“સુથાર” ગ્રામ્ય જીવનના સ્તંભ- 32

સુથાર એટલે સુત્રધાર… કોઈપણ વાસ્તુ નિર્માણમાં તેમની ભૂમિકા સુત્રધારની રહી છે. શબ્દાર્થની રીતે વિચારીએ તો પણ સુથાર એ સુત્રધાર નુ અપભ્રંશીત રૂપ હશે તેમ મનાય..

આજથી પચાસેક વરસ પહેલાં….. અમારા ગામે આશાભાઈ સુથાર.. આમ તો અટકે ગજ્જર.. બધા સુથાર કે સુતાર જ કહે..

#નબળો_ધણી_બાયડી_પર_શુરો
#તેમ_સુથારે_ય_જેઠે_દીસે_શુરો..

આખુ ય ગામ ખેતી પર નભે.. બધા ય ખેડુ આશાભાઈ ના ગરાગ… સાતી દીઠ…વરસે દહાડે દોઢ મણ દાણા.. આખું વરસ ખેડુના ખેતી ઓજારો સમારવાનુ કામ, નવાં બનાવે તેના રોકડા.. આશાભાઈ પેલી કહેવતની જેમ જેઠે શુરા, આખા ય ગામના ખેડુ વરસાદ સામે વરતાય ને પોતાના સાધનોનું નાનું મોટુ સમારકામ કાઢી તેની તૈયારીમાં પડે… આશાભાઈ ની કોઢ(વર્કશોપ)ધસારો થાય.. ભાગ્યું તુટ્યુ સમુ નમુ કરાવે… અમારા આશાભાઈ સહુને ઠપકો દેતા દેતાં કામ કરી દે…વરસાદ આવે ત્યાં જ સુઝે છે. અત્યાર લગણ નવરાધુપ હતા..ને હવે આખું ગામ હળીયે ચઢ્યું છે… અમારાં કાન્તાભાભી સહુને હસી હસી વાત વાળી લે.. આમ આશાભાઈનું ને ગામનુ બેયનું ગાડું ગબળે જતું.

ગાડું ગબળવાની વાત આવી એટલે તેમની ગાડું બનાવવાની કળા કેમ ભૂલાય??? આખા પટ્ટામાં ગાડું બનાવવામાં તેમનો એક્કો…ગામનાં બનાવે.. પરગામના ય બનાવે… ગાડું બનાવતાં બે મહીના લાગે.. પણ ખેડુ પૈસા આપવામાં આનાકાની કે વડાદ કરે તો બે વરસે ય લાગે.. આશાભાઈ ને કાળાબાપા તેમના બાપા બેઉ શિયાળામાં લાગી પડે એક ઉટડો બનાવે, બીજો ગાડાની ડગળી, આમ ધીમે ધીમે ઊંધ,જોહરુ, આરીપાડો, ભંડારિયુ (ડેકી)માકડીયુ, પૈડાં બનાવી દે… આ તૈયાર ગાડું ખેડુ પુજન કરી તેને ઘેર લઈ જાય..કેટલા પૈસે ગાડું બનતું તેની ખબર તો નથી.. પણ અમારે મજિયારૂ ગાડુ પંદરસો રૂપિયામાં ખંડ્યુ હતું.. એટલે તે સમયે એટલી જ કિમત હશે…

આ પછી પણ ગામના લોકો તેમની પાસે ખાટલા, ખાટલીયુ, મોચીયુ પણ બનાવડાવે.. કોક ખેતીના ઓજારો સાતી, રાપ, સમાર, ધૂસરી, સમોલને અનાજ ઉપણવાની ઘોડી ય બનાવડાવે.. વલોણાનો રવૈયો ય બનાવડાવે.. પાટલા પાટલીયુ બનાવડાવે..

અમે નાના ત્યારે અમારા રમવાની મોય દાડીયા પણ તે બનાવી દેતા..

