“ગાય” ગ્રામ્ય જીવનના સ્તંભ- 10

ભુરાભાઈ રબારી,ગામના એકમાત્ર રબારી, ગાયો રાખે, ઢોરની નાની મોટી બિમારીના દેશી ઈલાજે ય કરે ગાય અંગે તેમની જાણકારી ય ભારે..

મેં એકવાર તેમને પુછેલું કે ગાય કેટલા વરસ જીવે?

તેમણે કહ્યુ-ગાય ૨૦થી ૨૪ વરસ, બળદ ૨૦થી ૨૨ વરસને ખુંટ આખલો ૨૦ થી ૨૧ વરસ જીવે છે.

મને પણ રસ પડ્યો.. મેં ગાયો કેટલા પ્રકારની હોય?

જવાબમા કહ્યુ-

ગાય અનેક ઓલાદની હોય તેમાં આપણા વિસ્તારમાં કાંકરેજ ઓલાદ વધારે દેખાય છે.

કાંકરેજ ગાયને ગુજરાતમાં બનીયાઈ તથા વઢીયારી તરીકે પણ ઓળખવામાં આવે છે

પરદેશમાં ગુજરાત ગાય તરીકે ઓળખાય છે.

આ ઓલાદનો મૂળસ્થાપિત વિસ્તાર કચ્છના રણના દક્ષિણ- પૂર્વ વિસ્તાર તથા થરપારકર જીલ્લાના દક્ષિણ પશ્ચિમ થી અમદાવાદ તથા ડીસાથી રાધનપુર છે.

આ ઓલાદ ની ગાયોમાં સફેદ તથા ભૂખરો રંગ જોવા મળે છે. સાંઢમાં શરીર નો આગળનો ભાગ, પાછળનો ભાગ તથા ખૂંધ કાળા રંગની હોય છે. શીંગડાં અર્ધચંદ્રાકાર, કપાળ પહોળું અને રકાબી જેવું હોય છે.

આ ઓલાદ ના વાછરડા ભારવાહક તથા ઝડપી ચાલના લક્ષણો ધરાવે છે. બળદો તેમની સવાઈ ચાલ માટે સુપ્રસિઘ્ધ છે.

આ ગાયોનું દૂધ ઉત્પાદન મઘ્યમકક્ષાનું હોય છે. વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન ૧૫૦૦થી ૪૦૦૦ કિ.ગ્રા.હોય છે.

આ ગાયોના સાંઢ ૩૪ થી ૩પ મહિનાની ઉંમરે સેવા આપવાનું શરૂ કરે છે.

આ ગાયોમાં પ્રથમ વિયાજણની ઉંમર ૪પ-૫૦ મહિના તથા બે વેતર વચ્ચેનો ગાળો ૧૭ થી ૧૮ માસ તથા વસુકેલ ગાળો ૮ થી ૯ મહિના હોય છે.

બીજી એક જાત છે ગીર ગાય

આ ગાયો કાઠીયાવાડી ,ભોડાળી, સોરઠી તથા દેસણ તરીકે ઓળખાય છે.

આ ઓલાદ નું મૂળસ્થાપિત વિસ્તાર ગીર જંગલો છે.

આ ઓલાદ ના પશુઓ બીજા દેશમાં નિકાસ માટે ખૂબ જ પ્રખ્યાત છે.

બ્રાઝીલ દેશમાં આ ઓલાદ ના ધણ જોવા મળે છે. કાંકરેજ અને ગીર ઓલાદ ના સંકરણ થી બ્રાઝીલમાં ઈન્ડોબ્રાઝીલ નામની ઓલાદ ઉત્પન્ન કરવામાં આવે છે.

ગીર ઓલાદ ના પશુઓ રંગે લાલ વધારે પ્રચલિત છે. તેના મુખ્ય લક્ષણોમાં લાંબુ, પહોળું, ઉપસેલું માથું તથા કાન લાંબા – લટકતા હોય છે. શીંગડાં લાંબા-લટકતાં હોય છે.

શીંગડાં બહાર તરફથી નીકળી પ્રથમ નીચે વળી અને પછી પાછળ તરફ થઈને ઉપર તરફ વળેછે.

ગીર ઓલાદ ની ગાયો વધારે દૂધ ઉત્પાદન આપતી ગાયો તરીકે પ્રખ્યાત છે.

એક વેતરનું સરેરાશ દૂધ ૨૦૦૦-૬૦૦૦ કિ.ગ્રા. આપેછે.

પ્રથમ વિયાજણ ની સરેરાશ ઉંમર ૪પ થી પ૫ માસ હોય છે.

બે વેતર વચ્ચેનો ગાળો ૧પમાસ હોય છે. વસુકેલો સમય ૬ થી ૭ મહિના હોય છે.

બળદ ભારવાહક છે પરંતુ ચાલવામાં ધીમી ગતી હોય છે.

