“પગી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 21

અમારા ગામના ધુળાજી પગી.. લાડકા નામે ધુળાપગી કહેવાતા..જાતે ઠાકરડા..

અમારા ગામની સીમની રખેવાળી રાખતા.. પુરાણા કાળમાં અમારા ચુંવાળ પંથકના ચોર ભારે કિમીયાગરને પંકાયેલા..

ધુળાજી સીમની ચોકીએ જાય ત્યારે હાથમાં ગજવેલનુ બનાવેલ ધારિયુ રાખે કમરે એક ગોફણ પણ બાંધી રાખે..ગમે તેવા ઝડપથી ભાગતા ચોરને એક જ ગોફણના પત્થરેથી ઘાયલ કરી દેવામાં એકો હતા. શરીરનો બાંધો એકવડીયો પણ ભારે બળુકા.. મોં પર મુછનો ભારો.. ગાલ પર મોટા થોભીયા.

મારી તેમની સાથે મુલાકાત થઈ ત્યારે તે વૃધ્ધ થઈ ગયા હતાને ચાલતી વેળા પગની પાની હેઠે અડાડી શકતા નહોતા.. વાતની શરુઆત તેમની ચાલવાની કાયમી ખોડથી કરી.. ખુલાસો કરતાં કહેલુ કે…..

આપણા ગામની સીમની મારી ચોકી.. સાંતી દીઠ દોઢ મણ દાણા વરસે લેવાના, ગામમાં કે સીમમાં જે કોઈ ચોરી થાય તેનો ચોર પકડી આપવાની જવાબદારી મારી રહેતી..

આખા પંથકના ચોર મારાથી બીવે.. ભલભલા ચોરને હું પકડી લેતો.. મારામાં પગેરૂ પકડવાની ભારે આવડત.. ચોરી બંધ.. ચોર બેકાર..તેમને હું આંખનાકણાની જેમ ખુંચતો હતો.

આ ગામચોકીની દાઝ રાખીને તે ચોરોએ મારી આ દશા કરાવેલી. આઝાદી મલું મલું હતી તે સમયની વાત છે.

આપણા ગામથી પહેલાં મોટા સ્ટેશન દેત્રોજના રેલ્વે સ્ટેશનેથી કેટલાક ચોરો રાતના અંધારે ત્યાં ઉભેલી માલગાડી(ગુડઝ)માં ચઢી જાયને નક્કી કરેલ જગાએ તેમના સાગરીતો ઉભા રહેને ત્યાં આ લોકો ગાડીના વેગનોમાંથી માલ સરકાવી નીચે ફેંકી દેને આગળના કટોસણ રોડ કે કોઇ મોટા સ્ટેશને ગુડઝ ઉભી રહે ત્યાં ઉતરી જાય.. આમ રેલ્વેના માલની ચોરી થતી..

એકવાર આ ચોરોએ મને ફસાવવા માટે આપણા ગામની સીમમાં રેલ્વે ગુડઝમાંથી ખાંડની બોરીઓ નીચે ફેંકી હતી. તે નીચે પડતાં જ ફાટી જાય તે સીધી વાત છે.

આ ચતુર ચોરો એ ખાંડને પછેડીઓમાં બાંધી વેરતા વેરતા મારા ઘર પાછળ આવ્યા અને બધી જ ખાંડ આપણા ગામ કુવામાં ખાલી કરી દીધી.. ચોર તો ચાલ્યા ગયા.. સવારે અંગ્રેજ પોલીસ પગીને સાથે રાખી રેલના પાટે પાટે તપાસ કરતી કરતી પગેરું લઈ મારા ઘર સુધી આવી પહોંચી..

પોલીસ મને પકડી ગઈ અને બીજા કોણ કોણ હતા તે મનાવા મને ખુબ માર મારેલ ત્યારથી હુ પગની પાની નીચે મુકી શકતો નથી..

