“ભેંસ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 9

અમારા રતિભાઈ બંકા એટલે જોઇતાકાકાના સુપુત્ર. અમારા કાકાને બળદની માસ્ટરી..

બંકાને ભેંસની માસ્ટરી… તેમની જાણકારી મુજબ….

વિશ્વના પ્રાણી જગતમાં ભેંસનું સ્થાન ઉમદા અને અિદ્વતિય છે. વિશ્વના ઘણા દેશોમાં ભેંસનું હોવું તે દેશો માટે અનિવાર્ય અંગ છે.

ભારત જેવા કેટલાક દેશના અર્થતંત્ર અને વિકાસમાં ભેંસનો ફાળો મહત્વનો ગણી શકાય..

ગામમાં કોઈને પણ ભેંસ ખરીદવી કે વેચવી હોય તો બધા રતિબંકાનો સંપર્ક કરવો જ પડે. કેમ કે ભેંસ માટે તેમની જાણકારી પણ કાબિલેદાદ હતી.

કઇ ભેંસ લેવાય? કઇ વેચાય? શું કિંમત ગણાય?આ બાબતે તેમની જાણકારી કાબિલેદાદ હતી…

તેમની જાણકારી મુજબ: ભેંસ

ભારતમાં વિવિધ ક્ષેત્રોની ભેંસો તેમની લાક્ષણિકતાઓને કારણે એક-બીજાથી અલગ તરી આવે છે અને આ કારણે જ તેમને જે-તે જાત (પ્રકાર)નાં નામથી ઓળખવામાં આવે છે. આ બધીજ પાલતુ ભેંસોની જાતો છે.

(૧) મહેસાણી ભેંસ

મહેસાણી ભેંસ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જોવા મળી આવે છે. તેનો આકાર સામાન્ય ભેંસ જેવોજ છે. તેનો રંગ કાળો તથા ઘેરા રાતાશ પડતો હોય છે. તેનું માથુ પહોળું હોય છે તેનાં શીંગડા નાના પરંતુ ઉપર થી નીચેની તરફ વળાંક વાળા હોય છે . તેની પુંછડી લાંબી અને નીચેથી કાળા, બદામી તથા સફેદ વાળ વાળી હોય છે.

મહેસાણી ભેંસ આખા વર્ષ દર્મ્યાન ૧૭૦૦ કિગ્રા દુધ આપી શકે છે. જેનો ગાળો ૩૧૦ દિવસ સુધીનો હોય છે.

આ ભેંસ જન્મનાં લગભગ ૪૨.૨ મહિનાં બાદ બચ્ચા આપી શકે છે અને ૪૭૬ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે.

આ મહેસાણી મુરાહ અને સુરતી ઓલાદ ના સંકરણ થી ઉત્પન્ન થયેલ છે.

આ ઓલાદ ના કેટલીક ભેંસો સુરતી નાં લક્ષણો તથા કેટલીક ભેંસો મુરાહ ના લક્ષણો બતાવે છે.

આ ઓલાદ ની ભેંસો મૂળ સ્થાપિત વિસ્તાર મહેસાણા જિલ્લો તથા બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ અમદાવાદ જિલ્લો છે.

તેનાં શીંગડા રંગે કાળા તથા ભૂખરા હોય છે. માથું લાંબુ અને શીંગડાં વજનદારે તથા ગોળાકાર હોય છે.

કેટલાીક ભેંસોના માથામાં, પગ અથવા પૂંછડી ઉપર સફેદ કલર જોવા મળે છે.

આ ભેંસ શાંત સ્વભાવની હોય છે.

પુખ્ત વયે વહેલાં પહોંચે છે.

વિયાવામાં નિયમિત તથા વેતર ના સૂકા દિવસો ૫ થી ૬ મહિના હોય છે.

પ્રથમ વિયાજણની ઉંમર સરેરાશ ૪૫ થી ૪૮ મહિના હોય છે.

વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન ૧૮૦૦ કિ.ગ્રા. તથા દૂધ ના ફેટ ૭ થી ૭.પ ટકા હોય છે.

બે વિયાણ વચ્ચેનો સરેરાશ સમય ૧પ થી ૧૬ મહિના હોય છે.