ગીર ગાય ગોળ ઉપસેલું કપાળ તથા લાંબા લટકતા કાન ધરાવે છે.

તેનાં શિંગડા વર્તુળાકાર અને પાછળ તરફ વળેલાં હોય છે. તેનો રંગ લાલથી લઇને અને પીળો તથા સફેદ હોય છે.

ગીર ગાયનો વિસ્તાર મુખ્યત્વે ગુજરાત તેમજ પડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાન છે. આ ગાય સરેરાશ ૩૮૫ કિગ્રા વજન તથા ૧૩૦ સેમી ઊંચાઇ ધરાવતી હોય છે.

એક બીજી પણ ઓલાદ ડાંગી ગાય છે.

આ ડાંગી ગાય નું મૂળસ્થાપિત વિસ્તાર ડાંગના જંગલો ઉપરાંત મહારાષ્ટ્રના અહમદનગર તથા નાસિક જિલ્લોમાં જોવા મળે છે.

આ ઓલાદ ના પશુઓ લાલ તથા સફેદ અથવા સફેદ કાળા ટપકાંવાળા જોવા મળે છે.

પશુઓ મઘ્યમ કદના હોય છે. માથું નાનું અને બહાર ઉપસતું હોયછે.

હોઠ મોટા, કાન તથા શીંગડાં નાનાં હોય છે. છે.

આ ઓલાદના પશુઓ મુખ્યત્વે ભારવાહક માટે વપરાય છે.

બળદ લાકડાંની હેરફેર કરવા ઉપયોગી થાય છે. આ વર્ગના પશુઓ મજબુત તથા વધારે વરસાદ સામે ટકી શકે તેવા હોય છે.

ગાયો નું દૂધ ઉત્પાદન ખૂબ જ ઓછું હોય છે. આ હતી ગુજરાતમાં ઝાઝા પ્રમાણમાં પળાતી ગાયો… આ ઉપરાંત ભારતભરની કેટલીક ઓલાદ પણ તને બતાવીશ.. મને તેમની જાણકારી માટે આશ્વર્ય થયું.

હરિયાણવી: દિલ્હીથી મથુરા સુધીના વિસ્તારમાં વિશેષ પળાય છે. પુષ્કળ દૂધ અને ખડતલ બળદ આપે છે.

 ગૌલવ: ખાસ કરીને નાગપુરને વર્ધામાં છે. કદમાં મધ્યમને શક્તિશાળી હોય છે.

થરપારકર: કચ્છ અને રાજસ્થાનના રણ વિસ્તારની ઓલાદની ગાય પુષ્કળ દૂધ, ખડતલ બળદ આપે છે.

નિમાડી: નર્મદા ખીણ પ્રદેશની પુષ્કળ દૂધ આપે છે.

મહેવાતી:- અલવરને ભરતપુરની આ ગાય મધ્યમ દૂધને ખડતલ બળદ આપે છે.

દેવની: ગિર ઓલાદને મળતી આવતી આંધ્ર પ્રદેશની જાત છે. પૂષ્કળ દૂધને ખડતલ બળદ આપે છે.

હળલીકર: મધ્યમ દૂધને બળદ આપતી કર્ણાટકની ઓલાદ છે.

હંસી હરિયાણા: મધ્યમ દુધને સારા બળદ આપે છે.

ઓંગોલ: આ જાત તામિલનાડુની પ્રખ્યાત જાત મધ્યમ દૂધ આપે છે.

શાહીવાલ: પંજાબની મબલખ દૂધ આપતી ઓલાદ છે.

સીરી: હિમાલયના પર્વતીય પ્રદેશની પુષ્કળ દૂધ આપતી ઓલાદ છે..

આ સિવાય ગાયની બીજી પચીસેક જાતો છે. જાંબલ, લાલ, મુંજડી, ગોરિયું, ગડેડ, રેડિયું, ઘેડ, ભાડેર, શેણિયું, પબલિયુ, પાંડેરી, ભટેરુ, ઝાંઝરિયું, હીરાળ, બાહોળ, હરણ્ય, શામળી, ધમણ, લાખેણ, માણેક, સરજુ, સરોડી, બાપુડી, પિછોરી, ઢેલ વિગેરે..

પુરાણોમાં ગાયને ચાર પ્રકારની કહી છે.

કામધેનુ:

કામ એટલે ઈચ્છા અને ધેન એટલે ગાય જે તમામ ઈચ્છા પુરી કરનારી હોય તેવી ગાયને કામધેનુ કહેવાય. કામધેનુ એટલે ઈચ્છિત ફળ આપનારી ઉત્તમ ગુણસંપન ગાય, પોરાણિક કથા પ્રમાણે ૧૪ રત્ન નીકળ્યા તેમામનુ એક રત્ન તે કામધેનુ ગાય.

