★ ભગવાન બુદ્ધ ★

ભારતમાં અવતારવાદનો ખ્યાલ વ્યાપક છે. તેમાં નવ અવતાર જાણીતા છે. છેલ્લા અવતાર તરીકે તથાગત બુદ્ધને સ્વીકારવામાં આવ્યા છે. આગળના તમામ અવતાર દૈવી છે, બુદ્ધ મનુષ્ય છે એ જ તેમનો સૌથી મોટો મહિમા છે. તેમણે દેવ, પુરોહિત કે ગુરુ પાસેથી કશુંય વરદાનરૂપે નથી મેળવ્યું, પરંતુ કઠોર તપ કરીને પ્રજ્ઞાશોધથી, આત્મપરીક્ષણ કરીને બોધિજ્ઞાન મેળવ્યું છે.

ભારતમાં કપિલવસ્તુ નામે નગરની નજીક લુમ્બિની ઉપવનમાં ઇ. પૂ. ૫૬૩માં વૈશાખી પૂર્ણિમાના પવિત્ર દિવસે બુદ્ધનો જન્મ થયો. પિતાનું નામ શુદ્ધોદન અને માતાનું માયાદેવી. તેમના જન્મથી માતાપિતાની ઇચ્છા પૂર્ણ થઇ હોઈ તેમનું નામ સિદ્ધાર્થ પાડવામાં આવ્યું. તેમનું ગોત્રનામ ગૌતમ હોઇ તેઓ એ નામે ઓળખાય છે. રાજ્યના વૈભવશાળી મહેલમાં લગભગ ૨૯ વર્ષ સુધી તેમણે નિવાસ કર્યો. તેમની પત્નીનું નામ યશોધરા તથા પુત્રનું નામ રાહુલ હતું.

સિદ્ધાર્થ શાક્યકુલના રાજા શુદ્ધોદન અને માતા માયાવતીના પુત્ર હતા. જન્મ વખતે ભવિષ્ય ભાખવામાં આવેલું કે આ બાળક મહાન સંન્યાસી કે રાજા થશે. સિદ્ધાર્થ સંન્યાસી ન થાય તે માટે પિતાએ તેમને માટે ત્રણે ૠતુ અનુસારના મહેલ બનાવ્યા હતા. તેમના બાગમાં એક પણ સૂકાયેલું પાંદડું રહેવા દેવામાં ન આવતું. મહેલમાં એક પણ વૃદ્ધ ચાકર નહોતો. યશોધરા નામની સૌંદર્યવતી કન્યા સાથે તેમના લગ્ન કર્યા. સુખ, સમૃદ્ધિ અને ભોગની અસામાન્ય દુનિયા સિદ્ધાર્થ આસપાસ ખડી કરવામાં આવી હતી. આ રચના જ અતિરેકવાળી અને અસ્વાભાવિક હતી.

મૃત્યુ માટેના ચાર નિમિત્તો વાર્ધક્ય, રોગ, મૃત્યુ ને પ્રવ્રજ્યાને જોઇને તેમના મન પર બહુ ઉંડી અસર પડી અને તેમણે આ ક્ષણભંગુર એવા સંસાર-જીવનનો ત્યાગ કર્યો. આ ઘટના મહાભિનિષ્ક્રમણ તરીકે જાણીતી છે. છ વર્ષ સુધી સત્યપ્રાપ્તિ માટે તેમણે કઠોર તપસ્યા કરી. તત્કાલીન સંતપુરુષો તથા દાર્શનિકો એવા આલાર કાલામ અને ઉદ્રક રામપુત્ર જેવા બ્રાહ્મણ વિદ્વાનો પાસે તેમણે દર્શનશાસ્ત્રનો ગહન અભ્યાસ કર્યો. શાંતિની ખોજમાં મગધ પ્રદેશમાં ફરતાં ફરતાં તેઓ ઉરુવેલા સેનાની-નિગમમાં પહોંચ્યા. ધ્યાન માટે આ જગ્યા તેમને ઉત્તમ લાગી. નિરંજના નદીને તીરે પીપળાના એક વૃક્ષ નીચે તેમણે ધ્યાન ધર્યું.

