ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 5

? વનરાજના અનુગામીઓ –

? વનરાજ અણહિલવાડને બેશક નોંધપાત્ર સામ્રાજ્ય બનાવીને મૃત્યુ પામ્યો. એણે વસાવેલ રાજ્યના સીમાડાઓ આજના ગુજરાતના લગભગ દરેક ખુણા સુધી વિસ્તરેલા હતાં. ઉત્તર ગુજરાત પર એની સર્વોપરી સત્તા હતી. એના પછી એનો પુત્ર યોગરાજ ચાવડા અણહિલપુરની ગાદી પર આવ્યો.

? એવું કહેવાય છે કે યોગરાજ ઉદાર અને સર્વગુણસંપન્ન રાજા હતો. તેની પ્રજા પર તે કદિ અન્યાય ના કરતો. રૈયત પૂર્ણરૂપે સુખી રાખવી એ તેનું લક્ષ્ય હતું. યોગરાજના સમયમાં અણહિલવાડથી પ્રજા સમૃધ્ધ હતી અને વનરાજે વસાવેલ અણહિલપુર પાટણ અત્યાર સુધીમાં તો ગુજરાતનું સુંદરત્તમ નગર બની ચુક્યું હતું. સરસ્વતીના નીરમાં તેના મહેલોના પ્રતિબિંબો પડતાં ત્યારે મનભાવક નજારો ઉપજતો. વળી,જૈન દેરાસરોનો પણ ઠઠારો હતો. શિવાલયોની આરતીઓ સવાર-સાંજ નગરને પવીત્રતા બક્ષતી.

? એક વખતની વાત છે. સોમનાથ બંદરે દુરના વેપારીઓના જહાજો નાંગર્યા. જહાજોમાં કિંમતી ખજાનો ભર્યો હતો. મહારાજ યોગરાજના કુંવર ક્ષેમરાજે રાજની મનાઇ હોવા છતાં પોતાના સાથીઓને લઇ તે ખજાનો લુંટી લીધો. અને આમ પોતાને આશરે આવેલા મહેમાનોનું અપમાન કર્યું. [નોંધ – પંચાસરમાં રાજ્ય નહોતું તે પહેલાં ચાવડાઓ દરિયામાં ચાંચિયાગીરીનો ધંધો કરતા. વહાણોને લુંટી લેતા. પરીણામે લોકો આ જુથોને “ચૌરા” અર્થાત્ ચોરોના ટોળાં તરીકે ઓળખતા. કાલક્રમે તેમણે આ ધંધો મુકી દીધો અને ચૌરાનું અપભ્રંશ “ચાવડા” થયું. આજે ક્ષેમરાજે ફરી એ આ વાતની યાદ અપાવી હતી !] આ વાતની ખબર યોગરાજને પડી. તેના ક્રોધનો પાર ન રહ્યો. ક્ષેમરાજને બોલાવી તેણે ઠપકો દીધો –

Gujarat itihas-5

“તે મેં કરેલા બધા સારા કાર્યો પર લાંછન ફેરવી દીધું. હું માંડ આપના પૂર્વજોએ કરેલા કૃત્યો વિસરાવી દેવા માંગતો હતો ત્યાં તે ફરી એવું કરીને મારી મહેનત ધોઇ નાખી.”

એવું કહેવાય છે કે પોતાના પુત્રની હલકટ પ્રવૃતિઓને પ્રતાપે યોગરાજ જાતે ચિતા પર ચડીને બળી મૂઓ. જ્યારે પોતાની આજ્ઞાઓનું ઉલ્લંઘન પોતાના પુત્રો દ્વારા જ થાય પછી એ રાજાને જીવવું ઝેર સમાન છે.

? યોગરાજ પછી એનો પુત્ર ક્ષેમરાજ ગાદી પર આવ્યો. જે હલકટાઇ વૃતિઓ ભરેલા કાર્યો કરતો રહેતો. યોગરાજની ભલમનસાઇ પર તેણે પાણી ફેરવી નાખ્યું હતું. તેને કોઇ સાથે સારા સબંધો નહોતા. વળી,પોતાનું ધાર્યું કરતા તેને કોઇ રોકી શકે તેમ નહોતું. છતાં પોતાના સામ્રાજ્યને યોગ્ય સીમાડે મુકી તે રાજ્ય કરી ગયો.

? ક્ષેમરાજ પછી તેનો પુત્ર ભુવડ [ અથવા શ્રીભુવડ ] ગાદીએ બેઠો. તેણે શાંતિથી અને યોગ્ય રીતે રાજ્ય કર્યું. તેના રાજભાર દરમિયાન અણહિલવાડ શાંતિથી જીવતું હતું. એવું કહેવાય છે કે તેના પર કોઇ હલ્લો થયો નહોતો કે તેણે કોઇ પર આક્રમણ કર્યું નહોતું.

? ભુવડ પછી એના પુત્ર વૈરીસિંહએ અણહિલવાડ પર રાજ કર્યું. તેણે નાના-મોટા ઘણા યુધ્ધો કરેલા. પિતાની જેમ તેના ભાગ્યમાં શાંતીથી જીવવાનું આવ્યું નહોતું. લગભગ બધાં યુધ્ધમાં તે જીત્યો હતો.અને એવું કહેવાય છે કે આની પાછળ તેના બુધ્ધિમાન પ્રધાનનો હાથ હતો. અને ચોખ્ખી વાત છે કે એવા પ્રધાન વિના યુધ્ધવિજય શક્ય નથી. જેમ ભીમદેવ પાસે દામોદર મહેતા અને જયસિંહ પાસે મુંજાલ મહેતા હતાં ! પણ અહિં વૈરીસિંહનો એવો પ્રધાન કોણ હતો તે વિશે ઇતિહાસના પાનામાં ઉલ્લેખ નથી.

? વૈરીસિંહ બાદ એનો પુત્ર રત્નાદિત્ય ગાદીપતી થયો. એ પણ યોગ્ય રાજવી હતો એવું ઇતિહાસ કહે છે.

? અને રત્નાદિત્યનો પુત્ર એટલે સામંતસિંહ, ચાવડાવંશનો અંતિમ રાજા. તે શરાબી, મનમાની કરનાર અને આળસુ રાજવી હતો એવું કહેવાય છે. અને આ જ રાજવીને પ્રતાપે એક મહાનવંશ ગુજરાતની ભુમિ પર અવતરવાનો હતો ! અને એની શરૂઆતમાં ગમે તે રીતે પણ સામંતસિંહ નિમિત્ત બનવાનો હતો ! આખરે એ વંશ અસ્તિત્વમાં આવવાનો હતો જેની કિર્તીની નોંધ આખા ભારતે લેવી પડી હતી.

[ ક્રમશ : ]

[ વધુ આગળના ભાગમાં….. ]

– Kaushal Barad.

ગુજરાતનો ઇતિહાસ ભાગ- 1
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 2
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 3
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 4

જો તમે આવીજ અન્ય માહિતી જેમકે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો.

error: Content is protected !!