ખાણ દાણ તથા નિભાવ ખર્ચ ઓછો હોવાથી આ નસલ વધારે પ્રચલિત છે.

આ ભેંસ એટલી માયાળુ છે કેટલાક કિસ્સામાં તેને પાળનાર વિના કોઈ બીજાને દોહવા દેતી નથી.. તેને હથવાર પણ કહે છે. ખીલે માથું ઠોકી ઘસનાર ‘માથાફોડ’ કહેવાય છે.

(૨) બન્ની ભેંસ

બન્ની ભેંસને કેન્દ્ર સરકાર દ્વારા ૧૧ મી નસલ તરીકે માન્યતા આપવામાં આવેલ છે. બન્ની ભેંસની એક અલગ ઓળખાણ છે. તેના શિંગડા સુંદર હોય છે

બન્નીની ભેંસ ની કિંમત રૂ.૫૦,૦૦૦ થી રૂ. ૫,૦૦,૦૦૦ સુધી છે.

આ ઓલાદ કચ્છ જિલ્લાના બન્ની વિસ્તારમાં જોવા મળતી હોવાથી આ ઓલાદનું નામ બન્ની પાડવામાં આવેલ છે.

આ ઓલાદની શુઘ્ધ લક્ષણો ધરાવતી ભેંસો મુખ્યત્વે ખાવડા, હાજીપીર, નખત્રાણા, અબડાસા, લખ૫ત, રા૫ર અને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં જોવા મળે છે.

આ ભેંસો મઘ્યમથી મોટું કદ ધરાવે છે.

શરીરનો ૯૫ ટકા રંગ કાળો અને પાંચ ટકા રંગ ભૂરો જોવા મળે છે.

શીંગડાઓ બહારની બાજુએથી ૯૦ અંશના ખૂણે વળાંક સાથે બે ગોળાકાર ઈઢોણી આકારના હોય છે.

જેથી બીજી ઓલાદો કરતાં આ ઓલાદ અલગ તરી આવે છે .શરીરનો બાંધો સુદ્રઢ, મજબૂત અને દેખાવમાં આકર્ષક ઓલાદની છે.

ચહેરો લાંબો, આંખો ચમકરદાર, તેજસ્વી અને કાળી હોય છે. અને ૫હોળાઈમાં મઘ્યમ હોય છે.

આ ભેંસોનું બાવલું અને આંચળ સુવિસિત, સુડોળ આકાર અને ચાર ભાગમાં સ્પષ્ટ વહેંચાયેલ હોય છે.

શરીરનો આકાર ફાચર જેવો હોય છે.

આ ભેંસો વિયાણમાં નિયમિત હોય છે.

આ ભેંસોની પ્રથમ વિયાજણની ઉંમર ૪૦ થી ૪૫ મહિના હોય છે.

બે વિયાજણનો સમયગાળો ૧ર થી ૧૪ મહિના હોય છે.

વસુકેલ સમયગાળો બે થી ચાર મહિના હોય છે.

આ ભેંસોનું વેતરનું કુલ દૂધ ઉત્પાદન ૧૮૦૦ થી ર૦૦૦ કિ.ગ્રામ હોય છે.

(૩) જાફરાબાદી ભેંસ

અમરેલી જીલ્લાના જાફરાબાદ ગામ માં આ ભેંસોનો વિનિમય વધારે થતો હતો. જેથી આ ઓલાદ નું નામ જાફરાબાદી રાખેલ છે.

આ ઓલાદ નું જન્મસ્થાન ગીર ના જંગલોની આસપાસનો વિસ્તાર છે.

આ ઓલાદની ભેંસો સૌરાષ્ટ્ર ના બધાજ જીલ્લામાં જોવા મળેછે.

ભારત દેશની ભેંસોની ઓલાદોમાં મોટી અને કદાવર છે અને જેથી હાથીના બચ્ચાં તરીકે ઓળખાય છે.

આ ઓલાદ ની ભેંસો ઘાટા કાળા રંગના હોય છે.

તેનું માથું મોટું અને ઉપસેલું હોય છે. આંખોની પાંપણો મોટી હોવાથી આંખો સંકોચાયેલી લાગે છે.