ગૃહત્યાગ પછી સાધનામાં તેમણે ૧૨ વર્ષ ગાળ્યાં. ૨૫૦૦ વર્ષ પહેલાંના ભારતમાં પ્રચલિત તમામ સાધના પધ્ધતિઓમાંથી તેઓ પસાર થયા. પરંતુ જરા-વ્યાધિ-મૃત્યુના વમળમાંથી છોડાવે તેવું સંબોધિજ્ઞાન પ્રાપ્ત ન થયું. તેમની તપશ્ચર્યાનું ચિત્ર તેમણે આપ્યું છે. દેહ કેવળ હાડકાનું માલકું બની ગયો. માથું તૂંબડી બની ગયું. આખા દિવસમાં મગનો એક જ દાણો ખાતા પેટમાં હાથ નાખે તો પીઠ સુધી પહોંચી જતો. આવી ઉગ્ર તપશ્ચર્યા પછી ય ચિત્તશાંતિ મળી નહોતી. એવા તપ વખતે ત્યાંથી કેટલીક કન્યાઓ વીણા વગાડતી વગાડતી ગાતી જઇ રહી હતી. ‘હે ગાયક ! તું વીણાના તાર બહુ તંગ રાખીશ તો તાર તૂટી જશે ને ઢીલા રાખીશ તો વાગશે પણ નહીં.’ એ સાંભલીને સિદ્ધાર્થને થયું કે પોતાની વીણા તૂટી જવાની અણી પર હતી. તેમણે ધીમે ધીમે અન્ન લેવાનું શરૂ કર્યું. તેથી કેટલાય તપસ્વીઓ તેમણે તપોભંગ કર્યો એમ ગણીને તેમને છોડી ગયા. એક દહાડો સુજાતા નામની કન્યાએ આપેલી ખીર ખાધા પછી ઉરુવેલા નામના વનમાં પીપળાના ઝાડ નીચે બેઠા હતા. તે વૈશાખી પૂર્ણિમાની રાત્રી હતી. ત્યાં તેમને બોધિજ્ઞાનનું સ્ફૂરણ થયું. સિદ્ધાર્થ બુદ્ધ બન્યા. ચિત્ત શાંત અને નિર્વિકાર થયું. તેઓ ‘તથાગત’ પણ કહેવાયા. તથ્ય-સત્યને જાણનારા એટલે તથાગત. તથાગતને બોધિજ્ઞાન પ્રાપ્ત થયું તે તત્વ વૈશ્વિક છે.

buddha-03

કિસા ગોતમી એકના એક પુત્રના મૃત્યુથી શોખ વિહ્‌વળ થઇને પુત્રને જીવતો કરવાની માંગણી કરે છે ત્યારે બુદ્ધ મંત્રતંત્ર, યજ્ઞયાગ કે પુર્ન‌જન્મની વાત નથી કરતા. કિસાને સમ્યક્‌ દ્રષ્ટિ મળે તેવો ઉપાય યોજે છે. કહે છે, ‘જેને ત્યાં કોઇનું મરણ ન થયું હોય તેવા ઘેરથી એક મૂઠી રાઈ લઈ આવે.’ દુઃખ-વિહ્‌વળ કિસા ઘરેઘરે ફરી દરેક ઘરમાંથી કોઇને કોઇનું મૃત્યુ થયું હતું. સાંજે પાછી ફરી ત્યારે સ્વતઃ જ્ઞાન લાધ્યું કે મૃત્યુ જીવનનું અનિવાર્ય સત્ય છે. બીજાનાં દુઃખો જોઇને તેનામાં સહાનુભૂતિ જન્મી, તેને જ્ઞાન થયું. પછી તેણે બુદ્ધ પાસે દીક્ષા લીધી.

તેમણે દેહદમનની કઠિન પ્રક્રિયાઓ છોડી મધ્યમમાર્ગનું અનુસરણ કર્યું. ઉરુવેલામાં ઇચ્છાનુસાર વિહાર કરી તેમણે વારાણસી તરફ પ્રયાણ કર્યું. વારાણસીમાં પંચવર્ગીય ભિક્ષુઓને ઉપદેશ આપ્યો. કોલિત અન સારિપુત્ર તેમના પ્રધાન શિષ્યો બન્યા. આનંદ તેમના સેવક-શિષ્ય હતા. ક્ષેમા અને ત્પલવર્ણા તેમની શિષ્યાઓ હતી. કાશી નજીક સારનાથમાં પ્રથમ ઉપદેશ આપી તેમણે ‘ધર્મચક્રપ્રવર્તન’ માટેની કામગીરી શરૂ કરી. સ્વજનોથી માંડીને અનેક લોકોને તેમણે બૌદ્ધધર્મની બનાવ્યા. તેમણે ધર્મપ્રસારમાં ૪૦ વર્ષ પસાર કર્યાં. મગધનો રાજા અજાતશત્રુ તેમનો ભક્ત બન્યો. તેમણે ઉપદેશ આપ્યો કે સ્વસ્થ અને શિસ્તબદ્ધ શરીર વિના બધું જ નકામું છે. જીવન ક્ષણભંગુર છે. સતત ઉત્સાહથી નિર્વાણ માટે મથ્યા રહેવું જોઈએ. મનોનિગ્રહ- આત્મસંયમ અને સદાચારથી મોક્ષ-નિર્વાણ – પ્રાપ્ત થાય છે. મુમુક્ષુએ દેવ, પૂજા કર્મકાણ્ડ કે બીજી માન્યતાઓ, પુરોહિતોની મદદ અથવા દૈવી તત્વોની સહાય ઇત્યાદિ રૂઢ થયેલી ધર્મની બાબતોમાં ચિત્ત પરોવવા કરતાં પોતાની ચિત્તવૃત્તિ ઉપર જય મેળવવો એ વધુ ઇષ્ટ છે. વૈશાલી પાસે કુશીનારા નજીક વૈશાખી પૂર્ણિમાને દિવસે ૮૦ વર્ષની ઉંમરે તેઓ નિર્વાણ પામ્યા.

