ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 4

? ગુર્જર સામ્રાજ્યનો જ્યોતિર્ધર: વનરાજ ચાવડો –

? પંચાસરમાં ભુવડ સામે લડતાં લડતાં જયશિખરી હણાયો અને આ બાજુ તેની ગર્ભવતી રાણી રૂપસુંદરીને લઇને બનેવી સુરપાળ નીકળી પડ્યો. દુર જંગલોમાં બહેન રૂપસુંદરીને ગુપ્ત સ્થળે મુકીને સુરપાળ ભુવડને હેરાન કરવા બહારવટે ચડ્યો. ગિરનારની ગોદમાં ગીરના જોરાવર જંગલોમાં તેણે અડ્ડો જમાવ્યો અને ત્યાંથી પોતાના થોડા સાથીદારો સાથે ભુવડને હેરાન કરવા લાગ્યો. જયશિખરીના મોતનો બદલો લેવાનું તે વિસર્યો નહોતો.

? જ્યારે બીજી બાજુ પંચાસરથી થોડે દુરના જંગલોમાં મહારાણી રૂપમતી એકલી વિસરતી હતી. ક્યાં રાજમહાલય ને ક્યાં આ અરણ્યો ! હમણાં સુધી રંગમહાલયોમાં મહાલતી રૂપમતી હવે અરણ્યોમાં પગે ઉજરળા પાડતી વિસરતી હતી. ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે ! એ બાજુ ભીલોની વસ્તી વધારે એટલે એક ભીલ સ્ત્રીએ રૂપમતીને જોઇ. કોઇ મોટા ઘરની સ્ત્રી હોવાના તેને સંકેત લાગ્યાં માટે તેણે રૂપમતીને પોતાની સાથે પોતાના કબીલારૂપી ગામમાં આવવા કહ્યું. રૂપમતી કબીલામાં ગઇ. કબીલાના ભીલોએ જ્યારે જાણ્યું કે આ તો આપણા રાજના મહારાણી છે ત્યારે તેનો હરખ ક્યાંય સમાણો નહિ. તેઓ તેને બહેન સમજી તેની પુરેપુરી સંભાળ લેવા લાગ્યાં. અંગ ભલે ઉજળા નહોતા પણ મન એકદમ ઉજળા એવા આ ભીલોએ રૂપસુંદરીને કોઇ તકલીફ ના પડે એવી સંભાળ લીધી. આમેય ભીલોમાં રાજવફાદારીનો ગુણ પુરેપુરો હોય છે. પ્રતાપને મહારાણા બનાવવામાં ભીલોનો ફાળો જેવો તેવો નહોતો. હલ્દીઘાટીના યુધ્ધમાં અકબરની સેનાનુ નિકંદન કાઢનાર આ ભીલોનું રૂણ મેવાડ ક્યારેય ના ભુલે અને પરિણામે હજી પણ સિસોદિયા રાજવી ગાદીપતી થાય ત્યારે રાજતિલક ભીલોના હાથે જ થાય છે.

? સંવત ૭૫૨ અને વૈશાખી પુનમના દિવસે રૂપમતીને પુત્ર અવતર્યો અને જાણે ગુર્જરના ભાવિ સમ્રાટનું અવતરણ થયું હોય તેમ એ દિવસે સુર્યમાં પણ મુસ્કુરાતો હોય એવું લાગતું હતું. [ પંચાસરથી થોડેક માઇલ ઉત્તરે ચંદુર નામક ગામમાં વનરાજનો જન્મ થયો હોવાનું મનાય છે. તેનું બાળપણ વનોદ ગામે વીતેલું જ્યાં વનાવી માતાનું મંદિર છે.] દિવસે દિવસ પુત્ર વધવા લાગ્યો. લગભગ છએક મહિનાનો થયો હશે ને એક દિવસ રૂપસુંદરી ઝાડની ડાળીએ હિંચકો બાંધી કુવરને ઝુલાવતી હતી ને શિલભદ્રસુરી નામે એક જૈન આચાર્ય નીકળ્યા. તેણે પુત્રની મુખાકૃતિ જોઇ અને જોતાવેંત સમજી ગયાં કે આ કોઇ તેજસ્વી રાજવી થવાને સર્જાયેલો છે. રૂપસુંદરીને અને ભીલોને સમજાવી તેઓ બાળકને પોતાની સાથે લઇ ગયાં. નામ “વનરાજ” પાડ્યું.[ વનમાં જન્મેલ હોઇ,વનરાજ = વનનો રાજા. ]