શીંગડાં ખૂબ જ લાંબાં , ચપટાં અને નીચે તરફ વળેલાં તથા છેડાથી વળખાઈ જતાં હોવાથી શીંગડાંની વિવિધતા જોવા મળેછે. કાન મોટા અને લટકતા હોય છે.

આ ઓલાદ દૂધ આપતી નસલ તરીકે સુપ્રસિઘ્ધ છે.

વેતર નું સરેરાશ દૂધ ર૦૦૦ થી ર૧૦૦ કિ.ગ્રા.અને દૂધમાં ૧૦ ટકા કરતાં વધારે ફેટ જોવા મળેછે.

પ્રથમ વિયાજણની ઉંમર ૫૦ થી ૫૫ મહિના તથા બે વેતર વચ્ચેનો સમય ૧૬ થી ૧૮ માસ હોય છે.

જે બીજી ઓલાદ કરતાં વધારે હોય છે. વસુકેલો ગાળો છ થી આઠ મહિના હોય છે.

આ ભેંસ ખાસ કરીનેં પશ્ચિમ ભારતમાં ગુજરાતનાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં જોવા મળી આવે છે.

તેનો આકાર સામાન્ય ભેંસ કરતા મોટો હોય છે. શારીરીક બાંધો મજબુત અને ભરાવદાર શરીર તેનીં ખાસીયત છે તેનીં ગરદન લાંબી અને મજબુત હોય છે .

તેનો રંગ કાળો તથા ઘેરા રાતાશ પડતો હોય છે. તેનું માથુ પોહળુ હોય છે અને વાળ વધારે હોય છે

તેનાં શીંગડા આક્રિકન ભેંસ જેવા હોય છે દેખાવમાં થોડી જંગલી ભેંસ જેવી છે

તેનાં શીંગળા તેનીં ખાસીયત છે જે ખોપરી માંથી મોટા ઉભાર સાથે નીકળે છે.

અન્ય ભેંસોની સરખામણીં એ તેનાં શીંગડા નીચેની તરફ નમેલા અનેં લાંબા, જાળા તથા તિક્ષ્ણ હોય છે.

તેની પુંછડી મધ્યમ આકારની હોય છે. .

આ ભેંસ જન્મનાં લગભગ ૫૦.૭ મહિનાં બાદ બચ્ચા આપી શકે છે અને ૪૪૦ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે.

(૪) સુરતી ભેંસ

સુરતી ભેંસ ખાસ કરીનેં પશ્ચિમ ભારતમાં દક્ષીણ ગુજરાતમાં જોવા મળી આવે છે.

તેનો આકાર સામાન્ય ભેંસ જેવો જ છે.

તેનો રંગ થોડો ભુખરો પડતો હોય છે. તેનું માથુ મોટું હોય છે.

તેનાં શીંગડા નાના પરંતુ નીચેથી વળાંક વાળા હોય છે જે ઉપર જતા અણીદાર હોય છે.

તેની પુંછડી લાંબી અને નીચેથી સફેદ વાળ વાળી હોય છે.

સુરતી ભેંસ આખા વર્ષ દરમિયાન ૧૪૦૦ કિગ્રા દુધ આપી શકે છે.

જેનો ગાળો ૨૯૦ દિવસ સુધીનો હોય છે.

આ ભેંસ લગભગ ૫૩૫ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે.

આ ભેંસનું ઉદભવસ્થાન ખેડા તથા વડોદરા છે.

મઘ્યમ કદ ના તથા શરીરે ફાચર આકારના હોય છે. પશુઓનું માથું લાંબુ તથા આંખો ઉપસેલી હોય છે.

શીંગડાં દાતરડા જેવા આકારના હોય છે.

આ પશુઓનો મુખ્ય રંગ ભુરાશ પડતો બે સફેદ પટ્ટા, એક જડબા પાસે અને બીજો ગળા પાસે હડા ૫ર ઉપર જોવા મળેછે.

આ સુરતી ભેંસોનું દૂધ અને ફેટનું ઉત્પાદન આર્થિક રીતે પોષાય તેવું હોય છે.