ભગવાન બુદ્ધે કર્મનો અવિચળ નિયમ લોકોને સમજાવી એક તરફ મોટા મોટા યજ્ઞયાગોનું ધતિંગ બંધ કરાવ્યું તો બીજી તરફ આત્મા-પરમાત્માની શુષ્ક ચર્ચાની પ્રતિષ્ઠા ઓછી કરી. દેહપીડનનો કેફ વખોડ્યો અને વર્ણનો મદ પણ તોડ્યો. સુખલાલસાને લીધી લોકોને પામર થયેલા જોઈ બ્રહ્મચર્ય અને ત્યાગનું મહત્વ લોકોને સમજાવ્યું અને પોતાના ધર્મનું ચુસ્ત રીતે આચરણ કરનાર લોકોનો એક વિશાળ સંઘ બનાવી તેમની મારફતે ભોગ અને ભ્રમથી દૂષિત થયેલા સમાજ ઉપર જાણે આક્રમણ કર્યું. સદાચાર એ જ ધર્મનો પાયો છે, અહિંસા અને ત્યાગની ભાવના એ જ ધર્મનો આધાર છે. એવો લોકભાષામાં ઉપદેશ કર્યો.

બુદ્ધનો મુખ્ય ઉદ્દેશ દર્શનશાસ્ત્ર નહિ, પણ ધર્મનું વિજ્ઞાન શીખવવાનો હોત. જે વિષય પ્રત્યક્ષ નથી તેની મીમાંસા તર્ક દ્વારા કરાવનો શો અર્થ ? દાર્શનિક વિવાદોમાં પડવાનો તેમને અણગમો હતો. ચાર આર્ય સત્યને તેમણે વધુ મહત્વનાં માની તેનો ઉપદેશ કર્યો. ‘આર્ય’ એટલે જેનાં બધાં અકુશલ પાપ-કર્મો દૂર થઇ ગયાં હોય તે. પાપકર્મોથી જે ખૂબ જ દૂર ચાલ્યો ગયેલ છે તે ઉત્તમ શ્રેષ્ઠ અર્હત્‌ને આર્ય કહેવાય. ધમ્મપદમાં આવા આર્યને જ ‘ખરો બ્રાહ્મણ’ કહ્યો છે. ‘સત્ય’ એટલે જેમાં અનુભવનો બાધ ન આવે તે. દેશ, કાળ કે જાતિના મર્યાદિત બંધનથી પર થઇ આધ્યાત્મિક સાધના કરતો પુરુષ તે આર્ય અને તે જેને વફાદારીપૂર્વક અનુસરે તે સત્ય. તે આર્યસત્ય. પ્રથમ આર્યસત્ય તે દુઃખ, બીજું આર્ય સત્ય તે દુઃખસમુદાય અર્થાત્‌ દુઃખનું મૂળ-કારણ, ત્રીજું આર્યસત્ય તે દુઃખનિરોધનો ઉપાય, ચોથું આર્યસત્ય તે દુઃખનિરોધમાર્ગ.

આ ચાર આર્યસત્યનો બૌદ્ધ ધર્મનો પાયો છે, જેનો ઉપદેશ બુદ્ધે વારાણસીમાં પોતાના પહેલાં પાંચ શિષ્યોને કર્યો હતો. બૌદ્ધ ગ્રંથોમાં આપેલ કથાનક અનુસાર બુદ્ધ સમક્ષ બ્રહ્મદેવ પ્રગટ થયા અને તેમનાં ચાર મુખમાંથી જે ચાર મહાસત્યો પ્રગટ થયાં તે ઃ મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. વૈદિક કર્મકાંડ અને હિંસા વિરુદ્ધ બૌદ્ધ ધર્મની સ્થાપના કરવાનું શ્રેય ગૌતમ બુદ્ધને ફાળે જાય છે. અંતે તેમને પુરાણોમાં વિષ્ણુના અવતાર પણ માનવામાં આવ્યા છે.