? શિલગુણસુરીના અપાસરામાં વનરાજ ઘણો સમય રહ્યો. રાણી રૂપમતી પણ પછી શિલગુણસુરીના આશરે રહેવા લાગ્યા. એવામાં સુરપાળને ખબર મળ્યાં કે બહેનના ઘરે પુત્રજન્મ થયો છે. તે આવ્યો અને જૈનમુનિ અને રૂપસુંદરીને સમજાવી વનરાજને પોતાની સાથે લઇ ગયો. તેને વનરાજમાં ગુર્જરસમ્રાટની છબી દેખાતી હતી. એ માટે ગાઢ અરણ્યોની પહાડીઓમાં તેનું ઘડતર કરવું જરૂરી હતું. ભાણેજને તે પોતાની સાથે લઇ ગયો અને પંચાસર સામે બહારવટું હવે બમણા જોરથી ચાલવા લાગ્યું. મામાએ વનરાજને ગીર અને પાંચાળની ભુમિમાં રખડાવી-ભટકાવી કુશળ બનાવ્યો. તેને તલવારબાજી અને ધનુર્વિદ્યામાં નિપુણ બનાવ્યો અને વનરાજે મામા ભેગા પંચાસરની ભુમિ રગદોળવા માંડી.

? પણ સતત સુખ ક્યાં કોઇના નસીબમાં લખ્યું છે ? એકવાર સુરપાળ પવનવેગે ઘોડો દોડાવતો જતો હતો અને શરતચુકથી એક વિશાળ ઝાડની હેઠે નમેલી જોરાવર ડાળ સાથે તેનું માથું અફડાયું અને ત્યાં જ સુરપાળનું મૃત્યુ થયું. મામાના મોતથી વનરાજને ભારે આઘાત લાગ્યો, તેણે એક વિશાળ છત્રછાયા ગુમાવી દીધી. પણ હજી ક્યાં લક્ષ્ય પૂર્ણ થયું હતું ? હજી એને જોજનો કાપવાના હતાં. એમ નિરાશ થવાથી કાંઇ વળે એમ નહોતું. વનરાજ હવે મોટો થયો હતો અને તેણે કામ પડે મરી ફીટે એવા મિત્રો બનાવ્યાં હતાં. તેના બે મુખ્ય સાગરીતો હતાં – અણહિલ ભરવાડ અને ચાંપો વાણિયો. આ બધાની મદદથી વનરાજે બહારવટું ચાલું રાખ્યું.

? હવે પંચાસર પર ભુવડના અનુગામી રાજાનો કબજો હતો. પંચાસરનો બધો કારભાર કલ્યાણીરાજ વતી ભુવડની પુત્રી મીનળદેવી સંભાળતી. પંચાસરથી કરરૂપે મળેલ બધું ધન મીનળદેવીની આજ્ઞાથી કલ્યાણી પહોંચતું. એકવાર આવો જ એક કાફલો પંચાસરથી ઘણો જ ખજાનો લઇને કલ્યાણી જવા નીકળ્યો. આ વખતે કાફલામાં પુષ્કળ ધન હતું. વનરાજને આ વાતના વાવડ મળ્યા. પોતાના સાગરીતોને લઇ મધ્ય જંગલમાં તેણે કાફલો આંતર્યો. જબરી કાપાકાપી થઇ. આખરે વનરાજની ટુકડીએ બધુ ધન કબજે કર્યું. કહેવાય છે કે એની કિંમત બહુ વિશાળ હતી. આ ધન દ્વારા વનરાજે પોતાનું સૈન્યબળ મજબુત બનાવ્યું અને પંચાસર પર આક્રમણ કર્યું. મોટા પાયે થયેલા આક્રમણથી પંચાસર વનરાજના હાથમાં આવ્યું.આખરે તેણે બહેન,મામા અને પિતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું !

