ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ – ૧

ઇતિહાસ મળવાની શરૂઆત થાય છે એ મુજબ ગુજરાત પર સર્વપ્રથમ શાસન કરનાર વંશ હોય તો એ ભગવાન ક્રિષ્નનો યાદવવંશ હતો અને એ અર્થમાં “દ્વારિકા” ગુજરાતની પ્રથમ રાજધાની કહી શકાય. જો કે,ગુજરાતનો જન્મદાતા ‘ગુર્જર’ શબ્દ છેક સોલંકીકાળમાં ચલણમાં આવ્યો ! ભગવાન વાસુદેવ પ્રભાસ પાટણ ખાતે પોતાનો દેહત્યાગ કરે ત્યારબાદ યાદવો માંહોમાંહ લડીને ખપી જાય છે.”યાદવાસ્થળી” પછી છેક મૌર્યકાળ સુધીનો ઇતિહાસ અજાણ છે. આટલા વર્ષો ગુજરાત પરની રાજકીય ઉથલપાથલ વિશેની જાણકારી મળતી નથી.

પણ મૌર્યકાળથી સારી રીતે ઇતિહાસના પાનાં પ્રકાશ્યા છે. એ અનુસાર ઇ.સ.પૂર્વેની ચોથી સદીથી લઇને ઇ.સ.ની પ્રથમ સદી સુધી ગુજરાત પર મૌર્યવંશનું શાસન હતું.મહામાનવ વિષ્ણુગુપ્ત ચાણ્કયની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યએ જરાસંઘના નંદવંશના મુળીયા ઉખેડી મગધ મધ્યે પાટલીપુત્રને રાજગાદી બનાવી પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.ભારતનું એ કદાચ સૌથી મહાન સામ્રાજ્ય ગણી શકાય કે જેના ઝંડા પશ્વિમમાં કંદહાર,કાબુલથી લઇને ઇરાનના સીમાડા સુધી લહેરાતા હતાં ! અને પૂર્વમાં બર્મા,ઇન્ડોનેશિયા અને બ્રહ્મદેશ ( મ્યાનમાર )માં તેની ફોજો આંટા મારતી હતી ! ઉત્તરમાં હિમાલય અને દક્ષિણનો ઘણોખરો ભાગ પણ ખરો જ.આજના અફઘાનિસ્તાનના ખૈબર અને બોલન જેવાં ભારતના પ્રવેશદ્વાર ગણાતા ઘાટો પર તેની ચોકીઓ હતી.ઇશાનની ખોફનાક અને ગગનચુંબી હિંદુકુશની પહાડીઓ પર તેની ‘ગાર્ડ પોસ્ટ’ સદાયે ખડે પગે તૈનાત રહેતી અને આખા એશિયાખંડ પર ચાંપતી નજર રાખતી.

ઇ.સ.પૂર્વે ૩૩૬માં સિકંદર વિશ્વવિજય કુચમાં પોતાની સમંદર જેવી વિશાળ સેના લઇ કેટલાય દેશોને રગદોળતો ભારત આવ્યો ત્યારે ચંદ્રગુપ્ત મૌર્યના હાથે તેણે ધોબીપછાડ ખાધી ! વિશ્વજ્ઞાની ચાણ્કયએ તેનું સપનું રોળી નાખ્યું.અંતે,નિરાશ પાછો ફરતો રાજ ફિલિપનો પુત્ર બેબિલોનની ભુમિ પર મૃત્યુ પામ્યો.ખરેખર,અખંડ ભારત એ હતુંં !

Gujaratno itihas 1

? ગુજરાત પર પણ મૌર્યરાજ હતું.મગધ વતી તેમના સુબાઓ અહીં રાજ કરતા.ત્યારે ગુજરાતની રાજધાની ગિરીનગર ઉર્ફ ગિરનાર હતી.ગિરનારનું સુદર્શન તળાવ આ જ વખતે અસ્તિત્વમાં આવ્યું હતું. ચંદ્રગુપ્ત પછી તેનો પુત્ર બિંદુસાર અને પછી તેનો ચક્રવર્તી સમ્રાટ અશોક મગધના ગાદીપતી થયા.અશોક પણ એવો બાહુબલી સમ્રાટ હતો.ભારતભરને તે પોતાના સૈન્યબળે ધ્રુજાવતો.પણ કલિંગના યુધ્ધમાં એણે કરેલા નરસંહાર પછી તેનો આત્મા ઘવાયો અને પછી તેણે કદી હિંસા ન આચરવાની પ્રતિજ્ઞા લઇ બૌધ્ધ ધર્મ અપનાવ્યો.ભારતખંડમાં માટે તે સૌથી મોટી કરુણતા હતી કે પોતાનો સૌથી મહાન ચક્રવર્તી સમ્રાટ જ પોતાના હાથોમાં બંગડીઓ પહેરે ! બૌધ્ધ ધર્મ પાળ્યો એ બરોબર પણ એમાં એ ભારતખંડના મહારાજાધિરાજ તરીકેની ફરજ ચુકી ગયો.રાજા કદાપિ અહિંસક ના જ રહી શકે, જો તેણે રાજ્ય ચલાવવું હોય તો હિંસા આચરવી જ પડે.ચાણ્કય જીવતા હોત તો એને શું થાત એતો કોઇ કહી શકે એમ નથી !