અંગ્રેજના સૈનિકોની ચોરને ચોરી કબૂલ કરાવવાની પધ્ધતિથી મને ખુબ જ નવાઈ લાગી.. પછી અસલ ચોર પકડી આપવાની બાંહેધરી આપતાં મને છોડી મુકેલ.. તે ચોર મેં પકડાવેલ પણ ખરા !!

મારાથી પુછાઈ ગયું કે પોલીસ ચોરી કબુલ કરાવવા આટલું બધું મારે?

હા.. આ તો સારૂ હતું કે મને ગામના ચોરે જ માર્યો હતો. જો દેત્રોજના થાણે લઈ જઈ ગરગડીએ ચઢાવ્યો હોત તો કંઇ કામનો જ ન રહ્યો હોત..

દેત્રોજના પોલીસ સ્ટેશનના વાડામાં એક વરખડીનુ ઝાડ હતુ તેના પર બાંધેલી એક ગરગડીએ દોરડુ લટકાવેલુ રહેતું…

તહોમતદાર ગુનો ન કબુલે તો તેને એક દોરડાથી બાંધી તેને ઉપર ખેચવામાં આવતો.. નીચે થોર મુકાતા.. ચોરી ન કબુલે તો દોરડુ ઢીલુ મુકી દઈ થોર પર પછાડવામાં આવતો.. આમ અંગ્રેજો ગુના કબુલાવતા હતા…

મે તેમને પ્રશ્ન કર્યો કે તમે પગેરુ કેવી રીતે જોતા હતા? શું સાચે જ સાચા ચોર પકડાતા?

જવાબમાં કહ્યું કે..

મને કોઈ માણસને જોતાં જ તેના પગલાંનુ અવલોકન કરવાની ટેવ. તેની ચાલવાની જેમ કે તે ચાલતાં ચાલતાં પગની આંગળી કેટલી ઉંચી કે નીચી રાખે છે, પગની પાની પર કેટલો ભાર દઈ ચાલે છે, તેનાં આગળાં, અંગુઠો કેટલાં લાંબા, ટુંકાં, જાડાં,પાતળાં તે ખાસ જોતો અને મારા મગજમાં તેના પગની છાપ કાયમ યાદ રહેતી તેના પગલાં હુ ગમે તેટલા સમય પછી પણ ઓળખી જતો..

આ ઉપરાંત જો ચોર જોડા પહેરી ચોરી કરવા આવ્યો હોય તો પણ તે છાપ મારા મનમાં કાયમ યાદ રહી જતી હતી.

કેટલાક ચતુર ચોરો પગીને અવળે રસ્તે દોરવા અવળા બુટ પહેરે પણ છાપ જોઈ તેના પગલાંથી પડતા ખાડા જોઈને પકડી પાડતો હતો.

એક પટેલની ભેંસ ચોરાઈ ગઈ. પગેરુ મારે જોવાનું થયુ. ચોર પકડવાની પગીને શીખ પણ મળતી. તે ચોર ઘોડી લઈ આવેલો.. ભેંસને સાંકળે બાંધી પોતે પગેરુ ન પકડાય માટે ઘોડી પર બેસી ભેંસને દોરતો લઈ ગયેલો.. મારા પગેરાનાં અવલોકને આવ્યું કે ઘોડાના પાછલા પગની નાળ નીકળી ગયેલી હતી. પછી નાળ નાખનાર લુહારને મળી કહી રાખ્યું કે કોણ આ પગની નાળ નંખાવવા આવે છે તે જાણ કરજે.. આમ મેં એ ચોર પકડી વાળોતરી અપાવી ભેંસ પાછી અપાવેલી.

મારો પ્રશ્ન: આ વાળોતરી અપાવી એટલે શું?