બૌદ્ધ ધર્મના સમગ્ર વિચારને સૂચવનારા ત્રણ મંત્રોનો પાઠ વારંવાર થાય છે ઃ ‘બુદ્ધં શરમં ગચ્છામિ. સંઘં શરણં ગચ્છામિ. ધરમં શરમં ગચ્છામિ.’ બુદ્ધે ભલે બોધિજ્ઞાન મેળવ્યું હોય પરંતુ બુદ્ધને શરણે જવામાં એક વ્યકિતને શરણે જવાનું છે. પ્રારંભ ભલે ત્યાંથી થાય, પરંતુ ત્યાં અટકી જવાનું નથી, નહીં તો વ્યક્તિપૂજામાં સરી જવાની શકયતા રહે છે. તેથી બીજો મંત્ર આપ્યો, સંઘને શરણે જાઓ. સંઘ એટલે અનેક બુદ્ધોનો સમુદાય. તેમાં વ્યકિતપૂજાની મર્યાદા રહેતી નથી. કોઇ પણ વિચારને વ્યાપક કરવામાં સંઘની જરૂર પડે છે. પરંતુ ગમે તેટલું ઉત્તમ સ્વરૂપ હોય તો પણ સંઘ ક્યારેક સંકીર્ણતામાં સરી પડી શકે. તેથી ધુ્રવતારક તો ધર્મતત્વ જ છે. ‘ધર્મને શરણે જાઓ’ માં જીવનનું પરમ તત્વ, વ્યકિત નિરપેક્ષ કલ્યાણતત્વ સચવાય છે તેની ઉપાસના કરવાની છે.

કોઇની કૃપા નહીં, કોઇ કર્મકાંડ નહીં, યજ્ઞહિંસાથી નહીં, પણ કઠોર આત્મપૃથક્કરણ અને વિવેક દ્વારા ચિત્તને નિર્મળ બનાવીને આત્મદીપ બનવાનું છે. એટલે બૌદ્ધધર્મ જ્ઞાતિ-વર્ણ- સંપતિના ભેદોથી મુક્ત, દૈવવાદથી મુક્ત એવો સર્વજન સુલભ ધર્મ છે. આખા જગતને મૈત્રી અને કરુણાથી એક કરી શકે તેવો આંતરરાષ્ટ્રીય ધર્મ બૌદ્ધધર્મ છે. એટલે ત્યારના પશુહિંસાવાળા યજ્ઞો અને દેવોની કૃપાનો તેમણે ઇન્કાર કર્યો તેમાં કોઇ વચેટિયાની જરૂર ન હતી.

તેમાં જાતિભેદને સ્થાન નથી. તેથી આનંદ અને સારિપુત્ર જેવા રાજકુમારો, અનાથપિંડક જેવા શ્રેષ્ઠીથી લઇને ઉપાલિ જેવો હજામ, આમ્બપાલી જેવી ગણિકા અને અંગુલિમાલ જેવો લૂંટારો બૌદ્ધપથ ગ્રહણ કરી શક્યાં. ચિત્તની નિર્મળતા માટે સાવધતા અને સાધના જ મહત્વની ગણાઇ. બુદ્ધ અને ગાંધીજીનો જ્ઞાતિપ્રથાના નિર્મૂલનનો સંદેશ હજુ અધૂરો જ છે. વર્ણવ્યવસ્થા જન્મને બદલે કર્માનુસાર હોય તેની મહાન પ્રેરણા બુદ્ધે આપી છે. એથી તેમના કાળના શૂદ્રો અને આદિવાસીઓએ તથાગતપંથમાં પોતાની બેડીઓ કપાતી જોઈ હતી, અને એ પંતને અનુસર્યા હતા.

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રી સ્તંભેશ્વર મહાદેવનો પ્રાચીન ઇતિહાસ

– શ્રી શનિદેવ મંદિર શિંગણાપુરનો ઇતિહાસ

– શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ- તરણેતર

– શ્રી બળિયાદેવનું મંદિર – પોર

– શ્રી ઘંટાકર્ણ મહાવીર – મહુડી

– શ્રી ઉષ્ણ અંબા માતાજી મંદિર- ઉનાઇ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!