ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 2

? વલ્લભી વેરણ થઇ –

ગુપ્તયુગનું શાસન નબળું પડતા તેના ગુજરાતના સુબા ભટ્ટાર્કે ગુપ્તોનું આધિપત્ય ફગાવી ૪૭૫માં પોતાને ગુજરાતનો સર્વસત્તાધીશ જાહેર કર્યો.અને આજના ભાવનગરના વળાં પાસે આવેલ વલ્લભીપુરમાં પોતાની ગાદી સ્થાપી ગુજરાત પર મૈત્રકવંશનો આરંભ કર્યો.મૈત્રક વંશ લાગલગાટ છેક ૭૮૮ સુધી ચાલ્યો.ભટ્ટાર્ક પછી વલ્લભીની ગાદી પર સત્તર રાજાઓ થયાં જેમાના છેલ્લા સાત શિલાદિત્યો તરીકે ઓળખાતા. મૈત્રક શાશન ખુબ શક્તિશાળી હતુ.મૈત્રકો એ વલ્લભીમાં એક મહાવિદ્યાપીઠ ની પણ સ્થાપના કરી જેની તુલના નાલન્દા વિશ્વવિધ્યાલય સાથે થતી હતી.એ હતી “વલ્લભી વિદ્યાપીઠ.”વલ્લભી નગરની મહત્તા ત્યારે ચરમસીમા પર હતી.ગગનચુંબી પ્રાસાદોથી આ નગર શોભતું.અવિરત પણે તેના શિવમંદિરોમાં ઓમકારના ધ્વનિ ઉઠતાં.મૈત્રરો શિવના પરમ ભક્ત હતાં.વળી તેમણે બૌધ્ધ અને જૈન ધર્મને પણ આશરો આપેલો.

જ્યારે વલ્લભી પર મૈત્રકો શાસન કરતા ત્યારે ઉત્તર ભારતમાં મહાન સમ્રાટ હર્ષવર્ધન નો ઉદય થયો. હર્ષનો મોટો ભાઇ રાજ્યવર્ધન થાનેશ્વર [ હાલના કુરુક્ષેત્ર ]માં એક નાના ગણતંત્ર કમ રાજ્યતંત્ર માં રાજ્ય કરતો હતો.હર્ષવર્ધને આ નાના થાનેશ્વર ને છેક પંજાબ અને મધ્યભારત સુધી વિસ્તાર્યુ. અને ત્યાંના લોકોએ તેને પોતાના સમ્રાટ તરીકે સ્વિકાર્યો પણ ખરો. માત્ર સોળ વર્ષની નાની વયે તે રાજા થયો અને મહાન વહિવટકાર તરીકે ઉભરી આવ્યો. તેની વિજય યાત્રા ને નર્મદાના ઉત્તર તટે , વાતાપી [ હાલના બદામી ]ના રાજા પુલકેશી બીજાએ અટકાવી અને હર્ષવર્ધને નર્મદા ને પોતા ના સામ્રાજ્ય ની સરહદ તરીકે સ્વિકારી લીધી. . તે પોતાની રાજધાની કનોજમાં લઈ ગયો.તેણે બંગાળના શશાંક ને પણ હરાવ્યો અને પુર્વપંજાબ તથા ઓરિસ્સા પણ કબજે કર્યુ. તે મહા પરાક્રમી સમ્રાટ હતો.તેણે સમગ્ર ઉત્તર ભારત કબજે કર્યુ હતુ.તેથી સ્વાભાવિક રીતે જ મૈત્રકો એની એડી નીચે હતાં.ઇ.સ. 647 માં હર્ષનુ અવસાન થયુ.તેના અવસાન પછી તેનુ સામ્રાજ્ય નબળુ પડતું ગયું અને બહુ ઝડપથી વિખરાઈ ગયું.અસંખ્ય નાના નાના રાજ્યો અસ્તિત્વમાં આવી ગયાં. ગુજરાતના મૈત્રકો એમાં વધુ બળવાન હતાં.

જ્યારે વલ્લભી પર ગુર્જરસમ્રાટ શિલાદિત્ય – ૭મો બિરાજતો હતો ત્યારે મારવાડના પાલી નામના એક નાનકડા શહેરમાં એક વાણિયાના બે દિકરાઓ રહેતાં હતાં.મોટાનું નામ કાકુ અને નાનાનું નામ પાતાલ.કાકુના ઘરમાં દારૂણ ગરીબી આંટો લઇ ગઇ હતી,જ્યારે પાતાલ પોતાના ધંધામાં સારી જમાવટથી શ્રીમંત હતો.આથી કાકુ પાતાલના ઘરે કામ કરતો.વળતર પેટે તેને બે ટંકનું ખાવાનું અને મહેનતાણું મળી રહેતું.

Gujarat itihas-2

એક વખત કાકુએ કામમાં કાંઇક ગફલત કરી.પાતાલે એને ઠપકો આપ્યો.આથી કાકુનું મન દુભાયુ.પોતાના ઘર પરીવારને લઇ તે નીકળી પડ્યો.ફરતાં-ફરતાં વલ્લભી આવ્યો અને નગરદરવાજાની બહાર ભરવાડોના નેસ હતાં તેની બાજુમાં ઝુંપડી બાંધીને રહેવા લાગ્યો.તેની પરીસ્થિતી અત્યંત કંગાળ હોવાથી લોકો એને ‘કાકુ રંક’ તરીકે બોલાવતા.પણ….આ રંકનું ભાગ્ય હવે પલટવાનું હતું.