ભેંસોનું વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન ૧ર૦૦ થી ૧પ૦૦ કિ.ગ્રા.અને સરેરાશ ફેટ ૭.પ ટકા હોય છે.

ભેંસોમાં બે વિયાજણ વચ્ચેનું અંતર ૧પ થી ૧૮ મહિના હોય છે.

ભેંસોની પ્રથમ વિયાજણની ઉંમર ૪ર થી ૪૮ મહિના હોય છે.

વસુકેલો સમય ૫ થી ૮ મહિના હોય છે.આ ઓલાદ ની ભેંસોનો ખાણ-દાણ તથા નિભાવ ખર્ચ ઘણો જ ઓછો હોવાથી નાના અને સીમાંત ખેડૂતો વધારે પસંદ કરેછે.

(૫) કચ્છી/કુંઢી ભેંસ :

બÌાી વિસ્તારની તેમજ કચ્છમાં જોવા મળે છે. તેમનું કદ નાનું હોય વધુ પોષણક્ષમ હોય છે.

(૬) મુરાહ ભેંસ

મુરાહ ભેંસ ખાસ કરીનેં ઉત્તર ભારતમાં મઘ્ય હરીયાણા તથા દિલ્હીની આસપાસનાં વિસ્તારોમાં જોવા મળી આવે છે.

તેનો આકાર સામાન્ય ભેંસ કરતા થોડો લાંબો હોય છે..

તેનો રંગ ઘેરો કાળો પડતો હોય છે. તેનું માથુ મઘ્યમ આકારનું હોય છે અનેં ટુંકી ગરદન હોય છે.

તેનાં શીંગડા નાના અનેં ગોળ વળાંક વાળા હોય છે .

તેની પુંછડી લાંબી અને નીચેથી કાળા તથા સફેદ વાળ વાળી હોય છે.

મુરાહ ભેંસ આખા વર્ષ દર્મ્યાન ૨૦૦૦ કિગ્રા દુધ આપી શકે છે.

જેનો ગાળો ૩૦૦ દિવસ સુધીનો હોય છે. આ ભેંસ જન્મનાં લગભગ ૪૪ મહિનાં બાદ બચ્ચા આપી શકે છે અને ૪૫૩ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે.

ભારતમાં મુરાહ ઓલાદ છે, જે વેપારી ડેરી ફાર્મ માટે યોગ્ય છે.

ભેંસના દૂધની માખણ અને ઘી બનાવવા માટે વધારે માગ હોય છે, કેમકે તેના દૂધમાં ગાયના દૂધ કરતા ચરબીનું પ્રમાણ વધારે હોય છે.

ચા બનાવવા માટે ભેંસના દૂધને પસંદ કરવામાં આવે છે.

ચા સામાન્ય ભારતીયોના ઘરોમાં મહેમાનોને આપવામાં આવે છે.ભેંસ વધારે રેસાવાળા પાકના અવશેષો પર નભી શકે છે,

તેથી દાણનો ખર્ચ ઘટાડી શકાય છે.ભેંસને પુખ્ત થતા વાર લાગે છે અને 16થી 18 મહિનાના અંતરાલે પાડાને જન્મ આપે છે. નર પાડાની ઓછી કિંમત ઉપજે છે.

ભેંસને શીતળ વાતાવરણ જોઇએ, જેમ કે પાણુનું ખાબોચીયું અથવા પંખા સાથે ફુવારો.

(૭) મરાઠવાડી ભેંસ

મરાઠવાડી ભેંસ ખાસ કરીનેં પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્રનાં મરાઠવાડા પ્રદેશ ની આસપાસનાં વિસ્તારોમાં જોવા મળી આવે છે.

તેનો આકાર સામાન્ય ભેંસ જેવો હોય છે.. તેનો રંગ કાળો તથા ભુખરા પડતો હોય છે

તેનું માથુ મઘ્યમ આકારનું હોય છે અનેં લાંબી ગરદન હોય છે. તેનાં શીંગડા લાંબા હોય છે જે તેનાં ખભા સુધી પહોંચતા હોય છે .

તેની પુંછડી ટુંકી અને નીચેથી સફેદ વાળ વાળી હોય છે.

