીથી સ્વર્ગ એક જોજન દુર છે, પ્રયાગથી સ્વર્ગ અડધો જોજન દુર છે જ્યારે સિધ્ધપુરથી સ્વર્ગ માત્ર એક હાથના અંતરે છે….!”

? આવા પ્રાચીનત્તમ સિધ્ધપુરમાં મુળરાજે પોતાના અંતિમ દિવસોમાં ભગવાન શિવની આરાધનાના પ્રતિક સમાન રૂદ્રમહાલય બંધાવવાનો શરૂ કર્યો. પણ મુળરાજ એને પુરો ન કરી શક્યો. એના અનુગામીઓ દ્વારાએ પૂર્ણ કરાયો અને નિખારાયો. આજે પણ તેના રાક્ષસી ખંડેરો સિધ્ધપુરમાં જોઇ શકાય છે. મુળરાજ શિવનો પરમભક્ત હતો.

? અંતિમ દિવસોમાં મુળરાજે બ્રાહ્મણોને દાન દેવા શરૂ કર્યા. વિશાળ સંખ્યામાં બ્રાહ્મણવર્ગ પાસે તે પૂજન-અર્ચન કરાવતો અને દાન-દક્ષિણા આપતો. આ ઉપરાંત તેણે પ્રયાગ,ગયા,વારાણસી અને નૈમિષારણ્ય જેવા ઉત્તર ભારતના સ્થળોએથી મોટી સંખ્યામાં બ્રાહ્મણોને ગુજરાતમાં આમંત્રિત કર્યા. તે બધાંને દાનમાં ગામો આપ્યાં. સિધ્ધપુર પણ આ બ્રાહ્મણોને મુળરાજે દાન કરી દીધું. આ ઉપરાંત સિહોર થતાં સ્તંભતીર્થ [ ખંભાત ] અને અન્ય સ્થળો પણ આ બ્રાહ્મણોને મુળરાજે દાન કરી દીધાં. આથી ઉત્તર ભારતના આ બ્રાહ્મણો ગુજરાતમાં જ વસી ગયાં. આ બ્રાહ્મણો એટલે “ઔદિચ્ય બ્રાહ્મણો”….! ગુજરાતમાં ઔદિચ્ય બ્રાહ્મણોને લાવવાનું શ્રેય મુળરાજને જાય છે.

? આજે સિધ્ધપુરમાં જે વહોરા કોમના મુસ્લીમો જોવા મળે છે એ બધાં ઔદિચ્ય બ્રાહ્મણો હતાં. જેને અલાઉદ્દીન ખીલજીએ વટલાવીને મુસ્લીમ બનાવી નાખેલા.

? અંતે આમ ધર્મકાર્યમાં પ્રવૃત રહીને શિવની આરાધના કરતો રહીને મુળરાજ અવસાન પામ્યો. એક વાયકા મુજબ તે જીવતેજીવ અગ્નિસ્નાન કરીને મર્યો હતો.

? મુળરાજ પર માળવાના પરાક્રમી રાજા મુંજે આક્રમણ કર્યું હોવાની વાત પણ છે. જેમાં મુળરાજ ભૂંડી રીતે હાર્યો હતો અને મારવાડના વેરાન વગડાઉ રણોમાં પાણી..પાણીના પોકારો કરતો રઝળ્યો હતો.

? અલબત્ત, નિ:સંદેહ મુળરાજ સોલંકીવંશનો આદ્ય હતો અને વનરાજ ચાવડા દ્વારા સ્થપાયેલ અણહિલવાડના સીમાડા વિસ્તારવામાં તેમણે કમર કસી હતી. આમ,બેશક તે “સોલંકીશિરોમણી” હતો.

[ ક્રમશ: ]

[ અનુસંધાન આગળના ભાગમાં….. ]

– Kaushal Barad.

ગુજરાતનો ઇતિહાસ ભાગ- 1
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 2
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 3
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 4
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 5
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 6
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 7
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 8

જો તમે આવીજ અન્ય માહિતી જેમકે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો.

error: Content is protected !!