૨.કપિલા:-

મુખ્ય બે પ્રકારની ગાય છે. ૧.સુવર્ણ કપિલા ૨.શ્યામ કપિલા જે ગાયનો રંગ સોના જેવો ચમકતો હોય તે ગાય સુવર્ણ કપિલા કહે છે. ગીર ગાયમાં સુવર્ણ કપિલાનું સોનેરી મોંઢુ ,સોનેરી આંખો, પીંગળુ પુંછડુને આરસ જેવાં શીંગડાને ખરી હોય છે.

૩.સુરભિ:

સુર એટલે દેવ, જેમાં દૈવી ગુણો હોય તે સુરભિ ગાય. સામાન્ય રીતે કવલી કપિલાને કામધેનુ સિવાયની ગાયો સુરભિ ગણાય છે.

૪.કવલી:-

જે ગાય વાછરડાને જન્મ આપ્યા સિવાય સીધુ જ દૂધ આપવાનું શરુ કરી દે તેવી ગાયને કવલી ગાય કહે છે. હજારો ગાયોમાં આવો એક જ કિસ્સો જન્મે છે. કવલી વરસો સુધી એમ જ દૂધ આપ્યા કરે છે. તે ક્યારેય ગરમીમાં આવતી નથી, ગાભણ પણ થતી નથી.

ગાયની આટલી બધી ઓલાદને પ્રકાર સાંભળીને મને પણ ગાયમાં રસ પડ્યો..

મારાથી પુછી જવાયુ કે આ શંકર ગાયને આપણી ઉપરની દેશી ઓલાદમાં શો ફરક?

તેમણે કહ્યુ:

આપણી ઉપરની ઓલાદને ગાય કહે છે.પણ પરદેશી ઓલાદને કાઉ કહે છે.

મેં જવાબ આપ્યો: ગાયનુ અંગ્રેજી કાઉ છે. તે અર્થ ઘટન ખોટું છે. યુરોપમાં ખરેખર તો ભારતની ગાય જેવા પ્રાણીને COW કહે છે.

ભુરાભાઈએ કહ્યુ એ અમને અભણ ખબર ન પડે.. પણ એટલી ખબર પડે કે ગાયને કાઉમાં શો ફરક છે?

ગાયનો વંશ ખુંધ વાળો છે.

આ ગાયનો વંશ વધુ સમજને સંવેદના ધરાવે છે.

બધાં જ ચોપગાં પ્રાણીઓમાં સૌથી વધારે બુધ્ધિશાળી છે.

તેનામાં પ્રેમને વફાદારી હોય છે. તમે સાંભળ્યું હશે વન વગડામાં કોઈ તેના ગોવાળ પર હુમલો કરે તો બધી જ ગાયો ભેગી થઇ તેના બચાવ માટે તેને વચ્ચે ઘેરી
લઇ બચાવી લે છે. દુશ્મનને દૂર સુધી ભગાડી મુકે છે.

તે પોતાના માલિકના હાથને અને તેના પરિવારનાં સુખદુ:ખને પણ સમજી શકે છે. અસલ દેશી ગાય તેના પાલકના પરિવારમાં કોઈને જે કોઇ બિમારી હોય તેનો ઈલાજ જે વનસ્પતિથી થતો હોય તે વનસ્પતિ ચરે છે તે તેના દૂધ મારફત દરદીને દવા પહોચાડે પણ છે. તેમ કહેવાય છે.

આ ગૌ વંશ માલિકના ઈસારાને સમજી શકે છે તેનું પાલન પણ કરે છે.

આ ગૌવંશનુ વાછરડું ધણમાંથી તેની માને ઓળખી લે છે.

આ વંશની ગાય તેના વાછરડાના અવાજને ઓળખી શકે છે.

આ વંશનુ દૂધ પચવામાં હલકુને બહુગુણી છે.

જ્યારે ‘કાઉ’ વંશ….

આ બધી સમજ કાઉ વંશમાં હોતી નથી. કાઉ વંશના શારિરીક બંધારણમાં ખૂંધ સિવાયની પણ અસમાનતા રહેલી છે. બંનેના ચહેરાના આકારમાં, કાનના આકારમાં,આંતર અવયવોમાં પણ અસમાનતા છે.

કાઉનાં આંતરડાં ટુંકા હોય છે. આવા પ્રાણીઓ ટૂંક સમયમાં વધારે ખોરાક ખાય છે.

કાઉનું દુધ પચવામાં ભારે અને અલ્પગુણી છે.

આમ મને પણ ગાયને કાઉની મજા પડી.. આપને પણ મજા આવી હશે.. આવા ભલે અભણ પણ આપણાથી ય વિશેષ જાણકારી ધરાવતા સ્તંભોથી જ
ગ્રામ્યજીવન ટકી રહેલ છે.

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!