મરાઠવાડી ભેંસ આખા વર્ષ દર્મ્યાન ૧૦૦૦ કિગ્રા દુધ આપી શકે છે. જેનો ગાળો ૩૦૦ દિવસ સુધીનો હોય છે.

આ ભેંસ જન્મનાં લગભગ ૫૫.૭ મહિનાં બાદ બચ્ચા આપી શકે છે અને ૪૩૫ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે.

(૮) નીલીરાવી ભેંસ

નીલીરાવી ભેંસ ખાસ કરીને ઉત્તર ભારતના પંજાબમાં તથા પાકિસ્તાનનાં લાહોરની આસપાસનાં વિસ્તારોમાં જોવા મળી આવે છે.

તેનો આકાર સામાન્યથી લઇને મોટો હોય છે.. તેનો રંગ કાળો તથા ભુખરા પડતો હોય છે.

તેનું માથુ મઘ્યમ આકારનું હોય છે અનેં માથા પર સફેદ ધબ્બા હોય છે અનેં તેની ટુંકી તથા વળાંક વાળી ગરદન હોય છે.

તેનાં શીંગડા ખુબજ નાનાં અનેં વળાંકવાળા હોય છે.

તેનાં પગ ટુંકા અને નાની ખુર વાળા હોય છે .

અને તેનીં દ્રષ્ટી અન્ય ભેંસોની સરખામણી એ ઘણી સારી હોય છે.

તેની પુંછડી લાંબી અને નીચેથી સફેદ વાળ વાળી હોય છે.

નીલીરાવી ભેંસ આખા વર્ષ દર્મ્યાન ૧૯૫૦ કિગ્રા દુધ આપી શકે છે.

જેનો ગાળો ૩૦૦ દિવસ સુધીનો હોય છે. આ ભેંસ જન્મનાં લગભગ ૪૫.૩ મહિનાં બાદ બચ્ચા આપી શકે છે અને ૪૮૭ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે.

(૯) નાગપુરી ભેંસ

નાગપુરી ભેંસ ખાસ કરીનેં મઘ્ય ભારતમાં મહારાષ્ટ્રમાં નાગપુરની આસપાસના વિસ્તારોમાં જોવા મળી આવે છે.

તેનો આકાર સામાન્ય હોય છે.. તેનો રંગ કાળો તથા ઘેરા રાખોડી પડતો હોય છે.

તેનું માથુ લાંબુ અનેં શંકુ આકારનું હોય છે અનેં તેની લાંબી તથા સીધી ગરદન હોય છે.

તેનાં શીંગડા સીધા અનેં લાંબા હોય છે જે તેનાં ખભા સુધી પહોંચતા હોય છે . તેની પુંછડી ટુંકી અને નીચેથી રાખોડી વાળ વાળી હોય છે.

નાગપુરી ભેંસ આખા વર્ષ દર્મ્યાન ૧૨૦૦ કિગ્રા દુધ આપી શકે છે.

જેનો ગાળો ૨૭૦ દિવસ સુધીનો હોય છે. આ ભેંસ જન્મનાં લગભગ ૫૫.૮ મહિનાં બાદ બચ્ચા આપી શકે છે અને ૪૩૦ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે.

(૧૦) પંઢરપુરી ભેંસ

પંઢરપુરી ભેંસ ખાસ કરીનેં મઘ્ય ભારતમાં મહારાષ્ટ્રમાં પંઢરપુરની આસપાસના વિસ્તારોમાં જોવા મળી આવે છે.

તેનો આકાર સામાન્ય હોય છે.. તેનો રંગ કાળો તથા ઘેરા રાખોડી પડતો હોય છે.

તેનું માથુ લાંબુ અનેં આગળ થી સાંકળુ હોય છે અનેં તેની મધ્યમ આકારની તથા ભરાવદાર ગરદન હોય છે.

તેનાં શીંગડા સીધા અનેં લાંબા હોય અને વળાંક હુક આકારનાં હોય છે. તેની પુંછડી ટુંકી અને નીચેથી રાખોડી વાળ વાળી હોય છે.

