ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 8

? રાખાઇશ સોલંકી –

? રાજ સોલંકી અને લાખા વચ્ચે અણબનાવ થતા અંતે શરતચુકથી લાખાની તલવાર રાજ સોલંકીનો જીવ લે છે.અને એ વાત પર લાખો બહુ અફસોસ કરે છે.

? એ ઘટનાને વર્ષો વીતી ગયા છે.આટકોટમાં રાંયાજીને તેજસ્વી કુંવર અવતર્યો જેનું નામ રાખ્યું – રાખાઇશ સોલંકી ! હવે તો એ કિશોરાવસ્થા વટાવીને જુવાનીના ઉંબરે પગ મુકવા જઇ રહ્યો હતો.મામા લાખાએ એને શસ્ત્રવિદ્યામાં નિપુણ બનાવ્યો હતો.એને કોઇ વાતની કદી ખોટ પડવા દીધી ન હતી.લાખાનો હુકમ હતો કે,કોઇએ ભાણેજને જુની વાત કહેવી નહિ ! અને કહેશે તે જીવથી હાથ ધોઇ બેસશે.પણ રાખાઇશની આંખો બાપને શોધતી હતી.બધાંને બાપ છે અને પોતાને જ નહિ !

? એક દિવસ રાખાઇશ ધુંવાપુંવા થતો રાંયાજી પાસે ગયો અને રાંયાજીને કહ્યું કે મને સાચી વાત જણાવ માં ! બાકી તું મને મરેલો દેખે.આખરે રાંયાજી રાખાઇશને બધી વાત કહે છે.રાખાઇશને ખબર પડે છે કે,પોતાના બાપને મારનારને આશરે જ તેઓ જીવી રહ્યાં છે ! એ નિશ્વય કરે છે – પોતાના બાપના મારતલનું વેર લેવાનો ! એ વખતે રાંયાજી કહે છે કે,બાપનું વેર લેવા જતાં લુણહરામી ન થતો ! અર્થાત્ બાપનું વેર લેવાનું હતું અને પોતે આટલા વર્ષ જેનું અન્ન ખાધું છે એવા મામાનો આશરાધર્મ પણ નિભાવવાનો હતો ! બંને કામ એકસાથે કરવાના હતાં !

? એક રાતે ગઢમાં બધાં પોઢી ગયા એ પછી રાખાઇશ તૈયાર થઇને ઘોડારમાં જાય છે.ઘોડારના ચોકીદારને લાખાની માનીતી ઘોડી “ફુલમાળ”ને બહાર લાવવા કહે છે.ચોકીદાર ન માનતા ધમકી આપે છે.આખરે ફુલમાળ પર પલાણ કરીને રાખાઇશ સોલંકી અણહિલપુર રવાના થાય છે !

? અણહિલપુરમાં હવે મામા સામંતસિંહ ચાવડાને હઠાવીને મુળરાજ ગાદી પર આવ્યો હતો ! ઇતિહાસકારોના કહેવા મુજબ સામંતસિંહ અફિણનો વ્યસની,રોગી,આળસુ અને કાયર હતો.તે રાજ ચલાવવામાં વનરાજ કે તેના અનુગામીઓ જેવો નિપુણ નહોતો.મુળરાજે તેની હત્યા કરીને અણહિલપુરની ગાદી કબજે કરી લીધી હતી.લશ્કરને તો એમણે ક્યારનું વશ કરી લીધેલ.આમ,અણહિલપુર પર ચાવડાવંશો અસ્ત થયો અને સોલંકીવંશનો ઉદય થયો.એ વખતે બીજ સોલંકી પણ હવે અણહિલપુરમાં જ રહેતો હતો.

? કહેવાય છે કે,મધરાતને ટકોરે રાખાઇશ અણહિલપુરના ગઢમાં ઘોડી દાખલ કરે છે અને હાકલ મારે છે.બીજ અને મુળરાજ ઉઠે છે.નીચે પટાંગણમાં ઉભેલા રાખાઇશને તેઓ અવાજથી જ ઓળખે છે.એકબીજાને સાંભળીને ખુશ થાય છે.પણ રાખાઇશ થોડો અહિં ખુશ થવા આવ્યો હતો ! એ તો આવ્યો હતો બાપનું વેર લેવાનું આમંત્રણ આપવા !

? રાખાઇશ મુળરાજને કહે છે કે,સોમવારે ભાદરને કાંઠે શિવાલયમાં મામા પૂજા-અર્ચના કરવા આવે છે તે દિવસે ફોજ લઇને ચડી આવજે ! હું મામાની આગળ રહીશ અને લાગ આવશે તો તને પણ કટકેય નહિ મૂકુ ! મુળરાજની આનાકાની છતાં સોગંદરૂપી પડકાર આપીને રાખાઇશ આવ્યો હતો તેવો જ અંધારામાં ઓઝલ થઇ જાય છે.