ગામમાં કોઈનું ય ઘર બનાવવાનું હોય ત્યાં પણ આશાભાઈ નું કામ પડે જ.. ઉમરો મુકી બારસાખ ઉભી કરે, ઘર ઘણીને ઘેર બેસી ઘરનું ઘરની માળી બનાવવાનુ, બારસાખ પર મુકવાના ટોડલા, ગોખલા, ક્યાંક કોતરણી કરી ઘોડલા , થાભલીયુ, તેના પર નેવાને સપોર્ટ કરતા નેજવા ઘડેને જેમ જેમ તૈયાર થાય તેમ બેસાડે..

આ કામ દરમ્યાન તેમને બપોરનુ જમણ ઘરધણીને ત્યાં હોય.. મહીનો દી આ કામ ચાલે પછી તેમાં કબાટીયા, કમાડીયા, બારીઓની ફ્રેમોને દરવાજા તૈયાર કરે.. છેલ્લે ઘરનું છાપરૂ (છત)આવે. મોભ, દોરીયા, દોરી વળીઓ લેવલે કરે, આમાં જ તેમની કારીગરી દેખાય, તેના પર વાસની ખપેટો ગોઠવી.. એક સરસ લેવલ તેના પર માટીનાં નળિયાં ગોઠવાય ને ઘર તૈયાર થાય.. ઘરના વાસ્તુમૂર્હત થયે આશાભાઈ ને શીખે ય મળેને યશે ય મળે…

આ પછી પણ આશાભાઈ નવરા તો ભાગ્યે જ પડે.. ગામની બાઈઓ કોઈ દળવાની ઘંટીના માકડા કે તેનુ થાળુ સમારવાનુ હોય ત્યારે બોલાવી જાય.. ગામના લોકોની જરૂરિયાતો પણ પુરી પાડે. કોઈ દુકાન કરે તો તેના ઢાળિયા બનાવી દે, સુખી ઘરનાને કડાવાળા હિચકા, ખુરશી, ટેબલ,કાચને લાકડાની ફ્રેમે.મઢી દર્પણ પણ બનાવી આપે.. લગ્ન હોય હોયે આશાભાઈ માણેક સ્તંભ લઈ હાજર જ હોય..અને સાગમટે જમવાનું નોતરૂ ય લેતા જાય…

ભાદરવામા ગામતોડાની માતાનો રથ કાઢવાનો હોય તે પણ તૈયાર કરી તે સમયસર હાજર જ હોય..

આમ તો એ જમાનામાં ૧૦૮નુ નામે ય નહોતું પણ આ આશાભાઈ અમારા ખેડુની ૧૦૮ના જેવી જ ઈમરજન્શી જેવી સેવા ય આપે…

જેઠ મહિને ખેડુઓને ખાતર ભરવાની મોસમ, ખાતર ગાડે ગાડેે ભરાતું ગામ તળના ઉકરડેથી ખેતરના ફેરા ચાલે દિવસના ગરમી હોય રાતના ય ચાલુ હોય, તેમાં ય કોઈનું ય ગાડું ભાંગે તુટે, સાકડા નાળીયાના રસ્તા હોઈ શહેરમાં જેમ અકસ્માતે ટ્રાફિક જામ થાય તેમ ગાડુ ખોટકાયે પણ થાય ત્યારે પણ તેમની તાકીદની સેવા હોય.. તાબડતોડ સ્થળ પર પહોંચી સમારકામ કરી આપે.. રાબેતા મુજબની સ્થિતિમાં કરી આપે..

ચોમાસામાં ચાલુ વાવણીએ કોઈનો દંતાર, (વાવણીયો)માણુ, માણાની પોલી નળીયુ, તુટતી તો તરત જ ખેતરમાં પહોચી તે તૈયાર કરી આપતા હતા. આ ઉપરાંત એ સમયમાં ઘર ગારમાટીના હતાં.. ભારે વરસાદ થયો હોય, ભીતડા ભેજ ખાઈ નબળા પડી ગયાં હોય તો તે તાબડતોડ આવી જાયને વધારાના ટેકા મુકી પડતા ઘરને ય બચાવી લે..