પંઢરપુરી ભેંસ આખા વર્ષ દર્મ્યાન ૧૪૦૦ કિગ્રા દુધ આપી શકે છે. જેનો ગાળો ૩૫૦ દિવસ સુધીનો હોય છે.

આ ભેંસ જન્મનાં લગભગ ૪૪.૮ મહિનાં બાદ બચ્ચા આપી શકે છે અને ૪૬૫ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે.

(૧૧) ભદાવરી ભેંસ

ભદાવરી ભેંસ ખાસ કરીનેં ઉત્તર ભારતમાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની આસપાસ વિસ્તારોમાં જોવા મળી આવે છે.

તેનો આકાર સામાન્ય હોય છે. પણ શરીર ભરાવદાર અનેં ઘાટીલું હોય છે તેનો રંગ કાળો હોય છે તથા વાળ વાળ હલકા બદામી રંગનાં હોય છે

ગરદનનાં નીચે સફેદ રૂંવાટી હોય છે.

તેનું માથુ નાનું અનેં બે શીંગડાનીં બચ્ચે સેટ થયેલું હોય છે.

તેની મધ્યમ આકારની હોય છે.

તેનાં શીંગડા નીચેથી ઉપરનીં તરફ વળાંક વાળા હોય છે.

તેની પુંછડી લાંબી,ભરાવદાર અને નીચેથી બદામી વાળ વાળી હોય છે.

ભદાવરી ભેંસ આખા વર્ષ દર્મ્યાન ૧૧૦૦ કિગ્રા દુધ આપી શકે છે. જેનો ગાળો ૨૭૦ દિવસ સુધીનો હોય છે. આ ભેંસ જન્મનાં લગભગ ૫૦ મહિનાં બાદ બચ્ચા આપી શકે છે અને ૪૭૮ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે.

(૧૨) ટોડા ભેંસ

ટોડા ભેંસ ખાસ કરીનેં દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં પશ્ચિમ વિસ્તારોની આસપાસમાં જોવા મળી આવે છે.

તેનો આકાર સામાન્ય અને લાંબો હોય છે.

તેનો રંગ આછા થી ઘેરા રાખોડી પડતો હોય છે

તેનાં પગ નીચેથી સફેદ હોય છે.

ખભા ઉપસેલા અનેં પહોળી છાતી હોય છે.

તેનું માથુ ફેલાયેલું અનેં મોટા આકારનું હોય છે અનેં તેની મધ્યમ આકારનીં ગરદન હોય છે.

તેનાં શીંગડા ફેલાયેલા અનેં લાંબા હોય અનેં તીક્ષ્ણ હોય છે .

તેની પુંછડી લાંબી અને પતલી તથા કાળા વાળ વાળી હોય છે.

ટોડા ભેંસ આખા વર્ષ દર્મ્યાન ૭૦૦ કિગ્રા દુધ આપી શકે છે. જેનો ગાળો ૨૫૦ દિવસ સુધીનો હોય છે.

આ ભેંસ જન્મનાં લગભગ ૪૭ મહિનાં બાદ બચ્ચા આપી શકે છે અને ૪૮૦ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે.

(૧૩) સ્વામ્પ ભેંસ

સ્વામ્પ ભેંસ ખાસ કરીને પુર્વ ભારતનાં રાજ્યોમાં જોવા મળી આવે છે. ખાસ કરીને તે બ્રહ્મપુત્રા નદીના કિનારાનાં પ્રદેશોમાં વિશેષ જોવા મળે છે.

તેનો આકાર સામાન્ય ભેંસ કરતા નાનો હોય છે. તેનો રંગ થોડો ભુખરો તથા ગુલાબી પડતો હોય છે.

તેનું માથુ નાનું હોય છે તેનાં શીંગડા સીધા પરંતુ છેડા પરથી વળાંક વાળા હોય છે.

તેની પુંછડી મધ્યમ આકારની હોય છે. સ્વામ્પ ભેંસ આખા વર્ષ દર્મ્યાન ૫૦૦ કિગ્રા દુધ આપી શકે છે.

જેનો ગાળો ૩૧૩ દિવસ સુધીનો હોય છે.આ ભેંસ જન્મનાં લગભગ ૫૫ મહિનાં બાદ બચ્ચા આપી શકે છે અને ૫૧૧ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે.