એવું કહેવાય છે કે ગિરનારથી આવતા એક સાધુએ કાકુને કોઇક કારણોસર સિધ્ધરસની તુંબડી આપી.સિધ્ધરસ એટલે લોઢાને સોનું બનાવી દેતું પ્રવાહી.અને પછી કાકુનું ભાગ્ય ફરી ગયું.રાતોરાતને કરોડપતિ બની ગયો.એણે પોતાની ઝુંપડી સળગાવી દીધી અને નગરમાં વિશાળ ભવન બનાવી રહેવા લાગ્યો.

પણ કાકુમાં ખાનદાનીનો અભાવ હતો.તેણે ગરીબોને લુંટવા માંડ્યાં.શાહુકારીના ધંધામાં તેણે ઘણાંય રાંક લોકોના ખોરડાં વેંચાવ્યાં.આમેય બેઇમાન પૈસો આવે ત્યારે ભેગો પાપની ગાંસડી પણ બાંધતો જ આવે છે.કાકુ પણ એમાંથી બાકાત ના રહ્યો.

વાત આગળ વધે છે.કાકુને એક દિકરી હતી.તેને તે અતિશય ચાહતો.કાકુએ તેને વાળ ઓળવા સોનાની કાંસકી લઇ આપેલી.એક વખત એ છોકરી એ કાંસકી વળે વાળ ઓળતી હશે ત્યારે વલ્લભીરાજ શિલાદિત્ય-૭માંની પુત્રીએ તેને જોઇ.રાજકુમારીને કાંસકી ગમી ગઇ.તેણે જઇને શિલાદિત્ય પાસે એ કાંસકીની જીદ પકડી.શિલાદિત્ય ગયો કાકુ પાસે અને તેને એ કાંસકી આપવા જણાવ્યું.કાકુએ ચોખ્ખી ના પાડી.આથી શિલાદિત્ય ગુસ્સે ભરાયો અને તેણે બળજબરીથી કાંસકી ઝુંટવી લીધી.કાકુના ક્રોધનો પાર ન રહ્યો.તેણે પ્રતિજ્ઞા લીધી કે – વલ્લભીપુરને એક દિવસ ભંગારવાડો ના બનાવું તો હું કાકુ વાણિયો નહિ.

કાકુ પ્રતિશોધની ભાવનામાં આંધળો બન્યો.અને સિંધના મ્લેચ્છ રાજા પાસે ગયો.જઇને વલ્લભીપુરની સમૃધ્ધિની વાતો કરી.મ્લેચ્છ રાજાના મોંમા આવી સમૃધ્ધિની વાતો સાંભળી પાણી આવ્યું.હજારોની સેના લઇ તેણે વલ્લભી પર ચડાઇ કરવા કુચ આદરી.

દદુંભિ ગગડ્યાં.નોબતે દાંડીના ઘાવ પડ્યાં.વલ્લભી અને સિંધની ફોજો આથડી.ઘમાસાણ યુધ્ધ થયું.પણ સિંધની દરિયા જેવડી સેના સામે શિલાદિત્યની ફોજનું શું ગજું ? શિલાદિત્ય મરાયો.અને જોતજોતામાં ભુખ્યા દીપડાઓની ક્રુરતાથી મ્લેચ્છ ફોજે વલ્લભીપુરને પીંખી નાખ્યું.શિવાલયોને ધમરોળી નાખ્યાં,બૌધ્ધ મઠોને નષ્ટ કર્યા,હવેલીઓમાં આગ ચાંપી.એક સમયનું દુનિયાભરમાં ગાજતું વલ્લભીપુર સળગતું ખંડેર બન્યું,જાણે લવકારા નાખી ખાવા ધાતું હોય એમ !

કાકુને આના બદલાનાં શું મળ્યું ? આશા તો ઘણી હતી એને કે હવે વલ્લભીપુરની ગાદી મારી જ છે પણ મ્લેચ્છોએ એને મૃત્યુદંડ આપ્યો ! એવા વિશ્વાસઘાતી માટે મોટામાં મોટી ભેટ બીજી હોય પણ કઇ ?આખરે તો કોઇનું કાંઇ સધર્યું નહિ,ખાટી ગયાં મ્લેચ્છો.

આજે વલ્લભીના કોઇક અગમ દેખાતાં ખંડેરો જોતાં ફરી એ વલ્લભી યાદ આવે – સમૃધ્ધિની સેજમાં આળોટતું….અને તરત જ બીજું ચિત્ર દેખાય – આગની જ્વાળાઓમાં લપેટાતા વલ્લીભીપુરના કરૂણ ચિત્કારનું !

[ ક્રમશ : ]

[ વધુ ગુજરાતનો ઇતિહાસ ભાગ- 3 ભાગમાં….. ]

– Kaushal Barad.

ગુજરાતનો ઇતિહાસ ભાગ- 1

જો તમે આવીજ અન્ય માહિતી જેમકે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો.

error: Content is protected !!