જયારે ભારે વરસાદને લીધે ગામની ચારે કોર પાણી ભરાઈ જાય ત્યારે તે પાટીયામાથી સરસ મજાનો તરાપો ય બનાવી દે અને તે પણ સાર્વજનિક કામે.. તેનું કોઇ વળતર પણ ન માગે.. જીવતે જીવની સેવા પછી પણ તેઓ કોઈનુ મરણ હોય ત્યારે એક મોટી કરવતી સાથે સ્મશાને હાજર જ હોય.. જરૂર લાગે તે લાકડા ગામની મદદથી કાપી તૈયાર પણ કરે… આજે આ આશાભાઈ અમારી વચ્ચે નથી. પણ તેમની યાદ અમારી સાથે જ છે. હવે ગરાગવટી પ્રથા નહીવત્ થઈ ગઈ છે. છતાં ય હેતભાવ તો આજે ય ગામમાં જળવાઈ રહ્યા છે.. કેટલાય કામો ગરાગવટી વિના પણ થાય છે..

સુથાર અંગે તેમની પાસેથી મેળવેલી માહિતી પ્રમાણે….

સુથાર વિશ્વકર્મા ભગવાનના પુત્રો ગણાય છે. વિશ્વકર્માએ આ બ્રહ્માંડની રચના કરી. પૃથ્વી સ્થિર કરી પછી ભગવાને કહ્યુકે… તમો તમારો વંશ આગળ ધપાવો..અને આ પૃથ્વીના કાર્યો કરવાનો આદેશ આપો.. ત્યારબાદ આપ સ્વધામ પધારજો..

વિશ્વકર્મા ભગવાને પોતાના શરીરના જુદા જુદા ભાગોમાંથી ચાર માનસપુત્રો પેદા કર્યા.

  • ૧.પગથી પેદા થયા તે પંચોળી કહેવાયા.
  • ૨.ઘૂંટણથી પેદા થયા તે ગુર્જર કહેવાયા.
  • ૩.મધ્યભાગથી પેદા થયા તે મેવાડા કહેવાયા..
  • ૪.વક્ષ:સ્થલથી પેદા થયા તે વંશ/વૈશ્ય કહેવાયા.

આ સુથાર એટલે સુત્રધારોએ પ્રભુ વિશ્વકર્માને પોતાએ શું કરવું ને કેવી રીતે જીવવું તે માટે ઉપદેશ કરવા સ્તુતિ કરી.. વિશ્વકર્મા ભગવાન પ્રસન્ન થયા.

આદેશ આપ્યો કે તમે શિલ્પશાસ્ત્ર પ્રમાણે પૃથ્વી પર હસ્તકળા વડે ઓજારથી વંશપરંપરા કાર્ય કરો તેમ કરવા ભગવાને ઓજારો પણ આપ્યાં. તે ઓજારોમાં ધ્રુવમર્કરી, સાધણી, કાટખૂણો, આવલંબ (ઓળંબો)દોરી, ગજને દષ્ટી ગણાય છે.

પછી કહ્યું હે પુત્રો આપની કોઈ ઈચ્છા કે માંગ હોય તો જણાવો..

પ્રથમ પંચોળી સુથારે કહ્યુ કે હે પ્રભુ અમારે શું કરવાનું?

પ્રભુએ કહ્યું.. તમે જનોઈ વગર શુદ્ર ધર્મને આચરનારા થશો પણ મારી ભક્તિથી તમે સર્વકાર્યમા ખ્યાતિ પામશો..

ગુર્જરે આશીર્વાદ માગતાં કહ્યુ કે પ્રભુ અમને શો આદેશ છે અને અમારે શું કરવાનું?

પ્રભુએ કહ્યુકે.. તમને ઉપવીનનો અધિકાર રહેશે નહીં. તમો ધર્મપરાયણ રહેશો તો જ યશસ્વી બની રહેશો.