? હજી પ્રભાતના દોરા ફુટે એ પહેલાં જ લાખાની ફુલમાળ આખો સોરઠ અને ઝાલાવાડ પંથક કાપીને આટકોટના ગઢમાં દાખલ થઇ જાય છે ! ખાસદાર તેને નવડાવીને હતી તેવી તાજીમાજી કરી દે છે.પણ સવારના પહોરમાં આવીને લાખો જુએ છે તો ઘોડીના કાનની અંદર તેને ધુળ બાજેલી જોવા મળે છે.ચતુર લાખો પામી જાય છે કે,આ ધુળ સોરઠની નથી….! આખરે ખાસદાર ડરથી એને બધું કહી દે છે.લાખાને કાવતરાની ગંધ આવી જાય છે !

? સોમવારને દિવસે ભાદરને કાંઠે શિવાલયમાં લાખો પૂજા કરવા જાય છે.ભાણેજ રાખાઇશની યુધ્ધની તૈયારી હોય તેવા નિશાન જણાતા તે આખા લાવ-લશ્કરને સાથે લઇ લે છે.શિવાલયમાં આવી લાખો ભગવાન શિવની પૂજા કરે છે.રાખાઇશ મામાના બખ્તર અને હથિયાર સાચવતો બહાર બેઠો છે….!

? બરાબર એ વખતે પાટણના સોલંકીઓની તલવારો ઝળહળી ઉઠે છે.પાટણનું લશ્કર કુચ કરતું આવી પહોંચે છે.જામ લાખાની સેના પણ તૈયાર હોય છે.બંને વચ્ચે તુમુલ યુધ્ધ જામે છે.સામસામે સોલંકીઓ અને જાડેજાઓની તલવારો લબકારા લેવા માંડે છે.લોહીની નદીઓ વહેવા માંડે એવો દારૂણ નરસંહાર થાય છે.મુળરાજની ફોજ આગેકુચ કરતી આવે છે.એ વખતે લાખો અચલિત-એકધ્યાન ભગવાન શિવ સન્મુખ નિયમ મુજબ “વિલ્લોલવીચી વલ્લરી…..”ના સ્ત્રોત ઉચ્ચારતો હોય છે.

? આખરે લાખો ઉઠે છે.રાખાઇશ તેને બખ્તર પહેરાવે અને શસ્ત્ર આપે છે.પછી મામો-ભાણેજ યુધ્ધમાં ઝંપલાવે છે….!રાખાઇશ લાખાની આગળ રહીને લાખા પર કરાતા પ્રત્યેક ઘા પોતાની છાતી પર ઝીલતો આવે છે.એમ કરતા કરતા મુળરાજના હાથી આગળ તેઓ આવી પહોંચે છે.રાખાઇશ મુળરાજ તરફ સાંગ ફેંકે છે અને મુળરાજ છટકી જઇ લાખા તરફ ભાલાનો ઘા કરે છે.લાખાને વાગતો તે ભાલો રાખાઇશ પોતાની છાતી પર ઝીલી લે છે.અને અભિમન્યુ સમ દિપતો એ રણમેદાનમાં ઢળી પડે છે.અંતે લાખો પણ પડે છે.અને મુળરાજ સોલંકીનો વિજય થાય છે.સોલંકીઓની ફોજ પાટણનો રસ્તો પકડે છે.

? આટકોટના આ યુધ્ધમાં લાખા ફુલાણીની સહાય માટે જુનાગઢનો ચુડાસમાવંશનો રાજવી રા’ગ્રહરિપુ [ રા’વંશનો સ્થાપક ] પણ આવેલ હોય છે.જે પણ આ ભયાનક યુધ્ધમાં મૃત્યુ પામે છે.

? ખાનદાની અને શુરવીરતા વડે બંને પક્ષ દિપાવનાર રાખાઇશ સોલંકી આજે પણ લોકહૈયે અમર છે.

? ભાદરને કાંઠે ખેલાયેલ આટકોટના આ ભયાનક યુધ્ધને વર્ણવતો એક દોહો –

ઓ ઉડે ગરજાણ ! જેને ગોકીરે ગજબ થયો
હૈડા હાલ્ય મેરાણ ! રણ જોવા રાખાઇશનું

[ અર્થાત્ – રણમેદાનમાં ગીધો ઉડે છે.એની ગર્જનાઓએ ગજબ કર્યો છે.એ રણસંગ્રામ રાખાઇશનો જ હોય શકે.માટે હૈયા ! ચાલ રાખાઇશનો સંગ્રામ જોવા. ]

– Kaushal Barad.

[ ક્રમશ: ]

[ અનુસંધાન આગળના ભાગમાં….. ]

ગુજરાતનો ઇતિહાસ ભાગ- 1
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 2
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 3
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 4
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 5
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 6
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 7

જો તમે આવીજ અન્ય માહિતી જેમકે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો.

error: Content is protected !!