જવાબ: તે સમયે ઢોર ચોરી મોટાપાયે થતી હતી. અંગ્રેજની પોલીસ બહુ કડક.. નજીકના વિસ્તારમાં ચોરીનું ઢોર કોઈ લે નહીં. વેચવા માટે દુર દુર જવું પડે તો પકડાઇ જવાય.. આથી આ ઢોરચોરો ઢોરને ચોરી ખાસ જગાએ સંતાડી રાખે.. ગામદીઠ એકાદ આગેવાન કે જેના પર ચોરોને પાકો ભરોસો હોય તેને વચ્ચે રાખી અમુક રકમ મેળવી ઢોર રાતે પાછુ બાંધી જાય તેને વાળોતરી કહેવાતી હતી. કોક વાળોતરીયા મલાઈ પણ ખાતા હતા.

પ્રશ્ન:પગેરા સિવાય બીજી કોઈ રીત ખરી?

હા રાતના સુનસામ વાતાવરણે ચોરની અવર જવર ખરખાઇ જાય. ચોર પોતાના જુદા જુદા પક્ષીઓના અવાજ કાઢી પોતાના સાગરીતોને ઈશારા કરે.. હું પણ આવા ઈશારાઓનો જાણકારને ચોરોનો ય બાપ. હું ય સામો ઈશારો આપી ઝડપી ય લેતો.. પકડાય તો મારી મારી મુર્ગો ય બનાવી દઉં.

આ પછી પણ રાતના સુનકારમાં કોઈ સંચાર થાય તો કેટલાંક પક્ષીઓ જેમ કે ચીબરી અવાજ કરે.. અસલ નકલ અવાજ પરખાઈ જઉં.. ચોર ક્યાં છે? કઈ બાજુ જઈ રહ્યો છે? કેટલા ચોર હશે? તે ચીબરીના અવાજથી જ પારખી જતો..

આમ મારી ચોકીમાં કોઈ ચોરની હિંમત ચાલતી નહીં.

તમારા કાળમાં મહા કાબેલ ચોરીના કોઇ કિસ્સા યાદ હોય તો કહેશો..

ચોરોને ઘરફોડ ચોરીની મોસમ આમ તો ચોમાસું ગણાય પણ બહુ ભીંસમાં આવી જાય તો ગમે ત્યારે ચોરી કરી લે.ઉનાળાના દિવસો હતા ઘરધણી ગામડાની રીતભાત પ્રમાણે રાત્રે ઘરબહાર ખુલ્લામાં જ સુએ. એક રાતે ચોર ઘરમાં ઘુસ્યો. ઘરધણીને ખબર પડી ગઈ હતી તેણે ઉભા થઈને દરવાજો બહારથી બંધ કરી દીધો. ચોર આયો,ચોર આયો બુમ પાડી ફટોફટ લોક ભેગું થઈ ગયુ્ તેના સાથી જે બહાર તેના બચાવે સંતાયેલા હતા તે ભાગે તો પકડાઈ જાય તેમ લાગતાં ટોળામાં જ ભળી ગયા.

આમેય ટોળાને અક્કલ ન હોય તેમ પોલીસ બોલાવી પોલીસને આવતાં વાર લાગી.. પોલીસની હાજરીમાં દરવાજો ખોલવાનું નક્કી થયું. લોકોને પોલીસ સાબદી થઈ ગઈ. દરવાજો ખુલ્યો. ચોર હાથમાં તલવાર ખુલ્લી રાખી વાંકોવાંકો દોડી નીકળ્યો અને તેના સાગરિતોએ પણ ભગાડવામાં મદદ કરી.. પાછળથી ખબર પડી કે ચોરે સાંબેલા પર ગોદડી વીંટી માથાથી ઉપર રહે તેમ બાંધ્યુ હતું જેથી પીઠ પર વાગે નહીં. આવા કાબા ચોર જ ચોરી કરી શકતા.