મેવાડા સુથારોએ કહ્યું પ્રભુ અમને શો આદેશ છે?
પ્રભુએ કહ્યું.. તમે જનોઈધર્મ પાડશો ત્યાં સુધી વિશ્વબ્રાહ્મણ તરીકે ગણાશો અને હળાહળ કળીયુગમાં પણ ઉપનયન સંસ્કાર કરી જનોઈ ધારણ કરશો ત્યાં સુધી ધર્મ તમારી સાથે રહેશે..

મેવાડા અટક બીજી જ્ઞાતિમાં પણ છે.દા.ત. બ્રાહ્મણમાં મેવાડા અટક છે.. આ મેવાડા બ્રાહ્મણ મોટેભાગે ઉત્તર ગુજરાતમાં મૂળ ધરાવે છે.

બીજી એક પંચોળી અટક પણ બ્રાહ્મણમાં હોય છે.. પાંચાલ દેશમાં રહેવા વાળા બ્રાહ્મણો પંચોળી કહેવાય છે.

બીજી એક માન્યતા મુજબ મેવાડ નરેશ મહારાણા પ્રતાપ પર જ્યારે અકબરે ચડાઈ કરી.. રાણાજી વીરતાથી લડ્યા.. તે વેળા સલામતીના કારણોસર કેટલાય લોકોએ મેવાડ છોડ્યું હશે. તેમાં આ મેવાડા અટકધારી અનેક જ્ઞાતિઓ ગુજરાતમાં મેવાડથી સ્થળાંતરિત થયેલ હોઈ મેવાડા તરીકે ઓળખાઈ હશે.

અગાઉના સમયમાં પાટણ ગુજરાતનું પાટનગર હતું. ત્યારે કામધંધાને લક્ષ્યમાં લઈ પાટણમાં સ્થિય પણ થયા હોય.. પાટણની સુઆયોજિત રચનામાં આ સુતારોનો મોટો ફાળો પણ હોઈ શકે. તે સમયે બીજું એક નગર હતું ચાપાનેર ત્યાં પણ રાજસ્થાનથી આવી આ કોમ વસી હશે તેવું મનાય છે. અમારામાં મિસ્ત્રી, ગુર્જર મિસ્ત્રી, રાઠોડ, મિસ્ત્રી સુતાર, મિસ્ત્રી સુથાર,ગુજર સુથાર, લુહાર, પંચાલ પણ કહેવાય છે.

કેટલાક સુથારો મિસ્ત્રી પણ કહેવાય છે.. ગુજરાતી ભાષામાં આ શબ્દ પોર્ટુગીઝ શબ્દ, “મેસ્ત્રે” જેનો અર્થ “માસ્ટર” અથવા “ટીચર” (શિક્ષક) થાય છે, પરથી આવ્યો છે. મિસ્ત્રી, એ કુશળ કલાકાર અથવા કારીગરોના ઉપરી-દેખરેખ રાખનાર માટે ભારતમાં વપરાતો શબ્દ – અટક છે. ટુકમા કહીએ તો મિસ્ત્રી એટલે સુપરવાઇઝર..

તેમણે દીવના કિલ્લાનું બાંધકામ કરેલું – જે પાછળથી દીવ શહેર બન્યો. પોર્ટુગીઝો ૧૫૩૫ થી ૧૯૬૧ સુધી અહીં હાજર હતા અને તેઓ કારીગરોને તેમની કિલ્લો બાંધવાની ક્ષમતાને કારણે મેસ્ત્રે કહેતા હતાં.

અમારા સમાજમાં મિસ્ત્રીનો.. અર્થ કોન્ટ્રાકટર પણ થાય છે. મોટે ભાગે કચ્છના મિસ્ત્રીઓ રેલ્વે, પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ અને જંગલના ઠેકેદારો તરીકે કામ કરેલ .