? પંચાસર પર વિજય મેળવ્યો તે પહેલાં ધીમે-ધીમે વનરાજે આખા ઉત્તર ભારત અને બીજા ઘણા પ્રદેશો પર કબજો મેળવ્યો હતો ! એટલે હવે તેનું સામ્રાજ્ય ઘણું વિસ્તર્યું હતું. એટલે પંચાસર હવે રાજધાની તરીકે અયોગ્ય હતું. તેણે અણહિલ ભરવાડને જેની ચારે બાજુ પ્રવેશદ્વાર રાખી શકાય એવો કોઇ ખુલ્લો પટ્ટ, મેદાની પ્રદેશ [ અર્થાત્ પટ્ટણ ] શોધવા કહ્યું જેથી ત્યાં રાજ સ્થાપી શકાય અને કિલ્લો બાંધી શકાય. અણહિલે શોધ આદરી. આખરે સરસ્વતીના કાંઠે તેને એવો પટ્ટણ [ મેદાની પ્રદેશ ] મળ્યો. વનરાજે ત્યાં નગર અને કિલ્લો બાંધ્યા. રાજધાનીને અણહિલ ભરવાડના નામ પરથી “અણહિલપુર પટ્ટણ” નામ આપ્યું અને તેના આખા સામ્રાજ્યને “અણહિલવાડ” તરીકે ઓળખાવ્યું. [પછી કાળક્રમે પટ્ટણનું અપભ્રંશ “પાટણ” થયું.] આ ઉપરાંત પોતાના વણિક મિત્ર ચાંપાના નામ પરથી પાવગઢની તળેટીમાં વસેલા “ચાંપાનેર” શહેરનું નિર્માણ કર્યું.

? પછી તેણે શિલગુણસુરી અને માતા રૂપસુંદરીને અણહિલપુર તેડાવી લીધાં. શિલગુણસુરીના કહેવાથી નગરમાં “પંચાસર પારસનાથ” નામે દહેરું બંધાવ્યું.

? જ્યારે વનરાજ બહારવટું ખેડતો ત્યારે એકવાર એક વણિકના ઘરમાં ચોરી કરવા ગયેલો. અંધારામાં ખાખાખોળાં કરતા તેનો હાથ જુવારની કોઠીમાં પડ્યો. જુવાર,ચોખા કે કોઇ ધાન્ય, મીઠું કે દહીંમાં હાથ પડે પછી સાચા કદરદાન બહારવટીયા એ ઘરનું અન્ન ખાધું સમજી ત્યાંથી એક રતીભર પણ વસ્તુ લઇ જતાં નથી. આથી તે ઘરની વણિકપત્ની શ્રીદેવીને વનરાજે પોતાની બહેન બનાવી. શ્રીદેવીએ વનરાજને જમાડ્યો. વનરાજે વચન આપ્યું કે હું જ્યારે ગાદી પર બેસીશ ત્યારે મારો રાજ્યાભિષેક તારે હાથે થશે. આ વચને વનરાજનો રાજ્યાભિષેક થયો ત્યારે શ્રીદેવીના હાથે રાજતિલક થયું.

? વનરાજે ઇ.સ.૭૪૬ થી ૭૮૦ સુધી રાજ કર્યું. તેનું સામ્રાજ્ય ખરા અર્થમાં વિશાળ હતું. લગભગ આજના ગુજરાત પર તેનું શાસન હતું એ કહેવામાં અતિશયોક્તિ નથી. પોતાના લાંબા શાસનકાળ દરમિયાન તેણે કુશળ રીતે રાજ ચલાવ્યું. વનરાજ ચાવડો અણહિલવાડ સામ્રાજ્યને પગલે આજના ગુજરાતનો પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જ્યોતિર્ધંર હતો.

? જ્યારે અણહિલપુર નિર્માણ પામ્યું ત્યારે વનરાજે જ્યોતિષીઓને તેડાવેલા. તે દિવસે તેમાંના એક જ્યોતિષે આગમ ભાખતા કહેલું કે, આજથી સાડા પાંચસો વર્ષ પછી આ નગરનો બહુ ભયાનક રીતે નાશ થવાનો છે ! કમનસીબે એ ભવિષ્યવાણી સાચી પડવાની હતી !

[ ક્રમશ : ]

[ વધુ આગળના ભાગમાં….. ]

– Kaushal Barad

ગુજરાતનો ઇતિહાસ ભાગ- 1
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 2

જો તમે આવીજ અન્ય માહિતી જેમકે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો.

error: Content is protected !!