અશોક પછી ગુજરાત પર ત્રીસ વર્ષ મૌર્યવંશનું શાસન રહ્યું અને જેવી આ વંશની તાકાત નબળી પડી એવા વિદેશીઓના ધાડાં ચડી આવ્યાં. ગુજરાત પર વિદેશી ક્ષત્રપવંશનું શાસન શરૂ થયું.આ ક્ષત્રપો ખરે જ ભયંકર હતાં. એ બૌધ્ધ ધર્મની દિક્ષા લેતા અને પોતાના નામો એ પ્રમાણે રાખતા.આમ કરીને તેઓ ભારતની પ્રજામાં આવકાર મેળવતા.પછી ભારતીય સંસ્કૃતિને વીંછીઓની જેમ ફોલી ખાતા ! યજ્ઞો બંધ કરાવતા,પુજાવિધી પર પ્રતિબંધ મુકતા,વેદો ખોલવાની જ મનાઇ કરી દેતાં !

ગુજરાત પરના ક્ષત્રપ શાસનમાં પણ તેની રાજધાની ગિરનાર જ રહેલી.રૂદ્રદામન આ વંશનો સૌથી તાકતવર રાજવી હતો.ગિરનારમાં અશોકની જેમ તેના શિલાલેખ પણ આવેલા છે.ક્ષત્રપોએ ઘણાં વર્ષો શાસન કર્યું.આમેય મૌર્યવંશ પછી ભારત પર વિદેશીઓના આક્રમણથી બધું ડામાડોળ થઇ ચુક્યું હતું. ભારતના કોઇ રાજવીની એકહથ્થુ સત્તા નહોતી.

અને આવી અંધાધુંધીમાં ચંદ્રગુપ્ત પહેલાંએ પાટલીપુત્રમાં પોતાની રાજગાદી સ્થાપી અને પરિણામે ભારતભરમાં ફરી એકવાર એકહથ્થુ સત્તા સ્થપાઇ.ગુપ્તવંશનો ઉદય થયો.પરિણામે ગુજરાતમાં પણ તેના સુબા નિમાયા.ભારત ફરી એકવાર પોતાના બળ પર વિશાળ સામ્રાજ્યની રચના કરવા સક્ષમ થયું.ચંદ્રગુપ્ત પછી એનો પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો અને ભારત સોળેકળાએ પ્રકાશ્યું.વિદેશીઓને હવે ભાગવાને પણ રસ્તા ના રહ્યાં. સમુદ્રગુપ્ત ખરા અર્થમાં મહારાજાધિરાજ હતો. માત્ર ભુમિ પર નહિ, લગભગ હિંદ મહાસાગર પર તેના વિશાળ નૌકાસૈન્યના ભગવા લહેરાતા હતાં. તેના પછી તેનો પુત્ર ચંદ્રગુપ્ત બીજો ભારતનો સમ્રાટ બન્યો. મોરના ઇંડાને ચીતરવા થોડા પડે ! દીકરો બાપ કરતા સવાયો થયો.તેણે “વિક્રમાદિત્ય” નામ ધારણ કર્યું.અને ભારતને સંપૂર્ણવિદેશી શાસનરહિત બનાવવા ‘સ્વચ્છ ભારત અભિયાન’ ચલાવ્યું. જે ખરા અર્થમાં સંપૂર્ણ સફળ થયું. શકો અને હુણોને તેણે મારી-મારીને તગેડ્યાં. હવે ખરા અર્થમાં વિદેશીઓ “શકારિ”નું નામ સાંભળતા ફફડી ઉઠતા. [ શકારિ – શકોને હણનાર.ચંદ્રગુપ્ત શકારિ કહેવાયેલો ]તેણે પોતાને નામે “વિક્રમસંવત” શરૂ કર્યો, પણ દુર્ભાગ્યે એ ભારતનું રાષ્ટ્રીય પંચાંગ નથી. એ તો ‘શકસંવત’ છે, ભારતીય સંસ્કૃતિને ફોલી ખાનાર શકોએ શરૂ કરેલ એ ! આમેય ભારતને ગુલામીમાં રહેવાની આદત છે. આજેય ઘણાંને અંગ્રેજોનું શાસન ગમે છે તો એતો બહુ દૂરની વાત થઇ !

[ ક્રમશ : ]

[ વધુ ગુજરાતનો ઇતિહાસ ભાગ- 2 માં….. ]

– Kaushal Barad.

જો તમે આવીજ અન્ય માહિતી જેમકે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો.

error: Content is protected !!