ઘણાં પારસીઓએ પણ કોન્ટ્રાકટર તરીકે કામ કરેલું તેથી તેઓએ પણ આ અટક અપનાવી. દાખલા તરીકે, સોહરાબ મિસ્ત્રી જાણીતાં પારસી છે.
વિશ્વકર્મા ભગવાનના ગુજરાતમાં પંચોતેર જેટલાં મદિરો આવેલાં છે. તેમાં ભગવાનનું પંચમુખી સ્વરૂપ ફક્ત બે જ મંદિરોમાં એક ખેરાલુ અને બીજુ ગણદેવીમા સ્થાપિત છે. સુથાર જ્ઞાતિ સ્વમાની, ખમીરવંતીને સખાવતી છે. આ માટે તેમણે પાટણ પાસેના એક ગામનો કિસ્સો કહ્યો હતો તે તેનું પ્રમાણ છે..

#ખુમારીને_સ્વમાનનો_કિસ્સો:-

પાટણનુ એક ગામ નામે વડું… રાધનપુર નવાબના શાસનકાળમાં ગુનેગારને અહીં સજા સંભળાવવામાં આવતી હોવાનું મનાય છે. આ સ્થળે સદીઓ જુના પોલીસ થાણાના અને કસ્ટડી રૂમના અવશેષો મળી આવેલ છે. તે જગ્યા હાલ જર્જરિત હાલતમાં છે. લોકમાનસમાં બીક બેસી ગયેલી હોવાથી અહીં ખાસ કોઈ આવતું નથી.

અહીં આશરે ૯૦૦થી ય વધારે જુની વાવ આવેલી છે. શિલ્પ સ્થાપત્યનો સુંદર નમુનો હોવા છતાં આ વાવ ગોઝારી વાવ તરીકે ઓળખાય છે. આ વાવ વરસાદી પાણીથી ભરેલી રહે છે. ૧૫૦ફૂટ જેટલી ઉંડી હોવાનો અંદાજ છે. ગુજર,સુથાર સમાજના લોકો આ વાવનું કે આ ગામનું પાણી પીતા નથી.

જુનાકાળમા શાસકોની જોહુકમી અને શિયળ લુટવાના ફરમાનને એક યુવતી તાબે ન થઈ. પોતાનું શીલ જાળવવા આ વાવમાં પડી જીવ ત્યાગ્યો હતો. સુથાર સમાજે તેની યાદમાં એક મૂર્તિ પણ સ્થાપિત કરી છે. ગામના લોકો તેની પુજા અર્ચનાને બાધા પણ કરે છે.. કહેવાય છે કે આ યુવતીએ શ્રાપ આપેલ છે કે જે કોઈ આ પાણી પીશે તે દિવસે તે ભુખ્યોને તરસ્યો રહેશે. સમયાંતરે ગામ લોકોએ શ્રાપ નિવારણ માટે ત્યાં સિધવાઈ માતાને સ્થાપિત કરેલ છે.

#દાતારીનો_કિસ્સો:

સિધ્ધરાજ જયસિંહે રૂદ્રમાળ બનાવવા માટે ઉત્તર ભારતથી અમારા પૂર્વજ સુથાર અંગતજીને તેડાવેલા. તેમની દેખરેખ નીચે રૂદ્રમાળનુ કામકાજ ચાલેલુ.. તેના મહેનતાણા પેટે આશરે ૪૦૦વીઘા જમીન આપી વિસનગરમાં વસાવ્યા હતા. સંવત ૧૨૧૫માં અંગતજી વિસનગર આવીને વસ્યા હતા. સુથારોએે વિસનગરમાં નિલકંઠ મહાદેવનું મંદિર પણ બંધાવેલ. આ મંદિરના નિભાવ માટે પોતાની પાસેની જમીનમાંથી ૨૦૦ વીઘા જમીન દાન કરેલી. ત્યાર પછી ગોઝારીયા ગામ વસતાં તેમના વંશજો સંવત ૧૪૧૦માં ગોઝારીયા આવી વસ્યા હોવાનું કહેવાય છે.

આ સ્વમાની અને સખાવતી કોમે આપમેળે પોતાની હૈયા ઉકેલતને સખત પરિશ્રમથી શુન્યમાંથી સર્જન કરેલ છે.

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!