બીજી એક ચોરી ઈડરના પહાડ પર આવેલ જૈન દહેરાસરની પંચધાતુની મૂર્તિની ચોરીની છે. ચોરો છેક ઈડરથી ચાલતા ચોરી કરી ઘેર આવેલા હતા. તેઓ રાતે ચાલેને દિવસે ચોરીની મૂર્તિ લઈ સંતાઈ જાય.. વાટખર્ચી નાની મોટી ચોરી કરી ઉભી કરી લે.. આમ કરતાં કરતાં લગભગ દશેક દહાડે ઘેર પહોંચ્યા..

બે ચાર દિવસના વિરામ પછી માલ વેચવાનું નક્કી કરી એકને મૂર્તિ સંતાડી. પગેરૂંને બાતમીદારો સાબદા કરાયા. ચોરી કરવાની પધ્ધતિથી અનુમાન કાઢ્યું કે નક્કી ચોર ચુંવાળના જ હોય..

હજી માલ વેચે તે પહેલાં જ ગામના મુખીની પુછપરછને સ્થાનિક બાતમીદારોએ તે શક સાચો હશે તેમ જણાવ્યું.

એક પરોઢિયે રાતના ત્રણ વાગે અનેક પોલીસ સ્ટાફ લઈ ગોરાઓએ ગામને ઘેરી લીધું. ચકોર ચોરને પોલીસ રેડનો ખ્યાલ આવી ગયો. કોઈને ય પોલીસ ગામબહાર જવા દેતી નહોતી..

સવારે બધા જ ઘરોની જપ્તિ પછી જ ગામ બહાર જવા દેવાશે. તેમ કહેવામાં આવતાં જ આ ચોરે બાઈના કપડાં પહેરી પેટ પર મૂર્તિ સંતાડી માથે સાડલો ઓઢી.. સંડાશ જવા બહાને ગામ છોડી દીધું હતું.

બીજા એક કિસ્સામાં ચોર ચોરી કરે તે પહેલાં જ બુમાબુમ થતાં ચોર દિવાલ પર ચઢી ભાગવા ગયો. લોકોમાંથી કોઈએ તેનો પગ પકડી પાડ્યો. ચોરે જોરથી ચીસ પાડી ઓ બાપ રે એ પગ છોડી દે ત્યાં વાગેલ છે બીજો પકડી લે..

ભોળા માણસને દયા આવી તે પગ છોડી બીજો પકડવા ગયો ત્યાં ચોર દિવાલ પર ચઢી ભાગી છુટ્યો..

મારો પ્રશ્ન: તમે ઠાકોર કે ઠાકરડા કેમ કહેવાવો છો?

આમ તો અમે સેલોત ઠાકરડા તરીકે ઓળખાઇએ છીએ. મુળ અમે કોળી.. અમદાવાદ જિલ્લામાં મહદઅંશે અમારી વસ્તી ઠાકોર ઠાકરડા ગણાઈએ છીએ. અમારા વડવાઓને જ્ઞાતિ વનરાજ ચાવડાની રાજગાદી સ્થપાઇ ત્યારે પ્રજા રાજ્યના સૈન્ય,અર્ધસૈન્ય તરીકે રાજપુતો,ભીલો અને લડાયક જુથો સાથે સતત પલોટાતી રહી તેમાં ભળતી રહી છે તેથી રાજપુત ઠાકોરો
ભીલો ઠાકોરો અને કોળી ઠાકોરોની ભેદરેખા અસ્પષ્ટ થતી ગઈ.

આથી અમારામાંના કેટલાક પાટણવાડીયા અટકે ઓળખાય છે.

અમે અમુક વિસ્તારોમાં ચુંવાળીયા કોળી તરીકે ઓળખાઈએ છીએ.અમારી કોમ હવે ખેતીમાં વળી છે.સ્વભાવે નમ્ર ખરી પણ સ્વાભિમાનીને સંપીલી છે.

પ્રશ્ન:તમારી કોમ લડાયક હતી તો તેની છાપ કેમ જળવાઈ નથી?