આ સિવાય પણ ભેંસની બીજી છત્રીસ જાતો છે. ગેહુઈ, છોગાળી, મેંગણ, ભોજલ, પુંતલ, મોદળ, હોથલ, વેગડી, ઢીંગલ, નવચંદરી, શીદણ, લાડકી, સાંઢી, હાથણી, નેત્રમ, શેડલ, ભાલમ, મધરી, કાગડી, નાગલ, લાંબડી, રાંણ, સંધણ, માણેક, નાનક, દેડકી, ધુનડ, દાડમ, ઘાટુ, ઘાંટડ, ગીલણ, પારસણ, ભૂતડ, ભીનડ, ખીરમ, કાળુઇ…..

આ ઉપરાંત તેમણે ભેંસના વેતર વિષે પુછતાં જણાવેલ કે….

ભેંસ વેતર(ગરમી)માં આવે ત્યારે વારંવાર બરાડે છે. યોની માર્ગમાં લાલાશ અને સોજો પણ દેખાય છે.

સમુહમાં કે છુટી રાખેલ ભેંસ એકબીજા પર ઠેકે છે કે અન્ય પશુ ઠેકે તો શાંતિથી ઉભી રહે છે. વારંવાર પેશાબ કરે છે.

ભેંસ ગાભણ ન થાય ત્યાં સુધી દર ૨૧ દિવસે ગરમીમાં આવે છે. શિયાળામાં ૧૮થી ૨૪ કલાકમાં અને ઉનાળામાં ૬ થી ૮ કલાક ગરમીમાં રહે છે.

ભેંસ ગરમીમાં આવ્યેથી ૧૨ થી ૧૮ કલાકમાં જ ફેળવવી યોગ્ય છે. આમ કરવાથી તે ઠરે છે.

માટી ખસી જવી એટલે શું?

જવાબમાં તેમણે જણાવેલ કે….

ગર્ભાશયનો અમુક ભાગ કે આખુ ગર્ભાશય બહાર આવી જાય તેને માટી ખસી કહેવાય. ધણીવાર યોનિનો ભાગ પણ બહાર આવી જાય છે.

મેલી ન પડવાના કારણ માટે પુછતાં જણાવેલ કે…..

અસમતોલ ખોરાક, કસરતનો અભાવ (બાંધી રાખતા હોવાથી)અસમતોલ ભોયતળીયું હોય તેવા કિસ્સામાં મેલી ન પડવાની શક્યતાઓ રહેલી છે. આમ તો મેલી બચ્ચાના જન્મ સાથે જ પડી જતી હોય છે. તેમ ન થાય તો ડોકટરની સારવાર લેવી પડે…

પાડી પ્રથમવાર વેતરમાં (ગરમી) ક્યારે આવે?

જવાબે જણાવ્યું કે પાડીને ગરમીમાં આવવાનો કોઈ ચોક્કસ સમય હોતો નથી. મોટેભાગે પ્રથમ ગરમીમાં ૨૪ મહિનાની ઉમરે આવે પરંતુ તેની ઉંમર ૩૦ મહિના થાય પછી જ ફેળવવી સારી ગણાય ..

પ્રથમ વિયાણની ઉંમર ૪૦ થી ૪૨ મહિનાની હોય તે ઉત્તમ ગણાય…

છેલ્લે કહેવતમાં ભેંસ

  • ભેંસનાં શીંગડાં ભેંસને ભારે
  • ભેંસ ભાગોળે અને ઘેર ધમાધમ
  • ભેંસો થોડીને હાળાહોળ ઘણી
  • ભેંસ આગળ ભાગવત
  • કાળા અક્ષર તે ભેંસ બરાબર
  • ધોકે નાર પાંસરીને ધોકે ભેંસ દોહવા દે
  • ખાઇ ખાઈ ભેંસ જેવા થયા

આમ મને પણ ભેંસની વાતોમાં મજા પડી. આપને પણ મજા આવી હશે.. આવા ભલે અભણ પણ આપણાથી ય વિશેષ જાણકારી ધરાવતા સ્તંભોથી જ ગ્રામ્ય જીવન ટકી રહેલ છે.

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!