અમે રજપુત સામંતશાહીના સમયમાં લડાયક ગણાતા હતા.મુસલમાનોનાં આક્રમણોમાં કેટલાક રજપુતોએ સત્તા ગુમાવી પછી મરાઠાને પછી અંગ્રેજ સત્તા આવીઅને આ સત્તાઓ આવતાં સત્તા પરિવર્તનનો મોટોભોગ અમે બન્યા.કેમ કે…. તેમનું પોતાનું લશ્કર હતું. આમ અમો લડાયક કોમ હોઈ અમારા પર બહારની આવી સત્તાઓએ ધાક બેસાડવા અમારી પર ભીંસ વધતાં તેના પ્રત્યાઘાત રૂપે અમારી આ શક્તિ ચોરીને લુંટફાટ તરફ વળી હતી.

પ્રશ્ન: ગુજરાત ભરમાં કોળીની મોટી વસ્તી છે તો બધા જ કોળી એક જ કે અલગ?

જવાબે જણાવ્યું કે..

  • ગુજરાતમાં મુખ્ય પાંચ જાત જોવા મળે છે.
  • ૧)ચુંવાળીયા કોળી
  • ૨)તળપદા કોળી
  • ૩)ઘેડિયા કોળી
  • ૪)ખાંટ કોળી
  • ૫)વળાંકિયા કોળી.

આ પછી પણ કેટલાક પ્રકારો પ્રદેશ આધારિત પણ હોય છે જેમ કે…

સુરત પાસેના ભીમપોરના ભીમપોરિયા,મૂળ દિવના તે દિવેચા,રાવળ પંથકના રાવળીયા કોળી,મહી નદીને ચરોતરના મેવાસી કહેવાય છે.આમ તો અમારી જાતિ માં કોળી-રાજપુત,કોળી રાજા,ટોકરે, મતીયા,કોળી-દરબાર, મલ્હાર, કોળી ઠાકોર, કોળી પટેલ,કોળી કાંઠાળ,પઢાર કોળી, રાઠવા કોળી,ખારવા કોળી,પાટણવાડિયા, બારૈયા,ડોંગરા,ઈડરિયા,કચ્છી કોળી,ખાંટ, ખસિયા, ઘેડિયા, ગામેચા વિગેરે આવે છે.

પ્રશ્ન: તમારી વસ્તી ગુજરાતમાં ક્યાં ક્યાં છે?

એક તો અમારી…

>> ઉત્તર ગુજરાતમાં ખાસ રીતે લડાયકને ખુમારીવાળી,

>> મહીકાંઠામાં ગુલામીની જંજીરો ન વેઠનારીને અંગ્રેજ સલ્તનતનો ભારે વિરોધ કરનારી,

>> દરિયાકાંઠાના ખારવાનો ઈતિહાસ તો.જગજાહેર છે.

>> ભાલ કાંઠામાં તો ગામોનાં ગામો કોળી પટેલથી ભરેલાં ખેતીથી સધ્ધર પણ..

>>દક્ષિણ ગુજરાતમાં તળપદાની વસ્તી અડધાથી ય વધારે છે.મુળે તે મોટી જમીન ધરાવતા હતા પણ અજ્ઞાનતાને લીધે જાળવી શક્યા નહીં.જો કે આજે પણ મોટાભાગે ખેડુતો જ છે.

>> કાંઠા પ્રદેશ એટલે વલસાડ ના દરિયાકાંઠે કેટલાક અગરમાં કામ કરે છેને કેટલાક હવે અગરના માલિકો પણ છે.

>> આમ અમારી જ્ઞાતિએ દેશ અને સમાજ માટે ગૌરવવંતી કામગીરી કરેલી છે.

પોસ્ટ વાંચેલી નોંધોના આધારે અને લોકમુખેથી સાંભળેલ વાતોએથી……

ચિત્ર સાંકેતિક છે….

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!